Thursday, July 7, 2016

જડમૂળથી રોગ કાઢવો છે?

મુંબઈ સમાચાર, ૧૨/૦૫/૨૦૧૬ ગુરુવાર "મરક મરક" લાડકી section ..


— શિલ્પા દેસાઈ

સવાર સવારમાં સોસાયટીમાં બૂમાબૂમ થઈ ગઈ “જલદી બધા અહીં આવો. ડાહ્યાકાકાને જુઓ શું થયું છે?" જ્યારે જાહેરમાં જોરથી બોલાતું વાક્ય સમજાય નહીં ત્યારે શ્રેષ્ઠ ઉપાય અવાજની દિશામાં હડી કાઢવાનો હોય છે. આખી સોસાયટી ઘડીનાં છઠ્ઠાભાગમાં ડાહ્યાકાકાના ઘરે ભેગી થઈ ગઈ. અમે થોડા મોડા પડ્યાં. અમુક જણ તો હાથમાં ચાનો કપ લઈને જ દોડી આવેલાં, એટલે ઘરની બહાર સબડકા મારતા ઊભા હતા. અમે “એક્સ્યુઝ મી” કહીને અંદર ગયા. ડ્રૉઇંગ રૂમમાં ભારતીય શૈલીની બેઠક પર ડાહ્યાકાકા પલાંઠી વાળીને બેઠેલા હતા અને ‘હેડકીઓ’ ખાઈ રહ્યા હતા. જમનાકાકી વિસ્ફારિત નેત્રે અને ચિંતાતુર ચહેરે ડાહ્યાકાકાને સતત બરડે હાથ ફેરવી રહ્યા હતા. ડાહ્યાકાકાના ચહેરા પર કયો ભાવ છે એ જાણવા જેટલો ‘પોઝ’ પણ એમની હેડકીઓ જ ખાઈ જતી હતી. સોસાયટીમાં જ રહેતા કનુ યોગી ઉર્ફે “યોગીકાકા” સામે ખુરશીમાં બેસીને 360-361 એવી ગણતરી કરતા હતા. એટલે કોઈએ ટપાર્યા. "ઓ યોગીકાકા, આ ડાહ્યાકાકા કપાલભારતી નથી કરતા આ કોઈ યોગાસન એમને ચોંટી ગયું લાગે છે તે એની જાતે જ આ થાય છે એટલે તમે ગણતરી કરવાનું માંડીવાળો. અને એ હેડકી બંધ કરવાનો ઉપાય વિચારો! " જેમ જેમ સમય જતો ગયો એમ એમ સહુનો ગભરાટ પણ જરા જરા વધતો ગયો. દરેક જણ આંખના ઇશારામાં એકબીજાને “હવે શું? પૂછતાં હતા અને કોઈની પાસે એનો ઉત્તર નહતો. એટલામાં સોસાયટીના આયુર્વેદાચાર્ય કહેવાતા હીરાબા નાનકડી ડીશમાં કશું લઈને આવ્યાં અને બેત્રણ પ્રયત્ન પછી ડાહ્યાકાકાના મોઢામાં એ ડીશમાંથી કશું ચપટી ભરીને ખવડાવી દેવામાં સફળ થયાં ને વળતી જ ક્ષણે જાણે જાદુ થયો જાણે! કાકાની હેડકી બંધ... હેડકી કદાચ ફરી આવવા માંડશે. અથવા હેડકી બંધ થયાનો ભ્રમ માત્ર છે. એવા હાવભાવ સાથે કાકા અધ્ધર જીવે ચકળવકળ જોઈ રહ્યા. થોડી વાર પછી એમને ખાતરી થઈ કે હેડકી ખરેખર ગઈ. પરસેવે રેબઝેબ ડાહ્યાકાકાએ પલાંઠી છોડી બાજુમાં ઊભેલાં એક સેવાભાવીએ અણવર વરરાજાને પરસેવો લૂછી આપે એમ કાકાને પરસેવો લૂછ્યો ને એમને ‘રિલેક્સ...રિલેક્સ...’ બોલતાં બોલતાં પકડી રાખ્યાં. હવે બધાનું ધ્યાન ડાહ્યાકાકા પરથી ખસીને હીરાબા પેલી જાદુઈ ડીશમાં શું લાવેલાં તે પર ગયું. કોઈ કંઈ પૂછે એ પહેલાં જ હીરાબાએ સાડીનો છેડો માથા પર સરખો ગોઠવ્યો અને કહ્યું : જોયું? આને કહેવાય આયુર્વેદનો કમાલ... મોરનાં પીંછાની રાખની ચપટી મોઢામાં મૂકી કે હેડકી બંધ થઈ ગઈ! બધાનાં મોઢા અને આંખો આશ્ચર્યચિહ્નમાં પહોળા થઈ ગયા ત્યાં ઊભેલાંમાંથી લગભગ પચાસ ટકાએ તો હીરાબાએ આપેલી આ સચોટ માહિતી પછી ઍલોપથી છોડીને આયુર્વેદ ભણી વળવાનાં વિચારોય કરવા લાગ્યા. અમે પણ આ બધી પ્રેરણાદાયી વાતો અને વાતાવરણથી પ્રેરાઈને ભલે ઉપરછલો તો ઉપરછલો પણ ડિગ્રીનાં કોઈ મોહ વિનાય આયુર્વેદનો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું. વારે વારે બધા “લોહી ઉકાળા” એવો શબ્દપ્રયોગ કરે ત્યારે એમ થાય કે આ “લોહીઉકાળા” આયુર્વેદની દવા હશે!! કારણ ઉકાળા તો આયુર્વેદનો પાયો કહેવાય. આવી બધી ગડમથલો કે કેમિકલ લોચા એ બધું મગજમાં ઊથલપાથલ મચાવવા લાગ્યું અને અમે એને વિધિનો સંકેત ગણીને આયુર્વેદના ખોળે માથું મૂકવાનો દૃઢ નિર્ધાર કર્યો. આ નિર્ધારના પ્રથમ ચરણ તરીકે અમે બધું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. જેમકે પહેલાં સોસાયટીમાં મોર આવી ચડે તો બધા એને ખલેલ ન પહોંચાડે એમ સંતાઈ જાત અને ક્યારે એ કલા કરશે એની રાહ જોતાં એના બદલે હવે ધારો કે મોર આવે તો એ જાય પછી એણે ક્યાંય પીંછુ મૂક્યું છે કે નહીં એ શોધ્યા કરતાં. આયુર્વેદનો કેવડો મોટો પ્રતાપ! આયુર્વેદ જિંદગી જીવવાની તરાહ જ બદલી નાખે છે એ અમને સ્વાનુભાવે સમજાયું.
