Thursday, April 6, 2017

અતિથિ, તુમ અબ જાઓગે? પ્લીઝ?

કશો તહેવાર ન આવતો હોય ને રવિવાર પણ હજુ માંડ પસાર થયો હોય , કોઈ અગ્રણીનું મોડી સાંજે અવસાન થાય અને સાવ અચાનક જ ઑફિસમાં રજાની જાહેરાત થાય તો અનહદ આનંદ થાય . થાય કે નહીં? અમે ય આમ જ અણધારી આવી મળેલી રજાનો અખબાર વાંચતા વાંચતા ચ્હા અને મસાલા પુરી સાથે લુત્ફ  ઉઠાવી રહ્યા હતા. એટલામાં ઝાંપો ખખડ્યો. આ ઝાંપાનો ય પાછો વટ્ટ છે,હોં. અમારો પુશ્તૈની ઝાંપો છે. અમારા દાદા ગામડેથી શહેરમાં વસવાટાર્થે આવ્યા ત્યારે  ઘરવખરીના ટેમ્પામાં ભેગો આ ઝાંપો ય લેતા આવેલા.  દાદા એમને સમજણ આવી ત્યાર પહેલાંના આ ભવ્ય વારસાની વાત કહેતા. ગામમાં એ સમયે મેડીબંધ કહેવાય એવું એમનું જ ઘર હતું એટલે સ્વાભાવિક જ ઘર વિષે જાણવાની સૌને ઉત્કંઠા રહેતી. અેમાં ય  કમળ, બતક , મોર જેવી આકૃતિઓ ધરાવતો ઝાંપો અમારા પરદાદા કશેકથી ઊંચી કિંમતે ખાસ ખરીદી લાવેલા એટલે આજુબાજુના ગામમાં ય આ ઘર દુનિયાની પહેલી હાથવગી અજાયબી હતી. ત્યારનું લોક પણ એમ કહેતું કે :" બાબા આદમે ય આ ઝાંપાના દર્શન કર્યા હોય તો નવાઈ નહીં." ઝાંપો એટલો તો પ્રખ્યાત હતો કે "ઝાંપાવાળું ઘર" નાનું છોકરું ય ઓળખતું. પછી તો શહેરમાં વસવાટના પરિણામે ત્રણ ચાર ઘર બદલાયા પણ આ ઐતિહાસિક ઝાંપાનું સ્થાન બીજો એકે ય ઝાંપો નથી લઈ શક્યો. સારુ છે કે ઝાંપાને ઝાંપો ન કહેતા માનથી "ઝાંપાશ્રી" કહેવાની અમને ફરજ પાડવમાં આવી નહતી. આ દુર્લભ અને વફાદાર ઝાંપો અમારા તેલના કુલ વપરાશ કરતા વધુ તેલ પી જવા છતાં ય મહેમાન આવ્યાની  વધામણી ભુલ્યા વિના આપે જ આપે છે. . વધામણી પરંપરા ચાલુ રાખતા ઝાંપાએ આજે ય  કોઈ આવ્યાનો પોકાર પાડ્યો. અમે છાપાંની ગડી વાળતા ઊભા થયા અને જોયું તો ગાંધીભાઈ. બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સના