Thursday, July 7, 2016

“ત્યારે લખીશું શું?”

મુંબઈ સમાચાર, ૨૮/૦૪/૨૦૧૬ "મરક મરક" લાડકી section ..



— શિલ્પા દેસાઈ
ચાલો, આપણે પણ ક્યાંકથી લેખ લખવાનું આમંત્રણ આવ્યું ખરું. આટલા મોટા જનસમુદાયમાંથી લેખક શોધવો અતિ કપરું કાર્ય હોય છે. પણ આ “કાલનું વર્તમાન”વાળા ખરા હીરાપારખું નીકળ્યાં. કુશળ ઝવેરી જ હીરા પારખી શકે. એની વે, અમેય એક લિસ્ટ બનાવી દીધું. “લખવા માટેની સામગ્રી.”

1 નંગ સરસ રાઇટિંગ પેડ. — “ગાલા”નું ચાલે. કમ્પ્યૂટર પર લખવાથી જે પેલી અહાહાહા ફીલિંગ આવવી જોઈએ એ આવતી નથી એટલે અમે કમ્પ્યૂટર પર લખતાં જ નથી.

6 નંગ બૉલપેન. —રૂ. 30 વાળી, 6નું આખું બૉક્સ જ લેવું

1 સારામાંનું રાઇટિંગ બોર્ડ.

1 ફોલ્ડર (એ-3 સાઇઝનું)

12 મોટાં કવર (લાંબાં અથવા એ-4 સાઇઝનાં)

ટપાલ ટિકિટ — ઇ-મેઇલનાં જમાનામાં ભલે ટપાલનું ચલણ ઓછું થયું હોય પણ અમને વિક્રમ સારાભાઈ વાળી વાત હજુય અક્ષરશઃ યાદ છે. પત્ર આવે તો કેવો આનંદ થાય એય યાદ છે. એટલે અમે ટપાલ થકી જ અમારો લેખ મોકલીશું.

1 ગ્લુસ્ટિક — કવર ચોંટાડવા. સેલોટેપનાં ઠેકાણાં નહીં.

બસ અત્યારે તો તાત્કાલિક આટલી વસ્તુઓ લઈ આવીએ એટલે બીજા જ કલાકથી આપણું કામ ચાલુ.

હવે આ બધું લઈ આવીશું ત્યારે એમાં તો ફાઇનલ ડ્રાફ્ટ જ લખીશું પણ અમે પરફેક્ટ પ્લાનિંગમાં માનીએ છીએ એટલે રફવર્ક વિના તો બિલકુલ આગળ વધીએ જ નહીં. રફવર્કમાં તો કોઈ બી કાગળ અને પેન ચાલે. શરત એટલી કે કાગળ કોરો અને પેનથી લખાતું હોવું જોઈએ. એટલે અમે પસંદગી ઉતારી ડાયરી પર. જુદી જુદી ડાયરીઓનાં થપ્પામાંથી 2014ના વર્ષની ડાયરી કાઢી. એકદમ લીસ્સાં પાનાં. હવે આમાં રફવર્ક કરીશું તો થોડા સમયમાં તો વપરાઈ જ જવાની અને છેવટે અમારે એ પસ્તીમાં આપી દેવાની? આવા વિચારથી 2014ની ડાયરીમાં લખવાનો આઇડિયા પડતો મૂક્યો ને બીજી બધી ડાયરીઓનાં પાનાં ઊથલાવવાં માંડ્યાં. બધી ડાયરીઓમાં જે સૌથી ઓછાં લીસ્સાં અને ચમકતાં પાનાં વાળી ડાયરી હતી એ પસંદ કરી અને ક્યાંકથી પેન શોધીને સાવ કોરી ડાયરીમાં સ્વસ્તિક ચીતર્યો અને શ્રી ગણેશાય નમઃ લખ્યું અને લખવાનો શુભારંભ કર્યો. પણ હવે જ મૂળ પ્રશ્ન ઉદ્ભવ્યો કે શેના વિશે લખવું એ તો કંઈ વિચાર્યું જ નથી. વળી પાછાં થોડાં જૂનાં છાપાં લાવીને બાજુમાં મૂક્યાં ને એમાં આવતાં જુદા જુદા વિભાગો પર નજર દોડાવવા માંડી. આ કવાયત થોડી વાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે અહીં ઉતાવળે આંબા નહીં પાકે. મહેનત કરવી જ પડશે. એટલે પેલી સ્વસ્તિક ચીતરેલી ડાયરી ને પેન બંધ કર્યાં અને છાપાંમાંથી વિભાગ વાર કટિંગ કરવા માંડ્યું. લગભગ બે કલાકની આકરી મહેનત પછી વિભાગ વાર કટિંગ ગોઠવ્યાં. સૌથી પહેલાં ગંભીર લેખ ઊંચક્યાં. બેચાર ઊથલાવીય જોયાં અને વિચારપ્રક્રિયા શરૂ કરી અમને આમેય કોઈ ગંભીર ગણતું નથી. તો અમારા ગંભીર લેખની ગંભીરતા કેટલાં ગણશે એવો યક્ષપ્રશ્ન ઉદ્ભવ્યો. જેનો જવાબ અમને ક્યાંય મળ્યો નહીં. એટલે ગંભીર લેખવાળી કટિંગની થપ્પી બાજુ પર મૂકી. હવે વારો આવ્યો ગુલાબી રંગનાં પાનાંવાળા વ્યાપારી લેખોનો.

આજે આ લખવાનું આવ્યું તો ખબર પડી કે બિઝનેસમાં ચણા, જીરું, ખાંડ, ચા વગેરે વગેરે બધીયે કોમોડિટીમાં સર્કિટ આવે. અત્યાર સુધી અમને બે જ સર્કિટની ખબર હતી. એક તો ઇલે. ઉપકરણોમાં આવે એ અને બીજી મુન્નાભાઈની ફિલ્મોમાં આવે છે તે. શૅરબજારમાં ધીમા ને મક્કમ સુધારા તો તેલમાં ઉછાળા આવી બધી ભાષા અમારે માટે કાળા અક્ષર જેવી લાગી એટલે બિઝનેસ પણ પડતો મૂક્યો. હવે કવિતાવાળી થપ્પી આવી. કવિતાઓ વાંચીને અમને થયું કે અલંકાર ન આવડવા એ પણ કાવ્યનો પ્રકાર જ છે. એક વાર જાણીતા કવિ સ્વ. શ્રી સુરેશ દલાલને એમની કોઈ પ્રશંસકે સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે જરા વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુ. દ. એ લાક્ષણિક શૈલીમાં કહેલું : “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટસ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે ને પછી તો છેલ્લા શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી કવિતા બને એવી સમજ પડી... અને આવું સાદું સીધું આપણે લખી જ કેવી રીતે શકાય. વિચારીને કવિતાય બાજુ પર હડસેલી.

