Thursday, October 8, 2015

ચલો બુલાવા આયા હૈ..


“ચારભુજા ગરબા ક્લાસીસમાં આપનું સ્વાગત છે. માય સેલ્ફ ઇઝ રાગેશ. જય માતાજી. છેલ્લાં બાવન વર્ષથી અમારો પરિવાર ભાદરવી પૂનમે અંબાજી માતાએ બાવન ગજની ધજા ચઢાવે છે. અને દર મહિને પૂનમ તો ભરવાની જ. જય માતાજી. ભાદરવા સુદ પાંચમે અમદાવાદથી પગપાળા સંઘ નીકળે ને ડોટ ચૌદસની રાત્રે અંબાજીની ધરમશાળાએ ટચ થઈએ. બીજે દિવસે શુભમુહૂર્તમાં અમે સૌ ધજા ચઢાવીએ. જય માતાજી. આ ધજા ચઢાવીએ પછી બધા અમદાવાદ જવાની બસમાં બેસવા જે દોટ મૂકે એની ઝડપ ધજાની ફરફરવાની ઝડપ કરતાં ય વધુ હોય ને દસ દિવસની પગપાળા મુસાફરી પછી જે રીતે બધાં બસમાં ફેલાઈને બેઠાં હોય, એ જોઈને યુદ્ધમેદાનથી પાછા ફરતાં સૈનિકો યાદ આવે. જય માતાજી. ‘પગ ગરબા ગાય છે’ એ વાક્યપ્રયોગ કદાચ અંબાજીના પગપાળા સંઘોની જ દેન છે. બસ, એના પરથી જ વિચાર આવ્યો કે બધાં દસ દિવસ પછી શરીરને કેવી રીતે વાળે છે. શરીરનું આ જ વળવાપણું જો ગરબાનાં સ્ટેપ સ્વરૂપે લઈએ તો. જય માતાજી. ને એ વિચારધારામાંથી જ આ સાતથી સિત્તેર વર્ષના ક્લાસીસના ઉત્સાહી ગરબાપ્રેમીઓને ગરબા શીખવતી સંસ્થાનો જન્મ થયો જ્યારે વિચારો આવે ત્યારે જ સમજાય છે માત્ર ફોટો કે વીડીયો જ વાઇરલ નથી થતા. વિચારો ય વાઈરલ થાય છે. ગરબા ક્લાસીસ કરવાના વિચારો ઘણાને આવ્યા હશે. પણ આપણે આવા ક્લાસીસ શરૂ કરવામાં સૌ પહેલા છીએ. જય માતાજી. માતાજી સાથે હંમેશાં નવરાત્રી પહેલાં મનથી જોડાયા હોઈએ તો માતાજી હંમેશાં સારું જ કરે. અહીં ગરબાનાં સ્ટેપ્સ શીખ્યાં પછી તમે એવાં એવાં સ્ટેપ્સ કરશો કે સર્કલમાં કોઈને કોઈની સાથે કનેક્ટ થઈ જાવ એમ બને. જય માતાજી.

