Tuesday, March 24, 2015

અથશ્રી નસકોરાં કથા ..

થોડા દિવસ પહેલા એક મિત્રને મળવા જવાનું થયું. બધા ગપાટા મારતા હતા અને અચાનક નસકોરા બોલતા હોય એવો અવાજ આવવા મંડ્યો . અમે ઘડિયાળ માં જોયું . રાત્રીના ૧૦ થયા હતા એટલે યજમાન મિત્રના ઘરમાં કોઈનો સુવાનો સમય હશે એમ માન્યું પણ વળી જોયું તો યજમાનના દરેક કુટુંબીજનો તો અમારી સાથે બેઠા હતા તો આ નસકોરા કોણ બોલાવતું હતું ? શું અમારી વાતો એટલી બધી કંટાળાજનક હતી કે કોઈ સુઈ જાય એવો સંદેહ પણ જાગ્યો અમારા મનમાં . થોડીવાર સુધી તો તાલબધ્ધ નસકોરા ને ગણકાર્યા વિના વાતો ચાલુ રાખી પણ પછી અમારી ધીરજ ખૂટી અને યજમાન ને આ નસકોરા કોના છે એમ પૂછી જ પાડ્યું . યજમાન અમારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા . જરાવાર રહીને એમને ખ્યાલ આવ્યો કે અમે નસકોરા ના માલિક વિષે પૂછી રહ્યા હતા એટલે એમણે ફોડ પાડ્યો કે " અમારો ડોગી છે , એ સુઈ જાય ત્યારે આવા નસકોરા બોલે છે " આ પછી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે માણસ સિવાય કુતરા , બિલાડા , ગાય , બળદ , ઘેટા , ભેસ , હાથી , ચિત્તા , વાઘ , વાંદરા , ઘોડા, ખચ્ચર અને ઝેબ્રા પણ નસકોરા બોલાવવામાં સક્ષમ છે .


નસકોરા બોલાવવાના કારણો / ઉપાય વિષે વિશ્વમાં ઠેર ઠેર સંશોધનો થયા હશે પણ નસકોરા બોલવાની શરૂઆત એકઝેટ ક્યારથી થઇ હશે એ વિષે સંશોધન પ્રિય દેશ અમેરિકા ય સાવ અજાણ છે . નસકોરા બોલવાની શરૂઆત ક્યારથી થઇ એ તો યક્ષપ્રશ્ન છે પણ એની શરૂઆત ચોક્કસપણે નાકથી થઇ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .

અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ ' એ હું નહિ ' વાળું રટણ લગભગ દરેક નસકોરાવીર કરે છે . અતિશય થાક અથવા શ્રમ કર્યા પછી નસકોરા બોલવા એ સામાન્ય છે પણ એ સિવાય નસકોરા બોલાવા એ ભવિષ્યની બીમારીઓ તરફ ઈંગિત કરે છે. જે વ્યક્તિ ચરબીયુક્ત હોય , મેદસ્વી હોય એને નસકોરા બોલવા એ સહજ બાબત છે પણ એ વ્યક્તિઓના તીણી સિસોટી જેવા અવાજના નસકોરા બોલતા હોય એવું ય બને તો કોઈને રીક્ષાની ઘરઘરાટી જેવા , કોઈ ને શ્વાસ લેતી કે છોડતી એમ બેય વખત તો કોઈને બે માં થી એક જ વાર નસકોરા બોલે એમ બને. મોટાભાગે આ નસકોરાના બ્યુગલ થોડીવાર સતત સંભળાય પછી એના માલિક ઝબકી જાગી જાય એટલે એ પડખું ફરી જાય ને નસકોરા બંધ . વળી પાછા થોડીવાર રહીને રામ એના એ .


