Sunday, January 31, 2016

સંકલ્પ લેવાનો છે?...7/1/16


http://bombaysamachar.com/epaper/e07-1-2016/LADKI-THU-07-01-2016-Page-4.pdf

મુંબઈ સમાચાર- લાડકી section ..ગુરુવાર ,૭ જાન્યુઆરી,૨૦૧૬



— શિલ્પા દેસાઈ

“ડાબા હાથે ચમચીથી જળ લઈ જમણા હાથની હથેળીમાં જળ રેડો અને બોલો “આથી હું સંકલ્પ કરું છું .... ને જળ આ મૂર્તિ પર ચઢાવી દો. હવે તમારે સંકલ્પ કરવાનો છે યજમાન... બે હાથ જોડીને ઈશ્વર આગળ માથું નમાવીને બોલો કે નવા વર્ષમાં રોજ સવારે સાઇકલ ચલાઇશ ને સાંજે ઓછામાં ઓછું 3 કિમી ચાલીસ.” “મહારાજ એક મિનિટ…. મારે ક્યાં વજન ઉતારવાની જરૂર છે? હું તો વજન વધે એની દવાઓ લઉં છું. બ્રાન્ડેડ કંપનીઓમાં તો મારા માપનાં કપડાંય નથી મળતા એટલે એટલિસ્ટ એ કંપનીઓનાં કપડાં પહેરી શકાય એટલાં માટે હું મથી રહ્યો છું ને તમે મારી પાસે આ શું સંકલ્પ લેવડાવો છો!”
“અલ્યા ભ’ઈ મારા, એવું નથી. હાથ જોડ્યા પછી સંકલ્પ દરેકે પોતપોતાનો લેવાનો હોય. હું તો મારો સંકલ્પ બોલતો તો કારણ, આ સિઝનમાં મુહૂર્ત બહુ હતાં અને એટલે મારે કૅલરી સારી એવી જમા થઈ ગઈ છે. પરિણામે અબોટિયાની ગાંઠ છૂટી ના જાય એ બીકે એમાં સૅફ્ટીપિન ભરાવું છું. આમ તો મારી પાસે હવે ઇલાસ્ટિકવાળું જ રેડીમેડ ધોતિયું છે પણ આજે એ મળ્યું નહીં તે આ પહેરવું પડ્યું છે. આ મારી ફાંદ દેખાય છે ને? પાટલે બેસીને હું પૂજા કરાવું ત્યારે જો કંકુ-હળદર-ચોખા-કપૂરની થાળી જો ફાંદ તળે સંતાઈ જાય તો મને દેખાતી ય નથી. એ શોધવામાં મારાથી શ્લોકો ય સ્કીપ થઈ જાય છે. ઘણીવાર એટલે આ થાળી ય હવે મારી બાજુમાં મૂકું છું જેથી તરત નજરે ચડે. ખ્યાલ આયો? અને... હું એમ પૂછું કે તમારા સંકલ્પ હું કેવી રીતે લેવડાવી શકું યજમાન? તમારા મગજમાં શું ધખારા છે જેના લીધે તમારા પર પોતાનો જ કંટ્રોલ નથી એ ધખારા મૂકવાનો સંકલ્પ કરી નાંખો આંખ મીંચીને. જમણી હથેળીમાં ફરીથી જળ લો અને લઈ લો સંકલ્પ. ને હા, સંકલ્પ ભાવથી લેવાનો... શ્રદ્ધા પૂરેપૂરી રાખવાની અને મનને મક્કમ બનાવવાનું. ને યજમાને જળ ભગવાનને ચઢાવીને કંઈક હોઠ ફફડાવ્યા અને સંકલ્પ લીધાનો સંતોષ લીધો.
“સંકલ્પ”ને અંગ્રેજીમાં Resolution કહે છે. કેટલાય મિત્રો એકબીજાને નવા વરસની શરૂઆતમાં પોતપોતાના સંકલ્પો વિશે પૂછતા હોય છે. આમ જુઓ તો સંકલ્પ એ છીંક ખાવા જેવી ઘટના છે. તેનાથી તમારા તનાવો થોડાં દૂર થાય છે. થોડા વધુ આધ્યાત્મિક થઈએ તો એમ કહેવાય કે સંકલ્પ એ માત્ર છીંક ખાવા જેવી ઘટના નથી પણ અનુભૂતિ છે. નિરંકુશ મનુષ્યનું જીવન શિસ્તમય હોય છે. આ શિસ્ત પરાણે ઠોકી બેસાડેલી નહીં પણ આંતરિક સ્વયં ઉદ્ભવેલી હોય છે. એ જ રીતે સંકલ્પ એ લોકોને જ લેવા પડે છે જે લોકો જાણેઅજાણે કોઈ પણ કિસ્સાઓમાં ક્રિસની બહાર જઈને રમ્યાં હોય ને પછી એમને અહેસાસ થાય કે સાલુ આ બરાબર નથી. ફરીથી આવું ન થાય માટે સંકલ્પ લેવો પડશે. સંકલ્પ લેવો અત્યંત સરળ છે પણ એ નિભાવવો એટલો જ કઠિન. જે વસ્તુ તમે છોડવા કે પામવા માગતા હોવ એના માટે તમે સંકલ્પ લેતા તો લઈ લો પણ એની પાછળના તમારા ધખારાનું શું? સંકલ્પનું લગ્ન જેવું છે. લેતા લઈ લો પણ પછી એ નિભાવવા માટે ઘણી બાંધછોડ કરવી પડે.
સંકલ્પની શરૂઆત તો રામાયણ-મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા છે. સિરિયલો પ્રમાણે જોઈએ તો એમાં બધા રાજા-મહારાજાઓ રોજેરોજ કંઈ ને કંઈ યજ્ઞમાં સંકલ્પ લીધા કરતા હતા. એ સમય કુદાવીને વર્તમાન સમયમાં આવીએ તો મહાત્મા ગાંધીએય હાથમાં મીઠું ઊંચકીને સંકલ્પ કરેલો અને ઇતિહાસ ફેરવી નાંખેલો. સંકલ્પ લઈને પાળી બતાવવાનું એ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. દાળશાકમાં મીઠું નાંખતા પહેલાં બાપુને સહેજ યાદ કરી જોજો.
સંકલ્પ લેવાની જરૂર મોટા ભાગે બહુ બોલ બોલ કરતાં લોકોને વધારે હોય છે. આ પ્રજાતિ જ્યાં-ત્યાં બાફવામાં એક્સપર્ટ સાબિત થતી હોય છે. બફાટ કર્યા પછી અફસોસ કરી અને રડારોળ કરે... કદાચ આ બહુ બોલવા પર લગામ ખેંચવા માટે જ મૌન મંદિર, વિપશ્યના વગેરેનો જન્મ થયો હોવો જોઈએ.
સંકલ્પ લેવાના ફાયદા શું? આ પ્રશ્ન સંકલ્પને વળગી રહેવા માટે અંબુજા સિમેન્ટ જેવી ઠસોઠસ મજબૂતી પૂરી પાડે છે તો નબળા મનના મનુષ્યો માટે આ જ પ્રશ્ન સંકલ્પનો મારક પુરવાર થાય છે.
“ભટ્ટજી સંકલ્પ લેવાના કે નવા વર્ષમાં? જો જો પાછા, સંકલ્પ હોટલની વાત કરું છું એમ માનીને બાફતા નહીં. તમારો ભોજનપ્રેમ જગત વિખ્યાત છે એટલે તમે આવું બાફો એવી શક્યતાઓ ભારોભાર છે.”
“હા કાકા, આ વખતે તો અમે એક નહીં અનેક સંકલ્પો લેવાનો સંકલ્પ કરેલો છે. આખું લિસ્ટ જ ટાઇપ કરાવડાવી દીધું છે અને એની ઝેરોક્ષ કોપીઓ કઢાવી લીધી છે. ઘરમાં, તમારા જેવા શુભચિંતકોને એક એક લિસ્ટ આપી દઈશું જેથી અમે જો લિસ્ટની બહાર જરાક બી જઈએ તો અમને આજુબાજુમાંથી કોઈ ટપારીને પાછા સ્વસ્થાને લાવી શકે.” ગામ આખામાં વજન ઉતારવાના ક્લાસીસોનાં મોટાં મોટાં પાટિયાં લટકે છે ને એમાં કેટલાય લોકો જોડાય પણ છે. આથી અમે પણ નક્કી કર્યું છે કે વજન ઉતારવું. સાલુ ક્યાંય મગજમાં ચરબી ચડી હોય એ ઉતારવાનાં ક્લાસ નથી! આ કટાક્ષથી કાકા પર અસર પડી કે નહીં તે જોવા અમે સહેજ અટક્યાં. કાકા ધ્યાનથી સાંભળતા હોય એમ લાગતા અમે આગળ ચલાવ્યું. “ખાવાની વાત પરથી યાદ આવ્યું કે થાળી-વેલણનો ઉપયોગ અમે જમવા-વણવા માટે જ કરીશું.” કાકા અમને અટકાવતા બોલ્યા : “ભટ્ટજી તમને બીડી, સિગારેટ, દારૂ, ચા, કૉફી કે એવાતેવા કોઈ વ્યસન ખરાં? “હે ભગવાન આ કાકાને માફ કરી દેજો એમને ખબર નથી કે એ કોને આ પ્રશ્ન પૂછી રહ્યા છે.” પણ પ્રગટપણે ઉત્તર આપ્યો : “ના કાકા... બીડી, સિગરેટ, દારૂ જેવાં વ્યસનોનાં અમે હજી સુધી શિકાર નથી અને ચા પીવી અમારી ગમતી પ્રવૃત્તિ છે. અમારા માટે યજ્ઞ સમાન છે. ને યજ્ઞ કરવો તો સારી બાબત કહેવાય. વ્યસન નહીં. માટે અમે આ ચા-યજ્ઞ જારી રાખીશું. હવે વચ્ચે ટોક્યા વિના લિસ્ટ પૂરું કરવા દો. અમે આગળ લખ્યું છે કે દિયા ઔર બાતી, સીઆઈડી, સાથિયા વગેરે વગેરે જેવી સિરિયલો જોઈશું નહીં અને ધારો કે બાય મિસ્ટેક એ જોવામાં આવી જશે તો એક આખ્ખો દિવસ મૌન પાળીશું. વાત કરીશું તો લખી લખીને. એમ કરવામાં એક સૂક્ષ્મ ફાયદો એ થશે કે અમારા અક્ષર સુધરશે.”
“પણ, ભટ્ટજી તમે તો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહો છે. તમને મોબાઇલનું વ્યસન છે. મોબાઇલમાં તો ટાઇપ કરવાનું હોય. એમાં અક્ષર કેવી રીતે સુધરશે?”
“તમને નહીં સમજાય રહેવા દો. મોબાઇલ આજની તાતી જરૂરિયાત છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ વ્યસન ન કહેવાય. હવે, પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ. અમારો હવેનો સંકલ્પ છે કે જો ભારત T-20માં વર્લ્ડ કપ જીતશે તો અમે એ દિવસે મગની દાળનો શીરો બનાવીને ખાઈશું. અમને સ્વીટ જરીક પણ ભાવતું નથી પણ દેશ માટે એટલું તો કરી શકાય ને? દેશ માટે થઈને અમે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત ખાદી જ ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે તો કહીએ છીએ કે દરેક ભારતીયએ આ સંકલ્પ લેવો જ જોઈએ. ખાદીના વસ્ત્રો માત્ર નેતા-અભિનેતાનો જ ઇજારો છે એવું થોડું છે? આખરે દેશપ્રેમ જેવી ભાવના જેવું તો કંઈ હોવું જોઈએ ને દરેકને?”
આટલું બોલીને અમે શ્રોતાગણનો પ્રતિભાવ નિહાળવા સામે જોયું તો શ્રોતાગણ અંતર્ધ્યાન થઈ ગયેલો દીસ્યો. પણ ડગલું ભર્યું કે ન હઠવું ન હઠવું..... નો હઠાગ્રહ યાદ રાખીને અમે અમારું લિસ્ટ વાંચન ચાલુ રાખ્યું. “વિમાનમાં બેસતા પહેલાં એમાં ઉંદર છે કે નહીં તેની જાત-તપાસ કરીશું અને જો હશે તો તરત જ જીવદયા કેન્દ્ર પર જાણ કરીશું. જો હવામાં અધ્ધર ગયા પછી મૂષક-અસ્તિત્વનો અણસાર આવશે તો કમરપટ્ટો ફીટોફીટ બાંધીને અમે અમારી જગ્યા પર મૌન બેસી રહીશું. વળી કોઈ પણ પ્રકારના રાજકારણમાં રસ નહીં લઈએ. કારણ કે રમતગમતમાં અમે નાનપણથી જ “ઢ” છીએ. સમયપાલન અમારી કમજોરી છે. કોઈને સોંપેલું કાર્ય જો એ સમય પર પૂર્ણ નહીં કરે તો ફરીથી એ વ્યક્તિને એ સમયસર કરી શકે એવું જ કાર્ય સોંપીશું.”
આ યાદી અમે હજી આગળ લંબાવી શક્યા હોત પણ સમય અને યોગ્ય શ્રોતાગણના અભાવે અમે મૌન રહેવું ઉચિત માન્યું.

