Thursday, November 28, 2013

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ....

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ !t
પછી પેલી છોકરી ને રૂમાલ નું શું થાય ,રમેશ ...
તમને પેલી સિટીના હીચકા ના સમ !
સોનલને ચાહવાની ઋતુઓ સાઠ તો કેમ ભૂલાય ,રમેશ ..
તમને પેલી ઢાળ ઉતરતી ટેકરીના સમ !
છ અક્ષરના માલિક તમને હોકારો'ય ક્યાં દેવાય ,રમેશ ..
તમને ખડિંગ ને વિત। સુદ બીજના સમ !
આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ!!!

(Reposting..
❤️© Desai Shilpa ❤️

Friday, November 15, 2013

P R Joshi ....એક સ્મરણનોંધ ..

એક  સ્મરણનોંધ ...


બરાબર યાદ નથી પણ ૧૦-૧૧ વર્ષ ની ઉમર હશે એ વખતે . એક દિવસ ઓફિસેથી આવી ને પપ્પા એ દાદાને વાત કરી કે "પીઆર આવવાનો છે અત્યારે ." મને કાઈ ખબર ન પડી એટલે મેં પૂછ્યું કે "પીઆર એટલે કોણ ? "દાદાએ જવાબ આપેલો " પ્રબોધ જોશી . ' કેડીલા 'કંપની છે ને ? એમાં બહુ ઉચી પોસ્ટ પર છે " મેં માથું ધુણાવી મુકેલું . ત્યારે કેડીલા સ્પ્લીટ નહોતું થયું , એક જ કંપની હતી . ૧૦-૧૫ મિનીટ પછી એક વ્યક્તિ ઘરમાં પ્રવેશી - પડછંદ શરીર , ગોરો વાન , ચહેરા પર સતત રેલાતું સ્મિત અને કઈક અજબ સુરખી. જોશી કાકા ને એક આંખમાં કશીક તકલીફ હતી પણ એ તકલીફ એમના પ્રચંડ આત્મવિશ્વાસ ની એક કાંકરી પણ ખેરવી નહોતી શકી. જોશીકાકા ઉર્ફે PR ઉર્ફે પ્રબોધ આર જોશી . Group President - HR and Corporate communications - Zydus Cadila .ધીરે ધીરે જોશીકાકા સાથે પારિવારિક સંબંધો કેળવાતા ગયા અને અમારે ઘરે નાના કે મોટા પ્રસંગોએ એમની હાજરી અમારે મન સહજ થઇ પડી. અમારી આ ઓળખાણ પર વર્ષોના પડ ચડતા ગયા એમ એમ મજબૂતી વધતી ગઈ. આ મજબુતી મારા પપ્પાની માંદગી વખતે સામે આવી . પપ્પાની માંદગીની રજેરજની માહિતી એમની પાસે રહેતી. પોતે ફાર્માંસ્યુંટીકલ કંપની સાથે સંકળાયેલા હોવાને લીધે  શહેરના સારામાં સારા કેન્સર સર્જન , હોસ્પિટલો સાથે એમના વ્યવસાયિક સંબંધો  જોશીકાકાએ પપ્પાની માંદગીમાં કામે લગાડ્યા. પપ્પાનો એક જ મેસેજ કે ફોન પર એ ગમે તેવું કામ પડતું મુકીને હાજર થઇ જાય . " ભાઈ મને કહે તો મારે આવી જ જવાનું , કોઈ પણ સવાલ જવાબ કર્યા વિના " આ એમનો કાયમી સંવાદ .
સાતમી ઓક્ટોબર, ૧૯૫૩ એ જન્મેલા પ્રબોધ જોશીનો મૂળ જીવડો સાહિત્યકારનો એટલે જ તો એમ.એ. વિથ ઈંગ્લીશ લીટરેચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઇન્ડ રીલેશન એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ ; ' કેડીલા ' જેવી ફાર્મસી ઉદ્યોગની તોતિંગ કમ્પની સાથે ગળાડૂબ હોવા છતાં એમણે સાહિત્યને સદાય હ્રદયસરસું જ રાખ્યું . જાણીતા સાહિત્યકાર અને કવિ સ્વ. ડો. રમણલાલ જોશીના પુત્ર હોવાના નાતે , પિતાએ શરુ કરેલા માસિક ' ઉદ્દેશ ' ને પૂરી નિષ્ઠાથી ધબકતું રાખીને પિતૃતર્પણ પણ કર્યું . ' ઉદ્દેશ' માં ગુજરાતી સાહિત્યની હારોહાર અન્ય ભાષાના સાહિત્યનો પરિચય પીરસતા રહ્યા તો સંપાદકીયમાં એમની ભાષા, વિષય પરની મજબુત પકડ આખે ઉડીને વળગે એવી.

