Thursday, August 11, 2016

ડાબોડી કે જમોડી?

Published in મુંબઈ સમાચાર,૧૧/૦૮/૨૦૧૬ ગુરુવાર, લાડકી પૂર્તિ,"મરક મરક" 

        ચાર વાર રિજેક્ટ થયા પછી અંતે મુળજીકાકાને અમેરિકાના વિઝા મળ્યા ખરાં. જિંદગીમાં ક્યારેય વિમાનમાં બેઠેલા નહીં ને બેસવાનું આવ્યું તે સીધાઅમેરિકાની જ વાટ પકડી. પાસપોર્ટ ગળે લટકાવવાથી માંડીને વિમાનમાં કેવી"ટેક કેર "કરવાની એ વિશે બરાબર ગોખાવેલું મુળજીકાકાના જામા ગીગાએ,જેથી કરીને અમેરિકા સુધીના પ્રવાસમાં તકલીફ ન પડે.(મુળજીકાકા મુળ જામનગરના અને અેમનો દીકરો ગીગો  તબિયતનો જરા રાંકડો એટલે જામનગરનો ગીગો ,ટંુકામાં જામો ગીગો તરીકે ઓળખાતો) એરપોર્ટ પર મુળજીકાકાને લેવા જામો ગીગો સમયસર પહોંચી હૌ ગયો.મુળજીકાકા અભિમન્યુના સાત કોઠા જેવી અભેદ અને ચુસ્ત  અમેરિકન સિક્યુરીટી સુપેરે પાર કરીને બહાર આવ્યા ને ગીગાને જોતાંવેંત જ રાડ પાડી. ગીગો દોડતોક આવીને બાપાને પગે લાગ્યો.બાપાએ એને બાવડેથી ઝાલીને ઊભો કર્યો અને ભેટી પડ્યાં.મેળમિલાપનો કાર્યક્રમ પત્યો એટલે ગીગો બાપાને ટેક્સી ભણી દોરી ગયો.સામાન ડેકીમાં મુકીને મુળજીકાકાએ પોતે ડ્રાઈવરની જોડે આગળ બેસશે એમ કહીને જવાબની રાહ જોયા વિના કારના આગલા ભાગે આવીનેડાબો દરવાજો ખોલ્યો.દરવાજો ખોલતા વેંત જ અવાક્ થઈને જોઈ રહ્યા.સામે પક્ષે કારનો ડ્રાઈવર પણ ડઘાઈ ગયો.એટલામાં ગીગો દોડતો આવ્યો ને બોલ્યો: "બાપુજી, ઓલી કોર્ય ". ને મુળજીકાકા ઉવાચ્ : " આ ગાડી તો ડાભોડી છે.આપણાને અથડાવી મારે એવી ગાડી હુ કામ લય આયવો ગીગા? " ગીગો મુળજીકાકાને માંડ સમજાવી શક્યો કે આંયા અમેરિકામાં  લેફ્ટહેન્ડ ડ્રાઈવનો નિયમ છે.કાકા બેઠા તો ખરાં પણ પેલા અમેરિકન ડ્રાઈવરને એમણે પુછ્યું :"  તે હેં, આંયા હંધાય ને હાર્ટ જમણી કોર્ય હોય?" ને પેલા ધોળિયાએ સમજ્યા વિના જ હામાં માથું ધુણાવી મુક્યું.ને પત્યું .મુળજીકાકાના મનમાં શંકા ઘર કરી ગઈ કે અહીં બધું ઊંધુ જ હોય .એરપોર્ટથી ઘરે પહોંચતા સુધીમાં "ટીયરીંગ" ડાબી બાજુ હોવા વિષે ગીગાને ભયંકર પુછપરછ કરીને મગજ લગભગ કાણુંકરી નાંખ્યું.ને પછી ફળશ્રુતિ રુપે ગાડીમાંથી ઊતરતા જ એમણે સ્ટેટમેન્ટફટકાર્યું :" આ ડાભોડીઓનો દેસ છે."બાકી હતું તે ઘરના દરવાજે આગળિયો ડાબી બાજુ ફીટ કરેલો. હવે કાકાનો વહેમ ખાતરીમાં પલટાઈ ગયો. ગીગો આખા રસ્તે ચાલુ રહેલી કાકાની ધુંવાધાર બેટિંગના પ્રતાપે કંઈ બોલવાની સ્થિતિમાં નહતો. પોતાનો રુમ ડાબી બાજુ છે એ જોઈને કાકાને ગીગો ય ડાભોડી થઈ ગયો એવી શંકા પડી. આ "ડાભોડી" ને "જમ્ભોડી" નું ભુત કાકાના માથેથી  ઊતારતા ગીગાને પંદર દિવસ થયાં. 

