Saturday, October 17, 2015

"જ જ્યોતિષનો જ”

http://bombaysamachar.com/epaper/e01-10-2015/LADKI-THU-01-10-2015-Page-4.pdf

શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક બહુમાળી ઍપાર્ટમૅન્ટમાં પાંચમા માળે એક ફ્લેટમાં કાકભટ્ટ પ્રવેશ્યા. પ્રવેશતા વેંત જ ધૂપ-અગરબત્તીની તીવ્ર સુગંધથી કાકભટ્ટનું નાક તરબતર થઈ ગયું. ચારેય દીવાલો અનેક દેવી-દેવતાઓના ફોટાથી ભરચક હતી. ઓરડો પ્રમાણમાં નાનો હોવાથી કદાચ 33 કરોડ સમાવી નહીં શકાયા હોય એવું લાગ્યું. શહેરના સુવિખ્યાત જ્યોતિષીની આ ઑફિસ હતી. પોતાની જિંદગીની સંકડાશો દૂર કરવા અહીં આવતો જણ કદાચ અહીં ભગવાનોની સંકડાશ જોઈને ડઘાઈ જતો હશે એમ માનવા કાકભટ્ટ પ્રેરાયા. દીવાલને અડોઅડ ગોઠવેલા સોફાઓમાં ડઝનેક જિજ્ઞાસુઓ ઉચાટમાં ફ્લેટમાં બાજુના ઓરડાનાં બંધ બારણાને થોડી થોડી વારે જોઈ લેતા હતા. એક પછી એક નામ બોલાય એમ જિજ્ઞાસુ સ્પ્રિંગની જેમ ઊછળીને પેલા બંધ બારણા ભણી રીતસર દોટ મૂકતાં. ખાસ્સા કલાકેકની તપસ્યા પછી “કાકભટ્ટ... કાકભટ્ટ કોણ છે? અંદર ગુરુજી બોલાવે છે” રૂમમાં લાગેલાં સ્પીકરમાં ઉદ્ઘોષણા સંભળાઈ. કાકભટ્ટને ટીવી પર જોયેલી “બિગબૉસ” સિરિયલ યાદ આવી ગઈ. સાથે જ કોર્ટમાં “મુજરિમ હાજિર હો.” વાળી બૂમ પણ સંભળાઈ હોય એવો ભાસ થયો. ભટ્ટજી ઊભા થયા. પેલા રહસ્યમય રૂમનું બારણું ખોલ્યું, “ચીંઇઇઇ” ટિપીકલ ભૂતિયા ફિલ્મમાં દરવાજો ખૂલતાં આવે એવો અવાજ આવતાં જ કાકભટ્ટ મનમાં મલકી ઊઠ્યા. “આમાં તેલ પૂરવાનું મુહૂર્ત નથી આવ્યું લાગતું હજી”નો વિચાર પૂરો કરીને કાકભટ્ટે ટેબલની પાછળ દેખાતા કપાળે ટીલાં ટપકાં કરેલાં, પીરોજી રંગનાં કપડાં પહેરેલાં સુવિખ્યાત જ્યોતિષાચાર્યજીને નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા. “આવો” ટેબલ પર એક બાજુ કમ્પ્યૂટર મૂકેલું હતું જેમાં ગુરુજી ફેસબુક પર એમને પુછાયેલી સમસ્યાનું ઑનલાઇન નિરાકરણ લાવતા હતા તો વચ્ચે જી-મેઇલ એકાઉન્ટનું ચેટબૉક્સ તપાસતા રહેતા હતાં. ભટ્ટજી આ ટેક્નો સાધી જ્યોતિષાચાર્યજીથી પ્રભાવિત થયાં. ટેબલ પર બે-ત્રણ કુંડળીઓ પડેલી હતી. તો એક નાનું અને એક મોટું એમ બે પંચાંગ પણ દ્રશ્યમાન થયા. બંને હાથમાં જાત જાતનાં નંગોવાળી વીંટી, ગળામાં બપ્પી લહિરીની જેમ સોનાનાં નેકલેસ ઝૂલતાં હતાં. તો જમણા હાથનાં કાડાં પર સલમાન ખાન જેવું પીરોજી રંગનું બ્રેસલેટ પણ ઝગમગ ઝગમગ થતું હતું.
