Friday, April 15, 2016

" કન્યા જોઈએ છે ? " મુંબઇ સમાચાર,૦૭/૦૪/૨૦૧૬ ગુરુવાર,લાડકી section

ડ્રોઈંગરૂમમાં સાસુ વહુ વટાણા ફોલતાં બેઠા હતા . વચ્ચે પાછા વટાણા વેરાઈ પણ જતા હતા . ડોલી વહુએ વટાણા વેર્યા અને સાસુને ફરિયાદ કરી : “ મમ્મીજી તમારા સુપુત્રને સમજાવી દેજો , હમણાનો બહુ મોડો આવે છે ઓફિસેથી . એના બોસની બૈરી ફોરીન ગઈ છે એટલે બોસ નવરા છે તો પોતે રોકાય અને તમારા લાડકાને પણ રોકે છે . તમારો લાડકો અહી મારી સામે ચપ ચપ જીભડી ચલાવે છે પણ ત્યાં બોસ સામે કઈ બોલાતું નથી . તમારો વાઘ બકરી થઇ જાય છે ત્યાં . વડચકાં નથી ભરાતા અને નીચી મુંડી કરીને હા સાહેબ હા સાહેબ કરીને રોકાય. આપણે કહીએ કશું કામ તો દાંતિયા ચીડિયા કરે ....” હજુયે લાંબુ ચાલ્યું હોત ડોલીનું પણ વચમાં જ સાસુ કરુણાબેને ટોકી :” પહેલા આ વેંગણ – વટાણા- બટાકા નું શાક વઘાર ને બીજું કે લગન કરવાનું મેં કહેલું ? અને ત્રીજું કે હજુયે તારો ને મારો વહાલેશ્રી એકદમ હેન્ડસમ છે . ઉમરવાળું ફેક્ટર માઈનસ કરી નાખ તો  મેટ્રોમોનીયલની કોઈ પણ જાહેરાતમાં ચાલે એવો હેન્ડસમ , સારું કમાતો , ફેમીલી લવિંગ મેન છે . છે કે નહિ ? સાચું કહેજે. “ ડોલી પણ હસી પડી અને ફરી સાસુ વહુ રસોડામાં કામે લાગ્યા . ભટ્ટજી’ય આ એકતા કપૂરની સીરીયલથી તદ્દન વિપરીત સંવાદ – દ્રશ્ય જોઇને હરખાયા અને પાછું છાપામાં માથું પોરવ્યુ ને નજર પડી લગ્ન વિષયક જાહેરાતો પર . 

 

" કન્યા જોઈએ છે : ૩૦ વર્ષ ના યુવક માટે ગોરી , ઉંચી , પાતળી , ફેમીલી લવિંગ કન્યાની જરૂર છે . નોકરી કરતી કન્યાને પ્રથમ પસંદગી ." આ પ્રકારની લગ્ન વિષયક જાહેરખબર આપણે સૌએ વાંચી જ છે . વર્ષોથી આવી જા x ખ વાંચતા હોઈએ એટલે આપણને ખાસ નવાઈ ન લાગે પણ આ પ્રકારની જા x ખમાં ધ્યાનાકર્ષક બાબત એ છે કે 'કન્યા ' રૂપરૂપનો અંબાર જોઈતી હોય પણ ' વર ' અંગે ખાસ વર્ણન ન હોય . વર્ણન હોય તો પણ હેન્ડસમ , ગોરા , સારું કમાતા એવું જ હોય . આમાં ' હેન્ડસમ ' ની વ્યાખ્યા વરપક્ષ માટે ખરેખર શું છે એ તો વર ને પ્રત્યક્ષ નિહાળ્યા પછી જ ખબર પડે."વર જોઇએ છે " , "કન્યા જોઇએ છે "મા લગભગ તો એકસરખુ લખાણ જ જોવા મળે. વર માટે સારૂ કમાતો , પોતાનુ ઘર હોય, સમજુ , સંસ્કારી જેવા ગુણો હોવા મસ્ટ .જ્યારે કન્યા માટે સ્લીમ, ટ્રીમ , ગોરી , ઘરરખ્ખુ,જરુર પડે નોકરી કરી શકે, મળતાવડી, હસમુખી જેવા અધધધ ગુણો હોવા મસ્ટ. વર ગમે તેવો દેખાતો હોય પણ કન્યા તો ગોરી જ જોઇએ.

 

ઘણીવાર આ કાળા ગોરા ને લીધે જ ઘણી ગુણવાન છોકરીઓ બીચારી પરણવામા મોડી પડતી હોય છે અથવા રહી જતી હોય છે. હિન્દી ફિલ્મો મા ભલે ગીતો.લખાય કે ' ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર ગોરા રંગ દો દીન મે ઢલ જાયેગા . . .' કે એમ બોલાય કે ધોળા તો ગધેડા ય હોય છે પણ એ બધી બોલવાની વાતો હોય છે. નહી તો ફેરનેસ ક્રીમના ધંધા આટલા ફુલેફાલે ખરા ? હમણા એક વડીલ સાથે સંવાદ થયેલો તે યાદ આવી.ગયો. વડીલ એમના સુપુત્ર માટે કન્યા શોધે એ અમને ખબર એટલે અમે સાવ સ્વાભાવીક જ પુછ્યુ કે . ." પછી કાકા. . સુકેતૂનુ ગોઠવાયુ કશે ? " તરત જ વડીલે પુણ્ય પ્રકોપ ઠાલવ્યો :" એક જોઇ છે ,બધી રીતે સારૂ છે , નોકરી પણ સારી છે , બોલાવે ચલાવે પણ સારી છે, પણ કાળી છે . બાબાને ય બહુ ગમી ગઇ છેએની સાથે વોટસઅપમા ચેટીંગમા પણ વ્યવસ્થિત છે એમ કહેતો હતો પણ એનેય એક જ તકલીફ છે , કાળી છે. એ પોતે સારો એવો ગોરો ને હેન્ડસમ છે એટલે આ તો એનીપાસે સારી એવી...કાળી જ લાગે બાકી ,બેબીને જુઓ તો આમ લાગે હોं !!!" આવુ તો કઇ કેટલુય કહી નાખ્યુ.

 

"કાલે હૈ તો કયા હુએ દીલવાલે હૈ. . . ગોરો કી ના કાલો કી , દુનીયા હૈ દીલવાલોકી .."એ જયા સુધી પોતાના પગ નીચે રેલો ના આવે ત્યા સુધી જ સાંભળવુ ગમે છે.જ્યા છોકરી / કન્યાની વાત આવે કે આખેઆખા માપદંડ જ બદલાઇ જાય. છોકરીને રસોઇ ન આવડતી હોય તો એક સમયે તे ચાલી જાય પણ જો સહેજ શ્યામસુંદરી હોય તો મનમા તરત જ નકાર ઉઠે. ખરી જોવા જેવી તો ફોરેનર્સ અહી આવે ત્યારે થાય. એ લોકો તો એમના ભૌગોલિક કારણો ને લીધે ધોળીયા / ભુરીયા જ હોય.એ આવે તો જાહેરસ્થળોએ એમની સાથે ફોટા પડાવવા જાણે કે હોડ લાગી જાય ને પેલા ફોરેનર્સને કઇ સમજણ ન પડે એટલે એય " ઓ યા સ્યોર " જેવા ઉદગારો કાઢતા કાઢતા ખુશી ખુશી જે તે વ્યકતીનાખભે ..કમરે હાથ રાખીને ફોટા પડાવે . એમના માટે ખભે કે કમરે હાથ રાખવાનુ કે વળગવાનુ આપણે હાથ ધોઇને આપણા જ કપડા પર લુછી નાખીયે એટલુ સામાન્ય હોય પણ આપણાવાળા ધોળી કે ધોળીયાએ આપણા ખભે હાથ મુકેલો એ વિચારથી જ એટલા ઉત્સાહમાं અाવી જાય કે એ ક્ષણને ગાયની માફક કલાકો સુધી વાગોળ્યા કરે.

 

જે હોય તે , બીજે બધે સફેદ / ગોરા / ધોળા રંગનુ આધિપત્ય સ્વીકારતા લોકો જ્યારે માથે સફેદ વાળ ચમકે તો એ સહન કરી શકતા નથી અને એને કાળા અથવા અન્યરંગમા રંગવાની.પળોજણ સમયાંતરે કરતા જ રહેતા હોય છે કારણકે વાળની સફેદીને ઉંમર સાથે , ઉમર ને વૃધ્ધત્વ સાથે ને વૃધ્ધત્વ ને મૃત્યુ સાથે સીધો સંબંધ છે ને જગતમાं દરેક ને અજરામર રહેવુ છે.

 

બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે પોતાની બહેન શ્યામ રંગની હોય પોતાને કોઈ શરમ નથી . જે છે એ કુદરતી છે એટલે એ ફેરનેસ કંપનીની પ્રોડક્ટ માટે મોડેલીંગ કરીનેપોતાની બહેન જેવી અસંખ્ય શ્યામ સ્ત્રીઓનું અપમાન નહિ કરે એમ કારણ આપીને ફેરનેસ ક્રીમ માટે મોડેલીંગ કરવાની ના કહી દીધેલી . તો સામે છોકરાઓ માટેનાફેરનેસ ક્રીમમાં શાહરૂખ ખાને છોકરાઓની ડાર્ક ઈઝ હેન્ડસમ વાળી જડબેસલાક માન્યતામાં નાની અમથી તિરાડ ચોક્કસ પાડી છે .એટલામાં વળી પક્ષીઓ માટે મુકેલા માટીના વાસણમાંથી પાણી પીતા કાગડાએ કા.....કા....કર્યું અને ભટ્ટજીની વિચારધારાએ નવો ટ્રેક પકડ્યો . હમણાંસમાજમાં જરા જુદા પ્રકારનો વાયરો ચાલી રહ્યો છે . હમણાં થોડા સમય પહેલા  ટીવી પર મીસીસ તેન્ડુલકર નામની સીરીયલ આવતી જેમાં નાયકને બદલે નાયિકા ઓફીસવર્ક અને નાયક ઘરકામ કરતો દેખાડેલો . વળી અત્યારે ‘ કીએન્ડ કા ‘ નામની ફિલ્મ આવી છે જેમાં નાયિકા ઓફિસે જાય , બહારના કામ કરે અને નાયક ઘરકામ કરે . ટૂંકમાં સમાજે સ્વીકારેલા સ્ત્રી પુરુષના કામના વર્ગીકરણથી વિપરીત કાર્ય કરવું એ હાલમાં નવી ફેશન છે .એટલે થોડા સમયમાં લગ્નવિષયક જા x ખ માં ‘ વર જોઈએ છે ‘ માં સારું કમાતા ને બદલે ઘરરખ્ખું , કુટુંબપ્રિય જેવા વિશેષણો આસ્તે આસ્તે આવી જશે .

