Friday, October 28, 2016

ભાષણ -એક કળા



   ગુજરાતી સુગમ સંગીતના એક કાર્યક્રમમાં સંચાલક બહુ મુડમાં હતા. બે ગીતની વચ્ચે એ એટલું બોલ્યાં કે ગાયક કલાકારો અર્ધાં જ ગીતો ગાઈ શક્યા.કાર્યક્રમ પત્યા પછી કલાકારોએ સંચાલકને બોચીએથી પકડીને " ભાષણબાજ" નું બિરુદ આપેલું. ભાષણમાં સમયનું મહત્વ હોય છે એટલે જ hallમાં ગમે તે જગ્યાએથી દેખાય એવડાં મોટાં આંકડાવાળા ઘડિયાળ મુકાય છે. તમે છેલ્લે ભાષણ ક્યારે સાંભળેલું? મોટાંભાગનાં લોકોને ભાષણ સાંભળવાનો કંટાળો આવતો હોય છે. પણ ભાષણ આપવાનું આવે તો એ જ લોકો ખુશી ખુશી નિર્ધારિત કરતા વધુ સમય જ લેતા હોય છે. કેટલીકવાર માત્ર સંબંધ સાચવવા માટે ય ભાષણ સાંભળી લેવાતા હોય છે. સૌથી વધુ કફોડી હાલત જે hall માં વધુ ભાષણ અપાતા હોય એના માઈક  સિસ્ટમવાળાની થાય. એણે ફરજિયાતપણે દરેક ભાષણ સાંભળવા જ પડે. જો ચાલુ કાર્યક્રમમાં માઈકમાં તકલીફ સર્જાય તો એણે કાર્યક્રમ પતે પછી ય ભાષણ સાંભળવાની તૈયારી રાખવી પડે છે. 


