Sunday, May 17, 2015

કહેવતો - રુઢિપ્રયોગો: કાકનજરે..મણકો -૩

કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે. 

"પગ" સંબંધી કહેવતો/રુઢિપ્રયોગોમાંથી ચુંટેલા નવ કહેવતો /રુઢિપ્રયોગો અત્રે પ્રસ્તુત છે.

૧.પગમાં પાંખ ફૂટવી:to explode wings in foot .



૨.પગ કુંડાળામાં પડવો: to drop foot in a circle 

૩.પગ તળેથી જમીન ખસવી :floor moving under the foot 


૪. પગ છૂટો કરવો:to dismiss the foot 

૫.પગ જમાવવો :to curdle the foot

૬.પગે કીડીઓ ચડવી: ants climbing on feet 

૭.પગ ભારે થવા: foot becoming heavy 

૮.પગ તૂટવા : having fracture in foot

૯.પગમાં ચક્કર હોવું : having disc in foot


જાહેર જનતાના હિતમાં જારી: 



૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.

Wednesday, May 6, 2015

મારાં કસરતના પ્રયોગો:


"કાકભટ્ટ, તમે સહેજ વધારે ઓવરવેઈટ છો."
"એટલે? સહેજ ઓવરવેઈટ? કે વધારે ઓવરવેઈટ?" 
ઉત્તરમાં એ મધમીઠું હસી .બસ એટલું જ . ને પછી એ મધમીઠીએ કસરતના ફાયદાની એણે ગોખેલી યાદી વર્ણવી દીધી. ને તરત જ ફોર્મ પણ ભરાવી દીધું" કાલથી જ તમે ચાલુ થઈ જજો" ખુશ થતાં થતાં અમે ત્યાંથી વિદાય લીધી.
બીજા દિવસે શાર્પ ૮ ના ટકોરે જિમમાં હાજર. ચારેકોર અરીસા.. વચ્ચે વચ્ચે સલમાન ખાન , બિપાશા બસુ અને જોન અબ્રાહમ જિમમાં ધ બેસ્ટ સાથે કસરત કરતા હોય એવા ફોટોગ્રાફ્સ પણ એન્લાર્જ કરીને લગાવેલાં હતા જે શોભામાં અભિવૃધ્ધિ કરતા હતા. તો   કસરતનાં સાધનો પણ ધ્યાન ખેંચે એવી રીતે વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. એક બાજુ ખૂણામાં બિપાશા બસુ ,જેન ફોન્ડા જેવાં દેશી વિદેશી કસરતપ્રેમીઓની કસરતની સીડી / ડીવીડી વેચાણાર્થે મુકેલી હતી. જુદી જુદી કંપનીઓના નીવડેલાં -નહીં નીવડેલાં પ્રોટીન શેક્સ પણ અમે જોયાં.રુમમાં ત્રણ જગ્યાએ" જિમમાં મોબાઈલનો ઉપયોગ માત્ર સંગીત સાંભળવા કરવો" એવી સુચના મોટાં અક્ષરે લખેલી હતી .સાત આઠ તંદુરસ્તી-વાંચ્છુઓ કસરતના જુદા જુદા દાવ અજમાવી રહ્યાં હતાં .એક ભાઈ અન્યો કરતાં વધારે ખડતલ અને વધારે પડતા ઉત્સાહી જણાતા હતા. એટલાંમાં કયાંકથી પેલી મધમીઠી પ્રગટ થઈ." એ આપણા ઈન્સ્ટ્રક્ટર છે. આખ્ખા શહેરમાં ધ બેસ્ટ . "ને એણે ધ બેસ્ટને બોલાવ્યો.સામાન્ય પરિચયવિધિ પછી અમારો હવાલો ધ બેસ્ટે સંભાળ્યો ને પુછ્યું: " અગાઉ કસરતનો અનુભવ ખરો? િજમમાં કઈ કઈ કસરતો કરવાની હોય છે એનો કોઈ આઈડિયા? " અમે હા કહી . ધ બેસ્ટ જરા પ્રભાવિત થયા હોય એમ લાગ્યું.
 " કોઈ જિમમાં જવાનું થયેલુ ? " 
 "ના ના". 
" તો?" 
"આ યુ-ટ્યુબ પર બધાં વિડીયો મુકતાં હોય છે ને.. એટલે.." 
ધ બેસ્ટનું મુખારવિંદ આશ્ચર્ય અને આઘાતથી ખુલ્લું રહી ગયું .જરાવાર રહીને એમને કળ વળી . પણ વાચા પાછી આવતા સહેજ વાર થઈ.પછી એમણે મને જિમની tour કરાવી.સૌ પહેલાં અમે ટ્રેડમીલ તરીકે ઓળખાતા મશીન નજીક ગયાં 
