Friday, March 13, 2015

"પ્રિય ડાયરી..."



01/04/2012 .. 9.30pm 


હોસ્પીટલનો ત્રીજો માળ. મળસ્કે ત્રણેક વાગ્યા હતાં. આઇ.સી.યુ.ની બહાર વેઇટિંગ લોન્જની જુદી જુદી દિશાની ચારેય બારીમાંથી મમ્મી , ભાઇ , ફોઇ અને અન્ય કુટુંબીજનો બારીની બહાર અંધારુ જોઇ રહ્યા હતા.બધાનું મન અંદર ICU માં અને આંખો અંધારામાં ફાંફા મારતી હતી. કાળુ અંધારુ ધીરે ધીરે ગ્રે થઇ રહ્યુ હતુ એને સવાર બોલાવતી હતી. ને અમારી જીંદગીમા કાળુડિબાંગ અંધારુ આ ગ્રે શેડને ચીરીને ગમે ત્યારે આવી ચડશે તેની બધાને ખબર હતી. હળવેથી ICU નો દરવાજો ખુલ્યો અને ડ્યુટી પરના ડોકટરે મને અને મમ્મીને હળવેથી ઇશારો કરીને બોલાવીને કહ્યુ : " વારાફરતી બધા મળી લો . . . સમય બહુ ઓછો છે હવે " વારાફરતી બધા અંદર જઇ આવ્યા. હુ અંદર ગઇ.ચારેબાજુથી નળીઓથી જોડી રખાયેલા પપ્પાના શ્ર્વાસ સાવ જ ધીમા થઇ રહ્યા હતા. હુ હાથમાં હાથ પકડીને ઉભી રહી.એમની આંખોમા જોયુ. . એમની આંખો ઉઘાડી હતી પણ સ્થિર થઇ ગઇ હતી તેમ.છતા મને લાગ્યુ કે આંખો કઇક કહી રહી છે અને હુ સાંભળી રહી છું. પાછળથી ડોકટરે આવીને મને સહેજ ખસેડીને હાથ છોડાવ્યો.નળીઓ એક પછી એક દુર કરી અને કહ્યુ : He is no more. હુ બહાર આવી . બધા એકબીજાને આશ્ર્વાસન આપતા હતા. સવારે ૬.૫૫ sms ભાગી છુટયો Tushar Bhatt is no more. જેમને ડાયરી લખતા જોઇને મને ડાયરી લખવાની પ્રેરણા મળી હતી એવા મારા પપ્પા હવે મારી ડાયરીમાં ચિરસ્મૃતિ બની ગયા......."

એમના મૃત્યુ પછી લખેલુ આ પહેલુ પાનુ જયારે પણ વાંચીશ ત્યારે એમની હાજરી મારી આસપાસ અનુભવીશ. એટલે જ આ ડાયરી હવે મને મારા પપ્પાએ વારસામા આપેલી પરંપરા જેવી લાગે છે. ઘર અત્યારે કુટુંબીજનો, મિત્રો , પડોશીઓથી ભરેલું લાગે છે છતા હવામાં એક શુન્યાવકાશ છે જે કદીય નહી ભરાય."


ડાયરી એ એવો ઉઘાડ છે જે કોઈનાં જીવનનો અંધકાર ખેંચીને બહાર લાવે છે, તો ક્યારેક એ અંધકાર પાછળ રહેલા અજવાસને એવી રીતે બહાર લાવે છે કે એનાથી બે પેઢીઓ કે ઇતિહાસની સાથે તમારા તાર જાણે આપોઆપ જ જોડાઈ જાય. આવી કેટલીક જાણીતી--અજાણી ડાયરીઓને માધ્યમ બનાવીને વાત કરવી છે થોડી `ડાયરી' વિશે.

