Friday, March 13, 2015

"પ્રિય ડાયરી..."



01/04/2012 .. 9.30pm 


હોસ્પીટલનો ત્રીજો માળ. મળસ્કે ત્રણેક વાગ્યા હતાં. આઇ.સી.યુ.ની બહાર વેઇટિંગ લોન્જની જુદી જુદી દિશાની ચારેય બારીમાંથી મમ્મી , ભાઇ , ફોઇ અને અન્ય કુટુંબીજનો બારીની બહાર અંધારુ જોઇ રહ્યા હતા.બધાનું મન અંદર ICU માં અને આંખો અંધારામાં ફાંફા મારતી હતી. કાળુ અંધારુ ધીરે ધીરે ગ્રે થઇ રહ્યુ હતુ એને સવાર બોલાવતી હતી. ને અમારી જીંદગીમા કાળુડિબાંગ અંધારુ આ ગ્રે શેડને ચીરીને ગમે ત્યારે આવી ચડશે તેની બધાને ખબર હતી. હળવેથી ICU નો દરવાજો ખુલ્યો અને ડ્યુટી પરના ડોકટરે મને અને મમ્મીને હળવેથી ઇશારો કરીને બોલાવીને કહ્યુ : " વારાફરતી બધા મળી લો . . . સમય બહુ ઓછો છે હવે " વારાફરતી બધા અંદર જઇ આવ્યા. હુ અંદર ગઇ.ચારેબાજુથી નળીઓથી જોડી રખાયેલા પપ્પાના શ્ર્વાસ સાવ જ ધીમા થઇ રહ્યા હતા. હુ હાથમાં હાથ પકડીને ઉભી રહી.એમની આંખોમા જોયુ. . એમની આંખો ઉઘાડી હતી પણ સ્થિર થઇ ગઇ હતી તેમ.છતા મને લાગ્યુ કે આંખો કઇક કહી રહી છે અને હુ સાંભળી રહી છું. પાછળથી ડોકટરે આવીને મને સહેજ ખસેડીને હાથ છોડાવ્યો.નળીઓ એક પછી એક દુર કરી અને કહ્યુ : He is no more. હુ બહાર આવી . બધા એકબીજાને આશ્ર્વાસન આપતા હતા. સવારે ૬.૫૫ sms ભાગી છુટયો Tushar Bhatt is no more. જેમને ડાયરી લખતા જોઇને મને ડાયરી લખવાની પ્રેરણા મળી હતી એવા મારા પપ્પા હવે મારી ડાયરીમાં ચિરસ્મૃતિ બની ગયા......."

એમના મૃત્યુ પછી લખેલુ આ પહેલુ પાનુ જયારે પણ વાંચીશ ત્યારે એમની હાજરી મારી આસપાસ અનુભવીશ. એટલે જ આ ડાયરી હવે મને મારા પપ્પાએ વારસામા આપેલી પરંપરા જેવી લાગે છે. ઘર અત્યારે કુટુંબીજનો, મિત્રો , પડોશીઓથી ભરેલું લાગે છે છતા હવામાં એક શુન્યાવકાશ છે જે કદીય નહી ભરાય."


ડાયરી એ એવો ઉઘાડ છે જે કોઈનાં જીવનનો અંધકાર ખેંચીને બહાર લાવે છે, તો ક્યારેક એ અંધકાર પાછળ રહેલા અજવાસને એવી રીતે બહાર લાવે છે કે એનાથી બે પેઢીઓ કે ઇતિહાસની સાથે તમારા તાર જાણે આપોઆપ જ જોડાઈ જાય. આવી કેટલીક જાણીતી--અજાણી ડાયરીઓને માધ્યમ બનાવીને વાત કરવી છે થોડી `ડાયરી' વિશે.

નવું વર્ષ નજીક આવે કે કેલેન્ડરની સાથેસાથ ડાયરીની પણ અનેકવિધ વેરાયટીઓ બજારમાં દેખાવા માંડે. જાતજાતનાં રૂપરંગ, કદ, કિંમત, તારીખવાળી, તારીખ વિનાની વિશ્વનાં ચલણની માહિતીવાળી, કોઈ વિશ્વનાં ટોચનાં દેશોનાં મહત્વના શહેરોની ધરાવતી, તો કોઈમાં પાને-પાને એકાદ સુવાક્ય મૂકાયેલું હોય, એવી કેટલીય ડાયરીઓ જોવા મળે છે. જેની જેવી જરૂરિયાત. કોઈ તેમાં પોતાનાં દિવસનાં કામોની યાદી જ માત્ર ટપકાવે, તો કોઈ ઘરખર્ચનાહિસાબ લખે. કેટલાકને ‘સવારે 7 વાગ્યે ઉઠ્યો. 8.30 ઓફિસ ગયો... 9.30 મીટીંગ હતી12.00 લંચ..’ એમ માત્ર ટાઈમ ટેબલમાં જ રસ પડે. આવી ડાયરીઓમાં નજીવા ફેરફાર સિવાય બધા પાનાં સરખાં જ લાગે.

આપણા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા પોતાના શિડ્યુલની ડાયરી એકદમ અપ-ટુ-ડેટ રાખે છે અને તેની પર પૂરેપૂરા અવલંબિત રહે છે. આ પણ એક ઉપયોગ છે.

જો કે, આ પ્રકારની ડાયરીઓનો ઉપયોગ મોટે ભાગે પોતાના પૂરતો મર્યાદિત રહે છે. બીજાએ લખેલી ડાયરીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે પ્રકાશિત થયેલી ડાયરીને ગણાવી શકાય.  

આવી ડાયરી એટલે એવો એક્સ-રે, કે જેમાં જે તે વ્યક્તિ દ્વારા લખાયેલી, કહેવાયેલી,ફેલાવાયેલી સુખની પળો, દુ:ખની પળો કે પછી સુખની અને દુ:ખની વચ્ચેની પળો. એવી પળો કે જે સાવ અંગત હોય, સત્યની સાવ અડોઅડ હોય અને ડાયરી તેના વાંચનારને તે પોતાની આપવીતી વાંચી રહ્યો હોય એવો અહેસાસ કરાવે. કોઈની ડાયરી હાથમાં પકડીએ ત્યારે જાણે-અજાણે આપણો એ વ્યક્તિના જીવનમાં પરકાયા પ્રવેશ થઈ જાય છે ને થોડીક ક્ષણો માટે પણ કોઈના જીવનનો અંગત હિસ્સો બનવું એ બહુ મોટી વાત છે.

નાઝી શાસનકાળની યુધ્ધકેદી 13 વર્ષની એન ફ્રેન્કની ‘The young girl's diary’ માં એણે 1942થી 1944ના બે વર્ષના પોતાના જીવનની અતિ મહત્વની કહી શકાય એવી વાતો નોંધી છે. એન ફ્રેન્ક અને તેના પરિવારે બે વર્ષ સુધી યુદ્ધકાળ દરમ્યાન છુપાયેલાં રહેવું પડ્યું હતું તેની વિસ્તૃત અને હૃદયદ્રાવક નોંધો આ ડાયરીમાં છે.