આયુર્વેદ અપનાવવાનાં બીજાં ચરણમાં અમે સંશોધનો શરૂ કર્યાં. નાડી જોઈને શરીરમાં શું રોગ છે એવું નિદાન કરી આપનારા નાડી વૈદ્યોને શોધી કાઢવા અમે કેટલાંયને કામે લગાડ્યા. તો ખબર પડી કે હવે આવા “નાડી વૈદો” કરતાં અનાડી વૈદો (નાડી જોયા વગર નિદાન કરતાં) અને બેત્રણ મોટી મોટી માત્ર આયુર્વેદિક દવાઓની જ દુકાન છે. આવું બધું અમને જાણવા મળ્યું સમસમીવટી, અવિપત્તિકર ચૂર્ણ, રસાયણચૂર્ણ, હિમજ, હરડે, મહારાસનાદિ ક્વાથ વગેરે વગેરે નામો સાંભળીને ઍલોપથી તરફ યૂટર્ન મારી જવાનું નક્કી કરી લીધેલું પણ પછી મન મક્કમ કરીને અમે “ચરકસંહિતા” અને “આર્યભિષેક” નામના આયુર્વેદના બે મહાગ્રંથો પણ મંગાવી લીધા. એને કેમ મહાગ્રંથ કહેવાય છે એનો ઉત્તર પુસ્તકો ઘરે આવ્યાં એટલે એના કદ પરથી મળી ગયો. આયુર્વેદ વિશેનું વનલાઇનર બધાને ખબર છે “આયુર્વેદની કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં...” અમને પહેલું જ્ઞાન એ મળ્યું કે ઍલોપથીમાં પ્રિસ્ક્રીપ્શન હોય છે અને આયુર્વેદમાં “પ્રયોગો”ને, બીજું એ કે આયુર્વેદ કોઈ પણ રોગને જડમૂળથી મટાડે છે. અત્યાર સુધી જરા જેટલું માથું ચઢે તો અમે જે સફેદ ટીકડીઓ ટપ્પ લઈને ગળી લીધેલી તેનાં પર અમને ભયંકર ઘૃણા થઈ આવી. અને અમે આયુર્વેદનાં પુસ્તકો વાંચવાનો પ્રારંભ કર્યો, ત્યારે ખબર પડી કે આ તો સમુદ્ર છે. તમે જેમ જેમ ઊંડા ઊતરો એમ એમાં ફાકીઓ, ઉકાળા, જાતજાતના લેપ, પ્રવાહીઓ, વટીઓ વગેરે ઘણાં બધા ફાંટાઓ છે. વળી, કર્મ એ અહીં પણ ઘૂસ મારી છે “પંચકર્મ”!! પરેજી, નરણે કોઠે જેવા કેટલાય શબ્દો અમારી ડિક્શનરીમાં ઉમેરાયા. આ પુસ્તકોમાં રોગ થાય એનાં ઉપાય કરતાં પહેલાં એ ન થાય એના માટેની સાવધાનીઓય વર્ણવેલી છે બોલો, જેમ જેમ આ સમુદ્રમાં ઊંડા ઊતરવા લાગ્યા એમ એમ અમનેય આયુર્વેદ નિષ્ણાત હોવાનો વહેમ અમારા પંડમાં આવવા લાગ્યો હોય એમ અમે આનંદ અનુભવી રહ્યાં. અમારે હવે કોઈ પણ ભોગે આ ક્ષેત્રમાં જ આગળ વધવું એવો નિર્ધાર ડગલે ને પગલે મજબૂત થતો જતો હતો. એના માટે જે-તે ડિગ્રી હોવી જ જોઈએ એવી કશી જરૂર જણાઈ નહીં. ડાહ્યાકાકાની હેડકી મટાડનાર હીરાબાય ક્યાં ત્રણ ચોપડીથી આગળ ભણ્યાં છે? તોય આ વિષયમાં એ જે સલાહ આપે એ એકદમ અધિકૃત જ ગણાય. આયુર્વેદની પોથીઓ સમજીને વાંચીએ તો આપણેય પંડિત થઈ જ જવાના એવા ઇરાદા સાથે અમે ‘આર્યભિષક’ને પગે લાગ્યા અને ગ્રંથ ખોલ્યો. પહેલાં જ પાના પર વાંચ્યું કે આ ગ્રંથની આ 34મી આવૃત્તિ છે. સસ્તુ સાહિત્ય પ્રકાશને આ ગ્રંથ દ્વારા સમાજની બહુ અમૂલ્ય સેવા કરી છે.સદ્ ગત આયુર્વેદ માર્તંડ શાસ્ત્રી શંકર દાજી પહેએ લખેલાં મૂળ આ ગ્રંથમાં સૌ પહેલું જ ચિકિત્સા કરવાને કોણ અધિકારી છે એ માહિતી આપી દીધી છે. વળી જે દેશમાં જે મનુષ્ય જન્મ્યો હોય એ જ દેશની ઔષધિ એની ચિકિત્સા માટે ઉપયોગમાં લેવી!! આવા પ્રકારનું વાંચતા અમને જરા વિચાર આવ્યો કે બધા NRIઓ અહીંથી જે દવા-ફાકી વગેરે લઈ જાય છે એ ખરેખર એમને હવે ત્યાં કેટલું ઉપયોગી થતું હશે? વળતી જ પળે અમે નિવેદન વાંચવાનું બંધ કર્યું અને પુસ્તકમાં પાનાં ફેરવવા માંડ્યાં. અચાનક જ વાઘ કરડે તો શું ચિકિત્સા કરવી? એવું વાંચ્યું અને અમે આશ્ચર્ય પામ્યાં. વળી વિચાર આવ્યો વાઘ કરડે તો એની દવા પુસ્તકમાં છે એનો અર્થ એ કે અગાઉનાં સૈકાઓમાં વાઘ આપણાંને ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ભટકાઈ જતાં હશે? કે જંગલમાં આપણે ફરવા ગયા હોઈએ ત્યારે જ કરડી જતાં હશે? જે રીતે વાઘ હવે જૂજ જ બચ્યાં છે એ જોતાં અત્યારે તો વાઘ કરડે એય સદ્ ભાગ્ય ગણાય. વળી આ વિચારને હડસેલો મારીને અમે પાનાં ફેરવ્યાં. મેદસ્વીપણાના ઇલાજ અંગે થોડું વાંચ્યું અને આપણાં કવિ અને વૈદ્ય લાભશંકર ઠાકર ઉર્ફે લા. ઠા. યાદ આવી ગયાં. લા. ઠા. ને ત્યાં જનાર મેદસ્વી દર્દીને લા. ઠા. પહેલાં જ મગનાં પ્રયોગો પર ઉતારી દે. વીસ દિવસ મગ જ ખાવ. 21માં દિવસે પાછા આવજો. તમારી ફાંદ ઓછી થઈ હશે તો જ હું તમારી દવા કરીશ નહીં તો રામ રામ. વીસ દિવસ મગની પરેજીથી દર્દીનાં ફાંદનાં ઘેરાવામાં અચૂક ઘટાડો થઈ જાય. જો દર્દીએ સંયમ ન જાળવ્યો હોય તો એ પરીઘમાં ફેર ન પડે. એટલે લા. ઠા. ને ખ્યાલ આવી જાય કે ભાઈ/બહેન પરેજી કે સંયમ રાખી શકે એમ નથી. તો આગળ એ દવા શું કરી શકશે! હવે આવા વૈદ્યોય કેટલા? જે દર્દીને રોકડું જ કહી દે અથવા દર્દી જતો કરે! ગ્રંથ વાંચતા વાંચતા અમે વિચારચક્રવ્યૂહમાં ફસાઈ ગયાં. કેરળમાં સૌથી વધારે આયુર્વેદનાં સેન્ટરો છે. દરેક હોટેલોમાંય નાનું એવું આયુર્વેદ કાઉન્ટર તો ખરું જ.  ત્યાંના જુદાં જુદાં સેન્ટર્સ પર પંચકર્મ, શિરોધારા વગેરે માટે ફોરનર્સ વધારે દેખાય છે. અમે જુસ્સાથી દક્ષિણ ભારતનાં આયુર્વેદ સેન્ટરમાં જઈ સ્વાનુભવ લેવાનું નક્કી કર્યું. વિપુલ પ્રમાણમાં હરિયાળી પથરાયેલી હોવાથી કદાચ અહીં બધી ઔષધિઓ મળી રહેતી હશે અથવા બધી ઔષધિઓને આ પ્રદેશનું હવામાન અનુકૂળ આવતું હશે એટલે કે જે હોય તે આપણે આ વિદ્યામાં પારંગત થવું છે એમ વિચારીને બંને ગ્રંથને વ્યવસ્થિત ઠેકાણે મૂક્યાં એવુંય બને કે થોડું થોડું વાંચ્યા કરવાથી પણ આપણે કોઈને નિર્દોષ સલાહ આપી શકીએ તોય ઘણું! આજે એટલુંય કેટલાં કરે છે?