    જુદાં જુદાં પ્રકારનાં ભાષણોમાં રાજકીય ભાષણો મોટેભાગે જુસ્સેદાર હોય. કહેવાય છે કે ગાંધીજી બહુ સારા વક્તા ન હતા પણ એમના ભાષણો મડદાંને ય ચાલતાં કરી શકે એવા જોમવાળા હતા. સચ્ચાઈવાળા ભાષણો જનતામાં જોશ ભરે જ ભરે. રાજીવ ગાંધી ભાષણ આપતાં ત્યારે લોકો એ  "નાની યાદ દિલા દેંગે" અને "હમેં દેખના હૈ .." ક્યારે બોલશે એના પર સટ્ટો રમતા. અટલ બિહારી બાજપાઈ ભાષણમાં લોકોને પ્રશ્નો પુછતાં. આજે આપણા વડાપ્રધાન પણ આ જ શૈલી અપનાવી ચુક્યા છે. કેટલાંકને ભાષણ વાંચે તો જ બોલી શકે એવી ટેવ હોય છે. ગુજરાતના અેક રાજકારણીએ  એકવાર ભાષણ વાંચવામાં નિર્ધારિત કરતા બમણો સમય લીધો. એમણે એમના સેક્રેટરીને ભાષણ પત્યું પછી કારણ પુછ્યું કે ઑફિસમાં તો આ જ ભાષણના રિહર્સલ વખતે ઓછો સમય થયેલો. સેક્રેટરીએ ગભરાતાં ગભરાતાં ફોડ પાડ્યો કે સાહેબ તમે ભાષણની ઝેરોક્સ કોપી પણ વાચી. એ પછી સેક્રેટરીનું આ ભુલ બદલ શું થયું એ ખબર નથી. તો બીજા એક રાજકારણીએ ભાષણની નીચે પોતાના હસ્તાક્ષર પણ વાંચેલા. ને ભાષણમાં મનોરંજન માત્ર રાજકીય ભાષણોમાંથી જ મળે એવું નથી. એકવાર એક શોકસભામાં એક જાણીતી સંસ્થાના ચેરમેને સંસ્થાના ભૂતપુર્વ સભ્યનાં મૃત્યુ પ્રસંગે એમના ખુબ વખાણ કર્યા. એમના અને પોતાનાં ગાઢ સંબંધો વિષે ય થોડું બોલ્યા. થોડીવાર પછી મંચ પર બેઠેલામાંથી કોઈ ચેરમેનને એક ચબરખી આપી ગયુ જેમાં લખ્યું હતું કે " સાહેબ શ્રી, અવસાન આપણી સંસ્થાના ભૂતપુર્વ સભ્યનું નહીં પરંતુ એમના ધર્મપત્નીનું થયું છે." ભોંઠા પડેલાં ચેરમેને પલટી મારતા કહ્યું કે .." એવા સેવાભાવી આપણા આ સભ્યના ધર્મપત્નીએ પતિના આ સમાજકાર્યમાં હારોહાર ફાળો આપ્યો છે.પ્રભુ દિવંગતના આત્માને શાંતિ આપે.." અને ગીતાના શ્લોક બોલવા માંડ્યા. 
  સાહિત્ય જગતમાં મોટું નામ ગણાતા એક લેખકના ભાષણ ત્રણ ચારવાર સાંભળ્યા પછી શ્રોતાઓને ય ખબર પડી ગઈ છે કે હવે લેખક ભાષણમાં શું બોલશે. કેટલીકવાર તો ઉત્સાહી શ્રોતાઓ જ યાદ કરાવે કે "પેલું બોલવાનું બાકી છે એ ક્યારે બોલશો?" એકવાર વાંચીને બોલવાવાળા એક લેખક પોતાના જ લખી લાવેલા ભાષણમાં કાગળ આડાં અવળા થઈ ગયા તો અર્ધા ભાષણે બેસી જવા મજબૂર થઈ ગયેલાં. ક્યારેક એમ પણ બને કે કાગળ વ્યવસ્થિત હોય, મુદ્દા  પણ બરાબર હોય પણ ભાષણ આપનારની ગાડી બીજે પાટે ચડી જાય તો યુ-ટર્ન  મરાવવો અઘરું થઈ પડે છે.વિનોદ ભટ્ટ પોતાની સાથે કાગળોમાં ટુકી નોંધ કરી લાવે છે અને શ્રોતાઓને કહે પણ ખરાં કે પોતાની ગાડી આડે પાટે ન જાય એટલા માટે પોતે આમ લખી લાવે છે. પણ એમની બોલવાની છટાના લીધે લોકોને એ કબુલાતનામું ય રમુજનો જ ભાગ લાગે છે એ વાત અલગ છે. શાહબુદ્દીન રાઠોડ એકની એક રમુજ કે વનેચંદનો વરઘોડો ગમે એટલી વાર સંભળાવે શ્રોતાઓ એ કાયમ મનભરીને માણે જ છે. બહુ ઓછાં  વક્તાઓ માહિતીસભર ,કાયમ  સાભળવું ગમે જ  એવું ભાષણ આપી શક્તા હોય છે.આવાં વક્તાઓને સાંભળવા પડાપડી ન થાય તો જ નવાઈ.
 હવે તો ભાષણબાજીના આમંત્રણ કાર્ડમાં  જ ભાષણ પછી ભોજનની વ્યવસ્થા રાખેલ છે જેવી લાંચ પણ આપવામાં આવે છે જેથી ભાષણમાં લોકો બેસી રહે. જો કે એકવાર એક અભિનંદન સમારંભમાં મંચ પર એટલા બધા વક્તાઓ બોલનાર હતા કે ભાષણ સમારંભ પછી ભોજનનો મોહ  પણ ઘણાં બધાંએ જતો કર્યો હતો. ભોજનની વ્યવસ્થાવાળા ભાષણના કાર્યક્રમમાં શાણો શ્રોતા વક્તાઓની ભાષણનો અપેક્ષિત સમય ધ્યાનમાં રાખીને જ સમારંભમાં આવે છે.જમણ પણ ન જાય અને સગું ય ન દૂભાય. તો ઘણીવાર એવું ય બને કે પોતાને જ શ્રેષ્ઠ ભાષણકર્તા માનતા વક્તા પોતાનું ભાષણ અપાઈ જાય એટલે જુદાં જુદાં બહાનાંસર ચાલતી પકડે જેથી બીજાના કંટાળાજનક ભાષણો પોતે સાંભળવા ન પડે. એટલે આયોજકો હવે hall ના દરવાજા બંધ કરી દે છે અને બહાર એક બાઉન્સર પણ ઊભો રાખે છે જેથી કોઈ અર્ધા કાર્યક્રમે છટકવાની હિંમત ન કરે.  
  પરદેશોમાં લગ્ન સમયે વર-વધુના  યાર દોસ્તો, સગાંસંબંધીઓ  સ્પીચ આપતા હોય છે. હિન્દી ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં પણ હવે આવી સ્પીચનું ચલણ વધ્યું છે. બંનેના ગુણગાન ગવાય ત્યારે સાંભળનારને સાક્ષાત વિષ્ણુ લક્ષ્મીની જોડી જ લાગે. ક્યારેક વિપરીત સંજોગોના કારણે આ જ આદર્શ જોડી એકબીજાની ખુબીને બદલે ખામીઓ શોધતી થઈ જાય છે.
      ભાષણમાં કેટલીકવાર વક્તાઓ શ્રોતાઓના નામોનો ઉલ્લેખ કરે છે. જાણીતા  વક્તા આટલા બધાં ઑડિયન્સમાં પોતાનું નામ બોલાયેલું સાંભળીને એવો તો પોરસાય કે જે-તે વક્તાના  હવે પછીના દરેક કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કરી લે છે.કેમ જાણે પેલા વક્તા દર વખતે એનું નામ બોલશે જ એવું સ્ટેમ્પ પેપર પર લખી ન આપ્યું હોય ! ને હવે તો પાછું વક્તા સાથે ફોટો પડાવીને સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરવાનો રિવાજ  જ થઈ ગયો છે. ફોટો તો મુકે જ મુકે પણ સાથે પાછા પોતાને એમની સાથે કેવો ઘરોબો છે એ પ્રકારનું લખાણ પણ મુકે થોડું. કદાચ એવું ય બને કે વક્તા આ ફોટો પડાવવા પુરતાં જ એમની સાથે ઊભા રહ્યા હોય. 
 ભાષણ થકી જ કેટલાંય સુવાક્યો આજે આપણે રોજ સવારે વોટ્સઅપ , ઇન્સ્ટા કે ફેસબુક જેવા  સોશ્યલ મિડીયા પર વહેતા મુકી શકીએ છીએ અને આપણા અગાધ જ્ઞાનનો હિમશીલા જેટલો હિસ્સો પ્રદર્શિત કરી શકીએ છીએ. ભાષણને વિષયના કોઈ સીમાડાં નડતાં નથી. 


ખોંખારો : ભાષણ પરપીડન વૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પીડિતથી કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. 

Published in Mumbai Samachar,27/10/2016 ,ગુરુવાર..લાડકી..' મરક મરક ' 

Tuesday, October 25, 2016

સ્મરણનોંધ - કે. કે. દાદા..

૨૦૧૩નો મે મહિનો . બપોરે લગભગ ૪.૧૫ ..કેકે દાદાનું ઘર, સુરત. 