અન્ય એક યહુદી યુવતી એટ્ટી હિલીસમની ડાયરી પણ 1941થી 1943ના યુદ્ધગાળા દરમ્યાન લખાયેલી છે. 27 વર્ષની આ યુવતીની ડાયરી આઠ નોટબુકોમાં વિસ્તરેલી હતી. ડાયરીમાં એટ્ટીના માનવીય સંવેદનો, હોલેન્ડ અને યહુદીઓની યાતના આબેહુબ વર્ણવાયેલાં છે. મૂળ ડચ ભાષામાં લખાયેલી આ ડાયરીના અંગ્રેજી અનુવાદ પરથી માવજીભાઈ સાવલાએ ગુજરાતીમાં `"એટ્ટીની આંતરખોજ' નામે અનુવાદ કર્યો છે. (૧૯૯૩, મીડિયા પબ્લિકેશ,જૂનાગઢ)

 

લેખક જેફ્રી આર્ચરનાં નામથી અંગ્રેજી ભાષાનો વાચકવર્ગ જરાય અજાણ્યો નહીં હોય. લંડનનાં સંસદસભ્ય એવા આ લેખક મહાશયને 2001માં ચાર વર્ષની જેલની સજા થયેલી. કેદી નંબર FF 8282 ધરાવતા આર્ચરે આ ચાર વર્ષ દરમ્યાન ત્રણ ભાગમાં લખેલી ડાયરીઓ``Prison Diaries--by FF 8282'' નામે પ્રસિદ્ધ થઈ છે.

તો એઈલીન કેડીની `The Opening Doors Within' પરથી ઈશા કુન્દનિકાએ`ઊઘડતા દ્વાર અંતરનાં'નામે કરેલો અનુવાદ પણ ડાયરીની કક્ષામાં મૂકી શકાય એવો છે. વર્ષના 12 મહિના જાન્યુઆરીથી ડિસેમ્બરના 365 દિવસ લેખે 365 સુવિચારોનો નાનકડોઆ વિચારવિસ્તાર છે. કોઈ ચોક્કસ વર્ષમાં આ ડાયરીને બાંધી નથી દીધી એ આ ડાયરીની ઉડીને આંખે વળગે એવી ખાસિયત છે.

ગુજરાતીમાં આ પ્રકારનું સૌથી વધુ ખેડાણ કદાચ ગાંધીયુગમાં થયું હશે. સરદાર વલ્લભભાઈ,શહીદ ભગતસિંહની જેલયાત્રાની ડાયરીઓ અનેક સંદર્ભે ઉપયોગી છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરીના 19 વોલ્યુમમાં ગાંધીજી અને માત્ર ગાંધીજી વિસ્તરેલા છે. મહાદેવભાઈની ડાયરી ગાંધીજીનાં અસંખ્ય પ્રવચનો, પત્રવ્યવહાર, અન્ય લખાણોની વિસ્તૃત માહિતીથી ભરપૂર છે. ગાંધીજી વિશે જાણવા માંગતી કોઈ પણ વ્યક્તિ માટે આ ડાયરી જેકપોટ સમાનછે. મહાદેવભાઈએ ડાયરી ન લખી હોત તો આપણે ગાંધીજી તથા તેમની આસપાસ ગુંથાયેલી આઝાદીની લડતના કેટલાય કિસ્સાઓથી વંચીત રહી જાત.

સ્વ ચંદુલાલ ભગુભાઈ દલાલની `ગાંધીજીની દિનવારી'ના ઉલ્લેખ વિના ગાંધીજી અંગેનીડાયરીની વાત અધૂરી ગણાય. `ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9-1-1915નાં દિવસે ભારત આવ્યા અને 30-1-1948ના રોજ એમની ગોળી મારીને હત્યા થઈ. આ બે તારીખોની વચ્ચેનો સમયગાળો 12075 દિવસોનો છે. આ દિવસો દરમ્યાન ગાંધીજી ક્યાં, કેટલો સમય રોકાયા, કે એમને કોઈએ ભેટ આપી એ ભેટ શું હતી એવી માહિતી સુદ્ધાં તારીખવારચોકસાઈપૂર્વક ગોઠવવામાં અતિશય જહેમત, ચીવટ લેવામાં આવી છે, છતાં સ્વ. ચંદુલાલ કબુલે છે કે આમાં ક્યાંક કોઈ કચાશ રહી જવા પામી હોય એવી શક્યતા સાવ ઓછી છે, પણસાવ નકારી શકાય એવી નથી. તેમની આ વિનમ્રતા જ કહી શકાય. સંશોધનકર્તાઓ માટે મહાદેવભાઈની ડાયરીની જેમ આ ડાયરી પણ મહામૂલી જણસ છે.

ગુજરાતી સાહિત્યજગતમાં ગુજરાત વિદ્યાસભાએ ઈ. સ. 1953માં નરસિંહરાવ દિવેટીયાની રોજનીશી પ્રગટ કરેલી. 


આ રોજનીશીમાં નરસિંહરાવના નિજી જીવનની કે સાહિત્ય અંગેની મહત્ત્વની નોંધો મળી રહે છે. ઈ. સ. 1892થી ઈ. સ. 1935 સુધીની આ રોજનીશીમાં1927-‘29ની નોંધો મળતી નથી. આ ડાયરી એની લેખનશૈલી કે ભાષાના ઉપયોગ જેવાં કે``મને'' ને બદલે ``મ્હને'', ``લડત'' ને બદલે ``લઢત'' અથવા તો સાહિત્યવિષયક ઉલ્લેખ કે અંગત નોંધ આવે ત્યારે કૌંસમાં ટૂંકમાં સંદર્ભ લખવો અંગ્રેજી શબ્દો વાપરવાની છૂટને લીધે અન્ય ડાયરીઓ કરતાં ઘણી જુદી પડે છે. જો કે, આવા ભાષાપ્રયોગ કે શૈલી એ ડાયરી વાંચવામાં ક્યાંય બાધારૂપ નથી એ નોંધવું રહ્યું.

ઉમાશંકર જોષીની `31માં ડોકિયું' ઉમાશંકરનાં ગૂજરાત વિદ્યાપીઠનાં વસવાટની સાખ પૂરે છે. આ ડાયરીમાં કવિએ દિવસો તો ખરા જ, પણ કલાકોનોય હિસાબ લખ્યો છે. છતાં ય ડાયરીમાં ક્યાંય અંગત ઉલ્લેખ નથી. એ આ ડાયરીનું અદ્ભુત પાસું છે. સાથેસાથે આ ડાયરીમાં આ સમય દરમ્યાન સંપૂર્ણ રાષ્ટ્રીયતાનાં રંગે રંગાયેલા દેશની અદ્ભુત છબી જોવામળે છે. કાકાસાહેબ કાલેલકર આ ડાયરીમાં લખાયેલી વિગતો અને મુખ્ય તો કાર્ય-કલાકોનો હિસાબ ચકાસીને તેની નીચે હસ્તાક્ષર, તો ક્યારેક નાનકડી નોંધ ટપકાવતાં. આ હસ્તાક્ષરથી ઉમાશંકરની ડાયરીનું અધિકૃતતાની દૃષ્ટિએ વજન અનેકગણું વધી જાય છે.

ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર એવી બે લેખિકાઓની વાત કરીએ તો બિંદુ ભટ્ટની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ ભલે સત્યકથા નથી, પણ વાંચકને સત્યકથા જેવી અનુભૂતિ ચોક્કસ કરાવે છે. તો ‘ક્યાં ગઈ એ છોકરી’માં એષા દાદાવાળાએ એક છોકરીની જિંદગી એક ડાયરીમાં આવરી લીધી છે. એક કલ્પના જ હોવા છતાં વાંચકને ઘણી જગ્યાએ તે વાંચતા-વાંચતા અટકવા, વિચારવાને મજબુર કરાવે છે.

ભારતમાં 1965ના ભારત-પાકિસ્તાન યુધ્ધની વ્યૂહરચનાઓ, પરિસ્થિતિ વિશે તે સમયના રક્ષામંત્રી શ્રી વાય. બી. ચવ્હાણે વિગતવાર ડાયરી લખી છે. ‘1965-વોર:ધ ઈનસાઈડ સ્ટોરી’ જેવા નામ પરથી જ એ યુધ્ધડાયરી હોય એવો ખ્યાલ આવી જાય. આ પ્રકારની ડાયરી સંશોધનકર્તાઓ માટે અત્યંત મહત્વનો દસ્તાવેજ બની રહે છે. તેમ વાચકોને પણ તેમાં અનેક બાબતો જાણવા મળે છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસેની નોંધો પહેલાં ઇન્ટરનેટ પર બ્લોગસ્વરૂપે પ્રગટ થઈ અને પછી`જિપ્સીની ડાયરી: એક સૈનિકની નોંધપોથી' નામના પુસ્તક સ્વરૂપે. આ નોંધોમાં એક સૈનિકના જીવનનું, કારકીર્દીમાં લીધેલી તાલીમ, કાર્યક્ષેત્ર વગેરેનું બહુ રસપ્રદ અને સરળ ભાષામાં વર્ણન છે.

નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી જુવાનસિંહ જાડેજા (82)ની `હૈયું, કટારી અને હાથ (એક નિવૃત્ત પોલીસ અધિકારીની કારકીર્દી ગાથા) પોતાના કાર્યકાળની વાત સુપેરે મૂકી આપે છે,જેમાં તેમણે પોતાની જિંદગીનાં 80 વર્ષ પછી પોતાની નોકરીનાં 38 વર્ષોનો અનુભવ પીરસ્યો છે.

પ્રવાસનોંધ, પ્રકૃતિ ડાયરી આવનારી પેઢી માટે અમૂલ્ય ખજાનો છે. પ્રવાસનોંધની ડાયરીમાંથી જે-તે સ્થળની વસ્તુઓ, ભૌગોલિક રચનાનો ખ્યાલ વધુ સારી રીતે આવે છે. તો પ્રકૃતિ ડાયરીથી જે તે સ્થળની આબોહવા વનસ્પતિ, પશુ-પક્ષીઓ અંગેની માહિતી મળવામાં સરળતા રહે છે. જાણીતા પક્ષીવિદ લાલસિંહ રાઓલને 1949થી પક્ષીનિરીક્ષણમાં રુચિ જાગી. ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણીને એમણે જે પક્ષી જોયું હોય તેની ઝીણામાં ઝીણી નોંધ રાખવાનું શરુ કર્યું. પક્ષીનું નામ, રંગરૂપ, કદ કાઠી, સ્થળ, સમય વગેરેની ભેગી કરેલી માહિતી આજે પક્ષીનિરીક્ષણમાં રૂચિ ધરાવતા અભ્યાસુઓ માટે સોના-ચાંદી કરતાંય વધારે મૂલ્યવાન છે. આનંદની વાત એ છે કે આ ડાયરી હવે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહી છે, જેમાં પક્ષી-નિરીક્ષણની નોંધો મુખ્ય છે. પરંતુ વસ્તુ અનુસાર પક્ષીઓની હાજરી, અન્યત્ર સ્થળાંતર જેવી મહત્વની બાબતો આ લખાણમાંથી ડોકાય છે.

ફોટોગ્રાફર-ચિત્રકાર જ્યોતિ ભટ્ટની ડાયરી એટલી અદ્ભુત છે કે એ વાંચનાર જે તે સ્થળ પર જાય તો એણે વાંચેલી વિગતને જોવાની, કે સરખાવવાની જ બાકી રહે. આધુનિક થવાની દોટમાં આપણા સાંસ્કૃતિક વારસાને સાચવી નથી શકતા એ સંજોગોમાં જ્યોતિ ભટ્ટની ડાયરીલુપ્ત થતા જતા સાંસ્કૃતિક વારસાનો અધિકૃત દસ્તાવેજ બની રહેશે એમાં બેમત નથી. આ ડાયરીમાંનું એક પાનું જોયા વિના આ બાબત સમજાશે નહીં.


મનોચિકિત્સકો પણ ક્યારેક એમની પાસે આવતા દર્દીઓને તેમને આવતાં સપનાંઓની ડાયરી બનાવવાનું કહે છે, જેથી સ્વપ્નાઓના આધારે દર્દીની ચિકિત્સા થઈ શકે.

વર્તમાન યુગમાં ઈન્ટરનેટના વ્યાપે વિશ્વને કમ્પ્યૂટરના ટચૂકડા સ્ક્રીનમાં સમાવી લીધું છે. અહીં Online ડાયરી લખનારા પણ અનેક લોકો છે. બ્લોગને ડાયરી કહેવાય કે નહીં એ ચર્ચામાં ન ઉતરીએ તો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ વર્ષથી રોજ નિયમિત બ્લોગ-ડાયરી લખે છે. ફરક એટલો કે એ લખાણની ઉપર તારીખ કે વાર લખવાને બદલે દિવસનો આંકડો લખે છે. દા. ત.Day 1102, Day 1103... આ ડાયરીમાં એ દુનિયાભરની માહિતી આપતા રહે છે. એમાં ફિલ્મોની વાત હોય, પ્રાણને શ્રદ્ધાંજલિ આપવાની હોય, દિલ્હીનો ગેંગરેપ હોય કે ગુજરાત ટુરિઝમની એડ કેમ્પેઇન વિશે લખવાનું હોય... વાંચકોને રોજ નવું નવું આપવું એ એમનો નિયમ છે. પાંચ વર્ષમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે એમણે નહીં લખ્યું હોય!!

વિશ્વસ્તરે ડાયરીનો વ્યાપ ક્યાંય વધારે છે. એ હકીકત છે કે પ્રકાશિત થયેલી ડાયરીઓ કરતાં અપ્રકાશિત રહેલી ડાયરીની સંખ્યા અંદાજવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે અસલી ડાયરીઓની સાથે નકલી ડાયરી પધરાવનારાય પડ્યા છે. એક સમયે હિટલર અને મુસોલિનીના નામે આવી નકલી ડાયરીઓ બજારમાં ફરતી થઈ હતી. ક્યારેક અપ્રકાશિત ડાયરીમાંથી આગળ પાછળનાં સંદર્ભ વિના અમુક જ ભાગ પ્રકાશિત કરવામાં આવે તો અર્થના બદલે અનર્થ પણ સર્જાઈ શકે અને આ ડાયરી સાથે સંકળાયેલી વ્યક્તિ કે વ્યક્તિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી શક્યતાઓ ભરપૂર છે. એવા કિસ્સામાં `Right of First Refusal'નું ઉલ્લંઘન થયું હોય એ પણ બનવાજોગ છે. પ્રકાશનને લાગેવળગે છે ત્યાં સુધી Right of First Refusal એટલે લખાણના મૂળ માલિક કે અન્ય વ્યક્તિને જે-તે લખાણનો હિસ્સો કે સંપૂર્ણ વિગતો વિશે સંશોધન કે પ્રકાશન કરવાનો સૌ પ્રથમ હક આપે તે. આ હકદાર વ્યક્તિ જ જે તે લખાણનો ઉપયોગ સૌ પ્રથમ વાર કરી શકે એવો અધિકાર.

