Showing posts with label મરક મરક. Show all posts
Showing posts with label મરક મરક. Show all posts

Thursday, October 20, 2016

દિવાળી સ્ટ્રાઈક્સ..

     વ્રજેશે સવારમાં ઊઠીને આળસ મરડી. પથારીમાં પગ આઘાપાછાં કરીને માંડ પલાંઠી વાળી. "વજન ઉતારવું પડશે સાલું પલાંઠી ય નથી વળતી" એવું કંઈક બબડીને એણે ખુલ્લી બારીમાંથી બહાર જોયું અને સહેજ મલકાયો.ને પછી એકદમ સફાળા ઊભા થઈને બહાર દોટ મુકી. એને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. બગીચામાં ઝાડુવાળો નારણ પોતાનો ફેવરીટ કેસરી અને જાંબલી પટ્ટાવાળો શર્ટ ને ચોકડાવાળું બર્મુડા પહેરીને બગીચો વાળી રહ્યો હતો. લાગલા જ એના પર ધસી જઈને વ્રજેશે એને કોલરેથી પક્ડ્યો. " એ ગધેડા, કંઈ અક્કલ જેવું આપ્યું છે કે નહીં ભગવાને? આ મારું શર્ટ છે. ક્યાંથી લાયો? ચોરી કરે છે ને પાછો અહીં જ પહેરીને આયો? " અચાનક થયેલાં હુમલાથી નારણ હેબતાઈ ગયો ને  ત..ત..પ..પ.. અ..અં...જેવા વ્યર્થ ઉદ્ગારો કરવા માંડ્યો. "સું કક્કો બારાખડી બોલે છે? ક્યાંથી લાયો ?" જરા કળ વળતા નારણ બોલ્યો: "સાએબ, મુંને ભાભીએ કાલે જ આ બુસકોટ આપ્યું હે ને કહ્યુ હે કે અબ્બાર જ પેરવાનું હે. "  ભાભીનું નામ આવતા વ્રજેશ જરા કુણો પડ્યો. સફાઈ અભિયાન જાણે સર્જિકલ સ્ટ્રાઈકમાં ફેરવાઈ ગયું હોય એવો વ્રજેશને અહેસાસ થયો. ઘરમાંથી જ આટલા ભવ્ય દગાની એને કદી કલ્પના કરી નહતી. ત્રણ ફલાંગમાં તો એ પાછો ઘરમાં હતો ને રુમમાં જઈને જોયું તો સર્જિકલ સ્ટ્રાઈકનો શક ખાતરીમાં પલટાઈ ગયો. રુમમાં પથારીઓ ફરી ગઈ હતી. હજી હમણાં સુધી તો બધું બરાબર હતું ને એકદમ આ ધોળે દહાડે ચોરી થઈ હોય એવો સીન હતો. પલંગ પરથી ગાદલાં ,ઓશિકાં ,ચારસા બધું જ અદ્રશ્ય. બારીનાં પરદાની પાછળ ધૂળ જામેલી ખુલ્લી બારીઓ જાણે ગાઈ રહી હતી કે પરદે મેં રહેને દો , પરદા ન ઊઠાઓ.. બારીની બહાર ડોકું કાઢીને જોયું તો રુમના બધા અદ્રશ્ય દાગીના તડકે તપવા માંડેલાં.  ડઘાઈ ગયેલો વ્રજેશ કોઈને કંઈ પુછે એ પહેલાં જ રુમમાં વ્રજેશભાર્યા ગોપિકાની એન્ટ્રી પડી. " ચલો , ચા નાસ્તો મુક્યા છે ટેબલ પર . એનો પાર પાડીને કામે લાગો. આમ ઠોયાની જેમ વચ્ચે ન ઊભા રહેશો. દિવાળી તો આ આવી બારણે. અહીં કામના પાર નથી ને તમે કામ કરાવવાના ન હોવ તો બહાર જાવ. " સર્જિકલ સ્ટ્રાઈકની પોસ્ટ ઈફેક્ટ જેવો આ ડાયલોગ સાંભળતા જ વ્રજેશને મેન્ટોસ પીપરમિંટ ખાધા વિના જ દિમાગમાં બત્તી થઈ કે દિવાળી નજીક હોવાને લીધે આ સ્વચ્છતા અભિયાનનું રણશિંગુ ફુંકાયુ છે.


