Friday, October 16, 2015

બોનસ—બઉ નસ ખેંચાય ભૈ..

નોરતાં કહેતાં નવરાતરાં કહેતાં નવરાત્રિનો ઉત્સવ રંગેચંગે શરૂ થઈ ગયો છે ને લોકો ઊછળી રહ્યા છે. શૅરબજારમાં સેન્સેક્સ ઉપરનીચે જાય એનાથીય વધારે સ્પીડમાં લોકો ઊછળે અને નીચે પછડાય છે. તફાવત માત્ર રિધમનો છે. સેન્સેક્સ ઉપરનીચે થાય એની કોઈ રિધમ નથી. ક્યારેક એમાં ક્લાસિકલ સંગીતની પેટર્ન આવે તો ક્યારેક રૉક-બૅન્ડની. પણ ગરબાની રમઝટની એક અલગ જ પેટર્ન છે. જેની પત્નીઓ ગરબામાં દોઢિયા, પોપટિયા, હીંચ, તીન તાળી ને ચલતી ને એવું બધું રમતી હોય ત્યારે એ ઘટનાના ભાગીદાર થવાને બદલે સાક્ષીભાવે પ્રેક્ષક બની રહેતા પતિની માનસિકતા કેવી હશે એ વિશે હજુ સુધી કોઈ સંશોધન થયાનું જાણમાં નથી. જોકે, કાકભટ્ટે અનધિકૃત રીતે કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે જેની પત્ની ગરબામાં મહાલવા જાય છે એ પતિ નવરાબેઠા આઝાદીનો આનંદ લેતાં લેતાં આંગળીના વેઢે દિવાળીના દિવસો ગણવાનું શરૂ કરી દે છે. એક એક વેઢો ઘટતો જાય એમ એમ એના ચહેરા પર મલકાટ અને ભય સરખા ભાગે છવાયેલાદેખાય છે. મલકાટ દિવાળી નજીકમાં છે એટલે બોનસ આવશે... એનો અને ભય એ બોનસનો ઉપયોગ કેવી રીતે થશે એનો. હવે તો સ્ત્રીઓ પણ નોકરી કરતી થઈ છે એટલે ગરબાનાં કૂંડાળામાંય બોનસનાં ઉપયોગ વિશે તાલબદ્ધ ચર્ચાઓ સંભળાઈ જાય છે.

બોનસ એ આગોતરી જાણથી લાગેલી શ્યોર-લૉટરી છે. બૅન્કમાં વ્યાજે મૂકેલાં નાણાં પર 8%થી 9% વ્યાજ કેટલું થાય એનો અંદાજ કાઢવામાંય દસ મિનિટથી વધુ સમય લગાડતાં ગણિતમાં સાવ “ઢ” હોય એનેય પગારના 8.33% કેટલાં થાય એ ગણતાં બે મિનિટ પણ નથી થતી! આ બોનસનો કરિશ્મા છે. આ 8.33%વાળું લૉજિક અમને આજ પર્યંત સમજાયું નથી. કેટલીક કંપનીઓમાં બોનસની ટકાવારી કંપનીના વાર્ષિક નફા અને ખાસ તો બૉસના મિજાજ પ્રમાણે નક્કી થાય છે. પૂરા પગાર પર ચૂકવાતું બોનસ એટલે કે એક આખા પગાર સાથે એક પગાર ફ્રીવાળું બોનસ સૌથી લાડકું ગણાય છે. કારણ કે કામ કરવા/કરાવવા માટે તેરમો મહિનો તો લાવી શકાવાનો નથી એટલે એક પગાર એક્સ્ટ્રા આવે તો.... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી... હર્ષદ મહેતાની તેજી વખતે અમુક કંપનીઓએ તેમનાં કર્મચારીઓને બે બે વધારાના પગાર આપીને બખ્ખાં કરાવેલાં. પણ પછી મંદી આવી તો... એ જ કંપની ધારકો, કર્મચારીઓના આખેઆખા પગાર ચાંઉ કરી ગયેલાં. જોકે કાયદા પ્રમાણે 8.33% બોનસ ફરજિયાત ચૂકવવાપાત્ર હોવાથી કંપનીઓ ટ્રસ્ટો, પ્રાઇવેટ બિઝનેસ કરનારાઓ એટલી જોગવાઈ અલગથી રાખે જ છે.