દુનિયાનાં અગણિત રહસ્યો આવી અપ્રકાશિત ડાયરીનાં પાનાઓમાં જ દફનાયેલાં રહેવાનાં એ નિવિર્વાદ સત્ય છે. ડાયરી કોણે લખવી, કેવી રીતે લખવી વગરેનાં કોઈ ચોક્કસ માપદંડ નથી, પણ તેમ છતાંય ગૂગલ મહારાજ ડાયરી લખનારને એ વિશેય દિક્ષા-શિક્ષા આપી શકે એમ છે. બાકી, પોતે આચરેલાં (કુ)કર્મો, `કોડવર્ડ'માં નોંધીને ડાયરી લખનારા બુકીઓ અનેસટોડિયાઓ પણ ભર્યા છે, સંસારમાં!


PS: ઉપર ઉલ્લેખેલી તમામેતમામ ડાયરીઓ પર અલગથી નોંધ થઇ શકે એવી ગુંજાયેશ છે જ.. પણ એ વિષે ફરી ક્યારેક..

Friday, July 18, 2014

: એક સ્મરણ- નોંધ : બાબુભાઈ રાણપુરા ...


૨૧ એપ્રિલ ,૨૦૧૧ . પપ્પાના ઓપરેશન આડે ગણતરીના દિવસો બાકી હતા. આ બાબુભાઈ રાણપરા સાંજના સમયે અમારા ઘરે આવેલા .ચારેક વાગ્યાના અરસામાં.થોડી આડીઅવળી વાતો..ખાતર બરદાશ્ત પછી બાબુભાઈ એ પપ્પા સાથેની એમની મુલાકાત વિષે જણાવ્યું . ‘ કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે બેનબા ,તમારા બાપુજીએ મારો હાથ પકડેલો . ‘ બસ આટલી જ વાત પછી એમની આંખ અને અવાજ બંને ભરાઈ ગયેલા . થોડીવાર પછી સ્વસ્થ થયા અને પોતે હનુમાન ચાલીસા નો પાઠ કરવા ઈચ્છે છે એમ કહ્યું . પપ્પા એ હા પાડી પછી જે બુલંદ અવાજે એમણે હનુમાન ચાલીસા લલકાર્યા. અવાજની એ બુલંદી ને અક્ષરદેહ આપવા કદાચ કોઈ કલમ સમર્થ નહિ હોય . ઘરમાં વાતાવરણ એકદમ ભક્તિ સંગીતમય બની ગયું . અમારો પરિવાર મૂળે આર્યસમાજીસ્ટ એટલે ઘરમાં ક્યાય મંદિર કે દેવદેવીના ફોટા કશું મળે નહિ પણ બાબુભાઈ નો અવાજ એ કશાનો મોહતાજ ક્યાં હતો !!!! હનુમાન ચાલીસા નો પાઠ પૂરો થયો પછી લીટરલી ઘરમાં સોપો પડી ગયો . બધા જ ભાવાવેશ માં ....પાંચેક મિનીટ પછી વાતાવરણ પૂર્વવત થયું ને ફરીથી વાતો - અખૂટ વાતો શરુ થઇ . જેમાંથી એક વાત હજુયે યાદ રહી ગઈ છે . : " એક દિવસ શ્રાવણ મહિનામાં આ બધા મેડલોનો કોથળો લઈને ભોગાવો નદીમાં મારા દિકરા સાથે ઉભો રહ્યો . નદીમાં પાણી ઊંચા આવતા જતા હતા ને હું ઉભો હતો . થોડીવાર પછી હાથમાંનો મેડલો વાળો કોથળો ડૂબી ગયો . એ જ ક્ષણે મને સ્ફૂર્યું કે જે મેડલ પોતે જ નથી બચી શક્યા એ મને શું તારવાના ? .... ને બધા મેડલ વહી જવા દીધા ...હું જોતો રહ્યો ...” કેટલી નિસ્પૃહતા !!!! બાબુભાઈ રાણપુરાને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.
સ્વ. બાબુભાઈ રાણપુરાના આત્માને પરમાત્મા અસીમ શાંતિ બક્ષે એવી જ અભ્યર્થના ..
હરિ: ઓમ...

Wednesday, June 18, 2014

જમણવારનો જયજયકાર...

આજથી ત્રણ દાયકા પહેલા સુધી જમણવારમાં પંગત પડતી. આપણા પૂર્વજો આરોગ્યની સુખાકારી વિષે સભાન હોવાથી જમતી વખતે ખોટી ઉતાવળ મંજુર રાખતા ન હતા  એટલે ભોય પર જ પાટલા કે પાથરણા  / પટ્ટા / આસનીયા પાથરીને સામસામે હરોળમાં બેસીને જમવાનો રીવાજ હતો . વણલખ્યા નિયમ અનુસાર પ્રથમ પંગતમાં પુરુષો જ બેસતા. કદાચ નાના બાળકોનો વારો બી આવી જાય (આપણો સમાજ ત્યારે પણ પુરુષ પ્રધાન હતો !!! ) જેવા પાટલા મંડાય કે રસોડામાંથી પીરસણીયાઓની ફોજ હુદુડુંડું કરતી દોટ મુકે. બધાના હાથમાં ગજા પ્રમાણે શાક ભરેલા કમંડળ , દાળ / કઢી / બાસુંદી ભરેલી ડોલ . પૂરી પાપડ , કચુમ્બર ( કોઈ વાર જ ) અને ફરસાણ ભરેલા મોટા મોટા બાજુ ( બાજુ એટલે પહોળા અને જરા ઊંડા મોટા વાટકા ) હોય . આ પીરસણીયાઓ મોટાભાગે માંડવા પક્ષના ભાઈ -ભાંડરડા,ભાઈબંધો,પાડોશીઓ જ હોય અને મોટેભાગે જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમાડે પણ ખરા . વળી કોઈની ગ્રહદશા સારી ચાલતી હોય તો ચોકઠાં ય ગોઠવાઈ જાય . પુરુષ વર્ગ જમી ઉઠે પછી ફટાફટ નવા પડિયા પતરાળા મુકાઈ જાય અને વારો આવે સ્ત્રીવર્ગનો..ખાધેપીધે સુખી ઘરની મહિલાઓ એકવાર પાટલા પર પથરાઈને બેસે પછી જમીને ઉઠવામાં ખાસ્સી તકલીફ પડે એટલે જમી લીધા પછી ય આ જાજરમાન મંડળીઓ નિરાતે વાતોના વડા કરતી દેખાય. કદાચ આવા જ કારણોસર કોઈ ખુબ લંબાણથી માંડીને , વિસ્તૃત વાત કરે તો એને માટે ' પાટલો માંડીને વાત કરે છે " એવો રૂઢીપ્રયોગ ચલણમાં આવ્યો હશે.