ખોંખારો : “તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી.”
— સરદાર વલ્લભભાઈ પટેલ.

નવું વરસ શરૂ થયું એટલે અમે તો અમારા સંકલ્પોનું લિસ્ટ બનાવીને રસોડામાં ફ્રીજ પર ચોંટાડીય દીધું. એટલુંય કેટલાં કરે છે?

સંપેતરું .....ઉર્ફે ....જોખમ ....ઉર્ફે પાર્સલ :



http://bombaysamachar.com/epaper/e31-12-2015/LADKI-THU-31-12-2015-Page-4.pdf
મુંબઈ સમાચાર..લાડકી..૩૧/૧૨/૧૫


સુદામા કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે એમના મિસીસે પૂછ્યું ; “ ખાલી હાથે જશો ? કઈક લેતા જાવ “ ને પોટલીમાં તાંદુલ ભરી આપ્યા . કૃષ્ણ એ સ્વીકારશે કે જેસીક્રીષ્ણ એ ય ખબર નહિ પણ કૃષ્ણ એ તો સુદામા અને તાન્દુલનું નામ પડતા જ હરખભેર હડી કાઢી પછીની વાત તો સૌ જાણીએ છીએ પણ અમને લાગે છે કે આ મિસીસ સુદામાએ તાન્દુલ પોટલી ભળાવેલી એ કદાચ દુનિયાનું સૌથી પ્રથમ સંપેતરું હતું . કોઈકે આપેલી વસ્તુ કોઈને પહોચાડવી એટલે સંપેતરું .સંપેતરા બે પ્રકારના હોય ...એક તો ખુલ્લા અને બીજા ત્રણ-ચાર પેકિંગ કરેલા .આ પેકિંગ કરેલા સંપેતરા મગજમાં અનેક વિચારો જન્માવે ને પછી એ ડબલ – ટ્રબલ – ચૌબલ પેકિંગ કરેલા સંપેતરા સાચવીને પહોચાડવાની ભલામણના કારણે ઘણીવાર એમ થાય કે બધા પેકિંગ ખોલીને જોઈ લઈએ કે એમાં શુ ભર્યું છે ? આ તાલાવેલી પર કાબુ રાખવો અત્યંત કઠીન કાર્ય છે . ખોખું હોય તો સાવ અજાણતા જ આપણે ખખડાવી જોઈએ ને એનાથી જે ધ્વની ઉત્પન્ન થાય એના પરથી ખોખામાં શુ હશે એની નિરર્થક ( આપણા માટે ) અટકળો કરીએ. શુ હશે ? ગણપતિ ? કે ચાંદીનો ગ્લાસ ? કે એન્ટીક પીસ ? આ પેકિંગવાળું સંપેતરું ઈર્ષ્યાપ્રેરક હોય છે . આપણી પાસે હોય છતાં આપણું ન હોવાનો ભાવ વિષાદયોગને જન્મ આપે છે. બે વ્યક્તિ વચ્ચે ચીજ વસ્તુ ની લેવડ દેવડ થાય અને એ લેવડ દેવડ માં જ્યારે જોડતી કડી કોઈ ત્રીજી વ્યક્તિ હોય ત્યારે એ ચીજ વસ્તુ " સંપેતરું " કહેવાય . ઘણી વખત આ સંપેતરું /અનામત / ભાળવણી કે પાર્સલ સાથે જે તે જોડતી કડી / વ્યક્તિ ને જરાય લાગતું વળગતું ન હોય . આંગડીયા પેઢીઓ કે કુરીયાર્સ આનું ઉત્તમ ઉદાહરણ છે . સંપેતરા પ્રથા ના પાયા માં ભરપુર વિશ્વાસ રહેલો છે ને જોડતી કડી વિશ્વાશું હોય તો ભલભલું ચળાવી ડે એવું સંપેતરું સહીસલામત પહોચે . બાકી તો હરી ઓમ . જો કે આંગડીયા પેઢી કે કુરીયર્સના ફૂલ નહિ તો ફૂલ ની પાંદડી જેવા ચાર્જ બી ઘણા ને ખુચતા હોય છે . " એવા મફત (?) શેના આલી દેવાના ? ' એટલે આવી મફત મેંટાલીટી ઓનર્સ મફત સર્વિસ સેન્ટર જ શોધતા હોય. જેવું ક્યાંક કોઈ મળે કે તરત જ પધરાવી દે . આવું પરદેશ રહેતા હોય એમની સાથે વધારે થાય . કારણ કે પરદેશ મોકલવાની હોય વસ્તુ તો કુરીયર્સ વાળા ભાવ સારો એવો લે. એટલે આ તફમ કોમ્યુનીટી વાળા ક્યાંથી ક્યાંનું સગપણ શોધી લાવે . પછી પ્રશ્નોત્તરી ચાલુ કરે . " કેટલું વજન થયું બેગનું ? એક નાની વસ્તુ છે લગભગ એકાદ કિલો ની . મારી બેબી ની નણંદ ના જેઠાણી ના ભત્રીજી જમાઈ માટે લઇ જવાની . નાં ન કહેતા . લઈ જ જવાની છે . મારા ભાઈ ના સમ . " સીધા સમ ખાવા પર આવી જાય . એ બેટા કઈ બાજુ જાય છે ? જરા આટલો ડબ્બો તારી દીદીને ત્યાં પહોચાડતી જા ને પછી તારા કામે નીકળી જજે તું તારે .' સવારમાં લગભગ દસેક વાગ્યે સ્કુટર ની કિક મારતી હતી ત્યાં જ બાજુવાળા માસીનો ટહુકો સંભળાયો . લીલી ઝભલા થેલી માં એક સ્ટીલ નો ડબ્બો ધરીને માસી મારી બાજુમાં જ આવીને ઉભા રહ્યા. ત્રણ વાક્યો બોલ્યા એમાં પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછ્યો જેના જવાબ ની રાહ જોયા વગર જ બીજા બે વાક્યોમાં મક્કમતાથી હુકમ ફટકાર્યો . હવે હું ગમે તે દિશા માં જતી હોઉં તો પણ માસીના હુકમ નો અનાદર થાય એમ હતું નહિ . એટલે પરાણે હસતું મોઢું રાખીને " હા . હા ... કેમ નહિ માસી , લાવો ને આપતી જઈશ . એમાં શું ? ' આમ તો કાઈ ખાસ નથી પણ તારા જીજાજી ને મારું બનાવેલું પાપડી - વેંગણ નું શાક બહુ ભાવતું છે તો મેં કું થોડું મોકલું : માસી ઉવાચ . મારી અનિચ્છાએ પણ મારા પ્રિય દીદી અને જીજાજી માટે ખાસ શાક આપવા એમના ઘરે જવું પડ્યું . મારા ગંતવ્ય સ્થાન પર પહોચતા મને લગભગ અર્ધો કલાક જેટલું મોડું થયું પણ માસી ના વહાલના વળામણા માં એ તો ગૌણ હતું .તો કેટલાક વિરલા ઓ સામે ચાલી ને સંપેતરા મંગાવે . " આપી જાવ તમતમારે . એ ક્યા ખાવા માંગવાનું છે ? " ક્યારેક આ વિરલા ઓ ધર્મસંકટ માં આવી પડે કારણ કે મદદ રૂપ થવાની હોશ માં પોતાનો સમાન મુકીને સંપેતરા ઓ ઉચકી જવાનો વારો આવે.અમારા એક સગા યુ.એસ.એ. થી આવેલા . મારા મામા યુ.એસ.એ. રહે છે તો એમને કશું મોકલવું હોય તો મોકલી આપો એવું કહેવા એમણે ફોન કર્યો . બે કિલો સુધી વાંધો નથી એમ પણ કહ્યું . હવે આ સગાં રહે જશોદાનગર ચાર રસ્તા અને અમે નારણપુરા. લગભગ ૪૫ મિનીટ જેટલું અંતર . ( ટ્રાફિક excluded )અમે તો હોશે હોશે એકઝેટ બે કિલોનું સંપેતરું બરાબર પેક કરાવીને અભિમન્યુના ચક્રવ્યૂહ ની જેમ ટ્રાફિક ના કોઠા વીંધતા વીંધતા જશોદાનગર પહોચ્યા . ભાઈ એ ચોક્કસ લઇ જશે એમ કહી ને અમારા દેખતા જ સામાન માં મુક્યું . અમને ધરપત થઇ કે હાશ પહોચી ગયું . થોડા દિવસ પછી ભાઈના ઘરેથી એટલે કે જશોદાનગર વાળા ઘરે થી ફોન આવ્યો કે તમારું સંપેતરું ભાઈ લઈ જઈ શક્યા નથી તો તમે પાછુ લઈ જાવ . હવે સંપેતરા માં એક કિલો કાજુ કતરી અને એક કિલો પેંડા મુકેલા . આટલા દિવસ માં એ બગડી જ ગયા હોય એટલે મીઠાઈ પણ બગડી અને સંબંધ પણ !!! પહેલેથી જ કહી દીધું હોત અથવા તરત જ કહ્યું હોત તો મીઠાઈ તો ન જ બગડી હોત !!! કેટલીક વાર આપણે આપણા કોઈ મિત્ર , સંબંધી આવું સંપેતરું / પાર્સલ પહોચાડવાનું કહે તો બે આંખ ની શરમ ના માર્યા નાં કહી શકતા નથી . એક નન્નો સો દુખ હણે એ ઉક્તિ બધાય જાણતા હોવા છતાં કર્ણ ને જેમ અણી ને વખતે જ વિદ્યા વિસરાઈ ગયેલી એમ આપણે પણ ટાંકણે જ નન્નો ભણવાનું ભૂલી જઈએ છીએ અને ઉપાધી ના પોટલા ઊંચકી લઈએ છીએ . કોઈ વાર તો આપણે બારોબાર જ બોલ્ડ થઇ જઈએ . કોઈ જ પૂર્વ તૈયારી વિના ત્રાટકતા વાવાઝોડા ની માફક આપણે બે વ્યક્તિ ના સંપેતરા ને જોડતી કડી બની જઈએ. મોટાભાગે આવા પ્રકાર ના સંપેતરા પહોચાડવા માટે બે આંખ ની શરમ નડી જાય . આપણે બે માં થી એક પક્ષ ને કદાચિત બને પક્ષને સારી રીતે જાણતા હોઈએ અને શરમ માં ને શરમ માં આપણું કામ પડતું મૂકી ને ય સંપેતરું પહોંચાડીએ. એવે વખતે આપણા મનમાં બંને પક્ષ માટે રોષ જન્મે . કોઈવાર જેને સંપેતરું પહોચાડવાનું હોય એને તો બીચારા ને ખબર પણ ન હોય અને રોષ નું નિશાન બની જાય . એકવાર અમે પણ આવી જોડતી કડી બનેલા. જોવાની ખુબીલીટી એ કે અમારે સંપેતરું પહોચાડવું છે એ અમને માહિતી મોડી મળી . બંને પક્ષો સાથે સારા સંબંધ હોવાથી સંપેતરું આપનારની નિયત વિષે શંકા થઇ નહિ . સંપેતરું લેવા ગયા તો ભાઈએ અમારું ય પડીકું પકડાવ્યું. બંદા જરા ખુશ થયા કે વાહ , આ સોદો તો ફળ્યો . બે ત્રણ દિવસ પછી ખબર પડી કે અમે સંપેતરું લઇ જઈએ અને પહોચાડી દઈએ એટલા માટે લાંચ/ ઘૂસ / કટકી રૂપે અમને એ પડીકું ભેટ આપવામાં આવ્યું હતું . જરા ભોંઠા પાડવા જેવું લાગ્યું .

