Thursday, November 17, 2016

છોડ ગઠરિયાં..



દિવાળી વેકેશન પુરાં થવા પર છે. કોઈક હરખપદુડી શાળાઓ શરુ થઈ ગઈ હશે. ગામગામથી ટ્રેઈન, બસ , વિમાન વગેરે  ભરાઈ ભરાઈને  મુસાફરો પાછાં યથાસ્થાને ઠલવાઈ રહ્યાં છે.જતી વખતે જે આનંદ ઉલ્લાસ હોય એનો સદંતર અભાવ જોવા મળે  અને વિખરાયેલા વાળ ,મોંઢા પર થાક, કંટાળો , વ્ય્વસ્થિત ગોઠવેલી બેગોના બદલે માંડ માંડ ઠુંસી ઠુંસીને બંધ કરેલી બેગો લઈને હજુ તો ઘરનું બારણું ખોલો જ અને મનમાં શંકરીયો ગામ જતો રહ્યો હશે તો શું, પાણી આવતું હશે કે નહીં, વોશિંગ મશીનમાં કપડાં અત્યારે જ થોડાં નાંખી દઉં તો સારુ પડશે એવી ગણતરીઓ ચાલતી હોય  ત્યાં તો એક કાળો ઓળો બારણે ડોકાય અને પ્રશ્નોત્તરી ચાલુ કરે . આ એ જ કાળો ઓળો ઉર્ફે હિતેચ્છુ હોય જેણે તમે બહારગામ જતા હોવ ત્યારે પ્રશ્નો પુછી પુછીને દાટ વાળી દીધો હોય . જેમ કે, તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પુછ્યું જ હોય.  તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય,  સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્યવસ્થિત  પેક કરવો એ વિષે માંગ્યા નહીં હોય તો ય સલાહ સૂચનો આપ્યાં જ હશે. .આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેંચી શકાય.  


૧.  ખણખોદીયા હિતેચ્છુ  :
       આ પ્રકારના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A to Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોય છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ. " આ જગાએ જાવ છો એના કરતાં બોસ , અમને પુછ્યું હોત તો મસ્ત મસ્ત ડેસ્ટિનેશન દેખાડતે ને?'' આવું આવું કહીને  તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે. તમે પાછા આવો એટલે તલવાર તાણીને ઊભાં જ હોય. મુસાફરી કેવી રહી એ જાણવા પાછળ મુળ આશય તકલીફ કેવી પડી એ જાણવાનો હોય . 
 ૨.જસ્ટ - ટુ -નો ટાઈપ   :
      આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો , તારીખો, હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો ". ઘણાને એવી ટેવ હોય છે કે તમારા ગંતવ્ય સ્થાનના હોટલના  ફોન નંબરે ય  લઈ રાખે અને કટોકટી સમયે ફોન કરવાને બદલે દિવસમાં એકાદવાર ' કેમ છો' પુછવા જ ફોન કરે. પરદેશ ગયા હોવ તો આ તકલીફ ઓછી પડે છે. જો કે હવે તો મફતના વોટસઅપ કે વાઈબર કે બીજા એવાં કોલ્સની સુવિધાએ પ્રાયવેસીનો ભોગ લઈ લીધો છે.  જસ્ટ - ટુ -નો જ ફોન કરે કે "ત્યાં" અત્યારે કેટલા વાગ્યા છે? 
 ૩. તારણહાર હિતેચ્છુ:
      તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા  પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વહાલાંની ગણતરી કરાવી દે અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું  નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કંઈ કોઈને ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય એમ પણ બને અથવા પોતાને કેટકેટલી ઓળખાણો છે એ માત્ર  ઈમ્પ્રેસ કરવા જ કહ્યું હોય એમ પણ બને. . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય ને  માત્ર સંપર્ક પુરતી જ માહિતી હોય. પાછું પોતે તમને નંબર આપ્યા છે એવી ય બડાશ હાંકે બે જગ્યાએ.  
૪. આર્થિક હિતેચ્છુ: 
     મુસાફરીમાં ક્રેડિટ / ડેબિટ કાર્ડ સારુ પડશે કે રોકડાં, કેટલાં પૈસા હાથ પર રાખવાં , કેટલાં બેગમાં મુકવાં  એ વિષે તમારા મગજની ચીપ ક્રેશ થઈ જાય એ હદ સુધી માહિતી ભર ભર કરે. તમે કાર્ડ ન વાપરતા હોવ તો એ વિષે ય સમયની અનુકુળતા જોયા વિના ભાષણ ઠપકારી દે. હમણાં ૫૦૦ ને ૧૦૦૦ ની નોટવાળી કટોકટી સર્જાઈ ત્યારે આ આર્થિક હિતેચ્છુ સૌથી વધુ તાનમાં આવી જઈને ધડાધડ બહારગામ ગયેલાંઓને ફોનાફોની કરવા માંડયા કે ' સો સો ની છે ને ? અમે કંઈ નહીં કરી શકીએ આમાં . તમારે જ મેનેજ કરવું પડસે આ તો ."  
 ૫. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :
     આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એમને તમે મર્યાદા લોપીને કશું કહી શકો એવી સ્થિતિમાં હોતા નથી. ને દરેકની કુંડળીમાં અનિવાર્ય અનિષ્ટ સમા આવા એક હિતેચ્છુ તો લખેલા જ હોય . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગમાં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ .  " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પાને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે  જ આવે  એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે  જ છૂટકો કરે ." આ સુ લઈ જાવ છો યાર? આ તો ત્યાં ગધેડે ગવાય છે. ખોટું વજન ના વધારો બેગમાં." કહીને પોતાની સર્વોપરિતા સાબિત કરવા એ વસ્તુ બેગમાંથી બહાર કઢાવડાવે ત્યારે જ એમને હાશ થાય. 
 ૬. હેલીકોપ્ટર હિતેચ્છુ :
    હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્ઝેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કારમાં મુકાઈ ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાઈ જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય 'information desk'  પણ સતત update થયા કરે ! " ટીકીટ લીધી ? પૈસા લીધા ? સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... "આપણા મનમાં ચોરભાઈ  માટે માન થઇ આવે કે આટલી ચોક્કસ વ્યક્તિને પણ લુટી  લીધી ? સામાન ફટાફટ વાહનમાં મૂકીને આપણે ડ્રાઈવર ને કહીએ કે  " ફટાફટ ભગાવ ભઈલા, બહુ મોડું થઇ ગયું .."  થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે પેલું હેલીકોપ્ટર પાછળ તો નથી ઉડતું ને ક્વેશ્ચનબેંક લઇને? 
     આ તો માત્ર મુખ્ય કક્ષામાં આવતા હિતેચ્છુઓ છે. બાકી પેટા હિતેચ્છુ, મિશ્ર હિતેચ્છુ ,છુપા હિતેચ્છુ, ઉપરછલ્લા હિતેચ્છુ, જેવા બીજાં ય છે જે દિવાળી વિના ય તમારી વાટ લગાડી શકે . સામાન ઊતારતા જુએ તો ય ' આવી ગયા ભાઈ?" પુછનારાં પાડોશી સૌથી મોટાં હિતેચ્છુ છે. 
ખોંખારો : ગમે એવા હોશિયાર, ચાલાક, ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોય , પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોય છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ હિતેચ્છુ બનીને સત્યનારાયણના શીરાની જેમ બહુજનાય લાભાર્થે અન્યત્ર વહેંચીએ છીએ . વહેંચીએ છીએ ને ? સાચું બોલજો. 
 PUBLISHED IN MUMBAI SAMACHAR,17/11/2016 THURSDAY, લાડકી, ' મરક મરક'