જવાબની રાહ જોયા વિના જ ગોપિકા નોનસ્ટોપ બોલ્યે જ જતી હતી. "ઘર કહેતા ય સરમ આવે એવું ઘર કરી મુકો છો તમે લોકો. અહીં આખો દિવસ આ બધામાંથી જ પાર નથી આવતો.જ્યારે ને ત્યારે મારે તમારા ત્રણની પાછળ પાછળ ફરવાનું કે કોણ  ક્યાં લાઈટ પંખો બંધ કરવાનું ભુલી ગયું?એક કામ એવું નહીં હોય કે તમે લોકોએ પાધરું કર્યું હોય. આ તો સારુ છે કે હું મળી બાકી બીજી કોઈ તો ક્યારની છૂટી થઈ ગઈ હોત..." હજુ આ પુણ્યપ્રકોપ ચાલુ જ રહેત પણ ભલું થજો કાળુ પસ્તીવાળાનું કે એણે આવીને પોતાના આગમનની છડી પોકારી ને મેથ્યુ કે કેટરીનાથી ય વધુ વિનાશકારી વ્યંગબાણનું જોર મંદ પડ્યું. વ્રજેશ હાશ કહીને એક ખુરશી પર ગોઠવાયો અને હમણા હુમલો થશેના અંદેશા વચ્ચે  છાપાંમાં નજર ફેરવી રહ્યો. કાળુ અને ગોપિકા, બંને માઈક ગળી ગયા હતા અને એમાં ભગવાન વોલ્યુમ કંટ્રોલર ચોક્કસપણે ભુલી ગયો છે એવું વિચારતા વ્રજેશને બંનેના સંવાદો બરાબર સંભળાતા હતા. ગોપિકા પોતાનું હિન્દી ભાષાનું જ્ઞાન પ્રદર્શિત કરી રહી હતી. '' અંગ્રેજી ઓર ગુજરાતી છાપા કા ભાવ સરખા થોડીના હે? મેગેઝિન ઓર સાદી ચોપડી કી થપ્પી અલગ રખના હેં કે.." સામે રાજસ્થાની  કાળુ પોતાનું ગુજરાતી જ્ઞાન ઠાલવી રહેલો. " બક્ષી કાઢી નાંખવાના છે? કાન્તિ ભટ્ટ પણ? ને આ વિનોદ ભટ્ટ? એમને તો રાખો.સાહેબને પુછી જુઓ. ગઈ વખતે તમે એમને પુછયા વિના કંઈ આપી દીધેલું તો કેટલી માથાકુટ કરેલી મારી સાથે. બબાલ નહીં ચાહિએ.અમે ગરીબ લોગ.." બસ હવે , સબ પુછ કે હી પસ્તી નિકાળી હે. તુમ તુમારે લે જાવ. " બક્ષી ને વિનોદ ભટ્ટના નામ સાંભળીને વ્રજેશ પસ્તી જોખાતી હતી ત્યાં આવ્યો. " કહુ છું, આ તો રહેવા દે. બહુ મુલ્યવાન છે આ પુસ્તકો તો. " ને ગોપિકા વળી વિફરી : " કંકોડા મુલ્યવાન? આ કાળુ એક ચોપડીનાં પાંચ રુપિયા ય આપવા તૈયાર નથી. હવે આયા જ છો તો આ છાપાંમાં જરા નજર નાંખી લો કે એકે ય કુપન બાકી નથી રહી ગઇને ? આ વખતે પ્લાસ્ટિકનું ટબ મફત આપવાના  છે આ ભરેલા ફોર્મ પર. એકાદી રહી જસે તો ગિફ્ટ જસે. કુપન પાંચ રુપિયાની વેચે છે ચોરકંપનીઓ.આ ય એક ધંધો જ થઈ ગયો છે ને હે? સું કહો છો તમે?ને તમારા બે ય નમુના આવે એટલે કહી દેજો કે મારી હડફેટે ના આવે . આજે આપણો પિત્તો ખસેલો છે. ખાવામાં તમને ચોખ્ખાઈ ને હાઈજીન જોઈએ છે તો જ્યાં રહો છો ત્યાં ચોખ્ખું નથી રખાતું? ક્યાં જાય છે તમારી હાઇજીનતા ? ...."
"હાઈજીનતા ખોટો શબ્દ  છે. એને.."
"ઈંગ્લિસમાં મારે તમારા કરતા વધારે માર્ક આવતા તા એટલે મને તો શીખવાડશો જ નહી કે સાચું સું ને ખોટું સું? "
 વ્રજેશ ચુપચાપ છાપાંની કુપનની કતરણ કલામાં જોતરાયો. બપોર થતાં જમી પરવારીને વળી ગાદલાઓને લાકડી વડે 
ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે ગોપિકાને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ જતા ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા  કરીને ચીડવતું હોય એવો ભાસ થયો. ને  ગોપિકા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં વ્રજેશને પરસેવો પરસેવો વળી ગયો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં વ્રજેશે પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી. બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. અચાનક જ ગોપિકા બોલી: "તે હું કહેતા ભુલી ગઈ કે એક ગાદલું ફાટેલું છે તો એ બહાર જ રહેવા દેવાનું હતું. ફરી ભરાવી લઈશું એટલે નવું નક્કોર. ૩૦૦-૪૦૦ આપીએ એટલે પુરું. "
વ્રજેશ પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ ને એ ગાદલું ખરેખર કેટલાંમાં પડ્યું એની મનોમન ગણતરી માંડી. 


