ગુજરાતી સુગમ સંગીતના એક કાર્યક્રમમાં સંચાલક બહુ મુડમાં હતા. બે ગીતની વચ્ચે એ એટલું બોલ્યાં કે ગાયક કલાકારો અર્ધાં જ ગીતો ગાઈ શક્યા.કાર્યક્રમ પત્યા પછી કલાકારોએ સંચાલકને બોચીએથી પકડીને " ભાષણબાજ" નું બિરુદ આપેલું. ભાષણમાં સમયનું મહત્વ હોય છે એટલે જ hallમાં ગમે તે જગ્યાએથી દેખાય એવડાં મોટાં આંકડાવાળા ઘડિયાળ મુકાય છે. તમે છેલ્લે ભાષણ ક્યારે સાંભળેલું? મોટાંભાગનાં લોકોને ભાષણ સાંભળવાનો કંટાળો આવતો હોય છે. પણ ભાષણ આપવાનું આવે તો એ જ લોકો ખુશી ખુશી નિર્ધારિત કરતા વધુ સમય જ લેતા હોય છે. કેટલીકવાર માત્ર સંબંધ સાચવવા માટે ય ભાષણ સાંભળી લેવાતા હોય છે. સૌથી વધુ કફોડી હાલત જે hall માં વધુ ભાષણ અપાતા હોય એના માઈક સિસ્ટમવાળાની થાય. એણે ફરજિયાતપણે દરેક ભાષણ સાંભળવા જ પડે. જો ચાલુ કાર્યક્રમમાં માઈકમાં તકલીફ સર્જાય તો એણે કાર્યક્રમ પતે પછી ય ભાષણ સાંભળવાની તૈયારી રાખવી પડે છે.
જુદાં જુદાં પ્રકારનાં ભાષણોમાં રાજકીય ભાષણો મોટેભાગે જુસ્સેદાર હોય. કહેવાય છે કે ગાંધીજી બહુ સારા વક્તા ન હતા પણ એમના ભાષણો મડદાંને ય ચાલતાં કરી શકે એવા જોમવાળા હતા. સચ્ચાઈવાળા ભાષણો જનતામાં જોશ ભરે જ ભરે. રાજીવ ગાંધી ભાષણ આપતાં ત્યારે લોકો એ "નાની યાદ દિલા દેંગે" અને "હમેં દેખના હૈ .." ક્યારે બોલશે એના પર સટ્ટો રમતા. અટલ બિહારી બાજપાઈ ભાષણમાં લોકોને પ્રશ્નો પુછતાં. આજે આપણા વડાપ્રધાન પણ આ જ શૈલી અપનાવી ચુક્યા છે. કેટલાંકને ભાષણ વાંચે તો જ બોલી શકે એવી ટેવ હોય છે. ગુજરાતના અેક રાજકારણીએ એકવાર ભાષણ વાંચવામાં નિર્ધારિત કરતા બમણો સમય લીધો. એમણે એમના સેક્રેટરીને ભાષણ પત્યું પછી કારણ પુછ્યું કે ઑફિસમાં તો આ જ ભાષણના રિહર્સલ વખતે ઓછો સમય થયેલો. સેક્રેટરીએ ગભરાતાં ગભરાતાં ફોડ પાડ્યો કે સાહેબ તમે ભાષણની ઝેરોક્સ કોપી પણ વાચી. એ પછી સેક્રેટરીનું આ ભુલ બદલ શું થયું એ ખબર નથી. તો બીજા એક રાજકારણીએ ભાષણની નીચે પોતાના હસ્તાક્ષર પણ વાંચેલા. ને ભાષણમાં મનોરંજન માત્ર રાજકીય ભાષણોમાંથી જ મળે એવું નથી. એકવાર એક શોકસભામાં એક જાણીતી સંસ્થાના ચેરમેને સંસ્થાના ભૂતપુર્વ સભ્યનાં મૃત્યુ પ્રસંગે એમના ખુબ વખાણ કર્યા. એમના અને પોતાનાં ગાઢ સંબંધો વિષે ય થોડું બોલ્યા. થોડીવાર પછી મંચ પર બેઠેલામાંથી કોઈ ચેરમેનને એક ચબરખી આપી ગયુ જેમાં લખ્યું હતું કે " સાહેબ શ્રી, અવસાન આપણી સંસ્થાના ભૂતપુર્વ સભ્યનું નહીં પરંતુ એમના ધર્મપત્નીનું થયું છે." ભોંઠા પડેલાં ચેરમેને પલટી મારતા કહ્યું કે .." એવા સેવાભાવી આપણા આ સભ્યના ધર્મપત્નીએ પતિના આ સમાજકાર્યમાં હારોહાર ફાળો આપ્યો છે.પ્રભુ દિવંગતના આત્માને શાંતિ આપે.." અને ગીતાના શ્લોક બોલવા માંડ્યા.