 

ખોંખારો :

ભવિષ્યવાણી : લગ્ન માટેની જાહેરખબર : જોઈએ છે ૩૦ વર્ષની યુવતી માટે ઉંચો , ગોરો , કુટુંબવત્સલ , ઘરરખ્ખું ,જરૂર પડે તો નોકરી કરી શકે એવો યુવક જોઈએ છે . મળોયા લખો  x૦x૦x૦x૦

પાતળા ....... સુક્ક્લકડી ....સાઠેકડી .....પવનપાવડી ......પેન્સિલ .....etc ....etc ..!!!!મુંબઈસમાચાર ૩૧/૦૩/૨૦૧૬ ગુરુવાર , લાડકી section ..

 
 
ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ . જ્યોતીન્દ્ર દવે ખુબ જ પાતળા હતા . એવું કહેવાય છે કે એકવાર એ માંદા પડ્યા અને એમના કોઈ સબંધી ખબર જોવા આવ્યા તો જ્યોતીન્દ્ર્ભાઈએ પથારીમાંથી ઉભા થઈને કોટ પહેરી લીધો . પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતીન્દ્ર્ભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો : " તમે મને બરાબર જોઈ શકો એટલે માટે "
 
હમણાં હમણાં બધે ઝીરો ફિગર , સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સ નો જબરદસ્ત વાયરો વાયો છે . આ વાયરાની શગ સંકેરી હોય તો The કરીના કપૂર અને The શાહરુખ ખાને . બને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં .એ પછી ગલીકુચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટીશીય્ન કલીનીક દેખાવા માંડ્યા . દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે . અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ .તો છાપામાં છપાતી મહિલાપુર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં થઇ ગયા . લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા . ઘંટીવાળાઓએ બાપજન્મારા માં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો . ફળફળાદી માં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રુટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે " ઘેર કોઈ માંદુ છે ?" અથવા તો ફળફળાદી તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘર માં માનભેર સ્થાન પામતા થઇ ગયા .
 
જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકશાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતા ને સુપેરે સમજાઈ ગયું છે .મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધી ઉપાધિઓ પજવે છે
એટલી પાતળા હોવાથી નથી પજવતી . ઉદાહરણ તરીકે બસ ,ટ્રેન માં મુસાફરી કરતી વખતે પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ આરામથી ગોઠવાઈ શકે છે . ટ્રેનમાં બે સીટ વચ્ચે કે પેસેજ માં બેગો મૂકી હોય એના પર " એ તૂટી જશે તો ? " એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે . જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને " કેટલી જગ્યા રોકે છે ?" એવા મૌન કે છાના ઘૂરકિયા નો સામનો કરવો પડતો નથી . ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતીયા હોય જ . આ પંચાતીયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરો અંદર ઘુસુરપુસુર કરે કે " ખબર નહિ કઈ ઘંટી નો લોટ ખાય છે " પણ પાતળીયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે
 
બીજો મહત્વનો ફાયદો કપડામાં થાય . જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ . પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી - મળી તો રહે જ . જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય ( અથવા રહી જાય ) કે ભર વરસાદમાં છત્રી કે રૈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે . રૂમ માં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મુકવું પડશે નહિતર એ ઉડી ને ભીતમાં ભટકાશે કે શું ?
 
પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે . શૈક્ષણિક શિબિરો દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને 30-35 રોટલી , 10-15 મોહન થાળના ચકતા કે 3 ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - I repeat ઝાપટતાં નજરે નિહાળ્યા છે . એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય સાથે , શાક , ભાત ... છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પિવે જ . છાશ દૂધ પીવા માટે તાંસળું જ ઉચકે
 
ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળીયા ઓ માટે પણ નામાવલી હાજર છે , દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લીમ - ટ્રીમ ને વણમાગ્યે ભેટ મળી જાય . અગરબત્તી , ફૂટ્ટપટ્ટી , સોટી , સાઠેકડી , પાતળી પરમાર , પવન પાવડી , ખડમાકડી , હાડપિંજર , હાડકાનો માળો , સ્કીની વગેરે વગેરે . મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયો માં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ન પૂછીને ભોઠા પાડી દીધા કે : " એક્સરે પાડવાનો છે કે ફોટો ?" શરમ ના માર્યા એ ભાઈએ તો પછી અખાડા , જીમ વગેરે વગેરે માં બોડી બનાવાવાના ભરપુર પ્રયત્નો આદરેલા અને જરાતરા અંશે સફળ બી થયેલા .
 
શાદી બ્યાહના મામલામાં પણ પાતળીયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે . મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મુરતિયો / કન્યા સ્લીમ - ટ્રીમ જ જોઈતા હોય છે . તો ઘરમેળે કે સગા-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . " જો જો હો છોકરો / છોકરી જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે " જો કે એકવાર એક બહેન નું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણ માં છે . આ બહેન ડાયીટીશિય્ન પાસે ભરાઈ પડેલા . ડાયીટીશિય્ને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ . એમની નાજુક હોજરી ડાયેટ નો ભાર સહન નાં કરી શકી . સરવાળે બહેન પથારીમાં થી ઉભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય .
 
નટરાજ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળીયા / પાતળી ઓને વા-વંટોળ માં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ . વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકો ને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખુબ જ વધારે રહે છે .
 
પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ last but not least - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઉચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન કરવાની આવતી નથી . વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રીસીટી પણ ઓછી વપરાય છે અને એ રીતે પર્યાવરણ નું પણ જતન થાય છે.

ખોંખારો :

ટુંકમાં કહેવું હોય તો વજનદાર થવા કરતાં વજનહીન થવામાં વધારે દમ છે .
બાકી , ' તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે ..મને ગમતું રે ..હું તો કહું છું પાતળીયા તને અમથું રે ......." આવું રોમેન્ટિક ગીત જાડિયા સાંવરિયા પર લખાયું છે કોઈ દિવસ ?????

http://bombaysamachar.com/epaper/e31-3-2016/LADKI-THU-31-03-2016-Page-4.pdf

"નાનાં બાળક કરતાંય શ્વાનની સંભાળ વધુ લેવી પડે.."મુંબઈ સમાચાર,૧૭/૦૩/૨૦૧૬ ગુરુવાર,મરક મરક, લાડકી section

