Thursday, October 20, 2016

દિવાળી સ્ટ્રાઈક્સ..

     વ્રજેશે સવારમાં ઊઠીને આળસ મરડી. પથારીમાં પગ આઘાપાછાં કરીને માંડ પલાંઠી વાળી. "વજન ઉતારવું પડશે સાલું પલાંઠી ય નથી વળતી" એવું કંઈક બબડીને એણે ખુલ્લી બારીમાંથી બહાર જોયું અને સહેજ મલકાયો.ને પછી એકદમ સફાળા ઊભા થઈને બહાર દોટ મુકી. એને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. બગીચામાં ઝાડુવાળો નારણ પોતાનો ફેવરીટ કેસરી અને જાંબલી પટ્ટાવાળો શર્ટ ને ચોકડાવાળું બર્મુડા પહેરીને બગીચો વાળી રહ્યો હતો. લાગલા જ એના પર ધસી જઈને વ્રજેશે એને કોલરેથી પક્ડ્યો. " એ ગધેડા, કંઈ અક્કલ જેવું આપ્યું છે કે નહીં ભગવાને? આ મારું શર્ટ છે. ક્યાંથી લાયો? ચોરી કરે છે ને પાછો અહીં જ પહેરીને આયો? " અચાનક થયેલાં હુમલાથી નારણ હેબતાઈ ગયો ને  ત..ત..પ..પ.. અ..અં...જેવા વ્યર્થ ઉદ્ગારો કરવા માંડ્યો. "સું કક્કો બારાખડી બોલે છે? ક્યાંથી લાયો ?" જરા કળ વળતા નારણ બોલ્યો: "સાએબ, મુંને ભાભીએ કાલે જ આ બુસકોટ આપ્યું હે ને કહ્યુ હે કે અબ્બાર જ પેરવાનું હે. "  ભાભીનું નામ આવતા વ્રજેશ જરા કુણો પડ્યો. સફાઈ અભિયાન જાણે સર્જિકલ સ્ટ્રાઈકમાં ફેરવાઈ ગયું હોય એવો વ્રજેશને અહેસાસ થયો. ઘરમાંથી જ આટલા ભવ્ય દગાની એને કદી કલ્પના કરી નહતી. ત્રણ ફલાંગમાં તો એ પાછો ઘરમાં હતો ને રુમમાં જઈને જોયું તો સર્જિકલ સ્ટ્રાઈકનો શક ખાતરીમાં પલટાઈ ગયો. રુમમાં પથારીઓ ફરી ગઈ હતી. હજી હમણાં સુધી તો બધું બરાબર હતું ને એકદમ આ ધોળે દહાડે ચોરી થઈ હોય એવો સીન હતો. પલંગ પરથી ગાદલાં ,ઓશિકાં ,ચારસા બધું જ અદ્રશ્ય. બારીનાં પરદાની પાછળ ધૂળ જામેલી ખુલ્લી બારીઓ જાણે ગાઈ રહી હતી કે પરદે મેં રહેને દો , પરદા ન ઊઠાઓ.. બારીની બહાર ડોકું કાઢીને જોયું તો રુમના બધા અદ્રશ્ય દાગીના તડકે તપવા માંડેલાં.  ડઘાઈ ગયેલો વ્રજેશ કોઈને કંઈ પુછે એ પહેલાં જ રુમમાં વ્રજેશભાર્યા ગોપિકાની એન્ટ્રી પડી. " ચલો , ચા નાસ્તો મુક્યા છે ટેબલ પર . એનો પાર પાડીને કામે લાગો. આમ ઠોયાની જેમ વચ્ચે ન ઊભા રહેશો. દિવાળી તો આ આવી બારણે. અહીં કામના પાર નથી ને તમે કામ કરાવવાના ન હોવ તો બહાર જાવ. " સર્જિકલ સ્ટ્રાઈકની પોસ્ટ ઈફેક્ટ જેવો આ ડાયલોગ સાંભળતા જ વ્રજેશને મેન્ટોસ પીપરમિંટ ખાધા વિના જ દિમાગમાં બત્તી થઈ કે દિવાળી નજીક હોવાને લીધે આ સ્વચ્છતા અભિયાનનું રણશિંગુ ફુંકાયુ છે.


