નોરતાં કહેતાં નવરાતરાં કહેતાં નવરાત્રિનો ઉત્સવ રંગેચંગે શરૂ થઈ ગયો છે ને લોકો ઊછળી રહ્યા છે. શૅરબજારમાં સેન્સેક્સ ઉપરનીચે જાય એનાથીય વધારે સ્પીડમાં લોકો ઊછળે અને નીચે પછડાય છે. તફાવત માત્ર રિધમનો છે. સેન્સેક્સ ઉપરનીચે થાય એની કોઈ રિધમ નથી. ક્યારેક એમાં ક્લાસિકલ સંગીતની પેટર્ન આવે તો ક્યારેક રૉક-બૅન્ડની. પણ ગરબાની રમઝટની એક અલગ જ પેટર્ન છે. જેની પત્નીઓ ગરબામાં દોઢિયા, પોપટિયા, હીંચ, તીન તાળી ને ચલતી ને એવું બધું રમતી હોય ત્યારે એ ઘટનાના ભાગીદાર થવાને બદલે સાક્ષીભાવે પ્રેક્ષક બની રહેતા પતિની માનસિકતા કેવી હશે એ વિશે હજુ સુધી કોઈ સંશોધન થયાનું જાણમાં નથી. જોકે, કાકભટ્ટે અનધિકૃત રીતે કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે જેની પત્ની ગરબામાં મહાલવા જાય છે એ પતિ નવરાબેઠા આઝાદીનો આનંદ લેતાં લેતાં આંગળીના વેઢે દિવાળીના દિવસો ગણવાનું શરૂ કરી દે છે. એક એક વેઢો ઘટતો જાય એમ એમ એના ચહેરા પર મલકાટ અને ભય સરખા ભાગે છવાયેલાદેખાય છે. મલકાટ દિવાળી નજીકમાં છે એટલે બોનસ આવશે... એનો અને ભય એ બોનસનો ઉપયોગ કેવી રીતે થશે એનો. હવે તો સ્ત્રીઓ પણ નોકરી કરતી થઈ છે એટલે ગરબાનાં કૂંડાળામાંય બોનસનાં ઉપયોગ વિશે તાલબદ્ધ ચર્ચાઓ સંભળાઈ જાય છે.
બોનસ એ આગોતરી જાણથી લાગેલી શ્યોર-લૉટરી છે. બૅન્કમાં વ્યાજે મૂકેલાં નાણાં પર 8%થી 9% વ્યાજ કેટલું થાય એનો અંદાજ કાઢવામાંય દસ મિનિટથી વધુ સમય લગાડતાં ગણિતમાં સાવ “ઢ” હોય એનેય પગારના 8.33% કેટલાં થાય એ ગણતાં બે મિનિટ પણ નથી થતી! આ બોનસનો કરિશ્મા છે. આ 8.33%વાળું લૉજિક અમને આજ પર્યંત સમજાયું નથી. કેટલીક કંપનીઓમાં બોનસની ટકાવારી કંપનીના વાર્ષિક નફા અને ખાસ તો બૉસના મિજાજ પ્રમાણે નક્કી થાય છે. પૂરા પગાર પર ચૂકવાતું બોનસ એટલે કે એક આખા પગાર સાથે એક પગાર ફ્રીવાળું બોનસ સૌથી લાડકું ગણાય છે. કારણ કે કામ કરવા/કરાવવા માટે તેરમો મહિનો તો લાવી શકાવાનો નથી એટલે એક પગાર એક્સ્ટ્રા આવે તો.... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી... હર્ષદ મહેતાની તેજી વખતે અમુક કંપનીઓએ તેમનાં કર્મચારીઓને બે બે વધારાના પગાર આપીને બખ્ખાં કરાવેલાં. પણ પછી મંદી આવી તો... એ જ કંપની ધારકો, કર્મચારીઓના આખેઆખા પગાર ચાંઉ કરી ગયેલાં. જોકે કાયદા પ્રમાણે 8.33% બોનસ ફરજિયાત ચૂકવવાપાત્ર હોવાથી કંપનીઓ ટ્રસ્ટો, પ્રાઇવેટ બિઝનેસ કરનારાઓ એટલી જોગવાઈ અલગથી રાખે જ છે.
