Thursday, July 28, 2016

મૌન v/s વાણી

મુંબઈ સમાચાર,૨૮/૦૭/૨૦૧૬ ગુરુવાર ," મરક મરક" લાડકી વિભાગ .. 



મનુડાએ બાઈકનો હોર્ન માર્યો ને ખભે ધોળો ખેસ નાંખીને તૈયાર ઊભેલા કાંતિકાકા બાઈકની પાછલી સીટ પર ગોઠવાઈ ગયા.મનુડો  વાણીવિલાસમાં નેતાલોકથી જરાય કમ નહતો.૧૨૦નું પડીકું ખોલે ને જેનું નામ પહેલંુ બોલે એની વાટ લાગી જતી. આજે મનુડા અને કાંતિકાકાના કોમન કોન્ટેક્ટ એવા રામુકાકાનું અવસાન થયેલું એટલે કાંતિકાકા પાસે મનુડાની  વાણીનો લાભ લીધા સિવાય છૂટકો નહતો.એક બાજુ બાઈકે સ્પીડ પકડી અને બીજી બાજુ મનુડાની વાણીએ. 'આ રવિવારે કોઈ એક્સફાયર થઈ જાય ને તો ઈટ્સ ઈરીટેટીંગ્ઝ.ગોડનું ય કંઇ વિચારવું જોઈએ ને ઈન્સાનોએ.માણસ ભયંકર અનપ્રેડિક્ટીંગ એનિમલ છે.કાકા, આપડે ગાર્ડનમાં લોન વાઈ છે. એક ઝાપટું પડ્યું ને ઓલ ગો ગ્રીન.ને મોર હૌ આવવા માંડ્યા ટેંહુક કરતા.એકવાર અમારા બાથરુમની ટાંકી પર આપડે મોરને કળા કરતો જોયેલો તારનું ડિશાઈટ કરેલું લોનનું.નક્કી કરે તો હું નું હુ કરી નાંખે માણસ.ઈટ્સ ઈરીટેટીંગ્ઝ.શું કહો કાકા? "કાકાના જવાબની રાહ જોયા વિના મનુડાે નોનસ્ટોપ 45 ગરબાની કેસેટની માફક એકમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી વાત વગાડતો જ રહે.સ્મશાન આવતાં કાંતિકાકાએ જરા રાહત અનુભવી."ઓહો..સુ પબ્લિક આયું છે?ઈરીટેટીંગઝ..તૈણ ચાર ડેડબોડીઝ ડેલીબ્રેટલી આઈ લાગે આજે હૌ. રામુકાકાને ટાઈમસર લાવે તો હારુ નહીં તો અહીં જ હાંજ થઈ જવાની.લોકો ય હારા હેફાઝાર્ડ ગુજરી જાય છે હમણાના. જો ને સીઝન કેવી બેક્કાર છે. નથી સનલાઈટ્સ કે નથી રેઈન્સ.ઈરીટેટીંગ્ઝ. પણ મૌનમાં જબરી તાકાત છે.પણે જુઓ. કેવા ભાઈચારાથી ફુલો નીચે ત્રણેય ડેડબોડીઝ ગાઢ નિંદરમાં હોય એવી દેખાય છે!  કાકા, સાચું કહેજો. હું બોલ્યો એ વાત સાચી કે ખોટી?" કાંતિકાકાએ મનમાં કહ્યું 'ઈરીટેટીંગ' ને પ્રગટપણે "હા..મૌનમાં જબરી તાકાત હોય છે."નું મત્તું માર્યું ને રામુકાકાના સંબંધીઓ ઊભેલા એ તરફ પગ ઉપાડ્યા.  
એવું કહેવાય છે કે બહુ બોલ બોલ કરનારા લોકો બેવકુફ હોય છે." ખાલી ચણો વાગે ઘણો" કહેવતનો જન્મ પણ અધુરા જ્ઞાનને લીધે બધે ભરડ ભરડ કરતા લોકો થકી જ થયો છે. પણ જો એ લોકો બોલે નહીં તો એમની પાસે જે-તે વિષય અંગે અન્ય કરતાં વધુ માહિતી છે એ જાહેર જનતાને કેવી રીતે ખબર પડે? યે પબ્લિક હૈ ,સબ જાનતી હૈ વાળી પંક્તિ કંઈ બધી વખત સાચી ન પડે.ખાસ કરીને જ્યારે કોઈનું સન્માન કરાતું હોય ત્યારે બધાને જેનું સન્માન થતું હોય એના વિષે બધી માહિતી હોય જ એવું જરુરી નથી. એવા સમયે બોલવું જ પડે. ને મોટાંભાગે આવા કાર્યક્રમો નિયત સમય કરતાં વધુ સમય લઈ જ લે. દરેક વક્તા પોતે બીજાં વક્તા કરતાં વધુ જાણે છેની હરિફાઈમાં સ્થળ,કાળ ,હાજરી બધું ભુલીને વધુ પડતુ બોલી નાંખે. એકવાર ંધારદાર બોલવા માટે જાણીતા સ્વ. મોરારજી દેસાઈનો સન્માન સમારંભ હતો. મંચસ્થ વિદ્વાનો એટલું બધું બોલ્યા કે મોરારજીભાઈનો વારો આવ્યો ત્યારે એ માત્ર "નહીં બોલું"  જ બોલીને બેસી ગયા.લાખ આગ્રહ છતાં ય એ ટેકીલો જણ ધરાર ન જ બોલ્યો . આજે ચારેકોર આપણા રાજકારણીઓ જે રીતે નિવેદનો ફટકારે છે એ જોતાં એમ થાય કે કદાચ ગમેતેમ બફાટ કરવો એ રાજકારણમાં પ્રવેશવા માટેની છુપી એડિશનલ લાયકાત હોવી જોઈએ. જેમ પબ્લિક સ્પીકિંગ માટે કોચિંગ ક્લાસ હોય છે એમ "મનફાવે એવાં  નિવેદનો "નહી કરવા  માટે પણ કોચિંગ ક્લાસ હોવા જોઈએ અને રાજકારણમાં પ્રવેશવા ઈચ્છુકો માટે ફરજિયાત એક સર્ટિફિકેટ કોર્સ દાખલ કરવો  જોઈએ તદુપરાંત, એ કોર્સ કરેલા ઉમેદવાર પાસેથી ઇન્કમ ટેક્સ વિભાગે  એડવાન્સમાં જ  નિવેદન-મનોરંજ-ટેક્સ વસુલ કરવાની કલમ લાગુ કરવી જોઈએ. એનાથી જો કે  મિડીયાને અને પ્રજાને ચોક્કસપણે રાજકારણમાંથી મનોરંજનનું તત્વ ઘટી ગયાની લાગણી ઉદ્ભવશે.પણ  મનોરંજન સ્વયંપ્રકાશિત હીરા સમાન છે. અેને ગમે એટલું ઢબૂરો તો ય ચળકશે જ.  
બહુ બોલકણા લોકો પર લોકોને વિશ્વાસ ઓછો બેસે છે અને એમની વાતોની સચ્ચાઈ વિષે શંકા રાખે છે પણ હકીકત એ છે કે એવા બોલકણા લોકો જે-તે ઘટના કે દુર્ઘટના અંગે એ જ વખતે બોલી પરવાર્યા હોવાથી એમની વાતો નિત નવી જ હોય છે. નિતનવી વાતો પીરસવા માટે એમણે કુવામાંના દેડકા ન બની રહેતા બહાર કુદકો મારવો જ પડે છે. દેશ અને દુનિયાનાં સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવાને લીધે એ પાંચમાં પુછાય છે. એમનું મિત્ર વર્તુળ પણ સિમિત ન રહેતા બહોળું હોય છે.  સામી બાજુ, મૌન રહેનારા મીંઢામાં ખપે છે. જેમ શાંત પાણી ઊંડા હોય એમ મૌન રહેતાં લોકોનું મન કળી શકાતું નથી. મૌન રહેવાની ટેવનાં લીધે એમનું જ્ઞાન વહેંચાયા વિનાનું રહે છે .આ વહેંચાયા વિનાના જ્ઞાનથી એમની મેમરીની ચીપ ભરેલી જ રહે છે પરિણામે એ નવું જ્ઞાન મેળવે તો પણ સ્થળ સંકોચના કારણે સંગ્રહી શક્તા નથી અને એમની સ્થિતિ બંધિયાર તળાવ જેવી થઈ જાય છે. આ કારણોસર આવા મૌનીબાબાઓનું મિત્રવર્તુળ મર્યાદિત  રહે છે.ઘણી વખત પોતાના અજ્ઞાનને છુપાવવા માટે ચતુરો મૌનનો સહારો લે છે. તો કેટલીક વાર કપરા અથવા વિપરીત સંજોગોને લીધે બોલકણાઓએ પણ મૌન સેવવું પડે છે. અણગમતી પરિસ્થિતિમાં બોલવા કરતા બાફવાના પરિણામો ભયંકર આવી શકે છે એનાથી આપણે અવગત છીએ. એકવાર છૂટી ગયેલું તીર અને શબ્દો પાછાં નથી વળતાં.આ વાત બરાબર સમજતાં સમજદારો જોખી જોખીને બોલવાનું મુનાસિબ સમજે છે પણ બોલે તો છે જ. એટલે ન બોલવામાં નવ ગુણ કરતાં બોલે એના બોર વધુ જ વેચાય છે એમાં કોઈ ઈનકાર કરી શકે એમ નથી .મૌન થકી કોઈ સાધુસંતોએ પોતાના શિષ્યોને જ્ઞાન પીરસ્યું હોય એવા દાખલા સમાજમાં કેટલા?
ખોંખારો: ગાંધીજી સાત દિવસે  એક દિવસ મૌન રાખતા એ જાણીને અમે એમનાથી પ્રેરિત થઈને રોજ પુરા સાત કલાક મૌન પાળીએ છીએ- ઊંઘી જઈએ ત્યારે. 