નવું વર્ષ નજીક આવે કે કેલેન્ડરની સાથેસાથ ડાયરીની પણ અનેકવિધ વેરાયટીઓ બજારમાં દેખાવા માંડે. જાતજાતનાં રૂપરંગ, કદ, કિંમત, તારીખવાળી, તારીખ વિનાની વિશ્વનાં ચલણની માહિતીવાળી, કોઈ વિશ્વનાં ટોચનાં દેશોનાં મહત્વના શહેરોની ધરાવતી, તો કોઈમાં પાને-પાને એકાદ સુવાક્ય મૂકાયેલું હોય, એવી કેટલીય ડાયરીઓ જોવા મળે છે. જેની જેવી જરૂરિયાત. કોઈ તેમાં પોતાનાં દિવસનાં કામોની યાદી જ માત્ર ટપકાવે, તો કોઈ ઘરખર્ચનાહિસાબ લખે. કેટલાકને ‘સવારે 7 વાગ્યે ઉઠ્યો. 8.30 ઓફિસ ગયો... 9.30 મીટીંગ હતી12.00 લંચ..’ એમ માત્ર ટાઈમ ટેબલમાં જ રસ પડે. આવી ડાયરીઓમાં નજીવા ફેરફાર સિવાય બધા પાનાં સરખાં જ લાગે.

આપણા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા પોતાના શિડ્યુલની ડાયરી એકદમ અપ-ટુ-ડેટ રાખે છે અને તેની પર પૂરેપૂરા અવલંબિત રહે છે. આ પણ એક ઉપયોગ છે.

જો કે, આ પ્રકારની ડાયરીઓનો ઉપયોગ મોટે ભાગે પોતાના પૂરતો મર્યાદિત રહે છે. બીજાએ લખેલી ડાયરીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે પ્રકાશિત થયેલી ડાયરીને ગણાવી શકાય.  

આવી ડાયરી એટલે એવો એક્સ-રે, કે જેમાં જે તે વ્યક્તિ દ્વારા લખાયેલી, કહેવાયેલી,ફેલાવાયેલી સુખની પળો, દુ:ખની પળો કે પછી સુખની અને દુ:ખની વચ્ચેની પળો. એવી પળો કે જે સાવ અંગત હોય, સત્યની સાવ અડોઅડ હોય અને ડાયરી તેના વાંચનારને તે પોતાની આપવીતી વાંચી રહ્યો હોય એવો અહેસાસ કરાવે. કોઈની ડાયરી હાથમાં પકડીએ ત્યારે જાણે-અજાણે આપણો એ વ્યક્તિના જીવનમાં પરકાયા પ્રવેશ થઈ જાય છે ને થોડીક ક્ષણો માટે પણ કોઈના જીવનનો અંગત હિસ્સો બનવું એ બહુ મોટી વાત છે.

નાઝી શાસનકાળની યુધ્ધકેદી 13 વર્ષની એન ફ્રેન્કની ‘The young girl's diary’ માં એણે 1942થી 1944ના બે વર્ષના પોતાના જીવનની અતિ મહત્વની કહી શકાય એવી વાતો નોંધી છે. એન ફ્રેન્ક અને તેના પરિવારે બે વર્ષ સુધી યુદ્ધકાળ દરમ્યાન છુપાયેલાં રહેવું પડ્યું હતું તેની વિસ્તૃત અને હૃદયદ્રાવક નોંધો આ ડાયરીમાં છે.

અન્ય એક યહુદી યુવતી એટ્ટી હિલીસમની ડાયરી પણ 1941થી 1943ના યુદ્ધગાળા દરમ્યાન લખાયેલી છે. 27 વર્ષની આ યુવતીની ડાયરી આઠ નોટબુકોમાં વિસ્તરેલી હતી. ડાયરીમાં એટ્ટીના માનવીય સંવેદનો, હોલેન્ડ અને યહુદીઓની યાતના આબેહુબ વર્ણવાયેલાં છે. મૂળ ડચ ભાષામાં લખાયેલી આ ડાયરીના અંગ્રેજી અનુવાદ પરથી માવજીભાઈ સાવલાએ ગુજરાતીમાં `"એટ્ટીની આંતરખોજ' નામે અનુવાદ કર્યો છે. (૧૯૯૩, મીડિયા પબ્લિકેશ,જૂનાગઢ)