હવે રસોઈને લગતાં કટિંગ્સ હતાં. એક અછડતી નજર ફેરવતાં જ ખ્યાલ આવી ગયો કે આમાં કશું મૌલિક નથી. આપણે જો આઇટમ બનાવવાની હોય એનું પ્રમાણ-માપ બરાબર લખ્યું હોય એટલે ભયો ભયો. વારંવાર જુદાં જુદાં મસાલાની પેસ્ટ, સાંતળવું, વઘારવું, ક્રશ કરવું જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરો એટલે વાનગી તૈયાર. આમાં અમને જરા રસ પડ્યો. કારણ કે અખતરા અમારી નસેનસમાં વહે છે. એક વાર એક મિત્રને ખાંડ વિનાની કૉફી પિવડાવેલી. મિત્ર બિચારા કૉફીનાં છેલ્લા ઘૂંટડા સુધી “અબ આયેગી... કબ આયેગી” સમજીને કપ હલાવતાં રહેલા કે ખાંડ રહી ગઈ હોય તો ઓગળી જાય. વાનગીઓ બનાવવામાં પણ ખાનારના જોખમે અમે જે-તે વાનગી બનાવી જ દઈએ છીએ. અમુક કારણોસર એક વડીલે તો અમારા માટે સાર્વત્રિક સ્ટેટમેન્ટ બી આપેલું છે : કંઈ પણ બાફવાનું હોય તો આમને આપો. વર્લ્ડ બેસ્ટ બાફી આપશે. એટલે મનોમન એ વડીલને યાદ કરીને રસોડાના મરીમસાલા યાદ છે કે નહીં એ વિચારી લીધું. અમને લગભગ બધા મરીમસાલાનાં નામ ખબર છે એ વિચારીને ફીલ ગુડ થયું. મમત્વથી રસોઈવાળા કટિંગ્સને એક બાજુ પર રાખ્યાં. આ વિચારી શકાય એવો વિષય છે. ઝાઝું કંઈ ઉકાળવાનું નથી અને કોઈ આપણાને ચેલેન્જ પણ ન કરી શકે એવો.

હવે વારો આવ્યો હોમ ડેકોર/ફૅશન/ગૃહસ્થીને લગતાં કટિંગ્સનો. આમાંય કંઈ ખાસ કરવાનું લાગ્યું નહીં. ઘરને વ્યવસ્થિત જુદી જુદી રીતે ગોઠવવું, ફૂલદાનીમાં ફૂલો ગોઠવવા ને ઘર-રસોડું વગેરે ચોખ્ખાં રાખવાનાં એમાં કંઈ મોટી ધાડ નથી મારવાની એમ લાગતાં આ વિષય પર હાથ અજમાવવામાં મન જરા પાછું પડ્યું. ફૅશનમાં તો આપણને જે ગમે એ જ ફૅશન કહેવાય. અમને શોભે એવાં વસ્ત્રો અને રંગો પર અમે અખતરા કરવા હરગિજ તૈયાર નથી. એટલે ફૅશનને બાજુ પર મૂકી. હમણાં તો અપૂરતાં કાપડને લીધે ટૂંકાં ટૂંકાં કપડાં સિવડાવવાની હોડ લાગી છે. અને બધા “હમણાં તો આવી જ ફૅશન છે” કરીને કોઈ પણ કપડું કોઈ પણ રીતે ટાંકાટેભાં લઈને ઠઠાડી દેતાં અચકાતાં નથી. ના, આપણે જે કામ ન ગમતું હોય એ નહીં કરવાનું એમાં કોઈ બાંધછોડ નહીં.

આરોગ્યને લગતાં લેખો જોઈને અમને જરા લો બી.પી. જેવું લાગ્યું. નરણાં કોઠે આ ફાકી ગળો ને નરણાં કોઠે પેલી ફાકી ઉકાળેલાં પાણીમાં પી જાવ. લીંબુ-મધ પીઓ ને બાપ રે... આટલું બધું જો એક જ જણે કરવાનું હોય તો પહેલી વારમાં જ જે ફાકી ગળી એ પછી નરણો કોઠો કેવી રીતે કહેવાય? આવો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે જાહેર જનતાના લાભાર્થે અમે આયુર્વેદના લેખોમાં ખેડાણ માંડી વાળ્યું. (તેમ છતાંય આયુર્વેદને અમે દાઢમાં તો રાખ્યું જ છે.) એટલામાં બાળઉછેર અને કિશોર સંતાનોની સમસ્યાવાળા લેખો નજરે ચડ્યાં. મોટા ભાગનાં મનોચિકિત્સકો પોતાના સંતાનોની મનોદશા સમજી શકતાં નથી. પરોપદેશે પાંડિત્યમ્ જેવા આ ક્ષેત્રમાંય ચાંચ નહીં ડૂબે એવી ખાતરી હોવાથી આ વિષયોની પણ બાદબાકી થઈ ગઈ. નાની નાની વાર્તાઓ જોઈને વાર્તા વિશ્વ પર હાથ અજમાવી જોવાનું સુઝ્યું. થોડી વાર્તાઓ વાંચી પછી બક્ષીબાબુ યાદ આવ્યા. કોઈ વાર્તા માટે એમના પર કેસ થયેલો અને એમણે બીચારાએ કેવાં હડદોલા ખાવા પડેલાં એ વાંચ્યાનું સ્મરણ પણ તાજું થયું. કોર્ટ કચેરીના માનસિક કે આર્થિક હડદોલાં આપણાથી ખમાય નહી એ તો ખરું જ પણ નાહકનું કોઇને મનદુ:ખ થાય એ જરાય માફીપાત્ર નથી એટલે એય કેન્સલ રાખ્યું. હવે કટિંગ્સમાં ગણ્યાંગાંઠ્યા લેખો દેખાતા હતા. જરા નિરાશ થઈને અમે એક લેખ ખેંચ્યો. ચિંતન-મનનનો લેખ હતો... ઓહો... આવા લેખોનો તો અત્યારે રાફડો ફાટ્યો છે. જે કંઈ ન સૂઝે એ આવી રીતે મોટીવેશનલ ગુરુ થઈને થોડાં લેખો ઠપકારી દે. વાત લગભગ તો બધામાં એકની એક જ હોય. કહેવાની શૈલી જરા જુદી હોય. કોઈ ટુચકાઓ કહે ને કોઈ ઉપદેશ કથાઓથી લેખ ભરી દે. સરવાળે તો શબ્દકોશમાં આવતાં દરેક ભારે ભારે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવી દે. એમાંય આપણે શું કરવાનું એમ વિચારીને આ વિષય પર લખવાનું ખાસ મુનાસિબ ન લાગ્યું. તો સાંપ્રત પ્રવાહોમાં રાજકારણ વધુ આવે જે અમને ફાવે નહીં એટલે હવે લખીશું શું એ યક્ષપ્રશ્ન તો આટલી પળોજણ પછીય યથાસ્થાને જ હતો.

એટલામાં જ જોરમાં કોઈ બારણાં ખખડાવતું હોય એમ લાગ્યું અને અમે ઊંઘમાંથી સફાળા જાગી ગયાં.

ખોંખારો : લખતાં લહિયો થવાય.


વિમોચન વેળાએ...