અમદાવાદમાં મિલો બંધ થઈ કે થાઉં કરતી હતી ત્યારે ખાસ દિવાળી ટાણે મિલકામદારોના જીવ અધ્ધરતાલ રહેતા. વાઘબારસ પસાર થઈ જાય અને ધનતેરસે બોનસ અપાય ત્યારે એમના ચહેરા પર ઊંચકાતા ભાવો જોઈએ તો એ પોતે જ મિલમાલિક હોય એવા ભાવો વંચાતા. બોનસ સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના વચ્ચેના સમયગાળામાં અપાતું હોય છે. પરદેશોમાં જાતજાતની ગિફ્ટ-કૂપનો દ્વારા બોનસઅપાય. આમ જોવા જઈએ તો બોનસ દિવાળીએ મારેલો “મિસ કૉલ” છે. જેમ “મિસ કૉલ” આવે અને આપણે સામો કૉલ કરીએ તો કોઈ વાર ભારે પડી જાય, બિલકુલ એમ જ જો પતિ-પત્નીના બોનસની તારીખ એકબીજાંને અને ઘરના અન્ય સદસ્યોને ખબર હોય તો એ આવે પહેલાં જ વપરાઈ જાય છે.

• બોનસનો ઘટનાક્રમ : સારું કામ શરૂ કરતાં પહેલાં મોં મીઠું કરવામાં આવે એ ન્યાયે ઘરમાં શીરો, લાપસી કે કંસાર બને.જેથી બોનસ પૂરેપૂરું સારી રીતે વપરાઈ જ જાય.
• બોનસ હાથમાં આવે એટલે તીનપત્તીમાં પાનાં વહેંચાય એમ જુદાં જુદાં ખર્ચા ખાતે પૈસા વહેંચાય.
• બોનસનું કામ કેવી રીતે તમામ કરવાનું છે એ નક્કી જ હોય એટલે આ ફાળવણીનો ખેલ પાંચ-સાત મિનિટમાં જ ફીંડલું વળી જાય.
• તોય કોઈ ને કોઈ ચીજવસ્તુ તો આ વખતના બોનસમાંથી બાદબાકી કરવી જ પડે એવી નોબત અત્ર-તત્ર-સર્વત્ર આવે જ આવે.
• બોનસ ટાણે મોટા ભાગનાં ઘરોમાં હાસ્યોલ્લાસ અને સુમેળભર્યું વાતાવરણ રહે. જેને જેને બોનસ મળવાનું એને અપાતા સામાન્ય માનમર્યાદામાં તાત્કાલિક ઉછાળો આવે.
• કપડાં-જૂતાંમાં સામાન્ય સંજોગોમાં ટાંકા-ટેભા કરીને ચલાવી લેવાતું હોય પણ બોનસ નામની જાદુઈ છડી આવે કે ઘરમાં બ્રાન્ડેડ કપડાં અને જૂતાં કંપનીનાં નામ બધાં બોલતાં થઈ જાય. બાળકોને મમ્મી-પપ્પાનું બોનસ આવે ત્યારે એમને ગમતી ચીજવસ્તુઓ અપાવવાની લૉલીપૉપ પકડાવી દેવામાં આવે.
• કોઈ વાર વળી પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાના મોહમાં બોનસની જીવાદોરી પર ટકેલી બીજી એકાદબે ચીજવસ્તુને ઘરમાં આવતાં પહેલાં જ બલિ ચઢાવાઈ જાય એમ પણ બને.
• ગામમાં ઠેર ઠેર તહેવારો નિમિત્તે ચાઇનીઝ લાઇટિંગ સિરીઝ ભેગાં સેલ-ડિસ્કાઉન્ટનાં તોરણિયાં લટકવાં માંડે.છાપાંઓમાં પણ આવી જા. x ખ.નો હલ્લો જોવા મળે.

અમારા પડોશીને ત્યાં કાયમ બોનસ વખતે યાદવાસ્થળી થાય. કોની ચીજવસ્તુઓ વધારે જરૂરિયાતવાળી છે એ નક્કી કરવામાં કાયમ અન્ય પડોશીઓને મફતનું મનોરંજન મળે. સરવાળે તો એ બોનસહપતે લીધેલી વસ્તુના આગોતરા હપતા કે બાકી હપતા સેટલ કરવામાં વપરાઈ જાય.