Saturday, July 23, 2016

વરસાદ, દાળવડાં,મકાઈ.....

મુંબઈ સમાચાર,૨૧/૦૭/૨૦૧૬...લાડકી ..મરક મરક ..

ઓણ સાલ પણ વરુણ દેવતાએ રથયાત્રા પર મહેર કરી નથી.મીન્સ કે અષાઢી સુદ બીજે નીકળતી રથયાત્રા પર અમીછાંટણા થાય જ થાય એ આ વખતે પણ થયાં નથી. સહેજસાજ ભીંજાઈએ એટલાં જ છાંટા વરસાદ પડે એ "અમીછાંટણા" કહેવાય."છાંટોપાણી" એ પાછો  જુદો જ વિષય છે. દારુબંધીવાળા ગુજરાત રાજ્યમાં છાંટોપાણીની વ્યાખ્યા  જરા તરા પાણી વરસે કે બાટલીમાં તબદીલ થઈ જાય છે. છેલ્લાં થોડાં વરસોથી રથયાત્રાના બીજા દિવસે છાપાંઓને આ અમીછાંટણાવાળી હેડલાઈન બનાવવાનો મોકો મળતો નથી.હવે એવી રથયાત્રા ય ક્યાં હોય છે ?
વરસતા વરસાદમાં મકાઈ ખાવાનો મહિમા શું છે એ તો ભગવાન જાણે પણ મકાઈનું મહત્તમ વેચાણ ચાલુ વરસાદે જ થાય.સામાન્ય રીતે મોટી છત્રી નીચે તેલના ખાલી ડબ્બા પર મકાઈમાલિકે સ્થાન ગ્રહણ કર્યું હોય.સામે નાનકડી સગડી કે ઈંટ ગોઠવીને ચુલામાં કોલસો સળગાવીને એના પર તવો મુકેલો હોય ને તવા પર ફાઈનલ પ્રોડક્ટ 'મકાઈ" શેકાતી હોય. ચાર પાંચ નંગ શેકેલી મકાઈ ડેમોસ્ટ્રેશનાર્થાય મુકેલી હોય. ખરીદનારને બહુ ઉતાવળ હોય તો આ ડેમો પીસમાંથી જ ફરી ગરમ કરીને મીઠંુ મરચું વગેરે મસાલો ભભરાવીને આપી દે. વડોદરા તરફ જતાં રોડની ધાર પર  અમેરિકન મકાઈ ઢગલેમોંઢે વેચાતી દેખાય. અહીં મકાઈ બાફીને ખાવાનો રિવાજ છે. મોટા મોટા તપેલામાં પાણી ઉકળતું જ હોય.આ વેચાણકેન્દ્રોની પાછળ ખાડા ખાબોચિયામાં ભરાયેલા વરસાદી કે વગર વરસાદી પાણી જોઈને એકવાર તો એવી શંકા જાય જ કે તપેલામાં જે પાણી ઉકળે છે એ આ સુલભ પાણી જ હશે. પણ પછી પાણી ઉકળે એટલે પીવાલાયક થઈ જ જાય એવી માન્યતાની જીત થાય અને લોકો આ મકાઈ ખાવા લાઈન લગાવે.  મકાઈ" ખાધો" કહેવું કે " ખાધી " એ વિશે મતમતાંતર ખરાં પણ સ્વાદના મામલે બધાં એકમત.
વરસાદમાં દાળવડાંને અનેરું મહત્વ મળ્યું છે.  શ્રી કૃષ્ણે "વડાંમાં હું દાળવડા છું " એવું કદાચ આધારભૂત સૂત્રોને જણાવ્યુ નહીં  હોય અથવા દાળવડા ખાવાની ઉતાવળમાં જણાવવાનું રહી ગયું હશે એટલે એ વિશે ક્યાંય નોંધ કે ઉલ્લેખ વાંચવા મળતો નથી. ગલીએ ગલીએ દાળવડાંની લારી કે ખુમચા ચોમાસાની ઋતુ પુરતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.ને ભાગ્યે જ કોઈ નસીબનો નબળો હશે કે એણે વાસી દાળવડા વેચવા પડે.મુળભુત રીતે લીલાશ પડતા પણ તળાય એટલે રંગ બદલીને જરા લાલાશ પડતાં દાળવડાંની પ્લેટમાં દાળવડા સાથે તળેલું લીલું મરચું અને ગુલાબી ઝાંયવાળી સમારેલી ડુંગળી અજબ રંગછટા ઊભી કરે છે અને પ્લેટધારકને દાળવડા ખાવા લલચાવે છે. ડુંગળીએ જ્યારે અસહ્ય ભાવવધારાને લીધે બધાને રડાવેલાં ત્યારે કેટલાંક સાહસિકોએ ડુંગળીની અવેજીમાં સમારેલી કોબીજ મુકી જોઈ હતી જેથી રંગ વૈવિધ્ય જળવાઈ રહે.સદ્નસીબે ડુંગળીના ભાવ ઓછાં થયાં અને આ અખતરાનો અકાળ અંત આવ્યો.
છત્રી અને રેઈનકોટ એ બે એવી વસ્તુ છે કે જેનો ઉપાડ ખરેખર સીઝનલ જ હોય.બાકી ઘણી દુકાનોમાં "સીઝનલ" પાટિયું ય બારેમાસ ઝુલતું હોય અને ત્યાં વેચાતી વસ્તુઓ ય ! છત્રીનાં બજારમાં વર્ષો સુધી છત્રીનો રંગ કાળો જ હોય એવી માન્યતા રહી પણ હવે અનેક રંગરુપવાળી છત્રીઓ બજારમાં ઉપલબ્ધ છે. જો કે ગમ્મે એટલાં રંગવાળી હશે તો ય ," છત્રી કાગડો થઈ ગઈ" માં કોઈ દિવસ બદલાવ નહીં આવે. છત્રી છત્રી તરીકે જ ઓળખાય છે એ એની વિશેષતા છે. ભાઈઓ માટે " જેન્ટસ છત્રી"- કદમાં થોડી મોટી અને બહેનો માટે કદમાં જરા નાની" લેડીઝ છત્રી ". રેઈનકોટમાં આવો કોઈ જેન્ડર બાયઝ નથી. કોઈ પણ રેઈનકોટ ગમે તે વ્યક્તિ પહેરી શકે. પણ તેમ છતાં ય બહેનો માટેનાં રેઈનકોટમાં પસંદગી વધુ વિશાળ છે.
રક્ષાબંધન  જેવો  મજબૂત તહેવાર ચોમાસા દરમ્યાન આવતો હોવાથી કપડાંનાં મોટાંભાગનાં સેલ આ સમયે જોવા મળે. તો ભેજયુક્ત વાતાવરણને લીધે ધોયેલાં કપડાં સુકવવાની તકલીફ અને ચિંતા બહેનોની માનસિક્તાનો લાભ  સૌથી વધુ વોશિંગ મશીનવાળા લે છે. કપડાં સાચવતા સાચવતા રસ્તે ચાલવું લગભગ અશક્ય બની જાય એવા સમયે ધોયેલાં કપડાં સુકવી આપતાં આ મશીનો આશીર્વાદ સમાન ખરાં. અમદાવાદમાં તો ભુવાઓ એટલા બધા પડે કે હવે અમુક જગ્યાએ ભુવો ન પડે તો લોકો અસુખ મહેસુસ કરે! ( ભુવો એટલે રસ્તા પર પડતો ઊંડો ખાડો,ઘણીવાર આખી બસે ભુવા-સમાધિ લીધાનાં ય દાખલા છે.)  
ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું હોય ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત ઋજુ હ્રદયધારકો હોય છે અને એમની કાવ્યાત્મક સર્જનાત્મક્તામાં નિફ્ટી કરતા ય વધુ ઝડપથી ઉછાળો આવે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.વરસાદમાં બહુ જ ટુંકા સમય માટે અવતરતા પાંખવાળા મંકોડા/ ફુદ્દાં ની માફક જ આ પ્રજાતિની સર્જક્તા પણ વરસાદ પુરતી ,મોટાભાગે વરસાદ બંધ થાય એ પહેલાં વિલાઈ જતી હોય છે.  આ પ્રજાતિના સભ્યો ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ સાઈટ પર અત્યંત સક્રિય હોય છે.ને ખાસ કરીને કાવ્ય પ્રકાર પર જ જુલમ કરતી જોવા મળે છે. આવી બળજબરીના લીધે રિયલ કવિઓને ઘોર અન્યાય થાય છે જે આ ફુદ્દાં-કવિઓ જાણતા હોવા છતાં સસ્તી પ્રસિધ્ધિ માટે નજરઅંદાજ કરે છે .
પ્રેમલા પ્રેમલીઓ માટે ચોમાસું શ્રેષ્ઠ ઋતુ છે . ફિલ્મોમાં ખાસ વરસાદનાં દ્રશ્યો ફિલ્માવીને વકરો વધારવાના કિમીયો કરવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે વરસાદી પ્રણય દ્રશ્ય જે ફિલ્મમાં હોય એ હીટ જ જાય એવી અંધશ્રધ્ધાને લીધે જરુરી હોય કે ન હોય,વરસાદની ઋતુ હોય કે ન હોય ફિલ્મમાં એવું દ્રશ્ય ઘુસાડવામાં આવતું.કૃત્રિમ વરસાદ માટે શાવરનો ઉપયોગ રાજ કપુરથી વધારે કોઈએ નહીં કર્યો હોય. વરસાદી પ્રણય દ્રશ્યોમાં મોટાંભાગે ગીતોની મદદ લેવાઈ છે એ કારણ કદાચ પેલાં ફુદ્દાં-કવિઓને પ્રેરણારુપ લાગતું હો ય તો નવાઈ નહીં.  મહાન  કોમેડિયન ચાર્લી ચેપ્લિને એકવાર કહેલું કે "આઈ ઓલવેઝ લાઈક વોકિંગ ઈન ધ રેઈન , સો નો વન કેન સી મી ક્રાઈંગ."
 