ખોંખારો : છેવટે કંઈ નહીં થાય તો જેમણે જગતને આયુર્વેદની મહામૂલી ભેટ આપી એવા ભગવાન ધન્વંતરિને દર ધનતેરસે પ્રણામ તો કરીશું જ...!!!

“કાળજા કેરો કટકો મારો...”

મુંબઈ સમાચાર, લાડકી section ..૦૫/૦૫/૨૦૧૬ ગુરુવાર, "મરક મરક" ..


— શિલ્પા દેસાઈ
 
 
તે દિવસે સવારથી જ અમારાં મન મસ્તિષ્કમાં “કાળજા કેરો કટકો મારો...” લોકગીત ઘુમરાયાં કરતું હતું. ગીત ભલે કવિ ‘દાદે’ કન્યાવિદાયને અનુલક્ષીને લખ્યું હોય પણ અમારો સંદર્ભ જુદો હતો. 15-15 વર્ષ સુધી જેણે એકધારો ટાઢતડકો-વરસાદ જોયા વિના અમને ટાણે-કટાણે સાથ આપ્યો એને અમારે આજે વિદાય આપવાની હતી. મન અત્યંત ભારે હતું. કોઈ કામમાં ચિત્ત લાગે નહીં. થોડી થોડી વારે ‘એને’ મન ભરીને નિહાળી લેવાની વૃત્તિ કાબૂમાં રહેતી ન હતી. 15 વર્ષ પહેલાં જો કોઈએ અમને કહ્યું હોત તો કે અમને આટલી બધી મોહમાયા થઈ જશે તો અમે એને ગાંડીમાં જ ખપાવી દીધાં હોત!
અમારી મનઃસ્થિતિ આમ તો છેલ્લા અઠવાડિયાથી આવી જ ડામાડોળ હતી. ઘડીકમાં મન ના પાડે કે છો ને રહે... બે ભેગું ત્રીજું... વળી, પાછું બીજું મન ટપારે આ જમાનામાં ત્રણ ત્રણ પોષાય કેવી રીતે? કેટલો બધો ખર્ચ આવે? જેમ જેમ વરસ વીતતાં જાય એમ ખર્ચા વધતાં જાય. થોડી આંસુની કશ્મકશ પછી અમે ફાઇનલ ડિસીઝન લઈ જ લીધું. ના રખાય. ને એમ અમે મક્કમ મન કરી લીધું. એ જ દિવસે એને જોવા આવ્યા હતા. એમની વાતચીત પરથી તો અમને એમ થઈ જ ગયું છે કે એમને કંઈ વાંધો નથી ને બધી રીતે પસંદ છે. જેટલી વાર મોબાઇલમાં મેસેજ આવે કે ફોન આવે એટલી વાર અમને ફાળ પડે કે એ હા. આવ્યો પેલી પાર્ટીનો જ ફોન/ મેસેજ. ને છેક સાંજે પાર્ટીએ ફોન કરી કહ્યું કે અમને રસ છે. એટલે એ એક વાર ફરી મળીને બધી ચોખવટ કરી લેવા માગે છે. અમે થોડા આનંદ અને વધુ દુઃખ સાથે બીજા દિવસે સવારે સાડા દસે આવવાનું જણાવ્યું. આખી રાત અમને ઊંઘ ન આવી. વારે વારે મનમાં એમ જ થાય કે જે રીતે અમે એને આટલાં વરસો આટલી લાગણીથી સાચવણી કરી એ રીતે આ લોકો કરશે તો ખરા ને? અમને અચાનક જ અમારાં રૂલ્સ યાદ આવ્યા અને અમે ઊભા થઈને કબાટમાંથી 15 વર્ષ પહેલાની ફાઈલ કાઢી. વ્યવસ્થિત ફાઇલિંગ કરવાની સુટેવ અમને આજે આ રીતે કામ લાગશે એ અમે ફાઇલિંગ કરતી વખતે ક્યાં વિચાર્યું હતું? થોડાં પાનાં ફેરવ્યાં પછી કેસરી હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલાં મુદ્દાવાળો એક કાગળ દેખાયો અને અમે અમારા જ પ્રશંસક બની ગયાં. સાચવીને એ હાઇલાઇટ કરેલો કાગળ બહાર કાઢ્યો અને વાંચવાનો શરૂ કર્યો :