ખોંખારો : સંપેતરું પહોચાડવા પાછળ ઉમદા હેતુ એકબીજા ને મદદરૂપ થવાનો જ હોય છે . સંબંધો ને વટાવી ખાનારા ય છે પણ મદદરૂપ થનારા કાઈ કેટલાય ગણા વધારે છે જેમ દરેક સમસ્યાનો ઉકેલ છે એમ દરેક સંપેતરા નો પહોચાડનાર પણ હોય જ છે

“જમણ-રમણભમણ!-17/12/15

http://bombaysamachar.com/epaper/e17-12-2015/LADKI-THU-17-12-2015-Page-4.pdf

મુંબઈ સમાચાર- ૧૭/૧૨/૧૫ ,ગુરુવાર ,"લાડકી" section

 

— શિલ્પા દેસાઈ

“ચલો દાળ, દાળ… દાળ… દાળ રજા માગે… બોલો દાળ… દાળ...” ને પંગતમાં બેઠેલા મહેમાનો એકસાથે પડિયા આગળ ધરે. દાળ પીરસનારો સર્વ પ્રત્યે સમભાવ દાખવીને પડિયામાં થોડી થોડી દાળ રેડી આપે. છેલ્લા છેલ્લા સબડકાઓ બોલે ને પંગતનો જમણવાર પૂરો થાય. દાળભાત, પૂરી, બટાકાનું રસાવાળું શાક, તેલિયું ઊંધિયું, વાલની દાળ, મોહનથાળનાં ચકતાં અને ડિસ્કો પાપડ-પાપડી. લગ્નપ્રસંગ હોય એ સ્થળથી જરા દૂર જમીન પર લાંબા પટ્ટા પાથરેલા હોય એના પર બિરાજમાન થવાનું. ફટાફટ પડિયા-પતરાળાં મુકાય. ‘એ ભ’ઈ બીજી પતરાળીય આપો. કેટલી ખરાબ પતરાળી છે આ. એની નીચે બીજી મૂકી દઈશ એટલે ચાલશે.” આવુંય સાંભળવા મળી જતું. આવી રીતે બે પતરાળી લેવાવાળા “હુસિયાર” કહેવાય. બધી જ આઇટમોમાં તેલનું પ્રમાણ અતિ. અર્થાત્ કોલેસ્ટ્રૉલનું પ્રમાણ અપ્રમાણ. મોહનથાળનાં ચકતાં પર રીતસર ઘીનો થર. મુખ્ય રસોઈયો પંગત ગોઠવાય એના પર ચાંપતી નજર રાખે. જેવી બધી જગ્યાઓ ભરાઈ જાય કે એ અંદર જઈને બૂમ પાડે “ચાલુ કરો.” ને હુડુડુડુ... કરતાંક પૂરી, શાક-દાળના કમંડળવાળા દોટ મૂકે. પૂરીવાળો પાંચ પાંચ પૂરીના થપ્પા પતરાળીમાં ઠાલવતો જાય. શાક-દાળમાં પહેલી જ પંગત હોય એટલે જરા છૂટથી પીરસાય. ગામડાગામમાં લોકોનો ખોરાક પણ વ્યવસ્થિત હોય એટલે પિરસનારાઓનીય કસોટી થાય. એક પંગત લગભગ કલાકે પૂરી થાય. છેલ્લે પવાલામાં પાણી કે છાશ પીને જોરથી ઓડકાર ખાઈને બે હાથના ટેકે ઊભા થઈને બે મિનિટ મૌન પાળવા ઊભા હોય એમ ઊભા રહે પછી જ ડગલું માંડવા સક્ષમ બને. આવા પંગત જમણવારમાં જરા વધારે જ ખવાઈ જાય એ જમીને ઊભા થયા પછી જ ખબર પડે! બધી પંગતો પડી જાય પછી છેલ્લે બંને કુટુંબનાં પચાસેક જણા જમવાનાં બાકી હોય એ જમવા બેસે. બંને પક્ષનાં વેવાઈઓ સામસામે મોહનથાળનાં ચકતાં ખવડાવે એ આખી ઘટના “લીમ્કા બુક ઑફ રેકૉર્ડઝ”માં સ્થાન પામે એટલી મૌલિક અને ભવ્ય હોય છે. વેવાઈઓ એકબીજાનાં મોઢાં સુધી મોહનથાળનાં ચકતાં લઈ જાય અને પછી ફોટોગ્રાફર સામે જોઈને અટકી જાય. ફોટો પડે પછી જ ચકતુ મોઢાંમાં ઠૂંસવાનું.. વારાફરતી બધા એકબીજા પર જૂની દાઝો કાઢતા હોય એમ એકબીજાનાં મોંમાં મીઠાઈ ઠૂંસે. આવા જમણવારો હવે “અમારા જમાનામાં તો...”ની ટેગલાઇનમાં વર્ણવી શકાય. એમ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. આવા જમણવારો જોવાનીય એક મઝા હતી. હવે લગ્નોમાંય “ગ્લોબલ વૉર્મિંગ”ની અસર વર્તાય છે. ગમે તે સિઝનમાં લગ્નો થાય. કમુરતામાંય શ્રેષ્ઠ લગ્ન મુહૂર્ત નીકળી રહ્યાં છે. દરિયાપાર તો એમ પણ કોઈ મુરત-કમુરતા નડતાં ન હતાં. જમણવારો આધુનિકથી અતિઆધુનિક બની ગયા છે અને મોટા ભાગે હવે લગ્નો ઇવેન્ટ-મૅનેજમેન્ટવાળાની જવાબદારી બની ગયાં છે. વરપક્ષ-કન્યાપક્ષ કરતાં વધારે જવાબદારી આ “અપક્ષ” જેવા ઇવેન્ટ-મૅનેજમેન્ટની હોય છે. લાઇવ બેસૂરા સંગીતથી માંડીને લાઇવ ઢોકળા સુધીની સઘળી જવાબદારી આ અપક્ષનાં માથે હોય છે. એકસરખા યુનિફૉર્મમાં સજ્જ અને મહેમાનોની સરભરા કરતાં, ચટરપટર અંગ્રેજી બોલતાં આસિસ્ટન્ટની ટીમ લગ્નોમાં જુદા જ પ્રકારનો મોભો બક્ષે. કોઈ વાર દેખાદેખીથી તો કોઈ વાર સ્ટેટ્સ સિમ્બોલ તરીકે લગ્નોની જવાબદારી આ અપક્ષ જેવા ઇવેન્ટ મૅનેજમેન્ટને સોંપી દેવાય છે. જૂના જમાનામાં ભાંગેલા દિલની ધડકન એવો “પિયાનો” હવેનાં લગ્નોમાં જમણવાર સાથે મનોરંજન પીરસે છે. જમતાં-જમતાં “લાઇવ” પિયાનો સાંભળીને ત્રણચાર વાટકી બાસુદી કે રસ ઝાપટી જનારા ભોજનપ્રેમીઓની સંખ્યા સારી એવી હોય છે. તો વળી કેટલાક આ પિયાનો સૂરમાં છે કે બેસૂરો એની વ્યર્થ ચર્ચા કરવામાં જમવાનુંય વિસારે પાડી દે એવા વીરલાઓય મળી જ રહે. હવેનાં લગ્નસમારંભો ઘરઆંગણેથી કે ન્યાતની વાડીઓમાંથી બહાર નીકળીને પાર્ટીપ્લૉટોમાં ગોઠવાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટોમાં સરસ મઝાનાં ડેકોરેશન વચ્ચે જમણવારો ચાલે. પ્લોટના એક ખૂણામાં લાઇનસર જુદા જુદાં કાઉન્ટર ગોઠવેલાં હોય અને કાઉન્ટરની સામી બાજુએ અપક્ષનાં યુનિફૉર્મવાળા, વેલમેનર્ડ કાઉન્ટર બોયઝ, કાઉન્ટર ગર્લ્સ ઊભાં હોય. ભોજનની સાથે એકસરખું જ સ્મિત પિરસતાં આ ટીમ મેમ્બરો જૂના લોકોને એમના જમાનાનાં લગ્નનાં જમણવારો યાદ કરાવી દે ખરા! એ સમયે પિરસણિયા મોટા ભાગે કુટુંબનાં જ ભાઈ-ભાંડરડા, આડોશીપાડોશી હોય અને મોટાભાગે પંગતમાં જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમતા પણ ખરાં. વચ્ચે વળી પાછો ટેબલખુરશીનો યુગ પણ થોડો સમય ઝળહળી રહ્યો. ધોળા બગલાની પાંખ જેવા ટેબલ-ક્લૉથ, સ્ટીલનાં થાળીવાટકાએ એમનાં સમયમાં બરાબર રાજ કર્યું. તો જમણવારની મિષ્ટાન્ન-પકવાનમાં આમૂલ પરિવર્તન આવ્યું. પૂરીની ઇનિંગ્ઝ પૂરી થઈ હોય એમ જાતજાતનાં પરોઠા, રોટલીઓ ટેબલ પર દેખાવા માંડ્યાં. થાળીવાટકાનાં ખખડાટ પણ થોડા ઓછા થયા અને સુવર્ણયુગ શરૂ થયો બૂફેનો. ઊભા ઊભા જમવાની આ પદ્ધતિ ‘ગીધ-ભોજન’ તરીકેય ઓળખાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટમાં યોજાતા જમણવારોને ધ્યાનમાં રાખીને વિખ્યાત કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમૂજ કરેલી : “ઢોંસાનું કાઉન્ટર ક્યાં છે?” એક મહેમાને બીજાને પૂછયું. બીજાએ જવાબ આપ્યો : “આ પેલું પાણીપુરી વાળુ કાઉન્ટર છે ને ત્યાંથી ડાબી બાજુ ચાઇનીઝ છે અને જમણી બાજુ મેક્સિકન છે. એ પૂરું થાય એટલે તરત જ ઢોંસાનું કાઉન્ટર છે.” આ બૂફેપ્રથાથી ખરેખર ભોજનવીરો થોડા નિરાશ થયા. બેસીને આરામથી તૈયાર ભાણે જમવાની જે જાહોજલાલી હતી એનું આ પ્રથાએ ગળું ઘોંટ્યું અને ઉપરથી જાતે પીરસીને જમવાનો વારો આવ્યો. જમણવારોમાં વાનગીઓનાં નામ ગણવામાંય આંગળીના વેઢા વધી પડતાં એને બદલે ભારતીય ઉપરાંત — મેક્સિકન, થાઈ, શ્રીલંકન વગેરે કોન્ટિનેન્ટલ ફૂડ પીરસાવા માંડ્યાં જેનાથી મોટા ભાગનાં નામ પણ જમી રહીએ ત્યાં સુધીમાં ભુલાઈ જાય.
યુનિફૉર્મવાળા પેલા અપક્ષના સભ્યો હાથમાં જાત જાતનાં સ્ટાર્ટર, સૂપ, જ્યૂસની ટ્રે લઈને ચોતરફ ફર્યા કરે. જેને જે ખાવું હોય એ ખાય. કોઈને વળી સ્ટાર્ટર ભાવી જાય તો એના પર જ મારો ચલાવે. તો કોઈ વૃદ્ધજનને પનીર ટીકા સળી કહેતાં ટૂથપીકમાં ભરાવીને કેવી રીતે ખાવું એનો ડેમો કોઈ ટેણિયો આપતો હોય એવુંય જોવા મળે તો.
ભારતીય વાનગીઓ તો ઘેર ખાઈએ જ છીએ તે અથવા તો દેશી ગણાઈ જવાની બીકે વિદેશી ભોજનનાં કાઉન્ટર પર જરા વધારે ભીડ જોવા મળે. જે રીતે ભોજનનાં કાઉન્ટર અને વપરાયેલી થાળીઓનાં કાઉન્ટર વચ્ચે અંતર હોય છે એ જોતાં એમ લાગે કે થાળી મૂકીને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે કે શું? તોય, આ આધુનિક જમણવારોમાં એકેય આઇટમ મનભરીને ધરાઈને ખવાય નહીં અને તેમ છતાંય જમી પરવારીએ ત્યારે વધારે પડતું ખાઈ લીધાની અનુભૂતિ ચોક્કસ થાય. 100-150 વાનગીઓ ધરાવતા જમણવારમાં કેટલીય આઇટમ તો ચાખી પણ ન શક્યાનો રંજ પણ સારા ભોજનપ્રેમીને પજવે. જમી લીધા પછીય તમને મુખવાસમાં પાન બનાવીને શેરો-શાયરી લલકારતાં ખાસ તાલીમ પામેલાં પાનવાળાઓ પાન મોંમાં મૂકી આપે અને તમને એટલિસ્ટ જમણવાર પૂરતાં રાજા-મહારાજા જેવી ફિલિંગ આવે જ આવે.