ખોંખારો: વરસાદ આવે ત્યારે...
અરેન્જ્ડ  મેરેજવાળા ભજિયાં બનાવડાવે ને લવ મેરેજ વાળા લોન્ગ ડ્રાઈવ પર જાય.
( વોટ્સપ પર વાઈરલ  )
 

Saturday, July 9, 2016

આહ ગરમી! ઓહ ગરમી!

મુંબઈ સમાચાર,૨૬/૦૫/૨૦૧૬ ગુરુવાર, "મરક મરક" લાડકી section..
- દેસાઈ શિલ્પા 



ગ્રીષ્મ અને ગરમાળો સરખાં જ પુરબહારમાં ખીલ્યાં છે. મોર ને કોયલ ક્યાંય વર્તાતા નથી.અરે એટલે સુધી કે લોકો પ્રેમિકાને બદલે પાપડને પ્રેમપત્રો લખવા માંડ્યા છે.સોશિયલ મિડીયા પર તો ૫૦ ડિગ્રી તાપમાનના સ્ક્રીન શોટ્સ જોઈને એમ જ લાગે કે લોકો આ પરિસ્થિતિને  ય ઉત્સવ તરીકે જ ઉજવે  છે.ઠેરઠેર તાપમાનની જ ગરમાગરમ ચર્ચા થતી જોવા મળે છે.છાપાંઓ ય રોજ એકના એક "ત્રાહિમામ.. અગનગોળા..આગ..લુ.. હીટસ્ટ્રોક કે હીટવેવ જેવા ંશબ્દોનો ઉપયોગ કરીને તાપમાનની માહિતી આપવામાં યથાશક્તિ ફાળો નોંધાવી રહ્યાં છે એવા આગઝરતાં વાતાવરણમાં અમારું વિચારચક્ર એકધાર્યું ફરતું જ રહે છે એ અમારા માટે ગૌરવની વાત છે .વોટ્સઅપ પર ઢગલેમોંઢે આવતાં સંદેશાઓ વાંચીને અમને જ્ઞાન પ્રાપ્ત થયું કે જેમ વરસાદ કવિઓની સર્જનાત્મક્તા  ટોચ પર લાવી મુકે છે એમ જ ગરમી પણ સર્જકોની સર્જનાત્મક્તા પર હકારાત્મક અસર કરે જ છે . બાકી પ્રેમપત્રોનું લક્ષ્ય પ્રેમિકાને બદલે પાપડ થઈ શકે ?" પ્રિય પાપડ, આજે સમજાયું કે શેકાઈએ તો કેવી અનુભૂતિ થાય! " આ અમર વનલાઈન પ્રેમપત્ર જો આટલી ગરમી ન પડી હોત તો મળી શક્યું હોત ભલા?જીવનમાં એક પણ વૃક્ષ ન રોપ્યું હોય એવા એવા લોકો ય વૃક્ષ વાવો વરસાદ લાવો અભિયાનમાં હૈસો હૈસો કરતાં જોડાઈ ગયા એ આ કાળઝાળ ગરમીની સિધ્ધિ નહીં તો બીજું શું વળી?  સોસાયટીમાં સભ્યોની એક બેઠક થઈ એમાં ય ગરમીનો પારો જ મેદાન મારી ગયો. દરેક જણ પોતાની સમજ પ્રમાણે  ગરમીથી બચવાના ઉપાય સુચવી રહ્યાં હતાં.ચીનુકાકાએ સદરાની બાંયથી પરસેવો લૂછતા લૂછતા વિકાસ કરવામાં પર્યાવરણની શું હાલત થઈ એ વિશે કહેવામાં ખુબ સમય લીધો એવું એમને ઉંમરની મર્યાદાને લીધે કોઈ કહી શકે એમ નહતું . આ પરિસ્થિતિનો એમણે ભરપુર ફાયદો ઉઠાવતાં મોબાઈલમાં આવેલાં એ બધાં જ સંદેશાઓ આરોહ અવરોહ સહિત વાચિકમ્ આરંભ્યું . અમારા સદ્નસીબે અમારો મોબાઈલ રણક્યો અને અમે એક્સક્યુઝ મી કહીને  રુમમાંથી  બહાર આવ્યાં. ફોન  કોઈ "પશુ પક્ષી બચાવો" સંસ્થામાંથી હતો. સંસ્થા તરફથી પક્ષીઓ માટે પૂંઠામાંથી બનાવેલાં માળા અને પાણી માટે માટીનાં બાઊલના વિતરણની માહિતી આપ્યાં પછી એમણે  આ માહિતી બને એટલી વધુ લોકો સુધી પહોંચાડવાની વિનંતી કરી. અમે મુંગા જીવોની સેવા માટે આ કાર્ય કરવા બદલ સંસ્થાને અભિનંદન અને ઘટતું કરી છૂટવાની ખાત્રી આપીને ફોન કટ કર્યો.અને કાયમની માફક અમારા વિચારચક્રમાં પ્રાણ ફૂંકાયો. પાકું ફળ સમજીને બાલ હનુમાનજીએ  સુરજને પકડવા દોટ મુકેલી એવું કંઈક નાનપણમાં વાંચ્યાનું યાદ આવ્યું. વળી વિચાર આવ્યો કે ત્યારે ય આટલી બધી ડિગ્રી ગરમી હશે? એ વખતે તો એસી કે કુલર કે પંખા ય નહતા તો લોકો કેવી રીતે રહેતા હશે?એવો બધો તો ક્યાંય ઉલ્લેખ અમે વાંચ્યો નથી .ને ડિગ્રીની વાત નીકળી છે તો ભેગાભેગી અમને કહી જ દેવા દો કે એક એક ડિગ્રી માટે જ્યાં મહાભારતવાળી થતી હોય ત્યાં એકસાથે ૮-૧૦ ડિગ્રી વધી જાય તો પરમાણુ યુધ્ધવાળી પરિસ્થિતિ  જ કહેવાય કે નહીં? ફેસબુકમાં એક ઉત્સાહીએ પોસ્ટ મુકેલી કે "અત્યારે તો ટાઢિયો તાવ આવે તો મજા પડે  .. આપડે 50 ડિગ્રી માં 2 ગોદડા ઓઢીને હેય  .. સુતા હોઈએ ને ખબર કાઢવા આવે એને મોઢું બહાર કાઢીને કહીએ કે બહુ ઠંડી વાય છે યાર   .. ને પછી એનું મોઢું જોઇને જે જલસો પડે  .. નઈ??" કેટલી ક્રુર ક્રીએટિવિટી ! કદાચ ગ્રીષ્મ  કાવ્યોનો ય ફાલ ઉતરવા માંડે તો નવાઈ નહી. આવા વિચારોમાં ને  વિચારોમાં અમે ક્યારે પુસ્તકાલયમાં પહોંચી ગયા તેની ય સરત ન રહી. નજરોને  હેતુવિહીન એક રેક પરથી બીજી રેક પર ફેરવવામાં અમને ગઈ સદીના મહાન ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમ કે નોસ્ટ્રાડેમસની આગાહીોનું પુસ્તક હાથ લાગ્યું. એમાં લગભગ બધી  આગાહીઓનો અર્થવિસ્તાર આપેલો હતો પણ અમુક આગાહીઓ વણઉકેલી જ રહી જવા પામી હતી. આ વણઉકેલેલી આગાહીઓ અમે અમારી સમજ પ્રમાણે ઉકેલી.મોટાંભાગની આગાહી હવામાનની બદલાતી તાસીર અંગેની અને તે પણ માત્ર ઉનાળા માટેની  જ હતી. અહીં આપેલી  બધી આગાહીઓ  ભારત પુરતી સિમિત છે.
૧. ભારતમાં મોર અમેરિકન સમય મુજબ ત્યાંની સવાર અેટલે કે ભારતીય સમય પ્રમાણે રાત્રે કળા કરશે
૨. બરફગોળાની લારીઓ પર "બરફનું પાણી થઈ જતું હોવાથી દરેક ગ્રાહકે બરફ જાતે લાવવો. અહીં માત્ર શરબત જબરફ પર નાંખી અપાશે." એવાં પાટિયાં ઝુલતા દેખાશે.
૩. આપણું રાષ્ટ્રીય પીણું ચા હોવા છતાં કોઈ  એનો ભાવ નહીં પુછે.
૪.સ્વીમીંગ પુલમાં  shallow માં જ વધુમાં વધુ  પાંચ મિનિટ ચાલી શકાશે. તરવા પર પ્રતિબંધ મુકાશે.
૫. બપોરના સમયે માત્ર ડુંગળી જ વેચી શકાશે. બાકી બધાં લારી ગલ્લાં જડબેસલાખ રાજકોટવાળી એટલે કે બપોરે બાર થી ચાર સ્વયંભુ બંધ પાળશે.
૬. કેરીનું સમગ્ર ઉત્પાદન બાફલા બિઝનેસમાં વપરાઈ જવાથી વલસાડી આફૂસ કે તાલાલાની કેસર કેરી જેવી કેરી પણ વિદેશથી આયાત કરવી પડશે.
૭. કવિઓ/લેખકો  જેમ વરસાદને લાડ લડાવે છે એમ ગ્રીષ્મ પર પણ છૂટું છવાયું લખવાને બદલે ગ્રીષ્મ કાવ્યો/લેખો/નિબંધ સંગ્રહ બહાર પાડશે.
  આટલી આગાહીઓ ઉકેલ્યાં પછી અમને લાગ્યું કે અમે ય આ તદ્ન નવી આગાહીઓની પુસ્તિકા બહાર પાડીએ તો કેવું? આવતાં ઉનાળાની રાહ જોવી એનાં કરતાં શુભસ્ય શીઘ્રમ !  