તમે સૌ અંદર આવ્યા ત્યારે તમને એક પૅમ્ફ્લેટ આપવામાં આવ્યું છે. એમાં વાંચીને જો સમજ ન પડે તો તમે મને પૂછી શકો છે! અને હા, આ રાગિણી છે. મારા આસિસ્ટન્ટ-કમ-ધર્મપત્ની જ્યાદા છે. તમે એમને પણ પૂછી શકો છો. આપણે હવે ચારભુજા ક્લાસીસના ઇતિહાસમાંથી બહાર આવીએ. જય માતાજી. ઈ ઈ રાગેશ આટલું એક શ્વાસે બોલી ગયો. પરિચય આપતાં આપતાં વચ્ચે વચ્ચે એ એકબે ફુદરડી ફરી લેતો ને તાળી પાડી લેતો. અમારી પ્રશ્નબેંકમાં એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા. “આ પોતે આટલો દુબળો-પાતળો છે. અંબાજી સુધી ચાલવાનો એ કોન્ટ્રાક્ટ આપી દેતો હશે કે શું? દર પૂનમે આટલું બધું ચાલનાર માણસનું હોય એવું કસાયેલું શરીર તો એકેય ઍન્ગલથી લાગતું નથી.” થોડી થોડી વારે ઉપર જોઈ હાથ જોડીને જય માતાજીનો નારો લગાવી રાગેશ પાછો જમીન પર આવી જતો પણ તો ય, માતાજીનો ભક્ત તો લાગતો જ હતો. કપાળ પર ભ્રૂકુટીની વચ્ચે જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં કંકુનું લાલ તિલક શોભાયમાન હતું. આ તિલક એની ભક્તિનું જાણે પ્રમાણપત્ર હતું. આ વિચાર પત્યો કે, બીજો વિચાર આવ્યો કે ચારભુજા સેન્ડવીચ અને ગરબા ક્લાસીસમાં કોઈ કનેક્શન હશે ખરું? જો ન હોય તો ઠીક પણ હોય તો શું એ અહીં સેન્ડવીચ ડિસ્કાઉન્ટ રેટથી આપશે? પ્રયત્નપૂર્વક આ વિચારોને દબાવીને અમે રાગેશ-રાગિણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બે મિનિટ આંખો બંધ રાખીને રાગેશે જોરથી બૂમ પાડી. “ઓલ ઑફ યુ રેડી?” સૌ એ એટલાં જ ઉત્સાહથી “હાઆઆઆ...”માં જવાબ આપ્યો “હવે બધા ગબ્બર સુધી અવાજ પહોંચે એટલા જોરથી ત્રણવાર “જય માતાજી” બોલીશું ને કોઈને કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકે છે.”

એક ઉત્સાહી ગરબાપ્રેમીએ પૂછ્યુઃ “તમે અમને દોઢિયું પોપટિયુ શીખવશો?”

“હા, અમે તમને હીંચ, દોઢિયું, પોપટિયુ, રાસ, એક તાળી બે તાળી, ત્રણ તાળી, બધું જ શિખવાડીશું.” રાગિણીદેવી ઉવાચ.

વળી, બીજા એક જુવાનિયાએ પૂછ્યું: “સર, કેડિયું, તૈયાર સીવેલું સારું કે આપણે ડિઝાઈન આપીને સિવડાવીએ? સારો દરજી હોય તો કહેજો. મોબાઈલ મૂકવા માટે યાદ રાખીને કેડિયામાં ખીસું મુકાવીશ. પછી સેલ્ફી લેવાય ને! “મિત્ર, પેમ્ફ્લેટમાં દરજીનું નામ-સરનામું લખેલાં જ છે. બરાબર વાંચો. આમને આમ તો ગરબા ક્લાસમાં જ જિંદગી વિતાવવાનો વારો આવશે.” રૂમમાં હસાહસ થઈ ગઈ. પેલો વરણાગિયો જરા છોભીલો પડી ગયો. વળી, અમારી પ્રશ્નબેંકમાં ઉછાળો આવ્યો ને અમે પૂછ્યું. પાર્ટીપ્લોટના પાસની વ્યવસ્થા વિશે પૅમ્ફ્લેટમાં કશી ચોખવટ નથી.

“સંસ્થા માત્ર ગરબા ક્લાસ ચલાવે છે. પાસ વહેંચણી કેન્દ્ર નથી.”

અમારો ઇગો હર્ટ થયો. પણ મન મોટું રાખીને અમે એને ક્ષમા આપી. “પણ અહીં આટલા ફાઈન સ્ટેપ્સ લર્ન કરીએ પછી આપણી સોસાયટીમાં જ ગરબા પરફોર્મ કરવાના? સો રિડિક્યુલસ “અમારી તરફેણમાં એક તીણો અવાજ આવ્યો. આ વખતે રાગિણીદેવી બોલ્યાં: “તે તમે અમારી સોસાયટીમાં આવજો ત્યાં પાસ સિસ્ટમ નથી.”