'ગુઝરા હુઆ ઝમાના' પુસ્તક પ્રસિધ્ધ થયાને મહિનો ઉપર વીતી ચુકેલું.  એ વાંચ્યા પછી કૃષ્ણકાંત ભુખણવાલા... કે.કે ને  મળવાની ઈચ્છા થઈ. પુસ્તકનાં સંપાદક શ્રી બીરેનભાઈ સાથે વાત કરી. એમણે તરત જ દાદા સાથે વાત કરીને મુલાકાત ગોઠવી આપી અને અર્ધો એક કલાક બેસી શકાશે એમ પણ જણાવ્યું .એટલે 'ગુજરા હુઆ જમાના' ફરીથી વાંચી. કેટલાંક પ્રશ્ન થયા ત્યાં પેન્સિલથી નોંધ કરી. અને આખરે દાદાના ઘરે સુરતની મિત્ર અવનિ દલાલ સાથે જઈ પહોંચી. દાદાને બીરેનભાઈએ  મારો પરિચય આપી રાખેલો એટલે મારે મારા માટે કશું કહેવાનું ન હતું. થોડીવાર ઈધર ઉધરની વાત કર્યા પછી મેં એમને પુસ્તક વાંચીને મને થયેલા પ્રશ્નો પુછવા માંડ્યા. ઘડીભરમાં તો દાદા એવા ખીલ્યા કે  અર્ધો એક કલાકને બદલે સાડા છ વાગ્યા. મારે તો ક્યાંય જવાની ઉતાવળ ન હતી. દાદા ય એકદમ મોજમાં હતા. હજીય વાતો , અઢળક વાતો કરી શકાઈ હોત પણ દાદાની ઊંમરનો ખયાલ કરીને મેં આભાર માનીને રજા માંગી. ફરીવાર જેયારે સુરત આવું ત્યારે મળવા આવવાનું વચન આપ્યું.
  થોડાં દિવસ  પછી મેં અમસ્તો જ ફોન કર્યો. દાદાની બાળસહજ સરળતા અને ખુશી તમને ફોનમાં ય અનુભવાય. વિવેકને કાયમ 'વિકાસ' જ કહે. મેં બે ત્રણ વાર સુધાર્યું પણ પછી માંડી વાળ્યું. એમના ઉમળકાને બ્રેક મારવાની મારી જરાય મરજી નહીં. વિવેકને એમના ફોટા પાડવા હતા.  ત્રણવાર નક્કી કર્યા પછી છેક ૧૯ જૂન,૨૦૧૫ એ મેળ પડ્યો. પરિશી- એમની પ્રપૌત્રી બિમાર હતી. એટલે અમે જઈએ તો એને ખલેલ પહોંચે.વળી, એની સંભાળ લેવાની હોય એટલે ઘરમાં રેણુકાબહેન રોકાયેલા હોય ,થાકેલા પણ હોય તો અમારી આગતા સ્વાગતા પણ ન કરી શકે.. કેટલી દરકાર!  અમારું જમવાનું પાકું કરીને શું ભાવે એમ પણ પુછી લીધું. છેવટે અેમનું ફોટોશુટ થઈ શક્યું.  જતાવેંત જ સુરતની પ્રખ્યાત નાનખટાઈ અને બટર બિસ્કીટનાં બોક્સ આપી દીધાં . "આમાં ના નથી કહેવાની,લઈ જ જવાનું છે." આવા પ્રેમાગ્રહ સામે ક્યાં સુધી ટકી રહેવાય?  શુટ પુરું થયું એટલે સ્વાભાવિક પૃચ્છા કરી કે " વિકાસભાઈ , આ ફોટા મને ક્યારે  જોવા મળશે? " વિવેકે જેટલું જલદી મોકલાવાય એટલા જલદી મોકલવાનું વચન આપ્યું.
અમદાવાદ આવ્યા પછી મેં થોડાં દિવસ પછી ફોન કર્યો. એમણે મને ભાર ન વર્તાય એ રીતે ફોટા વિષે પુછ્યું. વિકાસભાઈ કામમાં હોય તો નિરાંતે મોકલજો એમ પણ કહ્યું. છેવટે, વિવેકે એમને એને ગમેલાં ફોટોગ્રાફ્સ મોકલ્યાં. ને ફરીથી ફોનમાં દાદાની ખુશી છલક છલક. 
  એ પછી દાદાને મળવાનું શક્ય ન બન્યું. ફોન પર વાતચીત થતી રહેતી. દર વખતે "સમય લઈને મળવા આવો" થી વાત પુરી થાય. આ વખતે એમની વરસગાંઠે અનેકવાર પ્રયત્ન કરવા છતાં ફોન પર પણ વાત ન થઈ. મારે આ વખતે સુરત જાઉં ત્યારે એમને મળવું જ છે ને એમ મન મનાવ્યું. જ્વલંત સાથે વાત થાય ત્યારે  દાદાને અચુક યાદ કરવાનો રિવાજ. ગઈકાલે જ્વલંતે દાદાના સમાચાર આપ્યા ત્યારે હું કશું બોલી જ ન શકી. વાત પણ ન થઈ શકી એનો વસવસો, રંજ હશે? કે પછી અપરાધભાવ? ભગવાન જાણે ... 


 દાદા, Return If Possible ..🙏🏻

Thursday, October 20, 2016

દિવાળી સ્ટ્રાઈક્સ..