ખોંખારો: વૃક્ષ ન વાવવા એ ગુનો હોય એમ ધમકી સ્વરુપનાં કેટલાંક સંદેશાઓ વાંચતા તો એમ જ લાગે છે કે આવતી સિઝનથી જો જનતા માને તો ગરમી તો દૂર સુરજના કિરણો ય આપણા સુધી નહીં પહોંચે.

 

અખતરામાં ખતરો ..

મુંબઈસમાચાર ૧૬/૦૬/૧૬ ,ગુરુવાર "મરક મરક" લાડકી વિભાગ , 



પિત્ઝા -પાસ્તા -બર્ગર ને સેન્ડવીચનાં આ ફાસ્ટફૂડ યુગમાં રસોઈ કરવાની કળા જરા કોરાણે મુકાતી ચાલી  છે જાણે! ગોળ ચોરસ લંબગોળ એવી બીબાંઢાળ વાનગીઓ ખાઈને જુવાન થતી જેન નેક્સ્ટ( Gen next )હવે પરણે એ પહેલાં સાસરાનાં રસોડે જઈને લોટના કે મસાલાના  ડબ્બા ક્યાં મુકાય છે એ જોવાને બદલે માઈક્રોવેવ અવન કે ટોસ્ટરની જગ્યા જોવા લાગી છે એવા આ ચટાકેદર સમયમાં "રસોડાંની રાણી" શોધે જડે ખરી ? ચીઝ ને પનીરના આધિપત્યવાળા માહૌલમાં ભરેલાં રીંગણ કે રસાવાળા બટાકા કોઈ પ્રસંગ સિવાય પણ પોતાનાં ઘરે ખાવા મળતાં હોય એવાં લોકો ખરેખર  ભાગ્યશાળી  કહેવાય . અનાવિલ કુટુંબોમાં તો છોકરી જોવા જાય ત્યારે છોકરી પાસે પાપડ શેકાવાતો.ને એ પરથી એની રસોઈકળા વિશે અંદાજ બાંધીને છોકરો પરણાવવો કે નહીં એ નક્કી થતું . હવે સમય બદલાવાની સાથે સમાજ પણ બદલાયો છે . આમ જોવા જાવ તો રસોઈ કે રસોડંુ સ્ત્રીઓના ક્ષેત્ર તરીકે પંકાયેલા છે પણ ભારતમાં અત્યારે નંબર વન રસોઈયો હોય તો એ સંજીવ કપુર છે . સ્વ. તરલા દલાલે રસોઈને લગતાં અનેક પુસ્તકો બહાર પાડીને કેટલીય માતાઓ અને કોડભરી કન્યાઓનાં છાનાં આશીર્વાદ મેળવ્યાં હશે. માસ્ટર શેફ નામનાં રસોઈને લગતા વિદેશી ટીવી રિયાલીટી શોથી પ્રેરાઈને હવે અહીં પણ આવા શો થાય છે જેમાં બહેનો કરતાં ભાઈઓની સંખ્યા વધતી જતી દેખાય છે.મીન્સ પુરુષો સ્ત્રી સમોવડાં થવાના ધીમાં પણ મક્કમ પ્રયત્નો કરી રહ્યાં છે .
વિચારોનાં આવાં ગૂંચળાં ઉકેલતા ઉકેલતા અમે સોસાયટીના કોમન પ્લોટમાં આસપાસની દુનિયાથી બેખબર ટહેલી રહ્યા હતા. રોજ બપોરે ટીવી પર લગભગ બધી ચેનલ પર જુદાં જુદાં નામે રસોઈ શો આવે છે એ યાદ  આવતા અમે જરાક મરકી રહ્યા. એવામાં સામેથી રોનક સાયકલ પર આવતો દેખાયો.  આ એની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા જ સાયકલ ચલાવતો
લાગે છે બાકી મારો બેટો એમ તો કોઈનું સાંભળે એવો છે નહીં..
"શું ભટ્ટજી.. કેમ એકલા એકલા હસો છો? એકલું કોણ હસે ખબર છે ને? એ સોરી સોરી." કહીને રોનક એકદમ મોટ્ટેથી હસ્યો. મનમાં તો એવી દાઝ ચડી ને રોન્કા પર.. પરાણે હસતું મોં રાખીને અમે કહચું : કંઈક યાદ આવ્યું એટલે.તું કહે.કેમનું છે? ઓલ ગુડ?
"હા. પણ એક કામ છે . તમને કહેવામાં વાંધો નહીં"
"ઓહ્હો.. બોલ.. "
"સ્વીટીને રસોઈ શીખવી છે. બેઝિક તો એને આવડે છે પણ એ સિવાય ..તમને એ ઓળખે છે ને અમારે ત્યાં કેવું ભાવે છે એ આપણાં ફેમિલીના વાટકીવહેવારને લીધે તમને ખબર છે. તમે થોડું ગાઈડન્સ આપો તો જરા ઈઝી પડે ,યુ નો.." "અમને  આ પ્રસ્તાવ સાંભળીને કરંટ લાગ્યો. તત્પુરતી તો હા એ હા કરીને અમે એને પંદર દિવસ પછી આવવા કહ્યંું. આભાર માનીને એણે મોબાઇલનાં ભુંગળા કાને લટકાવ્યાં ને સાયકલ મારી મુકી.અમે ય ઘરભણી પ્રયાણ કર્યું. આ રસોઈ શીખવવાવાળા પ્રસ્તાવે અમને અમારા રસોઈના અખતરાઓ યાદ કરાવી દીધાં. એ વખતે તો કંઈ આવું ટીવી પર કે ઓનલાઈન- ફોનલાઈન
હતુ નહીં એટલે ઘરમાં જે બને એમાંથી જ , ક્યારેક પાસપડોશમાંથી તો કોઈવાર છાપાંમાં આવે એ વાનગીની રેસિપીઓ અથવા તો કોઈ એકાદ જણ પાસે હોય રેસિપીબુક.. એના પરથી આવડે એટલે ભયો ભયો. .અમે મન મક્કમ કરીને રસોડામાં   પગ મુકેલો. એમ તો ગયા જ હોય બધા ય રસોડામાં પણ અમે રસોઈ અર્થે પહેલીવાર જતા હતા. પહેલીવાર રસોઈ કરીએ છીએ કંઈક ગળ્યું બનાવીએ એવી એષણાથી "કેક" પર પસંદગી ઉતારેલી. એક ઓળખીતા આંટી પાસેથી કેકની રીત લખી રાખેલી . કાગળિયામાં વાંચી વાંચીને અમે બધી સામગ્રી ભેગી કરી.રસોઈ જેવા  સાવ નવાં જ ક્ષેત્રમાં ખેડાણ કરતા હોવાથી અમને બીજાં બધાં કરતા બમણો સમય લાગ્યો .કદાચને કેક બરાબર ન બને તો બધું બગડે..એવું વિચારીને અમે અગમચેતી વાપરીને બધી સામગ્રી લખેલાં માપ કરતાં અરધી જ લીધેલી. ભગવાનનું નામ લઈને અમે કેક અવનમાં મુકી.બઝર વાગ્યું એટલે અમે કેક બહાર કાઢી ને ડાઈનીંગ ટેબલ પર મુકી. થોડીવાર રહીને અમે એમાં તવેથો ખોસી જોયો. અમારાં આઘાત વચ્ચે તવેથો વાંકો વળી ગયો. અમે સમજી જ ન શક્યાં કે બધું માપ બરાબર હતું તો આમ કેમ થયું ?એટલામાં એક બિલાડી આવી. અમારી હાજરી ગણકાર્યા વિના એણે ટેબલ પર રહેલી કેકમાં મોંઢું નાંખ્યું પણ કેક પણ જિદ્દી નીકળી. બિલાડીને જરા પણ મચક ન આપી. ઓઝપાયેલી બિલાડી એનાં સમાજમાં અમારી કેક વિષે કંઇ નહીં બોલે પણ ફરીથી એ અમારી કેક પર નજર નહીં બગાડે  એ નક્કી. ખાસ્સીવાર પછી અમને ટ્યુબલાઈટ થઈ કે સામગ્રી અરધા માપે કરી પણ એનો બેકિંગ સમય તો લખ્યા મુજબનો જ રાખેલો. હવે આવું ઓછું થાય છે અમારે પણ થાય છે ખરું.પણ રોનકને ના કેવી રીતે કહેવાય? થઈ પડશે વિચારીને અમે વિચારયાત્રા આગળ ધપાવી.
એક તો અમને આ રસોઈશાસ્ત્રમાં ત્રણ શબ્દો કદી સમજાયા નથી. "આશરે , સ્વાદાનુસાર અને પ્રમાણસર" .કોઈ વાનગીમાં  આશરે મસાલા   નાંખીએ તો એ પ્રમાણસર અને સ્વાદાનુસાર હોય? ભલભલા રસોઈવિશેષજ્ઞો ટીવી શોમાં આવીને ગમ્મે તે કહે પણ એમને ય આ ત્રણ શબ્દોનો પાકો અર્થ ખબર નહીં હોય.અમે બધું પેલી ચિબાવલી એન્કર ગુજરાતી કમ ઈંગલીશ જ્યાદા ભાષામાં લિસ્ટ બોલે એ પ્રમાણે મુખ્ય શાકભાજી કે ઈન્ગ્રેડિયન્ટ્સ   તેલ રાઈ હળદર મરચું ભેગું કરીને રાખીએ પણ જેવા  રસોઈનિષ્ણાત "સ્વાદાનુસાર"  બોલે કે બધું વ્યર્થ. ને હાથ સીધો એગ્ઝોસ્ટ ફેનની સ્વીચ પર. એપ્રનથી પરસેવો લુછતા લુછતા "જય ભોલે" બોલીને મસાલો કરી દેવાનો. આ છે અમારા રસોઈના પ્રયોગો. હવે તમે જ કહો, આવું અમે રોનકને કેવી રીતે કહી શકીએ?
 
ખોંખારો :રસોઈમાં રસ હોય તો એ કલા છે ને રસ ન હોય તો કડાકુટ .    