“રાજુ હવે અહીં નહીં રહી શકે...”
“એ અહીં જ રહેશે...”
સોસાયટીનો કમિટી રૂમ સભ્યોથી ખચાખચ ભરેલો હતો. દલીલો-પ્રતિદલીલો જોરશોરથી સંભળાઈ રહી હતી. રાજુ હવે સોસાયટીમાં રહેશે કે નહીં એની નાનાં-મોટાં સહુને ઇંતેજારી હતી પણ જેના માટે આ બધી દલીલો ઝઘડાનું રૂપ ધારણ કરી લે એવી શક્યતાઓ હતી એને એટલે કે ખુદ “રાજુ”ને જ ખબર ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે! ચૂપચાપ ખૂણામાં બધાની સામે વારાફરતી જોઈ રહેલો રાજુ આ બધા ટોળાં અવાજ ઘોંઘાટથી અલિપ્ત હતો. “જ્યારે આપણાં વડાં પ્રધાન પણ ઘેરઘેર અને ઠેરઠેર સ્વચ્છતા માટે કેસરી સાફામાં “ક્યા હમ તય કરેએએએ...” કરીને ટી.વી. રેડિયો પર જોરશોરથી મન કી બાતમાં વારંવાર સ્વચ્છતાની અપીલો કરી રહ્યાં છે એવે ટાંકણે શું રાજુનું આપણી સોસાયટીમાં રહેવું વ્યાજબી છે?” બળવંતકાકા ઉવાચ... ને પછી દે ધનાધન... “એ કાકા... તમારા ત્રીજા માળની બાલ્કનીમાંથી સવારની પહોરમાં સંતરાનાં, કેળાનાં, મોસંબીનાં છોતરાંભિષેક થાય છે એ બધાય ને ખબર છે. કોઈ બોલતું નથી એનો અર્થ એ નહીં કે તમારાં સમાજ વિરોધી કૃત્યથી બધાં અજાણ છે.” સજડબમ દલીલથી બળવંતકાકાના મ્હોં પર ટેપ લાગી ગઈ ને એ ચૂપ. જાતજાતની ભાતભાતની દાખલા દલીલો પછી બધા સભ્યો સર્વાનુમતે એવા નિર્ણય પર આવ્યાં કે રૂ. 15,000 સોસાયટીનાં ફંડમાં જમા કરાવવા પડશે પછી જ “રાજુ” અહીં રહેવાને પાત્ર ગણાશે. જો “રાજુ” કોઈનાં પર હુમલો કરશે કે કરડશે તો પીડિતની સારવારનો તમામ ખર્ચ “રાજુ”ના વાલી અર્થાત્ ભટ્ટજીએ ભરવો પડશે. “રાજુ”નાં પટ્ટામાં રેડિયમ નંખાવવું પડશે જેથી રાત્રે અંધારામાંય “રાજુ”ની હયાતીનો આંગતૂકને અણસાર રહે અને એ જાગૃત રહે. “રાજુ” ઓછામાં ઓછું ભસે એ માટે ભટ્ટજીએ ખાસ નિષ્ણાતની વ્યવસ્થા કરીને રાજુને ટ્રેઇનિંગ અપાવવી પડશે. “રાજુ”એ એની દેહધાર્મિક ક્રિયાઓ બાજુની સોસાયટીનાં પાછલાં ગેઇટ પાસે પતાવવાની રહેશે. “રાજુ” માટે આટલા “ડુ ઝ” અને “ડોન્ટસ” નિર્ધારિત થયા પછી “રાજુ” ને ઓછું ન આવે એટલા માટે ત્રણ ઠરાવ એની તરફેણમાંય કરવામાં આવ્યાં. રાજુને કોઈએ “કુકુ...કુકુ... લે... કુકુકુકુ...” જેવા હોકારા પડકારાથી બોલાવવો નહીં અને એનું માન જળવાય એ રીતે એને “રાજુ” નામથી જ બોલાવવો. આવતાં-જતાં કોઈએ એને વરંડામાં કે બહાર ઓટલાં પર બેઠો હોય તો સળીઓ કરવી નહીં કે વધેલાં હાંડવા-ઢોકળાનાં ટુકડાં, બિસ્કિટ કે રોટલી ધરવા નહીં. ને લાસ્ટ બટનોટ લિસ્ટ – “રાજુ” જ્યારે સુંઘવા આવે ત્યારે ખોટી દોડાદોડી કે ચીસાચીસ ન કરવી અને શાંતિથી એને સહકાર આપવો તેમ જ એને “હટ્ટ હટ્ટ...” જેવા માનહાનિવાચક શબ્દો વાપરવા નહીં કારણ કે આખરે “રાજુ” પરિવારનો જ સભ્ય છે. બધાંએ ઠરાવ પર હસ્તાક્ષર કર્યા અને પછી ગાંઠિયા જલેબી ખાધાં. થોડાં “રાજુ”ને પણ ધરવામાં આવ્યાં પણ “રાજુ”ને આ બધો બખેડો પોતાનાં લીધે છે એવી ગંધ આવતાં એણે પોતાના પ્રિય ગાંઠિયા સૂંઘ્યાય નહીં અને ભટ્ટજીને ઘર ભણી તાણવા લાગ્યો.
જેને ત્યાં “રાજુ”ઓ હશે એમને ખબર હશે કે કુટુંબમાં કેટલી હદે એ ભળી જાય છે. ઘણાં ઘરો તો એવાંય હશે કે સૌથી વધારે સમજુ “રાજુ” જ હોય. જેમ બાવાઓમાં તાંત્રિક, કાપાલિક, અઘોરી હોય એમ શ્વાનોમાં લાબ્રાડોર, બૉક્સર, પોમેરિયન વગેરે વગેરે હોય છે. આ બધીય જાતિ-પ્રજાતિ એક સાથે જોવી હોય તો હવે લગભગ દરેક શહેરમાં “ડૉગ-શૉ” – “શ્વાનમેળા” દર શિયાળે યોજાય જ છે. શ્વાનની લે-વેચ થી માંડીને શ્વાન-સ્પર્ધા. શ્વાન માટે જાતજાતનાં પ્રસાધનો, રમકડાં, કપડાં જોવા મળે. હવે તો ફોટોગ્રાફી બૂથની સુવિધાય જોવા મળે છે. અહીં શ્વાનની જુદી જુદી અદાઓમાં ફોટોગ્રાફી કરી આપવામાં આવે જેથી શ્વાન અને શ્વાન ધારકો માટે યાદગીરી સચવાય. મોટાભાગે તો શ્વાન જ્યારે સાવ નાનું હોય ત્યારે જ એને માલિક ખરીદી લે અથવા પોતાનાં ઘરે લઈ આવે જેથી શ્વાન જલદી સેટ થઈ જાય.
પહેલાનાં જમાનામાં રાજાઓ હાથીઘોડાં પાળતા. કારણ? જગ્યા... બૉસ.... જગ્યા. આજે 1 કે 2 BHKના ફ્લેટમાં હાથીઘોડા રાખે તોય ક્યાં રાખે? એ સંજોગોમાં શ્વાન બરાબરનાં ફાવી ગયા છે. ભટ્ટજી આવા જ એક શ્વાનમેળામાંથી અતિઉત્સાહથી એક શ્વાનબાળ કાયદેસર રીતે ઘરે લઈ આવ્યાં. ને ફોઈએ પાડ્યું “રાજુ” નામ. થોડો સમય સોસાયટીવાળાને વાંધો ન આવ્યો પણ પછી કોઈ વિઘ્નસંતોષીઓથી “રાજુ”નું સુખ જોવાયું કે જિરવાયું નહીં અને એણે સોસાયટીનાં ચૅરમૅન પાસે લેખિત ફરિયાદ કરી અને પરિણામે આ બધું ઊભું થયું. ખેર, ભટ્ટજી એ ઠરાવાનુસાર સૌ પહેલા તો ટ્રેઇનરને બોલાવ્યા. ટ્રેઇનર આવ્યો અને ભટ્ટજીનાં ઘરે બેલ વગાડી. ભટ્ટજીએ દરવાજો ખોલ્યો તો સામે દરવાજાની બહારની જાળી ફીટોફીટ બંધ રાખીને ટ્રેઇનર મહાશય ઊભેલાં.” સર, આ તમારું ડૉગ કરડે છે?” એટલે ભટ્ટજી એ જવાબ આપ્યો, “આમ તો કંઈ નથી કરતું આઈ જાવ તમતમારે. આજે ખબર પડી જશે.” પેલો વીર ટ્રેઇનિંગવાળો પરાણે હિંમત રાખીને ઘરમાં પ્રવેશ્યો અને થોડી વાર પછી એને ભરોસો બેઠો કે રાજુ નહીં જ કરડે. ભટ્ટજીએ એને એ શું શીખવાડશે એમ પૂછ્યું જેનાં ઉત્તરમાં ટ્રેઇનરે કહ્યું. હું એને ઉઠતાં બેસતાં શીખવાડીશ. બહારથી છાપું/ટપાલ લઈ આવતા શીખવાડીશ.” ભટ્ટજીને આમેય “રાજુ”ને કોઈ ફરજ પાડે એ સામે ભયંકર વાંધો હતો એટલે એમણે ટ્રેઇનરને પૂછ્યું : “રાજુને ઉઠતાં-બેસતાં તો આવડે જ છે ને મારે ત્યાં છાપાં/ટપાલ એટલા બધાં આવે કે એ બિચારો વહન કે સહન નહીં કરી શકે. હા, પણ એ ટ્વિકંલ ટ્વિકંલ ગાશે? તો તમે આવવા માંડો.” ટ્રેઇનર ડઘાઈ ગયો. ને ચા પાણી પીને ચાલતી પકડી.
તમે જોજો જ્યારે શ્વાન માલિક – શ્વાનને ચલાવવા નીકળે ત્યારે મોટાભાગના કેસમાં શ્વાન માલિકને ફેરવવા નીકળ્યો હોય એમ માલિકને ખેંચતો હશે. શ્વાનનાં ગયા ભવમાં પુણ્ય હશે તે આ ભવમાં એને બેઠાં બેઠાં ખાવા, હરવા-ફરવા મળે. જાતજાતનાં ડૉગ ફૂડથી ડૉગ બિચારું ઓચાઈ જાય એ હદ સુધી એના પર અખતરાં કરવામાં આવે. અમુક જાતિના શ્વાન અમુક જ ફૂડ ખાય અથવા એને અમુક જ ફૂડ આપી શકાય. નાનાં બાળક કરતાંય વધારે સાર-સંભાળ ઘરનાં શ્વાનની લેવી પડે. દાંત આવતા હોય ત્યારે જેમ નાનું બાળક ગમે તે વસ્તુ મોંમાં નાંખે એમ શ્વાનબાળ પણ જે નજરે પડે એ મોંમાં ઓરી દે. રાજુને દાંત આવતાં હતા ત્યારે એણે ઘરનાં સોફાનાં દરેક હાથામાં દાંત મારેલાં. ને હાથા પર ઝીણાં ઝીણાં છિદ્રોની ડિઝાઇન બનાવી દીધેલી. એકવાર મોંઘા જિન્સ પર દાંત અજમાવી જોયાં તો બીજી એક વાર લેધર બેગનો લિજ્જતથી ખાતમો બોલાવી દીધો. અંદરથી 100ની નોટ પડી તો એ ય ફટાફટ ચાવી નાંખી. ભટ્ટજીએ રાજુની આ પરાક્રમ ગાથાઓ સોસાયટીમાં કહેવા માંડી અને એમ કરીને સોસાયટીનાં બાળકોનો પ્રેમ રાજુ માટે રિઝર્વ કરાવી લીધો.
આપણી ફિલ્મોમાંય કુતરાં ઘણી વાર ખૂબ સારું પર્ફોર્મન્સ આપી ચૂક્યાં છે. “તેરી મહેરબાનીયા” નામની ફિલ્મમાં ખુદ જેકી શ્રોફ પણ કબૂલે છે. “હમ આપકે હૈ કૌન”માં જો પેલું પોમેરિયન ના હોત તો ફિલ્મનો સુખાંત આવવા વિશે જરા શંકા છે.
શ્વાન અને મનુષ્યની જોડીદાર મહાભારતકાળથી પ્રચલિત છે. યુધિષ્ઠિરે પાંડવો અને દ્રૌપદી સાથે જ્યારે હિમાલય તરફ પ્રયાણ આદરેલું ત્યારે માર્ગમાં એક પછી એક પાંડવોએ યુધિષ્ઠિરનો સાથ છોડી દીધેલો. માત્ર એક શ્વાને જ અંત સુધી સાથ નિભાવેલો. શ્વાનપ્રેમ હિન્દી ફિલ્મોમાં અભિનેતા-અભિનેત્રીઓમાંય એટલો છલકે છે અને વારે તહેવારે સોશિયલ મિડિયા પર ફોટોગ્રાફ્સ, બ્લોગ સ્વરૂપે ટપકતો રહે છે. તો સાહિત્યમાંય કહેવતોમાં શ્વાનની હાજરી નોંધનીય છે. સમાજમાં બે જણા ઝઘડતાં હોય તો ય સાંભળવાનું બિચારાં કૂતરાંને ભાગે આવે છે. “શું કૂતરાંની જેમ બાઝે છે?” આ ઉક્તિ દરેકે ક્યારેક તો કોઈ ને કોઈ રીતે સાંભળી જ હશે.
 
શેરીનાં કૂતરાં સૌથી વફાદાર હોય છે. શેરીમાં એક એક જણને ઓળખે. આવે ત્યારે ખૂબ જ હરખથી સ્વાગત કરે અને વ્યક્તિ જાય ત્યારે ય એની ઇચ્છા થાય ત્યાં સુધી વળાવવા જાય. કૂતરાંઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. એને તમે ગમે તેટલાં દૂર મૂકી આવો પણ પાછાં પોતાની અસલ જગ્યાએ આવી જ જાય. બહુ ભાગ્યે જ એવું બને કે પાળેલું કૂતરું એનાં માલિકને કરડે સિવાય કે માલિક રાજકારણી હોય! શ્વાનધારકને જો ઘર બંધ રાખવાનું આવે તો હવે તો Dog-hostels પણ શરૂ થઈ છે. અમુક ચાર્જ લઈને તમારું કૂતરું સાચવે. ઘણીવાર આવી હોસ્ટેલમાં પોતાના જીવથી વ્હાલા આ નાનકડાં અબોલ જીવને મૂકતાં જીવ પણ ન ચાલે પણ તો ય ભારે હૃદયે અને ભરેલી આંખે કન્યાવિદાય આપતાં હોય એમ શ્વાનને હોસ્ટેલમાં મૂકતાં શ્વાનપ્રેમીઓની સંખ્યા ય નાની નહીં જ હોય! વોડાફોનની કૂતરાવાળી જાહેરખબર પછી એકદમ જ ઘરમાં એવા ટોય-ડૉગ રાખવાની ફેશન થઈ પડી અને પાળતું શ્વાન જુદી જુદી જાતિઓની તો જૈસે નિકલ પડી. જો કે ખરાં શ્વાનપ્રેમી માટે તો શેરીનાં કૂતરાં પર પણ એટલું જ વહાલ વરસાવે છે. એમાં બેમત નથી.
 