સ્કૂટર સાચવવાની ટીપ્સ :
એક : તમારું નવું સ્કૂટર રોજ નવા સફેદ કપડાથી લૂછો જેથી તમારું સ્કૂટર કેટલી હદ સુધી સ્વચ્છ છે તેનો ખ્યાલ આવે.
બે : રોજ સ્કૂટર સ્ટાર્ટ કરતાં પહેલાં સ્કૂટરને પગે લાગી એની સાથે સંવાદ સાધો. આથી સ્કૂટરને પોતાની મહત્તાનું ભાન રહે.
ત્રણ : તમારું નવું સ્કૂટર પાર્ક  કરો ત્યારે આજુબાજુમાં પ્રમાણમાં નવાં વાહનો હોય તે ધ્યાન રાખો, જૂના વાહનધારકો અન્ય વાહનને ઘા પડે  તેની બહુ દરકાર રાખતા નથી.
ચાર : તમારું સ્કૂટર વૃક્ષ નીચે ન હોય તેની કાળજી રાખો. અબુધ ને ભોળા વૃક્શ્નીવાસીઓ ને ખબર નથી કે તમારું સ્કૂટર નવું છે. એ તો એને એબ્સકટ પેઈન્ટિંગ માટેનું આદર્શ સ્થળ સમજી બેસશે.
પાંચ : તમારું સ્કૂટર તમારી નજર સમક્ષ રહે એ રીતે પાર્ક કરવું જેથી કોઈ અટકચાળો થતાં પહેલાં જ તમે એ અટકાવી શકો .
છ : તમારું સ્કૂટર તમારી સોસાયટીમાં મૂકો ત્યારે એના પર ઓઢો મીન્સ ..કવર જૂનું જ રાખવું જેથી કોઈ વધુ જરૂરિયાતમંદ ને એ ચોરવાની ઇચ્છા ન થાય.
સાત : તમારું સ્કૂટર સોસાયટીમાં ઉદારમતવાદી યુવાનયુવતીઓ માટે બાંકડો ન બને તે ખાસ જુઓ. ..જેથી બીજા દિવસે સવારે તમારા સ્કૂટરનો બ્રેક કે ગિયરમાં અવરોધ  ન આવે.
આઠ : તમારા સ્કૂટરને શેરીના રખડતાં કુતરાઓનું ભૂદાન પ્રવૃત્તિ કેન્દ્ર ન બનવા દો.
નવ : આટલી બધી કાળજી રાખવી ને ઉપાધીઓ વહોરવી એના કરતાં સ્કૂટર જ ન ખરીદો. શો રૂમમાં એ સારું જ દેખાશે. આપણે ૧૧ નંબરની બસ, વિનોબા ટ્રાવેલ્સને લાભ આપવો.
અસ્તુ.

