રણમેદાનમાં લાલ જાજમવાળું સ્ટેજ અને એના પર ૭ મખમલવાળી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે. ચાર-પાંચ ટીવી ચેનલોના ચિબાવલા ખબરપત્રીઓ હડકાયું કુતરું ચોક્કસ જગ્યાએ કરડી ગયું હોય એમ હાથમાં માઇક લઈને ઠર્યા વિના મેદાનમાં આ ખુણેથી પેલા ખુણે ને પેલા ખુણેથી આ ખુણે દોડાદોડ કરતા હતા અને એમની પાછળ પાછળ જે-તે ચેનલના કેમેરામેન રીતસર વાયર ને કેમેરા લઇને ઘસડાતાં હતાં. જી હા, આપણે અત્યારે જ્યાં બે દિવસ પહેલાં રાવણનો વધ થયો એ જ સ્થળ પર લટાર મારી રહ્યાં છીએ.અહીં દેશ-વિદેશના જુદાં જુદાં સંવાદદાતા પણ દ્રશ્યમાન થઈ રહ્યાં છે. મિત્રો , અાજે અહીં દેશભરનાં સંવાદદાતાઓ એક થઈને ઐતિહાસિક મુલાકાત લેવાનાં છે. મુલાકાત લેનાર મુખ્ય પત્રકારો છે પરબત ગોસ્વામી, સુર્યદીપ સરદેસાઈ, શિખા દત્ત અને રંજન શર્મા . અને માનવંતા મહેમાનો છે મિસીસ રાવણ યાની કિ મંદોદરીબેન અને રાવણબંધુ વિભીષણભાઈ.
અચાનક જ મેદાનની એક તરફ બધાં "એ આવ્યાં, એ આવ્યાં" બોલતાં દોડ્યાં. મંદોદરીબેન ઉર્ફે મંદાબેન ક્રીમ કલરની ફુલપત્તાના બુટ્ટાવાળી એકદમ કડક આર પાયેલી સાડી અને એનાથી થોડા ડાર્કર શેડના લાંબી બાંયના બંધ ગળાના બ્લાઉઝ, હીરાના ઝગમગ દાગીનામાં જાજરમાન દેખાતા હતા. પતિના મૃત્યુને માત્ર ૪૮ કલાક જ થયા હોવાં છતાં એમના ચહેરા પર એક પ્રકારની નિરાંત સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.પેનલનાં ચારેચાર માથાભારે પત્રકારો છેક સ્ટેજના પગથિયાં સુધી મંદાબેનને આવકાર આપવા દોડી આવ્યા.શિખાબેને મંદાબેનને જરા ટેકો આપવાના હેતુથી હાથ લંબાવ્યો પણ એ ગર્વિલી રાણીએ શિખાબેનનો હાથ તિરસ્કારથી હડસેલી દીધો. જિંદગીમાં પહેલીવાર શિખાબેનને સીતામાતાને આપેલો એમ ધરતી મારગ આપે તો સમાઈ જઉં જેવી ફિલીંગ આવી. ટ્વીટર પર મંદાને troll ન કરું તો મારું નામ શિખા નહીં એવી મનોમન ગાંઠ વાળીને શિખાબેન પોતાની ખુરશી પર જઈને બેસી ગયા. મંદાબેને પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. વિભીષણભાઈ મંદાબેનથી બે ડગલાં પાછળ ચાલ્યા આવતા હતા પણ એમનો કોઈએ અહીં પણ ભાવ ન પુછ્યો. વિભીષણભાઈએ પણ ચુપચાપ સ્થાન ગ્રહણ કર્યું. બાકીના પત્રકારો પણ ખુરશી પર ટપોટપ ગોઠવાઈ ગયા અને મુખ્ય વિડીયો રેકર્ડીંગ આર્ટિસ્ટે
વિડીયો શુટીંગનો આદેશ આપ્યો. મુખ્ય પેનલિસ્ટ તરીકે કાયમ ઘાંટા પાડવા ટેવાયેલા પરબત ગોસ્વામીએ બોલવાનું ચાલુ કર્યું : " તો મંદોદરીજી, ફોર્માલિટીઝ મેં હમારા વક્ત બરબાદ ન કરતે હુએ મૈં આપ સે સીધે પ્રશ્ન હી કરુંગા . આપ કે પતિ કે દેહાંત કો પુરે ૪૮ ઘંટે બીત ચુકે હૈં તો આપ કો કૈસા લગ રહા હૈ? "
મંદોદરી : " અં ... મૈં શિખાજી સે પૂછના ચાહુંગી કિ ઉનકા દુપટ્ટા હમારી સાડી સે સફેદ કૈસે? "
અચાનક પોતાના પર આવી પડેલી સર્વિસથી બેબાકળી થઈ ગયેલી શિખા ટ્વીટ કરવાનું પડતું મુકીને ઊભી થઈ અને ગાવા લાગી: "આયા નયા ઉજાલા.. ચાર બૂંદો વાલા ..."