જવાબની રાહ જોયા વિના જ ગોપિકા નોનસ્ટોપ બોલ્યે જ જતી હતી. "ઘર કહેતા ય સરમ આવે એવું ઘર કરી મુકો છો તમે લોકો. અહીં આખો દિવસ આ બધામાંથી જ પાર નથી આવતો.જ્યારે ને ત્યારે મારે તમારા ત્રણની પાછળ પાછળ ફરવાનું કે કોણ  ક્યાં લાઈટ પંખો બંધ કરવાનું ભુલી ગયું?એક કામ એવું નહીં હોય કે તમે લોકોએ પાધરું કર્યું હોય. આ તો સારુ છે કે હું મળી બાકી બીજી કોઈ તો ક્યારની છૂટી થઈ ગઈ હોત..." હજુ આ પુણ્યપ્રકોપ ચાલુ જ રહેત પણ ભલું થજો કાળુ પસ્તીવાળાનું કે એણે આવીને પોતાના આગમનની છડી પોકારી ને મેથ્યુ કે કેટરીનાથી ય વધુ વિનાશકારી વ્યંગબાણનું જોર મંદ પડ્યું. વ્રજેશ હાશ કહીને એક ખુરશી પર ગોઠવાયો અને હમણા હુમલો થશેના અંદેશા વચ્ચે  છાપાંમાં નજર ફેરવી રહ્યો. કાળુ અને ગોપિકા, બંને માઈક ગળી ગયા હતા અને એમાં ભગવાન વોલ્યુમ કંટ્રોલર ચોક્કસપણે ભુલી ગયો છે એવું વિચારતા વ્રજેશને બંનેના સંવાદો બરાબર સંભળાતા હતા. ગોપિકા પોતાનું હિન્દી ભાષાનું જ્ઞાન પ્રદર્શિત કરી રહી હતી. '' અંગ્રેજી ઓર ગુજરાતી છાપા કા ભાવ સરખા થોડીના હે? મેગેઝિન ઓર સાદી ચોપડી કી થપ્પી અલગ રખના હેં કે.." સામે રાજસ્થાની  કાળુ પોતાનું ગુજરાતી જ્ઞાન ઠાલવી રહેલો. " બક્ષી કાઢી નાંખવાના છે? કાન્તિ ભટ્ટ પણ? ને આ વિનોદ ભટ્ટ? એમને તો રાખો.સાહેબને પુછી જુઓ. ગઈ વખતે તમે એમને પુછયા વિના કંઈ આપી દીધેલું તો કેટલી માથાકુટ કરેલી મારી સાથે. બબાલ નહીં ચાહિએ.અમે ગરીબ લોગ.." બસ હવે , સબ પુછ કે હી પસ્તી નિકાળી હે. તુમ તુમારે લે જાવ. " બક્ષી ને વિનોદ ભટ્ટના નામ સાંભળીને વ્રજેશ પસ્તી જોખાતી હતી ત્યાં આવ્યો. " કહુ છું, આ તો રહેવા દે. બહુ મુલ્યવાન છે આ પુસ્તકો તો. " ને ગોપિકા વળી વિફરી : " કંકોડા મુલ્યવાન? આ કાળુ એક ચોપડીનાં પાંચ રુપિયા ય આપવા તૈયાર નથી. હવે આયા જ છો તો આ છાપાંમાં જરા નજર નાંખી લો કે એકે ય કુપન બાકી નથી રહી ગઇને ? આ વખતે પ્લાસ્ટિકનું ટબ મફત આપવાના  છે આ ભરેલા ફોર્મ પર. એકાદી રહી જસે તો ગિફ્ટ જસે. કુપન પાંચ રુપિયાની વેચે છે ચોરકંપનીઓ.આ ય એક ધંધો જ થઈ ગયો છે ને હે? સું કહો છો તમે?ને તમારા બે ય નમુના આવે એટલે કહી દેજો કે મારી હડફેટે ના આવે . આજે આપણો પિત્તો ખસેલો છે. ખાવામાં તમને ચોખ્ખાઈ ને હાઈજીન જોઈએ છે તો જ્યાં રહો છો ત્યાં ચોખ્ખું નથી રખાતું? ક્યાં જાય છે તમારી હાઇજીનતા ? ...."
"હાઈજીનતા ખોટો શબ્દ  છે. એને.."
"ઈંગ્લિસમાં મારે તમારા કરતા વધારે માર્ક આવતા તા એટલે મને તો શીખવાડશો જ નહી કે સાચું સું ને ખોટું સું? "
 વ્રજેશ ચુપચાપ છાપાંની કુપનની કતરણ કલામાં જોતરાયો. બપોર થતાં જમી પરવારીને વળી ગાદલાઓને લાકડી વડે 
ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે ગોપિકાને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ જતા ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા  કરીને ચીડવતું હોય એવો ભાસ થયો. ને  ગોપિકા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં વ્રજેશને પરસેવો પરસેવો વળી ગયો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં વ્રજેશે પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી. બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. અચાનક જ ગોપિકા બોલી: "તે હું કહેતા ભુલી ગઈ કે એક ગાદલું ફાટેલું છે તો એ બહાર જ રહેવા દેવાનું હતું. ફરી ભરાવી લઈશું એટલે નવું નક્કોર. ૩૦૦-૪૦૦ આપીએ એટલે પુરું. "
વ્રજેશ પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ ને એ ગાદલું ખરેખર કેટલાંમાં પડ્યું એની મનોમન ગણતરી માંડી. 