અમદાવાદમાં મિલો બંધ થઈ કે થાઉં કરતી હતી ત્યારે ખાસ દિવાળી ટાણે મિલકામદારોના જીવ અધ્ધરતાલ રહેતા. વાઘબારસ પસાર થઈ જાય અને ધનતેરસે બોનસ અપાય ત્યારે એમના ચહેરા પર ઊંચકાતા ભાવો જોઈએ તો એ પોતે જ મિલમાલિક હોય એવા ભાવો વંચાતા. બોનસ સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના વચ્ચેના સમયગાળામાં અપાતું હોય છે. પરદેશોમાં જાતજાતની ગિફ્ટ-કૂપનો દ્વારા બોનસઅપાય. આમ જોવા જઈએ તો બોનસ દિવાળીએ મારેલો “મિસ કૉલ” છે. જેમ “મિસ કૉલ” આવે અને આપણે સામો કૉલ કરીએ તો કોઈ વાર ભારે પડી જાય, બિલકુલ એમ જ જો પતિ-પત્નીના બોનસની તારીખ એકબીજાંને અને ઘરના અન્ય સદસ્યોને ખબર હોય તો એ આવે પહેલાં જ વપરાઈ જાય છે.
અમારા પડોશીને ત્યાં કાયમ બોનસ વખતે યાદવાસ્થળી થાય. કોની ચીજવસ્તુઓ વધારે જરૂરિયાતવાળી છે એ નક્કી કરવામાં કાયમ અન્ય પડોશીઓને મફતનું મનોરંજન મળે. સરવાળે તો એ બોનસહપતે લીધેલી વસ્તુના આગોતરા હપતા કે બાકી હપતા સેટલ કરવામાં વપરાઈ જાય.
જોકે, મલ્ટિનૅશનલ કંપનીઓના આગમન પછી આ બોનસ-ઘટના હલબલી ગઈ છે. પરદેશોમાં આપણી દિવાળીનું ખાસ કંઈ ઊપજે નહીં. વળી, એમનામાં બોનસના બદલે જાતજાતની ગિફ્ટ કૂપન આપવાનો રિવાજ વધારે પ્રચલિત છે. હવે આ કંપનીઓ અહીં પણ વર્ષમાં ત્રીજ-તહેવાર જોયા વિના ગમે ત્યારે બોનસ આપી દે છે. એમનું જોઈ જોઈને કેટલીક સ્વદેશી કંપનીઓમાં પણ બોનસતહેવારોની શરમ ભરતું નથી. એટલે એમને તહેવારો-ઉત્સવો સાથે ખાસ લાગતું વળગતું નથી અને એટલે ઘણાં ઘરોમાં તહેવારો ટાણે સળગતું રહેવાની શક્યતાઓ રહેલી છે. બોનસ જેટલું કપડાં અને જૂતાં ખરીદવા પાછળ વપરાતું હશે એટલું કદાચ બીજે કશે નહીં વપરાતું હોય. કર્મચારીમાંથી સ્વબળે સફળ ઉદ્યોગપતિ બનેલા એક યુનિયન લીડર હજી બોનસના યુગમાં જ હતા. દિવાળી સમયે મળતા બોનસની અસર એમનાં માનસપટ પર એટલી તો દૃઢ હતી કે ખુદ માલિક હોવા છતાં એ બોનસની રાહ જોતાં.
“બોનસ” શબ્દને સામાન્યતઃ લાભ સાથે સાંકળવામાં આવે છે પણ કોઈ વાર વક્ર અર્થમાંય પ્રયોજાય છે. કોઈ વાર કોઈનું સારું કરવા જતાં સરવાળે ટપલા જ ખાધા હોય તો એમ કહેવાય કે “બધું કરવા છતાં બોનસમાં તો ટપલા જ આવ્યા.”
ખોંખારો : બોનસ ભલે દિવાળીએ મારેલો “મિસ કૉલ” હોય પણ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ક્ષમાયાચના સાથે એમનાગીતમાં થોડો ફેરફાર કરીએ તો...
“ઓ બોનસ, તારા નામમાં આ શી મીઠાશ ભરી...”
http://bombaysamachar.com/epaper/e15-10-2015/LADKI-THU-15-10-2015-Page-4.pdf