ખોંખારો : બૂફે જમણવારમાં ગમ્મે એટલાં ફેરફાર આવે, હાથ ધોવા તો ચોક્કસ જમનારે જ જવું પડશે. કારણ કે પંગતમાં બેસીને જમણવારમાં હાથ થાળીમાં ધોઈ શકાય છે પણ એક હાથે પ્લેટ પકડીને બીજો હાથ પ્લેટમાં કેવી રીતે ધોવો એની હજી કોઈ રીત શોધાઈ નથી.

Sunday, December 20, 2015

“લાયસન છે?” મુંબઈ સમાચાર- ગુરુવાર ૧૦/૧૨/૧૫ લાડકી section



“લાયસન છે?” 

— શિલ્પા દેસાઈ

“ભટ્ટજી, ચાલો મંદિરે આવવું છે? ગુરુવાર છે તો સાંઇબાબાના મંદિરે જતા આવીએ જરા.” હસમુખકાકાએ અમને પૂછ્યું. ચાલો, આવું કહીને અમે સ્કૂટરની ચાવી લીધી અને ઘરમાં બારી-બારણાં બંધ કરીને ઘરને તાળું માર્યુ. નીચે આવીને જોયું તો હસમુખકાકા ઉર્ફે હસુકાકા એમના નવા નક્કોર બાઇકને આડું પાડીને કંઈ ગડમથલ કરતાં હતાં. અમને જોઈને કાકા હસ્યા અને બોલ્યા : “પહેલાં બજાજ હતું ને. એને આમ જ આડુંઊભું કરવામાં એ ફસ્ક્લાસ ચાલુ થઈ જતું, આમાં હારું નહીં થતું.” આટલું બોલીને કાકાએ ફરીથી બાઇક વાંકુચૂંકું કરી જોયું અને પછી સ્ટાર્ટ કરવા કીક મારી. ભરરરર... કરતું ચાલુ થઈ ગયું. બાઇક એટલે કાકાએ બૂમ પાડી ‘જસુઉઉઉ... હેંડ લી... આ ચાલુ થઈ ગયું છે.’ અમેય સ્કૂટરની ચાવી ઝુલાવતાં ઝુલાવતાં સ્કૂટર ભણી પ્રયાણ કર્યું. સ્કૂટર લઈને કાકા ઊભેલા ત્યાં આવ્યાં. કાકા બાઇક પર સવાર થઈને બાઇકને પગે લાગ્યા અને પ્રાર્થના કરતા હોય એમ લાગ્યું. આ એમનો રોજનો ક્રમ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો. અમે સ્કૂટર કાકાની બાઇક પાસે લાવીને ઊભું રાખ્યું અને રાહ જોવા લાગ્યાં. એટલામાં જસુકાકી હાથમાં નાનુંઅમથું ડોલચું (જેને એ ડોલકુ કહેતાં) ફીટોફીટ પકડીને આવતાં દેખાયાં. બાઇક પાસે આવીને જસુકાકી બોલ્યા : “લો આ ડોલકુ, ગવંડર પર લટકાઈ દો. “કાકાએ ડોલચું લઈને ગવંડર એટલે બાઇકનાં હૅન્ડલબાર પર લટકાવી દીધું. જસુકાકી ઓછી હાઇટના લીધે એક નાનો ઠેકડો લઈને બાઇક પર ગોઠવાયાં. “હેંડો ચલાઇ દો....” કાકાએ હેલ્મેટની વિન્ડો બરાબર સરકાવી અને બાઇક ચલાવવા માંડ્યું “કહું છું, લાયસન છે ને? બ્રેક સરખી વાગે છે? પાડસો નહીં ને રસ્તે? એં, ડોલકુ ખીચોખીચ ભરેલું છે, જો જો હોં સોટ બ્રેક ના મારતા ભઇસાબ. કહું છું સંભળાતું નથી? જવાબેય નહીં આલતા. “અમે સાથે સાથે જ બાઇક અને સ્કૂટર ચલાવતાં હતાં. અમેય માથે હેલ્મેટ પહેરેલી હતી. બે વાહન વચ્ચે અંતર હોવા છતાં જસુકાકીનો માઇક ગળી ગયેલો અવાજ ચોખ્ખો સાંભળી શકતાં હતાં એટલે હસુકાકાને નહીં સંભળાતું હોય એવી શક્યતાઓ જ ન હતી તેમ છતાંય હસુકાકાએ હેલ્મેટ કાઢી અને પેટ્રોલના ટાંકા પર મૂકી અને જવાબ આપ્યો. “તોબા તારાથી તો સતત પ્રશ્નો જ પૂછ્યાં કરે છે.” ને એટલામાં જ ક્યાંકથી ટ્રાફિક પોલીસ સીટી મારતો ફૂટી નીકળ્યો. કાકાની બાઇક સાઇડ પર લેવડાવી. હસુકાકા જસુકાકી પર તાડૂકી રહ્યા. જસુકાકી જરા ઓઝપાઈ ગયાં. ટ્રાફિક પોલીસે કાકા પાસે લાઇસન્સ માંગ્યું, “એક મિનિટ સાહેબ,” ને પછી કાકાએ કાકી સામે જોઈને ત્રાડ પાડી : જસુ... સાંભળ... લાયસન છે મારા પાકીટમાં જ. ને એનીય બે ઝેરોક્સ છે. બ્રેક હાઇક્લાસ વાગે છે. આજ સુધી ક્યારેય પાડી નાંખી છે તને રસ્તે તેં બકબક કરતી હતી. હેં? તારી પળોજણમાં જ આપણે સોટબ્રેક મરાઈ ને આ ડોલકા ફોલકા મારી ગાડીમાં નહીં ભરાવવાનાં હવેથી કહી દીધું. પોલીસ અને જસુકાકી બેય આ બ્રેથલેસ જવાબમારાથી ડઘાઈ ગયેલાં. જરાવાર પછી ટ્રાફિક પોલીસને કળ વળી ને એ બોલ્યો : “આતી ફેરી  જવા દઉં છું પણ હવેથી હેલ્મેટ પહેરજો કાકા. તમારી જ સેફટી માટે હોય છે આ બધા રૂલ્સો.” કાકાએ ધૂધવાતા ધૂંધવાતા હેલ્મેટ પહેરીને મૂંડી હલાવી મૂકી ને બાઇક ચાલુ કર્યું. મુખ્ય રસ્તા પર આવ્યાં. અમે એટલી વારમાં તો કાકા અમે સાથે સ્કૂટર પર કે એમની સાથે કાકી બાઇક પર બેઠાં છે એવું ભૂલી ગયાં અને જાત સાથે વાત કરવા માંડ્યા. બાઇક પર કાકી અને બાઇકની સાથોસાથ અમારા સ્કૂટર પર અમે અમારા સગ્ગા કાને “રનિંગ કોમેન્ટ્રી”નો ખરો અર્થ જાણ્યો. “સૌથી પહેલાં તો કાચાં લાયસનો કઢાવો. એના માટે આખો દા’ડો લાઇનમાં ઊભા રહો. નંબર આવે ત્યાં જ વિન્ડો પર ફૉમ ખલાસ થઈ જાય, રિસેસનો ટાઇમ  થઈ જાય. કાઉન્ટર પર બેઠેલો હોય એને ત્યારે જ બાથરૂમ જવું હોય, અથવા તો જરૂરી ફોન આઇ જાય. આ બધાં વિઘ્નો પાર પડે પછી આપડા હાથમાં ફૉમ આવે. મહિના હુધી રાહો જોવાની પછી પાક્કું લાયસન. એમાં જાત-જાતની પરીક્ષાઓ આલવાની. બધી ટ્રાફિક સાઇન્સો આપડે મોઢે કરી જવાની. અલા ભઈ બધીય ખબર છે. આ તમારાવાળા “બમ્પ છે” એવું પાટિયું બમ્પની પાસે લગાડે છે એ જો ને! એ વાંચવા જઈએ ત્યાં સુધીમાં તો બમ્પ પરથી કૂદીય જઈએ. નીકળી પડ્યા છે. પણ, પાછા અંગ્રેજીમાં આઠડો પડાવે. અંગ્રેજી ના આવડતું હોય એને ય લાયસન લેવા આવે ત્યારે આઠડાનું અંગ્રેજી તો આવડવા જ માંડે...” કાકાની આ નોનસ્ટોપ કોમેન્ટ્રીમાં અમે ય એક મોટો બમ્પ કુદાવ્યો અને બેલેન્સ હચમચી ગયું. એમાં ને એમાં અમારી ATQ (All Time Questionnaire)માંથી ધડાધડ પ્રશ્નો ઊભરાવા માંડ્યા. ટુ વ્હીલર હોય તો અંગ્રેજી આઠડો પાડવાનો અને ફૉર વ્હીલર હોય તો ઝાડ ફરતે ને બે ઝાડની વચ્ચે ગાડી લઈ જવાની ને વળી પાછી રિવર્સમાં લો, બ્રેક મારો ને કંઈ કેટલુંય. એક તો બાજુમાં જ ઇન્સ્પેક્ટર બેઠા હોય. અડધી ફડ તો એની જ બીક લાગતી હોય. લાયસન્સ લેવા આયા હોય તો ય અકસ્માત કર્યો હોય અને આ ભાઈ આપણને જેલભેગાં કરતાં હોય એવી લાગણી અનુભવાતી હોય એમાં એ જુદા જુદા ઑર્ડર છોડે. માંડ માંડ એ વિધિ પતે. પછી યે જો એનો મિજાજ ઠેકાણે હોય તો આપણાને લાયસન્સ મળે નહીં તો ના ય મળે. જેવો એનો મિજાજ અને આપણા નસીબ! હવે તો લાયસન્સમાં ફોટાય ત્યાં જ પડાવવાનાં હોય છે. ફેસબુક પર આપણે મૂક્યો હોય એનાથી સાવ વિપરીત જ ફોટા આવે.  “ચાલ્યા ગયેલ છે” એવા કેપ્શન નીચે છાપામાં આપી દેવાય એવો ફોટો આવે. ખબર નહીં શું કરે છે એ લોકો એક ફોટો પાડવામાં? આપણાને આપણા માટે પ્રેમ ઘટી જાય એવો ઘટિયા ફોટો પાડે. એ લાયસન્સના ફોટોગ્રાફરો માટે ખાસ ટ્રેનિંગ ક્લાસ ચાલુ કરવા જેવા છે. સેલ્ફી ફોટોગ્રાફ માટે તો આવા કોર્સ ચાલુ થયા જ છે...” આ ATQ હજી ચાલુ જ હતું ત્યાં તો અમે બીજો બમ્પ કુદાવ્યો અને વાસ્તવિક જગતમાં પરત ફર્યાં. આજુબાજુ નજર કરીએ તો હસુકાકા હજીય એમના તાનમાં જ સ્વગતોક્તિ ફટકાર્યે જતા હતા. તે જસુકાકી એમના સ્વભાવથી વિરુદ્ધ સાવ મૂંગામંતર થઈને કાકાને ખભે સ્ટૅન્ડ હોય અને થેલો લટકાવ્યો હોય એમ હાથ ટેકવીને આજુબાજુ ડાફોળિયાં મારતાં હતાં. વળી અમારા વિચારોને વેગ મળ્યો. “મા-બાપો ય ખરા છે હોં. નાનાં નાનાં છોકરાંના હાથમાં વાહન આપી દેતા જીવેય કેમ ચાલતો હશે? એવા તે શું કામમાં હોતા હશે કે છોકરાંઓને લેવામૂકવાની વ્યવસ્થાય ન થઈ શકે? કાયમ મજબૂરી હોય? અપત્ય-પ્રેમ હોય તો બધાનેય હોય. છોકરાં માંગે એટલે વાહન આપીને છોકરાંનાં પોતાનાં તો ખરાં જ પણ બીજાના જીવોય શું કામ જોખમમાં મૂકતાં હશે? સરકારે લાયસન્સ આપતી વખતે જ બધા પાસે સોગંદનામું કરાવવું જોઈએ કે આથી હું અહીં સહી કરનાર ફલાણા ફલાણા પ્રતિજ્ઞા લઉં છું કે મારા બાળકને જ્યાં સુધી એ 18 વર્ષનું ન થાય અને ટ્રાફિક સેન્સ ન આવે ત્યાં સુધી વાહન આપીશ નહીં. જો તેમ કરવામાં નિષ્ફળ જાઉં તો સરકારશ્રીને મારું લાયસન્સ અને વાહન જપ્ત કરવાનો અબાધિત અધિકાર છે.” ટેણિયાં મેણીયાંઓને જલદી જલદી મોટા થઈને શું કરવું છે, ખબર નહીં અલા મોટી ઉંમર થશે એટલે આવશે જ ને તમારા હાથમાં વાહન. ખમી જાવને બાપલા? આમેય નાના રહેવામાં જ અનેરી મજા છે. પણ સાલી એ વાત મોટા થઈ જઈએ પછી સમજાય છે.
હજીય આ વિચાર મણકા ફરતાં જ રહેત પણ અમારું ગંતવ્યસ્થાન આવી ગયું અને અમે સ્કૂટર ધીરું પાડ્યું. ટ્રાફિકના નિયમો યાદ રાખીને સાઇડ-ઇન્ડીકેટર પણ ચાલુ કર્યું. અમે સ્કૂટર ધીમે ધીમે બાજુ પર લાવ્યાં, હસુકાકા આણિમંડળીએ પણ બાઇક બાજુ પર લીધું. એમનો પુણ્યપ્રકોપ હજી કન્ટિન્યુઅસ મોડમાં જ હતો. અમે બંનેએ વાહન સ્ટૅન્ડ પર પાર્ક કર્યાં.
કાકી ઠેકડો મારીને ડોલકુ જોવા ઝડપથી આગળ આવ્યાં. હસુકાકાએ હેલ્મેટ ઉતારીને હૅન્ડલબાર પર લટકાવી અને અમારી સામે જોયું : “ઓ હો ભટ્ટજી... તમે? મંદિરે આવ્યાં છો?” અમે નિઃશબ્દ. એટલામાં જ ક્યાંકથી પોલીસ આવી ચડ્યો અને સ્કૂટર પર ડંડો પછાડ્યો ને બોલ્યા : “લાવો 50 રૂ.” અમે ભાનમાં આવ્યાં અને પૂછ્યું : “શેના?” જવાબમાં પોલીસે “No Parking”નું પાટિયું વંચાવ્યું. અમે ફરીથી નિઃશબ્દ અને 50 રૂ. આપ્યાં ને પાવતી લીધી.