"મરક મરક" મુંબઈ સમાચાર,૨૧/૦૪/૨૦૧૬ ગુરુવાર "લાડકી" section 

 

— શિલ્પા દેસાઈ

ટ્રીંઇઇઇ... કર્કશ ડૉરબેલના અવાજથી આખી સોસાયટીનાં બારણાં જરા અર્ધખુલા થઈ ગયાં.
“કા. ક. ભટ્ટ અહીં રહે છે?” ભટ્ટજીએ બારણું ખોલતા જ પ્રશ્ન ફેંકાયો, “હાજી... અમે જ છીએ. શું હતું બોલો.”
“કુરિયર છે. અહીં સાઇન કરો.”
ભટ્ટજીએ સાઇન કરી એટલે કુરિયરબૉય એક કવર આપીને રવાના થયો. ઘરનું બારણું બંધ કરતા કરતાં ભટ્ટજી કવરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. “જોરદાર આમંત્રણકાર્ડ છે.” કાવ્યસંગ્રહના વિમોચનનું આટલું મોઘું કાર્ડ તો આજે જ વાંચવા મળ્યું. વિચારતાં વિચારતાં ભટ્ટજીએ કાર્ડ ખોલ્યું. લગ્નની કંકોત્રી જેવું એકદમ ચમકદમકવાળું અને સુગંધીદાર કાર્ડ ખૂલતાં જ આખું ઘર મઘમઘી ઊઠ્યું. કાર્ડમાં નિમંત્રક તરીકે કોઈ અજાણ્યું નામ વાંચ્યું. અને પ્રસંગ હતો “કલેજું કાગડો બની ઘોંઘાટ કરે...” નામનાં કાવ્યસંગ્રહનો લોકાર્પણનો. મુખ્ય મહેમાન, અન્ય મહેમાન, સંચાલક, પરિચય વિધિ, અર્પણ સમારોહ વગેરે વગેરે વિધિઓથી આખું કાર્ડ ભરચક હતું અને નિમંત્રક તરીકે કવિનાં આખા કુટુંબના એકેએક સભ્યોનાં નામ લખ્યાં હોય એમ કાર્યક્રમની વિગત કરતાં એ લિસ્ટ મોટું હતું. દરેક નામ પછી કૌંસમાં જે-તે વ્યક્તિનું સગપણ લખેલું હતું. નીચે પાછો ટહુકોય હતો. કે “અમાલા તાતાનાં પ્લથમ તાવ્યસંગ્રહનાં વિમોચનમાં જલુલજલુલથી પધારશો.”
ભટ્ટજીને વિસ્મય થયું અને આનંદ પણ. વિસ્મય એટલા માટે કે એમણે ક્યાંય કોઈ દિવસ આ કવિનો ઉલ્લેખ ફેસબુક વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયામાં જોયો હોય એવું યાદ ન હતું અને આનંદ એટલા માટે કે “કવિઓની આર્થિક સ્થિતિમાં ખાસ્સો એવો સુધારો આવ્યો હોવો જોઈએ.” વળી, નીચે આમંત્રણ કરતાં થોડા મોટા અને ઘાટ્ટા અક્ષરે “કાર્યક્રમ પછી સાથે ભોજન લઈશું” વાળી ઉક્તિ ખાસ ધ્યાન ખેંચતી હતી.
ખેર, વિમોચનના દિવસે બરાબર સાડા પાંચે ભટ્ટજી ઘટનાસ્થળ પર હાજર થઈ ગયા. મોટા શહેરના સારા અને મોંઘા કહેવાય એવા હૉલમાં પ્રવેશતાં જ ભટ્ટજીની આંખો પાણીપૂરીથી મોટી થઈ ગઈ. આખો હૉલ એકદમ ચિલ્ડ એસી, પરફ્યુમથી તરબતર મહેંકતી, સ્ટેજ પર સરસ મજાનાં અસલીનકલી સફેદ ફૂલોનો શણગાર... એક ખૂણામાં પુસ્તકનાં ટાઇટલ પેજનું મોટું બ્લોઅપ સ્ડેન્ડી પર લગાડેલું હતું ને એના પર એક કાળામેશ કાગડાનું કટઆઉટ બેસાડેલું હતું. જે એકદમ સાચૂકલું લાગતું હતું.એક વડીલે કાગડાને ઉડાડી જોવાનો પ્રયત્નય કરી જોયો અને ભોંઠપ છુપાવવા હૉલમાંથી ફોન પર વાત કરવાનો ડોળ કરતાં કરતાં બહાર નીકળી ગયા.
હૉલમાં ઘણાંખરાં આમંત્રિતો આવી ગયેલાં હતાં ને ટેણિયામેણિયાય દોડાદોડી કરતાં હતાં. જે પેલી આમંત્રણકાર્ડમાંની નામાવલિમાંના જ હશે એમ સહેજેય અનુમાન થઈ શકે. ભટ્ટજીએ કાવ્યસંગ્રહનાં વિમોચનનો પ્રસંગ હતો એટલે પ્રસંગને અનુરૂપ ગઝલો-ચૂડીદારને મોદી જેકેટ ચડાવેલાં હતાં. ખભે કાયમી સંગાથી એવી શોલ્ડર બૅગ તો ખરી જ. હૉલમાંય આજે બધા આવાં જ પહેરવેશમાં જોવા મળશે એવી એમની ધારણા ધરમૂળથી ખોટી પડી. એના બદલે પેઇજ-3ની પાર્ટીમાં મહાલતા હોય એવો માહોલ હતો. કાવ્યરસિકાઓ ડિઝાઇનર વેર્સ તો કાવ્યરસિકો સૂટેડ-બૂટેડ ફરતાં દીઠાં, અગાઉના કાવ્યસમારોહના અનુભવથી આ અનુભવ તદ્દન વેગળો જ હતો. એટલે ભટ્ટજી જરા ડઘાઈ ગયા અને એક ખૂણામાં સ્ટેજ બરાબર દેખાય એવી રીતે બેસી ગયા અને ચારેબાજુ ચકળવકળ જોતા રહ્યા. નિર્ધારિત સમયે મહેમાનો અને વક્તાઓય પધારી ગયા. સંચાલકશ્રીએ સમારંભનું સંચાલન સંભાળી લીધું અને એમની વાક્ધારામાં મોટા ભાગના રસિકજનો તરબોળ થઈ રહ્યા. ભટ્ટજી જરા મૂંઝાયા કે ખરેખર પ્રસંગ કોનો છે એટલે એમણે હળવેથી બૅગમાંથી કાર્ડ કાઢ્યું અને ફરીથી વાંચ્યું. પોતે વાંચ્યું છે એ બરાબર જ છે એ ખાતરી થયા પછી પાછું ભટ્ટજીએ ધ્યાન સ્ટેજ પર પરોવ્યું. સંચાલકશ્રીને ખ્યાલ આવ્યો હોય કે ગમે તે કારણ હોય પણ હવે એમણે વક્તાઓનો ટૂંકો પરિચય આપવા માંડ્યો અને આયોજકો એમનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છથી ફટાફટ સ્વાગત કરવા માંડ્યા. મૂળ કાર્યક્રમ દોઢ કલાકનો હતો. એમાં રોકડી 20 મિનિટ તો સંચાલક પોતે જ માઇકસ્થ રહ્યા. વક્તાઓનો વારો આવતાં બધા વક્તાઓ જરા વધારે વ્યવસ્થિત થઈ ગયા. આપણે ત્યાં રિવાજ છે કે સંચાલકો જ્યારે વક્તાને બોલવા માટે આમંત્રણ આપે ત્યારે “હવે ફલાણાભાઈ પુસ્તક અને લેખક/કવિ વિશે બે શબ્દો કહેશે.” હવે બે શબ્દમાં કોઈ પણ વ્યક્તિ થૅન્ક યુ સિવાય બીજું શું કહી