“કુંડળી લાવ્યા છો કે અહીંથી બનાવવાની છે?” “જી, કુંડળી છે.” કહી ભટ્ટજીએ એમના થેલામાંથી કુંડળી કાઢીને ગુરુજીને આપી. ગુરુજી કુંડળીનું નિરીક્ષણ કરવા લાગ્યા અને ભટ્ટજી ફરીથી ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યા.
રૂમમાં પીરોજી રંગનું પ્રભુત્વ જણાયું. ગુરુજીની પાછળની દીવાલ પર ગુરુજી જુદી જુદી હસ્તીઓ સાથે હાથ મિલાવતા હોય, ખભે હાથ મૂકેલો હોય એવી મોટી કરેલી તસવીરો ટીંગાડેલી હતી. બીજી દીવાલ જુદી જુદી સંસ્થાઓનાં પ્રશસ્તિપત્રોથી શોભાયમાન હતી. એની સામેની દીવાલ પર લાકડાના કલાત્મક ઘોડામાં જ્યોતિષને લગતાં પુસ્તકો ગોઠવેલાં હતાં. આટલું જોયા પછી ભટ્ટજીએ પાછું ગુરુજી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુરુજી હાથમાં કુંડળી લઈને જાણે ધ્યાનાવસ્થામાં સરી પડ્યા હોય એમ લાગ્યું. થોડીવાર સુધી ગુરુજી તરફથી કંઈ હલનચલન ન થવાથી ભટ્ટજી ફરી નિરીક્ષણમાં પરોવાયા. “ઓહો... ગળામાં બપ્પી લહિરીની જેમ સોનાની ઢગલો માળાઓ... ટંકશાળ લાગે છે બૉસ... લક્કી હોં...” ફરતી ફરતી નજર ગુરુજીના ટેબલની બાજુમાં પડેલા બીજા નાના ટેબલ પર પડી. એક સ્કેનર મૂકેલું હતું જે પાછું કમ્પ્યૂટર સાથે જોડેલું હતું. “આ સ્કેનરનું શું કામ હશે અહીં?” એવો વિચાર વિસ્તાર પામે એ પહેલાં જ ભટ્ટજીનું ધ્યાન કુંડળીમાં જોતાં જોતાં માથું ધુણાવતાં ગુરુજી પર ગયું.
“તમારા ગ્રહો તો જબરા છો હોં, ભટ્ટજી.”
“એટલે? ગ્રહો ય જબરા હોય?”
ગુરુજી ભડક્યા. “ભટ્ટજી, તમારી કુંડળી સડસઠ-તેત્રીસ છે.”
ઢાલગરવાડના કાપડના વેપારી જેવી ભાષા સાંભળીને કાકભટ્ટથી જરા હસી પડાયું.
“એટલે?”
“એટલે એમ કે કુંડળી થોડી ભારે ગણાય.”
“પણ આ તો પાંચ પાનાની જ છે.”
ગુરુજી થોડા વિચલિત થયા અને નારાજગીથી બોલ્યા : “તમે મોં માથા વિનાની વાતો ન કરો તો સારુ” ભટ્ટજી શાંત થઈ ગયા. આંખો સહિત સમગ્ર ચહેરા પર એમણે પ્રશ્નાર્થ ચિહ્ન લીપી દીધું. “તમારે હાલમાં શનિની પનોતી ચાલે છે. અઢી વર્ષની. છ મહિના પછી પૂરી થશે. ત્યાં સુધી તમને બધી જાતની તકલીફો રહેશે. વળી, કુંડળીમાં અંગારક યોગ પણ છે. દુર્વાસા જેવો સ્વભાવ છે તમારો” વળી, કાકભટ્ટના અળવીતરા મનમાં વિચારોએ તરફડિયાં માર્યાં.” “દુર્વાસા મુનિની કુંડળી કોણે જોઈ હશે? ગૂગલ પર હશે ક્યાંય?” આ ખતરનાક વિચારોને પરાણે ટાઢા પાડીને ભટ્ટજીએ ગુરુજીને પૂછ્યું : “હવે?”