.અને મશીન કેવી રીતે ચાલુ કરવું,ઝડપ,ટાઈમરની સમજ આપી જેમાં અમારી ચાંચ ડુબી નહીં.અમથેઅમથું દસશેરીયું "હા" માં ધુણાવીને અમે બીજા મશીન તરફ ગયાં.ટુંકાક્ષરીમાં કંઈ લખેલું હતું " આ તમારા કામનું નથી" અચંબિત થઈને અમે એમને જોઈ રહ્યાં.
"આ પગ ફેક્ચર થયું હોય એના માટે છે ખાસ "
  "ઓહ  ઓકે" 
ત્યાંથી આગળ એક સાયકલ હતી. "આને સ્ટેિટક બાઈક કહેવાય. આ ગીયર છે, આમાં પણ ટ્રેડમીલની જેમ ટાઈમર, સ્પીડ    કંટ્રોલ કરી શકાય. આ કેલરી બર્ન થઈ એનું ડિસ્પ્લે છે .ખ્યાલ આવ્યો?" એમને કદાચ શંકા ગઈ હશે મારી સમજણશક્તિ માટે? જે હોય તે..હા કહીને અમે ખુણે મુકેલાં મશીન પાસે ગયાં.હલેસાંમાંથી કન્વર્ટ કર્યા હોય એવા મોટાં મોટાં ફુટસ્ટેપ વાળુ કોઈ  સાધન હતું . નામ લખ્યું ન હતું એટલે પેલાં ધ બેસ્ટને ય ખબર નહીં હોય કારણકે એણે નામ ન કહ્યું.હલેસાં પર ઊભાં રહીને હેન્ડલ પર હાથ મુકવાના અને હાથ-પગ બંનેની મુવમેન્ટ સાથે કરવાની એવી સાદી સમજ મેળવીને આગળ વધ્યાં .
"આ ય એક પ્રકારની સાયકલ જ છે.તમે પેલી સાયકલ પર કસરત કરો તો આની જરુર નહીં"
"ઓકે"
એક ટેબલપર ડંબેલ્સ નાના મોટાં દડાં પડેલાં જોયા ને અમે કશું કુતુહલ દર્શાવીએ એ પહેલા જ ધ બેસ્ટે ફેંસલો સુણાવી દીધો: ડંબેલ્સ કે વેઈટ લીફ્ટીંગના ચકરડાંની તમારે જરુર નથી. તમારે મેઈનલી ટ્રેડમીલ અને સાયકલીંગ જ કરવાનું છે" 
અમને જરા રાહત જેવું લાગ્યું. અમારો મુખ્ય હેતુ વજન ઉતારવાનો હતો. એ કેવી રીતે ઉતરે છે એનું મહત્વ ખાસ નહતું . 
"બસ તો.. શુઝ સારામાંના લેજો.કપડાં તમને અનુકુળ અાવે એ. આવતીકાલથી તમે ચાલુ "
અમે રાજી રાજી થતાં વિદાય લીધી. સાંજે ખાસ જિમમાં જવા માટે મોંઘા લાગ્યા તો ય ફોરેનની જાણીતી કંપનીના શુઝ અને મેચિંગ ટ્રેકસૂટ લીધાં. રકઝક કરીને ૫% ડિસ્કાઉન્ટ લીધું જે બહાર નીકળીને "કાલથી જિમ ચાલુ કરવાનું જ છે .આજે ખાઈ લઈએ મસ્ત" એમ વિચારીને બટર વડાપાંઉ અને ભેળ ખાઈને પુરૂ કર્યું.
બીજા દિવસે અત્યંત ઉત્સાહથી તૈયાર થઈને જિમ પર પહોંચ્યા. રુમમાં ત્રણ ચાર કસરતબાજ કસરત કરી રહ્યાં હતાં.એક સજ્જન સાયકલ પર પૃથ્વીની પરકમ્માએ નીકળ્યા હોય એમ એકધારી ઝડપ અને આજુબાજુ ક્યાંય જોયા વિના સાયકલીંગ કરી રહ્યાં હતાં.અમને કહેવાનું પ્રાપ્ત થવા દો કે અમે એમનાથી પ્રભાવિત થયા. એક બેઠ્ઠી દડી રગડી ન પડાય એટલે ખુરશીમાં ગોઠવાઈને હાથ આમતેમ કરતી નજરે પડી. તુચ્છકારભરેલું જોઈને અમે એમને મનમાં જ આળસુના પીર કહ્યું. બે જણાંને કાનમાં ભૂંગળા ખોસીને લયબધ્ધ હાથ-પગ ઉછાળતાં  જોઈને સરકસના જોકર યાદ આવ્યાં ને અમે જરીક મલકી લીધું .મોબાઇલનો ઉપયોગ સંગીત સાંભળવા જ કરવાનો હોવાથી અમે એનાં ભૂંગળા કાનમાં નાંખ્યા .