નીચે બેસીને જમવામાં એક અલગ મજા હોય . જમવાનું પીરસાય એ પહેલા બે - ત્રણ જણા ' ઢીંચણીયુ / ઢેચણીયુ ' લઈને નીકળે . કોઈને પગ વાળીને બેસવાની તકલીફ હોય તો એ પલાઠી વાળે ત્યારે ઘૂંટણ  નીચે આ ઢેચણીયુ કે ઘુટણીયુ મુકે એટલે પગને જરા ટેકો મળી રહે અને તકલીફ ઓછી થાય . એક ઓળખીતાના જેન-નેક્સ્ટ દીકરા માટે આ ઢેચણીયુ તદ્દન ભળતા ગ્રહનો શબ્દ હતો . અંતરિયાળ ગામડામાં આ પરિવાર કૌટુંબિક પ્રસંગે જમવા ગયા ત્યાં જમવા બેસતા કોઈએ આ કોમ્પ્યુટર કીડ ને ઢેચણીયુ જોઈએ છે? એવું પૂછ્યું, આ ડ્યુડ ને એમ કે કઈ ખાવાની વાનગી નું પૂછે છે તો એણે જવાબ આપ્યો " આવવા દો , ચાખી જોઉં , ભાવશે તો બીજું લઈશ "

ત્યારે જમણવાર માં એક શાક - તેલથી લથપથ , એક ફરસાણ - એક મીઠાઈ , પૂરી , તળેલા પાપડ - પાપડીથી જ થાળી / પતરાળી ભરાઈ જતી . ધીરે ધીરે પંગત પ્રથા ચાલુ રહી પણ જરા સુધરેલા - સો કોલ્ડ મોર્ડન સમાજ શ્રેષ્ઠીઓ એ ટેબલ ખુરસીની પ્રથા ચાલુ કરી . ધોળા બગલાની પાંખ જેવા ટેબલ ક્લોથની માંગ એકાએક જ વધી ગઈ . ટેબલ ખુરશી આવતા જ પડીયા - પતરાળાનો વિદાય સમારંભ ચુપચાપ ગોઠવાઈ ગયો ને સ્ટીલના ચકચકિત થાળી વાટકા માનભેર ટેબલ પર બિરાજમાન થઇ ગયા . પંગત પડે ત્યારે સ્ટીલના વાસણોનો ટીપીકલ અવાજ અનેકના જઠરાગ્ની પ્રદીપ્ત કરવા સક્ષમ હતો . કોઈને બુમ પાડવાની જરૂર જ ન પડે . બધા લગભગ તો મનગમતી કંપની શોધી ને મનગમતી જગ્યા એ ઉભા રહી જ ગયા હોય . મેનુ - જમણવાર ની વાનગી યાદી - રસથાળ માં ય થોડો ફેર પણ આખે ઉડીને વળગે એવો થયો. શાક એક ને બદલે બે , ફરસાણ ને મીઠાઈ પણ એવું જ . પૂરી એ પોતાનું સ્થાન અકબંધ રાખ્યું . તો નાના નાના પ્રસંગો એ યુઝ એન્ડ થ્રો વાળા ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ નું ચલણ પણ ચાલુ રહ્યું . જમણવાર પહેલા પીરસવામાં આવતા નાસ્તાઓમાં ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ મોખરે થઇ ગયા.

પરિવર્તન સંસારનો નિયમ છે એ ન્યાયે જમણવારો  માં પણ આમૂલ પરિવર્તન આવ્યું . ટેબલ ખુરસી ને બદલે બુફે - ઉભા ઉભા જમવાની પ્રથા થઇ ગઈ. આ પ્રથા એ ભોજનવીરોને નિરાશ કર્યા . બેસી ને આરામથી જમવાની સગવાડ હતી એ ઝૂટવાઈ ગઈ એન બદલે   મેલેમાઈનની ડીનર પ્લેટમાં જાતે પીરસી ને ખાવાનો વારો આવ્યો . લગ્નના જમણવારો એ ઘરના ફળિયાને બદલे highly પેઈડ પાર્ટી પ્લોટ્સ માં સ્થાન લીધું . જે જમણવારોમાં પહેલા વાનગીઓના નામ ગણાવવા આંગળીના વેઢા ય વધી પડતા હતા એને બદલે હવે મેક્સિકન / થાઈ / ઇન્ડીયન / શ્રીલંકન  વગેરે કોન્ટીનેન્ટલ ફૂડ  ડીશીઝના નામ પણ યાદ રાખવા મુશ્કેલ થઇ પડ્યા. જમણવારમાં જાણે કે હોડ લાગે કે કોણ કેટલી વાનગીઓ બનાવડાવશે. એક લગ્ન માં ૧૫૧ વાનગી ઓ  હતી. આપણા ભારતીય પેટ ને માફક આવે એવી વાનગીઓ ગણીગાંઠી. પાણીપુરીના કાઉન્ટર પર ભયંકર ભીડ. મહેમાનો રીતસર અંદરો અંદર હુસાતુસી કરે કે તમે હમણાં જ પ્લેટ ભરીને પાણીપુરી  લીધી હવે અમારો વારો . પછી વારો આવે દિલ્હી ચાટનો . તો ચાઇનીઝ નુડલ્સ ને કાંટા ને બદલે હાથથી જ મોમાં ઠુંસતા મહેમાનોની એટીકેટ્સ ઓહિયા થતી દેખાય.. મેક્સિકન કે થાઈ ફૂડ વિષે ભાગ્યે જ જાણતા આપણે લગભગ  તો કાઉન્ટર બોય ને પૂછીએ કે આ આઈટમ ને શું કહેવાય , કેવી રીતે બનાવી છે , એમાં શું નાખ્યું છે . કેમ જાણે પેલા કાઉન્ટર બોયએ સંજીવ કપૂર ની કુકિંગ એકેડમી માં થી સર્ટીફીકેટ કોર્સ ન કર્યો હોય !!! એક ઉત્સાહી બહેને આવી જ રીતે એક કાઉન્ટર બોય ને એક મેક્શીકન આઈટમ  ની રેસીપી પૂછી . પેલો કાઉન્ટર બોય  મેક્સિકન ભાષા સિવાય કઈ સમજતો ન હોય એમ થોડીવાર તાકી રહ્યો. પછી પાછો પોતાના પીરસવાના કામમાં ગૂંથાઈ ગયો . પેલા બહેને એમની જીજ્ઞાસા વૃતિ માંડ માંડ કાબુમાં રાખી હશે એવું એમના ચહેરા પરથી સાફ વંચાતું હતું . આવા મોંઘા દબદબાવાળા જમણવાર શરુ થાય એ પહેલા મહેમાનોમાં  સ્ટાર્ટર સર્વ કરવાનો ચાલ છે . યુનીફોર્મ પહેરેલા ગર્લ્સ અને બોયસ મોટી પ્લેટ માં સ્ટાર્ટર , પેપર ટીસ્યુ , ટુથ પીક , સોસ લઈને મહેમાનોમાં ફરતા રહે . ટેણીયા મેણ� ટીસ્યુ , ટુથ પીક , સોસ લઈને મહેમાનોમાં ફરતા રહે . ટેણીયા મેણીયા જો આ સ્ટાર્ટર  ભાવી જાય તો એક જ આઈટમ  પર મચી પડે. તો વળી ઘરડા - બુઢાઆ ટુથ પીક આઈટમ  જોઈ ને જરા આશ્ચર્ય સાથે ઉચકે ને સોસ ની વાટકી માં ડુબાડે ને એક જ કોળીયાઆશ્ચર્ય સાથે ઉચકે ને સોસ ની વાટકી માં ડુબાડે ને એક જ કોળીયામાં પૂરું . પછી સળી પકડીને બેસી રહે . વળી કોઈક સીસ૏ક જ કોળીયામાં પૂરું . પછી સળી પકડીને બેસી રહે . વળી કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્઀ કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર  કેવી રીતટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર  કેવી રીત૟મ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર  કેવી રીતે ખાવું એ ડેમો આપે . સીઝન મુજબ જાત જાત ના જ્યુસ વહેચાય ધીમે ધીમે બધા જ જમણવાર ના મુખ્ય સ્થળ તરફ પ્રયાણ કરે . ત્યાં ય જુદા જુદા સૂપ હોય ને વાનગીઓ ના કાઉન્ટર  હારબંધ ગોઠવેલા હોય . એ જ ભાવતી આઈટમ  પર લોકો તૂટી પડે . ભારતીય વાનગીઓ ખાવામાં પોતે દેશી ગણાઈ જશે એ ભયે ભાવે કે ન ભાવે ભારતીય સિવાયની જ વાનગી ઓ ઝાપટે . સ્ટીલના થાળી વાટકા ને બદલે હવે   મેલેમાઈન / જરા વધારે સદ્ધર પાર્ટી હોય તો કાચની પ્લેટસ એ સ્થાન લઇ લીધું છે . તો પુરીની ઇનીગ્ઝ પૂરી થઇ ગઈ હોય એમ તવા રોટી , રોટી , રૂમાલી રોટી , રોટલા , થેપલા , નાન , પરાઠા વગેરે ધૂમ મચાવે છે . મોટા પાર્ટી પ્લોટમાં કેટલીક વાર જુદા જુદા કાઉન્ટર  વચ્ચે અંતર જોઇને એમ થાય કે જમી લીધા પછી યુઝડ પ્લેટસ ને મૂકી ને હાથ ધોઈ ને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે. પંગત પડતી ત્યારે જમી ને હાથ થાળીમાં ધોવાતા હોય એ દ્રશ્ય સર્વ સામાન્ય હતું . હવે બુફે પ્રથામાં હાથ ફરજીયાત ધોવા જ જવું પડે કારણ કે એક હાથે પ્લેટ પકડી ને બીજો હાથ પ્લેટમાં ધોવો કેવી રીતે એની રીત હજુ શોધાઈ નથી. વિખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમુજ કરેલી . " ઢોસા નું કાઉન્ટર  ક્યા છે / " એક મહેમાને બીજા ને પૂછ્યું . " આ પાણી પૂરી વાળા કાઉન્ટરની જમણી બાજુ ચાઇનીઝ છે પછી મેક્સિકન સ્ટાર્ટર છે અને ત્યાંથી ડાબી બાજુ ઢોસાનું કાઉન્ટર છે "બીજો મહેમાન ઉવાચ.