શકે. પણ દરેકને કદાચ ઘરમાં કંઈ પણ બોલવાનો મોકો નહીં મળતો હોય એ બીજું ગમે તે કારણ હોય, માઇક હાથમાં આવે કે એ માઇક હમ નહીં છોડેંગેના મૂડમાં શ્રોતાઓ કંટાળી જાય એ હદ સુધી બોલી નાંખતા હોય છે. ગુજરાતના એક અગ્રગણ્ય રાજકારણી આવી જ રીતે એક વાર કોઈ સમારંભમાં વક્તવ્ય આપી રહ્યા હતા તો શ્રોતાગણમાંથી અચાનક જ તાળીઓ પડવા માંડેલી. સમારંભની ગરિમા જાળવવા અને મુખ્ય તો ટામેટાં કે ઈંડાંની વ્યવસ્થા આયોજકોએ કરી ન હોવાથી શ્રોતાઓએ અધવચ્ચે આ તાલી બજાવ કાર્યક્રમ સ્વયંભૂ કરેલો અને પરિણામે રાજકારણીજીએ વક્તવ્ય પૂરું કર્યા વિના જ બેસી જવું પડેલું. એટલામાં તાળીઓનો ગડગડાટ થયો ને ભટ્ટજી વિચારવિશ્વમાંથી વાસ્તવિક વિશ્વમાં આવી ગયા. અરે, એક વક્તાએ વક્તવ્ય આપી પણ દીધું! આવા આશ્ચર્ય સાથે ભટ્ટજીએ હવે કાર્યક્રમ પર બરાબર ધ્યાન આપવા માંડ્યું. પરીક્ષા એક વાર શરૂ થાય કે પછી ફટાફટ બધાં પેપર્સ પૂરાં થવા માંડે એમ અહીં પણ વક્તાઓ બોલવાનું શરૂ કરે અને ફટાફટ બોલીને બેસતાં ગયાં. જોવાની ખૂબી એ હતી કે નવોદિત કવિ વિશે એકેય વક્તાને કશી ખબર હતી નહીં એટલે દરેકને કવિનો બાયોડેટા આપવામાં આવેલો. એમાં જ બધાએ વેરીએશન વાળી વાનગીઓ બનાવીને શ્રોતાઓના કાને પિરસવાની હતી. એટલામાં હૉલના મુખ્ય દરવાજે જોર જોરથી કોઈએ બહારથી હાથ પછાડ્યાં. ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે શ્રોતાઓ નાસી ન જાય એટલા માટે હૉલમાં બધાં બારણાં બંધ કરી દેવામાં આવેલાં. પહેલી રૉ પાસે ઊભેલાં એક મજબૂત ભાઈએ અવાજનાં ઉદ્ગમસ્થાન સમો દરવાજો ખોલ્યો તો સામે બે જણ હાથમાં પુસ્તકોનાં બે મોટાં બંડલ લઈને ઊભેલાં. એક જણ પાસેનાં બંડલમાં ઉપર પાંચ-છ પુસ્તકો ગિફ્ટ પૅક કરેલાં હતાં. જેવા એ બે જણને જોયા કે પહેલી લાઇનમાં છેક છેલ્લે પેલી તરફ બેઠેલા એક બહેને લાગલી જ દોટ મૂકી “અરે... કેટલી વાર કરી? અમે તો બધાં ટેન્શનમાં આવી ગયેલાં કે પુસ્તકો આવી રહેશે કે નહીં?“આઈ ગયાને બેન. લો ગણી લો બંડલ એટલે અમે છૂટાં. ને તમેય છૂટા.” પેલાં બહેને બધું બરાબર જ છે કહીને બંડલમાંથી પેલાં ગિફ્ટ પૅક કરેલાં પુસ્તક તારવીને ઉપર સ્ટેજ પર સંચાલકને આપી આવ્યાં. સંચાલકે દરેક વક્તાની આગળ એક એક પુસ્તક મૂકી દીધું. પછી છેલ્લે બે વક્તા પુસ્તક વિનાના રહ્યા. એટલે એ ખસિયાણું હસતાં ઊભા રહ્યા. હવે કાર્યક્રમનો નિર્ધારિત સમય પૂરો થવાની 30 મિનિટની જ વાર હતી. એટલે આયોજકો સંચાલકને ઇશારામાં એમનાં બોલવા પર કાતર ફેરવવાની નિશાનીઓ કરી રહ્યા હતા. રિસેપ્શનમાં જેમ વરકન્યા તૈયાર થઈને સ્થળ પર મોડાં પહોંચેને  જરા વાર બધું અસ્તવ્યસ્ત થઈ જાય એમ જ અહીં પણ પુસ્તકો મોડા આવવાને લીધે અચાનક જ સરળતાથી વહેતી ભાષણગંગામાં વિક્ષેપ આવ્યો અને એમાંય પોતાનાં બોલવા પર કાતર ફેરવવાની આયોજકોની સૂચનાથી સંચાલકને ખોટું લાગ્યું. એટલે હવે એમણે રજૂઆતમાં સહેજ વેઠ વાળવા માંડી. જે ઉમળકો એમણે કાર્યક્રમની શરૂઆતમાં બતાવેલો એ મોળો પડી ગયો. મુખ્ય મહેમાને અને બીજા વક્તાઓએ સમૂહમાં પુસ્તક વિમોચન કર્યું અને સૌએ કવિને અભિનંદન આપ્યા. હવે બાકી રહેલા વક્તાઓમાંથી એક જણને બોલવાનું આવતાં એમણે મને આ પુસ્તકની આ રચના અત્યંત પ્રિય છે, કહીને ત્રણચાર રચનાઓ જ વાંચવા માંડી. ભટ્ટજીની પાછળ બેઠેલામાંથી કોઈએ બૂમ પાડી કે “બધી કવિતાઓ ન વાંચશો. અમારોય વિચાર કરજો.” ને પેલા વક્તા આ સાંભળીને આભાર માનીને પાછા મૂળ સ્થાને બિરાજ્યા. હવે પેલા પાછળવાળા ભાઈ ધીમેથી બોલ્યા, “આ બધી કવિતાઓ વાંચે તો આપણે જમવાનું રહી જાય, ક્યાં આપણી બુક કરાવેલી રિટર્ન ટિકિટ જવા દેવી પડે. નુકસાન કોણ સહન કરે?” ને આ સાંભળીને આજુબાજુવાળાઓને જરા ગમ્મત પડી ગઈ. છેલ્લે આભારવિધિમાં કવિના ઘેરથી એક સભ્યએ હૉલના કેરટેકરથી લઈને ત્યાં હાજર-ગેરહાજર દરેકનો વ્યક્તિગત આભાર માન્યો. ને બધાએ જમીને જ જવાનું છે એવો પ્રેમભર્યો અનુરોધ પણ કર્યો. ને માત્ર વહેવાર સાચવવા આવેલા પોણાભાગનાં ઓડિયન્સે બમણા જોરથી તાળીઓથી કાવ્યસંગ્રહ અને કવિને વધાવી લીધા.
જુદાં જુદાં મીડિયામાંથી કવરેજ કરવા આવેલા જુવાનિયાઓને જોઈને ભટ્ટજીને સાહિત્યના ભવિષ્ય વિશે ચિંતા જરા ઓછી થઈ. બધી ધમાચકડીમાં કવિ પોતાનો વારો આવ્યો ત્યારે આ બધાં કાવ્યો લખવાની પ્રેરણા કે શરૂઆત વિશે કહેવાનું જ ભૂલી ગયેલા તે યાદ આવતાં એમણે સામે જે મળે એમને એમનો કવિતા પ્રેમ-પ્રવાસ વર્ણવવા માંડ્યો. ભટ્ટજી હવે સતર્ક થઈ ગયા અને કવિ એમના સુધી પહોંચે એ પહેલાં ભોજનસ્થળ પર પહોંચી ગયા.