જોકે, મલ્ટિનૅશનલ કંપનીઓના આગમન પછી આ બોનસ-ઘટના હલબલી ગઈ છે. પરદેશોમાં આપણી દિવાળીનું ખાસ કંઈ ઊપજે નહીં. વળી, એમનામાં બોનસના બદલે જાતજાતની ગિફ્ટ કૂપન આપવાનો રિવાજ વધારે પ્રચલિત છે. હવે આ કંપનીઓ અહીં પણ વર્ષમાં ત્રીજ-તહેવાર જોયા વિના ગમે ત્યારે બોનસ આપી દે છે. એમનું જોઈ જોઈને કેટલીક સ્વદેશી કંપનીઓમાં પણ બોનસતહેવારોની શરમ ભરતું નથી. એટલે એમને તહેવારો-ઉત્સવો સાથે ખાસ લાગતું વળગતું નથી અને એટલે ઘણાં ઘરોમાં તહેવારો ટાણે સળગતું રહેવાની શક્યતાઓ રહેલી છે. બોનસ જેટલું કપડાં અને જૂતાં ખરીદવા પાછળ વપરાતું હશે એટલું કદાચ બીજે કશે નહીં વપરાતું હોય. કર્મચારીમાંથી સ્વબળે સફળ ઉદ્યોગપતિ બનેલા એક યુનિયન લીડર હજી બોનસના યુગમાં જ હતા. દિવાળી સમયે મળતા બોનસની અસર એમનાં માનસપટ પર એટલી તો દૃઢ હતી કે ખુદ માલિક હોવા છતાં એ બોનસની રાહ જોતાં.

“બોનસ” શબ્દને સામાન્યતઃ લાભ સાથે સાંકળવામાં આવે છે પણ કોઈ વાર વક્ર અર્થમાંય પ્રયોજાય છે. કોઈ વાર કોઈનું સારું કરવા જતાં સરવાળે ટપલા જ ખાધા હોય તો એમ કહેવાય કે “બધું કરવા છતાં બોનસમાં તો ટપલા જ આવ્યા.”

• એક પ્રસૂતિગૃહમાં ઑપરેશન થિયેટરમાંથી ડૉક્ટરે બહાર આવીને નવાસવા બનેલા પપ્પાના હાથમાં બે બાળકો મૂક્યાં: “તમને ત્રણ ગણા અભિનંદન.” પપ્પા ખુશી અને આશ્ચર્યના લીધે “હેં?” સિવાય કંઈ બોલી જ ન શક્યા.એટલામાં પાછળથી નર્સે પ્રગટ થઈને ત્રીજું બાળક દાદીમાનાં હાથમાં મૂક્યું : “લો બા, બોનસ.”
• શાકવાળા સવારમાં શાક ખરીદતા દરેક ગ્રાહકને “તમારાથી જ બોણી થાય છે, શુકનમાં તમારે સમજીને જે આપવું હોય એ આપી દો” કહેતા હોય છે. આપણા હાથે કોઈનું સારું થવાનું છે એ વિચારમાત્ર જ દરેક જણ પોતાને ઉદ્ધારક સમજવા માંડે—ફાયદો—બોનસ—શાકવાળાને થાય.
• કંપનીઓમાં હવે પરદેશનાં રવાડે ચડીને “બોનસ” રોકડમાં આપવાના બદલે સારી ગિફ્ટ આપવાનો રિવાજ વધતો જાય છે. દરેક કર્મચારીને એક જ લાકડીએ હાંકવાનો આ અનેરો ઉકેલ છે. સાપ પણ મરે અને લાકડીય ન ભાંગે. દરેકને પોતાને “એ” લેવલનાં ગણાવાનું અભિમાન થાય. કોઈ કોઈને મનમાં ચચરતું હોય કે દરેકની પસંદગી/જરૂરિયાત એકસરખાં તો ન જ હોય. પણ ધરમની ગાયના દાંત ન ગણવાના હોય એ ન્યાયે બધા જે ગિફ્ટ મળે એ હસતાં મોંઢે લઈ લે.

ખોંખારો : બોનસ ભલે દિવાળીએ મારેલો “મિસ કૉલ” હોય પણ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ક્ષમાયાચના સાથે એમનાગીતમાં થોડો ફેરફાર કરીએ તો...

“ઓ બોનસ, તારા નામમાં આ શી મીઠાશ ભરી...”


http://bombaysamachar.com/epaper/e15-10-2015/LADKI-THU-15-10-2015-Page-4.pdf

Thursday, October 8, 2015

ચલો બુલાવા આયા હૈ..