ખોંખારો : દિવાળી પહેલાં તમારી કોઈ ચીજવસ્તુ ગુમ થાય તો દિવાળી  પછીના રવિવારે રવિવારી બજારમાંથી શોધી લેવી. 

PUBLISHED IN MUMBAI SAMACHAR,THURSDAY,20/10/2016, લાડકી.."મરક મરક " 

Thursday, August 4, 2016

આયા મૌસમ...દોસ્તી કા....

મુંબઈ સમાચાર,૦૪/૦૮/૨૦૧૬ ગુરુવાર ,"મરક મરક "  ," લાડકી" પૂર્તિ ..
-  દેસાઈ શિલ્પા



યે દોસ્તીઈઈઈ..હમ નહીં તોડેંગેએએ...અહાહા,શું દોસ્તી હતી જય-વીરુની ! આજે આવી દોસ્તી બહુ જોવા નથી મળતી. તે એમ તો એવી બુલેટ બી નથી મળતી કે જેનું સાઈડકાર છુટું પડે ને કામ પતે એટલે પાછું જોડાઈ જાય. હજી ય વધારે ફ્લેશબેકમાં જઈએ તો કૃષ્ણ-સુદામાવાળા કેસમાં તાંદુલની પોટલી લઈને આવેલા સુદામાના તાંદુલ શ્રીકૃષ્ણે કેવા ટેસથી ખાધા હશે?કેવું લેવલ હશે દોસ્તીનું?હવે માણસ દોસ્તી માત્ર માણસ સાથે જ નહીં પણ આખેઆખી બેંક સાથે કરે છે.ને પછી માણસ બેંકનું દોસ્તીદાવે કરી નાંખીને રાતોરાત પરદેશગમન કરી જાય. બેંક પહેલાં દોસ્તીદાવે અને પછી શરમની મારી માણસ વિરુધ્ધ ખાસ કંઈ ઉકાળી ય ન શકે.દોસ્તી કરવી હવે ખતરોં કે ખેલાડી જેવું ડેન્જરસ થઇ ગયું છે. એટલે માણસ જુની જુની ,સાવ બાળપણની દોસ્તી તરફ વળ્યો છે. અને અહીં એન્ટ્રી પડે છે સ્કુલ કોલેજના મિત્રોના  રિ-યુનિયનોની. ઈન્સ્ટન્ટ યુગમાં નવી દોસ્તી કરીને 'પણ તેં કોફી કેમ મંગાઈ?" જેવાં કારણોસર ઈન્સ્ટન્ટ બ્રેકઅપ કરવું પડે એના કરતાં સ્કુલમાં ઈરેઝર કે પેન્સિલ  અને કોલેજમાં એક પડીકી માવો ઉધાર આપતાં હતાં એ જ ભાઈબંધ બેનપણી શું ખોટાં? કમ સે કમ બંને એટલું તો જાણતાં જ હોય કે એમાં સ્વાર્થ સહેજ પણ નહીં હોય!એટલે ચાલો રિ-યુનિયનમાં.ત્યારે ખબર પડે કે ૨૫ વર્ષ પહેલાં જેને આખી સ્કુલ "પાપડી " તખલ્લુસથી જ ઓળખતી હતી એ "પાપડી" અદોદળી અને જે " બકરી" નામથી જાણીતી હતી એને "ચરબીસમુદ્ર" કહેવું પડે એ પરિસ્થિતિ છે .લોકકલાકાર ભીખુદાન ગઢવીએ સરસ વાત કરી છે કે મિત્રો કેવા હોવા એ આપણા હાથની વાત છે. મિત્ર ખરાબ નીકળે તો એ આપણી પોતાની ભુલ છે પણ કોઈ સગું વાંકુ ચાલે તો એ વારસાઈ મિલકત સમજીને  સ્વીકારી લેવું પડે.મિત્રની પસંદગી કરી શકાય , સગાં વહાલાની નહીં.