ખોંખારો : પુસ્તક વિમોચનમાં એકત્ર થતી ભીડમાં લેખનશૈલી કે લેખન ઉપરાંત ત્રણ કારણો, મુખ્ય હોય છે. લેખક/કવિની (1) લોકપ્રિયતા (2) હોદ્દો/પદ અને (3) સમારંભ પછી અલ્પાહાર/ ભોજનની વ્યવસ્થા. 


Friday, April 15, 2016

"મરક મરક" ,"લાડકી" section,મુંબઈ સમાચાર,૧૪/૦૩/૨૦૧૬ ગુરુવાર, અમર દંત-કથા


 

— શિલ્પા દેસાઈ
જેમ જેમ સોસાયટીમાં સમાચાર પ્રસરતા ગયા એમ એમ બધાં વારાફરતી ભટ્ટજીના ઘર તરફ જવા લાગ્યાં. નાની અમથી સોસાયટીમાં કોઈ પણ ખબર પવન કરતાંય પહેલા પહોંચી જાય. ધીમે ધીમે બધાંય ઘરોમાંથી એકાદ-બે જણ ભટ્ટજીને ઘરે પહોંચી ગયાં. ઘરમાં સોપો પડેલો હતો અને ભટ્ટજી એક સોફા પર ગાલ પર હાથ દબાવીને બધાંને આંખથી આવકારો આપતા હતા. કરુણામાસીની ડૉલી વહુ અને દીકરી નિકી બધાંને પાણી આપવા રસોડામાં આવજા કરતાં હતાં. ધીમે રહીને ચીનુકાકાએ ભટ્ટજીને પૂછ્યું :“કેમ કરતાં થયું? કાલે બપોરે તો આપણે મળ્યા ત્યારે તો કશુંય કહ્યું નહીં તમે?“ભટ્ટજીએ ધીમે રહીને ગાલ પરથી હાથ ખસેડ્યો ને બોલ્યા : સવાર સુધી તો બધું ઑલરાઇટ જ હતું. ચ્હાય પીધી ને પછી એકદમ જ દુઃખાવો ઉપડ્યો. કશું બોલાય નહીં. જેમ-તેમ કરુણામાસીને ખબર આપ્યા. મારાથી વાત નહીં થાય. હવે.. માસી તમે જ કહો...” ને વાતનો દોર કરુણામાસીએ લઈ લીધો. “ભટ્ટજી તો જોયા હોય તો આપણને એમ થાય કે હાય હાય... આ ભટ્ટજી? તરત જ બીજું કંઈ તો સૂઝ્યું નહીં એટલે ઘરમાંથી એક પેઇનકિલરની ટીકડી ગળાવી દીધી ને એક લવિંગ આપ્યું. એને એમણે જે દાંત દુઃખતો હતો એ દાંત પાસે દબાવી રાખ્યું ને ધીમે ધીમે ચાવતા રહ્યા. હવે પેઇનકિલરની અસર કહો કે લવિંગની પણ કલાકેકમાં જરા સારું થયું. એટલામાં એમણે કહ્યું એ ડેન્ટિસ્ટને એમના મોબાઇલમાંથી નંબર લઈને મારી ડૉલીએ ફોન કરીને ઍપોઇન્ટમેન્ટ લઈ લીધી. રૂમમાં નીરવ શાંતિ હતી એટલે પંખાનો અવાજેય ચોખ્ખો સંભળાતો હતો. કરુણામાસીએ પાણી પીધું અને વળી કોમેન્ટરી ચાલુ કરી. “હં તો, ડૉલીએ ટાઇમ લઈ રાખેલો અને બપોરે મેં ભટ્ટજીને શીરો બનાઇ આલેલો, બિચારાએ પરાણે ખાધેલો. શું કે જરી ટેકો રહે. બીજું તો કંઈ ખવાય એમ હતું નહીં. બપોરે ડૉક્ટરે બે વાગ્યે ટાઇમ આપેલો તે મારી નિક્કી એમને ગાડીમાં લઈ ગઈ. આપણે કામ ના આઇએ તો કોણ આવે? હેં, ચીનુકાકા... શું કો છો?” ચીનુકાકાએ દસશેરીયું હલાવી મૂક્યું અને બીજા પ્રશ્નનો ઘા કર્યો :“ પણ કહ્યું શું ડૉક્ટરે?” હવે જવાબ આપવાનો નિક્કીનો વારો હતો. એટલે એ બોલી :“આજે તો કંઈ નથી કર્યું કાકા. એક્સ-રે પાડ્યો ને જરાતરા ક્લીનઅપ કર્યું. ભટ્ટજીને દાંતમાં સ્વેલીંગ છે તો આજે બીજું કશું નહીં થાય જે કરશે એ કાલે, ટાઇમ આપ્યો છે. કાલે જ થશે. જમીને જવાનું છે. મમ્મી, કાલે શીરો થોડો વધારે બનાવજે. મહાદેવ ભેગાં પોઠિયા પૂજાઈ જાય. ભટ્ટજીની સાથે સાથે અમેય ખઈશું. હેં ને ડૉલીભાભી?”
ડૉલીએ મીઠું મરકીને હા કહી. વળી, રમેશભાઈ બોલ્યા : પણ, આજે તો કંઈ કર્યું નથી તોય ભટ્ટજી કેમ ગાલ પર હાથ દબાવીને બેઠા છે? પાછો દુઃખાવો શરૂ થયો કે શું?” ભટ્ટજીએ ગાયથીય વધુ દયામણા થઈને હા કહી. થોડું થોડું દુઃખવાનું શરૂ થયું છે. પણ અસહ્ય ન હોય તો કોઈ પેઇનકિલર લેવાની ડૉક્ટરે ના કહી છે. રાત્રે લઈ લઈશ બહુ એવું લાગશે તો.” દાંત દુખે તો કેવી વીતે એ તો દાંત દુખે એ જ જાણે. ચીનુકાકાએ પોતાનું ચોકઠું સરખું મોઢામાં સેટ કર્યું અને પોતાના દાંતના અનુભવો વહેંચવાની શરૂઆત કરી. એકવાર એટલે કે જ્યારે મારા પોતાના દાંત હતા ત્યારે મને દાંતમાં અર્ધી રાત્રે દુઃખાવો ઉપડેલો. તલનું તેલ મોંમાં ભરી રાખ્યું. થોડી વાર... પછી ના મજા આઈ એટલે એનો કોગળો કરી નાંખ્યો અને તમારા કાકીએ લવિંગ આપ્યાં તે બધાંય મોંમાં દબાવી રાખ્યાં. પણ લવિંગ સવાર સુધી મૂકી રાખ્યાં તે જીભ આઈ ગઈ બરોબરની. અગિયાર તો જેમ-તેમ વગાડ્યા બીજા દિવસે ને બંદા ઉપડ્યાં દાંતનાં ડૉક્ટર પાસે... ડૉક્ટરને ત્યાં ભયંકર ભીડ. ને ભટ્ટજી તમને કહું? તમારો દુઃખાવો તો કંઈ નથી મારા એ દુઃખાવા આગળ. મારી હાલત પર પેલી રિસેપ્શનિસ્ટ અને બીજા દર્દીઓને જરા દયા આવી હશે. તે એમનાં મનમાં રામ વસ્યા અને મને પહેલો જવા દીધો. અંદર ફૂલ એ.