Thursday, September 1, 2016

યે જિંદગી કે મેલે ...

         ચોમાસાની જેમ મેળાઓ પણ ફૂલ ફોર્મમાં છે.ભારતીય તહેવારોની ખાસિયત છે કે તહેવાર સાથે મેળા આંગળિયાતની માફક સાથે જ આવે. ઘણીવાર ક્રિકેટમાં આપણા બેટ્સમેન ' તું જા હું આવું છું' ની નીતિને ચુસ્તપણે વળગી રહીને ફટાફટ તંબુભેગા થતા હોય છે બિલકુલ એમ જ  ચોમાસામાં આવતા તહેવારો ય હજુ તો એક જાય જાય ત્યાં બીજો તૈયાર જ હોય ! ભલે આપણે સ્કુલમાં  નિબંધોમાં એમ લખ્યું હોય કે મેળા અને તહેવારો જીવનની એકવિધતા તોડવા જરુરી છે પણ હકીકતમાં આપણા પુર્વજોએ દુરંદેશી વાપરીને તહેવાર અને મેળાને  એકબીજા માટે મસ્ટ થિંગ કરી દીધા જેથી ભવિષ્યમાં જાહેર જનતા તહેવાર સમયે  મળતી રજાઓમાં  મેક્સ ટીવી પર ' સુર્યવંશમ્ " ફિલ્મના ત્રાસથી બચી રહે. 

    વરસો પહેલા મેળો એટલે મનનાં માણીગરને ખુલ્લેઆમ બિનદાસ્તપણે એક ઝલક જોવાનો અવસર. ' મેળો ' શબ્દનું ઉદ્ભવ સ્થાન  'મિલન'  છે. અવિનાશ વ્યાસ રચિત  ' ચરર ચરર મારું ચકડોળ ચાલે....' ગુજરાતના મેળાઓનું રાષ્ટ્રીય ગીત રહ્યું છે. લગભગ દર ત્રીજા સ્ટોલ પર આ ગીત વગાડવું અનિવાર્ય ..રંગબેરંગી પારંપરિક વસ્ત્રોથી મેળો દીપી ઉઠતો.સ્ટોલના નામે નાની નાની હાટડી જોવા મળતી. જેમાં ગ્રામ્ય વિસ્તારના રહીશોને પરવડે એવી કિંમતની વસ્તુઓ મળતી. આ વસ્તુઓમાં જીવન જરુરિયાતની વસ્તુઓ મોખરે રહેતી. મેળા મોટાભાગે નદીકિનારે યોજાતા એટલે પાણીની સમસ્યા ન નડે. હજુ ય ઘણાં મેળા નદીકિનારે યોજાય છે પણ નદીમાં પાણીના નામે નાનો વહેળો હોય તો એવા સંજોગોમાં પાણી ભરેલાં ટેન્કર  પણ મેળામાં દેખાતા થયા છે. સમય બદલાતા મેળાનું સ્વરુપ પણ બદલાયું અને મેળાો આધુનિક બન્યો. ને હાટડીઓ પર જીવન જરુરિયાતની વસ્તુઓ હાંસિયામાં ધકેલાઈ ને મોજશોખના સાધનોનું વર્ચસ્વ વધ્યુ. ને મેળામાં ઝમકુડીઓ પરંપરાગત વસ્ત્રોને બદલે 'સુધરેલા' કહેવાય એવા કપડાં,  મેક અપ ઠઠાડીને કેડીયું ચોયણીને  બદલે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જાય એવું  જીન્સ ને સલમાન ખાનના ચિત્રવાળું  ' બીઈંગ હ્યુમન ' નું ટી-શર્ટ પહેરેલા રઘલા સાથે મોબાઈલ પર નૈનમટક્કા કરવા લાગી.જે મેળાઓ વિષે કોઈને ખબર સુધ્ધાં ન હતી એ મેળાઓ મેળાના  મુલાકાતીઓને બદલે ફોટોગ્રાફર્સથી છલક છલક થવા લાગ્યા છે.ફોટોગ્રાફરોને આખા વરસના મેળાઓનું ટાઈમ ટેબલ લગભગ મોંઢે જ હોય.   