સોસાયટીમાં સહુનો લાડકવાયો રોનક બાઈક પર દાખલ જ થયો ને સામા ચીનુકાકા મળ્યા એટલે રોન્કાએ શિષ્ટાચારમાં  બાઈક ઊભું રાખીને ખબરઅંતર પુછ્યા.જવાબ આપવાને બદલે ચીનુકાકા રોનકનાં જમણાં હાથે બાંધેલાં રંગબેરંગી પટ્ટાઓ સામે જોઈ રહ્યાં ને પ્રતિપ્રશ્ન કર્યો."અલ્યા ?? આટલી બધી રાખડીઓ? લાંબો થઈ જવાનો વહેવાર હાચવતા હાચવતા..રક્ષાબંધન વહેલી છે આતીફેરી? રોનક બોલ્યો : " ના ના કાકા, આ તો ફ્રેન્ડશીપ બેલ્ટ છે.રાખડી નથી.તમને ના ખબર પડે આ બધું. " 
"તારો ચીનુકાકો ભોટ છે એમ કહેવું છે તારું? અમને એટલું તો ખબર પડે છે હોં. ફ્રેન્સીપ તો અમારી વખતે હતી. એ ય ને એકબીજા વિસે બધ્ધી ખબર હોય. કોણ કોનું સુ સગુ થાય એ ય ખબર હોય.પણ અમારી  ભઈબંધીને આજે ય આવા પટ્ટા ફટ્ટાની જરુર નથી . તમારે તો સહેજ વાંકુ પડે એટલે બ્રેકઅપ થઈ જાય.અમે તો કેટલાં મનામણા પટામણા કરતા.કારણકે ભઈબંધ હોય એટલે આપણી બધી વાત જાણતો હોય.એમાં સાંકાબાપાની પોળમાં રહેતી સરુડી પર આપણે મરતા હોઈએ એ ય આઈ જાય.એટલે જો દોસ્તી તુટે ને પેલો દાઝનો માર્યો સરુડીવાળું ક્યાંક વટાણા વેરી દે તો પેલીને કેવું નીચાજોણું થાય? હવે તો રાજકારણમાં ય ઘડી ઘડીમાં કિટ્ટા બુચ્ચા થઈ જાય છે.થોડાં દિવસ પહેલાં સામે જોવાના સંબંધ ન હોય ને એ જ વેવાઈ બની જાય.સ્ટેજ પર સાથે બેસવું પડે તો ય એકબીજાંની સામે ય ના જોવે ને એક દિવસ એકદમ ઘરે જઈને પગે લાગે ને મિઠાઈ ખવરાવતા હોય એકબીજાને એવા ફોટા વાઈરલ થઈ જાય. દુશ્મન-દોસ્ત- દુશ્મન..પાછાં દોસ્ત..જબરું બધું..ને પાછાં એને નામ આપે "ગઠબંધન" કંઈ સમજ જ ના પડે.મને તો લાગે છે કે દોસ્તી શબ્દનાં જેટલાં અર્થ જોડણીકોશમાં ઘાટ્ટાં છે એટલાં જીવનમાં નથી.તારું સુ કહેવું છે એ વિસે?" દોસ્તી પર ભાષણની લાંબી ઈનિંગ રમીને કાકાએ રોનકને પુછ્યું.