ખોંખારો :
બાઇકચાલક શાંતિલાલને મોબાઇલ પર વાત કરતાં જોઈને ટ્રાફિક પોલીસે પકડ્યા. ઊભા રાખીને લાયસન્સ માગ્યું. પણ, શાંતિલાલ વાત કરતા જ રહ્યા. પોલીસે બેત્રણ વાર હાથ પછાડ્યો એટલે હોલ્ડ કરીને કહ્યું, “ગુનો તો પૂરો થવા દો. ચાલુ ખૂનની ક્રિયાએ કોઈ દિવસ પકડ્યા છે કોઈને? ગુનો પૂરો થાય પછી જ લાઇસન્સ બતાડીસ!!”

http://bombaysamachar.com/epaper/e10-12-2015/LADKI-THU-10-12-2015-Page-4.pdf

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool..મુંબઈ સમાચાર- 03/12/2015 THURSDAY -Laadki section

 

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool
— શિલ્પા દેસાઈ
કાશીકાચી ઉર્ફે કાશીકાકીએ ચાની ચૂસકી મારતાં મારતાં છાપાની ગડી ખોલી ને અચાનક જ એમની ચૂસકી ભરવાની ઝડપમાં વધારો થઈ ગયો. ધોબી ઇસ્ત્રી કર્યા પછી સાડીની છેલ્લી ગડીને ડાબા હાથથી ઘસી ઘસીને Final Fold મારે એમ એમણે છાપું વાળીને ફાઇનલ ફોલ્ડ કર્યું. ફટાફટ ઘડિયાળમાં જોઈને રાડ પાડી: એ ચકલા, ઢબલી ઊઠોઓઓઓ... બંને છોકરાં સફાળા બેઠાં થઈ ગયાં ને “શું થયુંઉઉઉ...”ની સામી રાડ પાડી. કાશીકાચીએ ઉત્તર આપ્યો, “જલદી પેટીપલંગ ખોલો આળસુડાઓ. એમાંથી રજાઈ ને ગોદડાં, સ્વેટર બહાર કાઢો ને તડકે તપાવવા નાંખી આવો. કાસ્મીરમાં બરફ પડ્યો છે ભયંકર એવું છાપામાં આયું છે આજે.” ચકલો ને ઢબલી હસી પડ્યાં. ઢબલી કહે : “અલી મમ્મી, એ તો કાશ્મીરમાં પડ્યો છે. અહીં આવતાં તો હજુ વાર થસે અને એ ય તે બરફ તો નહીં જ. સુ યાર તું પાછળ પડી જાય છે.” કાશીકાચીએ ચકલાને પલંગમાંથી ખેંચી કાઢ્યો. “અલી એ મમલીઈઈઈ...” ચકલો બૂમાબૂમ કરી રહ્યો. પણ એમ કાશીકાચી માને તો કાશીકાચી શેના? આ ઠંડી કંઈ અંબાજીનો પગ પાળા સંઘ છે તે તમે કહો એ દિવસે અહીં આવસે? ઊઠ હેડ, આ પેટી ખોલ ને બધું કાઢવા માંડ, બંને છોકરાં ઊઠ્યાં અને પેટીપલંગમાંથી બધુ કાઢવા માંડ્યા. કાશીકાચીએ ફટાફટ બે જાડી રજાઈઓ ખેંચી કાઢી અને ઢબલીનાં હાથમાં પકડાવી. “લે, તારા બાપા પરોઢિયાનાં સપનાં જ જોતા હસે હજીય એમને ઓઢાડી આય. ગામથી વધારે એમને જ ટાઢ વાય છે તે.” ઢબુએ બેડરૂમ ભણી ગતિ કરી ત્યાં જ રૂમમાંથી ચુનીકાકા—કાશીકાચીનાં હસબન્ડ બગાસાં ખાતાં ખાતાં બહાર આવ્યા. ને ઢબુએ ત્યાં જ એમના હાથમાં પેટી, રજાઈઓ પકડાવી દીધી. “પપ્પા... લો, આ રાખો. મમ્મીએ તમને ગિફ્ટ આપી. “કહીને તાળી આપવા માટે ચકલા તરફ હાથ લંબાવ્યો.” આ તારી મમ્મીને ગામથી પહેલો શિયાળો આઈ ગયો એમ ને?” ચુનીકાકા ઉવાચ.
આવી... કાશીકાચીઓ ઘેર ઘેર હોતી હશે. હેં ને? “છાપામાં આવતાં સમાચારોની અસર કેટલી?” જો એવો સર્વે કરવાનો આવે તો આવા હવામાનના સમાચાર છાપ્યા પછી કરવો જોઈએ. ઇન્ટરનેટ અને ગૂગલનાં આ આધુનિક જમાનામાં છાપાની અસરકારકતા આવા સમાચારોથી ખબર પડે.
કહેવાય છે કે શિયાળામાં એકબે ડિગ્રીની ચઢઉતર પણ લોકોનાં શરીરના તાપમાન પર બહુ અસર કરતી હોય છે. પણ શિયાળો સિઝન એકદમ મઝાની. એમાં ના નહીં. શિયાળાની અસરો મુખ્યત્વે ખોરાક અને કપડાં પર પડે છે. કેટલાંક લોકોની અમુક પ્રકારની વર્તણૂક પણ શિયાળો હળવોફૂલ બનાવી દે છે. જેમ કે, અમારા એક પડોશી છે. હસમુખકાકા. આ હસમુખકાકા વર્ષોથી ઠંડી વધારે છે કે ઓછી એ માપવા વહેલી સવારમાં ઘરની બહાર નીકળે તે જોરથી શ્વાસ બહાર કાઢે. જો ધુમાડો જેવું દેખાય તો અતિશય ઠંડી અને જો કશું ન દેખાય એવું તો સામાન્ય ઠંડી. શિયાળા દરમિયાન હસમુખકાકાની આ ફેવરિટ એક્ટિવિટી છે. કોઈ વાર એમને જો ઠંડીની માત્રા અંગે મૂંઝવણ થાય તો બેચાર વાર શ્વાસ લઈને બહાર કાઢે ને જોનારને એમ લાગે કે એ કપાલભારતી કે એવો કોઈ યોગ અજમાવી રહ્યા છે. તો જશોદાકાકી વળી દૂધ માટે જે થેલી મૂકે એમાં ઉનની ન પહેરાય એવી બંડી ય મૂકે કે જેથી સવારે દૂધવાળો જે દૂધની જે થેલીઓ મૂકે એ ઠંડીને લીધે બરફ ન થઈ જાય!! તો વળી કોઈ પણ સિઝનને સિરીયસલી ન લેનારા કનુકાકા એ જે દિવસે નેપાળી સ્વેટર બજાર જુએ એ જ દિવસે શિયાળો બરાબર બેઠો છે એમ જાહેરાત કરે. ભલે પછી એ દિવસ નવેમ્બરમાં હોય કે ડિસેમ્બરમાં. ગયા વર્ષે એમનો શિયાળો બહુ મોડો બેઠો. કારણ કે નેપાળી સ્વેટર બજાર કાયમ જ્યાં ભરાય છે તે સ્થળ બદલાઈ ગયેલું. એટલે સોસાયટીની એક જનરલ મિટિંગમાં એ સદરો અને લેંઘામાં પ્રગટ થયા ત્યારે બધાએ પૂછયું : “કાકા, ઠંડી નથી લાગતી? તો એમણે ફિલસૂફની અદામાં જવાબ આપેલો : “ઠંડી તો માનસિક અવસ્થા છે.” સોસાયટીની ટપુસેનાએ એમને નેપાળી સ્વેટર બજારનાં બદલાયેલાં સ્થળની માહિતી આપી એ સાથે જ એમની માનસિક અવસ્થા અને સ્વસ્થતા બંને બદલાઈ ગયા અને એમણે ઠંડી ભયંકર વધી ગઈ છે તેની  વિધિવત્ જાહેરાત પણ એ જ મિટિંગમાં કરી દીધી.