     વ્રજેશે સવારમાં ઊઠીને આળસ મરડી. પથારીમાં પગ આઘાપાછાં કરીને માંડ પલાંઠી વાળી. "વજન ઉતારવું પડશે સાલું પલાંઠી ય નથી વળતી" એવું કંઈક બબડીને એણે ખુલ્લી બારીમાંથી બહાર જોયું અને સહેજ મલકાયો.ને પછી એકદમ સફાળા ઊભા થઈને બહાર દોટ મુકી. એને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. બગીચામાં ઝાડુવાળો નારણ પોતાનો ફેવરીટ કેસરી અને જાંબલી પટ્ટાવાળો શર્ટ ને ચોકડાવાળું બર્મુડા પહેરીને બગીચો વાળી રહ્યો હતો. લાગલા જ એના પર ધસી જઈને વ્રજેશે એને કોલરેથી પક્ડ્યો. " એ ગધેડા, કંઈ અક્કલ જેવું આપ્યું છે કે નહીં ભગવાને? આ મારું શર્ટ છે. ક્યાંથી લાયો? ચોરી કરે છે ને પાછો અહીં જ પહેરીને આયો? " અચાનક થયેલાં હુમલાથી નારણ હેબતાઈ ગયો ને  ત..ત..પ..પ.. અ..અં...જેવા વ્યર્થ ઉદ્ગારો કરવા માંડ્યો. "સું કક્કો બારાખડી બોલે છે? ક્યાંથી લાયો ?" જરા કળ વળતા નારણ બોલ્યો: "સાએબ, મુંને ભાભીએ કાલે જ આ બુસકોટ આપ્યું હે ને કહ્યુ હે કે અબ્બાર જ પેરવાનું હે. "  ભાભીનું નામ આવતા વ્રજેશ જરા કુણો પડ્યો. સફાઈ અભિયાન જાણે સર્જિકલ સ્ટ્રાઈકમાં ફેરવાઈ ગયું હોય એવો વ્રજેશને અહેસાસ થયો. ઘરમાંથી જ આટલા ભવ્ય દગાની એને કદી કલ્પના કરી નહતી. ત્રણ ફલાંગમાં તો એ પાછો ઘરમાં હતો ને રુમમાં જઈને જોયું તો સર્જિકલ સ્ટ્રાઈકનો શક ખાતરીમાં પલટાઈ ગયો. રુમમાં પથારીઓ ફરી ગઈ હતી. હજી હમણાં સુધી તો બધું બરાબર હતું ને એકદમ આ ધોળે દહાડે ચોરી થઈ હોય એવો સીન હતો. પલંગ પરથી ગાદલાં ,ઓશિકાં ,ચારસા બધું જ અદ્રશ્ય. બારીનાં પરદાની પાછળ ધૂળ જામેલી ખુલ્લી બારીઓ જાણે ગાઈ રહી હતી કે પરદે મેં રહેને દો , પરદા ન ઊઠાઓ.. બારીની બહાર ડોકું કાઢીને જોયું તો રુમના બધા અદ્રશ્ય દાગીના તડકે તપવા માંડેલાં.  ડઘાઈ ગયેલો વ્રજેશ કોઈને કંઈ પુછે એ પહેલાં જ રુમમાં વ્રજેશભાર્યા ગોપિકાની એન્ટ્રી પડી. " ચલો , ચા નાસ્તો મુક્યા છે ટેબલ પર . એનો પાર પાડીને કામે લાગો. આમ ઠોયાની જેમ વચ્ચે ન ઊભા રહેશો. દિવાળી તો આ આવી બારણે. અહીં કામના પાર નથી ને તમે કામ કરાવવાના ન હોવ તો બહાર જાવ. " સર્જિકલ સ્ટ્રાઈકની પોસ્ટ ઈફેક્ટ જેવો આ ડાયલોગ સાંભળતા જ વ્રજેશને મેન્ટોસ પીપરમિંટ ખાધા વિના જ દિમાગમાં બત્તી થઈ કે દિવાળી નજીક હોવાને લીધે આ સ્વચ્છતા અભિયાનનું રણશિંગુ ફુંકાયુ છે.


જવાબની રાહ જોયા વિના જ ગોપિકા નોનસ્ટોપ બોલ્યે જ જતી હતી. "ઘર કહેતા ય સરમ આવે એવું ઘર કરી મુકો છો તમે લોકો. અહીં આખો દિવસ આ બધામાંથી જ પાર નથી આવતો.જ્યારે ને ત્યારે મારે તમારા ત્રણની પાછળ પાછળ ફરવાનું કે કોણ  ક્યાં લાઈટ પંખો બંધ કરવાનું ભુલી ગયું?એક કામ એવું નહીં હોય કે તમે લોકોએ પાધરું કર્યું હોય. આ તો સારુ છે કે હું મળી બાકી બીજી કોઈ તો ક્યારની છૂટી થઈ ગઈ હોત..." હજુ આ પુણ્યપ્રકોપ ચાલુ જ રહેત પણ ભલું થજો કાળુ પસ્તીવાળાનું કે એણે આવીને પોતાના આગમનની છડી પોકારી ને મેથ્યુ કે કેટરીનાથી ય વધુ વિનાશકારી વ્યંગબાણનું જોર મંદ પડ્યું. વ્રજેશ હાશ કહીને એક ખુરશી પર ગોઠવાયો અને હમણા હુમલો થશેના અંદેશા વચ્ચે  છાપાંમાં નજર ફેરવી રહ્યો. કાળુ અને ગોપિકા, બંને માઈક ગળી ગયા હતા અને એમાં ભગવાન વોલ્યુમ કંટ્રોલર ચોક્કસપણે ભુલી ગયો છે એવું વિચારતા વ્રજેશને બંનેના સંવાદો બરાબર સંભળાતા હતા. ગોપિકા પોતાનું હિન્દી ભાષાનું જ્ઞાન પ્રદર્શિત કરી રહી હતી. '' અંગ્રેજી ઓર ગુજરાતી છાપા કા ભાવ સરખા થોડીના હે? મેગેઝિન ઓર સાદી ચોપડી કી થપ્પી અલગ રખના હેં કે.." સામે રાજસ્થાની  કાળુ પોતાનું ગુજરાતી જ્ઞાન ઠાલવી રહેલો. " બક્ષી કાઢી નાંખવાના છે? કાન્તિ ભટ્ટ પણ? ને આ વિનોદ ભટ્ટ? એમને તો રાખો.સાહેબને પુછી જુઓ. ગઈ વખતે તમે એમને પુછયા વિના કંઈ આપી દીધેલું તો કેટલી માથાકુટ કરેલી મારી સાથે. બબાલ નહીં ચાહિએ.અમે ગરીબ લોગ.." બસ હવે , સબ પુછ કે હી પસ્તી નિકાળી હે. તુમ તુમારે લે જાવ. " બક્ષી ને વિનોદ ભટ્ટના નામ સાંભળીને વ્રજેશ પસ્તી જોખાતી હતી ત્યાં આવ્યો. " કહુ છું, આ તો રહેવા દે. બહુ મુલ્યવાન છે આ પુસ્તકો તો. " ને ગોપિકા વળી વિફરી : " કંકોડા મુલ્યવાન? આ કાળુ એક ચોપડીનાં પાંચ રુપિયા ય આપવા તૈયાર નથી. હવે આયા જ છો તો આ છાપાંમાં જરા નજર નાંખી લો કે એકે ય કુપન બાકી નથી રહી ગઇને ? આ વખતે પ્લાસ્ટિકનું ટબ મફત આપવાના  છે આ ભરેલા ફોર્મ પર. એકાદી રહી જસે તો ગિફ્ટ જસે. કુપન પાંચ રુપિયાની વેચે છે ચોરકંપનીઓ.આ ય એક ધંધો જ થઈ ગયો છે ને હે? સું કહો છો તમે?ને તમારા બે ય નમુના આવે એટલે કહી દેજો કે મારી હડફેટે ના આવે . આજે આપણો પિત્તો ખસેલો છે. ખાવામાં તમને ચોખ્ખાઈ ને હાઈજીન જોઈએ છે તો જ્યાં રહો છો ત્યાં ચોખ્ખું નથી રખાતું? ક્યાં જાય છે તમારી હાઇજીનતા ? ...."
"હાઈજીનતા ખોટો શબ્દ  છે. એને.."
"ઈંગ્લિસમાં મારે તમારા કરતા વધારે માર્ક આવતા તા એટલે મને તો શીખવાડશો જ નહી કે સાચું સું ને ખોટું સું? "
 વ્રજેશ ચુપચાપ છાપાંની કુપનની કતરણ કલામાં જોતરાયો. બપોર થતાં જમી પરવારીને વળી ગાદલાઓને લાકડી વડે 
ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે ગોપિકાને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ જતા ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા  કરીને ચીડવતું હોય એવો ભાસ થયો. ને  ગોપિકા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં વ્રજેશને પરસેવો પરસેવો વળી ગયો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં વ્રજેશે પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી. બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. અચાનક જ ગોપિકા બોલી: "તે હું કહેતા ભુલી ગઈ કે એક ગાદલું ફાટેલું છે તો એ બહાર જ રહેવા દેવાનું હતું. ફરી ભરાવી લઈશું એટલે નવું નક્કોર. ૩૦૦-૪૦૦ આપીએ એટલે પુરું. "
વ્રજેશ પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ ને એ ગાદલું ખરેખર કેટલાંમાં પડ્યું એની મનોમન ગણતરી માંડી. 