             ત્રીજા કે ચોથા ધોરણમાં એક "ડાબો કે જમણો?" એવો કાકાસાહેબ લિખિત પાઠ આવેલો ત્યારે પહેલીવાર આ " ડાબોડી" ને "જમોડી" શબ્દોનો પરિચય થયેલો. કાનમાં બુટ્ટી પહેરેલી તે પરથી કાકાસાહેબ ડાબો- જમણો હાથ ઓળખતા શીખેલા.અમારાં એક માસી "જમીએ  એ જમણો હાથ " એમ કહેતાં પણ જમવાનું શરુ કયા હાથે કરવાનું એ કદી ન કહે. જાણીતા હાસ્યલેખક સ્વ.બકુલત્રિપાઠીને યેનકેન પ્રકારેણ જમોડી બનાવી દેવાયેલા એમાં એ તો નાના હોવાથીખાસ કંઈ વિરોધ ન કરી શક્યા પણ એમના અક્ષરોએ બંડ પોકાર્યું અને  કહ્યામાં ન રહેતાં ખરાબ થઈ ગયા. તો બીજાં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટની શારીરિક તકલીફોએ એમને જમણા હાથને બદલે ડાબા હાથે લખવા મજબુર કર્યાં .પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવતને વિનોદભાઈએ ખોટી પાડી ને ડાબા હાથે ય એ સુવાચ્ય લખી શકે છે. ગાંધીજી બંને હાથે લખી શકતાં . "હિંદસ્વરાજ"  જમણા  હાથે લખતા થાક્યા તો ડાબા હાથે લખી. 

આપણા દેશમાં ડાબા હાથની કાયમ અવગણના થતી આવી છે. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ એને સાચું દાનકર્મ કહેવાય. કેમ? જમણો હાથ દાનવીરનો છે તો ડાબો હાથ એના શરીરની બહાર આવેલોછે? પુજાપાઠ હંમેશા જમણા હાથે જ કરાય એવી સમજ બાળકના મનમાં  સાવ કાચી ઉંમરથી રોપી દેવાય.

અમારા એક પરિચિતને ત્યાં સત્યનારાયણની કથા હતી. ને પરિચિતની છ-સાત વરસની દીકરી કથામાં બેઠેલી. મહારાજે કહ્યુ :" બેબી, આ ગણપતિ દાદાને કંકુથી તિલક કરો " ને બેબીબેને ડાબા હાથે ગણપતિદાદાને તિલક કર્યું. મહારાજ આઘાત પામી ગયા. કળ વળતા એમણે બેબીને સમજાવ્યું કે એ જે હાથે જમે છે એ હાથથી જ તિલક કે પુજા કરાય.એટલે બેબીબેન બોલ્યા: "પણ અંકલ.  હું તો આ હાથથી જ જમુ છું. હેં ને મમ્મા?" મમ્માએ હસીને હા કહી એટલે મહારાજ જરા નારાજગી થી બોલ્યા:  "યજમાન,પૂજાપાઠ જેવાં પવિત્ર કામ હંમેશા જમણા હાથે કરાય. બહુ સામાન્ય સમજ છે આ તો. બેબી ગણપતિજીની મુર્તિ પર તિલક કરે છે  એ ડાબો હાથછે. "

" હા સોરી મહારાજ, શું છે કે એ ડાબોડી છે  તો એ ડાબા હાથે જ તિલક આર્ટિસ્ટીક અને માપસરનું કરી શકશે. . "

"તે જે કહેવાય તે, જમણા હાથથી  તિલક કરો ચાલો. મારે બીજે ય કથા કરવાજવાનું છે. બેબીબેન ,એક કામ કરો. આ મેં તમારા હાથ પર નાડાછડીજી બાંધ્યાછે એ જમણો હાથ છે એટલું યાદ રાખજો,બસ. બાકી બધું મારા પર છોડી દો. " બેબીબેનની મમ્માએ બેબીને પાછું ડાબું જમણું સમજાવ્યું અને  મહારાજને કથાજલદી પતાવવા સુચના આપી જેથી બધા વેળાસર જમવાભેગા થઈ શકે.