ગુરુજી : “એક સારી બાબત એવી છે કે તમારે ગજકેસરી યોગ પણ છે. એકદમ પાવરફુલ. એ ય ને જલસા.” હવે કાકભટ્ટ બોલી જ પડ્યા “હમણાં તો આપ કહેતા હતા કે શનિની અઢી વર્ષની પનોતી છ મહિના પછી પૂરી થશે અને હવે કહો છો કે જલસા? તે છ મહિના પૂરા ય થઈ ગયા?”
ગુરુજી ગુસ્સાથી લાલઘૂમ. ભટ્ટજી જરા ઓઝપાઈ ગયા ને “ગુરુજી ને ય અંગારક યોગ લાગે છે” એવું મનમાં જ વિચારીને ગુરુજીને પ્રશ્ન કર્યો, “ગુરુજી નોકરીનાં ફાંફાં છે કોઈ યોગ રચાય છે?” “જુઓ, આજથી ત્રણ મહિના પછી એક યોગ રચાય છે ખરો. જો તમે હું આપું એ મંત્રજાપ કરશો તો કામ થઈ જશે, નહીં તો બીજા ત્રણ મહિના પછી તો પાક્કી જ છે. પેલી શનિની પનોતી જવા પર હશે ને એ તમને લાભકર્તા છે. તમારો અંગારક યોગ તમારો દુશ્મન છે અને તમને ભાન ભુલાવે છે. એટલે બોલવામાં લગામ રાખવી સારી નહીં તો તમારે બધાની સાથે છત્રીસનો આંકડો જ રહેશે. મંગળ તમારા માટે નામનો જ મંગળ છે. બાકી એ તમારું ખાસ ભલું કરી શકે એમ નથી. ચંદ્ર ખાડામાં બિરાજમાન છે એટલે તમે ભયંકર તરંગી હોવ... ચંદ્ર ચંચળતા બક્ષે છે. સ્થિર ન થવા દે એ નિયમ મુજબ તમારા વિચારો સ્થિર ન હોય.” આટલું લાંબું પહેલીવાર બોલીને ગુરુજી બોલ્યા, “ડાબો હાથ લાવો.” અને સાથે જ ટેબલના ખાનામાંથી લાઇટવાળો બિલોરી કાચ કાઢ્યો. ભટ્ટજીએ હાથ ટેબલ પર મૂક્યો. એટલે રેખાઓ જોતાં જોતાં ગુરુજીની ફળકથનીની સ્પીડમાં ડબલ વધારો થઈ ગયો : “તમારા હાથની રેખાઓ ઠીક ઠીક છે. હથેળીમાં એકેય અશુભ ચિહ્ન ન હોય, રેખાઓ ઊંડી અને જાડી સુરેખ હોય, હાથનાં પર્વતો ઊંચા ઊઠેલાં હોય એવો હાથ અમારા શાસ્ત્રમાં ઉત્તમ અને ભાગ્યશાળી મનાય છે.” થોડીવાર પછી એમણે પેલો બિલોરી કાચ પાછો ખાનામાં સરકાવ્યો અને ભટ્ટજીને હાથ સ્કેનર પર મૂકવા કહ્યું. હથેળી સ્કેન કરાવતી વખતે વળી કાકભટ્ટનું અળવીતરું મનમાં “વિઝા લેવા જતી વખતે ય હાથ સ્કેન કરે છે તો એ લોકો ય જ્યોતિષી હશે? ભવિષ્યકથન કરતા હશે? જેવા વિચારો વિસ્તરતા રહ્યા. હથેળી સ્કેન થતી હતી એ દરમિયાન ગુરુજીએ કમ્પ્યૂટર પર ફટાફટ કાકભટ્ટની કુંડળીમાંથી જન્મસમય, જન્મતારીખ અને જન્મસ્થળ નોંધી લીધાં અને કહ્યું : “હવે આવો ત્યારે કુંડળી નહીં લાવો તો ચાલશે. તમારી માહિતી આમાં સ્ટોર થઈ ગઈ છે અને તમે ય ન આવી શકો એમ હોય તો કશેથી તમારી હથેળી સ્કેન કરીને મને ઇ-મેઇલ કે વૉટ્સઅપ કરી દેજો. એટલે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં અવરોધ નહીં આવે.” બોલો, હવે છે કોઈ મૂંઝવણ?” હવે કાકભટ્ટે પૂછી જ પાડ્યું, “પણ ધારો કે ...