Saturday, September 7, 2013

પાતળા ....... સુક્ક્લકડી ....સાઠેકડી .....પવનપાવડી ......પેન્સિલ .....etc ....etc ..!!!!




ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ . જ્યોતીન્દ્ર દવે ખુબ જ પાતળા હતા . એવું કહેવાય છે કે એકવાર એ માંદા  પડ્યા અને એમના કોઈ સબંધી ખબર જોવા  આવ્યા તો જ્યોતીન્દ્ર્ભાઈએ પથારીમાંથી ઉભા થઈને કોટ પહેરી લીધો . પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતીન્દ્ર્ભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો : " તમે મને બરાબર જોઈ શકો એટલે માટે "

હમણાં હમણાં બધે ઝીરો ફિગર  , સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સ નો જબરદસ્ત વાયરો વાયો છે . આ વાયરાની શગ સંકેરી હોય તો The કરીના કપૂર અને The શાહરુખ ખાને . બને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં .એ પછી ગલીકુચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટીશીય્ન કલીનીક દેખાવા માંડ્યા . દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે . અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ .તો છાપામાં છપાતી મહિલાપુર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં  થઇ ગયા . લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા . ઘંટીવાળાઓએ બાપજન્મારા માં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો . ફળફળાદી માં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રુટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે " ઘેર કોઈ માંદુ છે ?" અથવા તો ફળફળાદી  તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘર માં માનભેર સ્થાન પામતા થઇ ગયા .

જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકશાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતા ને સુપેરે સમજાઈ ગયું છે .મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધી ઉપાધિઓ પજવે છે
એટલી પાતળા હોવાથી નથી પજવતી . ઉદાહરણ તરીકે બસ ,ટ્રેન માં મુસાફરી કરતી વખતે  પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ  આરામથી ગોઠવાઈ શકે છે . ટ્રેનમાં બે સીટ વચ્ચે  કે પેસેજ માં બેગો મૂકી હોય એના પર " એ તૂટી જશે તો ? " એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે  . જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને  " કેટલી જગ્યા રોકે છે ?" એવા મૌન કે છાના ઘૂરકિયા નો સામનો કરવો પડતો નથી . ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતીયા હોય જ . આ પંચાતીયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરો અંદર ઘુસુરપુસુર કરે કે " ખબર નહિ કઈ ઘંટી નો લોટ ખાય છે " પણ પાતળીયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે

 બીજો મહત્વનો ફાયદો કપડામાં થાય . જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ . પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી -  મળી તો રહે જ .   જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય ( અથવા રહી જાય ) કે ભર વરસાદમાં છત્રી કે રૈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે . રૂમ માં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મુકવું પડશે નહિતર એ ઉડી ને ભીતમાં ભટકાશે કે શું ?

પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે . શૈક્ષણિક શિબિરો  દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને 30-35 રોટલી , 10-15 મોહન થાળના ચકતા કે 3 ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - I repeat ઝાપટતાં નજરે નિહાળ્યા છે . એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય  સાથે , શાક , ભાત  ...  છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પિવે  જ .   છાશ દૂધ પીવા માટે તાંસળું  જ ઉચકે

ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળીયા ઓ માટે પણ નામાવલી હાજર છે ,  દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લીમ - ટ્રીમ  ને વણમાગ્યે ભેટ મળી જાય . અગરબત્તી , ફૂટ્ટપટ્ટી , સોટી , સાઠેકડી , પાતળી  પરમાર , પવન પાવડી , ખડમાકડી , હાડપિંજર  , હાડકાનો માળો , સ્કીની વગેરે વગેરે . મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયો માં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ન પૂછીને ભોઠા પાડી દીધા કે : " એક્સરે પાડવાનો છે કે ફોટો ?"  શરમ ના માર્યા એ ભાઈએ તો પછી અખાડા , જીમ વગેરે વગેરે માં બોડી બનાવાવાના ભરપુર પ્રયત્નો આદરેલા  અને જરાતરા અંશે સફળ બી થયેલા .

શાદી  બ્યાહના મામલામાં પણ પાતળીયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે . મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મુરતિયો / કન્યા સ્લીમ - ટ્રીમ જ જોઈતા હોય છે . તો ઘરમેળે કે સગા-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . " જો જો હો છોકરો / છોકરી  જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે " જો કે એકવાર એક બહેન નું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણ  માં છે . આ બહેન ડાયીટીશિય્ન પાસે ભરાઈ પડેલા . ડાયીટીશિય્ને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ . એમની નાજુક હોજરી ડાયેટ નો ભાર સહન નાં કરી શકી . સરવાળે બહેન પથારીમાં થી ઉભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય .    

નટરાજ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળીયા / પાતળી ઓને વા-વંટોળ માં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ . વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકો ને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખુબ જ વધારે રહે છે .

પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ last but not least - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઉચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન  કરવાની આવતી  નથી . વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રીસીટી પણ ઓછી વપરાય  છે અને એ રીતે પર્યાવરણ નું પણ જતન થાય છે

ટુકમાં કહેવું હોય તો વજનદાર થવા કરતા વજનહીન થવામાં વધારે દમ છે .
બાકી  , ' તારી વાકી રે પાઘલડીનું ફૂમતું  રે ..મને  ગમતું રે ..હું તો કહું છું પાતળીયા તને અમથું રે ......."  આવું રોમેન્ટિક ગીત જાડિયા સાવરિયા પર લખાયું છે કોઈ દિવસ ?????  

-Desai Shilpa  
( काક્ભટ્ટની ડાયરીમાંથી )