સી. ચાલે તોય આપણને પરસેવો પરસેવો થઈ ગયેલો. આ કાકાને ત્રણ નંબર પર બેસાડીને એક્સ-રે લઈ લો. જે પ્રાથમિક તપાસ કરવાની હોય એ કરી લો. ત્યાં સુધીમાં હું એક નંબર ને પતાવી દઉં. એવી સૂચના આપીને ડૉક્ટર તો એમનાં કામે લાગી ગયાં ને આ બાજુ મને ત્રણ નંબરની ચૅર પર બેસાડીને માથે પેલી લાઇટ આવે ને એ ચાલુ કરી ને મને મોઢું ખોલાવ્યું. એક તો આપણે તમાકુ ચાવવાની ટેવ તે મોઢુંય મારું બેટું સરખું ખૂલે નહીં ને પેલો આસિસ્ટન્ટ ડૉક્ટર હજી વધારે મોઢું ખોલોની વારે વારે રેકર્ડ વગાડે... તે હું એમ પૂછું અલ્યા તને અંદર બ્રહ્માંડ દેખાવાનું છે? કે પછી આખો અંદર બેસીને ટ્રીટમેન્ટ કરવાનો છે? એવી તો દાઝો ચઢેલીને એ 6 ફૂટિયા પર તો.. મોઢુ ખોલાવીને અંદર પાવલી જેવડો સ્ટૅન્ડ વાળો અરીસો મૂક્યો ને માંડ્યોં બધા દાંત દબાવવા. થોડી વાર થઈ મને કહે કાકા આ બાજુમાં ગ્લાસમાં પાણી છે ગાર્ગલ કરી લો. હવે આ ગાર્ગલ એટલે શું તે મને હમજ પડે નહીં એટલે હું એની સામે જોઈ રહ્યો. એટલે ડૉક્ટરે ફરી કહ્યું, કોગળા...કોગળા... તે મેં કોગળા કર્યા. વળી મોંઢું લૂછીને ખુરશીમાં ગોઠવાયો ને પેલાએ તો ફરી મોઢું ખોલાવીને અંદર કંઈક ઇંજેક્શન જેવી પિચકારીઓથી દાંત પર કશુંક રેડવા માંડ્યું. પછી મેં તો આંખો ફીટોફીટ મીંચી દીધી. એટલામાં પેલાએ મોંઢામાં કંઈ મિક્સર જેવા અવાજવાળું મશીન ચાલુ કર્યું. ચૂંઉંઉંઉં.. માથું ભમી ગયેલું ભટ્ટજી... તમારાથી તો સહન નહીં જ થાય. જરા વાર આ ચૂંઉંઉંઉં... ચાલ્યું તે પછી એકદમ જ બધો અવાજ બંધ થઈ ગયો. તો હાઈશ... ને એમ વિચારીને આંખો ખોલી તો પેલો મારી સામે મરકતો ઊભેલો . હવે સાહેબ જોઈ લે એટલે તમને નેકસ્ટ સીટિંગનો ટાઇમ આપી દઈએ. “મેં તો મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ગાવા માંડી. મુખ્ય ડૉક્ટરે આવીને જોયું ને માથું ધુણાવ્યું બધાં દાંત ગયેલા છે લાંબો સમય ચાલશે ટ્રીટમેન્ટ. પરમદિવસથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ. રેગ્યુલર આવશો તો જલદી પાર આવશે. જેશ્રીક્રષ્ણ.” આટલું એકશ્વાસે બોલીને એમણે મને રવાના કર્યો. પણ ભટ્ટજી, ટ્રીટમેન્ટ પછી આપણને કોઈ તકલીફ નથી. બધું હવે સરસ છે. હવે ચોકઠુંય બરાબર ફાવી ગયું છે.. હું શું કહું છું ભટ્ટજી તમેય બધાં દાંત પડાવી જ નાંખો.” આટલું બોલીને ચીનુકાકાએ ઑડિયન્સ પર નજર ફેરવી. હવે જ એમને ખ્યાલ આવ્યો કે એક એક કરતાં બધાંય સરકી ગયેલાં રૂમમાંથી અને શ્રોતા માત્ર ભટ્ટજી જ રહ્યા હતા.
ભટ્ટજીને તો સાંભળ્યા સિવાય છૂટકો ન હતો. એટલે એ બિચારા ક્યાં જાય? એટલામાં નિક્કી આવીને ભટ્ટજીને ઢીલી ખીચડી ને દહીં આપી ગઈ. જતાં જતાં બીજા દિવસની 11 વાગ્યાની દાંતની ઍપોઈન્ટમેન્ટનું યાદ કરાવતી ગઈ. ભટ્ટજી આભારવશ નિક્કી અને ખીચડી સામે જોઈ રહ્યાં. ને ચીનુકાકા સામે હાથ જોડ્યા. બીજા દિવસે ભટ્ટજીને દાંતના દુઃખાવામાં ખાસ્સી રાહત હતી. પણ ટાઇમ લીધેલો અને દાંતમાં સડો વધુ પડતો ન થઈ જાય એટલેય જઈ આવવું જરૂરી હતું. નિત્યકર્મથી પરવારીને તૈયાર થઈને બેઠા ત્યાં વળી ડૉલી શીરો લઈને આવી પહોંચી. થોડો શીરો ખાઈને ભટ્ટજી દવાખાને પહોંચ્યા. નસીબજોગે ક્લિનિક પર બીજા કોઈ પેશન્ટ ન હોવાથી ભટ્ટજીનો તરત જ નંબર આવી ગયો. પ્રાથમિક પૂછપરછ ને તપાસ પછી ડૉક્ટરે ફટાફટ આસિસ્ટન્ટને સૂચનાઓ આપી દીધી. ને એ પ્રમાણે પેલા આસિસ્ટન્ટ બધી સામગ્રીઓ ભટ્ટજીની ખુરશી પાસેનાં ટેબલ પર મૂકવા માંડી. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેમાં જાતજાતનાં પ્લાયર, રૂનાં પૂમડાં, ઇંજેક્શન ને ચીપિયા, હાથમોજાં સહિત મૂકાઈ ગયાં. એટલામાં એક હેલ્પર જાતજાતની ટોપકાંવાળી ખીલીઓ ટ્રેમાં લઈ આવ્યો. ભટ્ટજીની આંખોમાં ડોકાતાં આશ્ચર્ય અને પ્રશ્નાર્થને કળી જઈને ડૉક્ટરે વગર પૂછ્યે જણાવી જ દીધું :આને “ફાઇલ” કહેવાય આ સ્પેચ્યુલા છ, આ ટીસ્યુ પ્લાયર છે. આ બૉટલમાં તમારાં દાંતમાં ઇંજેક્શન આપવાનું છે એ લિક્વિડ છે. ઇંજેક્શન આપ્યા પછી તમે કંઈ ન બોલશો. નહીં તો એની આજુબાજુમાં બધું બહેરું થઈ ગયું હોય અને દાંતમાં ચવાઈ જશે તો તમને ખ્યાલ પણ નહીં આવે.
ભટ્ટજી ગભરાયા. “એક મિનિટ.” આ બૅગમાં મારો સેલફોન છે એમાં બેથી આઠ નંબર પર સ્પીડ ડાયલ સેટ કરેલું છે. મને કંઈ થઈ જાય તો બધા નંબર પર જાણ કરી દેજો. આ એ.સી.નું કુલિંગ ફાસ્ટ કરો. મને લો બી.પી. થયું લાગે છે. તમારા આ ઇંજેક્શનમાં થોડું લીંબુ નીચોવી આપો તો મને ચક્કર નહીં આવે... મારે દાંત અખરોટ તોડી શકું એવા મજબૂત નહીં હોય તોય ચાલશે પણ કામ બરાબર થવું જોઈએ.” એટલામાં ડૉક્ટર આવ્યા. કંઈ પણ પ્રતિભાવ આપ્યા વિના એમણે ભટ્ટજીને દાંતમાં ઇંજેક્શન લગાવ્યું. થોડીવાર દાંતમાં કંઈક ગડમથલ કરી. પંદરવીસ મિનિટ પછી “ચાલો , આજનું પૂરું હવે આવતાં અઠવાડિયે.” કહીને એમણે હાથ ધોઈ નાખ્યાં. ફાઈનલ સીટીંગમાં રુટ કેનાલની પ્રોસીજર કરીને ડોકટરે ભટ્ટજીને દાંતમાં ગોલ્ડન કેપ ફીટ કરી અને બોલ્યા “ પરફેક્ટ “. એટલું સાંભળતા જ એમના આસી.ડોકટરે ભટ્ટજીના હાથમાં બિલ પકડાવ્યું. ત્યારે ભટ્ટજીથી ફરીથી ગાલ પર હાથ મુકાઈ ગયો . દાંત કે દાઢ દુઃખે તો જ ગાલ પર હાથ મુકાય એવું કોણે કહ્યું ?