Thursday, July 7, 2016

જડમૂળથી રોગ કાઢવો છે?

મુંબઈ સમાચાર, ૧૨/૦૫/૨૦૧૬ ગુરુવાર "મરક મરક" લાડકી section ..


— શિલ્પા દેસાઈ

સવાર સવારમાં સોસાયટીમાં બૂમાબૂમ થઈ ગઈ “જલદી બધા અહીં આવો. ડાહ્યાકાકાને જુઓ શું થયું છે?" જ્યારે જાહેરમાં જોરથી બોલાતું વાક્ય સમજાય નહીં ત્યારે શ્રેષ્ઠ ઉપાય અવાજની દિશામાં હડી કાઢવાનો હોય છે. આખી સોસાયટી ઘડીનાં છઠ્ઠાભાગમાં ડાહ્યાકાકાના ઘરે ભેગી થઈ ગઈ. અમે થોડા મોડા પડ્યાં. અમુક જણ તો હાથમાં ચાનો કપ લઈને જ દોડી આવેલાં, એટલે ઘરની બહાર સબડકા મારતા ઊભા હતા. અમે “એક્સ્યુઝ મી” કહીને અંદર ગયા. ડ્રૉઇંગ રૂમમાં ભારતીય શૈલીની બેઠક પર ડાહ્યાકાકા પલાંઠી વાળીને બેઠેલા હતા અને ‘હેડકીઓ’ ખાઈ રહ્યા હતા. જમનાકાકી વિસ્ફારિત નેત્રે અને ચિંતાતુર ચહેરે ડાહ્યાકાકાને સતત બરડે હાથ ફેરવી રહ્યા હતા. ડાહ્યાકાકાના ચહેરા પર કયો ભાવ છે એ જાણવા જેટલો ‘પોઝ’ પણ એમની હેડકીઓ જ ખાઈ જતી હતી. સોસાયટીમાં જ રહેતા કનુ યોગી ઉર્ફે “યોગીકાકા” સામે ખુરશીમાં બેસીને 360-361 એવી ગણતરી કરતા હતા. એટલે કોઈએ ટપાર્યા. "ઓ યોગીકાકા, આ ડાહ્યાકાકા કપાલભારતી નથી કરતા આ કોઈ યોગાસન એમને ચોંટી ગયું લાગે છે તે એની જાતે જ આ થાય છે એટલે તમે ગણતરી કરવાનું માંડીવાળો. અને એ હેડકી બંધ કરવાનો ઉપાય વિચારો! " જેમ જેમ સમય જતો ગયો એમ એમ સહુનો ગભરાટ પણ જરા જરા વધતો ગયો. દરેક જણ આંખના ઇશારામાં એકબીજાને “હવે શું? પૂછતાં હતા અને કોઈની પાસે એનો ઉત્તર નહતો. એટલામાં સોસાયટીના આયુર્વેદાચાર્ય કહેવાતા હીરાબા નાનકડી ડીશમાં કશું લઈને આવ્યાં અને બેત્રણ પ્રયત્ન પછી ડાહ્યાકાકાના મોઢામાં એ ડીશમાંથી કશું ચપટી ભરીને ખવડાવી દેવામાં સફળ થયાં ને વળતી જ ક્ષણે જાણે જાદુ થયો જાણે! કાકાની હેડકી બંધ... હેડકી કદાચ ફરી આવવા માંડશે. અથવા હેડકી બંધ થયાનો ભ્રમ માત્ર છે. એવા હાવભાવ સાથે કાકા અધ્ધર જીવે ચકળવકળ જોઈ રહ્યા. થોડી વાર પછી એમને ખાતરી થઈ કે હેડકી ખરેખર ગઈ. પરસેવે રેબઝેબ ડાહ્યાકાકાએ પલાંઠી છોડી બાજુમાં ઊભેલાં એક સેવાભાવીએ અણવર વરરાજાને પરસેવો લૂછી આપે એમ કાકાને પરસેવો લૂછ્યો ને એમને ‘રિલેક્સ...રિલેક્સ...’ બોલતાં બોલતાં પકડી રાખ્યાં. હવે બધાનું ધ્યાન ડાહ્યાકાકા પરથી ખસીને હીરાબા પેલી જાદુઈ ડીશમાં શું લાવેલાં તે પર ગયું. કોઈ કંઈ પૂછે એ પહેલાં જ હીરાબાએ સાડીનો છેડો માથા પર સરખો ગોઠવ્યો અને કહ્યું : જોયું? આને કહેવાય આયુર્વેદનો કમાલ... મોરનાં પીંછાની રાખની ચપટી મોઢામાં મૂકી કે હેડકી બંધ થઈ ગઈ! બધાનાં મોઢા અને આંખો આશ્ચર્યચિહ્નમાં પહોળા થઈ ગયા ત્યાં ઊભેલાંમાંથી લગભગ પચાસ ટકાએ તો હીરાબાએ આપેલી આ સચોટ માહિતી પછી ઍલોપથી છોડીને આયુર્વેદ ભણી વળવાનાં વિચારોય કરવા લાગ્યા. અમે પણ આ બધી પ્રેરણાદાયી વાતો અને વાતાવરણથી પ્રેરાઈને ભલે ઉપરછલો તો ઉપરછલો પણ ડિગ્રીનાં કોઈ મોહ વિનાય આયુર્વેદનો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું. વારે વારે બધા “લોહી ઉકાળા” એવો શબ્દપ્રયોગ કરે ત્યારે એમ થાય કે આ “લોહીઉકાળા” આયુર્વેદની દવા હશે!! કારણ ઉકાળા તો આયુર્વેદનો પાયો કહેવાય. આવી બધી ગડમથલો કે કેમિકલ લોચા એ બધું મગજમાં ઊથલપાથલ મચાવવા લાગ્યું અને અમે એને વિધિનો સંકેત ગણીને આયુર્વેદના ખોળે માથું મૂકવાનો દૃઢ નિર્ધાર કર્યો. આ નિર્ધારના પ્રથમ ચરણ તરીકે અમે બધું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. જેમકે પહેલાં સોસાયટીમાં મોર આવી ચડે તો બધા એને ખલેલ ન પહોંચાડે એમ સંતાઈ જાત અને ક્યારે એ કલા કરશે એની રાહ જોતાં એના બદલે હવે ધારો કે મોર આવે તો એ જાય પછી એણે ક્યાંય પીંછુ મૂક્યું છે કે નહીં એ શોધ્યા કરતાં. આયુર્વેદનો કેવડો મોટો પ્રતાપ! આયુર્વેદ જિંદગી જીવવાની તરાહ જ બદલી નાખે છે એ અમને સ્વાનુભાવે સમજાયું.
આયુર્વેદ અપનાવવાનાં બીજાં ચરણમાં અમે સંશોધનો શરૂ કર્યાં. નાડી જોઈને શરીરમાં શું રોગ છે એવું નિદાન કરી આપનારા નાડી વૈદ્યોને શોધી કાઢવા અમે કેટલાંયને કામે લગાડ્યા. તો ખબર પડી કે હવે આવા “નાડી વૈદો” કરતાં અનાડી વૈદો (નાડી જોયા વગર નિદાન કરતાં) અને બેત્રણ મોટી મોટી માત્ર આયુર્વેદિક દવાઓની જ દુકાન છે. આવું બધું અમને જાણવા મળ્યું સમસમીવટી, અવિપત્તિકર ચૂર્ણ, રસાયણચૂર્ણ, હિમજ, હરડે, મહારાસનાદિ ક્વાથ વગેરે વગેરે નામો સાંભળીને ઍલોપથી તરફ યૂટર્ન મારી જવાનું નક્કી કરી લીધેલું પણ પછી મન મક્કમ કરીને અમે “ચરકસંહિતા” અને “આર્યભિષેક” નામના આયુર્વેદના બે મહાગ્રંથો પણ મંગાવી લીધા. એને કેમ મહાગ્રંથ કહેવાય છે એનો ઉત્તર પુસ્તકો ઘરે આવ્યાં એટલે એના કદ પરથી મળી ગયો. આયુર્વેદ વિશેનું વનલાઇનર બધાને ખબર છે “આયુર્વેદની કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં...” અમને પહેલું જ્ઞાન એ મળ્યું કે ઍલોપથીમાં પ્રિસ્ક્રીપ્શન હોય છે અને આયુર્વેદમાં “પ્રયોગો”ને, બીજું એ કે આયુર્વેદ કોઈ પણ રોગને જડમૂળથી મટાડે છે. અત્યાર સુધી જરા જેટલું માથું ચઢે તો અમે જે સફેદ ટીકડીઓ ટપ્પ લઈને ગળી લીધેલી તેનાં પર અમને ભયંકર ઘૃણા થઈ આવી. અને અમે આયુર્વેદનાં પુસ્તકો વાંચવાનો પ્રારંભ કર્યો, ત્યારે ખબર પડી કે આ તો સમુદ્ર છે. તમે જેમ જેમ ઊંડા ઊતરો એમ એમાં ફાકીઓ, ઉકાળા, જાતજાતના લેપ, પ્રવાહીઓ, વટીઓ વગેરે ઘણાં બધા ફાંટાઓ છે. વળી, કર્મ એ અહીં પણ ઘૂસ મારી છે “પંચકર્મ”!! પરેજી, નરણે કોઠે જેવા કેટલાય શબ્દો અમારી ડિક્શનરીમાં ઉમેરાયા. આ પુસ્તકોમાં રોગ થાય એનાં ઉપાય કરતાં પહેલાં એ ન થાય એના માટેની સાવધાનીઓય વર્ણવેલી છે બોલો, જેમ જેમ આ સમુદ્રમાં ઊંડા ઊતરવા લાગ્યા એમ એમ અમનેય આયુર્વેદ નિષ્ણાત હોવાનો વહેમ અમારા પંડમાં આવવા લાગ્યો હોય એમ અમે આનંદ અનુભવી રહ્યાં. અમારે હવે કોઈ પણ ભોગે આ ક્ષેત્રમાં જ આગળ વધવું એવો નિર્ધાર ડગલે ને પગલે મજબૂત થતો જતો હતો. એના માટે જે-તે ડિગ્રી હોવી જ જોઈએ એવી કશી જરૂર જણાઈ નહીં. ડાહ્યાકાકાની હેડકી મટાડનાર હીરાબાય ક્યાં ત્રણ ચોપડીથી આગળ ભણ્યાં છે? તોય આ વિષયમાં એ જે સલાહ આપે એ એકદમ અધિકૃત જ ગણાય. આયુર્વેદની પોથીઓ સમજીને વાંચીએ તો આપણેય પંડિત થઈ જ જવાના એવા ઇરાદા સાથે અમે ‘આર્યભિષક’ને પગે લાગ્યા અને ગ્રંથ ખોલ્યો. પહેલાં જ પાના પર વાંચ્યું કે આ ગ્રંથની આ 34મી આવૃત્તિ છે. સસ્તુ સાહિત્ય પ્રકાશને આ ગ્રંથ દ્વારા સમાજની બહુ અમૂલ્ય સેવા કરી છે.સદ્ ગત આયુર્વેદ માર્તંડ શાસ્ત્રી શંકર દાજી પહેએ લખેલાં મૂળ આ ગ્રંથમાં સૌ પહેલું જ ચિકિત્સા કરવાને કોણ અધિકારી છે એ માહિતી આપી દીધી છે. વળી જે દેશમાં જે મનુષ્ય જન્મ્યો હોય એ જ દેશની ઔષધિ એની ચિકિત્સા માટે ઉપયોગમાં લેવી!! આવા પ્રકારનું વાંચતા અમને જરા વિચાર આવ્યો કે બધા NRIઓ અહીંથી જે દવા-ફાકી વગેરે લઈ જાય છે એ ખરેખર એમને હવે ત્યાં કેટલું ઉપયોગી થતું હશે? વળતી જ પળે અમે નિવેદન વાંચવાનું બંધ કર્યું અને પુસ્તકમાં પાનાં ફેરવવા માંડ્યાં. અચાનક જ વાઘ કરડે તો શું ચિકિત્સા કરવી? એવું વાંચ્યું અને અમે આશ્ચર્ય પામ્યાં. વળી વિચાર આવ્યો વાઘ કરડે તો એની દવા પુસ્તકમાં છે એનો અર્થ એ કે અગાઉનાં સૈકાઓમાં વાઘ આપણાંને ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ભટકાઈ જતાં હશે? કે જંગલમાં આપણે ફરવા ગયા હોઈએ ત્યારે જ કરડી જતાં હશે? જે રીતે વાઘ હવે જૂજ જ બચ્યાં છે એ જોતાં અત્યારે તો વાઘ કરડે એય સદ્ ભાગ્ય ગણાય. વળી આ વિચારને હડસેલો મારીને અમે પાનાં ફેરવ્યાં. મેદસ્વીપણાના ઇલાજ અંગે થોડું વાંચ્યું અને આપણાં કવિ અને વૈદ્ય લાભશંકર ઠાકર ઉર્ફે લા. ઠા. યાદ આવી ગયાં. લા. ઠા. ને ત્યાં જનાર મેદસ્વી દર્દીને લા. ઠા. પહેલાં જ મગનાં પ્રયોગો પર ઉતારી દે. વીસ દિવસ મગ જ ખાવ. 21માં દિવસે પાછા આવજો. તમારી ફાંદ ઓછી થઈ હશે તો જ હું તમારી દવા કરીશ નહીં તો રામ રામ. વીસ દિવસ મગની પરેજીથી દર્દીનાં ફાંદનાં ઘેરાવામાં અચૂક ઘટાડો થઈ જાય. જો દર્દીએ સંયમ ન જાળવ્યો હોય તો એ પરીઘમાં ફેર ન પડે. એટલે લા. ઠા. ને ખ્યાલ આવી જાય કે ભાઈ/બહેન પરેજી કે સંયમ રાખી શકે એમ નથી. તો આગળ એ દવા શું કરી શકશે! હવે આવા વૈદ્યોય કેટલા? જે દર્દીને રોકડું જ કહી દે અથવા દર્દી જતો કરે! ગ્રંથ વાંચતા વાંચતા અમે વિચારચક્રવ્યૂહમાં ફસાઈ ગયાં. કેરળમાં સૌથી વધારે આયુર્વેદનાં સેન્ટરો છે. દરેક હોટેલોમાંય નાનું એવું આયુર્વેદ કાઉન્ટર તો ખરું જ.  ત્યાંના જુદાં જુદાં સેન્ટર્સ પર પંચકર્મ, શિરોધારા વગેરે માટે ફોરનર્સ વધારે દેખાય છે. અમે જુસ્સાથી દક્ષિણ ભારતનાં આયુર્વેદ સેન્ટરમાં જઈ સ્વાનુભવ લેવાનું નક્કી કર્યું. વિપુલ પ્રમાણમાં હરિયાળી પથરાયેલી હોવાથી કદાચ અહીં બધી ઔષધિઓ મળી રહેતી હશે અથવા બધી ઔષધિઓને આ પ્રદેશનું હવામાન અનુકૂળ આવતું હશે એટલે કે જે હોય તે આપણે આ વિદ્યામાં પારંગત થવું છે એમ વિચારીને બંને ગ્રંથને વ્યવસ્થિત ઠેકાણે મૂક્યાં એવુંય બને કે થોડું થોડું વાંચ્યા કરવાથી પણ આપણે કોઈને નિર્દોષ સલાહ આપી શકીએ તોય ઘણું! આજે એટલુંય કેટલાં કરે છે?