"એંહ કાકા, આ બધું ક્યાં આવ્યું પણ ફ્રેન્ડશીપ ડેમાં? હું તો તમને જોઈને સહેજ કેમ છો પુછવા ઊભો રહ્યો તો તમે તો મારી જ વાટ લગાઈ દીધી. આપડે તો બેલ્ટ બાંધી બંધાવીને વટ્ટ મારવાનો કે જોઈ લો. આપણા આટલા બધા દોસ્તારો છે. ને કાકા ખાસ વાત એ છે કે આમાંના મોટાભાગનાં ફરી બેલ્ટ બાંધવાના કે કેમ એ ય પ્રશ્ન  છે . પણ શું છે કે કાકા,અમારી પેઢી move on થવામાં believe કરે છે .ફાવે ત્યાં સુધી સાથે હરવા ફરવાનું, નહીં તો જેશ્રીકૃષ્ણ. એમ કબાટો ખોલવા બેસીએ તો પાર જ ના આવે. આ તો ફાસ્ટ જમાનો છે કાકા. "
"તે જો એવુ જ છે તો કેમ તમે લોકો આ રિ-યુનિયનો કે શું કહો છો એ કરો છો? એ ય કબાટ જ છે ને? "
આ પ્રશ્નથી રોનકના ચહેરાની રોનક જરા ઓછી થઈ ગઈ.કંઈ જવાબ ન સુઝવાથી એણે કાકાને જેશ્રીકૃષ્ણ કહીને બાઈક ચલાવી મુકી.કાકા આજે એકદમ રમી નાંખવાના મિજાજમાં હતાં એટલે બાકી રહેલું ભાષણ પુરું કરવા એ જઈ પહોંચ્યા ભટ્ટજીને ઘેર. ભટ્ટજી કોઈની સાથે ફોન પર વાત કરતા જાય ને મલકાતા જાય. વચ્ચે વચ્ચે વળી "હા હા, યાદ છે ને.. કેમ નહીં? નાટકો કરતા એ તો બહુ યાદગાર દિવસો હતાં.ને પેલા મણિબેન યાદ છે? ફ્રાઈંગ પેનમાં તળાઈને આવી હોય એટલું લથબથ તેલ નાંખતી..તે ય પાછું સુગંધવાળું..બાપ રે..અડધું તો મને એ તેલની સુગંધથી જ એલર્જી હતી એટલે ડિસ્ટન્સ રાખેલું..ક્યાં છે એ મણિબેન? ને પેલો બચ્ચન? એ ક્યાં છે હમણાં? ઓકે સ્યોર મળીએ છીએ ફ્રેન્ડશીપ ડે એ આ વખતે . પાક્કું.બાય." વાત પુરી કરીને ભટ્ટજીએ કાકા આગળ વધામણી ખાધી." કાકા,આ રવિવારે અમારાં કોલેજફ્રેન્ડ્સનું રિ-યુનિયન છે.બધા છુટાંછવાયાં તો મળતાં હોઈએ કોઈવાર પણ આ વખતે અમે પાંત્રીસ જણા ભેગાં થવાનાં છીએ. ઈન્ટ્રેસ્ટીંગ ને?"
કાકાએ હા કહી ને એમના ફોનમાં જુના મિત્રોની યાદી બનાવવા માંડી. રિ-યુનિયન માટે સ્તો . 

