Thursday, October 6, 2016

સમયપાલન



એક રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો ટ્રેઈનની રાહ જોતાં ઊભાં હતાં.  નિયત સમયે ટ્રેઈન આવી અને પુરતો સમય ટ્રેઈન ઊભી રહેવાની હતી તેમ છતાં બધાં સૌ પહેલાં અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યાં. જેમ લોટના ડબ્બામાં થોડું ઠમઠોરો એટલે લોટ વધારે દેખાતો હોય તો ય  બરાબર સેટ થઈ જાય એમ થોડીવાર પછી  બધાં ય સરખાં ગોઠવાઈ ગયાં. ટ્રેઈન ચાલુ થઈને સહેજ ઝડપ પકડી એટલામાં જ બે ત્રણ જુવાનિયાં દોડતાં આવીને ડબ્બામાં દાખલ થયાં. દોડી દોડીને હાંફી ગયેલાં બરાબરનાં. હાંફ ઓછી થઈ એટલે એક કાકાએ સહેજ વહેલા આવતા હોવ તો આમ દોડવું ન પડે ને અકસ્માતથી ય બચી શકાય એવી વણમાંગી સલાહ આપી.અેટલે એક વરણાગિયો બોલ્યો કે "કાકા, અમને અપડાઉનીયાઓને આમ જ ફાવે. ધીરેથી ટ્રેઈનમાં ચડીએ તો પડી જઈએ. " બોલો. કહેવું છે કંઈ? ઘણાંને એવી ટેવ જ હોય પણ કે કોઈ પણ કામ છેલ્લી ઘડીએ જ પુરું કરે. સમયસર કે સમય કરતા જરા વહેલું લીધેલું કામ પુરું કરવાનું એમને ફાવે જ નહીં. પાછું એમને એ વાતનું અભિમાન પણ હોય. આવાં લોકોનો આત્મવિશ્વાસ પ્રચંડ હોય. પોતાને સોંપવામાં આવેલું કામ સમયસર પૂર્ણ થશે જ એવો વિશ્વાસ એમને હોય એટલો કામ સોંપનારને ય હોય જ એ જરુરી નથી . એટલે કામ કેટલે પહોંચ્યુંની ઊઘરાણી કરી કરીને માણસને હેરાન કરી મુકે.
  છેલ્લી ઘડી સુધી કામ ન કરવાના ગેરફાયદા કરતા ફાયદાનું પલ્લું ભારે છે એવો અમારો નમ્ર અભિપ્રાય છે. છેલ્લે જ કામ કરવાને લીધે ઓફિસમાં તમારી ખ્યાતિ પ્રસરી જાય છે અને અન્ય સાથી કર્મચારીઓ પોતાની અણઆવડત કે કામચોરીને લીધે કામ ન કરી શક્યા હોય તો એ  તમને કામ સોંપતા પહેલાં હજારવાર વિચાર કરે છે.તમે વહેલાસર કામ કરી લીધું હોય તો સાથી કર્મચારી તમારી મદદ લેવા પ્રેરાય છે અને જો એને એવી ટેવ પડી જાય તો એ કામચોર થઈ જાય અને કામ ઓછું કરે. સરવાળે નુકસાન તમને જે પગાર આપે છે એનું જાય કારણકે તમે કાયમ તો કોઈનું કામ કરી નહીં જ શકો. 