“ચારભુજા ગરબા ક્લાસીસમાં આપનું સ્વાગત છે. માય સેલ્ફ ઇઝ રાગેશ. જય માતાજી. છેલ્લાં બાવન વર્ષથી અમારો પરિવાર ભાદરવી પૂનમે અંબાજી માતાએ બાવન ગજની ધજા ચઢાવે છે. અને દર મહિને પૂનમ તો ભરવાની જ. જય માતાજી. ભાદરવા સુદ પાંચમે અમદાવાદથી પગપાળા સંઘ નીકળે ને ડોટ ચૌદસની રાત્રે અંબાજીની ધરમશાળાએ ટચ થઈએ. બીજે દિવસે શુભમુહૂર્તમાં અમે સૌ ધજા ચઢાવીએ. જય માતાજી. આ ધજા ચઢાવીએ પછી બધા અમદાવાદ જવાની બસમાં બેસવા જે દોટ મૂકે એની ઝડપ ધજાની ફરફરવાની ઝડપ કરતાં ય વધુ હોય ને દસ દિવસની પગપાળા મુસાફરી પછી જે રીતે બધાં બસમાં ફેલાઈને બેઠાં હોય, એ જોઈને યુદ્ધમેદાનથી પાછા ફરતાં સૈનિકો યાદ આવે. જય માતાજી. ‘પગ ગરબા ગાય છે’ એ વાક્યપ્રયોગ કદાચ અંબાજીના પગપાળા સંઘોની જ દેન છે. બસ, એના પરથી જ વિચાર આવ્યો કે બધાં દસ દિવસ પછી શરીરને કેવી રીતે વાળે છે. શરીરનું આ જ વળવાપણું જો ગરબાનાં સ્ટેપ સ્વરૂપે લઈએ તો. જય માતાજી. ને એ વિચારધારામાંથી જ આ સાતથી સિત્તેર વર્ષના ક્લાસીસના ઉત્સાહી ગરબાપ્રેમીઓને ગરબા શીખવતી સંસ્થાનો જન્મ થયો જ્યારે વિચારો આવે ત્યારે જ સમજાય છે માત્ર ફોટો કે વીડીયો જ વાઇરલ નથી થતા. વિચારો ય વાઈરલ થાય છે. ગરબા ક્લાસીસ કરવાના વિચારો ઘણાને આવ્યા હશે. પણ આપણે આવા ક્લાસીસ શરૂ કરવામાં સૌ પહેલા છીએ. જય માતાજી. માતાજી સાથે હંમેશાં નવરાત્રી પહેલાં મનથી જોડાયા હોઈએ તો માતાજી હંમેશાં સારું જ કરે. અહીં ગરબાનાં સ્ટેપ્સ શીખ્યાં પછી તમે એવાં એવાં સ્ટેપ્સ કરશો કે સર્કલમાં કોઈને કોઈની સાથે કનેક્ટ થઈ જાવ એમ બને. જય માતાજી.

તમે સૌ અંદર આવ્યા ત્યારે તમને એક પૅમ્ફ્લેટ આપવામાં આવ્યું છે. એમાં વાંચીને જો સમજ ન પડે તો તમે મને પૂછી શકો છે! અને હા, આ રાગિણી છે. મારા આસિસ્ટન્ટ-કમ-ધર્મપત્ની જ્યાદા છે. તમે એમને પણ પૂછી શકો છો. આપણે હવે ચારભુજા ક્લાસીસના ઇતિહાસમાંથી બહાર આવીએ. જય માતાજી. ઈ ઈ રાગેશ આટલું એક શ્વાસે બોલી ગયો. પરિચય આપતાં આપતાં વચ્ચે વચ્ચે એ એકબે ફુદરડી ફરી લેતો ને તાળી પાડી લેતો. અમારી પ્રશ્નબેંકમાં એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા. “આ પોતે આટલો દુબળો-પાતળો છે. અંબાજી સુધી ચાલવાનો એ કોન્ટ્રાક્ટ આપી દેતો હશે કે શું? દર પૂનમે આટલું બધું ચાલનાર માણસનું હોય એવું કસાયેલું શરીર તો એકેય ઍન્ગલથી લાગતું નથી.” થોડી થોડી વારે ઉપર જોઈ હાથ જોડીને જય માતાજીનો નારો લગાવી રાગેશ પાછો જમીન પર આવી જતો પણ તો ય, માતાજીનો ભક્ત તો લાગતો જ હતો. કપાળ પર ભ્રૂકુટીની વચ્ચે જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં કંકુનું લાલ તિલક શોભાયમાન હતું. આ તિલક એની ભક્તિનું જાણે પ્રમાણપત્ર હતું. આ વિચાર પત્યો કે, બીજો વિચાર આવ્યો કે ચારભુજા સેન્ડવીચ અને ગરબા ક્લાસીસમાં કોઈ કનેક્શન હશે ખરું? જો ન હોય તો ઠીક પણ હોય તો શું એ અહીં સેન્ડવીચ ડિસ્કાઉન્ટ રેટથી આપશે? પ્રયત્નપૂર્વક આ વિચારોને દબાવીને અમે રાગેશ-રાગિણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બે મિનિટ આંખો બંધ રાખીને રાગેશે જોરથી બૂમ પાડી. “ઓલ ઑફ યુ રેડી?” સૌ એ એટલાં જ ઉત્સાહથી “હાઆઆઆ...”માં જવાબ આપ્યો “હવે બધા ગબ્બર સુધી અવાજ પહોંચે એટલા જોરથી ત્રણવાર “જય માતાજી” બોલીશું ને કોઈને કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકે છે.”