ખોંખારો : મનુષ્ય જો કૂતરાં  પાસેથી “વફાદારી” ય શીખે તો જગતનાં મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય.

http://bombaysamachar.com/epaper/e17-3-2016/LADKI-THU-17-03-2016-Page-4.pdf

આહ દાળવડાં, વાહ દાળવડાં..મુંબઈ સમાચાર,"મરક મરક" ૧૦/૦૩/૨૦૧૬ ગુરુવાર, લાડકી section ..

માથે-મોઢે ફીટોફીટ ઓઢીને તેલમસાલામાં તરબતર ઊંધિયું સીસકારા બોલાવતાં બોલાવતાં ખાવાની સિઝન ગઈ. કચરિયું, મેથીપાક, ગુંદરપાક વગેરે વગેરે જેવા શિયાળામાં જ ખાઈ શકાય એવા વસાણાય લેતી ગઈ. દર વખતે શિયાળો આવે ને જાય પછી એક વાક્ય ઘણીવાર સાંભળવા મળે “આતી ફેરી દર વખત જેવી ઠંડી ના પડી એમ કહું છું.” આ દર વખત જેવી ઠંડી કે ગરમી કે વરસાદ એટલે શું હજી ખબર પડતી નથી. કચરિયું શિયાળાને બદલે બીજી કોઈ સિઝનમાં ખવાય? ગુંદરપાક ઉનાળામાં ખાઈએ તો શું થાય? ઊંધિયું બીજી કોઈ ઋતુમાં ખાવાની ઇચ્છા થાય તો શું કરવાનું? આવા બધા પ્રશ્નો શિવરાત્રિ આવે ત્યાં સુધીમાં મનમાં ને મનમાં ઊગે ને મનમાં ને મનમાં આથમીય જાય. હવે આપણે સ્વચ્છતા, આરોગ્ય ભણી જરા વધારે જ ધ્યાન આપતાં થયા છીએ. જેની સીધી અસર શાકભાજી કે અન્ય ખાદ્ય વસ્તુઓ પર સૌથી વધારે પડી છે. આમેય જગતમાં મોટાભાગનાં ખતરાવાળા અખતરા મનુષ્યની તંદુરસ્તી માટે જ થયા હોવાનું અભ્યાસો પૂરવાર કરે છે. દર વર્ષે સિઝનાનુસાર જુદા જુદા ફૂડ ફેસ્ટિવલ પણ આ વાતની સાક્ષી પૂરે છે. હમણાં વળી ઓર્ગેનિક ફૂડનો વાયરો વાયો છે. દરેક જણ ઓર્ગેનિક ફૂડની હિમાયતમાં લાગેલું હોય. પ્રમાણમાં થોડું મોંઘું પણ આખરે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ પાપી પેટ માટે તો કરીએ છીએ. સારું ખાવાથી તબિયત સારી રહેશે તો સરવાળે ફાયદો તો આપણો અને આપણી આવનારી પેઢીને જ થવાનો છે. એ હિસાબે લોકો હોંશે હોંશે ઓર્ગેનિક એટલે શું ની મગજમારીમાં પડ્યા વિના ઓર્ગેનિક ફૂડ તરફ ઢળવા માંડ્યા છે. જુદી જુદી ટીવી ચૅનલ્સ પર રસોઈને લગતા શોઝની ભરમાર લાગેલી રહે. છાપાઓમાંય વાનગીની રેસિપીવાળા પાનાઓની બોલબાલા રહે એ કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. આજે મનમાં માત્ર અને માત્ર ખાવાનાં જ વિચારો આવે છે. આ સાલો ઉપવાસનું વિચારીએ એ દિવસે જ સૌથી વધુ ભૂખ લાગે અને જગતની દરેક ફૂડ આઇટમો પર અઢળક પ્રેમ ઉભરાય. હાલતાં-ચાલતાં માત્ર ખાવાનું જ દેખાય. આ અને આવું કંઈ કેટલુંય પણ માત્ર ખાવાને લગતું જ વિચારતાં વિચારતાં ભટ્ટજીએ સ્કૂટર કમ્પાઉન્ડમાં પાર્ક કર્યું. હૅલ્મેટ કાઢી અને સ્કટૂર પણ પડી ન જાય એમ ફૂટરેસ્ટ પાસે ગોઠવી. સ્કૂટરને લોક કર્યું ત્યાં જ હસુકાકાએ બૂમ પાડી... “ભટ્ટજી... એ ભટ્ટજી...”

“બોલો કાકા...” ભટ્ટજીએ હોંકારો દીધો અને ચાલ્યાં કાકાનાં ઘર તરફ. કાકા ઓટલે જ બેઠેલાં છાપાંઓનો પથારો લઈને એટલે ભટ્ટજીએ સ્વાભાવિક જ પૃચ્છા કરી : “શું કાપકૂપી કરો છો કાકા? કોઈ અગત્યનાં સમાચારોની ફાઈલ બનાવો છો, કે શું?”

“અરે, ના ના... આ તમારા કાકીએ મને ધંધે વળગાડ્યો છે કલ્લાકથી. આ છાપાંઓમાં જાતજાતની વાનગીઓની રેસિપીઓ આવે છે તે મારે કાપીને ફાઈલ કરવાની છે. એટલી બધી કાપલીઓ ભેગી કરી છે ને કે જો એ વેચું તો મોબાઇલ તો નહીં પણ મોબાઇલ માટે સારું કવર તો આવી જ જાય.” “તે તમારે તો રોજ જલસાં જ હશે ને કાકા? રોજ નવું ખાવા મળે.”

“શાનું રોજ નવું ખાવા મળે? “આમાંથી કશુંય નવું બનાવ્યું હોય તો આપણે આખી જિંદગી આ કાપલીઓ ભેગી કરી આપવી એને રોજ. એકનું એ જ ખાઈને હવે તો કંટાળો આવવા માંડ્યો છે શું વાત કરું તમને?”

“ઓકે ઓકે કાકા, ચાલો હું રજા લઉં, મારે થોડું કામ છે. પણ લો આ દાળવડાં. આજે આ વરસાદ પડ્યો તો મને દાળવડાં ખાવાની ઇચ્છા થઈ આવી. અમારા માટે તો લીધાં જ પણ ભેગાં તમારાં ને કાકી માટેય લેતો આવ્યો છું. આમાં ડુંગળી અને મરચાં છે.”

“અરે વાહ ભટ્ટજી, તમે તો આજે સાક્ષાત્ અન્નદેવતા થઈ અમ આંગણે ઊતરી આવ્યાં. આ બપોરે ગાજતો હતો ત્યારે જ મને ને તમારા કાકીને મન થયેલું દાળવડાં ખાવાનું પણ મગની દાળ ન હતી ઘરમાં તો માંડી વાળ્યું.”

“જલસા કરો કાકા. જેસીક્રષ્ણ.”

જગતમાં દાળવડા જેવી અદ્ભુત ફરસાણની ઉત્પત્તિ ક્યારે થઈ એ વિશે તો કોઈ અભ્યાસ થયાનું જાણમાં નથી પણ એટલું ચોક્કસ કે મહાભારત કે રામાયણ પછીનાં યુગમાં જ થઈ હશે કારણ કે આ બે મહાગ્રંથોમાં દાળવડાની ઉત્પત્તિ જેવી મહાન ઘટના નોંધવાની રહી જાય એ અશક્ય છે. મુખ્યત્વે મગની ફોતરાવાળી દાળમાંથી બનતું આ ફરસાણ ચોમાસા દરમિયાન લોકપ્રિયતાની તમામ સરહદો વટાવી જાય છે. એક વરસાદ આવે ને જેમ વરસાદી દેડકાં કે ફૂદાં ઠેરઠેર ફૂટી નીકળે એમ દાળવડાની લારીઓય ગલીએ ગલીએ ફૂટી નીકળે છે. ચોમાસું જાય પછી આ લારીઓ પર બીજી સિઝનલ આઇટમો વેચાવા મુકાતી જોઈ છે. દાળવડાંની સાથે ચટણી કરતાં મીઠું નાખેલાં કે મીઠા વિનાનાં કાંદા અને તળેલા મરચાં ખાવાનો રિવાજ ક્યારથી અસ્તિત્વમાં આવ્યો એ વિશેય ક્યાંય નાની સરખી નોંધ જોવા મળતી નથી એટલે એ રિવાજ પણ દાળવડાની સાથે જ ઉદ્ભવ પામ્યો હશે એમ માની લઈએ તો સહેજેય અતિશયોક્તિ નહીં લેખાય. ગરીબોની કસ્તૂરી કહેવાની ડુંગળી ઉર્ફે કાંદા ઉર્ફે પ્યાજ વચ્ચે અતિ દુર્લભ જણસ થઈ ગયેલી. સરકારને સૌથી વધારે નિઃસાસા એ વખતે સાચ્ચાં દાળવડાંપ્રેમીનાં જ લાગેલાં. ડુંગળીનાં કાળાબજાર ધોળા બજારમાંય આંખે પાણી લાવી દે એવા ભાવોથી દેશમાં ઘણાં બધા વગર ડુંગળીએ રડ્યાંના દાખલાં છે. નાની નાની લારી પર દાળવડાં સાથે માત્ર તળેલાં મરચાં જ વેચાતાં હોવાથી દાળવડાંના વેચાણ પર પણ આડકતરી અસર પડેલી કારણ કે દાળવડાનો અસલી સ્વાદ ડુંગળી સાથે ખાવામાં આવે તો જ આવે એવી માન્યતા પણ સમાજમાં પ્રવર્તમાન છે. અનેક પ્રયત્નો પછી ડુંગળીનાં ભાવ આસમાનથી જમીન પર ઊતર્યા અને વળી પાછી દાળવડાની બોલબાલા શરૂ થઈ. આમ, દાળવડાં સમૂળી ક્રાંતિ છે.