ખોંખારો : દિવાળી પહેલાં તમારી કોઈ ચીજવસ્તુ ગુમ થાય તો દિવાળી  પછીના રવિવારે રવિવારી બજારમાંથી શોધી લેવી. 

PUBLISHED IN MUMBAI SAMACHAR,THURSDAY,20/10/2016, લાડકી.."મરક મરક " 

Thursday, October 13, 2016

મંદાબેનની મુલાકાત -



     રણમેદાનમાં લાલ જાજમવાળું સ્ટેજ અને એના પર  ૭ મખમલવાળી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે. ચાર-પાંચ ટીવી ચેનલોના ચિબાવલા ખબરપત્રીઓ હડકાયું કુતરું ચોક્કસ જગ્યાએ કરડી ગયું હોય એમ હાથમાં માઇક લઈને ઠર્યા વિના મેદાનમાં આ ખુણેથી પેલા ખુણે ને પેલા ખુણેથી આ ખુણે દોડાદોડ કરતા હતા અને એમની પાછળ પાછળ જે-તે  ચેનલના કેમેરામેન રીતસર વાયર ને કેમેરા લઇને ઘસડાતાં હતાં. જી હા, આપણે અત્યારે જ્યાં બે દિવસ પહેલાં રાવણનો  વધ થયો એ જ સ્થળ પર લટાર મારી રહ્યાં છીએ.અહીં દેશ-વિદેશના જુદાં જુદાં સંવાદદાતા પણ દ્રશ્યમાન થઈ રહ્યાં છે. મિત્રો , અાજે અહીં દેશભરનાં સંવાદદાતાઓ એક થઈને ઐતિહાસિક મુલાકાત લેવાનાં છે. મુલાકાત લેનાર મુખ્ય પત્રકારો છે પરબત  ગોસ્વામી, સુર્યદીપ સરદેસાઈ, શિખા દત્ત અને રંજન શર્મા . અને માનવંતા મહેમાનો છે મિસીસ રાવણ યાની કિ મંદોદરીબેન અને રાવણબંધુ વિભીષણભાઈ. 
  અચાનક જ મેદાનની એક તરફ બધાં "એ આવ્યાં, એ આવ્યાં" બોલતાં દોડ્યાં. મંદોદરીબેન ઉર્ફે મંદાબેન ક્રીમ કલરની ફુલપત્તાના બુટ્ટાવાળી  એકદમ કડક આર પાયેલી સાડી અને એનાથી થોડા ડાર્કર શેડના લાંબી બાંયના બંધ ગળાના બ્લાઉઝ, હીરાના ઝગમગ દાગીનામાં જાજરમાન દેખાતા હતા. પતિના મૃત્યુને માત્ર ૪૮ કલાક જ થયા હોવાં છતાં એમના ચહેરા પર એક પ્રકારની નિરાંત સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.પેનલનાં ચારેચાર માથાભારે પત્રકારો છેક સ્ટેજના પગથિયાં સુધી મંદાબેનને આવકાર આપવા દોડી આવ્યા.શિખાબેને મંદાબેનને જરા ટેકો આપવાના હેતુથી હાથ લંબાવ્યો પણ એ ગર્વિલી રાણીએ શિખાબેનનો હાથ તિરસ્કારથી હડસેલી દીધો. જિંદગીમાં પહેલીવાર શિખાબેનને સીતામાતાને આપેલો એમ ધરતી મારગ આપે તો સમાઈ જઉં જેવી  ફિલીંગ આવી. ટ્વીટર પર મંદાને troll ન કરું તો મારું નામ શિખા નહીં એવી મનોમન ગાંઠ વાળીને શિખાબેન પોતાની ખુરશી પર જઈને બેસી ગયા.  મંદાબેને પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. વિભીષણભાઈ મંદાબેનથી બે ડગલાં પાછળ ચાલ્યા આવતા હતા પણ એમનો કોઈએ અહીં પણ ભાવ ન પુછ્યો. વિભીષણભાઈએ પણ ચુપચાપ સ્થાન ગ્રહણ કર્યું. બાકીના પત્રકારો પણ ખુરશી પર ટપોટપ ગોઠવાઈ ગયા અને મુખ્ય વિડીયો રેકર્ડીંગ આર્ટિસ્ટે 
વિડીયો શુટીંગનો આદેશ આપ્યો. મુખ્ય પેનલિસ્ટ તરીકે કાયમ ઘાંટા પાડવા ટેવાયેલા પરબત ગોસ્વામીએ બોલવાનું ચાલુ કર્યું : " તો મંદોદરીજી, ફોર્માલિટીઝ મેં હમારા વક્ત બરબાદ ન કરતે હુએ મૈં આપ સે સીધે પ્રશ્ન હી કરુંગા . આપ કે પતિ કે દેહાંત કો પુરે ૪૮ ઘંટે બીત ચુકે હૈં તો  આપ કો કૈસા લગ રહા હૈ? " 