આપણા દેશમાં સહનશીલતાનો મહિમા દરેક ક્ષેત્રમાં વર્ણવાયો છે અને લગ્નસંસ્થા પર અતુટ વિશ્વાસ હોવાથી પતી-પત્ની બેમાંથી એક ને પણ જો નસકોરા બોલતા હોય તો બીજું પાત્ર મોટેભાગે ચલાવી લે છે . મારા એક મિત્રને નસકોરા ખુબ બોલે . એમના પત્નીની સહનશીલતા ની હદ આવી જાય ત્યારે એ પતિદેવને રીતસર હચમચાવી નાખે એટલે ભાઈ સફાળા જાગી જાય. જરાવાર તુતુમેમે ચાલે પછી બધું થાળે પડે . મિત્ર કોઈ પણ હિસાબે માનવા તૈયાર જ નહિ કે પોતાને આટલા બધા ભૂંગળા જેવા નસકોરા બોલે છે એટલે મીત્રપત્નીએ એક રાત્રે મિત્રના જ સ્માર્ટફોનમાં એમના નસકોરાનો ધ્વની રેકોર્ડ કર્યો . બીજા દિવસે સવારે ચા પીતી વખતે મેડમે પેલી રેકર્ડ ચાલુ કરી. મિત્રને એમ કે કોઈના નસકોરા છે એટલે એમણે સહજ પૃચ્છા કરી કે આ મિલના ભૂંગળા કોના છે . " તમારા " મીત્રપત્ની ઉવાચ . મિત્ર તો ચા કરતા ય વધારે ગરમ થઇ ગયા . ખાસ્સી રકઝક પછી એમણે સ્વીકાર્યું કે પોતાને નસકોરા બોલે છે . નસકોરાના ત્રાસને લીધે આપણા દેશમાં દંપતીઓના છૂટાછેડા નોંધાયા નથી પણ વિદેશોમાં તો છૂટાછેડા માટે આ એક મજબુત કારણ છે . ત્યાની પ્રજાની સહનશીલતા એક તો ઓછી અને એમાં ય લગ્નજીવન કરતા શાંતિથી ઊંઘવાનું એમને મન વધુ અગત્યનું છે !!!!!

ઘણીવાર આવા નસકોરા વીર સિનેમાગૃહ કે બસ / ટ્રેન માં ય ભટકાઈ જાય . સિનેમા જોવા આવે પછી કંટાળો આવે એટલે ઊંઘ ક્યારે આવી જાય એ ખબર ન પડે અને ભેગા નસકોરા ય તાલબધ્ધ ચાલુ થઇ જાય. એકબાજુ સિનેમા ચાલતી રહે ને બીજી બાજુ નસકોરા. અમારા એક પાડોશીને જ્યારે પુરતી ઊંઘ ન મળે ત્યારે ગમે તે ફિલ્મમાં ઘુસી જાય . સસ્તામાં સસ્તી ટીકીટ ખરીદે અને જેવી ફિલ્મ ચાલુ થાય એટલે એ ઊંઘી જાય. હોલમાં એ.સી. ચાલુ હોય એનાથી એમને રાહત મળે અને સહ્પ્રેક્ષકોને ફિલ્મની સાથે સાથે મ્યુઝીકલ નસકોરા નો લહાવો ય મળે સાવ મફત માં !!!!. મારી જ વાત કરું તો મને બસ કે ટ્રેન માં બહુ ઝડપ થી ઊંઘ આવી જાય. વાહનની એકધારી ગતિથી મને સરસ ઊંઘ આવી જાય અને મારી સાથેના મને એમ કહે કે " કેટલા નસકોરા બોલાવે છે !!! " ત્યારે હું માનવા જરાય તૈયાર નથી હોતી કે મારે નસકોરા બોલતા હોય .
સામાન્ય રીતે નસકોરા બોલાવતા હોય એ લોકો બીજાના નસકોરા સહન કરી શકતા નથી. છાપાનાં પાના ફેરવવાના ફરફર જેવા અવાજ થી પણ એમને ભયંકર ખલેલ પહોચતી હોય છે માટે એ લોકો રુમ મા એકલા સુવાનુ વધુ પસંદ કરે છે

નસકોરા બંધ થાય એ માટે જાત જાતના દાવ અજમાવાતા હોય છે . દા.ત. નાસ લેવો. નાસ લેવાથી શરદીનો નાશ થાય છે અને નસકોરા બોલતા હોય તો એ બંધ થાય છે એવી વ્યાપક માન્યતા છે. 

શેક લેવો : ઘણા લોકો નાસ લઇ ન શકતા હોવાથી કપડુ ગોટો વાળીને તવી પર તપાવે અને એનો શેક લેતા હોય છે.પણ આવા બધા દાદીમાના નુસ્ખાઓનુ અનુસરણ કરવાના ઉત્સાહ અને જોશ પર ત્રણ ચાર દીવસમાં જ નસકોરા ફરી વળતા હોય છે અને નુસ્ખાઓ યથાસ્થાને જતા રહેતા હોય છે.
અંતમાં , આદીલ સાહેબની ક્ષમાયાચના સાથે એમના શબ્દોમાં જરા ફેરફાર સહીત એમ કહી શકાય કે .....

' જયારે ઊંઘની જગમાં શરૂઆત થઇ હશે ,
ત્યારે પ્રથમ નસકોરા ની રજૂઆત થઇ હશે ' !!!!!