સદ્નસીબે ટ્રેડમીલ પર કોઈ વ્યાયામવીર ન હોવાથી અમે સીધાં ત્યાં જ પહોંચ્યા." જોજો હોં ભટ્ટજી..આજે પહેલીવાર આના પર ચાલો છો તો સાચવજો. ધીરે ધીરે સમય વધારજો. એક દિવસમાં કંઈ વજન નહીં ઉતરે .થાકી જશો એ લટકામાં. " અમે આભારભર્યું હસીને કર્યાં ટ્રેડમીલના. ને બીજી બાજુ મોબાઇલનું સંગીત પણ ચાલુ કર્યું. ઈડરિયો ગઢ જીતીને સિંહાસન પર આરુઢ થતાં હોઈએ એમ ટ્રેડમીલ પર પગ ગોઠવ્યાં .આજુબાજુ જોયું પણ કોઈને આ મહાન ઘટના વિષે જાણવાની પરવા નહતી. અમને આમ તો અભિમાન નહીં પણ આ બાબતે જરા ઈગો હર્ટ થયો. પણ ક્ષણમાત્રમાં હર્ટેલા ઈગાને ભૂલીને મશીન પર ધ્યાન આપ્યું.ધ બેસ્ટે સમજાવેલું તે માંડ માંડ યાદ આવ્યંુ  ને એમ અમે કસરતના શ્રી ગણેશ કર્યાં . ટાઈમર  ,સ્પીડ સેટ કર્યાં ને મશીન ચાલુ થયુ.ટાઈમર  વીસ મિનિટ પર સેટ કરેલુ. પણ રોકડી સાતમી મિનિટે તો અમે બાકીની તેર મિનિટ કેવી રીતે ચાલીશ? વિચારવા માંડ્યુ. અધવચ્ચે મશીન રોકવામાં પ્રેસ્ટીજ ઈશ્યુ નડે. એટલે શ્વાસ ધમણ કરતાં ય વધારે ફૂલી જવા છતાં ય વીસ વરસ જેટલી લાંબી વીસ મિનિટ પુરી કરી . ને ટ્રેડમીલ પરથી ઉતરતા તો ગિરનાર ઉતર્યા હોઈએ એમ પગ ગરબા ગાય.હવે સાયકલીંગનો વારો હતો.આમાં જરા ઓછી સ્પીડ રાખીશું તો થાક જરા ઓછો લાગશે એમ વિચારીને અમે સાયકલ પર બિરાજ્યા અને પેડલ મારતા જ હાયકારો નીકળી ગયો. બૂમ પાડીને પેલા બેસ્ટને બોલાવ્યો: " ભ'ઈ ..આમાં નિયમિત ઓઈલિંગ કરવાનું રાખો.ભયંકર હેવી લાગે છે." ધ બેસ્ટે અમને ધ વર્સ્ટ  ઉત્તર આપ્યો: "એ એવું જ હોય . વજન ઉતારવું કંઈ ખાવાના ખેલ નથી"વળી ઈગો હર્ટ થયો પણ "ક્ષમા વીરસ્ય ભૂષણમ "એ યાદ રાખીને માંડ માંડ પંદર મિનિટ પૂરી કરી .