.  પોતાને ક્રિકેટમાં સર્વજ્ઞ માનતા અમારા એક વડીલે  એકવાર ખુબ જઆત્મવિશ્વાસ સાથે જ્ઞાન પીરસેલું. " એક ટાઈમ હતો કે જ્યારે ઈન્ડિયન  ક્રિકેટટીમમાં પાંચ પાંચ સોલિડ લેફ્ટીસ્ટ હતાં." વયમર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈએએમને પ્રગટપણે તો કંઈ ન કહ્યું હોય પણ મનોમન તો હસી જ લીધું હશે. 

      ડાબોડીઓ માટે એવું કહેવાય છે કે એમનો બુધ્ધિઆંક ઊંચો હોય છે. કળાનીસમજ પણ વધુ હોય છે.લઘુમતી કહી શકાય એવી આ જમાતમાં  સિકંદર,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા, જુલિયસ સીઝર ,જે.એફ. કેનેડી ,જેક -ધ સીરીયલ કીલર ,બરાક ઓબામા, જ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા,સચીન તેંડુલકર,સૌરવ ગાંગુલી,યુવરાજ સિંઘ,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન ,કપિલ શર્મા , નરેન્દ્ર મોદી, રતન તાતા એન્ડ અબોવ ઓલ..મહાત્મા ગાંધી .. આ બધા નામોનો સમાવેશ છે.ડાબોડીઓ ઘણે ભાગે મગજપર નિયંત્રણ રાખી ન શકતા હોવાથી ગુસ્સો ખિસ્સામાં  મુકીને જ ચાલે.


ખોંખારો : "ઊંધા હાથની અડબોથ" વિશ્વના ૧૦ થી ૧૨ % લોકો માટે સીધા હાથની હોય છે.



Sunday, August 7, 2016

પત્રમૈત્રી...

।"મૈંત્રી" શબ્દ વિચારો તો..કોનું નામ આવ્યું તમારા મનમાં? ના ના, આ કમ્પલસરી ક્વેશ્ચન નથી. khabarchhe.com પર આજથી શરુ થતી આ પત્રમૈત્રી-યાત્રા અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે પોતાની મૈત્રી સમજી ંશક્યા, સાચુકલો/ સાચુકલી દોસ્ત મેળવીને ટકાવી રાખવા ભાગ્યશાળી બની શક્યા. અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે કોઈવાર સંજોગો અનુસાર છુટાં પડી જવું પડ્યું તો ય મૈત્રીની ગરિમા જાળવી શક્યા..મૈત્રી એકાદ દિવસની મોહતાજ ન હોઈ શકે.. કંઈ કેટલાંય પુણ્યો ચિત્રગુપ્તના ચોપડે બોલે ત્યારે જઈને માંડ એક મિત્ર મળે.હાલતાં ને ચાલતાં કેળવાય એને મૈત્રી નહીં ,સંપર્ક કહેવાય. 

તૈયાર ને તમારી અંદર શ્વસતાં સપ્તક કે અંતરાને ઢંઢોળવા? You are just a click away .. Shoot ..


#HappyFriendshipDay 💐

Thursday, August 4, 2016

આયા મૌસમ...દોસ્તી કા....