બિલકુલ આ જ પરિસ્થિતિ વર્તમાન લગ્ન સમારંભોનાં જમણવારમાં જોવા મળે છે . એકેય આઈટમ  મન ભરી ને ખવાય નહિ ને તેમ છતાં ય જમી રહીએ ત્યારે વધુ પડતું ખવાઈ ગયાનું ભાન થાય એટલે મુખવાસમાં પાન વરીયાળી વગેરે ખાવા જ પડે . ક્યાંક પાન બનાવનારા શેરો શાયરી સંભળાવતા સંભળાવતા તમારા મોમાં પાન મૂકી આપે જેથી તમારે ફરીથી પાનવાળા હાથ ધોવા એક બે કિલોમીટર ચાલી ને અંદર ન જવું પડે અને સીધા ઘરભેગા થઇ શકો .

Desai Shilpa
(" काક્ભટ્ટ crauns..)ો .

Desai Shilpa
(" काક્ભટ્ટ crauns..)

Thursday, November 28, 2013

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ....

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ !t
પછી પેલી છોકરી ને રૂમાલ નું શું થાય ,રમેશ ...
તમને પેલી સિટીના હીચકા ના સમ !
સોનલને ચાહવાની ઋતુઓ સાઠ તો કેમ ભૂલાય ,રમેશ ..
તમને પેલી ઢાળ ઉતરતી ટેકરીના સમ !
છ અક્ષરના માલિક તમને હોકારો'ય ક્યાં દેવાય ,રમેશ ..
તમને ખડિંગ ને વિત। સુદ બીજના સમ !
આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ!!!

(Reposting..
❤️© Desai Shilpa ❤️

Friday, November 15, 2013

P R Joshi ....એક સ્મરણનોંધ ..

એક  સ્મરણનોંધ ...