પાંત્રીસ મિનિટમાં તો વજન ઉતારવાના મકકમ સંકલ્પની ઈમારતના પાયા હચમચવા લાગ્યા . સાયકલ પતાવીને હલેસાં ભણી પ્રયાણ કર્યું પણ અમારા ચરણોએ રીતસરનો બળવો પોકાર્યો.એટલે જાણે કોઈ ફોન આવ્યો હોય એવી એક્ટિંગ કરીને " હા હા..ઓહો એમ? હા પહોંચુ જ છું.." જેવા સિંગલ સાઈડેડ કાલ્પનિક ડાયલોગો ઉચ્ચાર્યાં અને "ઘરે પહોંચવુ પડશે અરજન્ટ " એમ કહીને મધમીઠી અને ધ બેસ્ટનો આભાર માનીને બહાર ચાલવા માંડ્યું. હજી તો બહાર પહોંચીએ એ પહેલાં "ભટ્ટજી ઓ ભટ્ટજી, કાલે ડાયેટીશ્યન આવવાના છે તો થોડો ટાઈમ વધારે થશે" એવું પેલી ચિબાવલી એ બુમ પાડીને કહ્યું . ડાયેટ ચાર્ટ તો લખાવીએ અમે ...પણ કસરત??? ના .. હવે નહીં.
સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ તો વજન જે જાડાં હોય એનું વધારે પડે છે . એ લોકો એમના કામ કરતાં વધારે તંદુરસ્તીને લીધે વધુ પ્રખ્યાત હોચ છે. થોડાં મહિના પહેલાં યુકેમાં થયેલાં એક સર્વે અંગે છાપાંમાં સમાચાર આવેલાં : "બ્રિટીશ પોલીસ હવે ભારતીય પોલીસની માફક અદોદળાં થતાં જાય છે."અમારાં માનવા પ્રમાણે  બ્રિટીશરો ભારત પર દાયકાઓ સુધી રાજ કરી ગયેલાં તેની આ દૂરોગામી અસર છે. મેદસ્વીતા જગત આખાની ગંભીર સમસ્યા થતી જાય છે એટલે પોતાને રામ કપુર કે ટુનટુન ન થવા દેવા  સૌ પોતપોતાને અનુકુળ આવે એવાં નુસખાં ,પ્રયોગો કરતાં જ રહેવાનાં . 
क्रौंખારો- 
સ્વ. જ્યોતિન્દ્ર દવે એ પણ અખાડામાં પ્રયોગો આદરેલાં .એમનો અને અમારો હેતુ જુદો હતો એ વાત અલગ છે.અમે તો અહીં આવીને આધુનિક સાધનોની સમજ પણ મેળવી. એટલું ય કર્યું ને? કેટલા કરે છે એટલુ ય? 