શિયાળો આવે એટલે શાકમાર્કેટમાં વિવિધ રંગનાં શાકભાજી દેખાય. પબ્લિક પાર્કમાં તંદુરસ્તીવાંચ્છુઓની સંખ્યામાં વધારો જોવા મળે. પાર્કના વૉક-વે કે વૉક-ટ્રેક પર જાત જાતનાં વૂલન કપડાં પહેરેલાં વીરલા વીરલીઓ આમતેમ લયબદ્ધ-શિસ્તબદ્ધ ચાલતાં-દોડતાં દેખાય. તો લોન પર કોઈ ઠેકાણે યોગાસન કરનારાય નજરે ચડે તો વળી કાકા-માજીઓના એક અલગ જ મિજાજ દેખાય. ઘણાં ઉંમરલાયકોથી ઠંડી સહન ન થતી હોવાથી એમનાં રૂટિનમાં થોડું પરિવર્તન પણ આવી જાય. બગીચામાં આવવાનો સમય બદલાય અથવા તો આવવાનું જ બંધ થઈ જાય. પાર્કની બહાર જાત જાતનાં સૂપ, કરિયાતા, જ્યૂસ, નાસ્તાવાળાઓનો રીતસર રાફડો ફાટે ને આ લારીવાળાઓ એકબીજાની હરીફાઈમાં જરાય અસહિષ્ણુ થયા વિના સંપીને ઊભા રહે. દરેક જણ સારું જ કમાય. સાંધા જકડાઈ જવા, શરદી-ખાંસી થવા એ શિયાળાના માનીતા રોગો છે, એટલે એને નાથવા માટે જાત જાતનાં ઘરગથ્થુ ઉપાયો, શિયાળામાં ખાવ તો ગરમ ન પડે એવાં વસાણા-શિયાળુપાકની વાનગીઓની રીતથી વર્તમાનપત્રોથી માંડીને સોશિયલ નેટવર્ક ઊભરાતાં રહે. જે-તે ફળફળાદિ, શાકભાજીના ગુણ વર્ણવતા ફરફરિયાં જ્યાં ત્યાં ઊડાઊડ કરતાં દેખાય.
સરકાર માન્ય “નીરા કેન્દ્ર” એ શિયાળાની અદ્ભુત ભેટ છે. તમને સરકાર માન્ય હોય કે ન હોય પણ નીરો તો અહીં જ પીવો પડે. વળી નીરો ડ્યૂઅલ પર્સનાલિટી ધરાવતું એકમાત્ર સરકાર માન્ય પીણું છે. સવારે નવેક વાગ્યા સુધી એ એકદમ ગુણકારી પીણું ગણાય છે. પછી ધીમે ધીમે એનામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવા લાગે છે અને એ છેવટે “તાડી” નામના સરકાર-અમાન્ય પીણામાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો નીરો એ વહેલી સવારે નરણા કોઠે પીવાનું પીણું છે. પણ જો નવ પછી પીઓ અને સ્કૂટર પર જતાં પવન લાગે અને તમે જો તાનમાં આવી જાવ તો ચોક્કસ માનજો કે તમે નીરો નહીં પણ તાડી પી ગયા છો! એવા આ ચમત્કારિક પીણાને પૅકિંગમાં ઘરે (કે બીજે કશેય) લઈ જવાની મનાઈ છે. પણ કેટલાંક ઉત્સાહીજનો ઘરમાં વડીલોને માટે લઈ જવાનું છે એમ જૂઠું બોલીને કોથળીમાં ભરીને લઈ જાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો નીરો દૂરથી દેશી દારૂની પોટલી જેવો દેખાતો હોવાથી નીરો માટે લાઈનમાં ઊભેલાં કે લાઈનની બહાર ઊભેલાં જુદી નજરે જુએ છે. કાયમ ઊંધું જ વિચારતા લોકોની જગતમાં ખોટ નથી એટલે મોટા ભાગના લોકો મનમાં એમ જ વિચારે કે સાલો ઘેર જઈને નીરો બપોરે “તાડી” બને પછી જ ઢીંચશે. વળી, નીરોનું મુખ્ય વિતરણ નશાબંધી મંડળ દ્વારા થતું હોય છે!!! આ તો થઈ શિયાળાના અમૃત “નીરો”ની વાત. શિયાળામાં બીજો ક્રેઝ હોય તો એ “કચરિયું” ખાવાનો. તલમાંથી બનાવાતું કચરિયું એશિયન એટલે કે કાળાતલનું—અને અમેરિકન એટલે કે સફેદ તલનું. એમ બે પ્રકારનું મળે. જૂના સમયમાં ઘાણીમાં તલ નાંખીને બળદિયા ગોળ ગોળ ફરે. તેલ નીકળ્યા પછી જે બચે એમાં ગોળ-સૂંઠ વગેરે ઉમેરીને ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય એવું કહેવાતું. મૂળ તો આ ગામડાની “સ્વીટ” છે. પણ, હવે શહેરોમાં ય નાના-નાના કરિયાણાવાળાની દુકાનોમાંય કાળું-ધોળું કચરિયું રંગીન ખોખાઓમાં મળતું થઈ ગયું છે. શહેરમાં રસ્તાના ડિવાઇડર પર સૂનમૂન ઊભેલાં સાંઢિયા જોઈને એમ થાય કે આખો શિયાળો ગોળ ગોળ ફરીને બિચારો એટલો તો સૂન મારી ગયો છે કે એ ચક્કર ઉતારવા જ આમ ડિવાઇડર પર સ્થિર ઊભો હશે!! અમે તો દૃઢપણે એમ પણ માનીએ છીએ કે શહેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બળદોની સંખ્યા વધવાનું મૂળ કારણ આ “કચરિયું” જ છે. અમુક લોકો ભાર દઈને બોલવાના શોખીન હોય છે એ લોકો કચરિયાને “લો આ કચ્ચરિયું ચાખો” એમ કહીને નાની ડિશમાં આપણને કચરિયું ધરે ત્યારે આપણો કચ્ચરઘાણ નીકળી જશે એવી લાગણી થાય. શિયાળાની સાથે સાથે લગ્નસરા પણ શરૂ થઈ જાય. શિયાળામાં ભૂખ ઊઘડે... ઘણાને પારકા જમણવારોમાં ભૂખ ઊઘડે. એક સાથે પાંચસોસાતસો જણની ભૂખ ઊઘડે તો યજમાનનાં રસોડે યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાય તો જ નવાઈ. દાળ-શાકમાં પાણીનો પુરવઠો વધતો દેખાય તો જાણવું કે લોકોની ભૂખે ભયંકર ઉઘાડ કાઢ્યો છે.
આપણે ત્યાં ઠંડીનો પારો દિવસેય ગગડેલો રહે એવા માંડ આઠદસ દિવસ જ હોય. એ સિવાય શિયાળો અત્યંત ખુશનુમા હોય છે. સવારમાં ચ્હા પીતાં પીતાં ભૂતકાળમાં સરી જવાની મઝા અલગ જ આવે, તો ઠંડીને લીધે રાત્રે મોડે સુધી રખડતાં નિશાચરોની રખડપટ્ટી પર શિયાળા પૂરતી બ્રેક વાગે છે અને એમના કુટુંબને પણ સાથે સમય ગુજારવાનો લહાવો મળે છે. તો ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલાં લોકોને ધાબળા ઓઢાડીને પુણ્ય કમાતા કર્ણોનીય ખોટ નથી.

ખોંખારો : શિયાળા દરમિયાન પ્રયત્નપૂર્વક મેળવેલી તંદુરસ્તી આખું વરસ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ...

"Suffer-જન તો તેને રે કહીએ...”..26/12/15 mumbai samachar

"Suffer-જન તો તેને રે કહીએ...”