ખોંખારો : જેણે દાંત આપ્યા છે એ દુઃખાવોય આપશે.

http://bombaysamachar.com/epaper/e14-4-2016/LADKI-THU-14-04-2016-Page-4.pdf

" કન્યા જોઈએ છે ? " મુંબઇ સમાચાર,૦૭/૦૪/૨૦૧૬ ગુરુવાર,લાડકી section

ડ્રોઈંગરૂમમાં સાસુ વહુ વટાણા ફોલતાં બેઠા હતા . વચ્ચે પાછા વટાણા વેરાઈ પણ જતા હતા . ડોલી વહુએ વટાણા વેર્યા અને સાસુને ફરિયાદ કરી : “ મમ્મીજી તમારા સુપુત્રને સમજાવી દેજો , હમણાનો બહુ મોડો આવે છે ઓફિસેથી . એના બોસની બૈરી ફોરીન ગઈ છે એટલે બોસ નવરા છે તો પોતે રોકાય અને તમારા લાડકાને પણ રોકે છે . તમારો લાડકો અહી મારી સામે ચપ ચપ જીભડી ચલાવે છે પણ ત્યાં બોસ સામે કઈ બોલાતું નથી . તમારો વાઘ બકરી થઇ જાય છે ત્યાં . વડચકાં નથી ભરાતા અને નીચી મુંડી કરીને હા સાહેબ હા સાહેબ કરીને રોકાય. આપણે કહીએ કશું કામ તો દાંતિયા ચીડિયા કરે ....” હજુયે લાંબુ ચાલ્યું હોત ડોલીનું પણ વચમાં જ સાસુ કરુણાબેને ટોકી :” પહેલા આ વેંગણ – વટાણા- બટાકા નું શાક વઘાર ને બીજું કે લગન કરવાનું મેં કહેલું ? અને ત્રીજું કે હજુયે તારો ને મારો વહાલેશ્રી એકદમ હેન્ડસમ છે . ઉમરવાળું ફેક્ટર માઈનસ કરી નાખ તો  મેટ્રોમોનીયલની કોઈ પણ જાહેરાતમાં ચાલે એવો હેન્ડસમ , સારું કમાતો , ફેમીલી લવિંગ મેન છે . છે કે નહિ ? સાચું કહેજે. “ ડોલી પણ હસી પડી અને ફરી સાસુ વહુ રસોડામાં કામે લાગ્યા . ભટ્ટજી’ય આ એકતા કપૂરની સીરીયલથી તદ્દન વિપરીત સંવાદ – દ્રશ્ય જોઇને હરખાયા અને પાછું છાપામાં માથું પોરવ્યુ ને નજર પડી લગ્ન વિષયક જાહેરાતો પર . 

 

" કન્યા જોઈએ છે : ૩૦ વર્ષ ના યુવક માટે ગોરી , ઉંચી , પાતળી , ફેમીલી લવિંગ કન્યાની જરૂર છે . નોકરી કરતી કન્યાને પ્રથમ પસંદગી ." આ પ્રકારની લગ્ન વિષયક જાહેરખબર આપણે સૌએ વાંચી જ છે . વર્ષોથી આવી જા x ખ વાંચતા હોઈએ એટલે આપણને ખાસ નવાઈ ન લાગે પણ આ પ્રકારની જા x ખમાં ધ્યાનાકર્ષક બાબત એ છે કે 'કન્યા ' રૂપરૂપનો અંબાર જોઈતી હોય પણ ' વર ' અંગે ખાસ વર્ણન ન હોય . વર્ણન હોય તો પણ હેન્ડસમ , ગોરા , સારું કમાતા એવું જ હોય . આમાં ' હેન્ડસમ ' ની વ્યાખ્યા વરપક્ષ માટે ખરેખર શું છે એ તો વર ને પ્રત્યક્ષ નિહાળ્યા પછી જ ખબર પડે."વર જોઇએ છે " , "કન્યા જોઇએ છે "મા લગભગ તો એકસરખુ લખાણ જ જોવા મળે. વર માટે સારૂ કમાતો , પોતાનુ ઘર હોય, સમજુ , સંસ્કારી જેવા ગુણો હોવા મસ્ટ .જ્યારે કન્યા માટે સ્લીમ, ટ્રીમ , ગોરી , ઘરરખ્ખુ,જરુર પડે નોકરી કરી શકે, મળતાવડી, હસમુખી જેવા અધધધ ગુણો હોવા મસ્ટ. વર ગમે તેવો દેખાતો હોય પણ કન્યા તો ગોરી જ જોઇએ.