સાહિત્ય જગતમાં મોટું નામ ગણાતા એક લેખકના ભાષણ ત્રણ ચારવાર સાંભળ્યા પછી શ્રોતાઓને ય ખબર પડી ગઈ છે કે હવે લેખક ભાષણમાં શું બોલશે. કેટલીકવાર તો ઉત્સાહી શ્રોતાઓ જ યાદ કરાવે કે "પેલું બોલવાનું બાકી છે એ ક્યારે બોલશો?" એકવાર વાંચીને બોલવાવાળા એક લેખક પોતાના જ લખી લાવેલા ભાષણમાં કાગળ આડાં અવળા થઈ ગયા તો અર્ધા ભાષણે બેસી જવા મજબૂર થઈ ગયેલાં. ક્યારેક એમ પણ બને કે કાગળ વ્યવસ્થિત હોય, મુદ્દા પણ બરાબર હોય પણ ભાષણ આપનારની ગાડી બીજે પાટે ચડી જાય તો યુ-ટર્ન મરાવવો અઘરું થઈ પડે છે.વિનોદ ભટ્ટ પોતાની સાથે કાગળોમાં ટુકી નોંધ કરી લાવે છે અને શ્રોતાઓને કહે પણ ખરાં કે પોતાની ગાડી આડે પાટે ન જાય એટલા માટે પોતે આમ લખી લાવે છે. પણ એમની બોલવાની છટાના લીધે લોકોને એ કબુલાતનામું ય રમુજનો જ ભાગ લાગે છે એ વાત અલગ છે. શાહબુદ્દીન રાઠોડ એકની એક રમુજ કે વનેચંદનો વરઘોડો ગમે એટલી વાર સંભળાવે શ્રોતાઓ એ કાયમ મનભરીને માણે જ છે. બહુ ઓછાં વક્તાઓ માહિતીસભર ,કાયમ સાભળવું ગમે જ એવું ભાષણ આપી શક્તા હોય છે.આવાં વક્તાઓને સાંભળવા પડાપડી ન થાય તો જ નવાઈ.
હવે તો ભાષણબાજીના આમંત્રણ કાર્ડમાં જ ભાષણ પછી ભોજનની વ્યવસ્થા રાખેલ છે જેવી લાંચ પણ આપવામાં આવે છે જેથી ભાષણમાં લોકો બેસી રહે. જો કે એકવાર એક અભિનંદન સમારંભમાં મંચ પર એટલા બધા વક્તાઓ બોલનાર હતા કે ભાષણ સમારંભ પછી ભોજનનો મોહ પણ ઘણાં બધાંએ જતો કર્યો હતો. ભોજનની વ્યવસ્થાવાળા ભાષણના કાર્યક્રમમાં શાણો શ્રોતા વક્તાઓની ભાષણનો અપેક્ષિત સમય ધ્યાનમાં રાખીને જ સમારંભમાં આવે છે.જમણ પણ ન જાય અને સગું ય ન દૂભાય. તો ઘણીવાર એવું ય બને કે પોતાને જ શ્રેષ્ઠ ભાષણકર્તા માનતા વક્તા પોતાનું ભાષણ અપાઈ જાય એટલે જુદાં જુદાં બહાનાંસર ચાલતી પકડે જેથી બીજાના કંટાળાજનક ભાષણો પોતે સાંભળવા ન પડે. એટલે આયોજકો હવે hall ના દરવાજા બંધ કરી દે છે અને બહાર એક બાઉન્સર પણ ઊભો રાખે છે જેથી કોઈ અર્ધા કાર્યક્રમે છટકવાની હિંમત ન કરે.
પરદેશોમાં લગ્ન સમયે વર-વધુના યાર દોસ્તો, સગાંસંબંધીઓ સ્પીચ આપતા હોય છે. હિન્દી ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં પણ હવે આવી સ્પીચનું ચલણ વધ્યું છે. બંનેના ગુણગાન ગવાય ત્યારે સાંભળનારને સાક્ષાત વિષ્ણુ લક્ષ્મીની જોડી જ લાગે. ક્યારેક વિપરીત સંજોગોના કારણે આ જ આદર્શ જોડી એકબીજાની ખુબીને બદલે ખામીઓ શોધતી થઈ જાય છે.
ભાષણમાં કેટલીકવાર વક્તાઓ શ્રોતાઓના નામોનો ઉલ્લેખ કરે છે. જાણીતા વક્તા આટલા બધાં ઑડિયન્સમાં પોતાનું નામ બોલાયેલું સાંભળીને એવો તો પોરસાય કે જે-તે વક્તાના હવે પછીના દરેક કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કરી લે છે.કેમ જાણે પેલા વક્તા દર વખતે એનું નામ બોલશે જ એવું સ્ટેમ્પ પેપર પર લખી ન આપ્યું હોય ! ને હવે તો પાછું વક્તા સાથે ફોટો પડાવીને સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરવાનો રિવાજ જ થઈ ગયો છે. ફોટો તો મુકે જ મુકે પણ સાથે પાછા પોતાને એમની સાથે કેવો ઘરોબો છે એ પ્રકારનું લખાણ પણ મુકે થોડું. કદાચ એવું ય બને કે વક્તા આ ફોટો પડાવવા પુરતાં જ એમની સાથે ઊભા રહ્યા હોય.
ભાષણ થકી જ કેટલાંય સુવાક્યો આજે આપણે રોજ સવારે વોટ્સઅપ , ઇન્સ્ટા કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયા પર વહેતા મુકી શકીએ છીએ અને આપણા અગાધ જ્ઞાનનો હિમશીલા જેટલો હિસ્સો પ્રદર્શિત કરી શકીએ છીએ. ભાષણને વિષયના કોઈ સીમાડાં નડતાં નથી.
ખોંખારો : ભાષણ પરપીડન વૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પીડિતથી કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં.
Published in Mumbai Samachar,27/10/2016 ,ગુરુવાર..લાડકી..' મરક મરક '