બરાબર યાદ નથી પણ ૧૦-૧૧ વર્ષ ની ઉમર હશે એ વખતે . એક દિવસ ઓફિસેથી આવી ને પપ્પા એ દાદાને વાત કરી કે "પીઆર આવવાનો છે અત્યારે ." મને કાઈ ખબર ન પડી એટલે મેં પૂછ્યું કે "પીઆર એટલે કોણ ? "દાદાએ જવાબ આપેલો " પ્રબોધ જોશી . ' કેડીલા 'કંપની છે ને ? એમાં બહુ ઉચી પોસ્ટ પર છે " મેં માથું ધુણાવી મુકેલું . ત્યારે કેડીલા સ્પ્લીટ નહોતું થયું , એક જ કંપની હતી . ૧૦-૧૫ મિનીટ પછી એક વ્યક્તિ ઘરમાં પ્રવેશી - પડછંદ શરીર , ગોરો વાન , ચહેરા પર સતત રેલાતું સ્મિત અને કઈક અજબ સુરખી. જોશી કાકા ને એક આંખમાં કશીક તકલીફ હતી પણ એ તકલીફ એમના પ્રચંડ આત્મવિશ્વાસ ની એક કાંકરી પણ ખેરવી નહોતી શકી. જોશીકાકા ઉર્ફે PR ઉર્ફે પ્રબોધ આર જોશી . Group President - HR and Corporate communications - Zydus Cadila .ધીરે ધીરે જોશીકાકા સાથે પારિવારિક સંબંધો કેળવાતા ગયા અને અમારે ઘરે નાના કે મોટા પ્રસંગોએ એમની હાજરી અમારે મન સહજ થઇ પડી. અમારી આ ઓળખાણ પર વર્ષોના પડ ચડતા ગયા એમ એમ મજબૂતી વધતી ગઈ. આ મજબુતી મારા પપ્પાની માંદગી વખતે સામે આવી . પપ્પાની માંદગીની રજેરજની માહિતી એમની પાસે રહેતી. પોતે ફાર્માંસ્યુંટીકલ કંપની સાથે સંકળાયેલા હોવાને લીધે  શહેરના સારામાં સારા કેન્સર સર્જન , હોસ્પિટલો સાથે એમના વ્યવસાયિક સંબંધો  જોશીકાકાએ પપ્પાની માંદગીમાં કામે લગાડ્યા. પપ્પાનો એક જ મેસેજ કે ફોન પર એ ગમે તેવું કામ પડતું મુકીને હાજર થઇ જાય . " ભાઈ મને કહે તો મારે આવી જ જવાનું , કોઈ પણ સવાલ જવાબ કર્યા વિના " આ એમનો કાયમી સંવાદ .
સાતમી ઓક્ટોબર, ૧૯૫૩ એ જન્મેલા પ્રબોધ જોશીનો મૂળ જીવડો સાહિત્યકારનો એટલે જ તો એમ.એ. વિથ ઈંગ્લીશ લીટરેચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઇન્ડ રીલેશન એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ ; ' કેડીલા ' જેવી ફાર્મસી ઉદ્યોગની તોતિંગ કમ્પની સાથે ગળાડૂબ હોવા છતાં એમણે સાહિત્યને સદાય હ્રદયસરસું જ રાખ્યું . જાણીતા સાહિત્યકાર અને કવિ સ્વ. ડો. રમણલાલ જોશીના પુત્ર હોવાના નાતે , પિતાએ શરુ કરેલા માસિક ' ઉદ્દેશ ' ને પૂરી નિષ્ઠાથી ધબકતું રાખીને પિતૃતર્પણ પણ કર્યું . ' ઉદ્દેશ' માં ગુજરાતી સાહિત્યની હારોહાર અન્ય ભાષાના સાહિત્યનો પરિચય પીરસતા રહ્યા તો સંપાદકીયમાં એમની ભાષા, વિષય પરની મજબુત પકડ આખે ઉડીને વળગે એવી.

૧૬ માર્ચ ૨૦૧૨ , રાત્રે ૮ નો સુમાર હશે . પપ્પાનો મારા પર ફોન આવ્યો : " કાલે સવારે ૧૦.૩૦કલાકે જોશીકાકા આવવાના છે , તું આવી જજે આપણે લખવા વિષે થોડી વાત કરી લઈએ .સત્તરમી માર્ચે સવારે હું પપ્પાને ત્યાં પહોચી . થોડીવાર પછી પપ્પા મને કહે કે " જોશીકાકા ને ફોન કર , હજુ આવ્યો નહિ " મેં કહ્યું કે " હજુ હમણાં જ તો ૧૦ વાગ્યા છે , એમને ૧૦.૩૦ નું કહ્યું છે તો આવી જ જશે ' બરાબર સાડા દસે જોશીકાકા આવ્યા ને પપ્પા મોજ માં આવી ગયા . લગભગ બે કલાક બેઠા હશે ને એમાં જગત આખાની અલકમલકની વાતોનો દોર ચાલ્યો . પપ્પાએ એમના જાપાન પ્રોજેક્ટ વિષે પૂછ્યું. જોશીકાકા : "અત્યારે એની જ મીટીંગ હતી પણ તમારો ફોન આવ્યો એટલે મીટીંગ થોડી મોડી રાખી ".આંતરરાષ્ટ્રીય કક્ષાની મીટીંગ આ માણસે માત્ર એક જ ફોન કોલ પર પાછળ ઠેલી દીધી અને એનો લેશમાત્ર પણ દેખાડો ન કર્યો કે રંજ પણ નહિ . " તારા પપ્પા કહે એ મારા માટે પૂર્વ દિશા " ફરીથી એ જ ધ્રુવ વાક્ય . કમનસીબે પપ્પા શારીરિક રીતે બહુ લાંબો સમય સ્વસ્થ ન રહી શક્યાં  અને ૩૦ મી માર્ચે એમણે આખરી વિદાય લીધી.



૧૪ મી એપ્રિલ 2012 - પપ્પાના અવસાન ને ૧૫ દિવસ થઇ ચુક્યા હતા . આજે જોશી કાકાના કાવ્યસંગ્રહનું વિમોચન હતું . " પાછો ઉઘાડ નીકળ્યો આ "  ૧૯૭૮ માં પ્રથમ કાવ્યસંગ્રહ " મારે કોઈ નામ આપવું બાકી છે " પ્રકાશિત થયો ત્યાર પછી લગભગ ૩૩ વર્ષે બીજો કાવ્યસંગ્રહ. સ્વ. સુરેશ દલાલ કહે છે એમ "પ્રબોધ જોશી મહેફિલ કે મંચના કવિ નથી. એમની કવિતા ભાવકની હથેળીમાં કમળ થઇ ને ઉઘડે . ઓછામાં ઘણું વ્યક્ત કરવાની એમની ગજબની શક્તિ છે.નીરવતાનો નાદ એમને અતિ પ્રિય છે . ( પ્રસ્તાવના " પાછો ઉઘાડ નીકળ્યો આ "). "પુસ્તક નું વિમોચન ગુજરાતી સાહિત્ય જગત ના માંધાતાઓની હાજરીમાં થયું. એમને કાવ્યપઠન કરવાનું કહેવામાં આવ્યું ને જોગાનુજોગ થયું એવું કે એમના આ પુસ્તક પર હસ્તાક્ષર લેવાનું વિચારીને મેં આ પુસ્તક ખરીદેલું ને પાનાં ફેરવતી હતી . એક કાવ્ય પર નજર પડી - પિતાશ્રી ને . પંદર દિવસ પહેલા જ મારા બાપ ને ગુમાવી ચુકેલી  એટલે જાણ્યે અજાણ્યે આ કવિતા સાથે હું જોડાઈ ગઈ .ને જોશીકાકા એ પઠન પણ એ જ કાવ્ય નું કર્યું.
-----------
"પિતાશ્રી ને - "
-----------
તમે અશબ્દ
ને
હું સ્તબ્ધ
તમે કઈક કહેવા માંગતા હતા
પણ એ હું સાંભળી શકતો નહોતો
એવું તો તમે નહિ જ માનતા હોવ
ખરું ને ?


અંતિમયાત્રા માં

આજે
તમને ખભે ઉચકી ને
ચાલ્યો
થોડું થોડું
ત્યારે
એવું કેમ લાગ્યું કે
તમારી
આંગળી પકડી
ચાલી રહ્યો છું
ધીરે ધીરે

એ પછી

સ્મશાનમાં , શોકસભામાં
ઘર અને બહાર
મળ્યા ચહેરા અનેક
મૌન
પછી ભળી ગયા એકમેક
રચાયું કેવું ઐક્ય !!
વિસર્યો કે હું એક ....."

------------------------------
બે આંસુ કદાચ એમની આંખોથી પણ ટપક્યા હતા કે શું ?