આ કાગળ પાર્ટીને આપવાનો મનસૂબો કર્યો  અને સવારમાં ઝેરોક્સવાળાને ત્યાં જઈ ઝેરોક્સ કરાવી લીધી જેથી અમારી પાસે પણ નકલ રહે. કહેલા સમયે  પાર્ટી આવી અને સવારના શુભમુહૂર્તમાં અમે અમારા કાળજાનાં કટકા જેવા સ્કૂટરની ચાવી સહિત પેલું સ્કૂટર સાચવવાની ટિપ્સનો ઝેરોક્ષ કરેલો કાગળ પણ આપ્યો. પાર્ટીએ ‘શું છે આ?’ જેવા વિસ્મયભાવ સાથે ચાવી અને કાગળ લીધાં અને અમારો આભાર માન્યો. અમે આખરી વાર સ્કૂટરને મનભરીને જોઈ લીધું. જુદાં જુદાં ઍંગલથી આપણું સ્કૂટર આવું રૂપાળું અને વફાદાર હોવા છતાં એને નજરો સમક્ષથી દૂર મોકલવું પડશેના વિચારથી અમે ભાવવિભોર સવારથી હતા જ પણ ખરી વિદાયટાણે અમે લગભગ ભાંગી પડવાની અણી પર હતાં. પાર્ટીએ અમારા ઘરમાં જઈને અમને પાણી લાવી આપ્યું. અમે સ્વસ્થ થયાં અને પાર્ટીનો આભાર માન્યો. સાથે સ્કૂટરની યોગ્ય જાળવણી માટે જરૂરી સૂચનાઓય આપી અને દર બીજા દિવસે પેલો રુલ્સવાળો કાગળ જોઈ જવા અને એ પ્રમાણે અમલ કરવા વિનંતીયે કરી.
અમારા 15 વર્ષના સાથીને ભારે હૈયે વિદાય આપ્યા પછી અમે હવે અમારા માટે નવા વાહનની સગવડ અંગે વિચારવાનું શરૂ કર્યું. ચાર-પાંચ (ખરા અર્થમાં) હિતેચ્છુઓની સલાહ લીધી. ગૂગલ પર સર્ચ કર્યું. છેવટે નજીકના શોરૂમ પર પગ મૂક્યો. જતાંવેંત જ અમને વેલકમડ્રિંક આપવામાં આવ્યું. જે અમે સ્વીકારતાં પહેલાં જ કહી દીધું કે સ્કૂટર અહીંથી લઈએ જ એવું કંઈ જરૂરી નથી. ને પ્રત્યુત્તરમાં રિસેપ્શનિસ્ટ બહેન મીઠું મલકાયાં. "કંઈ વાંધો નહીં. કસ્ટમર ઇઝ કિંગ. તમને ન અનુકૂળ ન લાગે તો તમે અમારે ત્યાંથી જ ગાડી છોડાવવા બંધાયેલાં નથી." ગાડી સાંભળીને અમે લગભગ ઊભા થઈ ગયા.” ‘ગાડીઈઈ... ? ? ?’ અરે અમારે તો ટુ-વ્હીલર લેવું છે સ્કૂટર... સ્કૂટર... ગાડી ખરીદવાની મારું ખિસ્સું ના કહે છે હજુ.
“અરે... ગાડી એટલે સ્કૂટર જ... અમારી ટુવ્હીલરની જ એજન્સી છે. Any ways, આ રહ્યાં બધાં ટુ-વ્હીલરના બ્રોશર્સ. આપે અમુક ટુ-વ્હીલર જ લેવું એવું નક્કી કરી રાખ્યું હોય તો આપણે એનાં જ ફીચર્સ જ જોઈએ. બાકી તો અમે તમને અહીં બધું સમજાવવા તૈયાર છીએ.’ આટલું સાંભળતાં જ અમારા વિચારચક્ર ગતિમાન થયાં અને અમને વિચાર આવ્યો કે “બધું સમજાવવા કે બાટલીમાં ઉતારવા તૈયાર છો?” અમને વિચારમાં પડેલાં જોઈને પેલાં મીઠું મલકતા બહેને ટેબલ પર પેનથી ઠકઠક અવાજ કરીને અમારું ધ્યાનભંગ કર્યું. અમે પાછાં શોરૂમમાં આવી ગયાં ને પેલાં બહેન શું કહે છે તેમાં ધ્યાન આપ્યું. ઇગ્નીશન,સાઇડ ઇન્ડિકેટર્સ, લાઇટ, પેટ્રોલ ટેન્ક વગેરે પ્રાથમિક સમજ આપ્યાં પછી અમને એમણે કંઈ પ્રશ્ન હોય તો પૂછવા કહ્યું. એટલે અમે પૂછ્યું : "આમાં બ્રેક આવે ને? "અમારા આ મુગ્ધ જ્ઞાન પર પેલાં બહેને માંડ હસવું રોક્યું અને હા કહી કે એ તો બધાં ટુ-વ્હીલરમાં આવે જ... પણ એમને ખબર ન હતી કે અમે અમારું પ્રથમ ટુ-વ્હીલર ચલાવતાં હતાં તેમાં બ્રેક છે એવી અમને ખાસ્સાં એવા સમય પછી ખબર પડેલી. ત્યાં સુધી અમે રોડ પર પગ ઘસડીને જ વાહન ઊભું રાખતા સારા એવા ટેવાઈ ગયેલાં. એ વાહન હતું ત્યારે અમારે ચંપલ-જોડાંનોય હોવો જોઈએ એનાથી વધુ ખર્ચો કરેલો. વળી, અમને બીજો પ્રશ્ન થયો કે કારમાં ઍરબૅગ આવે છે એવી આ સ્કૂટરમાંય આવે કે કેમ? ને જવાબમાં બહેને કહ્યું કે અકસ્માતના કિસ્સામાં તમારા હાથપગ જ જમીન પર મૂકી દેવાનાં એટલે આમાં અલગથી ઍરબૅગની જરૂર નથી. અમારા મનનું જરા સમાધાન થયું અને અમે સ્કૂટર પર મહોર મારી. કલર બાબતે થોડી માથાકૂટ પછી એમણે ‘કસ્ટમર ઇઝ કિંગ’ કહીને અમારી પસંદગી મંજૂર રાખી. ‘ફૉર્મ અને પૈસાની વિધિઓ પૂરી થઈ એટલે પેલી હસમુખીએ “સ્કૂટર તૈયાર થયે તમને ફોન કરીશું આવીને લઈ જજો.” કહ્યું  અને અમે આભાર માનીને બહાર નીકળ્યાં. વળી પાછો ત્યાંથી ફોન આવતાં અમે હરખમાં શોરૂમ પર પહોંચ્યાં. ને ચાવી અને અભિનંદન સ્વીકારીને સ્કૂટર મળ્યાની સહી કરી અને મલકાતાં મલકાતાં બહાર નીકળ્યાં. બહાર પટાવાળાએ સ્કૂટર સાફ જ હતું તોય ફરીથી એના રૂમાલથી સાફ કર્યું અને કહ્યું, “મુહૂર્ત કરાવજો” અને અમે ભોળપણમાં હા કહી કે "મુહૂર્ત વિના તો અમે કોઈ કામ કરતાં જ નથી. "અમારા આ અજ્ઞાન પર વારી જઈને પટાવાળાએ પણ અમને જ્ઞાન આપ્યું અને અમે એમને દક્ષિણા આપીને સ્કૂટર ચાલુ કર્યું. પણ હજીય મનમાં તો અમારું જૂનું સાથીદાર અવ્વલ સ્થાન પર જ હતું.

ખોંખારો : કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રૂપે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો....
કવિ “દાદ”
 

""આ સીપી તે વળી કઈ બલા છે?"