Tuesday, April 28, 2015

કહેવતો - રુઢિપ્રયોગો: કાકનજરે..મણકો - ૨





કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે. 



આંખ સંબંધી કહેવતો/રુઢિપ્રયોગોમાંથી ચુંટેલા નવ કહેવતો /રુઢિપ્રયોગો અત્રે પ્રસ્તુત છે. 

૧. આંખે ચઢવું : to climb on eyes . 


૨.આંખમાં ધૂળ નાંખવી : to drop sand in eyes 


૩.આંખમાં કણાની જેમ ખૂંચવું : to hurt like a snake-child in eyes 


૪. આંખમાં ખુન્નસ આવવું : to come blood and vein in eyes 


૫. આંખ ઠરવી : to freeze eyes 

૬.આંખે જોયાનુ ઝેર હોવું: seen by eyes is poison 


 ૭.આંખમાં શનિ હોવો : to have saturday in eyes.


૮.આંખેથી ભાલા કાઢવા: To remove spears from eyes 


૯.આંખે આંસુનાં તોરણ બંધાવવા: To get tied hangings of tears on eyes.


જાહેર જનતાના હિતમાં જારી: 





૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.


Tuesday, March 24, 2015

અથશ્રી નસકોરાં કથા ..

થોડા દિવસ પહેલા એક મિત્રને મળવા જવાનું થયું. બધા ગપાટા મારતા હતા અને અચાનક નસકોરા બોલતા હોય એવો અવાજ આવવા મંડ્યો . અમે ઘડિયાળ માં જોયું . રાત્રીના ૧૦ થયા હતા એટલે યજમાન મિત્રના ઘરમાં કોઈનો સુવાનો સમય હશે એમ માન્યું પણ વળી જોયું તો યજમાનના દરેક કુટુંબીજનો તો અમારી સાથે બેઠા હતા તો આ નસકોરા કોણ બોલાવતું હતું ? શું અમારી વાતો એટલી બધી કંટાળાજનક હતી કે કોઈ સુઈ જાય એવો સંદેહ પણ જાગ્યો અમારા મનમાં . થોડીવાર સુધી તો તાલબધ્ધ નસકોરા ને ગણકાર્યા વિના વાતો ચાલુ રાખી પણ પછી અમારી ધીરજ ખૂટી અને યજમાન ને આ નસકોરા કોના છે એમ પૂછી જ પાડ્યું . યજમાન અમારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા . જરાવાર રહીને એમને ખ્યાલ આવ્યો કે અમે નસકોરા ના માલિક વિષે પૂછી રહ્યા હતા એટલે એમણે ફોડ પાડ્યો કે " અમારો ડોગી છે , એ સુઈ જાય ત્યારે આવા નસકોરા બોલે છે " આ પછી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે માણસ સિવાય કુતરા , બિલાડા , ગાય , બળદ , ઘેટા , ભેસ , હાથી , ચિત્તા , વાઘ , વાંદરા , ઘોડા, ખચ્ચર અને ઝેબ્રા પણ નસકોરા બોલાવવામાં સક્ષમ છે .


નસકોરા બોલાવવાના કારણો / ઉપાય વિષે વિશ્વમાં ઠેર ઠેર સંશોધનો થયા હશે પણ નસકોરા બોલવાની શરૂઆત એકઝેટ ક્યારથી થઇ હશે એ વિષે સંશોધન પ્રિય દેશ અમેરિકા ય સાવ અજાણ છે . નસકોરા બોલવાની શરૂઆત ક્યારથી થઇ એ તો યક્ષપ્રશ્ન છે પણ એની શરૂઆત ચોક્કસપણે નાકથી થઇ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .

અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ ' એ હું નહિ ' વાળું રટણ લગભગ દરેક નસકોરાવીર કરે છે . અતિશય થાક અથવા શ્રમ કર્યા પછી નસકોરા બોલવા એ સામાન્ય છે પણ એ સિવાય નસકોરા બોલાવા એ ભવિષ્યની બીમારીઓ તરફ ઈંગિત કરે છે. જે વ્યક્તિ ચરબીયુક્ત હોય , મેદસ્વી હોય એને નસકોરા બોલવા એ સહજ બાબત છે પણ એ વ્યક્તિઓના તીણી સિસોટી જેવા અવાજના નસકોરા બોલતા હોય એવું ય બને તો કોઈને રીક્ષાની ઘરઘરાટી જેવા , કોઈ ને શ્વાસ લેતી કે છોડતી એમ બેય વખત તો કોઈને બે માં થી એક જ વાર નસકોરા બોલે એમ બને. મોટાભાગે આ નસકોરાના બ્યુગલ થોડીવાર સતત સંભળાય પછી એના માલિક ઝબકી જાગી જાય એટલે એ પડખું ફરી જાય ને નસકોરા બંધ . વળી પાછા થોડીવાર રહીને રામ એના એ .