૧૬ માર્ચ ૨૦૧૨ , રાત્રે ૮ નો સુમાર હશે . પપ્પાનો મારા પર ફોન આવ્યો : " કાલે સવારે ૧૦.૩૦કલાકે જોશીકાકા આવવાના છે , તું આવી જજે આપણે લખવા વિષે થોડી વાત કરી લઈએ .સત્તરમી માર્ચે સવારે હું પપ્પાને ત્યાં પહોચી . થોડીવાર પછી પપ્પા મને કહે કે " જોશીકાકા ને ફોન કર , હજુ આવ્યો નહિ " મેં કહ્યું કે " હજુ હમણાં જ તો ૧૦ વાગ્યા છે , એમને ૧૦.૩૦ નું કહ્યું છે તો આવી જ જશે ' બરાબર સાડા દસે જોશીકાકા આવ્યા ને પપ્પા મોજ માં આવી ગયા . લગભગ બે કલાક બેઠા હશે ને એમાં જગત આખાની અલકમલકની વાતોનો દોર ચાલ્યો . પપ્પાએ એમના જાપાન પ્રોજેક્ટ વિષે પૂછ્યું. જોશીકાકા : "અત્યારે એની જ મીટીંગ હતી પણ તમારો ફોન આવ્યો એટલે મીટીંગ થોડી મોડી રાખી ".આંતરરાષ્ટ્રીય કક્ષાની મીટીંગ આ માણસે માત્ર એક જ ફોન કોલ પર પાછળ ઠેલી દીધી અને એનો લેશમાત્ર પણ દેખાડો ન કર્યો કે રંજ પણ નહિ . " તારા પપ્પા કહે એ મારા માટે પૂર્વ દિશા " ફરીથી એ જ ધ્રુવ વાક્ય . કમનસીબે પપ્પા શારીરિક રીતે બહુ લાંબો સમય સ્વસ્થ ન રહી શક્યાં  અને ૩૦ મી માર્ચે એમણે આખરી વિદાય લીધી.