મુંબઈ સમાચાર ૦૨/૦૬/૨૦૧૬,ગુરુવાર મરક મરક" લાડકી section,

ઈવનિંગ વોક માટે અમે મોબાઈલ, વોટરબોટલ ,પર્સ વગેરે આયુધ સજાવીને નીકળી જ રહ્યા હતા કે મોબાઈલમાં " ટડિંગ" નો મેસેજ ટોન બજ્યો. અમે થોડા કંટાળાના ભાવ સાથે ઘરને તાળું મારવાનું જરાવાર મોકુફ રાખ્યું અને પર્સમાંથી મોબાઈલ કાઢ્યો. સ્ક્રીન પર વોટ્સપ મેસેજ ઝબૂકતો હતો . ક્લિક કર્યું તો એમાંથી એક ફોટો નીકળી પડ્યો. ફોટામાં એક ચાટપાપડી ને પુરી પકોડી ને એવાં ખાદ્ય પદાર્થો વેચતી લારીનો ફોટો હતો. ને લારી પર પાટિયું મારેલું "शहेनशाह  होटेल" ..दिल्ली में हमारी कोई शाखा नहीं है. " આ અદ્ભુત સર્જનાત્મક્તા પર અમે મરકી ઉઠ્યા ને એ સાથે જ અમારું વિચારચક્ર ફરવા માંડ્યું.મોબાઈલમાં ઘણીવાર નીચે સીપી  -cp લખેલું આવે છે એ શું હશે? થોડીવાર એ વિષે ચિંતન કર્યું પણ ઉત્તર ન મળવાથી માંડવાળી કરીને ઘરને (અને વિચારચક્રને પણ)  તાળું માર્યંુ.હજી ઝાંપે જ પહોંચ્યા ત્યાં સોસાયટીની શાન રોનક મળ્યો.હાય હેલો કરીને એણે પુછ્યું : " શું ભટ્ટજી, કંઈ ગરબડ છે?એનીથિંગ સિરીયસ?"
"ના ના.. સિરીયસ તો કંઈ નથી પણ હેં રોનક, આ smsમાં કોઈવાર નીચે સીપી -cp લખેલું હોય છે એ શું? "
" અરે.. એ તો કોપી -પેસ્ટ.મતલબ  જે-તે ક્રિએશન છે એમાં એ મોકલનારનો કોઈ હાથ કે મગજ નથી વપરાયું એની જાણ કરતાં બહુ કોમન વર્ડઝ છે"
"ઓહ ઓકે.. થેન્કયુ મિત્ર.. મળીએ શાંતિથી .બાય"
"બાય". રોનક ગયો અને અમે ય જોગર્સ પાર્ક ભણી વળ્યા. ને સ્થગિત થઈ ગયેલાં  વિચારોએ પણ ગતિ પકડી. આ કોપી પેસ્ટવાળું રામાયણ મહાભારત અને એ ય લેખિત પરીક્ષાઓ અસ્તિત્વમાં આવી પછી જ  ઉદ્ભવ્યું હશે કારણકે ત્યારે તો રાજકુમારોની માત્ર પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓ જ લેવાતી. જો કે કોપી પેસ્ટ માત્ર પરીક્ષાલક્ષી જ હોય એવું જરુરી નથી .એવું ય બને કે આ આખો ખ્યાલ કોપીકિંગ દેશ ચીનથી ઊતરી આવ્યો હોય. ઘોડા અને ગધેડાને સાથે બાંધીએ તો ઘોડો લાત મારતા ન શીખે પણ માથું તો ઊંચુ કરે જ એ ન્યાયે કોપી કરનારા પાંચ મુખ્ય દેશોમાં ચીનનાં પડોશી એવા આપણા  ભારતનું ય નામ  છે. નકલમાં અક્કલ નહીં એ વાત સાચી પણ પૈસો તો ખરો જ. મોંઘા ભાવની ઓરિજિનલ બ્રાન્ડેડ વસ્તુ કરતા એની નકલ સસ્તા ભાવે મળે તો બ્રાન્ડ જાય તેલ લેવાની માનસિક્તા નકલખોરીની ધોરીનસ છે. નકલ કરવી એ ઈર્ષાળુનું કામ છે એમ અમારો નમ્ર મત છે. ફલાણા લઈ ગયા ને અમે રહી ગયાની લાગણી ઉદ્યોગ સાહસિકોને નકલનું સાહસ કરવા માટેનો પ્રાણવાયુ છે. વળી કોપી કરવામાં કોઈ વસ્તુ માટે કરેલા સંશોધનો કે બજાર સરવેમાં કરવા પડતાં ખર્ચ અને સમયનો બચાવ  થાય છે , માત્ર નામમાં નજીવો ફેરફાર કરવાની જ અક્કલ ચલાવવાની હોવાથી સરવાળે  ફાયદો ઉત્પાદક /માલિકને થાય છે .જો માલિક દયાળુ પ્રકૃતિનો હોય તો એના સ્ટાફને પગાર સારો આપે છે આમ નકલ થકી કેટલાંયની આર્થિક સમસ્યાઓ હળવી બને છે અને એક આખો સમાજ ખુશહાલ બને છે. આને કહેવાય વિકાસ !
જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્રોનો જમાનો હતો ત્યારે ધાર્મિક લખાણવાળા પતાકડાંની અમુક નકલો જો વહેંચવામાં આવશે તો અે નકલો વહેંચનાર પર અચુક ભગવાનની કૃપા ઉતરશે અને એમ નહીં કરનારનું ધનોતપનોત નીકળી જશે જેવા મતલબનું લખાણ શિરમોર રહેતું. ને લોકો કહ્યાં પ્રમાણેની નકલો વહેંચતાં ય ખરાં! ને એ લાભ કોને થતો એ તો ખબર નહીં પણ ટપાલખાતું ચોક્કસ કમાતું. આજે આ પ્રકારનાં ધાર્મિક લખાણોનો  વોટ્સપ મેસેજમાં ધોધમાર વરસાદ પડે છે.મોબાઈલમાં માત્ર એક જ કિ પ્રેસ કરવાથી આખંુ લખાણ પલકવારમાં જ કોપી થઈ જાય ને પછી એ ય ને એ મેસેજ મન પડે એટલાં લોકોને ધકેલો!
ને આવી નકલો માત્ર લખાણોમાં જ થાય છે એવું જરાય નથી.ચિત્રો , ફોટોગ્રાફ્સ, ગીત-સંગીત સુધ્ધાં નકલખોરોની ઝપેટમાં આવી ગયાં છે.જાણીતા ચિત્રકાર પાબ્લો પિકાસો તો વળી એમ માનતા કે સારાં કલાકારો નકલ કરે છે અને મહાન કલાકારો ચોરી કરે છે.આવા વિવાદાસ્પદ વિધાનની વિરુધ્ધમાં નોંધાયેલી વાંધાઅરજીઓનું પ્રમાણ નહિવત્ હશે કારણકે ત્યારે લોકો પાસે વિરોધ નોંધાવવા સિવાયના બીજાં ય અગત્યના કામો હોવા જોઈએ. પણ નિવેદન આપવાનો રિવાજ જૂનો હોવો જોઈએ .એલ્વિસ પ્રિસ્લેને કોઈએ એમની ગાવાની શૈલી કોઈની નકલ છે કે કેમ એવું પુછતાં ભાઈ ભડકેલાં અને " હું મારી જ શૈલીથી ગાઉં છું " એવું નિવેદન આપેલું. પ્લેટો તો પાછાં એમ માનતાં કે "સારી વસ્તુની નકલ થાય તો કશું ખોટું નથી". નકલ કરવા માટે આમ કહીને પ્લેટોએ  એમના વિચારોની નકલખોરોને નકલ કરવા છુપું ઈજન આપેલું પણ નકલવીરોને એમાં કંઈ પડકાર જેવું જણાયું નહીં જ હોય! આપણાં સંગીતકારો અન્નુ મલ્લિક કે પ્રીતમ તો હવે ખરેખર પોતે ધૂન બનાવે તો ય કોઈ માનતું નથી એ હદે કોપી એમનામાં વણાઈ ગઈ છે.
નકલ કરનારા માટે ગ્રહણશક્તિ તો ખરી જ પણ કાર્ય કરવામાં ઝડપી હોવું એ અગત્યનાં ગુણ છે. કામમાં આળસ કરવું એ નબળા નકલવીરનો ગુણ છે .જરા જેટલું પણ આળસ કે ગાફેલતા એને બજારમાંથી બહાર ફેંકી દે છે.અસલી કારીગરી નકલ કરવામાં જ છે. કોપી કરનારામાં અપાર ધીરજ અને અખુટ નફ્ફટાઈ ન હોય તો ય સમય જતાં આવી જ જાય છે જે એમની ધંધાકીય આવશ્યક્તા છે. આમ પણ મોટાંભાગનાં લોકોની યાદશક્તિ અલ્પજીવી હોય છે એટલે એ તો આવા નાના મોટાં હોબાળાંઓ ખાસ મન પર લેતાં ય નથી .એટલામાં મોબાઈલમાં ટાઈમર રણક્યું અને અમે ઘર ભણી ચાલવા માંડ્યું. 