— દેસાઈ શિલ્પા
“હુરરર...હટ્ટટ....હુરરરરર... સુહાના સફર ઔર યે મૌસમ હંસીઈ... હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીંઈઈ...” યાદ આયોને દિલીપકુમાર?ઓલિમ્પિક્સમાં ગોળાફેંકમાં જીત્યા પછી ખેલાડી હવામાં મૅડલ ગોળ ગોળ ફેરવીને જે રીતે ખુશી વ્યક્ત કરે એવી જ ખુશી દિ. કુ. જી.એ ફિલ્મ “મધુમતી”નાં આ ગીતમાં વ્યક્ત કરેલી. આ ગીત અમે જ્યારે જોઈએ અથવા સાંભળીએ ત્યારે થાય કે ગમે એટલી સુહાની મોસમ હોય ને ગમે એટલો ફૉર લૅન હાઇ-વે હોય તોય આવી રીતે આપણાથી બીજું ક્યાં ગવાય છે? વાત મૂળ તો સુહાના સફરની છે. આખું વર્ષ નોકરી-ધંધામાં ગમે એટલું “Suffer” કર્યું હોય પણ હવે આ સિઝન શરૂ થઈ છે “સફર” કરવાની. દિવાળી આવતાં જ બધાં “સફરજનો” નીકળી પડે છે. પણ ખરેખર સફરનો લૂત્ફ ઉઠાવે છે ખરા?
ફરવા જવું એ ‘પેશન — Passion” હોવું જોઈએ કે “Fashion —ફેશન?” ટ્રાવેલ કંપનીવાળાઓએ “સફરજનોની નાડ (છાલ) બરાબર પારખી છે ને એટલે જ ઠેરઠેર તમે દુનિયાનું કોઈ પણ સ્થળ ફરવા જવા માટે નક્કી કરો પણ એનું અંતર તમારા ઘરથી હોય માત્ર “ ‘0’ — Zero” કિ.મી. ટ્રાવેલ એજન્સીવાળા એમની ઑફિસમાં તમારું સ્વાગત વૅલકમ ડ્રિંકથી કરતા થઈ ગયા છે જે ઍરહોસ્ટેસથીય રૂપાળું સ્માઇલ આ ટ્રાવેલ એજન્ટોની કંપનીનો સ્ટાફ તમને આપે છે. જેમ ડૉક્ટર પાસે જાવ તો એ બધા જ જરૂરી-બિનજરૂરી ટેસ્ટ કરાવી લે એમ જ આ ટ્રાવેલિયાઓ પણ બધા ટેસ્ટ ત્યાં જ કરી લે છે. આ વખતે અમને બી એમ થયું કે દરવખતે ફરવા જઈએ ત્યારે જાતે લમણાં લઈએ છીએ એનાં કરતાં બધું ટ્રાવેલ એજન્ટને જ સોંપીએ. આવો શુભ નિર્ધાર કરીને અમે નજીકની એક ટ્રાવેલ ઑફિસમાં ઘૂસ્યાં. પૅરિસનાં ઍફિલ ટાવરથી લઈને નડિયાદનાં સંતરામ મંદિર સુધીનાં ફોટા ચારે બાજુ ટીંગાડેલા હતા. જોકે, પછી ખબર પડી કે ટ્રાવેલ એજન્ટશ્રી નડિયાદનાહતા અને સંતરામ મંદિરમાં અખૂટ આસ્થા ધરાવતા હોવાથી એ ફોટો પણ ત્યાં હતો. બાકી નડિયાદ જવા માટે કંઈ કોઈ થોડું અહીં પૂછવા આવે? વીમા એજન્ટ મેડિક્લેઇમ ઉતરાવવાની સમજણ આપે એમાં અને ટ્રાવેલ એજન્ટ જુદાં જુદાં સ્થળોની માહિતી-સમજણ આપે. એમાં ઝાઝો ફેર હોતો નથી. ખેર, અમને એક નાની ચોરસ કોટડી જેને એ લોકો “હેલ્પ-ક્યુબ” કહેતા હતા એમાં બેસાડવામાં આવ્યા. તરત જ વૅલકમ ડ્રિંક પણ આવી ગયું. પાછળને પાછળ જ એક હીરો ટાઇપ હેન્ડસમ બૉય પ્રગટ થયો. અમે જાણે કે કોન બનેગા કરોડપતિની હૉટ સીટ પર હોઈએ અને એ પોતે બચ્ચનસાહેબ હોય એવી લાગણીથી અમારી સામે જોયું અને બેઠક પર ગોઠવાયો. ટેબલ પર સહેજ ખસેડખૂસડ કર્યું. ટેબલના ખૂણામાં કંઈ દેવી-દેવતાના ફોટા હશે એને પગે લાગ્યો. અમે ભાવવિભોર અને પ્રભાવિત પણ થયાં. આટલી વિધિપૂરી થતાં લગભગ દસેક મિનિટ થઈ. અમે એનું નિરીક્ષણ કરતાં રહ્યાં. “ફિલમમાં ચાલે એવો છે એટલિસ્ટ... ઍડ ફિલ્મમાં તો ચાલે જ.”
હવે એણે અમારી સામે જોયું અને હસ્યો.
“યસ મેમ, હાઉ મે આઈ હૅલ્પ યુ?”
“બહારગામ જવું છે.”
“કેટલાં જણાં છો?” આ પ્રશ્નથી અમે મુંઝાયા અને અમારી આજુબાજુ જોયું “હેં?” એકલી જ આવી છું તપાસ કરવા તો...”
એ હસી પડ્યો. “અરે, એમ નહીં. બહારગામ કેટલાં જણા જવા માગો છો?” પછી ઉત્તરની રાહ જોયા વિના ટેબલનું ખાનું ખેંચીને એણે એક કાગળ કાઢ્યો ને ટેબલ પર ચાદર પાથરતા હોઈએ એમ પાથર્યો. ગ્લોસી પેપરમાં જુદી જુદી જગ્યાઓમાં આકર્ષક ફોટોગ્રાફ્સ હતા અને થોડી થોડી વિગતો લખેલી હતી.
“તમે થોડાં મોડાં છો, મેમ...” અમે આશ્ચર્યથી ઘડિયાળ ભણી જોયું. હજી તો સવારના અગિયાર માંડ થયા છે ને આ હીરો એમ કહે છે કે તમે મોડાં છો? મીન્સ... ઑફિસ સવારમાં વહેલી જ ખૂલી જતી હશે? એવું વિચારવામાં અમે આ પ્રશ્નનો ઉત્તર પણ ખાઈ ગયાં. “યુ. સી., હવે તો દિવાળીની રજાઓ પછીનું જ બુકિંગ મળે તો મળે. એય નોટ સ્યોર હોં કે. દિવાળીનાં તો ઑલ પેકેજિસ પૅક થઈ ગયા છે.”
“અમારે દિવાળી પછી જ જવું છે મિત્ર. શું છે કે દિવાળીમાં તો બધે ભયંકર ભીડ હોય છે અને કોઈ વાર તો અહીંવાળા જ તંઈ પણ ભટકાય અને પાછાં આપણને પૂછે કે લો, તમે ય અહીં જ આયા છો? તે અમારાથી ના જવાય? કહો જોય? એની વેઝ, જગ્યાઓ બોલો જોય તમે.”
હીરો ફરજનાં ભાગરૂપે અમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો અને ફરીથી જરા હસ્યો અને અમને કેટલાં દિવસ ફરવા જવું છે એમ પૂછયું. અમે ચારપાંચ દિવસ કહ્યું એટલે એણે પેલી પાથરેલી ચાદર ગડી કરી દીધી અને ખાનામાંથી બીજી ચાદર કાઢી એમાંય રંગબેરંગી ફોટોગ્રાફસ અને માહિતી આકર્ષક રીતે સજાવેલા હતા.
“તમારી કોઈ પર્સનલ ચૉઈસ છે કે એક્ઝેટ. તમારે કઈ જગ્યાએ જવું છે?” અમે હેં? પૂછીએ એ પહેલાં જ એણે કહ્યું, “આઈ મીન, દરિયાકિનારે, પર્વત, જંગલ વગેરે વગેરે... તંઈ જઈને ખાલી પડ્યા જ રહેવાનું હોય તો એવાંય સ્થળોનીય આપણી એજન્સી પાસે વ્યવસ્થા છે જ.”
અમે ફરી વિચારમાં પડ્યાં. સાલું આવું તો ક્યારેય વિચાર્યું જ નથી. હીરોની ગાડી હવે રમરમાટ સ્પીડમાં દોડતી હતી. અમને પૂછેલાં પ્રશ્નોના ઉત્તરનીય રાહ જોયા વિના એ નૉનસ્ટોપ બોલ્યે જ જતો હતો. વચ્ચે...વચ્ચે પેલી ચાદર પર કંઈ કુંડાળાઓય કરતો રહેતો હતો. અમે થોડુંક ધ્યાનથી બેધ્યાનપણે સાંભળતા હતા.”
“તમારી સાથે ચિલ્ડ્રન્સ કેટલાં છે?” ભાષાનો આવો ભયંકર ઉપયોગ અમે સાંભળીને વ્યાકરણદોષ સુધારવાના મિજાજમાં આવ્યાં પણ એની વાણી તો અવિરત ચાલુ જ હતી એટલે “ચિલ્ડ્રન્સ” તો ક્યારનાંય આગળ જતાં રહ્યાં. યુ. સી., તો હું તમને એ પ્રમાણે પેકેજિસ સજેસ્ટ કરી શકું. ઘણીવાર ચિલ્ડ્રન્સોના લીધે સારી ડિલ્સ મળી જતી હોય છે.” અમે એક બાળક અંગે માહિતી આપી એટલે એણે કુંડાળું કર્યું અને એમાં લખ્યું ‘1 ચિલ્ડ્રન.’ અમે વળી વ્યાકરણદોષ નિવારવા આતુર થઈ ઊઠ્યાં, પણ હીરો બીજા કુંડાળા તરફ ગતિ કરી ગયેલો.
“વેજ કે નૉનવેજ? યુ. સી, હવે બધા સી-ફૂડને વેજ ફૂજ જ ગણે છે.”
“ના હોં, જો જો ભંઈ... પક્કા વેજ હોં... ને રસપૂરી ને પાતરાં ને એવું બધું. ફોરેન ટીપમાં જ ઑફર કરો કે અહીં પણ ખરું એવું બધું?” હીરો એ અમારો પ્રશ્ન તો સાંભળ્યો જ નહીં... અને કુંડાળા પર ચોકડી મારી અને બીજું કુંડાળુ અર્થાત્ પ્રશ્ન ઝીંક્યો.
“અમે અમુક સ્થળોએ ક્લાયન્ટને ફૂલ્લી ઈક્વિપ્ડ અપાર્ટમેન્ટ જ એકોમૉડેશન માટે આપીએ છીએ. યુસી, એમાં બધું જ હોય. ફ્રીજ, એસી, વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન વગેરે... સગડીવાળો ગૅસ ન હોય બસ. બધું તમારે માઇક્રોવેવમાં જ રાંધવાનું. ઇવન માઇક્રોવેવનાં વાસણો ને થાળી વાટકાય ખરા અપાર્ટમેન્ટમાં. જો તમને માઇક્રોવેવ ઓવન ઓપરેટ કરતાં આવડતું હોય તો તમારે માટે કામનું, બાકી તો એ સ્થળ નકામાં.”
અમે ના કહી. એ અચરજથી અમારી સામે તાકી રહ્યો. “અલ્યા ભંઈ માઇક્રોવેવ ચલાવતાં તો આવડે છે પણ ત્યાં જઈનેય જો અમારે જ રસોઈની માથાકૂટ કરવાની હોય તો એ તો અહીં પણ કરીએ જ છીએ ને હેં?” હીરો અમારી વાત સાથે સંમત થયો અને યે કુંડાળા પર પણ ચોકડી મારી. હવે મુખ્ય પ્રશ્ન આવ્યો, તમે બજેટ કેટલું રાખ્યું છે બાય ધ વે? યુ સી, એ પ્રમાણે તમને પેકેજ દેખાડું.”
અમે બજેટ જણાવ્યું એટલે એણે વળી નવું કાગળ કાઢ્યું ને કુંડાળાય નવેસરથી કરવા માંડ્યાં. “તમે અમારા ગ્રૂપ પેકેજમાં જોડાવા માંગશો કે તમારું ફૅમિલી જ એકલું હોય એવા પેકેજમાં?”
યુ સી... ગ્રૂપ પેકેજમાં તમને ડીલ થોડી સારી મળશે. ટ્રાન્સપૉર્ટનો ખર્ચો એકલાએ નહીં ઉઠાવવાનો આવે જે તમે એ બચેલી રાશિ ખરીદીમાં યુઝ કરી શકશો. ને બીજો ફાયદો એય થશે કે તમે નવા મિત્રો બનાવી શકશો. જે તમને ભવિષ્યમાં સાથે જવા કામ લાગશે. આ લૉજિક અમને સમજાયું નહીં. પણ પ્રશ્ન શું પૂછવો એ ન સમજાવાથી અમે ચૂપ રહીને કુંડાળાની રાહ જોઈ.. સદ્નસીબે હીરો પાસે બધા કુંડાળા ખલાસ થઈ ગયેલાં એટલે એણે અમને 1 કરોડનો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તમારે અત્યારે જ બધું નક્કી કરીને જવું છે કે ફરીથી મુલાકાત લેશો? યુ સી., અમારી એજન્સી હવે એક સપ્તાહ ચાલુ રહેશે પછી દિવાળીને લીધે પાંચમ સુધી બધું બંધ છે.
“તે હેં, તમે ટૂર પર જાવ તો અહીંના પેકેજમાં જાવ કે બીજે કંઈથી પેકેજમાં જાવ?” અમારી આ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાને બદલે ઉત્તરમાં હીરોમાત્ર જરાથી થોડું વધારે મલકાયો, મારા બેટા એ મગનું નામ મરી તો ન જ પાડ્યું. બઉ સ્માર્ટ. અમે એનો આભાર માન્યો અને ઊભા થયા. એણે અમને, “થૅંક્યુ મેમ... પ્લીઝડ ટુ મીટ યુ ..ડુ વિઝિટ અસ અગેઇન...” જેવા શિષ્ટાચારનાં વાક્યો ઝીંક્યાં અને એજન્સીની પ્રવાસ વિગતોનું એક કેટલોગ અમને પકડાવ્યું. રજાની મજાની સફરના ઘોડા દોડાવતાં અમે ઘર ભણી સફર આદરી અને મનોમન નક્કીય કર્યું કે હવે જવું તો મંગળ જ એટલે કે મંગળ ગ્રહ પર જ જવું.. ત્યાંય હવે જનજીવન છે. અમેય જરા રેકી કરતાં આવીએ તો ટ્રાવેલ-રિસર્ચનો આનંદ લઈ શકાય ને?
ખોંખારો : બહારગામ જઈનેય જો તાજગી અનુભવવાને બદલે મુશ્કેલીઓનો જ વિચાર કરતાં હોય એ લોકો ખરા અર્થમાં “Suffer-જન” છે.

http://bombaysamachar.com/epaper/e26-11-2015/LADKI-THU-26-11-2015-Page-4.pdf

Thursday, October 22, 2015

કહાની ઘર ઘર કી...