  મોટાંભાગે દોડાદોડીમાં કરેલું કામ વધુ સારું થયાનાં દાખલાં ય છે. તમે જોજો કે મોટાં જમણવારોમાં રસોઈયા મોડાં જ આવવા પંકાયેલા હોય છે. પણ પછી એ જે ઝડપથી અને કુશળતાથી રસોઈ બનાવે એ અફલાતૂન જ હોય. ઘરે નિરાંતે રસોઈ બનાવવા છતાં આંગળા ય કરડી  ખાઈએ એવી એકધારી સરસ રસોઈ કેટલીવાર બને છે? 
  કામ શરુ મોડું કર્યું હોય એટલે નિયત સમયમર્યાદામાં પુરું કરવા માટે એડીચોટી કા જોર લગાના પડતા હૈ. એટલે કામમાં અનાયાસે જ ઝડપ આવી જાય. બિલ ગેટ્સે એકવાર એમ કહેલું કે કોઈ અઘરી સમસ્યા આળસુને સોંપી જોવી. એ એનું નિરાકરણ ખાતરીપૂર્વક શોર્ટકટમાં જ લાવશે. બિલભાઈને કદાચ ખબર નહીં હોય પણ છેલ્લી ઘડી સુધી કામ પુરુ નહીં કરનારા પણ એટલી જ કદાચ એથી ય વધુ કાર્યક્ષમતાથી સમસ્યા ઊકેલી બતાવે છે. કારણકે ઓછાં સમયમાં કામ પુરું કરવા માટે એમણે એમની સર્જનાત્મક્તાનો પુરો ઉપયોગ કર્યો હોય છે. આમ, છેલ્લી ઘડીવાળા સર્જનાત્મક વિચારધારા ધરાવતા હોય છે. 
  કેટલાંક પાસે પુરતો સમય હોય તો ય એમને નિરાંતે કરેલા કામમાં જોઈએ એવી મઝા નથી આવતી. કારણકે નિરાંત હોય એટલે એમનું ધ્યાન કામ ને બદલે ઈધરઊધર ભટકે છે.  મોબાઈલમાં ગેમ રમવી, કામ પડતું મુકીને ફોન પર કે પડોશમાં જઈને નાહકના ટોળટપ્પાં ,કૂથલી કરવામાં સમય વ્યતીત કરવાનું એમને વ્યસન થઈ જાય છે અને કામ પર પુરતું ફોકસ કરી શકતાં નથી. મોબાઇલ ફોન કે પડોશી કે ઓળખીતા પારખીતાની સાથે આમ વગર કામનો સમય જવાથી એમાં સંડોવાયેલા બન્ને પક્ષના કામના કુલ માનવકલાકો પર સીધી અસર પડે છે. આવાં બિનકાર્યક્ષમ લોકો સમયમર્યાદામાં કરવા ધારેલું કામ થઈ ન શકવાની ભીતિથી કામમાં છબરડાં કે વેઠ જ વાળે કે બીજું કંઈ?વળી, નિરાંતે કરેલા કામમાં કશું રોમાંચક કે ચમત્કારી બનવાની સંભાવનાઓ નહિવત્ હોય છે એટલે સાહસિકોને એ ધીમી ગતિના સમાચાર જેવું કંટાળાજનક લાગે છે.એમને ટેન્શનમાં હોય તો જ કામ કરવાની મઝા પડે છે. બધું પેપરવર્ક પ્રમાણે પરફેક્ટ જ થતું હોય તો પરિણામની જાણ લગભગ હોય જ છે. પણ જો  કામ પુરું થશે કે નહીંના ટેન્શનની સાથોસાથ એ સારું થશે કે નહીં એવી ય ફિકર હોય તો  એ બમણંુ ધ્યાન દઈને કામ કરે. પરિણામે , એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય . આપણે સૌ જાણીએ છીએ કે જેને પોતાની આવડત અને ક્ષમતા પર વિશ્વાસ હોય એ ક્યાંય પાછા પડતા નથી માટે એનું સમાજમાં પણ સારું એવું વજન પડે છે.
સમય પાલન કરી ને ય મંઝિલ તો એક જ છે તો કાર્યમાં આનંદ મળે અેવી રીતે કામ કરવામાં સમજદારી છે. વેળાસર કામ પુરું કરવામાં બચેલા સમયમાં 'ત્યારે કરીશું શું?'  વાળો  લાખ રુપિયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફળસ્વરુપે સમયપાલક મનુષ્યના મનમાં કંટાળો ઘર કરી જાય છે જે મનુષ્યને આગળ જતાં નિરાશા ભણી ધકેલે છે. મોટાંભાગનાં ડિપ્રેશનના દર્દીઓમાં કંટાળાે જ મુખ્ય ઘટક હોય છે.મોંઘા ભાવની દવાઓ ખાઈને તંદુરસ્તી મેળવવા કરતા બહેતર છે કે દરદ આવે એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દેવી. છેલ્લી ઘડી સુધી કામમાં રોકાયેલા રહેવાને લીધે મગજને આડુંઅવળું વિચારવાનો સમય જ મળતો નથી માટે કાર્યનો આરંભ એવી રીતે કરો કે એ નિયત સમયમર્યાદા સુધી કરવું જ પડે. 
    " આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું " કે " ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર " જેવી કહેવતના જનકને વાંકુ જોવાની ટેવ પડેલી હોઈ એણે છેલ્લી ઘડીવાળાને ઉતારી પાડતી આ કહેવતો બનાવી હશે. એમ પણ બને કે આ કહેવતો    બનાવનાર ગુરુતાગ્રંથિથી પીડાતા હોય અને એ પોતાના સિવાય બીજા કોઈનું સારું બોલી જ ન શકતા  હોય એટલે એ છેલ્લી ઘડીવાળાની કાર્યક્ષમતાથી બળીને  આવી કહેવતો રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હોય. 

ખોંખારો: છેલ્લી ઘડીએ જ કામ પુરું કરનારાઓને લીધે જ સમયપાલનનું મહત્વ છે. 

PUBLISHED IN 'MUMBAI SAMACHAR' 06/10/2016 ,THURSDAY, લાડકી,' મરક મરક '