આપણા દેશમાં સહનશીલતાનો મહિમા દરેક ક્ષેત્રમાં વર્ણવાયો છે અને લગ્નસંસ્થા પર અતુટ વિશ્વાસ હોવાથી પતી-પત્ની બેમાંથી એક ને પણ જો નસકોરા બોલતા હોય તો બીજું પાત્ર મોટેભાગે ચલાવી લે છે . મારા એક મિત્રને નસકોરા ખુબ બોલે . એમના પત્નીની સહનશીલતા ની હદ આવી જાય ત્યારે એ પતિદેવને રીતસર હચમચાવી નાખે એટલે ભાઈ સફાળા જાગી જાય. જરાવાર તુતુમેમે ચાલે પછી બધું થાળે પડે . મિત્ર કોઈ પણ હિસાબે માનવા તૈયાર જ નહિ કે પોતાને આટલા બધા ભૂંગળા જેવા નસકોરા બોલે છે એટલે મીત્રપત્નીએ એક રાત્રે મિત્રના જ સ્માર્ટફોનમાં એમના નસકોરાનો ધ્વની રેકોર્ડ કર્યો . બીજા દિવસે સવારે ચા પીતી વખતે મેડમે પેલી રેકર્ડ ચાલુ કરી. મિત્રને એમ કે કોઈના નસકોરા છે એટલે એમણે સહજ પૃચ્છા કરી કે આ મિલના ભૂંગળા કોના છે . " તમારા " મીત્રપત્ની ઉવાચ . મિત્ર તો ચા કરતા ય વધારે ગરમ થઇ ગયા . ખાસ્સી રકઝક પછી એમણે સ્વીકાર્યું કે પોતાને નસકોરા બોલે છે . નસકોરાના ત્રાસને લીધે આપણા દેશમાં દંપતીઓના છૂટાછેડા નોંધાયા નથી પણ વિદેશોમાં તો છૂટાછેડા માટે આ એક મજબુત કારણ છે . ત્યાની પ્રજાની સહનશીલતા એક તો ઓછી અને એમાં ય લગ્નજીવન કરતા શાંતિથી ઊંઘવાનું એમને મન વધુ અગત્યનું છે !!!!!

ઘણીવાર આવા નસકોરા વીર સિનેમાગૃહ કે બસ / ટ્રેન માં ય ભટકાઈ જાય . સિનેમા જોવા આવે પછી કંટાળો આવે એટલે ઊંઘ ક્યારે આવી જાય એ ખબર ન પડે અને ભેગા નસકોરા ય તાલબધ્ધ ચાલુ થઇ જાય. એકબાજુ સિનેમા ચાલતી રહે ને બીજી બાજુ નસકોરા. અમારા એક પાડોશીને જ્યારે પુરતી ઊંઘ ન મળે ત્યારે ગમે તે ફિલ્મમાં ઘુસી જાય . સસ્તામાં સસ્તી ટીકીટ ખરીદે અને જેવી ફિલ્મ ચાલુ થાય એટલે એ ઊંઘી જાય. હોલમાં એ.સી. ચાલુ હોય એનાથી એમને રાહત મળે અને સહ્પ્રેક્ષકોને ફિલ્મની સાથે સાથે મ્યુઝીકલ નસકોરા નો લહાવો ય મળે સાવ મફત માં !!!!. મારી જ વાત કરું તો મને બસ કે ટ્રેન માં બહુ ઝડપ થી ઊંઘ આવી જાય. વાહનની એકધારી ગતિથી મને સરસ ઊંઘ આવી જાય અને મારી સાથેના મને એમ કહે કે " કેટલા નસકોરા બોલાવે છે !!! " ત્યારે હું માનવા જરાય તૈયાર નથી હોતી કે મારે નસકોરા બોલતા હોય .
સામાન્ય રીતે નસકોરા બોલાવતા હોય એ લોકો બીજાના નસકોરા સહન કરી શકતા નથી. છાપાનાં પાના ફેરવવાના ફરફર જેવા અવાજ થી પણ એમને ભયંકર ખલેલ પહોચતી હોય છે માટે એ લોકો રુમ મા એકલા સુવાનુ વધુ પસંદ કરે છે

નસકોરા બંધ થાય એ માટે જાત જાતના દાવ અજમાવાતા હોય છે . દા.ત. નાસ લેવો. નાસ લેવાથી શરદીનો નાશ થાય છે અને નસકોરા બોલતા હોય તો એ બંધ થાય છે એવી વ્યાપક માન્યતા છે. 