માર્કેટિંગ મેનેજર હોય એવા પ્રખર ચાહક ગાંધીભાઈ અમારા શાળામિત્ર. શાળાકીય પરીક્ષાઓ માંડ માંડ પસાર કરેલી. ગાંધીભાઈ ભલે ભણવામાં ઢ પણ શાળા હોય કે સોસાયટી, કોઈને મદદરુપ થવાનું આવે તો ગાંધીભાઈને જ યાદ કરે. શાળાના શિક્ષકો ય મા વિનાના આ છોકરા પરત્વે પરીક્ષા સમયે જરા કુણા રહેતા અને ભલું થજો કાપલીઉદ્યોગનું કે નાની મોટી બધી પરીક્ષાઓમાં એમની નાવડી પાર કરાવી દીધી. પણ ગમે તે કારણોસર ગાંધીભાઈનું ઘર  વસી ન શક્યું જેનો એમને ખાસ રંજ પણ ન હતો. નાનપણમાં એમને ક્યાંકથી મગજમાં ઠસી ગયેલું કે બુધ્ધિશાળીઓ કોફી પીવે. ત્યારથી એમને કોફીની લત લાગી ગયેલી. ડ્રેસીંગ સેન્સ મુકવાનું ભગવાન ભુલી ગયો હશે તે કોઈ પણ કપડાં પહેરીને નીકળી પડે ને ખભે કધોણો થઈ ગયેલો બગલથેલો તો કદાચ પાસપોર્ટના ફોર્મમાં ઉલ્લેખી શકાય એવી આઈડેન્ટિટી. એટલું ખરું કે કપડાં મેલાંઘેલાં કદી ન હોય. ઘરમાં હવે એમના સિવાય કોઈ ન હતું . નાનોભાઈ અને એનો પરિવાર ગાંધીભાઈને એમની સાથે અમેરિકા લઈ જવા રીતસરનો કરગર્યો પણ ગાંધીભાઈ જેનું નામ. " મલક મુકીને ક્યાંય નોં જવાય"ની જિદ આગળ બધા હારી ગયા. ક્યાંય સારી કોફી ન  મળે ત્યારે કોઈવાર ઘરવાળીની કમી મહેસુસ થતી ખરી. પણ થોડીવાર પુરતી જ . પછી રામ એ ના એ . કોફીની એમની ચાહતે એમને એમના મોટાભાગના મિત્રોમાં -ખાસ કરીને મિત્રપત્નીઓમાં જરા અળખામણા બનાવી દીધેલા. જેવા એ કોઈના પણ ઘરે જાય કે તરત જ ભાભીના નામનો  ટહુકો કરે ને ગજબના હક્કદાવે કોફી મુકાવડાવે. કોઈવાર ભાભી ગુસ્સે થાય તો ખાંડ નાખવાની ભુલી જાય ( જાણી જોઈને જ સ્તો ) પણ ગાંધીભાઈ એવા સરળ કે રસોડે જઈને જાતે ખાંડ લઈને કોફીમાં નાંખી લે. એવા મહાન આ મિત્ર નામે ગાંધીભાઈ " આવું કે ?'ની બુમ પાડતા ઝાંપો ખોલીને છેક નજીક આવી ગયા.
 