 

ઘણીવાર આ કાળા ગોરા ને લીધે જ ઘણી ગુણવાન છોકરીઓ બીચારી પરણવામા મોડી પડતી હોય છે અથવા રહી જતી હોય છે. હિન્દી ફિલ્મો મા ભલે ગીતો.લખાય કે ' ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર ગોરા રંગ દો દીન મે ઢલ જાયેગા . . .' કે એમ બોલાય કે ધોળા તો ગધેડા ય હોય છે પણ એ બધી બોલવાની વાતો હોય છે. નહી તો ફેરનેસ ક્રીમના ધંધા આટલા ફુલેફાલે ખરા ? હમણા એક વડીલ સાથે સંવાદ થયેલો તે યાદ આવી.ગયો. વડીલ એમના સુપુત્ર માટે કન્યા શોધે એ અમને ખબર એટલે અમે સાવ સ્વાભાવીક જ પુછ્યુ કે . ." પછી કાકા. . સુકેતૂનુ ગોઠવાયુ કશે ? " તરત જ વડીલે પુણ્ય પ્રકોપ ઠાલવ્યો :" એક જોઇ છે ,બધી રીતે સારૂ છે , નોકરી પણ સારી છે , બોલાવે ચલાવે પણ સારી છે, પણ કાળી છે . બાબાને ય બહુ ગમી ગઇ છેએની સાથે વોટસઅપમા ચેટીંગમા પણ વ્યવસ્થિત છે એમ કહેતો હતો પણ એનેય એક જ તકલીફ છે , કાળી છે. એ પોતે સારો એવો ગોરો ને હેન્ડસમ છે એટલે આ તો એનીપાસે સારી એવી...કાળી જ લાગે બાકી ,બેબીને જુઓ તો આમ લાગે હોं !!!" આવુ તો કઇ કેટલુય કહી નાખ્યુ.

 

"કાલે હૈ તો કયા હુએ દીલવાલે હૈ. . . ગોરો કી ના કાલો કી , દુનીયા હૈ દીલવાલોકી .."એ જયા સુધી પોતાના પગ નીચે રેલો ના આવે ત્યા સુધી જ સાંભળવુ ગમે છે.જ્યા છોકરી / કન્યાની વાત આવે કે આખેઆખા માપદંડ જ બદલાઇ જાય. છોકરીને રસોઇ ન આવડતી હોય તો એક સમયે તे ચાલી જાય પણ જો સહેજ શ્યામસુંદરી હોય તો મનમા તરત જ નકાર ઉઠે. ખરી જોવા જેવી તો ફોરેનર્સ અહી આવે ત્યારે થાય. એ લોકો તો એમના ભૌગોલિક કારણો ને લીધે ધોળીયા / ભુરીયા જ હોય.એ આવે તો જાહેરસ્થળોએ એમની સાથે ફોટા પડાવવા જાણે કે હોડ લાગી જાય ને પેલા ફોરેનર્સને કઇ સમજણ ન પડે એટલે એય " ઓ યા સ્યોર " જેવા ઉદગારો કાઢતા કાઢતા ખુશી ખુશી જે તે વ્યકતીનાખભે ..કમરે હાથ રાખીને ફોટા પડાવે . એમના માટે ખભે કે કમરે હાથ રાખવાનુ કે વળગવાનુ આપણે હાથ ધોઇને આપણા જ કપડા પર લુછી નાખીયે એટલુ સામાન્ય હોય પણ આપણાવાળા ધોળી કે ધોળીયાએ આપણા ખભે હાથ મુકેલો એ વિચારથી જ એટલા ઉત્સાહમાं અाવી જાય કે એ ક્ષણને ગાયની માફક કલાકો સુધી વાગોળ્યા કરે.

 

જે હોય તે , બીજે બધે સફેદ / ગોરા / ધોળા રંગનુ આધિપત્ય સ્વીકારતા લોકો જ્યારે માથે સફેદ વાળ ચમકે તો એ સહન કરી શકતા નથી અને એને કાળા અથવા અન્યરંગમા રંગવાની.પળોજણ સમયાંતરે કરતા જ રહેતા હોય છે કારણકે વાળની સફેદીને ઉંમર સાથે , ઉમર ને વૃધ્ધત્વ સાથે ને વૃધ્ધત્વ ને મૃત્યુ સાથે સીધો સંબંધ છે ને જગતમાं દરેક ને અજરામર રહેવુ છે.

 

બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે પોતાની બહેન શ્યામ રંગની હોય પોતાને કોઈ શરમ નથી . જે છે એ કુદરતી છે એટલે એ ફેરનેસ કંપનીની પ્રોડક્ટ માટે મોડેલીંગ કરીનેપોતાની બહેન જેવી અસંખ્ય શ્યામ સ્ત્રીઓનું અપમાન નહિ કરે એમ કારણ આપીને ફેરનેસ ક્રીમ માટે મોડેલીંગ કરવાની ના કહી દીધેલી . તો સામે છોકરાઓ માટેનાફેરનેસ ક્રીમમાં શાહરૂખ ખાને છોકરાઓની ડાર્ક ઈઝ હેન્ડસમ વાળી જડબેસલાક માન્યતામાં નાની અમથી તિરાડ ચોક્કસ પાડી છે .એટલામાં વળી પક્ષીઓ માટે મુકેલા માટીના વાસણમાંથી પાણી પીતા કાગડાએ કા.....કા....કર્યું અને ભટ્ટજીની વિચારધારાએ નવો ટ્રેક પકડ્યો . હમણાંસમાજમાં જરા જુદા પ્રકારનો વાયરો ચાલી રહ્યો છે . હમણાં થોડા સમય પહેલા  ટીવી પર મીસીસ તેન્ડુલકર નામની સીરીયલ આવતી જેમાં નાયકને બદલે નાયિકા ઓફીસવર્ક અને નાયક ઘરકામ કરતો દેખાડેલો . વળી અત્યારે ‘ કીએન્ડ કા ‘ નામની ફિલ્મ આવી છે જેમાં નાયિકા ઓફિસે જાય , બહારના કામ કરે અને નાયક ઘરકામ કરે . ટૂંકમાં સમાજે સ્વીકારેલા સ્ત્રી પુરુષના કામના વર્ગીકરણથી વિપરીત કાર્ય કરવું એ હાલમાં નવી ફેશન છે .એટલે થોડા સમયમાં લગ્નવિષયક જા x ખ માં ‘ વર જોઈએ છે ‘ માં સારું કમાતા ને બદલે ઘરરખ્ખું , કુટુંબપ્રિય જેવા વિશેષણો આસ્તે આસ્તે આવી જશે .

 

ખોંખારો :

ભવિષ્યવાણી : લગ્ન માટેની જાહેરખબર : જોઈએ છે ૩૦ વર્ષની યુવતી માટે ઉંચો , ગોરો , કુટુંબવત્સલ , ઘરરખ્ખું ,જરૂર પડે તો નોકરી કરી શકે એવો યુવક જોઈએ છે . મળોયા લખો  x૦x૦x૦x૦