અમારો નમ્ર મત એવો છે કે ઘરમાં બનાવેલાં દાળવડાં કરતાં બહાર ખૂમચા પર કે લારી પર બનેલા દાળવડાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાચું ખોટું અથવા કારણો તો રામ જાણે પણ આ હકીકત છે. ઘરમાં વણજોઈતા ક્લેશ ટાળવા ઘણાં અર્ધસત્ય અથવા પૂર્ણ અસત્ય ઉચ્ચારી લેતાં હોય છે કે “ઘરનાં એ ઘરનાં” આ ઘરનાં એ ઘરનાં દાળવડામાં મુખ્ય બાબત સ્વચ્છતા વિશે જ હોય છે. બહાર લારી પર બહુ સ્વાભાવિક રીતે જ ઘર જેવી સ્વચ્છતાનો અભાવ હોય, ખીરું કેટલું જૂનું હોય તે વિશે જરાતરા અવઢવ હોય, પણ દરેક એરિયામાં દાળવડાનો એક સ્પેશિયાલિસ્ટ તો હોય જ હોય. અમારા એરિયામાં એક દાળવડાવાળો દાળવડામાંથી એટલું કમાયો કે એણે 15 x 15ની એક નાનકડી દુકાન ખોલી લીધી. પણ હજી એ સવારમાં પહેલો ઘાણ તો પેલી નાનકડી લારી પર જ ઉતારે. લારી એના માટે શુકનવંતી નીવડી છે તો! ગલીએ ગલીએ દાળવડાંની લારી ઊભી હોય પણ સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્ર હેઠળ દરેકેદરેક જણને નફો જ થાય. કોઈ ખોટમાં ન જાય. બધી લારીએ ભીડ જોવા મળે જ મળે. દરેક દરેક વસ્તુમાં કૅલરીચાર્ટ પ્રમાણે જ ગણીગણીને ખાતાં ભલભલા હેલ્થ કોન્શિયસ હોય એ દાળવડાની સામે સિઝનમાં કમસેકમ એક વાર તો હારી જ જાય. દાળવડાંની હરિફાઈમાં મેંદુવડા, બટાકાવડા, દહીંવડા એમ ત્રણ વડાં એક સંપ થઈ જાય તોય દાળવડાની લોકપ્રિયતા કે લોકભોગ્યતા સુધી પહોંચી નહીં શકે. એક જ વરસાદમાં આગલા જૂનાં તમામ રેકોર્ડ તોડી નાંખે એ હદ સુધી દાળવડાં ખવાય છે અને ખવાતા રહેશે. કેટલીક દાળવડાંની લારીઓ એટલી બધી પ્રખ્યાત થઈ જાય કે એમણે નવું કાઉન્ટર પણ ખોલવું પડે. અથવા દાળવડાનું વેચાણ વ્યક્તિદીઠ અમુક ગ્રામ જ કરી શકાશે. એવા પાટિયા મૂકવા પડે. અમદાવાદમાં ગોતા ચોકડી પાસે અંબિકા દાળવડા સેન્ટર અતિ પ્રખ્યાત છે. આ સાવ નાનકડી જગ્યાએ લોકોને વરસતા વરસાદમાંય લાંબી લાઇનોમાં ઊભેલાં અને દાળવડા માટે તપ કરતા જોયા છે. આ લારી પર દાળવડા સિઝનમાં વ્યક્તિદીઠ 250 ગ્રામ જ મળે. આ 250 ગ્રામ દાળવડાનું પડીકુંય હાથમાં આવે કે વૈતરણી તરી ગયા જેવો ભાવ ભાવકનાં મનમાં આવે. તો વળી લાઇનમાં આઘે ઊભેલો રસિકજન પોતાનાં ભાગે એક દાળવડુંય આવશે કે કેમ એની ચિંતામાં સતત દાળવડાના તાવડાને ત્રાટક કરી રહેલો જોયો છે. આ અંબિકા દાળવડા સેન્ટર દાળવડા માટે થયેલી નજીવી હાથાપાઈનુંય સાક્ષી બની ચૂક્યું છે. આવી હાથાપાઈઓના સાક્ષી ભવિષ્યમાં થવું ન પડે એટલાં માટે જ અહીં વ્યક્તિદીઠ 250 ગ્રામ દાળવડાં જ અપાય છે જેથી છેલ્લા ગ્રાહકને ખલાશ થઈ ગયા ભ’ઈ એવી જીવલેણ ઉક્તિ સાંભળવી ન પડે.

ખોંખારો :

Me : હવે ‘થાઇફૂડ’ની બોલબાલા છે.
He : આપણે તો “ફૂડ થાય” તો ય ઘણું છે.

http://bombaysamachar.com/epaper/e10-3-2016/LADKI-THU-10-03-2016-Page-4.pdf

કુડિયોં કા હૈ જમાના..મુંબઈ સમાચાર,૦૩/૦૩/૨૦૧૬ ગુરુવાર લાડકી section

થોડાં દિવસ પહેલાં સંસદમાં સ્મૃિત ઈરાનીએ બહુ ધારદાર સ્પીચ આપી માણસને વાઇરલ થાય એમ હવે સ્પીચોય વાઇરલ થવા લાગી છે. રાજકારણનાં આટાપાટા જે હોય એ; આ સ્પીચ વિરોધ પક્ષનાં નેતાઓને વાઇરલ થઈ જાય એવી તો હતી જ એવું રાજકારણનાં ખેરખાંઓ પણ બહારખાને-અંદરખાને સ્વીકારી ચૂક્યાં છે. ઘણી સ્ત્રીઓએ ઘરમાં પોતાનાં પતિનેય કહ્યું હશે. “સાંભળીને સ્મૃિતની સ્પીચ? સાંભળી લેજો અને સમજીય લેજો. કે અમે સ્ત્રીઓ કેવું કેવું બોલી શકીએ છીએ.” કેટલાય પુરુષોમાં લઘુતાગ્રંથિ લાવી દે એવા આશ્ચર્યકારક અને આગઝરતાં ભાષણો ભૂતકાળમાં સ્ત્રીઓએ આપ્યાં જ છે. આ ટાણે ઇંદિરા ગાંધીને યાદ ન કરીએ તો ચાલે જ નહીં. એકવાર સંસદ સત્રમાં એક સાંસદે કોઈ ઉગ્ર બોલાચાલીમાં મોરારજી દેસાઈને “જૂઠ્ઠા” કહ્યું. તરત જ ઇંદિરા ગાંધી પાટલી પછાડીને ઊભા થયા અને કહી દીધું કે “નેતાજી, તમે મોરારજીને જૂઠ્ઠાં કહેશો તો સાચાં કોને કહેશો?” આફરીન. એ સમયનાં રાજકારણનું અને રાજકારણીનાં સ્તરનો ખ્યાલ આ એક વાક્યથી આવી શકે છે. તો બીજી તરફ થાળી-વેલણ વગાડતી સ્ત્રીઓ.. જુદા જુદા આંદોલનો સમયે થાળી-વેલણ લઈને શેરીઓમાં ઊતરી પડતી આજની બહેનો. આ ડ્રમ બૅન્ડવાળી બહેનો જો જરા સ્વસ્થ ચિત્તે વિચારે તો એમને ખ્યાલ આવશે કે જે થાળી પર એમણે ભવોભવની દાઝ કાઢીને ટીપ્યાં હોય એવાં થાળી-વેલણ. આંદોલનોની તો જે અસરો થવાની હોય તે થાય પણ થાળી પર વેલણ પ્રહારની અસર ચોક્કસ થાય છે અને થાળી ફરી ડાયનિંગ ટેબલ પર મૂકવા લાયક રહેતી નથી. થાળી એટલી બધી ગોબાવાળી થઈ જાય, કાનાવાળી થાળી ખાનાવાળી થાળીમાં તબદિલ થઈ જાય ને સરવાળે તપેલી ઢાંકવાનાં કામમાંય આવે કે કેમ એ પ્રશ્ન. દાઝ કાઢવાની આ પ્રથા આમ વાઇરલ થઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હકિકતમાં થાળી-વેલણની કથા એવી છે કે પતિને ગરામગરમ રોટલી-ભાખરી જમાડવાનાં અભરખાં ધરાવતી પત્નીને ડાઇનિંગ ટેબલ પર બેઠલો પતિ બૂમ પાડે કે “હજી કેટલી વાર છે?” ને જવાબમાં હોંશિલી પત્ની જવાબ આપવાને બદલે ભાખરી-રોટલી વણતાં વણતાં જ વચ્ચે થાળી પર એક-બે ટંકારવ કરીને જવાબ આપે તે પતિ સમજી જાય કે બસ હવે થાળી પીરસાવાની તૈયારી જ છે. જો કે આજે તો રોટલી ભાખરી ગરમામાંથી નીકળીને એ ખાસ્સો સમય ગરમ રહે એવા પાત્ર “કેસરોલ”માં ગોઠવાઈ ગઈ છે. એટલે પતિ કે કુટુંબીઓ જમવા બેસે ત્યારે “કેસરોલ”માં ભાખરી/રોટલી તૈયાર જ હોય. ખોલીને લઈ લેવા જેટલી જ વાર થાય. ને શરીર પર વધેલી ચરબી ઓછી કરવા કાને ભૂંગળા ભરાવીને બહાર બગીચામાં “walk” લેતી પત્નીને જોતાં જોતાં પતિએ જમી લેવાનું. આને કહેવાય વિકાસ! નવી નવી ટેક્નોલૉજીઓનો લાભ પુરુષોને મળ્યો છે એનાં કરતાં વધારે સ્ત્રીઓને મળ્યો છે. અથવા એમ કહો કે એ લોકોએ લઈ લીધો છે અને પુરુષોએ એ વિશાળ હૃદયે કે હૃદય પર પથ્થર રાખીને સ્વીકારી પણ લીધું છે.

સ્ત્રીઓને દુષ્ટાત્મા ચિતરવાનું કામ જેટલું એકતાકપૂર અને અન્ય ટીવી સિરિયલ્સે કર્યું છે એટલું તો બીજા બધાએ ભેગાં થઈનેય નહીં કર્યું હોય! રોજ સાંજે 7થી 11 દરમિયાન પ્રસારિત થતી વિવિધ ચેનલો કરતાય વધુ ઝડપે ગળા નીચે ઊતરી જશે. જોરદાર કાંજી પાયેલી કડક કે બનારસી રોલાં ને ભારેખમ દાગીનાવાળી ચરબીથી ફાટફાટ થતી મહિલાઓ કે પેન્સિલનેય કૉમ્પલેક્સ લાવે તેવી પાતળી કે કુપોષણથી પીડાતી છોકરીઓને જાતજાતનાં કાવાદાવા કરતાં જોઈએ તો દરેક સ્ત્રી આવી જ ગણતરીબાજ કે કાવાદાવાવાળી હશે એમ માનવા પ્રેરાઈએ. હકીકતમાં ટીવીની સ્વીચ બંધ કરીએ એટલે આ કાવાદાવાય એમાં જ પૂરાઈ જાય છે. ગાંધીજી સાથે ડૉક્ટર તરીકે ડૉ. સુશીલા નૈય્યર કે દેશનાં પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલા ય આ દેશનાં જ રતન છે.

આવાં કંઈ કેટલાંય મુદ્દાઓ વિચારતાં વિચારતાં ભટ્ટજી કમ્પાઉન્ડમાં ટહેલી રહ્યા હતા. એટલામાં હસુકાકા પ્રગટ થયાં.

“શું ભટ્ટજી? કેમ છો?”

“બસ જુઓ કાકા... ચાલુ છું...”

“હા તે એ તો દેખાય છે મનેય. હું એમ પૂછતો હતો કે શું લાગે છે?”

“શેનું?”

“શેનું તે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એનું.”

“એ દિવસે મારે એક જગ્યાએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સ્પીચ આપવાની છે તે વિશે જરા મનોમંથન ચાલી રહ્યું હતું.”