 "હા, હા.. કેમ નહીં? અને બાય ધ વે  , આ પ્રશ્ન  સામાન્ય રીતે માણસ બહાર ઊભા રહીને પૂછે.."
" હા, પણ હું ક્યાં સામાન્ય છું?" 
માણસ તો છો ને ? એવો પ્રશ્ન અમે મહાપરાણે ગળી ગયા.આજે અમને માત્ર અમારી સાથે જ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હતો ને આ જણસ ટપકી એટલે અમે સહેજ ધૂંધવાયેલા હતા. પણ "ઓલ ઈઝ વેલ ..ઓલ ઈઝ વેલ" જાતે જાતે જ મનમાં  બોલીને પાછી સ્વસ્થતા ધારણ કરી લીધી.  
"કોફી બનાવો ભઈબંધ." 
"મારે તો ચ્હા પીવાઈ ગઈ ક્યારની.. "
"હા એટલે જ.. ક્યારની પીધી ને? અમારી સાથે ફરી પીવો.. કે મોટા માણસ? ના પીવો અમારી સાથે તો.. હા ભાઈ હા.. " 
હજુ ય આ વક્રોક્તિઓની લીટી લાંબી થઈ હોત પણ અમે સમો વરતીને રસોડે પહોંચી ગયા અને કમને કોફો બનાવી લાવ્યા. 
"યે હુઈ ના બાત.." બોલતા  ગાંધીભાઈએ એમના પેલા જિગરજાન થેલામાંથી પતંજલિના બિસ્કીટનું પેકેટ કાઢીને અમને ધર્યું: " લગાવો ગુરુ" કહીને પોતે કપ મોંઢે માંડ્યો. અર્જુનની સ્થિતપ્રજ્ઞતાને ય ટક્કર આપે અેવા સ્થિતપ્રજ્ઞ ભાવે અમે આખા દ્રશ્યને સાક્ષીભાવે નિહાળી રહ્યા. પ્રગટપણે ન બોલી શકાય એવા વાક્યો મનમાં બોલીને અમારી હતાશા ખંખેરવાનો મિથ્યા પ્રયાસ જારી રાખ્યો. ક્યારે કોફી પુરી થાય ને એ ક્યારે જાયની વિચારધારામાં અમે વધુ ને વધુ કંટાળવા લાગ્યા. કંટાળો અમારા પર એ હદ સુધી હાવી થઈ ગયો કે અમે " સંન્યાસ જ લઈ લેવો જોઇએ" જેવું કંઈક મોટેથી બોલી પડ્યા. અમારો જ અવાજ સાંભળીને અમે બંને ચોંકી ગયા. અમને થયું કે ખલાસ ! ગાંધીભાઈને ચોક્કસ ખરાબ લાગવાનું.. પણ ...ગાંધીભાઈ એમ સમજ્યા કે સંસારથી કંટાળીને અમે સંન્યાસ લેવાની વાત કરી રહ્યા છીએ. એટલે એ તો માંડ્યા સંસારના સાર વિષે સમજાવવા. અમારા ક્ષોભને એમણે શરણાગતિ માની લીધી અને જુદા જુદા સાધુસંત,પંથના સંન્યસ્ત ,સંન્યાસીઓની અપરંપાર લીલા વિષે માહિતી ય વગર માંગ્યે પીરસ્યા પછી  પ્રવચનનું અંતિમ સત્ય ઉચ્ચાર્યુંં કે સંસાર છોડી દેવાથી અમારે  કોફી પણ છોડી દેવી પડશે. કોફીના ગુણ અંગે જાણવાની ક્ષમતા અમે ગુમાવી ચુક્યા હોવાથી હાથ જોડ્યા. તો એ ભોલેનાથ એમ સમજ્યા કે સંન્યાસ લેવાની વાત કરી માટે અમે એમની માફી માંગી રહ્યા છીએ. મોટું મન રાખીને એમણે અમને માફી બક્ષી. "કોઈ વાતે ચિંતા ન કરશો . હું છું ને ?" એમને શું ખબર કે એ છે એની જ અમને ચિંતા છે ! છેવટે એ ઉઠ્યા. " અડધી રાતે ય જરુર પડે તો એક મિસકોલ મારી દેજો. એકલા મુંઝાશો નહીં. સંસાર છે, ચાલ્યા કરે.. " જેવા મોટાભાગે શિષ્ટાચાર  માટે જ વપરાતા વાક્યો એમણે ખરા દિલથી કહ્યાં અને વિદાય લીધી. જતાં જતાં ઝાંપો અટકાવતા ગયા ને વળી ઝાંપાએ પોતાની હાજરી પુરાવી. 
ક્રોંખારો : જો વ્યક્તિ સવારની પહોરમાં કોઈના ઘરે જઈ પડે અને કલાકો સુધી ઉઠવાનું નામ ન લે તો જાણવું કે ક્યાં તો એ ઘરનાથી ત્રાસ્યા છે અથવા ઘરના એનાથી. 