મંદોદરી : " અં ... મૈં શિખાજી સે પૂછના ચાહુંગી કિ ઉનકા દુપટ્ટા હમારી સાડી સે સફેદ કૈસે? "
અચાનક પોતાના પર આવી પડેલી સર્વિસથી બેબાકળી થઈ ગયેલી  શિખા ટ્વીટ કરવાનું પડતું મુકીને ઊભી થઈ અને ગાવા લાગી: "આયા નયા ઉજાલા.. ચાર બૂંદો વાલા ..." 
પરબત : હેલો .. મંદાબેન.. લેટ મી સ્પીક નાવ.. ધ નેશન વોન્ટસ ટુ નોવ... " 
મંદોદરી : " તે હેં પરબતભ'ઈ , તમે ક્યાંના? " 
સુર્યદીપ  સરદેસાઈ : "પરબત, મુઝે લગ રહા હૈ કિ રાવણજી કે દેહાંત સે મંદાજી કે દિમાગ પર કાફી ગહરા અસર હુઆ હૈ. મૈં ને ચેતન ભગત કી કિતાબ  મેં પઢા હૈ કિ ઐસે કિસ્સોં મેં મુલાકાત દેનેવાલે કો થોડે ઈધર ઉધર કે પ્રશ્ન પુછ કે મેઇન ટોપિક પે કૈસે લાયા જાતા હૈ. મંદાજી,  આપ હમેં યે બતાઈયે કે જબ આપ કી શાદી હોનેવાલી થી તબ રાવણજી કે દસ મેં સે કૌનસે વાલે સરને હાં કહા થા? "
મંદોદરી શરમથી લાલ થઈ ગઈ અને ઉત્તર આપ્યો. " એ તો ખબર નથી પણ હા કહેવામાં એમના છ મુગટ પડી ગયા હતા ખરાં. કયાં ચાર માથાં જડભરત રહ્યાં હતાં એ અમે જોઈ શક્યાં ન હતાં કારણકે શરમ સંકોચના લીધે અમે નજર નીચી રાખી હતી. "
રંજન શર્મા: મંદાજી , આપ કહે રહી હૈ કિ આપ ને કૌન સે વો ચાર સર હૈ વો દેખા નહીં તો ક્યા આપ કો કભી યે પ્રશ્ન નહીં હુઆ કે આપ કિન ચાર કે લિએ unwanted હો? "
મંદાેદરી : "બહુત અચ્છા પ્રશ્ન કિયા આપને શર્માજી.  હમને ઉનસે પુછા થા કિ ઉન્હોં ને વે ચાર કી બાત ક્યું નહીં માની. અબ ગૌર કિજીએગા ઉન્હોંને જો ઉત્તર દિયા. ઉસકે બાદ હમને યે બાત કભી નહીં છેડી. એમણે કહ્યું કે majority wins . 
શિખા દત્ત: "મંદાજી , આપ ટ્વીટર પર કયા નામથી છો? મારે અને આભા ડે એ તમને follow કરવા છે. ને આ સાડી કેટલામાં પડી? મારે એક આવ્વી જ લેવી છે. પણ બ્લાઉઝની ડિઝાઈન મને બહુ નથી ગમી. એ હું મારી રીતે મિક્સ એન્ડ મેચ કરી લઈશ. "
મંદોદરી: " અહીં આ બધું પતે પછી અમે દેરાણા- જેઠાણા બધાં સાડી લેવા જવાના જ છીએ અમે. આપ પણ ઈચ્છો તો અમારા રસાલામાં જોડાઈ શકો છો, શિખાજી."
પરબત : અરે હમ યહાં સાડી વાડી કે લિએ નહીં મિલે હૈં. હમેં મંદાજી સે ઉનકે ઔર રાવણજી કે પારિવારિક સંબંધ કે બારે મેં જાનના હૈ. સુર્યદીપ , આપ કુછ ઐસા પૂછો કિ મંદાજી કો નાની યાદ આ જાએ. "
સુર્યદીપ : " ક્યા બાત હૈ પરબત, આજ રાજીવજી કહાં સે યાદ આ ગયે?" 
રંજન : પરબત , અગર ૫૬ કી છાતી હૈ તો પુછો સુર્યદીપ સે કિ વો કલ કનાટ પ્લેસ પર  કિસ કે સાથ આઈસ્ક્રીમ ખા રહે થે?"
પરબત :  "સુર્યદીપ?? તુમ ભી ?? દેખ લો ,યહી હો વો દરિંદા જો મેરી ઓર્ડર કી હુઈ આઈસ્ક્રીમ ખા ગયા ઔર મુઝે મજબૂરન કોઈ ઔર ફ્લેવર કી આઈસ્ક્રીમ ખાની પડી."
મંદોદરી: " અગર આપ કી તુતુ મૈંમૈં ખતમ હુઈ હો ઔર હમ સે કુછ પુછના નહીં હૈ તો હમ જાએં? આજ ડિસ્કાઉન્ટ સેલ કા આખરી દિન હૈ."
શિખા :" એ મેરે કો ભી આના હૈ. કુછ દેર રુકો તો આભા ઈધર પહુંચ હી રહી હોગી. તીનોં સાથ ચલેંગે. ખુબ જમેગી બાતેં જબ મિલ બૈઠેંગે, હમ ,આપ ઔર આભા. "