ખોંખારો : 
તનુ: સોશિયલ સાઈટમાં આપણે ૫૦૦૦ મિત્રો છે.તારે કેટલાં છે?
મનુ : મારે ૪૯૯૮ કોન્ટેક્ટસ છે ને બે મિત્ર છે . 

Photo : Desai Shilpa 

Saturday, July 23, 2016

વરસાદ, દાળવડાં,મકાઈ.....

મુંબઈ સમાચાર,૨૧/૦૭/૨૦૧૬...લાડકી ..મરક મરક ..

ઓણ સાલ પણ વરુણ દેવતાએ રથયાત્રા પર મહેર કરી નથી.મીન્સ કે અષાઢી સુદ બીજે નીકળતી રથયાત્રા પર અમીછાંટણા થાય જ થાય એ આ વખતે પણ થયાં નથી. સહેજસાજ ભીંજાઈએ એટલાં જ છાંટા વરસાદ પડે એ "અમીછાંટણા" કહેવાય."છાંટોપાણી" એ પાછો  જુદો જ વિષય છે. દારુબંધીવાળા ગુજરાત રાજ્યમાં છાંટોપાણીની વ્યાખ્યા  જરા તરા પાણી વરસે કે બાટલીમાં તબદીલ થઈ જાય છે. છેલ્લાં થોડાં વરસોથી રથયાત્રાના બીજા દિવસે છાપાંઓને આ અમીછાંટણાવાળી હેડલાઈન બનાવવાનો મોકો મળતો નથી.હવે એવી રથયાત્રા ય ક્યાં હોય છે ?
વરસતા વરસાદમાં મકાઈ ખાવાનો મહિમા શું છે એ તો ભગવાન જાણે પણ મકાઈનું મહત્તમ વેચાણ ચાલુ વરસાદે જ થાય.સામાન્ય રીતે મોટી છત્રી નીચે તેલના ખાલી ડબ્બા પર મકાઈમાલિકે સ્થાન ગ્રહણ કર્યું હોય.સામે નાનકડી સગડી કે ઈંટ ગોઠવીને ચુલામાં કોલસો સળગાવીને એના પર તવો મુકેલો હોય ને તવા પર ફાઈનલ પ્રોડક્ટ 'મકાઈ" શેકાતી હોય. ચાર પાંચ નંગ શેકેલી મકાઈ ડેમોસ્ટ્રેશનાર્થાય મુકેલી હોય. ખરીદનારને બહુ ઉતાવળ હોય તો આ ડેમો પીસમાંથી જ ફરી ગરમ કરીને મીઠંુ મરચું વગેરે મસાલો ભભરાવીને આપી દે. વડોદરા તરફ જતાં રોડની ધાર પર  અમેરિકન મકાઈ ઢગલેમોંઢે વેચાતી દેખાય. અહીં મકાઈ બાફીને ખાવાનો રિવાજ છે. મોટા મોટા તપેલામાં પાણી ઉકળતું જ હોય.આ વેચાણકેન્દ્રોની પાછળ ખાડા ખાબોચિયામાં ભરાયેલા વરસાદી કે વગર વરસાદી પાણી જોઈને એકવાર તો એવી શંકા જાય જ કે તપેલામાં જે પાણી ઉકળે છે એ આ સુલભ પાણી જ હશે. પણ પછી પાણી ઉકળે એટલે પીવાલાયક થઈ જ જાય એવી માન્યતાની જીત થાય અને લોકો આ મકાઈ ખાવા લાઈન લગાવે.  મકાઈ" ખાધો" કહેવું કે " ખાધી " એ વિશે મતમતાંતર ખરાં પણ સ્વાદના મામલે બધાં એકમત.