     જ્યારે જમાનો આજના જેટલો અાધુનિક ન હતો ત્યારે પરણવા લાયક છોકરો છોકરી ઘરમાંથી લગ્ન ગોઠવાયેલા હોય તેમ છતાં  એકબીજાને છૂટથી મળી શકે એવી કલ્પના ય કરવી ય અઘરી હતી ત્યારે ઘરના વડીલોએ પોતાને વીતી હોય એ બાળકોને ન વીતવી જોઈએ એવી  વાત્સલ્યસહજ ભાવનાથી દીકરી હોય તો બેનપણીઓ અને દીકરો હોય તો ભાઈબંધો સાથે મેળામાં જવા દેવાનું ઉદાર વલણ રાખતાં. કોઈવાર આવા મેળાઓના પ્રતાપે જ ચોક્ઠા ગોઠવાતા. ' હું તો ગઈ તી મેળે.. મન મળી ગયું એની મેળે મેળામાં...' અનુસાર એવી માન્યતા આગુ સે ચલી આ રહી હૈ કે મેળાને લીધે ઝાઝી લપ્પન છપ્પન વિના એની મેળે જ મન મળી જાય છે આથી  જીવનસાથી પસંદ કરવા માટે જે સંમેલનો થાય એને  જીવનસાથી પસંદગી' મેળા' નું નામ આપવાથી બધું સમુસુતરુ પાર પડી જશે . એ ય ને કોઈ માથાકુટ જ નહીં . બધું એની મેળે જ ગોઠવાઈ જાય.
મેળા માત્ર તહેવારો સમયે જ થાય એવું જરુરી હવે રહ્યું નથી.  વિદ્યાર્થીઓ માટે વેકેશન તહેવાર જ છે . કારણકે ભાર વિનાના ભણતરની ભારે  ભારે જાહેરખબરો કાગળ પર જ રહી જવા પામી છે . ભણતરનો ભાર તો એટલો ને એટલો જ કદાચ વધારે ય થયો હશે. એટલે જેવું વેકેશન પડે કે જુદા જુદા આનંદમેળાઓ યોજાવા માંડે. બકરીને હલાલ કરતા પહેલા તાજીમાજી કરવામાં આવે અેમ કેટલાંક મેળાઓ તો શાળા ખુલે ત્યાં સુધી ચાલે. વિદ્યાર્થીઓ નવું ભણવાનું શરુ કરે ત્યારે તો આનંદમાં રહેવા જ જોઈએ. અત્યંત ઉદ્દાત ભાવના! મેળો શહેરી હોય કે ગામડાંનો, રાઈડ્ઝ બધે એકસરખી જ હોય.એ રીતે કમ સે કમ રાઈડ્ઝ પુરતી એકતા ખરી!  
    લોકસભા -વિધાનસભાની ચુંટણીઓ આવે એટલે જે સભા સરઘસ થાય એ મેળાનું રાજકારણીય સ્વરુપ છે. રાજકારણીઓ માટે ચુંટણી તહેવાર સમાન જ છે. સામાન્ય રીતે મેળામાં હોય એવી રાઈડ્ઝ કે ચકડોળ આ મેળાઓમાં નથી હોતી. આ મેળાઓમાં એ  દેખાતું ન હોવા છતાં ય વગર ચકડોળે જનતાને ઉપર નીચે ઘુમાવવાની નેતાલોકને જબરી ફાવટો હોય છે ને એની એ લોકો મઝા ય સારી પેઠે માણતા હોય છે. અવિનાશ વ્યાસને કલ્પના ય નહીં હોય કે એમનું " ચરર ચરર મારું ચકડોળ ચાલે..." ભવિષ્યમાં  કેટકેટલી રીતે અવિનાશી બની રહેવા સર્જાયું છે! આ આભાસી ચકડોળમાં ફરક એટલો હોય છે કે એમાં બેસનાર કરતા ઘુમાવનારને વધુ મઝા આવે છે. 
       વીસમી સદીના અંત સુધી જે ગુજરાતી ફિલ્મો આવી એમાં મેળાનો  આઈટમ સોંગ જેવો ઉપયોગ થતો. ફિલ્મમાં મેળો હશે તો લોકો મેળાના બહાને ય ફિલ્મ જોવા આવશે એવી ગણતરી હોય એમ પણ બને. જુની  હિન્દી ફિલ્મોમાં ય મેળાઓનો રોલ સારો એવો રહેતો. એમાં ય 'ઝુમકા ગિરા રે બરેલી કે બજાર મેં..' ગીતે તો જબ્બર ધુમ મચાવેલી. સ્વ. ઈંદિરા ગાંધી ૧૯૭૭માં બરેલી મતવિસ્તારમાં લોકસભાની ચુંટણી હાર્યા ત્યારે આ ગીત લોકપ્રિયતામાં અવ્વલ આવેલું. 
       'મેળો' શબ્દ હવે સંકુચિત ન રહેતા વ્યાપક બન્યો છે. વિવિધ ટ્રેડ ફેર, વૌઠાનો ગધેડાઓનો મેળો , પુષ્કરનો ઊંટનો મેળો એના દાખલા છે.વચ્ચે એક ઊંટનું સ્ટેટસ અપડેટ ફોટોગ્રાફરોમાં વાઇરલ થયેલું. : ' ફિલીંગ એક્સાઈટેડ.. પુષ્કર ફોટોગ્રાફર્સ ફેર, હીઅર આઈ કમ' કોઈ  એક જ વસ્તુનું વેચાણ એક જ સ્થળ પર થતું હોય  એને ય હવે જે-તે વસ્તુનો મેળો નામ અપાય છે. તો વળી ઓટલા પરિષદોનું વર્ચયુઅલ સ્વરુપ સમુ ફેસબુક કે અન્ય સોશિયલ સાઈટ્સ સામાજિક મેળા જ છે.સો વાતની એક વાત. મેળો એટલે મઝા. 
.
ખોંખારો: આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
(- રમેશ પારેખ)


-DESAI SHILPA 

( Published in Mumbai Samachar,01/09/2016 thursday લાડકી, "મરક મરક " )