શેક લેવો : ઘણા લોકો નાસ લઇ ન શકતા હોવાથી કપડુ ગોટો વાળીને તવી પર તપાવે અને એનો શેક લેતા હોય છે.પણ આવા બધા દાદીમાના નુસ્ખાઓનુ અનુસરણ કરવાના ઉત્સાહ અને જોશ પર ત્રણ ચાર દીવસમાં જ નસકોરા ફરી વળતા હોય છે અને નુસ્ખાઓ યથાસ્થાને જતા રહેતા હોય છે.
અંતમાં , આદીલ સાહેબની ક્ષમાયાચના સાથે એમના શબ્દોમાં જરા ફેરફાર સહીત એમ કહી શકાય કે .....

' જયારે ઊંઘની જગમાં શરૂઆત થઇ હશે ,
ત્યારે પ્રથમ નસકોરા ની રજૂઆત થઇ હશે ' !!!!!

Tuesday, March 17, 2015

કહેવતો - રુઢિપ્રયોગો: કાકનજરે..મણકો-૧

કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે. 

કહેવતો અને રુઢિપ્રયોગો માટે મને પહેલેથી જરા પક્ષપાત રહ્યો છે .અોછાં શબ્દોમાં અસરકારક રીતે રજૂઅાત અે કહેવત /રુઢિપ્રયોગોની ખાસિયત છે. થોડાં સમય પહેલાં સાવ નિર્મળ અાનંદ માટે  થોડી ગુજરાતી કહેવતો/રુઢિપ્રયોગોનું અંગ્રેજીમાં શબ્દશ: ભાષાંતર કરવા પ્રયત્ન કરેલો.જેને જે-તે કહેવત કે રુઢિપ્રયોગના ભાષાંતર/અનુવાદ/ભાવાનુવાદ સાથે ઘણું છેટું હતું.ભાવાર્થ કે હાર્દ સમજ્યા વિના અન્ય ભાષામાં કહેવત/રુઢિપ્રયોગોનું ભાષાંતર કરવામાં સર્જાતાં રમૂજી છબરડાં અેટલે આ કહેવતો/રુઢિપ્રયોગોની યાદી,જેને કહેવત-કોષ ને બદલે કહેવત-દોષ કહેવું ઉચિત છે. રોબર્ટ ફ્રોસ્ટે ભલે માત્ર કવિતા માટે  લખ્યું હોય કે ''poetry is what gets lost in translation ' -કહેવત કે રુઢિપ્રયોગો માટે  ય અેટલું જ લાગુ પડે છે. 
 બીરેન કોઠારીનો ખાસ અાભાર કે અેમના ધક્કા વિના મેં કદાચ અા રમૂજી અનર્થ બ્લોગ પર મુકવાનું હજી ટાળ્યું જ હોત .


આ વખતે આ યાદીમાં પ્રાણીઓને લગતાં કહેવતો અને રુઢિપ્રયોગો સમાવવામાં આવ્યાં છે.


માંકડને આંખો આવવી: tick gets conjunctivitis  











કીડી માથે કટક : cuttack on the head of an ant 



શેરને માથે સવા શેર quarter past one lion on the head of a lion 


 • સંઘર્યો સાપ પણ કામનો stored snake is also useful 

સાપ ગયા લિસોટાં રહ્યાં snake went scratches left

માપે ગજના ગજ વેતરે કંઈ નહીં: measures elephants' elephant.. Cuts nothing 


ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?squirrel of roasted thin cracker of wheat flour does not know the taste of sugar 

બે પાડાની લડાઈમાં વાડનો ખો નીકળવો: the game of " kho" got out because of fighting of two mr.buffaloes

ધરમની ગાયના દાંત ન જોવાય :can't see teeth of religion's cow 


ભેંસ ભાગોળે છાશ છાગોળે ઘર ધમાધમ : buffalo bha-jaggory-e buttermilk chha-jaggory-e house is noisy .

                                      *************************************
 જાહેર જનતાના હિતમાં જારી :
૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.