ખોંખારો : છેવટે કંઈ નહીં થાય તો જેમણે જગતને આયુર્વેદની મહામૂલી ભેટ આપી એવા ભગવાન ધન્વંતરિને દર ધનતેરસે પ્રણામ તો કરીશું જ...!!!

“કાળજા કેરો કટકો મારો...”

મુંબઈ સમાચાર, લાડકી section ..૦૫/૦૫/૨૦૧૬ ગુરુવાર, "મરક મરક" ..


— શિલ્પા દેસાઈ
 
 
તે દિવસે સવારથી જ અમારાં મન મસ્તિષ્કમાં “કાળજા કેરો કટકો મારો...” લોકગીત ઘુમરાયાં કરતું હતું. ગીત ભલે કવિ ‘દાદે’ કન્યાવિદાયને અનુલક્ષીને લખ્યું હોય પણ અમારો સંદર્ભ જુદો હતો. 15-15 વર્ષ સુધી જેણે એકધારો ટાઢતડકો-વરસાદ જોયા વિના અમને ટાણે-કટાણે સાથ આપ્યો એને અમારે આજે વિદાય આપવાની હતી. મન અત્યંત ભારે હતું. કોઈ કામમાં ચિત્ત લાગે નહીં. થોડી થોડી વારે ‘એને’ મન ભરીને નિહાળી લેવાની વૃત્તિ કાબૂમાં રહેતી ન હતી. 15 વર્ષ પહેલાં જો કોઈએ અમને કહ્યું હોત તો કે અમને આટલી બધી મોહમાયા થઈ જશે તો અમે એને ગાંડીમાં જ ખપાવી દીધાં હોત!
અમારી મનઃસ્થિતિ આમ તો છેલ્લા અઠવાડિયાથી આવી જ ડામાડોળ હતી. ઘડીકમાં મન ના પાડે કે છો ને રહે... બે ભેગું ત્રીજું... વળી, પાછું બીજું મન ટપારે આ જમાનામાં ત્રણ ત્રણ પોષાય કેવી રીતે? કેટલો બધો ખર્ચ આવે? જેમ જેમ વરસ વીતતાં જાય એમ ખર્ચા વધતાં જાય. થોડી આંસુની કશ્મકશ પછી અમે ફાઇનલ ડિસીઝન લઈ જ લીધું. ના રખાય. ને એમ અમે મક્કમ મન કરી લીધું. એ જ દિવસે એને જોવા આવ્યા હતા. એમની વાતચીત પરથી તો અમને એમ થઈ જ ગયું છે કે એમને કંઈ વાંધો નથી ને બધી રીતે પસંદ છે. જેટલી વાર મોબાઇલમાં મેસેજ આવે કે ફોન આવે એટલી વાર અમને ફાળ પડે કે એ હા. આવ્યો પેલી પાર્ટીનો જ ફોન/ મેસેજ. ને છેક સાંજે પાર્ટીએ ફોન કરી કહ્યું કે અમને રસ છે. એટલે એ એક વાર ફરી મળીને બધી ચોખવટ કરી લેવા માગે છે. અમે થોડા આનંદ અને વધુ દુઃખ સાથે બીજા દિવસે સવારે સાડા દસે આવવાનું જણાવ્યું. આખી રાત અમને ઊંઘ ન આવી. વારે વારે મનમાં એમ જ થાય કે જે રીતે અમે એને આટલાં વરસો આટલી લાગણીથી સાચવણી કરી એ રીતે આ લોકો કરશે તો ખરા ને? અમને અચાનક જ અમારાં રૂલ્સ યાદ આવ્યા અને અમે ઊભા થઈને કબાટમાંથી 15 વર્ષ પહેલાની ફાઈલ કાઢી. વ્યવસ્થિત ફાઇલિંગ કરવાની સુટેવ અમને આજે આ રીતે કામ લાગશે એ અમે ફાઇલિંગ કરતી વખતે ક્યાં વિચાર્યું હતું? થોડાં પાનાં ફેરવ્યાં પછી કેસરી હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલાં મુદ્દાવાળો એક કાગળ દેખાયો અને અમે અમારા જ પ્રશંસક બની ગયાં. સાચવીને એ હાઇલાઇટ કરેલો કાગળ બહાર કાઢ્યો અને વાંચવાનો શરૂ કર્યો :