“અચ્છા. ભાષણ આપવાનાં છો એમ? એમાં કહેજો કે સ્ત્રી એટલે દેવી. એની પૂજા કરવાની હોય. એને માથે બેસાડવાની હોય. નહીં કે એને હડધૂત કરવાની કે એની સાથે ખરાબ વર્તણૂક કરવાની. ખરી હિંમત શરીરનું પ્રદર્શન કરવામાં નહીં પણ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં છે.”

“કાકા.... ભાષણમાં ચાલો એવા છો.”

“બસ, બસ ભટ્ટજી... ચણાનાં ઝાડ પર ના ચઢાવો. જેએસકે.”

“હા કાકા, TTYL”

“એટલે શું ભટ્ટજી?”

“ટોક ટુ યુ લેટર”

“વાહ, ભટ્ટજી... નવું લાયા હોં.. બાકી..”

કાકા ગયા અને ભટ્ટજી પાછાં વિચારવા લાગ્યાં. પ્રતિમા બેદીએ એના જમાનામાં જૂહુનાં દરિયાકિનારે દિગંબર અવસ્થામાં દોડવાની હિંમત કરેલી એવી પબ્લિસિટી સ્ટંટની હિંમતો કરતી સ્ત્રીઓની સંખ્યામાં આજે ઘણો વધારો થયો છે. પુરુષોની મોનોપોલી હોય એવા અનેક ક્ષેત્રોમાં આજે સ્ત્રીઓ વટથી પ્રવેશી ચૂકી છે અને સફળ પણ થાય છે. હમણાંનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો નવો અધ્યાય શરૂ થયો છે. સ્ટૅન્ડઅપ કૉમેડીમાં ધીરે ધીરે અદિતી, પ્રીતિ દાસ, જેવી હિંમતવાન છોકરીઓએ ગજુ કાઢવા માંડ્યું છે. આ પ્રકારનાં કૉમેડી શૉમાં અશ્લિલતા ગમે એટલો પ્રયત્ન કરો તોય આવી જ જાય છે. પત્ની કે સ્ત્રીઓને સૉફ્ટ ટાર્ગેટ માનીને અઢળક મજાકો થઈ હશે, થતી રહી છે અને થતી આવશે એવા આ સમયમાં સ્ત્રીઓ પોતે જ આ ક્ષેત્રમાં આવીને કરારો જવાબ આપે એ અત્યંત જરૂરી છે. ગાંધીજીએય સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર લાવવાની હિમાયત કરી છે. હવે તો ભારતીય કાયદોય દીકરીને પૈતૃક મિલકતમાં સમાન હક્ક આપે છે. દહેજ પ્રજાનો વિરોધ કરતી એક દીકરીએ પરણવા આવેલાં મુરતિયાને લીલા તોરણે પાછો કાઢ્યો હતો. પરદેશોમાં નારી સ્વાતંત્ર્ય વિશે જરા જુદા ખ્યાલો છે. ત્યાં સ્ત્રીઓ એકલી ફરવા નીકળી પડે કે એકલી જ કુંવારી રહે તો કોઈ કંઈ પૂછતું નથી. જાપાનમાં એક છોકરીને એકલાં જ રહેવું હતું એટલે મૅડમ ઇન્ડોનેશિયા પાસે કોઈ સાવ નિર્જન ટાપુ પર પહોંચી ગયા. અથડાતાંકુટાતાં ત્યાં પહોંચી તો ગયા પણ પછી આ વધારે પડતું થઈ ગયું એવી સમજણ આવતાં બહેનને 19 દિવસ લાગ્યાં. 19 દિવસ પછી બહેન વતન પરત થયાં. છાપામાં આટલાં જ સમાચાર છે. પણ એની વિગતે તપાસ કરી તો જાણવા મળ્યું કે બહેન સેલ્ફી ફોટા પાડવાની સવલત છીનવાઈ જવાથી ડિપ્રેશનમાં આવી જાય એમ લાગતું હોવાથી 19મા દિવસે જ પરત આવી ગયેલાં. સ્ત્રીઓ પાસે જે આંસુ અને જીભ એ બે એવા વિનાશી હથિયાર છે કે જગતનું કોઈ વિજ્ઞાન એની નકલ નહીં કરી શકે. પણ “દ્રૌપદીએ જો જીભ પર અને સીતાએ આંસુ પર સંયમ રાખ્યો હોત તો જગત મહાભારત સાથે રામાયણ નામનાં મહાકાવ્યોથી વંચિત રહી ગયું હોત.” ભટ્ટજી આવા આવા વિચારોમાં ટહેલતાં હતાં એટલામાં વળી હસુકાકાની એન્ટ્રી પડી.

“ભટ્ટજી... તમે પેલી વાત વાંચી?”

“ફોડ પાડો કાકા. આ “પેલી, પેલો, પેલું એવાં જબરજસ્ત શબ્દો છે કે બધે એપ્લાય થઈ શકે.”

“અરે પેલી કંબોડિયાની રાજકુમારી માટે 28 લાખ રૂપિયામાં એક શૌચાલય બનાવ્યું તે વાળી વાત કહું છું.”

“હા, અને પ્રિન્સેસે એ શૌચાલયની તસ્વીરો જ લીધી. ઉપયોગ ન કર્યો. બોલો છે ને દાદાગીરી? હવે એ શૌચાલય ટુરિસ્ટ પ્લેસ કહેવાશે.”

“ઓહો ભટ્ટજી... આ તો મને ખબર જ નહતી.”

એટલામાં ભટ્ટજીનો સેલફોન રણક્યો થોડીવાર વાત કરી પછી ભટ્ટજી ઉવાચ : “કાકા, મારું પેલું ભાષણ આપવા જવાનું હતું ને એ કેન્સલ થયું. કારણ કે હવે સંસ્થાને કોઈ સાસ-બહુ સિરિયલની એકટ્રેસ મળી ગઈ છે. એટલે એ ભાષણ આપશે.”

“હત્તારીની... કંઈ નહીં. તમે આપણા ગોકુળધામમાં ભાષણ આપજો. અમે સાંભળીશું.”

ભટ્ટજી ખસિયાણું હસીને ચાલતાં થયાં.

ખોંખારો : વર્ષો પહેલાં સ્ત્રીઓ નાટક- એટલે કે ફિલ્મોમાં કામ નહતી કરતી એટલે પુરુષોએ જ સ્ત્રી વેશ ભજવવા પડતાં. આજે સ્ત્રીઓની સફળતાથી ઇર્ષાથી કે દાઝથી બળી મરીને પુરુષોએ કૉમેડી કરવા માટે સ્ત્રીપાત્રનો સહારો લેવો પડે છે. આને કહેવાય વિકાસ....!

Happy world women’s day.

http://bombaysamachar.com/epaper/e03-3-2016/LADKI-THU-03-03-2016-Page-4.pdf

Saturday, February 27, 2016

પ્રેમ રતન ધન ખોયો...25/02/2016 ગુરુવાર ,લાડકી -મુંબઈ સમાચાર


સંજય લીલા ભણસાલીએ “દેવદાસ” બનાવ્યું એ ત્રીજું દેવદાસ હતું. એ પહેલાં બે દેવદાસ બની ચૂકી હતી. એના રિવ્યુમાં એક ફિલ્મ ક્રિટીકે લખેલું કે “હજી ચોથા દેવદાસની જગ્યા બાકી હોય એવું લાગે છે. ફિલ્મમાં હજુ કંઈ ખૂટતું હશે! ત્યારે એમ થાય કે “દેવદાસ”ની એ કેવી ઉદાસી અને એવો તે કેવો પ્રેમભંગ હશે કે ત્રણ-ત્રણ ફિલ્મો બન્યા પછીય એનો વિરહ હજુય સુકાયો નથી અને અડીખમ છે. કયા સ્તરનો આ પ્રેમભંગ હશે?

વેલેન્ટાઇન ડેનો તહેવાર હમણાં જ રંગેચંગે સંપન્ન થયો. લાલ રંગ અને હાર્ટ શેઇપનાં ફુગ્ગાઓમાંથી હવા પૂરેપૂરી નીકળી ગઈ હશે. પ્રેમની કસમ ને ભવોભવ સાથે જીવવા મરવાના કોલ સાથે અપાયેલી સસ્તામોંઘા ભાવની ચૉકલેટ-કૅડબરીઓનાં ખાલી રેપર રસ્તા પરની કચરાપેટીમાં કચરો થઈને પડ્યાં હશે ને નાનીમોટી ભેટો ઘરનાને મનના ખૂણે ક્યાંય ધરબાઈ ગઈ હશે. વેલેન્ટાઇન તહેવારનો ઊભરો સોડા વૉટર જેવો હોય છે. જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી બેસીય જાય. વેલેન્ટાઇન ડે પૂરો થયો ને બીજા દિવસથી રૂટિન જિંદગીની વોહી રફતાર ચાલુ. નસીબ સંજોગે ચોકઠાં ગોઠવાયાં હોય તો પણ એમાં શરતો ઉમેરાવા લાગે છે ને શરૂ થાય છે પ્રેમભંગ થવાની ધીમી શરૂઆત. વેલેન્ટાઇન ડે વખતે જેમ જુદા જુદા સાત દિવસ ઊજવાય એમ પ્રેમભંગ-બ્રેકઅપ માટેય જુદા જુદા સાત દિવસ નામે — સ્લેપ-ડે, કીક-ડે, પરફ્યુમ-ડે, કલર્ટિંગ-ડે, કન્ફેસન-ડે, મિસિંગ-ડે, અને છેલ્લે બ્રેકિંગ-ડે ઊજવાય છે. પ્રેમમાં હોય ત્યારે જેમ પ્રેમીજનો પ્રેમ વ્યક્ત કરવાની જાત જાતની રીતો અપનાવે છે એમ પ્રેમમાં ભાંગી પડે ત્યારેય જુદી જુદી રીતો અજમાવાતી હોવાના સમાચાર આવતાં જ રહે છે. અમારા એક મિત્રના વેલેન્ટાઇન-ડેના વાસંતી તહેવારો સમયે જ પ્રેમ થઈ ગયો. બહેનબાનાં ચહેરા પર પણ પ્રેમની અસરો કાયમી મુસ્કુરાહટ સ્વરૂપે દેખાય. આંખો જરા જરામાં ઢળી જાય ને હોઠ હસી ઊઠે. ટૂંકમાં બધું કાવ્યાત્મક, ગુલાબી ગુલાબી, ફોન પર વાત કરતાંય આપણને એમ લાગે કે બહેન મલકું મલકું જ હશે. “એ...” આથી વાત શરૂ થાય ને આપણે કહેવું પડે કે “બસ કરો માતાજી” ત્યારે માંડ માંડ વાત પૂરી થાય. કેટલાં રોઝ મળ્યાં ને કેટલાં હાર્ટ મળ્યા. એનો હિસાબ રાખવામાં બહેન જરા વધારે પડતાં જ લાગણીશીલ થઈ ગયાં અને સામેપક્ષે ભાઈ કોઈ બીજા સાથે વેલેન્ટાઇન-ડે ઉજવવામાં વ્યસ્ત થઈ ગયા. આ બહેનને ખબર પડી તો એમણે આ દુર્ઘટનાનો વિરોધ નોંધાવવા ભાઈને ખૂબ ગમતાં લાંબા સુંવાળા વાળને કપાવીને સાવ બૉયકટ કરાવી નાખ્યા ને પોતાનો બોયકટ વાળવાળો સ્માઇલિંગ સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ પર # Breakup # Happy # Go to hellનાં મેસેજ સાથે વાઇરલ કરી દીધો. તો બીજા એક કિસ્સામાં પ્રેમિકા છેતરપિંડીથી એટલી તો વીફરી કે એણે એના બૉયફ્રૅન્ડને મૂક્યો પડતો અને રખડી આવી એકલી આખા ભારતમાં... આગ્રામાં તાજમહેલની ચોટી પકડીને ફોટોય પડાવ્યો હસતાં મુખે. બંને કન્યાઓ પ્રેમભંગની ઘટનાને જીરવી ગઈને જીવીય ગઈ. બાકી પ્રેમભંગ થવાય તો એકબીજાને ખુવાર કરી નાંખનારાય પડ્યા છે જગતમાં.