હવે મહેરબાની કરીને કોઈ પ્રશ્નો નહીં પૂછે. આપણે આમે ય ગરબા ક્લાસીસ માટે લેટ છીએ. પ્લીઝ, કૉ-ઑપરેટ. રાગેશના ચહેરા પર કંઈ ન સમજાય એવા ભાવો જોઈને બધા ગરબા માટે કુંડાળામાં ઊભાં રહી ગયાં. ફરીથી જય માતાજીનો ગગનભેદી નાદ કરીને રાગેશ આણિ મંડળીએ ગરબો શરૂ કર્યો. ધીરે ધીરે બધા રાગેશે શિખવાડેલાં સ્ટેપ્સ પર તાલ અને લયબદ્ધ રીતે ગરબો ગાવા લાગ્યા. કોઈ કોઈ વચ્ચે સ્ટેપ ચૂકી જતું તો આજુબાજુના બીજા બે જણ પણ હડબડી જતાં. પણ ટૂંકમાં, બધા સેટ થઈ ગયાં. અચાનક જ બાવીસેક વર્ષનો જોન અબ્રાહ્મ્ હોવાનો વહેમ ધરાવતો યુવાન મોબાઈલ ફોન લઈને એકદમ જ કુંડાળું છોડીને વચ્ચોવચ આવી ઊભો. એને આમ મોબાઈલ સાથે ઊભેલો જોઈને બીજા ત્રણચાર ને ય ચાનક ચડી સેલ્ફી લેવાની. “ચાલો ચાલો જલદી આ કાર્યક્રમ પતાવો” બસ ઊપડતી હોય ને કંડક્ટર બૂમ પાડે એવી બૂમ રાગેશે પાડી. સેલ્ફી વીરો જલદી જલદી ક્લીક કરવા માંડ્યા. તો પેલો જોન અબ્રાહમ વળી સૂચના આપવા માંડ્યો. તમે બધા ચાલુ રહો એક્શન ફોટા લઈએ.” એક ઝીરો ફિગર કન્યા જુદા જુદા પૉઝ આપતી જાય ને ક્લીક કરતી જતી હતી. એ જોઈને અમને થયું કે આ કન્યાએ સેલ્ફી ફોટોગ્રાફી કોર્સ શરૂ કરવો જોઈએ. સેલ્ફીક્વીને વળી કોઈને ફોન પણ કર્યો. “જસ્ટ ચેક માય ક્લીક્સ ઓન એફ. બી. એન્ડ ટ્વીટર... પોસ્ટિંગ ઓન ઇન્સ્ટાગ્રામ ટુ.” અન્ય એક ગોળમટોળ સેલ્ફીવીરને જોઈને “આ ગોળનું દડબું કેડિયું ને ચોયણીમાં કેવું લાગશે”ના વિચારો માત્રથી અમે હસુ હસુ થઈ રહ્યાં. આ બધી સેલ્ફી પારાયાણમાં પંદરવીસ મિનિટનું પડીકું વળી ગયું. હવે બસ કંડક્ટર બનવાનો વારો રાગિણીદેવીનો હતો. કર્કશ ઘંટડી જેવા અવાજે એમણે ઘાંટો પાડ્યો અને અમે સૌ પાછા કુંડાળા ભેગાં થઈ ગયાં. થોડીવાર ગરબા ચાલ્યા અને સીડી પ્લેયરમાં આરતીનું મ્યુઝિક શરૂ થયું. બધાં માતાજીના ફોટા સમક્ષ જઈને હાથ જોડીને ઊભાં રહ્યાં. આરતી પૂરી થઈ એટલે રાગેશ-રાગિણીદેવીએ જય માતાજીનો ઘોષ કર્યો અને રાગિણીદેવીએ સ્પેશિયલ પ્રસાદિયા પેંડા વહેંચ્યા.

રાગેશે પાછી સૂચના આપીઃ “આજનાં સ્ટેપ્સ સૌને મુબારક. હવે કાલે મળીશું. જય માતાજી.”

ખોંખારોઃ
“માઝમ રાત ને ગરબે ઘૂમે ચણિયાચોળી ને આભલાં પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.”
કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત મારા થાંભલા પર તો ઘૂમે માણસ છે કમજાત”

(સૌમ્ય જોષીની કવિતા “કૂતરું”માંથી)