વરસાદમાં દાળવડાંને અનેરું મહત્વ મળ્યું છે.  શ્રી કૃષ્ણે "વડાંમાં હું દાળવડા છું " એવું કદાચ આધારભૂત સૂત્રોને જણાવ્યુ નહીં  હોય અથવા દાળવડા ખાવાની ઉતાવળમાં જણાવવાનું રહી ગયું હશે એટલે એ વિશે ક્યાંય નોંધ કે ઉલ્લેખ વાંચવા મળતો નથી. ગલીએ ગલીએ દાળવડાંની લારી કે ખુમચા ચોમાસાની ઋતુ પુરતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.ને ભાગ્યે જ કોઈ નસીબનો નબળો હશે કે એણે વાસી દાળવડા વેચવા પડે.મુળભુત રીતે લીલાશ પડતા પણ તળાય એટલે રંગ બદલીને જરા લાલાશ પડતાં દાળવડાંની પ્લેટમાં દાળવડા સાથે તળેલું લીલું મરચું અને ગુલાબી ઝાંયવાળી સમારેલી ડુંગળી અજબ રંગછટા ઊભી કરે છે અને પ્લેટધારકને દાળવડા ખાવા લલચાવે છે. ડુંગળીએ જ્યારે અસહ્ય ભાવવધારાને લીધે બધાને રડાવેલાં ત્યારે કેટલાંક સાહસિકોએ ડુંગળીની અવેજીમાં સમારેલી કોબીજ મુકી જોઈ હતી જેથી રંગ વૈવિધ્ય જળવાઈ રહે.સદ્નસીબે ડુંગળીના ભાવ ઓછાં થયાં અને આ અખતરાનો અકાળ અંત આવ્યો.
છત્રી અને રેઈનકોટ એ બે એવી વસ્તુ છે કે જેનો ઉપાડ ખરેખર સીઝનલ જ હોય.બાકી ઘણી દુકાનોમાં "સીઝનલ" પાટિયું ય બારેમાસ ઝુલતું હોય અને ત્યાં વેચાતી વસ્તુઓ ય ! છત્રીનાં બજારમાં વર્ષો સુધી છત્રીનો રંગ કાળો જ હોય એવી માન્યતા રહી પણ હવે અનેક રંગરુપવાળી છત્રીઓ બજારમાં ઉપલબ્ધ છે. જો કે ગમ્મે એટલાં રંગવાળી હશે તો ય ," છત્રી કાગડો થઈ ગઈ" માં કોઈ દિવસ બદલાવ નહીં આવે. છત્રી છત્રી તરીકે જ ઓળખાય છે એ એની વિશેષતા છે. ભાઈઓ માટે " જેન્ટસ છત્રી"- કદમાં થોડી મોટી અને બહેનો માટે કદમાં જરા નાની" લેડીઝ છત્રી ". રેઈનકોટમાં આવો કોઈ જેન્ડર બાયઝ નથી. કોઈ પણ રેઈનકોટ ગમે તે વ્યક્તિ પહેરી શકે. પણ તેમ છતાં ય બહેનો માટેનાં રેઈનકોટમાં પસંદગી વધુ વિશાળ છે.
રક્ષાબંધન  જેવો  મજબૂત તહેવાર ચોમાસા દરમ્યાન આવતો હોવાથી કપડાંનાં મોટાંભાગનાં સેલ આ સમયે જોવા મળે. તો ભેજયુક્ત વાતાવરણને લીધે ધોયેલાં કપડાં સુકવવાની તકલીફ અને ચિંતા બહેનોની માનસિક્તાનો લાભ  સૌથી વધુ વોશિંગ મશીનવાળા લે છે. કપડાં સાચવતા સાચવતા રસ્તે ચાલવું લગભગ અશક્ય બની જાય એવા સમયે ધોયેલાં કપડાં સુકવી આપતાં આ મશીનો આશીર્વાદ સમાન ખરાં. અમદાવાદમાં તો ભુવાઓ એટલા બધા પડે કે હવે અમુક જગ્યાએ ભુવો ન પડે તો લોકો અસુખ મહેસુસ કરે! ( ભુવો એટલે રસ્તા પર પડતો ઊંડો ખાડો,ઘણીવાર આખી બસે ભુવા-સમાધિ લીધાનાં ય દાખલા છે.)  
ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું હોય ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત ઋજુ હ્રદયધારકો હોય છે અને એમની કાવ્યાત્મક સર્જનાત્મક્તામાં નિફ્ટી કરતા ય વધુ ઝડપથી ઉછાળો આવે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.વરસાદમાં બહુ જ ટુંકા સમય માટે અવતરતા પાંખવાળા મંકોડા/ ફુદ્દાં ની માફક જ આ પ્રજાતિની સર્જક્તા પણ વરસાદ પુરતી ,મોટાભાગે વરસાદ બંધ થાય એ પહેલાં વિલાઈ જતી હોય છે.  આ પ્રજાતિના સભ્યો ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ સાઈટ પર અત્યંત સક્રિય હોય છે.ને ખાસ કરીને કાવ્ય પ્રકાર પર જ જુલમ કરતી જોવા મળે છે. આવી બળજબરીના લીધે રિયલ કવિઓને ઘોર અન્યાય થાય છે જે આ ફુદ્દાં-કવિઓ જાણતા હોવા છતાં સસ્તી પ્રસિધ્ધિ માટે નજરઅંદાજ કરે છે .
પ્રેમલા પ્રેમલીઓ માટે ચોમાસું શ્રેષ્ઠ ઋતુ છે . ફિલ્મોમાં ખાસ વરસાદનાં દ્રશ્યો ફિલ્માવીને વકરો વધારવાના કિમીયો કરવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે વરસાદી પ્રણય દ્રશ્ય જે ફિલ્મમાં હોય એ હીટ જ જાય એવી અંધશ્રધ્ધાને લીધે જરુરી હોય કે ન હોય,વરસાદની ઋતુ હોય કે ન હોય ફિલ્મમાં એવું દ્રશ્ય ઘુસાડવામાં આવતું.કૃત્રિમ વરસાદ માટે શાવરનો ઉપયોગ રાજ કપુરથી વધારે કોઈએ નહીં કર્યો હોય. વરસાદી પ્રણય દ્રશ્યોમાં મોટાંભાગે ગીતોની મદદ લેવાઈ છે એ કારણ કદાચ પેલાં ફુદ્દાં-કવિઓને પ્રેરણારુપ લાગતું હો ય તો નવાઈ નહીં.  મહાન  કોમેડિયન ચાર્લી ચેપ્લિને એકવાર કહેલું કે "આઈ ઓલવેઝ લાઈક વોકિંગ ઈન ધ રેઈન , સો નો વન કેન સી મી ક્રાઈંગ."
 
ખોંખારો: વરસાદ આવે ત્યારે...
અરેન્જ્ડ  મેરેજવાળા ભજિયાં બનાવડાવે ને લવ મેરેજ વાળા લોન્ગ ડ્રાઈવ પર જાય.
( વોટ્સપ પર વાઈરલ  )