પરબત : " મંદાજી, આપ અગલી બાર હમારે કાર્યક્રમ મેં કબ આએંગે? "
મંદોદરી: "અગલે સાલ.. રાવણજી કા દહન કરને કે બાદ. "
પરબતે  મંદોદરી અને વિભીષણભાઈનો આભાર માન્યો ને વિડીયો શુટીંગ પુરું થયું .મંદાબેન અને મૌનવ્રતધારી વિભીષણભાઈએ રથ ભણી પ્રયાણ કર્યું. ચારે ય પેનલિસ્ટ પત્રકારો એકબીજાંના વખાણ કરવા લાગ્યાં. ટેક્નિશ્યનો માઈક ને કેમેરાના વાયરના ગુંચળા વાળતા જ હતાં એટલામાં ડેકોરેટર્સનો ટેમ્પો આવી પહોંચ્યો અને એમાંથી ચાર જણે ઉતરીને ફટાફટ સ્ટેજ છોડવા માંડ્યું ને ખુરશીઓ ટેમ્પામાં ચડાવી દીધી. 


 ખોંખારો : સર્જિકલ સ્ટ્રાઇકના આદ્ય પ્રણેતા હનુમાનજી છે.

PUBLISHED IN MUMBAI SAMACHAR,૧૩/૧૦/૨૦૧૬ thursday, લાડકી, ' મરક મરક ' ..

Thursday, October 6, 2016

સમયપાલન



એક રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો ટ્રેઈનની રાહ જોતાં ઊભાં હતાં.  નિયત સમયે ટ્રેઈન આવી અને પુરતો સમય ટ્રેઈન ઊભી રહેવાની હતી તેમ છતાં બધાં સૌ પહેલાં અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યાં. જેમ લોટના ડબ્બામાં થોડું ઠમઠોરો એટલે લોટ વધારે દેખાતો હોય તો ય  બરાબર સેટ થઈ જાય એમ થોડીવાર પછી  બધાં ય સરખાં ગોઠવાઈ ગયાં. ટ્રેઈન ચાલુ થઈને સહેજ ઝડપ પકડી એટલામાં જ બે ત્રણ જુવાનિયાં દોડતાં આવીને ડબ્બામાં દાખલ થયાં. દોડી દોડીને હાંફી ગયેલાં બરાબરનાં. હાંફ ઓછી થઈ એટલે એક કાકાએ સહેજ વહેલા આવતા હોવ તો આમ દોડવું ન પડે ને અકસ્માતથી ય બચી શકાય એવી વણમાંગી સલાહ આપી.અેટલે એક વરણાગિયો બોલ્યો કે "કાકા, અમને અપડાઉનીયાઓને આમ જ ફાવે. ધીરેથી ટ્રેઈનમાં ચડીએ તો પડી જઈએ. " બોલો. કહેવું છે કંઈ? ઘણાંને એવી ટેવ જ હોય પણ કે કોઈ પણ કામ છેલ્લી ઘડીએ જ પુરું કરે. સમયસર કે સમય કરતા જરા વહેલું લીધેલું કામ પુરું કરવાનું એમને ફાવે જ નહીં. પાછું એમને એ વાતનું અભિમાન પણ હોય. આવાં લોકોનો આત્મવિશ્વાસ પ્રચંડ હોય. પોતાને સોંપવામાં આવેલું કામ સમયસર પૂર્ણ થશે જ એવો વિશ્વાસ એમને હોય એટલો કામ સોંપનારને ય હોય જ એ જરુરી નથી . એટલે કામ કેટલે પહોંચ્યુંની ઊઘરાણી કરી કરીને માણસને હેરાન કરી મુકે.
  છેલ્લી ઘડી સુધી કામ ન કરવાના ગેરફાયદા કરતા ફાયદાનું પલ્લું ભારે છે એવો અમારો નમ્ર અભિપ્રાય છે. છેલ્લે જ કામ કરવાને લીધે ઓફિસમાં તમારી ખ્યાતિ પ્રસરી જાય છે અને અન્ય સાથી કર્મચારીઓ પોતાની અણઆવડત કે કામચોરીને લીધે કામ ન કરી શક્યા હોય તો એ  તમને કામ સોંપતા પહેલાં હજારવાર વિચાર કરે છે.તમે વહેલાસર કામ કરી લીધું હોય તો સાથી કર્મચારી તમારી મદદ લેવા પ્રેરાય છે અને જો એને એવી ટેવ પડી જાય તો એ કામચોર થઈ જાય અને કામ ઓછું કરે. સરવાળે નુકસાન તમને જે પગાર આપે છે એનું જાય કારણકે તમે કાયમ તો કોઈનું કામ કરી નહીં જ શકો. 