ધારો કે તમારા કમ્પ્યૂટરમાંથી બધો ડેટા કોઈ કારણોસર ક્રેશ થઈ જાય તો?” હવે ગુરુજીએ પિત્તો ગુમાવ્યો ને ટેબલ પર પડેલું પેપરવેઇટ છૂટું કાકભટ્ટ પર ફેંક્યું. ભટ્ટજીના યોગ સારા હશે તે એ વેળાસર નમી ગયા અને પેપરવેઇટ ધડામ દઈને બંધ બારણા પર અથડાઈને નીચે પડ્યું અને અણુ અણુમાં પરિવર્તન થઈ ગયું. “ગુરુજીનો અંગારક યોગ હાલમાં કેન્દ્રસ્થાને આવી ગયો લાગે છે એવું વિચારતા વિચારતા ભટ્ટજીએ ચહેરા પર ક્ષમાભાવ લાવવાનો સફળ પ્રયત્ન કર્યો ને બે હાથ જોડીને કહ્યું : “ઇન્ટરનેટ યુગની આ સૌથી મોટી અસલામતી છે એટલે જ મેં આ પ્રશ્ન કરેલો. બાકી આપણે તો તમે કહો એ જ પૂર્વ દિશા. ગુરુજી ક્ષમા કરો. ગુરુજીએ પણ મોટું મન રાખીને ક્ષમા બક્ષી અને આશીર્વાદ મુદ્રામાં જમણો હાથ ઊંચો કર્યો ને કહ્યું : બહારથી કનુલાલ તમને ટાઇપ કરેલો મંત્ર આપે એ ગમે ત્યારે પણ નિયમિત કરજો અને 21 દિવસ પછી ફોલો-અપ માટે પુનઃ મુલાકાત લેજો. “ભટ્ટજીએ હકારમાં માથું ધુણાવી ગુરુજીને પ્રણામ કર્યા. ગણેશજીની મૂર્તિને પગે લાવ્યા અને ત્યાં 500/- રૂ.ની નોટ મૂકી. ગુરુજી એ જોઈને મલકાયા અને ફરીથી આશીર્વાદની મુદ્રામાં હાથ અધ્ધર કર્યો. ભટ્ટજીએ પૈસા આપવા પાકીટમાં હાથ મૂક્યો એ વખતે ગુરુજીએ પ્રશ્ન કુંડળી માંડી હશે એવું ભટ્ટજીને લાગેલું. અહીં આવતા પહેલાં ભટ્ટજી 500 રૂ.ના છૂટા કરાવવાનું ભૂલી ગયેલાં એટલે ગુરુજીની પ્રશ્નકુંડળી પૉઝિટિવ થઈ ગઈ એમ માનીને કાકભટ્ટે ફરીથી પ્રણામ કરી ગુરુજીની વિદાય લીધી. બહાર કનુલાલ પેલો મંત્ર લઈને રાહ જ જોતાં હતાં. એ લીધો ને થેલામાં જાળવીને મૂક્યો. ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો હતો. બહાર આવીને સ્કૂટર ચાલુ કર્યું પણ થયું નહીં. થોડીવારની મથામણ પછી સામે જ ગેરેજ હતું ત્યાંથી મિકેનિકને બૂમ પાડીને બોલાવ્યો. “જો ને ભાઈ, સ્કૂટરને ય મારી જેમ શનિ નડતો હોય એમ લાગે છે.” ગેરેજવાળાએ સ્કૂટરમાં પાનાપક્કડથી શી ખબર શું ય કર્યું તે સ્કૂટર ચાલુ થઈ ગયું. “લાવો, 50 રૂપિયા. ગુરુજીના ક્લાયન્ટ એટલે આપણા ક્લાયન્ટ. વધારે લેવાય જ નહીં. હવે સ્કૂટર રમરમાટ દોડશે તમારે.”. પૈસા આપીને કાકભટ્ટે ફરી શનિ મહારાજ નડી ન જાય એ બીકે સ્કૂટર દોડાવી મૂક્યું.
ખોંખારો : જ્યોતિષ ડૂબેલાઓનું આશ્વાસન છે.