 

લેખક જેફ્રી આર્ચરનાં નામથી અંગ્રેજી ભાષાનો વાચકવર્ગ જરાય અજાણ્યો નહીં હોય. લંડનનાં સંસદસભ્ય એવા આ લેખક મહાશયને 2001માં ચાર વર્ષની જેલની સજા થયેલી. કેદી નંબર FF 8282 ધરાવતા આર્ચરે આ ચાર વર્ષ દરમ્યાન ત્રણ ભાગમાં લખેલી ડાયરીઓ``Prison Diaries--by FF 8282'' નામે પ્રસિદ્ધ થઈ છે.

તો એઈલીન કેડીની `The Opening Doors Within' પરથી ઈશા કુન્દનિકાએ`ઊઘડતા દ્વાર અંતરનાં'નામે કરેલો અનુવાદ પણ ડાયરીની કક્ષામાં મૂકી શકાય એવો છે. વર્ષના 12 મહિના જાન્યુઆરીથી ડિસેમ્બરના 365 દિવસ લેખે 365 સુવિચારોનો નાનકડોઆ વિચારવિસ્તાર છે. કોઈ ચોક્કસ વર્ષમાં આ ડાયરીને બાંધી નથી દીધી એ આ ડાયરીની ઉડીને આંખે વળગે એવી ખાસિયત છે.

ગુજરાતીમાં આ પ્રકારનું સૌથી વધુ ખેડાણ કદાચ ગાંધીયુગમાં થયું હશે. સરદાર વલ્લભભાઈ,શહીદ ભગતસિંહની જેલયાત્રાની ડાયરીઓ અનેક સંદર્ભે ઉપયોગી છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરીના 19 વોલ્યુમમાં ગાંધીજી અને માત્ર ગાંધીજી વિસ્તરેલા છે. મહાદેવભાઈની ડાયરી ગાંધીજીનાં અસંખ્ય પ્રવચનો, પત્રવ્યવહાર, અન્ય લખાણોની વિસ્તૃત માહિતીથી ભરપૂર છે. ગાંધીજી વિશે જાણવા માંગતી કોઈ પણ વ્યક્તિ માટે આ ડાયરી જેકપોટ સમાનછે. મહાદેવભાઈએ ડાયરી ન લખી હોત તો આપણે ગાંધીજી તથા તેમની આસપાસ ગુંથાયેલી આઝાદીની લડતના કેટલાય કિસ્સાઓથી વંચીત રહી જાત.

સ્વ ચંદુલાલ ભગુભાઈ દલાલની `ગાંધીજીની દિનવારી'ના ઉલ્લેખ વિના ગાંધીજી અંગેનીડાયરીની વાત અધૂરી ગણાય. `ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9-1-1915નાં દિવસે ભારત આવ્યા અને 30-1-1948ના રોજ એમની ગોળી મારીને હત્યા થઈ. આ બે તારીખોની વચ્ચેનો સમયગાળો 12075 દિવસોનો છે. આ દિવસો દરમ્યાન ગાંધીજી ક્યાં, કેટલો સમય રોકાયા, કે એમને કોઈએ ભેટ આપી એ ભેટ શું હતી એવી માહિતી સુદ્ધાં તારીખવારચોકસાઈપૂર્વક ગોઠવવામાં અતિશય જહેમત, ચીવટ લેવામાં આવી છે, છતાં સ્વ. ચંદુલાલ કબુલે છે કે આમાં ક્યાંક કોઈ કચાશ રહી જવા પામી હોય એવી શક્યતા સાવ ઓછી છે, પણસાવ નકારી શકાય એવી નથી. તેમની આ વિનમ્રતા જ કહી શકાય. સંશોધનકર્તાઓ માટે મહાદેવભાઈની ડાયરીની જેમ આ ડાયરી પણ મહામૂલી જણસ છે.