૧૪ મી એપ્રિલ 2012 - પપ્પાના અવસાન ને ૧૫ દિવસ થઇ ચુક્યા હતા . આજે જોશી કાકાના કાવ્યસંગ્રહનું વિમોચન હતું . " પાછો ઉઘાડ નીકળ્યો આ "  ૧૯૭૮ માં પ્રથમ કાવ્યસંગ્રહ " મારે કોઈ નામ આપવું બાકી છે " પ્રકાશિત થયો ત્યાર પછી લગભગ ૩૩ વર્ષે બીજો કાવ્યસંગ્રહ. સ્વ. સુરેશ દલાલ કહે છે એમ "પ્રબોધ જોશી મહેફિલ કે મંચના કવિ નથી. એમની કવિતા ભાવકની હથેળીમાં કમળ થઇ ને ઉઘડે . ઓછામાં ઘણું વ્યક્ત કરવાની એમની ગજબની શક્તિ છે.નીરવતાનો નાદ એમને અતિ પ્રિય છે . ( પ્રસ્તાવના " પાછો ઉઘાડ નીકળ્યો આ "). "પુસ્તક નું વિમોચન ગુજરાતી સાહિત્ય જગત ના માંધાતાઓની હાજરીમાં થયું. એમને કાવ્યપઠન કરવાનું કહેવામાં આવ્યું ને જોગાનુજોગ થયું એવું કે એમના આ પુસ્તક પર હસ્તાક્ષર લેવાનું વિચારીને મેં આ પુસ્તક ખરીદેલું ને પાનાં ફેરવતી હતી . એક કાવ્ય પર નજર પડી - પિતાશ્રી ને . પંદર દિવસ પહેલા જ મારા બાપ ને ગુમાવી ચુકેલી  એટલે જાણ્યે અજાણ્યે આ કવિતા સાથે હું જોડાઈ ગઈ .ને જોશીકાકા એ પઠન પણ એ જ કાવ્ય નું કર્યું.
-----------
"પિતાશ્રી ને - "
-----------
તમે અશબ્દ
ને
હું સ્તબ્ધ
તમે કઈક કહેવા માંગતા હતા
પણ એ હું સાંભળી શકતો નહોતો
એવું તો તમે નહિ જ માનતા હોવ
ખરું ને ?


અંતિમયાત્રા માં

આજે
તમને ખભે ઉચકી ને
ચાલ્યો
થોડું થોડું
ત્યારે
એવું કેમ લાગ્યું કે
તમારી
આંગળી પકડી
ચાલી રહ્યો છું
ધીરે ધીરે

એ પછી

સ્મશાનમાં , શોકસભામાં
ઘર અને બહાર
મળ્યા ચહેરા અનેક
મૌન
પછી ભળી ગયા એકમેક
રચાયું કેવું ઐક્ય !!
વિસર્યો કે હું એક ....."

------------------------------
બે આંસુ કદાચ એમની આંખોથી પણ ટપક્યા હતા કે શું ?

ખેર બહુ ટુકા સમય માં જાણ થઇ કે એમને પણ કેન્સર થયું છે. મળવા જવાની તીવ્ર ઈચ્છા પણ રડી પડાશે તો ? એ ભયે જવાનું ટાળ્યું . ત્યાં જ ' ઈમેજ પબ્લીકેશન ' ના ૧૧ કવિઓના પુસ્તક વિમોચનમાં એ આવ્યાં અને અલપઝલપ મળવાનું  આશ્વાસન લીધું. શરીર ઘણું નખાઇ ગયેલું પણ ઉષ્મા બરકરાર. " હવે ઘણું સારું છે " આટલું બોલતાય શ્રમ પડતો હોય એવું મને લાગ્યું. " મમ્મી , બા-ફોઈ , દાદી ને કહેજે કે હવે મને સારું છે થોડું વધારે સારું થાય એટલે મળવા માટે ફોન કરીશ ' મેં ' મેસેજ આપી દઈશ' કહી ને રજા લીધી . જોશી કાકા ને પોતાની માંદગી વિષે ક્યાય ચર્ચા થાય એ જરાય ન ગમે એટલે બહુ ઓછાને એમની માંદગીની ગંભીરતા વિષે માહિતી હતી .અમારી એ મુલાકાત છેલ્લી જ બની રહી . અમે એમના ફોનની  રાહ જોતા રહ્યા અને એ તો મિસકોલ પણ માર્યા વગર અનંત યાત્રા એ ચાલી નીકળ્યા . કદાચ ઉપરથી પપ્પા એ તો ફોન નહિ કર્યો હોય ને કે " પ્રબોધ , આવી જજે " !!!!

(૧૮મી નવેમ્બરે જોશીકાકાની અંતિમ વિદાય ને  એક વર્ષ પૂર્ણ થશે ....)

Desai Shilpa ..