વ્રજેશે સવારમાં ઊઠીને આળસ મરડી. પથારીમાં પગ આઘાપાછાં કરીને માંડ પલાંઠી વાળી. "વજન ઉતારવું પડશે સાલું પલાંઠી ય નથી વળતી" એવું કંઈક બબડીને એણે ખુલ્લી બારીમાંથી બહાર જોયું અને સહેજ મલકાયો.ને પછી એકદમ સફાળા ઊભા થઈને બહાર દોટ મુકી. એને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. બગીચામાં ઝાડુવાળો નારણ પોતાનો ફેવરીટ કેસરી અને જાંબલી પટ્ટાવાળો શર્ટ ને ચોકડાવાળું બર્મુડા પહેરીને બગીચો વાળી રહ્યો હતો. લાગલા જ એના પર ધસી જઈને વ્રજેશે એને કોલરેથી પક્ડ્યો. " એ ગધેડા, કંઈ અક્કલ જેવું આપ્યું છે કે નહીં ભગવાને? આ મારું શર્ટ છે. ક્યાંથી લાયો? ચોરી કરે છે ને પાછો અહીં જ પહેરીને આયો? " અચાનક થયેલાં હુમલાથી નારણ હેબતાઈ ગયો ને ત..ત..પ..પ.. અ..અં...જેવા વ્યર્થ ઉદ્ગારો કરવા માંડ્યો. "સું કક્કો બારાખડી બોલે છે? ક્યાંથી લાયો ?" જરા કળ વળતા નારણ બોલ્યો: "સાએબ, મુંને ભાભીએ કાલે જ આ બુસકોટ આપ્યું હે ને કહ્યુ હે કે અબ્બાર જ પેરવાનું હે. " ભાભીનું નામ આવતા વ્રજેશ જરા કુણો પડ્યો. સફાઈ અભિયાન જાણે સર્જિકલ સ્ટ્રાઈકમાં ફેરવાઈ ગયું હોય એવો વ્રજેશને અહેસાસ થયો. ઘરમાંથી જ આટલા ભવ્ય દગાની એને કદી કલ્પના કરી નહતી. ત્રણ ફલાંગમાં તો એ પાછો ઘરમાં હતો ને રુમમાં જઈને જોયું તો સર્જિકલ સ્ટ્રાઈકનો શક ખાતરીમાં પલટાઈ ગયો. રુમમાં પથારીઓ ફરી ગઈ હતી. હજી હમણાં સુધી તો બધું બરાબર હતું ને એકદમ આ ધોળે દહાડે ચોરી થઈ હોય એવો સીન હતો. પલંગ પરથી ગાદલાં ,ઓશિકાં ,ચારસા બધું જ અદ્રશ્ય. બારીનાં પરદાની પાછળ ધૂળ જામેલી ખુલ્લી બારીઓ જાણે ગાઈ રહી હતી કે પરદે મેં રહેને દો , પરદા ન ઊઠાઓ.. બારીની બહાર ડોકું કાઢીને જોયું તો રુમના બધા અદ્રશ્ય દાગીના તડકે તપવા માંડેલાં. ડઘાઈ ગયેલો વ્રજેશ કોઈને કંઈ પુછે એ પહેલાં જ રુમમાં વ્રજેશભાર્યા ગોપિકાની એન્ટ્રી પડી. " ચલો , ચા નાસ્તો મુક્યા છે ટેબલ પર . એનો પાર પાડીને કામે લાગો. આમ ઠોયાની જેમ વચ્ચે ન ઊભા રહેશો. દિવાળી તો આ આવી બારણે. અહીં કામના પાર નથી ને તમે કામ કરાવવાના ન હોવ તો બહાર જાવ. " સર્જિકલ સ્ટ્રાઈકની પોસ્ટ ઈફેક્ટ જેવો આ ડાયલોગ સાંભળતા જ વ્રજેશને મેન્ટોસ પીપરમિંટ ખાધા વિના જ દિમાગમાં બત્તી થઈ કે દિવાળી નજીક હોવાને લીધે આ સ્વચ્છતા અભિયાનનું રણશિંગુ ફુંકાયુ છે.
"હાઈજીનતા ખોટો શબ્દ છે. એને.."
"ઈંગ્લિસમાં મારે તમારા કરતા વધારે માર્ક આવતા તા એટલે મને તો શીખવાડશો જ નહી કે સાચું સું ને ખોટું સું? "
વ્રજેશ ચુપચાપ છાપાંની કુપનની કતરણ કલામાં જોતરાયો. બપોર થતાં જમી પરવારીને વળી ગાદલાઓને લાકડી વડે
ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે ગોપિકાને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ જતા ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા કરીને ચીડવતું હોય એવો ભાસ થયો. ને ગોપિકા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં વ્રજેશને પરસેવો પરસેવો વળી ગયો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં વ્રજેશે પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી. બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. અચાનક જ ગોપિકા બોલી: "તે હું કહેતા ભુલી ગઈ કે એક ગાદલું ફાટેલું છે તો એ બહાર જ રહેવા દેવાનું હતું. ફરી ભરાવી લઈશું એટલે નવું નક્કોર. ૩૦૦-૪૦૦ આપીએ એટલે પુરું. "
વ્રજેશ પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ ને એ ગાદલું ખરેખર કેટલાંમાં પડ્યું એની મનોમન ગણતરી માંડી.
ખોંખારો : દિવાળી પહેલાં તમારી કોઈ ચીજવસ્તુ ગુમ થાય તો દિવાળી પછીના રવિવારે રવિવારી બજારમાંથી શોધી લેવી.
PUBLISHED IN MUMBAI SAMACHAR,THURSDAY,20/10/2016, લાડકી.."મરક મરક "