મુંબઈ સમાચાર,૦૪/૦૮/૨૦૧૬ ગુરુવાર ,"મરક મરક "  ," લાડકી" પૂર્તિ ..
-  દેસાઈ શિલ્પા



યે દોસ્તીઈઈઈ..હમ નહીં તોડેંગેએએ...અહાહા,શું દોસ્તી હતી જય-વીરુની ! આજે આવી દોસ્તી બહુ જોવા નથી મળતી. તે એમ તો એવી બુલેટ બી નથી મળતી કે જેનું સાઈડકાર છુટું પડે ને કામ પતે એટલે પાછું જોડાઈ જાય. હજી ય વધારે ફ્લેશબેકમાં જઈએ તો કૃષ્ણ-સુદામાવાળા કેસમાં તાંદુલની પોટલી લઈને આવેલા સુદામાના તાંદુલ શ્રીકૃષ્ણે કેવા ટેસથી ખાધા હશે?કેવું લેવલ હશે દોસ્તીનું?હવે માણસ દોસ્તી માત્ર માણસ સાથે જ નહીં પણ આખેઆખી બેંક સાથે કરે છે.ને પછી માણસ બેંકનું દોસ્તીદાવે કરી નાંખીને રાતોરાત પરદેશગમન કરી જાય. બેંક પહેલાં દોસ્તીદાવે અને પછી શરમની મારી માણસ વિરુધ્ધ ખાસ કંઈ ઉકાળી ય ન શકે.દોસ્તી કરવી હવે ખતરોં કે ખેલાડી જેવું ડેન્જરસ થઇ ગયું છે. એટલે માણસ જુની જુની ,સાવ બાળપણની દોસ્તી તરફ વળ્યો છે. અને અહીં એન્ટ્રી પડે છે સ્કુલ કોલેજના મિત્રોના  રિ-યુનિયનોની. ઈન્સ્ટન્ટ યુગમાં નવી દોસ્તી કરીને 'પણ તેં કોફી કેમ મંગાઈ?" જેવાં કારણોસર ઈન્સ્ટન્ટ બ્રેકઅપ કરવું પડે એના કરતાં સ્કુલમાં ઈરેઝર કે પેન્સિલ  અને કોલેજમાં એક પડીકી માવો ઉધાર આપતાં હતાં એ જ ભાઈબંધ બેનપણી શું ખોટાં? કમ સે કમ બંને એટલું તો જાણતાં જ હોય કે એમાં સ્વાર્થ સહેજ પણ નહીં હોય!એટલે ચાલો રિ-યુનિયનમાં.ત્યારે ખબર પડે કે ૨૫ વર્ષ પહેલાં જેને આખી સ્કુલ "પાપડી " તખલ્લુસથી જ ઓળખતી હતી એ "પાપડી" અદોદળી અને જે " બકરી" નામથી જાણીતી હતી એને "ચરબીસમુદ્ર" કહેવું પડે એ પરિસ્થિતિ છે .લોકકલાકાર ભીખુદાન ગઢવીએ સરસ વાત કરી છે કે મિત્રો કેવા હોવા એ આપણા હાથની વાત છે. મિત્ર ખરાબ નીકળે તો એ આપણી પોતાની ભુલ છે પણ કોઈ સગું વાંકુ ચાલે તો એ વારસાઈ મિલકત સમજીને  સ્વીકારી લેવું પડે.મિત્રની પસંદગી કરી શકાય , સગાં વહાલાની નહીં.