Saturday, January 28, 2017

પત્રમૈત્રી-૨૬, khabarchhe.com

દરેકમાં એક બાળક કોઈ પણ ઉંમરે શ્વસતું જ હોય જ  છે.  કોઈ એને જીવી જાણે તો કોઈ " હાય હાય..આ ઉંમરે હવે તો આપણાથી આવું થાય જ કેમ ?" વિચારીને ગુંગળાવી દે છે. ઉંમર તો માત્ર એક આંકડો છે કે ઉંમરની ઐસી કી તૈસી વિચારીને વર્તનારાને દુનિયા નાદાન, બાલિશ, ચાઇલ્ડિશ, ઇમ્મેચ્યોર  etc etc વિશેષણોથી નવાજે છે. ખરેખર તો પેલા so-called mature people ને આવા મસ્તીથી બાળપણનું જતન કરતાં immature people ની સખ્ખત ઈર્ષ્યા આવતી હોય છે પણ પોતે સમજદાર હોવાની પોતે જ સર્જેલી માયાજાળ એમને એ રીતે વર્તતા રોકતી હોય છે. શું લાગે છે તમને? 
Happy writing 📝📩📨✉️📮

Saturday, December 31, 2016

પત્રમૈત્રી-૨૨

સદીઓ પહેલાં લખાણનું મહત્વ ઈતિહાસ પુરતું સિમીત હતું. રાજા- મહારાજાઓ વંશાવલિ કે પોતે કરેલાં પરાક્રમોની નોંધ કરાવવા માટે શિલાલેખ, તામ્રપત્ર,ચામડું વગેરે માધ્યમોનો ઉપયોગ કરતા. સમય જતાં સામાન્ય નાગરિક પણ લખાપટ્ટી કરવા લાગ્યો. ધીરે ધીરે મનુષ્ય વિકાસ કરતો ગયો એમ એમ લખવાની પધ્ધતિઓ ,માધ્યમો પણ બદલાતાં ગયાં. પણ યુગોજુની લખાપટ્ટીએ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું એમાં બેમત નથી. કમ્પ્યુટર યુગની ગુલામી કરતા આપણે આપણાથી ય  ટેક્નોલોજીની વધુ ગુલામ એવી GEN -NEX ને થોડું આપણે જ હાથે  લખેલું આપીએ તો કેવું?  ઈસુના ૨૦૧૭માં વર્ષને  વધાવતાં આ વખતે પત્રલેખનની ભેટ કેવી રહેશે? 

#BYEBYE2016

#WELCOME2017
 

Read more..
Click on 
https://goo.gl/sXsa4O

Sunday, December 4, 2016

સ્મરણનોંધ - જી. એચ.માસ્ટર (02/12/2015)

સ્મરણનોંધ - જી. એચ.માસ્ટર (02/12/2015)

વર્ષો સુધી સંપર્કવિહીન રહ્યા પછી કદાચ ૧૯૯૯માં એ પહેલીવાર અમારા ઘરે આવેલા. વિવેકે એમને મારો પરિચય આપ્યો ને એમણે મને "કેમ છો ભાભી "કહેલું ને મેં જોરદાર વિરોધ નોંધાવેલો અને શંકરભાઈ ભટ્ટ યાદ છે એમ પુછેલું જેના જવાબમાં એ ચિરપરિચિત હસ્યા : "કેમ નહીં? અમે તો ઘણીવાર સાથે કામ કર્યું છે. એમના દીકરા તુષારભાઈની દીકરીનો મેં એક ફોટો પાડેલો . કદાચ સવા એક વરસની હતી એ. દૂધ પીવા એણે ગ્લાસ ઊંચક્યો. મને બહુ સારી લાગી એ મોમેન્ટ એટલે મેં કેમેરો ઊંચક્યો ને બેબીબેને ગ્લાસ બાજુ પર મુકીને રડવાનું શરુ કર્યું એ જ વખતે મેં ફોટો પાડ્યો. . બધું એકસાથે બની ગયું . ને એક મેગેઝિનની તસવીર સ્પર્ધામાં એ ફોટાને પહેલંુ ઈનામ મળેલું. પણ તમે કેમ પુછ્યુ આવું? " ને મેં કહેલું : તમે જેનો ફોટો પાડેલો તે હું જ.. " ને માસ્ટરકાકા સંભારણાનંુ પોટલું ખોલી હસતાં રહ્યા.. જ્યારે મળે ત્યારે હસતા જ મળે ..કોઈ દિવસ દર્દની ફરિયાદ નહીં. "પગ ચાલે ત્યાં સુધી ચાલવાનું.." કહે અને હસી મુકે . આ નિખાલસ હાસ્યમાં માસ્ટરકાકાના બાળસહજ સ્વભાવનું પ્રતિબિંબ સામી વ્યક્તિને ન દેખાય તો જ નવાઈ. 
પ્રભુ માસ્ટરકાકાના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના. 



હરિ: ૐ


(Shilpa Tushar Bhatt at the age of 1+ year.. the memorable moment  clciked by G. H. Master.. ) 

Wednesday, November 23, 2016

ગીત ગાયા પથ્થરોને ...