પરબત : હેલો .. મંદાબેન.. લેટ મી સ્પીક નાવ.. ધ નેશન વોન્ટસ ટુ નોવ... "
મંદોદરી : " તે હેં પરબતભ'ઈ , તમે ક્યાંના? "
સુર્યદીપ સરદેસાઈ : "પરબત, મુઝે લગ રહા હૈ કિ રાવણજી કે દેહાંત સે મંદાજી કે દિમાગ પર કાફી ગહરા અસર હુઆ હૈ. મૈં ને ચેતન ભગત કી કિતાબ મેં પઢા હૈ કિ ઐસે કિસ્સોં મેં મુલાકાત દેનેવાલે કો થોડે ઈધર ઉધર કે પ્રશ્ન પુછ કે મેઇન ટોપિક પે કૈસે લાયા જાતા હૈ. મંદાજી, આપ હમેં યે બતાઈયે કે જબ આપ કી શાદી હોનેવાલી થી તબ રાવણજી કે દસ મેં સે કૌનસે વાલે સરને હાં કહા થા? "
મંદોદરી શરમથી લાલ થઈ ગઈ અને ઉત્તર આપ્યો. " એ તો ખબર નથી પણ હા કહેવામાં એમના છ મુગટ પડી ગયા હતા ખરાં. કયાં ચાર માથાં જડભરત રહ્યાં હતાં એ અમે જોઈ શક્યાં ન હતાં કારણકે શરમ સંકોચના લીધે અમે નજર નીચી રાખી હતી. "
રંજન શર્મા: મંદાજી , આપ કહે રહી હૈ કિ આપ ને કૌન સે વો ચાર સર હૈ વો દેખા નહીં તો ક્યા આપ કો કભી યે પ્રશ્ન નહીં હુઆ કે આપ કિન ચાર કે લિએ unwanted હો? "
મંદાેદરી : "બહુત અચ્છા પ્રશ્ન કિયા આપને શર્માજી. હમને ઉનસે પુછા થા કિ ઉન્હોં ને વે ચાર કી બાત ક્યું નહીં માની. અબ ગૌર કિજીએગા ઉન્હોંને જો ઉત્તર દિયા. ઉસકે બાદ હમને યે બાત કભી નહીં છેડી. એમણે કહ્યું કે majority wins .
શિખા દત્ત: "મંદાજી , આપ ટ્વીટર પર કયા નામથી છો? મારે અને આભા ડે એ તમને follow કરવા છે. ને આ સાડી કેટલામાં પડી? મારે એક આવ્વી જ લેવી છે. પણ બ્લાઉઝની ડિઝાઈન મને બહુ નથી ગમી. એ હું મારી રીતે મિક્સ એન્ડ મેચ કરી લઈશ. "
મંદોદરી: " અહીં આ બધું પતે પછી અમે દેરાણા- જેઠાણા બધાં સાડી લેવા જવાના જ છીએ અમે. આપ પણ ઈચ્છો તો અમારા રસાલામાં જોડાઈ શકો છો, શિખાજી."
પરબત : અરે હમ યહાં સાડી વાડી કે લિએ નહીં મિલે હૈં. હમેં મંદાજી સે ઉનકે ઔર રાવણજી કે પારિવારિક સંબંધ કે બારે મેં જાનના હૈ. સુર્યદીપ , આપ કુછ ઐસા પૂછો કિ મંદાજી કો નાની યાદ આ જાએ. "
સુર્યદીપ : " ક્યા બાત હૈ પરબત, આજ રાજીવજી કહાં સે યાદ આ ગયે?"
રંજન : પરબત , અગર ૫૬ કી છાતી હૈ તો પુછો સુર્યદીપ સે કિ વો કલ કનાટ પ્લેસ પર કિસ કે સાથ આઈસ્ક્રીમ ખા રહે થે?"
પરબત : "સુર્યદીપ?? તુમ ભી ?? દેખ લો ,યહી હો વો દરિંદા જો મેરી ઓર્ડર કી હુઈ આઈસ્ક્રીમ ખા ગયા ઔર મુઝે મજબૂરન કોઈ ઔર ફ્લેવર કી આઈસ્ક્રીમ ખાની પડી."
મંદોદરી: " અગર આપ કી તુતુ મૈંમૈં ખતમ હુઈ હો ઔર હમ સે કુછ પુછના નહીં હૈ તો હમ જાએં? આજ ડિસ્કાઉન્ટ સેલ કા આખરી દિન હૈ."
શિખા :" એ મેરે કો ભી આના હૈ. કુછ દેર રુકો તો આભા ઈધર પહુંચ હી રહી હોગી. તીનોં સાથ ચલેંગે. ખુબ જમેગી બાતેં જબ મિલ બૈઠેંગે, હમ ,આપ ઔર આભા. "
પરબત : " મંદાજી, આપ અગલી બાર હમારે કાર્યક્રમ મેં કબ આએંગે? "
મંદોદરી: "અગલે સાલ.. રાવણજી કા દહન કરને કે બાદ. "
પરબતે મંદોદરી અને વિભીષણભાઈનો આભાર માન્યો ને વિડીયો શુટીંગ પુરું થયું .મંદાબેન અને મૌનવ્રતધારી વિભીષણભાઈએ રથ ભણી પ્રયાણ કર્યું. ચારે ય પેનલિસ્ટ પત્રકારો એકબીજાંના વખાણ કરવા લાગ્યાં. ટેક્નિશ્યનો માઈક ને કેમેરાના વાયરના ગુંચળા વાળતા જ હતાં એટલામાં ડેકોરેટર્સનો ટેમ્પો આવી પહોંચ્યો અને એમાંથી ચાર જણે ઉતરીને ફટાફટ સ્ટેજ છોડવા માંડ્યું ને ખુરશીઓ ટેમ્પામાં ચડાવી દીધી.
ખોંખારો : સર્જિકલ સ્ટ્રાઇકના આદ્ય પ્રણેતા હનુમાનજી છે.
PUBLISHED IN MUMBAI SAMACHAR,૧૩/૧૦/૨૦૧૬ thursday, લાડકી, ' મરક મરક ' ..