ગુજરાતી સાહિત્યજગતમાં ગુજરાત વિદ્યાસભાએ ઈ. સ. 1953માં નરસિંહરાવ દિવેટીયાની રોજનીશી પ્રગટ કરેલી. 


આ રોજનીશીમાં નરસિંહરાવના નિજી જીવનની કે સાહિત્ય અંગેની મહત્ત્વની નોંધો મળી રહે છે. ઈ. સ. 1892થી ઈ. સ. 1935 સુધીની આ રોજનીશીમાં1927-‘29ની નોંધો મળતી નથી. આ ડાયરી એની લેખનશૈલી કે ભાષાના ઉપયોગ જેવાં કે``મને'' ને બદલે ``મ્હને'', ``લડત'' ને બદલે ``લઢત'' અથવા તો સાહિત્યવિષયક ઉલ્લેખ કે અંગત નોંધ આવે ત્યારે કૌંસમાં ટૂંકમાં સંદર્ભ લખવો અંગ્રેજી શબ્દો વાપરવાની છૂટને લીધે અન્ય ડાયરીઓ કરતાં ઘણી જુદી પડે છે. જો કે, આવા ભાષાપ્રયોગ કે શૈલી એ ડાયરી વાંચવામાં ક્યાંય બાધારૂપ નથી એ નોંધવું રહ્યું.

ઉમાશંકર જોષીની `31માં ડોકિયું' ઉમાશંકરનાં ગૂજરાત વિદ્યાપીઠનાં વસવાટની સાખ પૂરે છે. આ ડાયરીમાં કવિએ દિવસો તો ખરા જ, પણ કલાકોનોય હિસાબ લખ્યો છે. છતાં ય ડાયરીમાં ક્યાંય અંગત ઉલ્લેખ નથી. એ આ ડાયરીનું અદ્ભુત પાસું છે. સાથેસાથે આ ડાયરીમાં આ સમય દરમ્યાન સંપૂર્ણ રાષ્ટ્રીયતાનાં રંગે રંગાયેલા દેશની અદ્ભુત છબી જોવામળે છે. કાકાસાહેબ કાલેલકર આ ડાયરીમાં લખાયેલી વિગતો અને મુખ્ય તો કાર્ય-કલાકોનો હિસાબ ચકાસીને તેની નીચે હસ્તાક્ષર, તો ક્યારેક નાનકડી નોંધ ટપકાવતાં. આ હસ્તાક્ષરથી ઉમાશંકરની ડાયરીનું અધિકૃતતાની દૃષ્ટિએ વજન અનેકગણું વધી જાય છે.

ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર એવી બે લેખિકાઓની વાત કરીએ તો બિંદુ ભટ્ટની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ ભલે સત્યકથા નથી, પણ વાંચકને સત્યકથા જેવી અનુભૂતિ ચોક્કસ કરાવે છે. તો ‘ક્યાં ગઈ એ છોકરી’માં એષા દાદાવાળાએ એક છોકરીની જિંદગી એક ડાયરીમાં આવરી લીધી છે. એક કલ્પના જ હોવા છતાં વાંચકને ઘણી જગ્યાએ તે વાંચતા-વાંચતા અટકવા, વિચારવાને મજબુર કરાવે છે.

ભારતમાં 1965ના ભારત-પાકિસ્તાન યુધ્ધની વ્યૂહરચનાઓ, પરિસ્થિતિ વિશે તે સમયના રક્ષામંત્રી શ્રી વાય. બી. ચવ્હાણે વિગતવાર ડાયરી લખી છે. ‘1965-વોર:ધ ઈનસાઈડ સ્ટોરી’ જેવા નામ પરથી જ એ યુધ્ધડાયરી હોય એવો ખ્યાલ આવી જાય. આ પ્રકારની ડાયરી સંશોધનકર્તાઓ માટે અત્યંત મહત્વનો દસ્તાવેજ બની રહે છે. તેમ વાચકોને પણ તેમાં અનેક બાબતો જાણવા મળે છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસેની નોંધો પહેલાં ઇન્ટરનેટ પર બ્લોગસ્વરૂપે પ્રગટ થઈ અને પછી`જિપ્સીની ડાયરી: એક સૈનિકની નોંધપોથી' નામના પુસ્તક સ્વરૂપે. આ નોંધોમાં એક સૈનિકના જીવનનું, કારકીર્દીમાં લીધેલી તાલીમ, કાર્યક્ષેત્ર વગેરેનું બહુ રસપ્રદ અને સરળ ભાષામાં વર્ણન છે.

નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી જુવાનસિંહ જાડેજા (82)ની `હૈયું, કટારી અને હાથ (એક નિવૃત્ત પોલીસ અધિકારીની કારકીર્દી ગાથા) પોતાના કાર્યકાળની વાત સુપેરે મૂકી આપે છે,જેમાં તેમણે પોતાની જિંદગીનાં 80 વર્ષ પછી પોતાની નોકરીનાં 38 વર્ષોનો અનુભવ પીરસ્યો છે.

પ્રવાસનોંધ, પ્રકૃતિ ડાયરી આવનારી પેઢી માટે અમૂલ્ય ખજાનો છે. પ્રવાસનોંધની ડાયરીમાંથી જે-તે સ્થળની વસ્તુઓ, ભૌગોલિક રચનાનો ખ્યાલ વધુ સારી રીતે આવે છે. તો પ્રકૃતિ ડાયરીથી જે તે સ્થળની આબોહવા વનસ્પતિ, પશુ-પક્ષીઓ અંગેની માહિતી મળવામાં સરળતા રહે છે. જાણીતા પક્ષીવિદ લાલસિંહ રાઓલને 1949થી પક્ષીનિરીક્ષણમાં રુચિ જાગી. ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણીને એમણે જે પક્ષી જોયું હોય તેની ઝીણામાં ઝીણી નોંધ રાખવાનું શરુ કર્યું. પક્ષીનું નામ, રંગરૂપ, કદ કાઠી, સ્થળ, સમય વગેરેની ભેગી કરેલી માહિતી આજે પક્ષીનિરીક્ષણમાં રૂચિ ધરાવતા અભ્યાસુઓ માટે સોના-ચાંદી કરતાંય વધારે મૂલ્યવાન છે. આનંદની વાત એ છે કે આ ડાયરી હવે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહી છે, જેમાં પક્ષી-નિરીક્ષણની નોંધો મુખ્ય છે. પરંતુ વસ્તુ અનુસાર પક્ષીઓની હાજરી, અન્યત્ર સ્થળાંતર જેવી મહત્વની બાબતો આ લખાણમાંથી ડોકાય છે.

ફોટોગ્રાફર-ચિત્રકાર જ્યોતિ ભટ્ટની ડાયરી એટલી અદ્ભુત છે કે એ વાંચનાર જે તે સ્થળ પર જાય તો એણે વાંચેલી વિગતને જોવાની, કે સરખાવવાની જ બાકી રહે. આધુનિક થવાની દોટમાં આપણા સાંસ્કૃતિક વારસાને સાચવી નથી શકતા એ સંજોગોમાં જ્યોતિ ભટ્ટની ડાયરીલુપ્ત થતા જતા સાંસ્કૃતિક વારસાનો અધિકૃત દસ્તાવેજ બની રહેશે એમાં બેમત નથી. આ ડાયરીમાંનું એક પાનું જોયા વિના આ બાબત સમજાશે નહીં.


મનોચિકિત્સકો પણ ક્યારેક એમની પાસે આવતા દર્દીઓને તેમને આવતાં સપનાંઓની ડાયરી બનાવવાનું કહે છે, જેથી સ્વપ્નાઓના આધારે દર્દીની ચિકિત્સા થઈ શકે.