  પથ્થરને સૌંદર્ય હોય? આ પ્રશ્નનો ઉત્તર મારા માટે 'ના' માં જ હોત જ્યાં સુધી મારો નાતો સ્વ.અિશ્વન મહેતાની ' GIFT OF SOLITUDE' સાથે બંધાયો ન હતો. પણ મારી દ્રષ્ટિ બદલવામાં આ પુસ્તકે સિંહભાગ ભજવ્યો. એટલે જ્યારે પણ તક મળે ત્યારે આવી જગ્યાએ આપણે પણ જવું એવી ગાંઠ મજબુત થતી ગઈ. આવા પથ્થરો ગુજરાતમાં ઇડર ખાતે છે. એટલે ત્યાં જવાનું બે ત્રણ વાર શક્ય બન્યું. અચાનક જ હમ્પી, કર્ણાટક ખાતે જવાનો મોકો આવી મળ્યો. નજર પહોંચે ત્યાં સુધી નાનાં, મોટાં, આડાં, ઊભાં, ત્રાંસા, સીધાં, જુદાં જુદાં આકારનાં પથરાયેલાં પથ્થરોવાળું આ ઐતિહાસિક સ્થળ હમ્પી તેરમી ચૌદમી સદીમાં રાજા કૃષ્ણદેવના સામ્રાજ્યમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું. પથ્થરયુગથી થોડીક સદીઓ જ advance થયેલી પ્રજાએ આ અદ્ભુત સ્થાપત્યો કેવી રીતે ટાંક્યા હશે એ પ્રશ્ન જરા બાજુ પર મૂકીને મને ગમી ગયેલા હમ્પીની તસવીરી ઝલક: 

ચક્રતીર્થ - તુંગભદ્રા નદી પોતાનું વહેણ ઉત્તર તરફ બદલતી હોવાથી આ સ્થળને 'ચક્રતીર્થ ' નામ મળ્યું છે. પવિત્ર ગણાતા આ સ્થળ પર નાની ટનલ પસાર કરીને  જવાય. આવકાર આપતી આ પ્રતિમા એક જ શિલામાંથી બનેલી છે. એક જ શિલામાંથી કોતરેલી આવી અનેક બેનમૂન  પ્રતિમાઓ આક્રમણખોરોનાં સમય સમય પર થયેલાં આક્રમણોમાં બચી જવા પામી છે.



ચક્રતીર્થ નજીક 'કોટિલિંગ' - 


કોટિલિંગ જવા માટે તરાપો ( સ્થાનિક ભાષામાં 'ટપ્પા') જ એકમાત્ર સાધન છે. 


વિરુપાક્ષ મંદિર :  પ્રાચીનતમ મંદિર જ્યાં આજે પણ નિયમિત પૂજા થાય છે. 





Garden of architecture : સ્થાપત્યની અદ્ભુત કારીગરી માટે જગવિખ્યાત વિઠ્ઠલ મંદિર GARDEN OF ARCHITECTURE કહેવાય  છે. 


ગરુડનો રથ : વિષ્ણુ ભગવાનનું વાહન ગણાતા ગરુડને રથમાંથી સીધી ભગવાન પર દ્રષ્ટિ પડે એ રીતે વિષ્ણુની પ્રતિમાની ઊંચાઈને અનુરૂપ સ્થાન આપવામાં આવ્યું છે.



દારોજી સ્લોથ બેર સેન્ચુરી - હમ્પીથી ત્રીસેક કિલોમીટર દુર આવેલી બાબત એકમાત્ર સ્લોથ બેર સેન્ચુરીમાં હાલમાં સો (૧૦૦) જેટલા રીંછ છે. 



અનીઉંડી ગામ પાસે લોકો તુંગભદ્રા નદીના સામે પાર જવા માટે વાહન સહિત હોડીમાં મુસાફરી કરે છે. 


હેમકુટ હિલ પર રામમંદિર..

હેમકુટ હિલ પર સૂર્યાસ્ત ..



     પથ્થર પણ જીવતા લાગે એવા વિજયનગર સામ્રાજ્યના અંગ હમ્પીના સ્થાપત્યોમાં ઐતિહાસિક અને ધાર્મિક સમન્વય બેજોડ છે. લગભગ દરેક મંદિર કે સ્થાપત્યમાં આખેઆખી રામાયણ કોતરેલી છે તો કોઈ ઠેકાણે ગુફામાં ઊંચી છત પર હર્બલ કલર્સથી ભીંતચિત્રો પણ જોવા મળી જાય. પથ્થરમાં ય આકૃતિઓ, આકારો દેખાતા હોય એમના માટે હમ્પી Must visit place છે.