ડોક્ટરને ત્યાં માંડ માંડ બેસાય એવા નીચા સ્ટુલ પર અમે સ્થાન ગ્રહણ કર્યું. ડોક્ટરે એક હાથમાં ટોર્ચ પકડી ને અમને " જીભ કાઢો ને આઆઆ બોલો " કહ્યું. અમે એમ કર્યું પણ ડોક્ટરની ટોર્ચ દગો દઈ ગઈ. ચાલુ જ ન થઈ. એટલે ડોક્ટરે ટોર્ચની પછવાડે ટપલાં માર્યા. ગધેડું ડફણાં ખાય પછી સીધું ચાલે એવું જ ડોક્ટરોની ટોર્ચનું ય હોય છે. મોટાભાગે ટપલાટવી જ પડે. અમે ફરીથી ' આ આ આ ' રાગ આલાપ્યો.
"હમમમ.. શું ખાધું દિવાળીમાં? "
"અં.. ખાસ કંઈ નહીં. રુટિંગ ..મઠિયા ફાફડા ને એવું બધું ઘરે તળ્યું 'તું ને મિઠાઈમાં તો અમો કાજુકતરી જ લઈએ છીએ. "
આટલું સાંભળતાં જ ડોક્ટરે એમના ટેબલનાં ખાનામાંથી ધારદાર ફણાવાળી છરી કાઢી. અમે બઘવાઈ ગયા."કાજુકતરીનું નામ બી બોલશો તો આ છરી મારી દઈશ. કાજુકતરીએ જ દાટ વાળ્યો છે બધો..મારે ત્યાં ય મિસીસ અને બંને બાળકોને કાજુકતરીના લીધે જ તકલીફ થઈ છે. "
"તો...ત્યાં કોઈને ના મારી છરી?" પ્રશ્ન કરીને અમે એમની સામે જોઈ રહ્યા. ને ખલ્લાસ.. ડોક્ટરે પિત્તો ગુમાવ્યો. સાર એ હતો કે એમને ત્યાં એમના કુતરા સિવાય એમને કોઈ ગણકારતું નથી. લાખ પ્રયત્નો કરવા છતાં એ લોકો બદલાયા નહીં એટલે છેવટે ડોક્ટરે એ જેવા છે એવા સ્વીકારી તો લીધાં પણ મનનો આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળે છે. અમે ડોક્ટરના આક્રોશને બ્રેક મારવાના હેતુથી અમારી રજુઆત મોટે મોટેથી કરવા માંડી : " સાહેબ, સાંભળો . અાપડે આપડા ઘરે જ સુકો મેવો ફ્રીજમાં રાખીએ છીએ. નાંખી દેતાં ય સહેજે એકાદ કિલો બદામ, ૫૦૦ ગ્રામ દ્રાક્ષ, કિલોએક જેવી 'ત્યાં'ની અખરોટ, બે એક કિલો કાજુ. શું છે કે કાજુમાં મેક્સિમમ પ્રોટીન આવે. બરોબર? તો આતી ફેરી થયું કે આપડે ઘેર જ કાજુ કતરી બનાઈએ. બહારના કરતા તો તાજી અને ચોક્ખી તો ખરી. આપડે સારામાંનું જ કાજુનું ફળ, ઘી, ખાંડ વાપરીએ . શું? તો વળી બાજુવાળાનાં મહારાજે કહ્યું કે થોડોક માવો મિક્શ કરો. ટેસ આવસે. તો અમે એ ય ઉમેર્યું. ને પછી વસ્તુ થઈ પણ ખરી સરસ. તે આતીફેરી અમે આ જ ખવડઈ બધાને બેસતા વરસે જે મળવા આવે એને. "
ડોક્ટર કાજુકતરીની રેસિપી સાંભળીને જરા ઠર્યા હોય એમ લાગતા અમે પોરસાયા. અમારી ગાડી આગળ ચાલે એ પહેલાં ડોક્ટરે પુછ્યું : " કાજુકતરી તો બીજાંએ ખાધી.. તકલીફ તમને કેવી રીતે થઈ? "
"અમે ય દર વખતે એક એક ચક્તું ખાધેલું. એક ચક્તામાં શું થાય ,હેં? "
" ભટ્ટજી... એક જ ચક્તામાં કંઈ ન થાય પણ દીઠું ભાળ્યું ન હોય એમ એક પછી એક ચક્તા લગાવો એમાં તકલીફ થાય. આ દવાઓ લખી આપું છું એ લેજો બરાબર અને કાજુકતરીની સામે ય ન જોતા હવે. એની સામે જોશો તો ય તમને ઈન્ફેક્શન વધી જશે એમ છે. "
