Tuesday, October 25, 2016

સ્મરણનોંધ - કે. કે. દાદા..

૨૦૧૩નો મે મહિનો . બપોરે લગભગ ૪.૧૫ ..કેકે દાદાનું ઘર, સુરત. 

'ગુઝરા હુઆ ઝમાના' પુસ્તક પ્રસિધ્ધ થયાને મહિનો ઉપર વીતી ચુકેલું.  એ વાંચ્યા પછી કૃષ્ણકાંત ભુખણવાલા... કે.કે ને  મળવાની ઈચ્છા થઈ. પુસ્તકનાં સંપાદક શ્રી બીરેનભાઈ સાથે વાત કરી. એમણે તરત જ દાદા સાથે વાત કરીને મુલાકાત ગોઠવી આપી અને અર્ધો એક કલાક બેસી શકાશે એમ પણ જણાવ્યું .એટલે 'ગુજરા હુઆ જમાના' ફરીથી વાંચી. કેટલાંક પ્રશ્ન થયા ત્યાં પેન્સિલથી નોંધ કરી. અને આખરે દાદાના ઘરે સુરતની મિત્ર અવનિ દલાલ સાથે જઈ પહોંચી. દાદાને બીરેનભાઈએ  મારો પરિચય આપી રાખેલો એટલે મારે મારા માટે કશું કહેવાનું ન હતું. થોડીવાર ઈધર ઉધરની વાત કર્યા પછી મેં એમને પુસ્તક વાંચીને મને થયેલા પ્રશ્નો પુછવા માંડ્યા. ઘડીભરમાં તો દાદા એવા ખીલ્યા કે  અર્ધો એક કલાકને બદલે સાડા છ વાગ્યા. મારે તો ક્યાંય જવાની ઉતાવળ ન હતી. દાદા ય એકદમ મોજમાં હતા. હજીય વાતો , અઢળક વાતો કરી શકાઈ હોત પણ દાદાની ઊંમરનો ખયાલ કરીને મેં આભાર માનીને રજા માંગી. ફરીવાર જેયારે સુરત આવું ત્યારે મળવા આવવાનું વચન આપ્યું.
  થોડાં દિવસ  પછી મેં અમસ્તો જ ફોન કર્યો. દાદાની બાળસહજ સરળતા અને ખુશી તમને ફોનમાં ય અનુભવાય. વિવેકને કાયમ 'વિકાસ' જ કહે. મેં બે ત્રણ વાર સુધાર્યું પણ પછી માંડી વાળ્યું. એમના ઉમળકાને બ્રેક મારવાની મારી જરાય મરજી નહીં. વિવેકને એમના ફોટા પાડવા હતા.  ત્રણવાર નક્કી કર્યા પછી છેક ૧૯ જૂન,૨૦૧૫ એ મેળ પડ્યો. પરિશી- એમની પ્રપૌત્રી બિમાર હતી. એટલે અમે જઈએ તો એને ખલેલ પહોંચે.વળી, એની સંભાળ લેવાની હોય એટલે ઘરમાં રેણુકાબહેન રોકાયેલા હોય ,થાકેલા પણ હોય તો અમારી આગતા સ્વાગતા પણ ન કરી શકે.. કેટલી દરકાર!  અમારું જમવાનું પાકું કરીને શું ભાવે એમ પણ પુછી લીધું. છેવટે અેમનું ફોટોશુટ થઈ શક્યું.  જતાવેંત જ સુરતની પ્રખ્યાત નાનખટાઈ અને બટર બિસ્કીટનાં બોક્સ આપી દીધાં . "આમાં ના નથી કહેવાની,લઈ જ જવાનું છે." આવા પ્રેમાગ્રહ સામે ક્યાં સુધી ટકી રહેવાય?  શુટ પુરું થયું એટલે સ્વાભાવિક પૃચ્છા કરી કે " વિકાસભાઈ , આ ફોટા મને ક્યારે  જોવા મળશે? " વિવેકે જેટલું જલદી મોકલાવાય એટલા જલદી મોકલવાનું વચન આપ્યું.
અમદાવાદ આવ્યા પછી મેં થોડાં દિવસ પછી ફોન કર્યો. એમણે મને ભાર ન વર્તાય એ રીતે ફોટા વિષે પુછ્યું. વિકાસભાઈ કામમાં હોય તો નિરાંતે મોકલજો એમ પણ કહ્યું. છેવટે, વિવેકે એમને એને ગમેલાં ફોટોગ્રાફ્સ મોકલ્યાં. ને ફરીથી ફોનમાં દાદાની ખુશી છલક છલક. 
  એ પછી દાદાને મળવાનું શક્ય ન બન્યું. ફોન પર વાતચીત થતી રહેતી. દર વખતે "સમય લઈને મળવા આવો" થી વાત પુરી થાય. આ વખતે એમની વરસગાંઠે અનેકવાર પ્રયત્ન કરવા છતાં ફોન પર પણ વાત ન થઈ. મારે આ વખતે સુરત જાઉં ત્યારે એમને મળવું જ છે ને એમ મન મનાવ્યું. જ્વલંત સાથે વાત થાય ત્યારે  દાદાને અચુક યાદ કરવાનો રિવાજ. ગઈકાલે જ્વલંતે દાદાના સમાચાર આપ્યા ત્યારે હું કશું બોલી જ ન શકી. વાત પણ ન થઈ શકી એનો વસવસો, રંજ હશે? કે પછી અપરાધભાવ? ભગવાન જાણે ... 


 દાદા, Return If Possible ..🙏🏻