તારા વિના શ્યામ મને એકલડું લાગે એએ.... અહાહા.... શું શબ્દો છે... મોટા પાર્ટીપ્લોટમાં પાર્ટી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમી રહી છે, બૉ. એક એકથી ચડિયાતાં સ્ટેપ્સ તાલબદ્ધ રીતે રમાઈ રહ્યાં છે. નવાં નવાં સ્ટેપ્સ શીખવા માટે ઉત્સુક ગોપીઓ અને ગોપાલકો તલપાપડ છે અને અમે બિલકુલ અભિમાન રાખ્યા વિના સૌને અવનવા સ્ટેપ્સશીખવાડી રહ્યાં છે. માઝમ રાત ઝમઝમ કરતી આગળ વધી રહી છે એમ ગરબામાં ય રમઝટ જામતી જાય છે...”

અચાનક જ પોલીસની સાયરન જેવો મોબાઈલ એટલામાં ધણધણી ઠ્યો અને ભટ્ટજી પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા. ઓહ, આ એલાર્મની શોધ જેણે પણ કરી એને અમારા જેવા કેટલાંય શાળાનાદિવસોથી શોધે છે, કોઈને મળે તો કહેજો. એલાર્મ સ્નૂઝ પર મૂકીને પાછું જરા વાર લંબાવ્યું અને પેલું “તારા વિના શ્યામ આગળ ચાલ્યું.રંગરંગીલી ગોપીઓ અને રાધા સદેહે ધરતી પર તરી આવ્યા હોય એવો ભાસ થતો હતો. એક બાજુ ગરબાની રમઝટ ને બીજી બાજુ ખાણીપીણીના સ્ટોલ લાગેલા હતા. જાત જાતના ને ભાત ભાતના નાસ્તાથી સ્ટો અને એની આગળ મૂકેલાં ખુરશી-ટેબલ નવરાં બેસીહેલાં પ્રેક્ષકોથી ઊભરાતાં હતાં. સૌ ખેલૈયાઓ તો ગરબાના તાનમાં હતાએટલે એમને ખાવાપીવાની ખાસ પડી નહોતી. ગરબા પતે અને ઇનામો ય વહેંચાઈ જાય પછી ‘ખેલૈયાઓ આ સ્ટોલ્સ પર નજર નાંખે. મોટેભાગે તો કશું બચ્યું હોય એમ શક્યતાઓ ઓછી જ હોય છે. ખેલૈયાઓ વાત સારી રીતે જાણતાં જ હોય એટલે એ સાથે આવેલાં પ્રેક્ષકોને નાસ્તા લઈ રાખવાનું સોંપી રાખે. આ એક જાણે વણલખ્યો ધારો જ પડી ગયો છે.” ત્યાં વળી પાછી મોબાઈલમાં પેલી સાયરન ધણધણી. ભટ્ટજી હવે થોડા જાગ્રત થઈને પડ્યાં પડ્યાં કાલ રાતની ઘટના-દુર્ઘટનાઓ વાગોળવા લાગ્યા. પેલું એકસરખા ચણિયાચોળી અને કેડિયા-ધોતીવળું ગ્રૂપ અફલાતૂન હતું. મારા બેટા લોકો જાણે એકલાં જ હોય એમ એમને અહીં કોઈની પરવા નહતી. આમ પણ હવે ક્યાં કોઈની પરવા જ કરે છે! એ ય ને મસ્તીમાં એકસરખા સ્ટેપ્સ લેતાં હતાં. કોઈ ક્લાસીસમાં જ શીખ્યા હશે. સો ટકા એ વિના આટલું પરફેક્શન આવે જ નહીં. પેલી ટેણકી ય મસ્ત ઊછળી ઊછળીને ગરબા કરતી હતી. પેલી સૌથી સુંદર દેખાતી હતી એ જ સૌથી સરસ ગરબા કરતી હતી. પણ એક વાત ન ગમી આપણાંને એની સાથે પેલો ભોટ જેવો ગરબા કરતો હતો એ ભોટ જોડે ગરબા રમતી હતી, તે ભટ્ટજી શું ખોટા હતા?જીવ તો બહુ ય બળ્યા હશે કેટલાંયના... એની સામે જોવામાં ને જોવામાં નાસ્તો લઈને આવતાં આવતાં પેલા બબૂચક જોડે અથડાઈ જવાયું ને ચાલુ નવરાત્રિમાં લવિંગિયાં ફૂટવા માંડ્યા, ભાઈ તો ગુસ્સે થઈ ગયેલા બરાબરના. જો કે એમના 1000 રૂના ઝભ્ભાની ચટણી કરી નાંખી.ઢોકળાની ચટણી એ તો ગુસ્સે થવાનો એમનો હક્ક છે. એમની જોડેવાળા ભાભીએ એમને શાંત પાડ્યા. બાકી તો રાસ રમતા રમતાં યાદવાસ્થળી થઈ ગઈ હોત. અરે યાર, કાલે છેલ્લું નોરતુ હતું. આજથી પાછુ બધું સૂમસામ થઈ જશે. ફાફડા જલેબી ઝાપટવા પાર્ટીપ્લોટવાળાએ દરેક જણને એક પ્લેટ ફાફડા-જલેબી મફત આપેલાં, પછી ખાવા હોય તો પૈસા આપીને લેવાનાં. એક સે મેરા ક્યા હોગા? એમ વિચારીને બીજી પ્લેટ પણ લઈ જ લીધેલી. હજી દાઢમાં સ્વાદ રહી ગયો છે. ઓ હો આજે દશેરા છે. શસ્ત્રપૂજા અને વાહનપૂજા કરવાની છે. ચાલ જીવ.. ઊભો થા.

નવરાત્રી પૂરી થાય એટલે ઘણાંની માનસિક હાલત જરા અસંતુલિત થઈ જતી હોય છે. નવ નવ રાતોના સળંગ ઉજાગરા, દિવસના ભાગની સમયની ઊંઘ, બંને સમયનું જમવાનું વગેરે બધું જ અસ્તવ્યસ્ત. પગરબા ગાતા હોય, આંખો ઢળી પડતી હોય ને દર ત્રીજા ઘરમાં મમ્મીઓની બૂમો સંભળાતી હોય. “કુંભકર્ણની જેમ ઘોર્યા કરો છો. પણહવે ઘરમાં દિવાળી કામ ક્યારે કરશો? ને એમાંય જો મમ્મીઓએ હાથમાં મોબાઈલ જોઈ લીધો તો તો ખલાસ. સ્કૂલમાં સાતમાં ધોરણમા રિઝલ્ટ બહુ જ ખરાબ આવેલું ત્યાં સુધી વાત પહોંચી જાય. દિવાળી પહેલાં ઘર સાફ કરવાનો અજબગજબ રિવાજ છે. ગાદલાં-ગોદડાં તડકે તપાવવા મૂક્યાં હોય એ દિવસે જ ઘરમાં પાટપલંગ પણ બહાર મૂકવાનાં, રૂમોમાં ભીંત સરસ મજાની ઝાપટી કાઢવાની, જરૂર લાગે તો રૂમો ય ધોઈ કાઢવાની, બારીબારણાં ચકચક્તિ કરી નાંખવાનાં, વગેરે જોરદાર શિડ્યુલ્ડ કામો હોય. નવરાત્રિથી દિવાળીની વચ્ચે ચોમાસા દરમિયાન ઘરમાં ભેજ લાગેલો હોય, તેનાં લીધે ગાદલાં- ગોદડામાં ય ભેજની વાસ ઘૂસી ગઈ હોય તે કાઢવા માટે એને તડકે તપાવવા. એ બધું બહાર હોય એટલે ઘરમાં સાફસફાઈ કરવામા સુગમતા રહે. સાલુ, આવું માણસનામનમા કેમ સાફસફાઈ નહીં થતી હોય? રોજ ભેજ ઘૂસી જાય છે એમાં તો.

ઘરની સફાઈમાં કામ લાગે એવી દરેક વસ્તુની એકદમ માંગ વધી જાય. એમાં ય બાંબુવાળી સાવરણી. જેનાથી બાવા-જાળા પડે એનામાનપાન એકદમ વધી જાય. એકાદ જણ તો એ બાંબુ લઈને લાગેલું જ હોય. વરસ આખુ ડામરની ગોળી કહેતા નેપ્થાલિન બૉક્સને કોઈ પૂછતું ન હોય... પણ નવરાત્રી પછી એની ય માંગમાં ઉછાળો આવે. આ બધુહોય પણ જો ઘરઘાટી A.K.A. રામલો જો ન હોય તો ગૃહિણીઓ રીતસરની ભાંગી પડે. “ગમે એટલું સાચવો આ જાતને તો ય કદર નહીં. ઘરણ ટાણે જ સાપ કાઢે. કોઈ દિવસ આપણે કહીએ એ ટાઈમે હાજર હોય એમ બને તો આપણું નામ બદલાઈ જાય...” આખા ઘરમાં રામલોનથી એ વાતે બધાનાં ટાઇમટેબલ ખરી પડે ને માતમ છવાઈ જાય. ઘરમાં જે ખાવાનું બને એ નખરાં કર્યા વિના દરેક જણ ખાઈ લે. જય રામજી કી. રામાવિહીન ઘરમાં જો એકાદ સભ્ય દૂરથી ય રામા ને ક્યાંક જોઈ જાય તો ઇન્ડિયા-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં ઇન્ડિયા જીત્યું હોય એવો આનંદ થાય અને ગલીના નાકેથી ચિચિયારી પડે મમ્મી ઈઈઈ.... કર આયો.....”ને મમ્મીઓ હાથમાં ઝાપટિયુ પકડયું એ મૂક પડતું ને બહાર દોડે. “આવી ગયો ભાઈ? ઘરે બધાં મજામાં ને? ચા-નાસ્તો કરશે?શંકરિયો નાસ્તાને બદલે  ભાવ ખાય. “અંહ ... એકલી ચા જ આપો”તમારા નાસ્તામાં કંઈ ખાવા જેવું હોતું નથીનાસ્તો સામે ખઈ લઈ.”નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં રામલા કહેતા ઘાટીઓનો સુવર્ણકાળ ચાલતો હોય છે. આમે ય હવે આ રામાઓ અન્યત્ર સારુવળતર મળવાથી આજીવિકા માટે શેઠ-શેઠાણીના ખાસ મોહતાજ રહ્યાનથી. એટલે જેવો હોય એવો રામો ટકાવી રાખવા દરેક ગૃહિણી અને ઘરમાં સુખાકારી જળવાઈ રહે એ માટે કુટુંબના અન્ય સભ્યો રામાઓને ટકાવી રાખવામાં યથાયોગ્ય ફાળો આપે છે.

ખોંખારોઃ જે રામલાઓ સવારના પહોરમાં વહેલાં કચરા-પોતાં કરે ત્યારે કાળ જેવા લાગતા હોય છે એ જ રામલાઓ નવરાત્રીથી દિવાળી દરમિયાન “રામઅવતાર” જેવા લાગે છે.


-દેસાઈ શિલ્પા

http://bombaysamachar.com/epaper/e22-10-2015/LADKI-THU-22-10-2015-Page-4.pdf