એક ઉત્સાહી ગરબાપ્રેમીએ પૂછ્યુઃ “તમે અમને દોઢિયું પોપટિયુ શીખવશો?”

“હા, અમે તમને હીંચ, દોઢિયું, પોપટિયુ, રાસ, એક તાળી બે તાળી, ત્રણ તાળી, બધું જ શિખવાડીશું.” રાગિણીદેવી ઉવાચ.

વળી, બીજા એક જુવાનિયાએ પૂછ્યું: “સર, કેડિયું, તૈયાર સીવેલું સારું કે આપણે ડિઝાઈન આપીને સિવડાવીએ? સારો દરજી હોય તો કહેજો. મોબાઈલ મૂકવા માટે યાદ રાખીને કેડિયામાં ખીસું મુકાવીશ. પછી સેલ્ફી લેવાય ને! “મિત્ર, પેમ્ફ્લેટમાં દરજીનું નામ-સરનામું લખેલાં જ છે. બરાબર વાંચો. આમને આમ તો ગરબા ક્લાસમાં જ જિંદગી વિતાવવાનો વારો આવશે.” રૂમમાં હસાહસ થઈ ગઈ. પેલો વરણાગિયો જરા છોભીલો પડી ગયો. વળી, અમારી પ્રશ્નબેંકમાં ઉછાળો આવ્યો ને અમે પૂછ્યું. પાર્ટીપ્લોટના પાસની વ્યવસ્થા વિશે પૅમ્ફ્લેટમાં કશી ચોખવટ નથી.

“સંસ્થા માત્ર ગરબા ક્લાસ ચલાવે છે. પાસ વહેંચણી કેન્દ્ર નથી.”

અમારો ઇગો હર્ટ થયો. પણ મન મોટું રાખીને અમે એને ક્ષમા આપી. “પણ અહીં આટલા ફાઈન સ્ટેપ્સ લર્ન કરીએ પછી આપણી સોસાયટીમાં જ ગરબા પરફોર્મ કરવાના? સો રિડિક્યુલસ “અમારી તરફેણમાં એક તીણો અવાજ આવ્યો. આ વખતે રાગિણીદેવી બોલ્યાં: “તે તમે અમારી સોસાયટીમાં આવજો ત્યાં પાસ સિસ્ટમ નથી.”