સ્કૂટર સાચવવાની ટીપ્સ :
એક : તમારું નવું સ્કૂટર રોજ નવા સફેદ કપડાથી લૂછો જેથી તમારું સ્કૂટર કેટલી હદ સુધી સ્વચ્છ છે તેનો ખ્યાલ આવે.
બે : રોજ સ્કૂટર સ્ટાર્ટ કરતાં પહેલાં સ્કૂટરને પગે લાગી એની સાથે સંવાદ સાધો. આથી સ્કૂટરને પોતાની મહત્તાનું ભાન રહે.
ત્રણ : તમારું નવું સ્કૂટર પાર્ક  કરો ત્યારે આજુબાજુમાં પ્રમાણમાં નવાં વાહનો હોય તે ધ્યાન રાખો, જૂના વાહનધારકો અન્ય વાહનને ઘા પડે  તેની બહુ દરકાર રાખતા નથી.
ચાર : તમારું સ્કૂટર વૃક્ષ નીચે ન હોય તેની કાળજી રાખો. અબુધ ને ભોળા વૃક્શ્નીવાસીઓ ને ખબર નથી કે તમારું સ્કૂટર નવું છે. એ તો એને એબ્સકટ પેઈન્ટિંગ માટેનું આદર્શ સ્થળ સમજી બેસશે.
પાંચ : તમારું સ્કૂટર તમારી નજર સમક્ષ રહે એ રીતે પાર્ક કરવું જેથી કોઈ અટકચાળો થતાં પહેલાં જ તમે એ અટકાવી શકો .
છ : તમારું સ્કૂટર તમારી સોસાયટીમાં મૂકો ત્યારે એના પર ઓઢો મીન્સ ..કવર જૂનું જ રાખવું જેથી કોઈ વધુ જરૂરિયાતમંદ ને એ ચોરવાની ઇચ્છા ન થાય.
સાત : તમારું સ્કૂટર સોસાયટીમાં ઉદારમતવાદી યુવાનયુવતીઓ માટે બાંકડો ન બને તે ખાસ જુઓ. ..જેથી બીજા દિવસે સવારે તમારા સ્કૂટરનો બ્રેક કે ગિયરમાં અવરોધ  ન આવે.
આઠ : તમારા સ્કૂટરને શેરીના રખડતાં કુતરાઓનું ભૂદાન પ્રવૃત્તિ કેન્દ્ર ન બનવા દો.
નવ : આટલી બધી કાળજી રાખવી ને ઉપાધીઓ વહોરવી એના કરતાં સ્કૂટર જ ન ખરીદો. શો રૂમમાં એ સારું જ દેખાશે. આપણે ૧૧ નંબરની બસ, વિનોબા ટ્રાવેલ્સને લાભ આપવો.
અસ્તુ.

આ કાગળ પાર્ટીને આપવાનો મનસૂબો કર્યો  અને સવારમાં ઝેરોક્સવાળાને ત્યાં જઈ ઝેરોક્સ કરાવી લીધી જેથી અમારી પાસે પણ નકલ રહે. કહેલા સમયે  પાર્ટી આવી અને સવારના શુભમુહૂર્તમાં અમે અમારા કાળજાનાં કટકા જેવા સ્કૂટરની ચાવી સહિત પેલું સ્કૂટર સાચવવાની ટિપ્સનો ઝેરોક્ષ કરેલો કાગળ પણ આપ્યો. પાર્ટીએ ‘શું છે આ?’ જેવા વિસ્મયભાવ સાથે ચાવી અને કાગળ લીધાં અને અમારો આભાર માન્યો. અમે આખરી વાર સ્કૂટરને મનભરીને જોઈ લીધું. જુદાં જુદાં ઍંગલથી આપણું સ્કૂટર આવું રૂપાળું અને વફાદાર હોવા છતાં એને નજરો સમક્ષથી દૂર મોકલવું પડશેના વિચારથી અમે ભાવવિભોર સવારથી હતા જ પણ ખરી વિદાયટાણે અમે લગભગ ભાંગી પડવાની અણી પર હતાં. પાર્ટીએ અમારા ઘરમાં જઈને અમને પાણી લાવી આપ્યું. અમે સ્વસ્થ થયાં અને પાર્ટીનો આભાર માન્યો. સાથે સ્કૂટરની યોગ્ય જાળવણી માટે જરૂરી સૂચનાઓય આપી અને દર બીજા દિવસે પેલો રુલ્સવાળો કાગળ જોઈ જવા અને એ પ્રમાણે અમલ કરવા વિનંતીયે કરી.
અમારા 15 વર્ષના સાથીને ભારે હૈયે વિદાય આપ્યા પછી અમે હવે અમારા માટે નવા વાહનની સગવડ અંગે વિચારવાનું શરૂ કર્યું. ચાર-પાંચ (ખરા અર્થમાં) હિતેચ્છુઓની સલાહ લીધી. ગૂગલ પર સર્ચ કર્યું. છેવટે નજીકના શોરૂમ પર પગ મૂક્યો. જતાંવેંત જ અમને વેલકમડ્રિંક આપવામાં આવ્યું. જે અમે સ્વીકારતાં પહેલાં જ કહી દીધું કે સ્કૂટર અહીંથી લઈએ જ એવું કંઈ જરૂરી નથી. ને પ્રત્યુત્તરમાં રિસેપ્શનિસ્ટ બહેન મીઠું મલકાયાં. "કંઈ વાંધો નહીં. કસ્ટમર ઇઝ કિંગ. તમને ન અનુકૂળ ન લાગે તો તમે અમારે ત્યાંથી જ ગાડી છોડાવવા બંધાયેલાં નથી." ગાડી સાંભળીને અમે લગભગ ઊભા થઈ ગયા.” ‘ગાડીઈઈ... ? ? ?’ અરે અમારે તો ટુ-વ્હીલર લેવું છે સ્કૂટર... સ્કૂટર... ગાડી ખરીદવાની મારું ખિસ્સું ના કહે છે હજુ.
“અરે... ગાડી એટલે સ્કૂટર જ... અમારી ટુવ્હીલરની જ એજન્સી છે. Any ways, આ રહ્યાં બધાં ટુ-વ્હીલરના બ્રોશર્સ. આપે અમુક ટુ-વ્હીલર જ લેવું એવું નક્કી કરી રાખ્યું હોય તો આપણે એનાં જ ફીચર્સ જ જોઈએ. બાકી તો અમે તમને અહીં બધું સમજાવવા તૈયાર છીએ.’ આટલું સાંભળતાં જ અમારા વિચારચક્ર ગતિમાન થયાં અને અમને વિચાર આવ્યો કે “બધું સમજાવવા કે બાટલીમાં ઉતારવા તૈયાર છો?” અમને વિચારમાં પડેલાં જોઈને પેલાં મીઠું મલકતા બહેને ટેબલ પર પેનથી ઠકઠક અવાજ કરીને અમારું ધ્યાનભંગ કર્યું. અમે પાછાં શોરૂમમાં આવી ગયાં ને પેલાં બહેન શું કહે છે તેમાં ધ્યાન આપ્યું. ઇગ્નીશન,સાઇડ ઇન્ડિકેટર્સ, લાઇટ, પેટ્રોલ ટેન્ક વગેરે પ્રાથમિક સમજ આપ્યાં પછી અમને એમણે કંઈ પ્રશ્ન હોય તો પૂછવા કહ્યું. એટલે અમે પૂછ્યું : "આમાં બ્રેક આવે ને? "અમારા આ મુગ્ધ જ્ઞાન પર પેલાં બહેને માંડ હસવું રોક્યું અને હા કહી કે એ તો બધાં ટુ-વ્હીલરમાં આવે જ... પણ એમને ખબર ન હતી કે અમે અમારું પ્રથમ ટુ-વ્હીલર ચલાવતાં હતાં તેમાં બ્રેક છે એવી અમને ખાસ્સાં એવા સમય પછી ખબર પડેલી. ત્યાં સુધી અમે રોડ પર પગ ઘસડીને જ વાહન ઊભું રાખતા સારા એવા ટેવાઈ ગયેલાં. એ વાહન હતું ત્યારે અમારે ચંપલ-જોડાંનોય હોવો જોઈએ એનાથી વધુ ખર્ચો કરેલો. વળી, અમને બીજો પ્રશ્ન થયો કે કારમાં ઍરબૅગ આવે છે એવી આ સ્કૂટરમાંય આવે કે કેમ? ને જવાબમાં બહેને કહ્યું કે અકસ્માતના કિસ્સામાં તમારા હાથપગ જ જમીન પર મૂકી દેવાનાં એટલે આમાં અલગથી ઍરબૅગની જરૂર નથી. અમારા મનનું જરા સમાધાન થયું અને અમે સ્કૂટર પર મહોર મારી. કલર બાબતે થોડી માથાકૂટ પછી એમણે ‘કસ્ટમર ઇઝ કિંગ’ કહીને અમારી પસંદગી મંજૂર રાખી. ‘ફૉર્મ અને પૈસાની વિધિઓ પૂરી થઈ એટલે પેલી હસમુખીએ “સ્કૂટર તૈયાર થયે તમને ફોન કરીશું આવીને લઈ જજો.” કહ્યું  અને અમે આભાર માનીને બહાર નીકળ્યાં. વળી પાછો ત્યાંથી ફોન આવતાં અમે હરખમાં શોરૂમ પર પહોંચ્યાં. ને ચાવી અને અભિનંદન સ્વીકારીને સ્કૂટર મળ્યાની સહી કરી અને મલકાતાં મલકાતાં બહાર નીકળ્યાં. બહાર પટાવાળાએ સ્કૂટર સાફ જ હતું તોય ફરીથી એના રૂમાલથી સાફ કર્યું અને કહ્યું, “મુહૂર્ત કરાવજો” અને અમે ભોળપણમાં હા કહી કે "મુહૂર્ત વિના તો અમે કોઈ કામ કરતાં જ નથી. "અમારા આ અજ્ઞાન પર વારી જઈને પટાવાળાએ પણ અમને જ્ઞાન આપ્યું અને અમે એમને દક્ષિણા આપીને સ્કૂટર ચાલુ કર્યું. પણ હજીય મનમાં તો અમારું જૂનું સાથીદાર અવ્વલ સ્થાન પર જ હતું.