ખોંખારો : આ ઉપભોક્તાવાદી સમાજમાં સ્પર્ધા અસલી અને નકલી વચ્ચે નહીં પણ નકલી અને નકલી વચ્ચે જ છે.

“ત્યારે લખીશું શું?”

મુંબઈ સમાચાર, ૨૮/૦૪/૨૦૧૬ "મરક મરક" લાડકી section ..



— શિલ્પા દેસાઈ
ચાલો, આપણે પણ ક્યાંકથી લેખ લખવાનું આમંત્રણ આવ્યું ખરું. આટલા મોટા જનસમુદાયમાંથી લેખક શોધવો અતિ કપરું કાર્ય હોય છે. પણ આ “કાલનું વર્તમાન”વાળા ખરા હીરાપારખું નીકળ્યાં. કુશળ ઝવેરી જ હીરા પારખી શકે. એની વે, અમેય એક લિસ્ટ બનાવી દીધું. “લખવા માટેની સામગ્રી.”

1 નંગ સરસ રાઇટિંગ પેડ. — “ગાલા”નું ચાલે. કમ્પ્યૂટર પર લખવાથી જે પેલી અહાહાહા ફીલિંગ આવવી જોઈએ એ આવતી નથી એટલે અમે કમ્પ્યૂટર પર લખતાં જ નથી.

6 નંગ બૉલપેન. —રૂ. 30 વાળી, 6નું આખું બૉક્સ જ લેવું

1 સારામાંનું રાઇટિંગ બોર્ડ.

1 ફોલ્ડર (એ-3 સાઇઝનું)

12 મોટાં કવર (લાંબાં અથવા એ-4 સાઇઝનાં)

ટપાલ ટિકિટ — ઇ-મેઇલનાં જમાનામાં ભલે ટપાલનું ચલણ ઓછું થયું હોય પણ અમને વિક્રમ સારાભાઈ વાળી વાત હજુય અક્ષરશઃ યાદ છે. પત્ર આવે તો કેવો આનંદ થાય એય યાદ છે. એટલે અમે ટપાલ થકી જ અમારો લેખ મોકલીશું.

1 ગ્લુસ્ટિક — કવર ચોંટાડવા. સેલોટેપનાં ઠેકાણાં નહીં.

બસ અત્યારે તો તાત્કાલિક આટલી વસ્તુઓ લઈ આવીએ એટલે બીજા જ કલાકથી આપણું કામ ચાલુ.

હવે આ બધું લઈ આવીશું ત્યારે એમાં તો ફાઇનલ ડ્રાફ્ટ જ લખીશું પણ અમે પરફેક્ટ પ્લાનિંગમાં માનીએ છીએ એટલે રફવર્ક વિના તો બિલકુલ આગળ વધીએ જ નહીં. રફવર્કમાં તો કોઈ બી કાગળ અને પેન ચાલે. શરત એટલી કે કાગળ કોરો અને પેનથી લખાતું હોવું જોઈએ. એટલે અમે પસંદગી ઉતારી ડાયરી પર. જુદી જુદી ડાયરીઓનાં થપ્પામાંથી 2014ના વર્ષની ડાયરી કાઢી. એકદમ લીસ્સાં પાનાં. હવે આમાં રફવર્ક કરીશું તો થોડા સમયમાં તો વપરાઈ જ જવાની અને છેવટે અમારે એ પસ્તીમાં આપી દેવાની? આવા વિચારથી 2014ની ડાયરીમાં લખવાનો આઇડિયા પડતો મૂક્યો ને બીજી બધી ડાયરીઓનાં પાનાં ઊથલાવવાં માંડ્યાં. બધી ડાયરીઓમાં જે સૌથી ઓછાં લીસ્સાં અને ચમકતાં પાનાં વાળી ડાયરી હતી એ પસંદ કરી અને ક્યાંકથી પેન શોધીને સાવ કોરી ડાયરીમાં સ્વસ્તિક ચીતર્યો અને શ્રી ગણેશાય નમઃ લખ્યું અને લખવાનો શુભારંભ કર્યો. પણ હવે જ મૂળ પ્રશ્ન ઉદ્ભવ્યો કે શેના વિશે લખવું એ તો કંઈ વિચાર્યું જ નથી. વળી પાછાં થોડાં જૂનાં છાપાં લાવીને બાજુમાં મૂક્યાં ને એમાં આવતાં જુદા જુદા વિભાગો પર નજર દોડાવવા માંડી. આ કવાયત થોડી વાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે અહીં ઉતાવળે આંબા નહીં પાકે. મહેનત કરવી જ પડશે. એટલે પેલી સ્વસ્તિક ચીતરેલી ડાયરી ને પેન બંધ કર્યાં અને છાપાંમાંથી વિભાગ વાર કટિંગ કરવા માંડ્યું. લગભગ બે કલાકની આકરી મહેનત પછી વિભાગ વાર કટિંગ ગોઠવ્યાં. સૌથી પહેલાં ગંભીર લેખ ઊંચક્યાં. બેચાર ઊથલાવીય જોયાં અને વિચારપ્રક્રિયા શરૂ કરી અમને આમેય કોઈ ગંભીર ગણતું નથી. તો અમારા ગંભીર લેખની ગંભીરતા કેટલાં ગણશે એવો યક્ષપ્રશ્ન ઉદ્ભવ્યો. જેનો જવાબ અમને ક્યાંય મળ્યો નહીં. એટલે ગંભીર લેખવાળી કટિંગની થપ્પી બાજુ પર મૂકી. હવે વારો આવ્યો ગુલાબી રંગનાં પાનાંવાળા વ્યાપારી લેખોનો.

આજે આ લખવાનું આવ્યું તો ખબર પડી કે બિઝનેસમાં ચણા, જીરું, ખાંડ, ચા વગેરે વગેરે બધીયે કોમોડિટીમાં સર્કિટ આવે. અત્યાર સુધી અમને બે જ સર્કિટની ખબર હતી. એક તો ઇલે. ઉપકરણોમાં આવે એ અને બીજી મુન્નાભાઈની ફિલ્મોમાં આવે છે તે. શૅરબજારમાં ધીમા ને મક્કમ સુધારા તો તેલમાં ઉછાળા આવી બધી ભાષા અમારે માટે કાળા અક્ષર જેવી લાગી એટલે બિઝનેસ પણ પડતો મૂક્યો. હવે કવિતાવાળી થપ્પી આવી. કવિતાઓ વાંચીને અમને થયું કે અલંકાર ન આવડવા એ પણ કાવ્યનો પ્રકાર જ છે. એક વાર જાણીતા કવિ સ્વ. શ્રી સુરેશ દલાલને એમની કોઈ પ્રશંસકે સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે જરા વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુ. દ. એ લાક્ષણિક શૈલીમાં કહેલું : “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટસ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે ને પછી તો છેલ્લા શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી કવિતા બને એવી સમજ પડી... અને આવું સાદું સીધું આપણે લખી જ કેવી રીતે શકાય. વિચારીને કવિતાય બાજુ પર હડસેલી.