હવે મહેરબાની કરીને કોઈ પ્રશ્નો નહીં પૂછે. આપણે આમે ય ગરબા ક્લાસીસ માટે લેટ છીએ. પ્લીઝ, કૉ-ઑપરેટ. રાગેશના ચહેરા પર કંઈ ન સમજાય એવા ભાવો જોઈને બધા ગરબા માટે કુંડાળામાં ઊભાં રહી ગયાં. ફરીથી જય માતાજીનો ગગનભેદી નાદ કરીને રાગેશ આણિ મંડળીએ ગરબો શરૂ કર્યો. ધીરે ધીરે બધા રાગેશે શિખવાડેલાં સ્ટેપ્સ પર તાલ અને લયબદ્ધ રીતે ગરબો ગાવા લાગ્યા. કોઈ કોઈ વચ્ચે સ્ટેપ ચૂકી જતું તો આજુબાજુના બીજા બે જણ પણ હડબડી જતાં. પણ ટૂંકમાં, બધા સેટ થઈ ગયાં. અચાનક જ બાવીસેક વર્ષનો જોન અબ્રાહ્મ્ હોવાનો વહેમ ધરાવતો યુવાન મોબાઈલ ફોન લઈને એકદમ જ કુંડાળું છોડીને વચ્ચોવચ આવી ઊભો. એને આમ મોબાઈલ સાથે ઊભેલો જોઈને બીજા ત્રણચાર ને ય ચાનક ચડી સેલ્ફી લેવાની. “ચાલો ચાલો જલદી આ કાર્યક્રમ પતાવો” બસ ઊપડતી હોય ને કંડક્ટર બૂમ પાડે એવી બૂમ રાગેશે પાડી. સેલ્ફી વીરો જલદી જલદી ક્લીક કરવા માંડ્યા. તો પેલો જોન અબ્રાહમ વળી સૂચના આપવા માંડ્યો. તમે બધા ચાલુ રહો એક્શન ફોટા લઈએ.” એક ઝીરો ફિગર કન્યા જુદા જુદા પૉઝ આપતી જાય ને ક્લીક કરતી જતી હતી. એ જોઈને અમને થયું કે આ કન્યાએ સેલ્ફી ફોટોગ્રાફી કોર્સ શરૂ કરવો જોઈએ. સેલ્ફીક્વીને વળી કોઈને ફોન પણ કર્યો. “જસ્ટ ચેક માય ક્લીક્સ ઓન એફ. બી. એન્ડ ટ્વીટર... પોસ્ટિંગ ઓન ઇન્સ્ટાગ્રામ ટુ.” અન્ય એક ગોળમટોળ સેલ્ફીવીરને જોઈને “આ ગોળનું દડબું કેડિયું ને ચોયણીમાં કેવું લાગશે”ના વિચારો માત્રથી અમે હસુ હસુ થઈ રહ્યાં. આ બધી સેલ્ફી પારાયાણમાં પંદરવીસ મિનિટનું પડીકું વળી ગયું. હવે બસ કંડક્ટર બનવાનો વારો રાગિણીદેવીનો હતો. કર્કશ ઘંટડી જેવા અવાજે એમણે ઘાંટો પાડ્યો અને અમે સૌ પાછા કુંડાળા ભેગાં થઈ ગયાં. થોડીવાર ગરબા ચાલ્યા અને સીડી પ્લેયરમાં આરતીનું મ્યુઝિક શરૂ થયું. બધાં માતાજીના ફોટા સમક્ષ જઈને હાથ જોડીને ઊભાં રહ્યાં. આરતી પૂરી થઈ એટલે રાગેશ-રાગિણીદેવીએ જય માતાજીનો ઘોષ કર્યો અને રાગિણીદેવીએ સ્પેશિયલ પ્રસાદિયા પેંડા વહેંચ્યા.

રાગેશે પાછી સૂચના આપીઃ “આજનાં સ્ટેપ્સ સૌને મુબારક. હવે કાલે મળીશું. જય માતાજી.”

ખોંખારોઃ
“માઝમ રાત ને ગરબે ઘૂમે ચણિયાચોળી ને આભલાં પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.”
કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત મારા થાંભલા પર તો ઘૂમે માણસ છે કમજાત”

(સૌમ્ય જોષીની કવિતા “કૂતરું”માંથી) 



 

Tuesday, June 30, 2015

કહેવતો - રુઢિપ્રયોગો: કાકનજરે..મણકો -૪

કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે. 


આજના નવ મણકા અત્રે પ્રસ્તુત છે.

૧.નાક પર માખી ન બેસવા દેવી :. Bee not allowed to sit on the nose 







૨. નાકની દાંડીએ : at the stick of nose 





૩.નાક કાપવું: to cut the nose 



૪. નાક ફાટવુ : to tear the nose 




૫. કાન કાપવા : to cut the ears 





૬. કાનમાંથી કીડાં ખરવાં : insects falling down from the ears 




૭. દાંત તોડવા : to break teeth 


૮. હાથ કલમ કરવા : to make hand a pen 




૯. હાથ પીળા કરવા : to colour hands yellow . 





જાહેર જનતાના હિતમાં જારી:




૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.