સોસાયટીમાં સહુનો લાડકવાયો રોનક બાઈક પર દાખલ જ થયો ને સામા ચીનુકાકા મળ્યા એટલે રોન્કાએ શિષ્ટાચારમાં  બાઈક ઊભું રાખીને ખબરઅંતર પુછ્યા.જવાબ આપવાને બદલે ચીનુકાકા રોનકનાં જમણાં હાથે બાંધેલાં રંગબેરંગી પટ્ટાઓ સામે જોઈ રહ્યાં ને પ્રતિપ્રશ્ન કર્યો."અલ્યા ?? આટલી બધી રાખડીઓ? લાંબો થઈ જવાનો વહેવાર હાચવતા હાચવતા..રક્ષાબંધન વહેલી છે આતીફેરી? રોનક બોલ્યો : " ના ના કાકા, આ તો ફ્રેન્ડશીપ બેલ્ટ છે.રાખડી નથી.તમને ના ખબર પડે આ બધું. " 
"તારો ચીનુકાકો ભોટ છે એમ કહેવું છે તારું? અમને એટલું તો ખબર પડે છે હોં. ફ્રેન્સીપ તો અમારી વખતે હતી. એ ય ને એકબીજા વિસે બધ્ધી ખબર હોય. કોણ કોનું સુ સગુ થાય એ ય ખબર હોય.પણ અમારી  ભઈબંધીને આજે ય આવા પટ્ટા ફટ્ટાની જરુર નથી . તમારે તો સહેજ વાંકુ પડે એટલે બ્રેકઅપ થઈ જાય.અમે તો કેટલાં મનામણા પટામણા કરતા.કારણકે ભઈબંધ હોય એટલે આપણી બધી વાત જાણતો હોય.એમાં સાંકાબાપાની પોળમાં રહેતી સરુડી પર આપણે મરતા હોઈએ એ ય આઈ જાય.એટલે જો દોસ્તી તુટે ને પેલો દાઝનો માર્યો સરુડીવાળું ક્યાંક વટાણા વેરી દે તો પેલીને કેવું નીચાજોણું થાય? હવે તો રાજકારણમાં ય ઘડી ઘડીમાં કિટ્ટા બુચ્ચા થઈ જાય છે.થોડાં દિવસ પહેલાં સામે જોવાના સંબંધ ન હોય ને એ જ વેવાઈ બની જાય.સ્ટેજ પર સાથે બેસવું પડે તો ય એકબીજાંની સામે ય ના જોવે ને એક દિવસ એકદમ ઘરે જઈને પગે લાગે ને મિઠાઈ ખવરાવતા હોય એકબીજાને એવા ફોટા વાઈરલ થઈ જાય. દુશ્મન-દોસ્ત- દુશ્મન..પાછાં દોસ્ત..જબરું બધું..ને પાછાં એને નામ આપે "ગઠબંધન" કંઈ સમજ જ ના પડે.મને તો લાગે છે કે દોસ્તી શબ્દનાં જેટલાં અર્થ જોડણીકોશમાં ઘાટ્ટાં છે એટલાં જીવનમાં નથી.તારું સુ કહેવું છે એ વિસે?" દોસ્તી પર ભાષણની લાંબી ઈનિંગ રમીને કાકાએ રોનકને પુછ્યું.
"એંહ કાકા, આ બધું ક્યાં આવ્યું પણ ફ્રેન્ડશીપ ડેમાં? હું તો તમને જોઈને સહેજ કેમ છો પુછવા ઊભો રહ્યો તો તમે તો મારી જ વાટ લગાઈ દીધી. આપડે તો બેલ્ટ બાંધી બંધાવીને વટ્ટ મારવાનો કે જોઈ લો. આપણા આટલા બધા દોસ્તારો છે. ને કાકા ખાસ વાત એ છે કે આમાંના મોટાભાગનાં ફરી બેલ્ટ બાંધવાના કે કેમ એ ય પ્રશ્ન  છે . પણ શું છે કે કાકા,અમારી પેઢી move on થવામાં believe કરે છે .ફાવે ત્યાં સુધી સાથે હરવા ફરવાનું, નહીં તો જેશ્રીકૃષ્ણ. એમ કબાટો ખોલવા બેસીએ તો પાર જ ના આવે. આ તો ફાસ્ટ જમાનો છે કાકા. "
"તે જો એવુ જ છે તો કેમ તમે લોકો આ રિ-યુનિયનો કે શું કહો છો એ કરો છો? એ ય કબાટ જ છે ને? "
આ પ્રશ્નથી રોનકના ચહેરાની રોનક જરા ઓછી થઈ ગઈ.કંઈ જવાબ ન સુઝવાથી એણે કાકાને જેશ્રીકૃષ્ણ કહીને બાઈક ચલાવી મુકી.કાકા આજે એકદમ રમી નાંખવાના મિજાજમાં હતાં એટલે બાકી રહેલું ભાષણ પુરું કરવા એ જઈ પહોંચ્યા ભટ્ટજીને ઘેર. ભટ્ટજી કોઈની સાથે ફોન પર વાત કરતા જાય ને મલકાતા જાય. વચ્ચે વચ્ચે વળી "હા હા, યાદ છે ને.. કેમ નહીં? નાટકો કરતા એ તો બહુ યાદગાર દિવસો હતાં.ને પેલા મણિબેન યાદ છે? ફ્રાઈંગ પેનમાં તળાઈને આવી હોય એટલું લથબથ તેલ નાંખતી..તે ય પાછું સુગંધવાળું..બાપ રે..અડધું તો મને એ તેલની સુગંધથી જ એલર્જી હતી એટલે ડિસ્ટન્સ રાખેલું..ક્યાં છે એ મણિબેન? ને પેલો બચ્ચન? એ ક્યાં છે હમણાં? ઓકે સ્યોર મળીએ છીએ ફ્રેન્ડશીપ ડે એ આ વખતે . પાક્કું.બાય." વાત પુરી કરીને ભટ્ટજીએ કાકા આગળ વધામણી ખાધી." કાકા,આ રવિવારે અમારાં કોલેજફ્રેન્ડ્સનું રિ-યુનિયન છે.બધા છુટાંછવાયાં તો મળતાં હોઈએ કોઈવાર પણ આ વખતે અમે પાંત્રીસ જણા ભેગાં થવાનાં છીએ. ઈન્ટ્રેસ્ટીંગ ને?"
કાકાએ હા કહી ને એમના ફોનમાં જુના મિત્રોની યાદી બનાવવા માંડી. રિ-યુનિયન માટે સ્તો . 

ખોંખારો : 
તનુ: સોશિયલ સાઈટમાં આપણે ૫૦૦૦ મિત્રો છે.તારે કેટલાં છે?
મનુ : મારે ૪૯૯૮ કોન્ટેક્ટસ છે ને બે મિત્ર છે . 

Photo : Desai Shilpa