ખોંખારો : દિવાળી પહેલાં તમારી કોઈ ચીજવસ્તુ ગુમ થાય તો દિવાળી  પછીના રવિવારે રવિવારી બજારમાંથી શોધી લેવી. 

PUBLISHED IN MUMBAI SAMACHAR,THURSDAY,20/10/2016, લાડકી.."મરક મરક " 

7 comments:

  1. નસીબવંતો વ્રજેશ! અ. સૌ. ગોપિકાએ એને શરૂઆતમાં જ વિકલ્પ આપ્યો, "જો કામ ન કરાવવાના હો તો બહાર જાઓ" એ મોટા ભાગના મર્ત્યોને નથી મળતો. "જો કામ ન કરાવવાના હો તો" ત્યાં થી અધ્યાહાર અને થથરી ઉઠેલ જીવડો, "અરે એવું તે હોય કાંઈ, હે હે હે હે" બોલતો ઝાપટ ઝુપટે જોડાઈ જાય છે.

    ReplyDelete
  2. ગોપિકા એ ગુજરાતી ભાષાના કમ્પ્યૂટર કોડ ભાષાભારતીનું નામ છે. તમોએ એને દિવાળીમાં ઝાપટઝૂપટ કરતા બહેનને નામ આપીને ગુજરાતી ભાષાનો દ્રોહ કર્યો છે. સજા મળશે...જરૂર મલસે...

    લિ. ‘ભાઈ’બંધબાબા...
    www.binitmodi.com

    ReplyDelete
  3. આજે મારી વર્ષગાંઠના દિવસે સવાર સવારમાં આપની આ હાસ્યમય ભેટે તો જલસો કરાવી દીધો. હવે આખું વરસ આવું જ જશે. આભાર.

    ReplyDelete
  4. આજે મારી વર્ષગાંઠના દિવસે સવાર સવારમાં આપની આ હાસ્યમય ભેટે તો જલસો કરાવી દીધો. હવે આખું વરસ આવું જ જશે. આભાર.

    ReplyDelete
  5. અને હું તો માનતો'તો કે મેં મારી અંગત વ્યથાઓ ક્યાંય ઠાલવી નથી! આ તો લેખ બની ગયો!😊

    ReplyDelete
  6. અને હું તો માનતો'તો કે મેં મારી અંગત વ્યથાઓ ક્યાંય ઠાલવી નથી! આ તો લેખ બની ગયો!😊

    ReplyDelete