ખોંખારો : કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રૂપે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો....
કવિ “દાદ”
 

""આ સીપી તે વળી કઈ બલા છે?"

મુંબઈ સમાચાર ૦૨/૦૬/૨૦૧૬,ગુરુવાર મરક મરક" લાડકી section,

ઈવનિંગ વોક માટે અમે મોબાઈલ, વોટરબોટલ ,પર્સ વગેરે આયુધ સજાવીને નીકળી જ રહ્યા હતા કે મોબાઈલમાં " ટડિંગ" નો મેસેજ ટોન બજ્યો. અમે થોડા કંટાળાના ભાવ સાથે ઘરને તાળું મારવાનું જરાવાર મોકુફ રાખ્યું અને પર્સમાંથી મોબાઈલ કાઢ્યો. સ્ક્રીન પર વોટ્સપ મેસેજ ઝબૂકતો હતો . ક્લિક કર્યું તો એમાંથી એક ફોટો નીકળી પડ્યો. ફોટામાં એક ચાટપાપડી ને પુરી પકોડી ને એવાં ખાદ્ય પદાર્થો વેચતી લારીનો ફોટો હતો. ને લારી પર પાટિયું મારેલું "शहेनशाह  होटेल" ..दिल्ली में हमारी कोई शाखा नहीं है. " આ અદ્ભુત સર્જનાત્મક્તા પર અમે મરકી ઉઠ્યા ને એ સાથે જ અમારું વિચારચક્ર ફરવા માંડ્યું.મોબાઈલમાં ઘણીવાર નીચે સીપી  -cp લખેલું આવે છે એ શું હશે? થોડીવાર એ વિષે ચિંતન કર્યું પણ ઉત્તર ન મળવાથી માંડવાળી કરીને ઘરને (અને વિચારચક્રને પણ)  તાળું માર્યંુ.હજી ઝાંપે જ પહોંચ્યા ત્યાં સોસાયટીની શાન રોનક મળ્યો.હાય હેલો કરીને એણે પુછ્યું : " શું ભટ્ટજી, કંઈ ગરબડ છે?એનીથિંગ સિરીયસ?"
"ના ના.. સિરીયસ તો કંઈ નથી પણ હેં રોનક, આ smsમાં કોઈવાર નીચે સીપી -cp લખેલું હોય છે એ શું? "
" અરે.. એ તો કોપી -પેસ્ટ.મતલબ  જે-તે ક્રિએશન છે એમાં એ મોકલનારનો કોઈ હાથ કે મગજ નથી વપરાયું એની જાણ કરતાં બહુ કોમન વર્ડઝ છે"
"ઓહ ઓકે.. થેન્કયુ મિત્ર.. મળીએ શાંતિથી .બાય"
"બાય". રોનક ગયો અને અમે ય જોગર્સ પાર્ક ભણી વળ્યા. ને સ્થગિત થઈ ગયેલાં  વિચારોએ પણ ગતિ પકડી. આ કોપી પેસ્ટવાળું રામાયણ મહાભારત અને એ ય લેખિત પરીક્ષાઓ અસ્તિત્વમાં આવી પછી જ  ઉદ્ભવ્યું હશે કારણકે ત્યારે તો રાજકુમારોની માત્ર પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓ જ લેવાતી. જો કે કોપી પેસ્ટ માત્ર પરીક્ષાલક્ષી જ હોય એવું જરુરી નથી .એવું ય બને કે આ આખો ખ્યાલ કોપીકિંગ દેશ ચીનથી ઊતરી આવ્યો હોય. ઘોડા અને ગધેડાને સાથે બાંધીએ તો ઘોડો લાત મારતા ન શીખે પણ માથું તો ઊંચુ કરે જ એ ન્યાયે કોપી કરનારા પાંચ મુખ્ય દેશોમાં ચીનનાં પડોશી એવા આપણા  ભારતનું ય નામ  છે. નકલમાં અક્કલ નહીં એ વાત સાચી પણ પૈસો તો ખરો જ. મોંઘા ભાવની ઓરિજિનલ બ્રાન્ડેડ વસ્તુ કરતા એની નકલ સસ્તા ભાવે મળે તો બ્રાન્ડ જાય તેલ લેવાની માનસિક્તા નકલખોરીની ધોરીનસ છે. નકલ કરવી એ ઈર્ષાળુનું કામ છે એમ અમારો નમ્ર મત છે. ફલાણા લઈ ગયા ને અમે રહી ગયાની લાગણી ઉદ્યોગ સાહસિકોને નકલનું સાહસ કરવા માટેનો પ્રાણવાયુ છે. વળી કોપી કરવામાં કોઈ વસ્તુ માટે કરેલા સંશોધનો કે બજાર સરવેમાં કરવા પડતાં ખર્ચ અને સમયનો બચાવ  થાય છે , માત્ર નામમાં નજીવો ફેરફાર કરવાની જ અક્કલ ચલાવવાની હોવાથી સરવાળે  ફાયદો ઉત્પાદક /માલિકને થાય છે .જો માલિક દયાળુ પ્રકૃતિનો હોય તો એના સ્ટાફને પગાર સારો આપે છે આમ નકલ થકી કેટલાંયની આર્થિક સમસ્યાઓ હળવી બને છે અને એક આખો સમાજ ખુશહાલ બને છે. આને કહેવાય વિકાસ !
જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્રોનો જમાનો હતો ત્યારે ધાર્મિક લખાણવાળા પતાકડાંની અમુક નકલો જો વહેંચવામાં આવશે તો અે નકલો વહેંચનાર પર અચુક ભગવાનની કૃપા ઉતરશે અને એમ નહીં કરનારનું ધનોતપનોત નીકળી જશે જેવા મતલબનું લખાણ શિરમોર રહેતું. ને લોકો કહ્યાં પ્રમાણેની નકલો વહેંચતાં ય ખરાં! ને એ લાભ કોને થતો એ તો ખબર નહીં પણ ટપાલખાતું ચોક્કસ કમાતું. આજે આ પ્રકારનાં ધાર્મિક લખાણોનો  વોટ્સપ મેસેજમાં ધોધમાર વરસાદ પડે છે.મોબાઈલમાં માત્ર એક જ કિ પ્રેસ કરવાથી આખંુ લખાણ પલકવારમાં જ કોપી થઈ જાય ને પછી એ ય ને એ મેસેજ મન પડે એટલાં લોકોને ધકેલો!
ને આવી નકલો માત્ર લખાણોમાં જ થાય છે એવું જરાય નથી.ચિત્રો , ફોટોગ્રાફ્સ, ગીત-સંગીત સુધ્ધાં નકલખોરોની ઝપેટમાં આવી ગયાં છે.જાણીતા ચિત્રકાર પાબ્લો પિકાસો તો વળી એમ માનતા કે સારાં કલાકારો નકલ કરે છે અને મહાન કલાકારો ચોરી કરે છે.આવા વિવાદાસ્પદ વિધાનની વિરુધ્ધમાં નોંધાયેલી વાંધાઅરજીઓનું પ્રમાણ નહિવત્ હશે કારણકે ત્યારે લોકો પાસે વિરોધ નોંધાવવા સિવાયના બીજાં ય અગત્યના કામો હોવા જોઈએ. પણ નિવેદન આપવાનો રિવાજ જૂનો હોવો જોઈએ .એલ્વિસ પ્રિસ્લેને કોઈએ એમની ગાવાની શૈલી કોઈની નકલ છે કે કેમ એવું પુછતાં ભાઈ ભડકેલાં અને " હું મારી જ શૈલીથી ગાઉં છું " એવું નિવેદન આપેલું. પ્લેટો તો પાછાં એમ માનતાં કે "સારી વસ્તુની નકલ થાય તો કશું ખોટું નથી". નકલ કરવા માટે આમ કહીને પ્લેટોએ  એમના વિચારોની નકલખોરોને નકલ કરવા છુપું ઈજન આપેલું પણ નકલવીરોને એમાં કંઈ પડકાર જેવું જણાયું નહીં જ હોય! આપણાં સંગીતકારો અન્નુ મલ્લિક કે પ્રીતમ તો હવે ખરેખર પોતે ધૂન બનાવે તો ય કોઈ માનતું નથી એ હદે કોપી એમનામાં વણાઈ ગઈ છે.
નકલ કરનારા માટે ગ્રહણશક્તિ તો ખરી જ પણ કાર્ય કરવામાં ઝડપી હોવું એ અગત્યનાં ગુણ છે. કામમાં આળસ કરવું એ નબળા નકલવીરનો ગુણ છે .જરા જેટલું પણ આળસ કે ગાફેલતા એને બજારમાંથી બહાર ફેંકી દે છે.અસલી કારીગરી નકલ કરવામાં જ છે. કોપી કરનારામાં અપાર ધીરજ અને અખુટ નફ્ફટાઈ ન હોય તો ય સમય જતાં આવી જ જાય છે જે એમની ધંધાકીય આવશ્યક્તા છે. આમ પણ મોટાંભાગનાં લોકોની યાદશક્તિ અલ્પજીવી હોય છે એટલે એ તો આવા નાના મોટાં હોબાળાંઓ ખાસ મન પર લેતાં ય નથી .એટલામાં મોબાઈલમાં ટાઈમર રણક્યું અને અમે ઘર ભણી ચાલવા માંડ્યું. 

ખોંખારો : આ ઉપભોક્તાવાદી સમાજમાં સ્પર્ધા અસલી અને નકલી વચ્ચે નહીં પણ નકલી અને નકલી વચ્ચે જ છે.