મમ્મા,કાલે તો મને સપનું આવ્યું 'તું.....
એવું મઝાનું સપનું કે ના પૂછો વાત....
સપનામાં તો મારી ચાલુ થઈ ગઈ છે સ્કૂલ
પણ વર્ગ હતા માત્ર સાત....
પહેલો વર્ગ ભગવાન ને પ્રાર્થનાનો ને
બીજો આખી સ્કૂલ સાથે વાત..
ત્રીજો-ચોથો વરસાદનો ને સાહેબે
કરી મેઘધનુષ્યની વાત...
પછી પડી રિસેસ,તો ય ચાલુ વરસાદ...
નહીં તો -કોરો તડકો થાત...
પાંચમામાં ઊડ્યાં પતંગિયા ને જોઈ
ફૂલોની રંગબેરંગી ભાત..
છઠ્ઠામાં સાહેબે સાંભળી
બધાની રજાઓની વાત..
ને એં...સાતમામાં તો બધાને આપ્યું લેશન..
"જાવ,છોકરાંઓ..કાલે ચિતરી લાવજો વરસાદ .."
આટ્લું કહ્યું ત્યાં તો મારી ઊઘડી ગઈ આંખ..
મમ્મા,કાલે તો મને સપનું આવ્યું 'તું એવું મઝાનું સપનું ,
કે ના પૂછો વાત.....