ખેર બહુ ટુકા સમય માં જાણ થઇ કે એમને પણ કેન્સર થયું છે. મળવા જવાની તીવ્ર ઈચ્છા પણ રડી પડાશે તો ? એ ભયે જવાનું ટાળ્યું . ત્યાં જ ' ઈમેજ પબ્લીકેશન ' ના ૧૧ કવિઓના પુસ્તક વિમોચનમાં એ આવ્યાં અને અલપઝલપ મળવાનું  આશ્વાસન લીધું. શરીર ઘણું નખાઇ ગયેલું પણ ઉષ્મા બરકરાર. " હવે ઘણું સારું છે " આટલું બોલતાય શ્રમ પડતો હોય એવું મને લાગ્યું. " મમ્મી , બા-ફોઈ , દાદી ને કહેજે કે હવે મને સારું છે થોડું વધારે સારું થાય એટલે મળવા માટે ફોન કરીશ ' મેં ' મેસેજ આપી દઈશ' કહી ને રજા લીધી . જોશી કાકા ને પોતાની માંદગી વિષે ક્યાય ચર્ચા થાય એ જરાય ન ગમે એટલે બહુ ઓછાને એમની માંદગીની ગંભીરતા વિષે માહિતી હતી .અમારી એ મુલાકાત છેલ્લી જ બની રહી . અમે એમના ફોનની  રાહ જોતા રહ્યા અને એ તો મિસકોલ પણ માર્યા વગર અનંત યાત્રા એ ચાલી નીકળ્યા . કદાચ ઉપરથી પપ્પા એ તો ફોન નહિ કર્યો હોય ને કે " પ્રબોધ , આવી જજે " !!!!

(૧૮મી નવેમ્બરે જોશીકાકાની અંતિમ વિદાય ને  એક વર્ષ પૂર્ણ થશે ....)

Desai Shilpa ..

Saturday, September 7, 2013

પાતળા ....... સુક્ક્લકડી ....સાઠેકડી .....પવનપાવડી ......પેન્સિલ .....etc ....etc ..!!!!




ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ . જ્યોતીન્દ્ર દવે ખુબ જ પાતળા હતા . એવું કહેવાય છે કે એકવાર એ માંદા  પડ્યા અને એમના કોઈ સબંધી ખબર જોવા  આવ્યા તો જ્યોતીન્દ્ર્ભાઈએ પથારીમાંથી ઉભા થઈને કોટ પહેરી લીધો . પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતીન્દ્ર્ભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો : " તમે મને બરાબર જોઈ શકો એટલે માટે "

હમણાં હમણાં બધે ઝીરો ફિગર  , સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સ નો જબરદસ્ત વાયરો વાયો છે . આ વાયરાની શગ સંકેરી હોય તો The કરીના કપૂર અને The શાહરુખ ખાને . બને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં .એ પછી ગલીકુચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટીશીય્ન કલીનીક દેખાવા માંડ્યા . દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે . અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ .તો છાપામાં છપાતી મહિલાપુર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં  થઇ ગયા . લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા . ઘંટીવાળાઓએ બાપજન્મારા માં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો . ફળફળાદી માં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રુટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે " ઘેર કોઈ માંદુ છે ?" અથવા તો ફળફળાદી  તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘર માં માનભેર સ્થાન પામતા થઇ ગયા .

જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકશાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતા ને સુપેરે સમજાઈ ગયું છે .મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધી ઉપાધિઓ પજવે છે
એટલી પાતળા હોવાથી નથી પજવતી . ઉદાહરણ તરીકે બસ ,ટ્રેન માં મુસાફરી કરતી વખતે  પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ  આરામથી ગોઠવાઈ શકે છે . ટ્રેનમાં બે સીટ વચ્ચે  કે પેસેજ માં બેગો મૂકી હોય એના પર " એ તૂટી જશે તો ? " એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે  . જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને  " કેટલી જગ્યા રોકે છે ?" એવા મૌન કે છાના ઘૂરકિયા નો સામનો કરવો પડતો નથી . ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતીયા હોય જ . આ પંચાતીયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરો અંદર ઘુસુરપુસુર કરે કે " ખબર નહિ કઈ ઘંટી નો લોટ ખાય છે " પણ પાતળીયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે

 બીજો મહત્વનો ફાયદો કપડામાં થાય . જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ . પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી -  મળી તો રહે જ .   જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય ( અથવા રહી જાય ) કે ભર વરસાદમાં છત્રી કે રૈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે . રૂમ માં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મુકવું પડશે નહિતર એ ઉડી ને ભીતમાં ભટકાશે કે શું ?

પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે . શૈક્ષણિક શિબિરો  દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને 30-35 રોટલી , 10-15 મોહન થાળના ચકતા કે 3 ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - I repeat ઝાપટતાં નજરે નિહાળ્યા છે . એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય  સાથે , શાક , ભાત  ...  છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પિવે  જ .   છાશ દૂધ પીવા માટે તાંસળું  જ ઉચકે

ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળીયા ઓ માટે પણ નામાવલી હાજર છે ,  દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લીમ - ટ્રીમ  ને વણમાગ્યે ભેટ મળી જાય . અગરબત્તી , ફૂટ્ટપટ્ટી , સોટી , સાઠેકડી , પાતળી  પરમાર , પવન પાવડી , ખડમાકડી , હાડપિંજર  , હાડકાનો માળો , સ્કીની વગેરે વગેરે . મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયો માં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ન પૂછીને ભોઠા પાડી દીધા કે : " એક્સરે પાડવાનો છે કે ફોટો ?"  શરમ ના માર્યા એ ભાઈએ તો પછી અખાડા , જીમ વગેરે વગેરે માં બોડી બનાવાવાના ભરપુર પ્રયત્નો આદરેલા  અને જરાતરા અંશે સફળ બી થયેલા .

શાદી  બ્યાહના મામલામાં પણ પાતળીયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે . મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મુરતિયો / કન્યા સ્લીમ - ટ્રીમ જ જોઈતા હોય છે . તો ઘરમેળે કે સગા-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . " જો જો હો છોકરો / છોકરી  જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે " જો કે એકવાર એક બહેન નું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણ  માં છે . આ બહેન ડાયીટીશિય્ન પાસે ભરાઈ પડેલા . ડાયીટીશિય્ને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ . એમની નાજુક હોજરી ડાયેટ નો ભાર સહન નાં કરી શકી . સરવાળે બહેન પથારીમાં થી ઉભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય .    

નટરાજ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળીયા / પાતળી ઓને વા-વંટોળ માં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ . વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકો ને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખુબ જ વધારે રહે છે .

પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ last but not least - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઉચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન  કરવાની આવતી  નથી . વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રીસીટી પણ ઓછી વપરાય  છે અને એ રીતે પર્યાવરણ નું પણ જતન થાય છે

ટુકમાં કહેવું હોય તો વજનદાર થવા કરતા વજનહીન થવામાં વધારે દમ છે .
બાકી  , ' તારી વાકી રે પાઘલડીનું ફૂમતું  રે ..મને  ગમતું રે ..હું તો કહું છું પાતળીયા તને અમથું રે ......."  આવું રોમેન્ટિક ગીત જાડિયા સાવરિયા પર લખાયું છે કોઈ દિવસ ?????  

-Desai Shilpa  
( काક્ભટ્ટની ડાયરીમાંથી )