પ્રિસ્ક્રીપ્શન લઈને અમે નીકળ્યા અને સ્કુટરની સાથે સાથે વિચારોએ પણ ગતિ પકડી. કાજુકતરીને ઘણા વહાલથી 'કતરી' પણ કહે છે. તો મોટાં થઈ ગયા પછી ય બાળક જ રહી જતાં કેટલાક લોકો કાજુકતરીને તોતડી ભાષામાં ' કાજુકતલી' કહે છે. ઉમાશંકર જોશીએ ભલે સોના માટે લખ્યું હોય કે " નામરુપ જુજવાં અંતે તો હેમ નું હેમ.. " કાજુકતરીનેે ય એટલું જ લાગુ પડે છે. કાજુકતરીને દિવાળીના તહેવારો દરમ્યાન રાષ્ટ્રીય મિઠાઈનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ એવો એનો દબદબો છે. ઘૂઘરા , મગસ, સુંવાળી જેવી પાક્કી ગુજરાતી મિઠાઈઓ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતી જાય છે. સમય જતાં આવી મિઠાઈઓ જે બનાવી શકે એનું નગરપાલિકાઓ સન્માન કરશે .કાજુકતરીની સૌથી મોટી મઝા એ છે કે બધા ગિફ્ટમાં આવેલી કાજુકતરી જ ખાય છે. કોઈ પોતાના માટે તો ભાગ્યે જ ખરીદતું હોય છે. કોઈવાર આમ ગિફ્ટમાં આવેલી કાજુકતરીનો પરબાર્યો જ વહીવટ પણ થઈ જતો હોય છે. મૂળ ભાવના કાજુકતરી બગડે નહીં એવી ખરી પણ એ આપી દેતાં જીવો ય બહુ બળે. સંઘર્યો સાપ પણ કામ લાગશે એવી માનસિકતા વાળા કાજુકતરીથી ફ્રીજ ભરી રાખે ને છેવટે એ સાવ નકામી થઈ ગઈ એમ લાગે ત્યારે ફેંકી દે. એમાં ' હું તો ન ખાઉં પણ તને ય ન ખાવા દઉં 'ની માનસિકતા સિંહફાળો ભજવે છે.હવેના ઈ-યુગમાં રુબરુમાં ' સાલમુબારક 'કહેવાનું ચલણ ઘટતું જાય છે એવામાં કાજુકતરીના કલાત્મક બોક્સ
ગિફ્ટ મોકલીને ' અમે તમને પ્રેમથી યાદ કરીએ છીએ ' એવું સ્થાપિત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવે છે. કાજુકતરી કેટલી આવી કે મોકલી એના પરથી સંબંધની અને આપનારની આર્થિક મજબુતી મપાય. નાનું પેકેટ હોય તો એમ કહેવાય કે" મંદી છે" ને મોટું , મોંઘુ બોક્સ હોય તો ' પાર્ટી જોરમાં છે' એમ કહેવાય. દેખાવમાં સૌમ્ય, ચરકટ આકારની ,સફેદ નિર્દોષ કાજુકતરી સંબંધનો પાયો મજબુત કરે છે. સ્લીમ ટ્રીમ દેખાતી કાજુકતરી મન મોહી ન લો તો જ નવાઈ ! વળી, કાજુકતરી પર વરખની સ્થિતિ પરથી એ કેટલી વાસી છે એનો અંદાજ અઠંગ કાજુકતરીવીરો સફળતાપુર્વક બાંધી શકે છે.કાજુ કતરી અને ફાફડા સ્વનામધન્ય છે. ગમે એટલા વાસી હોય ભાવે જ ભાવે. આ બેની સરખામણી અન્ય કોઈ ખાદ્ય પદાર્થ કે એકબીજા સાથે ય અશક્ય છે. કારણકે ફાફડા ચટણીસહિત કે ચટણીરહિત પણ ખાઈ શકાય છે. કાજુકતરી હજુ સુધી કોઈએ ચટણી સાથે ખાધી હોય એવું કોઈ શાસ્ત્રમાં કે કોઈ રેકર્ડબુકમાં નોંધાયું નથી.કાજુકતરી ખાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ફ્રીજમાં ન મુકવી. કારણકે ફ્રીજમાં મુકીએ એટલે કાજુકતરી એકબીજા સાથે ચોંટી જાય. ને એ ઉખડે એટલી ધીરજનો ગુણ કેળવાયો ન હોય તો કાજુકતરી સ્લીમટ્રીમ ને બદલે રોલીપોલી ફોર્મમાં ખવાઈ જાય તો ગળુ ખરાબ થવાના ચાન્સીસ ઉજળા થઈ જાય છે. ને દિવાળી દરમ્યાન ડોક્ટરો લગભગ વેકેશન મુડમાં હોય છે એટલે ન મળે તો હેરાન આપણે જ થવાનું આવે છે. દેવદિવાળી સુધી જ્યાં જશો ત્યાં બધે જ પ્લેટમાં જુદી જુદી પ્રખ્યાત મિઠાઈવાળાની કાજુકતરી જ ધરવામાં આવશે. એટલે સાચવજો. ઇનકાર કરવાની નમ્ર રીતો શીખી લેજો. ને તેમ છતાં ય, કાજુ કતરી એટલે કાજુકતરી.. બહુ ના ના કર્યા વિના ખાઈ લેવાની . લો ચલો, આ કાજુકતરી.. ના ન કહેતા. સાલમુબારક .
ખોંખારો: ઓ કાજુ કતરી તારા નામમાં આ શી મીઠાશ ભરી...
PUBLISHED IN MUMBAI SAMACHAR ૦૩/૧૧/૨૦૧૬, ગુરુવાર, લાડકી ' મરક મરક '