ચાઇનામાં એક બૉયફ્રૅન્ડને એની ગર્લફ્રૅન્ડ સાથે ગંભીર પ્રકારનો ઝઘડો થઈ ગયો ને પરિણામે બ્રેકઅપ. હવે આ બ્રેકઅપથી ગુસ્સે ભરાયેલો યુવાન મંડ્યો તે સાઇકલ લઈને નીકળી પડ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાઇનાથી સાઇકલ ચલાવતો ચલાવતો પહોંચી ગયો સાઉથ આફ્રિકા. 6 મહિના પછી ભાઈ બેક ટુ પેવેલિયન થયા. વ્યવસાયે તલવારબાજીનું કોચિંગ આપતા આ મહાશય હવે બ્રેકઅપ થાય તો કેવી રીતે પોતાની જાતને સંભાળવી એનાય કોચિંગ ચાલુ કરશે એવા સમાચાર છે ખરાં.

પશ્ચિમ બંગાળમાં એક હાથી જંગલમાંથી રસ્તો ભૂલીને સિલિગુડી શહેરમાં આવી ચડેલો. આ હાથીએ શહેર આખું માથે લીધેલું ને જે અડફેટે આવે એને ઘમરોળી નાખેલું. હવે આ હાથીએ આમ શા માટે કર્યું, એ શાથી આવા ઝનૂને ભરાયેલો ક્યાંક મુખ્ય કારણ પ્રેમમાં નિષ્ફળતા તો નહતું ને આવા બધા પ્રશ્નો જો કોઈ ચેનલવાળા એનો ઇન્ટરવ્યૂ લે તો ખબર પડે. રિપોર્ટર તરીકે કીડીબાઈને નિયુક્ત કરવા પડે, કારણ કે પ્રાણીજગતની ભાષા સમજવા માટે પ્રાણી જ જોઈએ. માણસ તો માણસની ભાષાય ક્યાં સમજે છે!!

ભારતમાં રાજકારણ અને ફિલ્મો એ બે એવાં ક્ષેત્રો છે કે ક્યારે કોનું ક્યાં જોડાણ છે ને ક્યારે કોનું ક્યાં ભંગાણ છે એ કહેવું અઘરું થઈ પડે છે. ચૂંટણી વખતે ભલભલી વિરોધી પાર્ટીઓ જોડાણ કરે અને જેવો સ્વાર્થ પૂરો થાય એટલે ભંગાણ—બ્રેકઅપ. વળી પાછાં કંઈક સમીકરણ બદલાઈ જાય તો ફરી એકમેકના વેલેન્ટાઇન બની જતા પળવાર પણ, ન લગાડે એટલા સહિષ્ણુ તો ખરાં!

ફિલ્મલાઇનમાં હમણાં બ્રેકઅપનો વાયરો ફૂંકાયો છે જેમાં આઘાત અને આશ્ચર્ય થાય એવી પ્રણય બેલડી છૂટી પડી હોવાના સમાચારો રોજ ગાજે છે. કેટલાંક તો વળી ફિલ્મોમાં સાથે જોડીમાં હોય એટલે ફિલ્મ પૂરતા પ્રૉફેશનલ જોડી તરીકે રહે પછી હરિઓમ. રિયાલિટી શૉમાં ભાગ લેતાં લેતાં જ પ્રેમમાં પડે અને શૉ પૂરો થાય ત્યાં સુધીમાં તો પ્રેમની કલ્પના વાસ્તવિકતા એનું સ્વરૂપ દેખશે એટલે પ્રેમીપંખીડાં કદી એકબીજાને ઓળખતાં હતાં એવાંય સંબંધો ન રહે. “પાવર-કપલ” નામનો ટીવી રિયાલિટી શૉ હોસ્ટ કરતાં અરબાઝખાન અને મલાઇકાખાનનો દાખલો લઈએ તો આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર કપલ તરીકે જ પ્રખ્યાત હતાં. શૉ ચાલુ થયો ત્યારે એના આયોજકોને કે મલાઇકા-અરબાઝનેય ખબર નહીં હોય કે આ પાવર કપલમાંથી પાવર નીકળી જશે અને સેપરેટેડ કપલ થઈ જાય એવા સંજોગો આવી ઊભા રહેશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બની ત્યારે કેટલાંયનાં હાયકારા લાગ્યા હશે એ અત્યારે બંનેને બરાબરનાનડ્યા છે અને એ બે વચ્ચેય બ્રેકઅપ થઈ ગયું છે. ફળસ્વરૂપે વિરાટ કોહલીએ તો બ્રેકઅપ થાય ત્યારે શું કરવું એની સાત ટિપ્સ પણ એના ફોલોઅર્સ સાથે વહેંચી છે. અને એ રીતે પોતેય પોતાને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો છે. સામે અનુષ્કા શર્માએ શું ગતકડું કર્યું એ હજી જાણવા મળ્યું નથી.

વર્ષો પહેલાં એક હિંદી ફિલ્મ આવેલી “ખામોશી.” વહિદા રહેમાન, સંજીવકુમાર, રાજેશ ખન્ના, અશોકકુમાર અભિનિત આ ફિલ્મમાં વહિદા રહેમાન નર્સ અને અશોકકુમાર ડૉક્ટર છે. પ્રેમભંગ થયેલી વ્યક્તિઓની સારવાર માટે નર્સ વહિદા રહેમાન પ્રેમભંગ દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે જ પ્રેમભંગની દર્દી બની ને હૉસ્પિટલમાં દાખલ થાય છે એ પ્રકારની કથાનકવાળી આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આજના સુપર ઇલેક્ટ્રિક યુગમાં આવી ફિલ્મ આવીને ક્યારે જતી રહે તેય ખબર ન પડે. પ્રજામાં પ્રેમ અંગે સહિષ્ણુતા વધી હોય એ સારી બાબત છે. આજે એક પ્રેમમાં નિષ્ફળતા મળે તો એ ઘટનાને ત્યાં જ મૂકીને આગળ ચાલવા માંડે તેને પ્રૅક્ટિકલ કહેવાય છે. જ્યારે સેલિબ્રિટીઓનું બ્રેકઅપ થાય ત્યારે લોકો પોતાની વેદના પીડા ભૂલી જાય છે. કેટલીક વાર માત્ર અને માત્ર પબ્લિસિટી સ્ટંટ ખાતર કરેલો પ્રેમ ટૂંકાગાળામાં ગાળિયો બની જાય છે અને સાવ નાંખી દેવા જેવી બાબતમાંય બ્રેકઅપ થઈ જાય છે. ઉતાવળે કરેલી ભૂલો નિરાંત મળતાં સમજાય ત્યારે બ્રેકઅપની શક્યતાઓ વધી જાય છે. સમાજમાં રહેતો, સમાજથી ડરીને ચાલનારો વર્ગ આપણે ત્યાં હજી મોટો છે જે બ્રેકઅપમાં શરમ-સંકોચ અનુભવે છે પણ ધીમે ધીમે એવું દેખાઈ રહ્યું છે. ભંગાણની ઘટના પ્રત્યે લોકો સહિષ્ણુ અને ઘટનાનાં કારણો પ્રત્યે અસહિષ્ણુ થતાં જાય છે. પરદેશોમાં નસકોરાંબોલવાં, રસોઈ બરાબર ન આવડવી, પરફ્યુમની સુગંધ ન ગમવી, સાથીદારના મિત્રો સગાં પ્રત્યે અણગમો હોવો જેવા નજીવા કારણોસર બ્રેકઅપ થઈ જવાનાં અસંખ્ય દાખલાઓ મળી આવે છે.

પ્રેમમાં પડેલો માણસ અકારણ મલકાયા કરે, વધારે પડતી ટીપટાપ કરે, સાથીદારની પસંદ-નાપસંદનો બરાબર ખ્યાલ રાખે જ્યારે પ્રેમમાં ભાંગી ગયેલો માણસ લઘરો હોય, સમય-સ્થળ-કાળનું ખાસ ભાન ન હોય બધે જ નિરાશ રહે એ રીતે પ્રેમમાં પડેલો માણસ અને પ્રેમમાં ખરેખર પડી ગયેલામાણસના મનનો કારોબાર બીજાના હાથમાં જ હોય છે. 