વર્તમાન યુગમાં ઈન્ટરનેટના વ્યાપે વિશ્વને કમ્પ્યૂટરના ટચૂકડા સ્ક્રીનમાં સમાવી લીધું છે. અહીં Online ડાયરી લખનારા પણ અનેક લોકો છે. બ્લોગને ડાયરી કહેવાય કે નહીં એ ચર્ચામાં ન ઉતરીએ તો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ વર્ષથી રોજ નિયમિત બ્લોગ-ડાયરી લખે છે. ફરક એટલો કે એ લખાણની ઉપર તારીખ કે વાર લખવાને બદલે દિવસનો આંકડો લખે છે. દા. ત.Day 1102, Day 1103... આ ડાયરીમાં એ દુનિયાભરની માહિતી આપતા રહે છે. એમાં ફિલ્મોની વાત હોય, પ્રાણને શ્રદ્ધાંજલિ આપવાની હોય, દિલ્હીનો ગેંગરેપ હોય કે ગુજરાત ટુરિઝમની એડ કેમ્પેઇન વિશે લખવાનું હોય... વાંચકોને રોજ નવું નવું આપવું એ એમનો નિયમ છે. પાંચ વર્ષમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે એમણે નહીં લખ્યું હોય!!

વિશ્વસ્તરે ડાયરીનો વ્યાપ ક્યાંય વધારે છે. એ હકીકત છે કે પ્રકાશિત થયેલી ડાયરીઓ કરતાં અપ્રકાશિત રહેલી ડાયરીની સંખ્યા અંદાજવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે અસલી ડાયરીઓની સાથે નકલી ડાયરી પધરાવનારાય પડ્યા છે. એક સમયે હિટલર અને મુસોલિનીના નામે આવી નકલી ડાયરીઓ બજારમાં ફરતી થઈ હતી. ક્યારેક અપ્રકાશિત ડાયરીમાંથી આગળ પાછળનાં સંદર્ભ વિના અમુક જ ભાગ પ્રકાશિત કરવામાં આવે તો અર્થના બદલે અનર્થ પણ સર્જાઈ શકે અને આ ડાયરી સાથે સંકળાયેલી વ્યક્તિ કે વ્યક્તિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી શક્યતાઓ ભરપૂર છે. એવા કિસ્સામાં `Right of First Refusal'નું ઉલ્લંઘન થયું હોય એ પણ બનવાજોગ છે. પ્રકાશનને લાગેવળગે છે ત્યાં સુધી Right of First Refusal એટલે લખાણના મૂળ માલિક કે અન્ય વ્યક્તિને જે-તે લખાણનો હિસ્સો કે સંપૂર્ણ વિગતો વિશે સંશોધન કે પ્રકાશન કરવાનો સૌ પ્રથમ હક આપે તે. આ હકદાર વ્યક્તિ જ જે તે લખાણનો ઉપયોગ સૌ પ્રથમ વાર કરી શકે એવો અધિકાર.

દુનિયાનાં અગણિત રહસ્યો આવી અપ્રકાશિત ડાયરીનાં પાનાઓમાં જ દફનાયેલાં રહેવાનાં એ નિવિર્વાદ સત્ય છે. ડાયરી કોણે લખવી, કેવી રીતે લખવી વગરેનાં કોઈ ચોક્કસ માપદંડ નથી, પણ તેમ છતાંય ગૂગલ મહારાજ ડાયરી લખનારને એ વિશેય દિક્ષા-શિક્ષા આપી શકે એમ છે. બાકી, પોતે આચરેલાં (કુ)કર્મો, `કોડવર્ડ'માં નોંધીને ડાયરી લખનારા બુકીઓ અનેસટોડિયાઓ પણ ભર્યા છે, સંસારમાં!


PS: ઉપર ઉલ્લેખેલી તમામેતમામ ડાયરીઓ પર અલગથી નોંધ થઇ શકે એવી ગુંજાયેશ છે જ.. પણ એ વિષે ફરી ક્યારેક..

No comments:

Post a Comment