  મોટાંભાગે દોડાદોડીમાં કરેલું કામ વધુ સારું થયાનાં દાખલાં ય છે. તમે જોજો કે મોટાં જમણવારોમાં રસોઈયા મોડાં જ આવવા પંકાયેલા હોય છે. પણ પછી એ જે ઝડપથી અને કુશળતાથી રસોઈ બનાવે એ અફલાતૂન જ હોય. ઘરે નિરાંતે રસોઈ બનાવવા છતાં આંગળા ય કરડી  ખાઈએ એવી એકધારી સરસ રસોઈ કેટલીવાર બને છે? 
  કામ શરુ મોડું કર્યું હોય એટલે નિયત સમયમર્યાદામાં પુરું કરવા માટે એડીચોટી કા જોર લગાના પડતા હૈ. એટલે કામમાં અનાયાસે જ ઝડપ આવી જાય. બિલ ગેટ્સે એકવાર એમ કહેલું કે કોઈ અઘરી સમસ્યા આળસુને સોંપી જોવી. એ એનું નિરાકરણ ખાતરીપૂર્વક શોર્ટકટમાં જ લાવશે. બિલભાઈને કદાચ ખબર નહીં હોય પણ છેલ્લી ઘડી સુધી કામ પુરુ નહીં કરનારા પણ એટલી જ કદાચ એથી ય વધુ કાર્યક્ષમતાથી સમસ્યા ઊકેલી બતાવે છે. કારણકે ઓછાં સમયમાં કામ પુરું કરવા માટે એમણે એમની સર્જનાત્મક્તાનો પુરો ઉપયોગ કર્યો હોય છે. આમ, છેલ્લી ઘડીવાળા સર્જનાત્મક વિચારધારા ધરાવતા હોય છે. 
  કેટલાંક પાસે પુરતો સમય હોય તો ય એમને નિરાંતે કરેલા કામમાં જોઈએ એવી મઝા નથી આવતી. કારણકે નિરાંત હોય એટલે એમનું ધ્યાન કામ ને બદલે ઈધરઊધર ભટકે છે.  મોબાઈલમાં ગેમ રમવી, કામ પડતું મુકીને ફોન પર કે પડોશમાં જઈને નાહકના ટોળટપ્પાં ,કૂથલી કરવામાં સમય વ્યતીત કરવાનું એમને વ્યસન થઈ જાય છે અને કામ પર પુરતું ફોકસ કરી શકતાં નથી. મોબાઇલ ફોન કે પડોશી કે ઓળખીતા પારખીતાની સાથે આમ વગર કામનો સમય જવાથી એમાં સંડોવાયેલા બન્ને પક્ષના કામના કુલ માનવકલાકો પર સીધી અસર પડે છે. આવાં બિનકાર્યક્ષમ લોકો સમયમર્યાદામાં કરવા ધારેલું કામ થઈ ન શકવાની ભીતિથી કામમાં છબરડાં કે વેઠ જ વાળે કે બીજું કંઈ?વળી, નિરાંતે કરેલા કામમાં કશું રોમાંચક કે ચમત્કારી બનવાની સંભાવનાઓ નહિવત્ હોય છે એટલે સાહસિકોને એ ધીમી ગતિના સમાચાર જેવું કંટાળાજનક લાગે છે.એમને ટેન્શનમાં હોય તો જ કામ કરવાની મઝા પડે છે. બધું પેપરવર્ક પ્રમાણે પરફેક્ટ જ થતું હોય તો પરિણામની જાણ લગભગ હોય જ છે. પણ જો  કામ પુરું થશે કે નહીંના ટેન્શનની સાથોસાથ એ સારું થશે કે નહીં એવી ય ફિકર હોય તો  એ બમણંુ ધ્યાન દઈને કામ કરે. પરિણામે , એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય . આપણે સૌ જાણીએ છીએ કે જેને પોતાની આવડત અને ક્ષમતા પર વિશ્વાસ હોય એ ક્યાંય પાછા પડતા નથી માટે એનું સમાજમાં પણ સારું એવું વજન પડે છે.
સમય પાલન કરી ને ય મંઝિલ તો એક જ છે તો કાર્યમાં આનંદ મળે અેવી રીતે કામ કરવામાં સમજદારી છે. વેળાસર કામ પુરું કરવામાં બચેલા સમયમાં 'ત્યારે કરીશું શું?'  વાળો  લાખ રુપિયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફળસ્વરુપે સમયપાલક મનુષ્યના મનમાં કંટાળો ઘર કરી જાય છે જે મનુષ્યને આગળ જતાં નિરાશા ભણી ધકેલે છે. મોટાંભાગનાં ડિપ્રેશનના દર્દીઓમાં કંટાળાે જ મુખ્ય ઘટક હોય છે.મોંઘા ભાવની દવાઓ ખાઈને તંદુરસ્તી મેળવવા કરતા બહેતર છે કે દરદ આવે એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દેવી. છેલ્લી ઘડી સુધી કામમાં રોકાયેલા રહેવાને લીધે મગજને આડુંઅવળું વિચારવાનો સમય જ મળતો નથી માટે કાર્યનો આરંભ એવી રીતે કરો કે એ નિયત સમયમર્યાદા સુધી કરવું જ પડે. 
    " આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું " કે " ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર " જેવી કહેવતના જનકને વાંકુ જોવાની ટેવ પડેલી હોઈ એણે છેલ્લી ઘડીવાળાને ઉતારી પાડતી આ કહેવતો બનાવી હશે. એમ પણ બને કે આ કહેવતો    બનાવનાર ગુરુતાગ્રંથિથી પીડાતા હોય અને એ પોતાના સિવાય બીજા કોઈનું સારું બોલી જ ન શકતા  હોય એટલે એ છેલ્લી ઘડીવાળાની કાર્યક્ષમતાથી બળીને  આવી કહેવતો રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હોય. 

ખોંખારો: છેલ્લી ઘડીએ જ કામ પુરું કરનારાઓને લીધે જ સમયપાલનનું મહત્વ છે. 

PUBLISHED IN 'MUMBAI SAMACHAR' 06/10/2016 ,THURSDAY, લાડકી,' મરક મરક ' 

Monday, October 3, 2016

કહેવતો-રુઢિપ્રયોગો મણકો -૫


જાહેર જનતાના હિતમાં જારી:






૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.




૧.ઘર કી મુર્ગી દાલ બરાબર - The hen of house is equal to Daal . 




૨. સાપને ઘેર સાપ પરોણો -Snake guest at snake's house 




૩. ઘર ખાવા દોડવું - House runs to eat 



૪. ઘરભંગ થવું - House to be fractured 



૫.ધરતીનો છેડો ઘર - The earth"s end is house