ખોંખારો : પ્રેમભંગ થવાનું મુખ્ય કારણ પ્રેમ છે.


http://bombaysamachar.com/epaper/e25-2-2016/LADKI-THU-25-02-2016-Page-4.pdf

 

 

 

Monday, February 22, 2016

મુંબઈ સમાચાર-૧૮/૦૨/૨૦૧૬ લાડકી section "મરક મરક" વાટકી વ્યવહાર


— શિલ્પા દેસાઈ

“ઢબુ.... એ ઢબુડી.... સાંભળ તો બેટા, જરા બાજુમાં જસુબાનાં ઘરેથી થોડું મેળવણ લઈ આવ તો... કાલે ઢોકળાં બનાવવાનાં છે પણ હું મુઈ દૂધ મેળવવાનું ભૂલી ગઈને દહીં બધુ વાપરી નાખ્યું છે, જો તો મારી દીકરી...”
ઢબુ દોડતીકને જસુમાસીને ત્યાંથી બે ચમચી મેળવણ લઈ આવી ને બીજા દિવસે પાછી ઢબુડીની મમ્મી ઢબુને જસુમાસીને ત્યાં મોકલે : “જા તો બેટા, આ ઢોકળાંની પહેલી થાળી જસુમાસીને ત્યાં આપી આવ”ને એમ ગઈકાલે જસુમાસીને ત્યાંથી લાવેલી બે ચમચી મેળવણનું ઢોકળા થકી સાટુ વળી જાય. સાદા શબ્દોમાં આ થયો વાટકી વ્યવહાર. હજુય આ “વાટકી વ્યવહાર” નામ વપરાશમાં છે ખરું પણ “વાટકી” વ્યવહાર વાટકી ઠેકીને થાળી ને તપેલી સુધીં પહોંચી ગયો છે.
અમારી ગોકુલધામ જેવી સોસાયટીમાં હજુ સંયુક્ત કુટુંબપ્રથા સચવાઈ રહી છે. સવારની પહોરમાં પાણી બાબતે પાણીપત યુદ્ધમાં ઉતરનારા સાંજે એકબીજાનાં ઘરમાં ચા-નાસ્તા કરતાં નજરે પડે. કમમાસી મૂળ સુરતી હોવાથી સિઝનમાં એકવાર તો ઊંધિયું બને જ બને. ને સોસાયટીમાં બધાંય પોતપોતાની તપેલી લઈને લાઇનમાં આવી જાય. દરેકને પાછી ચોઈસ હોય એ પ્રમાણે મસમોટાં તપેલાંઓમાંથી ઊંધિયું કાઢીને આપવાની કમમાસીને ભયંકર ચીડ ચડે. “પછી અમે હું ખાહું એમ કેહમ? તપેલામાંનો તેલ ને મસાલો તો ની ચાલે.” આવા બિનઅસરકારક સંવાદોની વચ્ચે ઉંધિયાનાં તપેલામાંથી ઊંધિયું ઉલેચાતું રહે. ખાય સોસાયટીવાળા અને ઓડકાર કમમાસીને આવે જેવો પ્રેમ. કોઈ વળી તપેલી કમમાસીને ત્યાંથી જ લઈ જાય અને બીજા દિવસે ખાલી તપેલી આપવાને બદલે છેવટે વાટકી ખાંડ ભરીને પાછી વાળે. હવેની વિભક્ત કુટુંબની સોસાયટીમાં આવા દૃશ્યો દુર્લભ થતાં જાય છે. એક-બે-ત્રણ વાર કશું મોકલ્યું હોય અને દરેક વખતે વાસણ ખાલી જ પાછું આવ્યું હોય તો ચોથી વખતથી વાટકી-તપેલી વ્યવહાર બંધ કરવામાં આવે. અંગત સંબંધોમાં BreaK-up થાય એમ હવે વાટકી વ્યવહારમાંય બ્રેક-અપ થવા માંડ્યાં છે. જ્યાં જૂઓ ત્યાં વાટકી વ્યવહાર અપ્રત્યક્ષ રીતે વર્તાય જ છે. રાજકારણમાં એને કટકી કહે તો ક્રિકેટમાં સટ્ટો. ટુંકમાં નામરૂપ જૂજ્વાં, અંતે તો... થોડાં વર્ષો પહેલાં એક રાજકારણીની દીકરીનાં અપહરણનાં બદલામાં પાંચ આતંકવાદીઓને અને વિમાની અપહરણ કેસમાં ત્રણ આતંકવાદીઓને છોડવાનો વ્યવહાર થયેલો. આ બંને વાટકી વ્યવહાર જેવા સોદા ભારતને હજીય ભારે પડી રહ્યાં છે!
 
આવા વાટકી વહેવારો થકી જ સમાજ ઉજળો હતો. સેંકડો વર્ષો પહેલા ‘નાણાં’ જેવા વજનદાર માધ્યમની શોધ થવાને વાર હતી ત્યારે સમાજમાં વિનિમય પદ્ધતિ અમલમાં હતી. લોકો એકબીજા પાસેથી વસ્તુના બદલામાં નાણાંને બદલે અન્ય કોઈ વસ્તુ કે એ જ વસ્તુ સામે આપતા અને વ્યવહાર ત્યાં જ પૂરો થઇ જતો. સમજોને, હું તમારી પાસેથી કશુક ખરીદું-સામે તે જ વખતે તમને એ વસ્તુ કે સર્વિસના મુલ્ય જેટલી વસ્તુ કે સર્વિસ આપી કે વાત પૂરી. તમે તમારા રસ્તે ને હું મારા.  આજના જેવી હપ્તા પદ્ધતિને પણ ચલણી થવાને સમય હતો. ધીમે ધીમે મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો અને રીતિરિવાજોમાં ધીમા પણ મક્કમ ફેરફારો આવ્યા. નાણાંની શોધ થઈ અને બાર્ટર સિસ્ટમ કહેતા વિનિમય પદ્ધતિ લગભગ વિસારે પડી પણ ૧૯૮૪ના 14મી મેએ ડેંટીસ્ટ પિતા અને સાઈકિયાટ્રિસ્ટ માતાને ત્યાં જન્મેલા માર્ક ઝુકરબર્ગે એકવીસમી સદીના પહેલા દાયકામાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ગજુ કાઢ્યું અને હાલમાં ટંકશાળ સમી ફેસબુક નામની સોશિયલ સાઇટની ભાગીદારીમાં સ્થાપના કરી અને આજુબાજુમાં કોણ રહે છે એ ખબર ન હોય પણ જોજનો દુર મિત્ર કહેતા સંપર્ક બનાવવાનું એક માધ્યમ મળ્યું.
જુના સમયમાં બધા ઓટલે બેસીને કે પાનના ગલ્લે ભેગા થઈને ટોળટપ્પા કરતા એવી રીતે આ ફેસબુક જેવી સોશિયલ સાઇટના લીધે નેટ-ટપ્પાનો ઉદ્ભવ થયો. ધીરે ધીરે સોશિયલ નેટવર્કિંગ વળગણ બની ગયું. લોકો પોસ્ટ/સ્ટેટ્સ મુકે-એમના સંપર્કમાં રહેનારા લોકો કોમેન્ટ આપે, લાઇક આપે ...કઈ પોસ્ટને કેટલી લાઇક, કોમેન્ટ મળે એના પર વ્યક્તિની લોકપ્રિયતા મપાવા લાગી ને ધીમા તાપે દૂધ ઉકળતું હોય ને ઉભરો આવે એમ ધીરે ધીરે ફેસ્બુકીયાઓમાં કોમેન્ટ- લાઇક કરાવવાનો ઉભરો આવવા માંડ્યો. લોકો એકબીજા પાસે અપેક્ષા રાખવા માંડ્યા. ‘મેં તમારા ફલાણા સ્ટેટ્સમાં લાઇક કર્યું ને તમે મારી પોસ્ટ વાંચતા પણ નથી. વાંચો અને લાઇક કરો ચાલો ‘...અને જાણે વાટકી વ્યવહારે નવો અવતાર ધર્યો. લુપ્ત થવાના આરે આવેલા વાટકી વ્યવહારને પુ. ઝુકરબર્ગે નવજીવન બક્ષ્યું. વાટકી વ્યવહારની પ્રથાએ એટલું તો જોર પકડ્યું કે અહો રૂપમ અહો ધ્વનિ કરી એકબીજાના થાબડભાણા ન કરો તો ભલભલા બેસ્ટીઝ જાની દુશ્મન બની બેસે. છેલ્લે ક્યારે કોને લાઇક કે કોમેન્ટ કરેલી એનુંય આવા વાટકીવીરો રજીસ્ટર રાખતા હોય તો નવાઈ નહિ. ભટ્ટજીના કમનસીબે એમનેય  આવા કટ્ટર વાટકીવીરો ભટકાઈ ગયેલા. એક વાટકીવીરને એવી આદત કે સવારના પહોરમાં જાતજાતનું ને ભાતભાતનું લખી નાખે ને ફેસબુક પર પોસ્ટ કરે ને પછી બરાબર ધ્યાન રાખે કે કોણ આવ્યું ને લાઈક/કોમેન્ટ કરી. જેવી કોઈની હાજરી વર્તાઈ કે એ મહાશય પણ જઈને એમની પોસ્ટ પર હાજરી પુરાવી આવે. ટિપિકલ બાર્ટર સિસ્ટમ. આંખ કે બદલે આંખ જેવું જ કંઈક. લાઇકના બદલામાં લાઇક ને કોમેન્ટના બદલામાં કોમેન્ટ. નિર્ભેળ વાટકી વ્યવહાર. જો કોઈ ઘણા દિવસે પોસ્ટમાં જોવા મળ્યું હોય તો મીઠી મધુર ટકોર પણ કરે કે બહુ વખતે આજે તો દર્શન આપ્યા.  આવી વર્તણૂક પાછળની શુદ્ધને શુભભાવના એક જ કે કોઈને એમના થકી ખોટું ન લાગવું જોઈએ બસ. 
બીજા કિસ્સામાં ભટ્ટજી રોજની જેમ તે દિવસે સાંજે ચાલવા નીકળેલા, રસ્તામાં એક જુના મિત્ર મળ્યા. ભટ્ટજી તો લાપસી લાપસી થતા ચાલ્યા મિત્ર તરફ. પણ આ શું? મિત્ર તો રસ્તો ચાતરી ગયા. ભટ્ટજીએતો તરત જ મોબાઈલ કાઢ્યો અને ફોન ઘુમાવ્યો તો સાહેબે ફોન કાપી નાખ્યો. ત્રણ ચાર વાર એમ થયું. ખલાસ.. ભટ્ટજીનો ઈગો હર્ટ થયો. હર્ટેલા ઇગા સાથે એમણે ફોન પાછો ખભે ભરાવેલી તોબરીમાં સરકાવ્યો. દસ-પંદર દિવસ પછી વાયા વાયા સમાચાર મળ્યાં કે એ મિત્રની ફેસબુકની કોઈ પોસ્ટ પર ભટ્ટજીએ લાઇક કે કોમેન્ટ નહોતી કરી એટલે ભટ્ટજી તોછડા, અભિમાની, મેનરલેસ, કાયમ ઇન્સલ્ટ જ કરનારા પ્રાણીઓના લીસ્ટમાં સ્થાન પામી ચુક્યા હતા અને મિત્રની ગુડબુકમાંથી ચુપચાપ તડીપાર થઈ ગયેલા. તો અન્ય એક મહાનુભાવ તો એમની પોસ્ટનો TRP વધારવા કોઈ કોમેન્ટ મુકે કે તરત જ એમનો વ્યક્તિગત આભાર માની લે. પુ. ઝુકરબર્ગે ફેસબુક જેવી સોશિયલ સાઈટ શરુ કરીને લોકોમાં વાટકી વ્યવહારની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે એ માટે નોબેલ પ્રાઈઝ કમિટી તરફથી એમને ભાઈચારાની ભાવના વધારવા માટેનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવું જોઈએ.
 
ખોંખારો: 
આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી પ્રિય ઝુકરબર્ગ ટ્વીટર અને ફેસબુક પર અમને follow નહીં કરે ત્યાં સુધી અમે પણ એમને follow નહીં કરીએ. 
 
 
 
 http://bombaysamachar.com/epaper/e18-2-2016/LADKI-THU-18-02-2016-Page-4.pdf