હવે રસોઈને લગતાં કટિંગ્સ હતાં. એક અછડતી નજર ફેરવતાં જ ખ્યાલ આવી ગયો કે આમાં કશું મૌલિક નથી. આપણે જો આઇટમ બનાવવાની હોય એનું પ્રમાણ-માપ બરાબર લખ્યું હોય એટલે ભયો ભયો. વારંવાર જુદાં જુદાં મસાલાની પેસ્ટ, સાંતળવું, વઘારવું, ક્રશ કરવું જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરો એટલે વાનગી તૈયાર. આમાં અમને જરા રસ પડ્યો. કારણ કે અખતરા અમારી નસેનસમાં વહે છે. એક વાર એક મિત્રને ખાંડ વિનાની કૉફી પિવડાવેલી. મિત્ર બિચારા કૉફીનાં છેલ્લા ઘૂંટડા સુધી “અબ આયેગી... કબ આયેગી” સમજીને કપ હલાવતાં રહેલા કે ખાંડ રહી ગઈ હોય તો ઓગળી જાય. વાનગીઓ બનાવવામાં પણ ખાનારના જોખમે અમે જે-તે વાનગી બનાવી જ દઈએ છીએ. અમુક કારણોસર એક વડીલે તો અમારા માટે સાર્વત્રિક સ્ટેટમેન્ટ બી આપેલું છે : કંઈ પણ બાફવાનું હોય તો આમને આપો. વર્લ્ડ બેસ્ટ બાફી આપશે. એટલે મનોમન એ વડીલને યાદ કરીને રસોડાના મરીમસાલા યાદ છે કે નહીં એ વિચારી લીધું. અમને લગભગ બધા મરીમસાલાનાં નામ ખબર છે એ વિચારીને ફીલ ગુડ થયું. મમત્વથી રસોઈવાળા કટિંગ્સને એક બાજુ પર રાખ્યાં. આ વિચારી શકાય એવો વિષય છે. ઝાઝું કંઈ ઉકાળવાનું નથી અને કોઈ આપણાને ચેલેન્જ પણ ન કરી શકે એવો.

હવે વારો આવ્યો હોમ ડેકોર/ફૅશન/ગૃહસ્થીને લગતાં કટિંગ્સનો. આમાંય કંઈ ખાસ કરવાનું લાગ્યું નહીં. ઘરને વ્યવસ્થિત જુદી જુદી રીતે ગોઠવવું, ફૂલદાનીમાં ફૂલો ગોઠવવા ને ઘર-રસોડું વગેરે ચોખ્ખાં રાખવાનાં એમાં કંઈ મોટી ધાડ નથી મારવાની એમ લાગતાં આ વિષય પર હાથ અજમાવવામાં મન જરા પાછું પડ્યું. ફૅશનમાં તો આપણને જે ગમે એ જ ફૅશન કહેવાય. અમને શોભે એવાં વસ્ત્રો અને રંગો પર અમે અખતરા કરવા હરગિજ તૈયાર નથી. એટલે ફૅશનને બાજુ પર મૂકી. હમણાં તો અપૂરતાં કાપડને લીધે ટૂંકાં ટૂંકાં કપડાં સિવડાવવાની હોડ લાગી છે. અને બધા “હમણાં તો આવી જ ફૅશન છે” કરીને કોઈ પણ કપડું કોઈ પણ રીતે ટાંકાટેભાં લઈને ઠઠાડી દેતાં અચકાતાં નથી. ના, આપણે જે કામ ન ગમતું હોય એ નહીં કરવાનું એમાં કોઈ બાંધછોડ નહીં.

આરોગ્યને લગતાં લેખો જોઈને અમને જરા લો બી.પી. જેવું લાગ્યું. નરણાં કોઠે આ ફાકી ગળો ને નરણાં કોઠે પેલી ફાકી ઉકાળેલાં પાણીમાં પી જાવ. લીંબુ-મધ પીઓ ને બાપ રે... આટલું બધું જો એક જ જણે કરવાનું હોય તો પહેલી વારમાં જ જે ફાકી ગળી એ પછી નરણો કોઠો કેવી રીતે કહેવાય? આવો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે જાહેર જનતાના લાભાર્થે અમે આયુર્વેદના લેખોમાં ખેડાણ માંડી વાળ્યું. (તેમ છતાંય આયુર્વેદને અમે દાઢમાં તો રાખ્યું જ છે.) એટલામાં બાળઉછેર અને કિશોર સંતાનોની સમસ્યાવાળા લેખો નજરે ચડ્યાં. મોટા ભાગનાં મનોચિકિત્સકો પોતાના સંતાનોની મનોદશા સમજી શકતાં નથી. પરોપદેશે પાંડિત્યમ્ જેવા આ ક્ષેત્રમાંય ચાંચ નહીં ડૂબે એવી ખાતરી હોવાથી આ વિષયોની પણ બાદબાકી થઈ ગઈ. નાની નાની વાર્તાઓ જોઈને વાર્તા વિશ્વ પર હાથ અજમાવી જોવાનું સુઝ્યું. થોડી વાર્તાઓ વાંચી પછી બક્ષીબાબુ યાદ આવ્યા. કોઈ વાર્તા માટે એમના પર કેસ થયેલો અને એમણે બીચારાએ કેવાં હડદોલા ખાવા પડેલાં એ વાંચ્યાનું સ્મરણ પણ તાજું થયું. કોર્ટ કચેરીના માનસિક કે આર્થિક હડદોલાં આપણાથી ખમાય નહી એ તો ખરું જ પણ નાહકનું કોઇને મનદુ:ખ થાય એ જરાય માફીપાત્ર નથી એટલે એય કેન્સલ રાખ્યું. હવે કટિંગ્સમાં ગણ્યાંગાંઠ્યા લેખો દેખાતા હતા. જરા નિરાશ થઈને અમે એક લેખ ખેંચ્યો. ચિંતન-મનનનો લેખ હતો... ઓહો... આવા લેખોનો તો અત્યારે રાફડો ફાટ્યો છે. જે કંઈ ન સૂઝે એ આવી રીતે મોટીવેશનલ ગુરુ થઈને થોડાં લેખો ઠપકારી દે. વાત લગભગ તો બધામાં એકની એક જ હોય. કહેવાની શૈલી જરા જુદી હોય. કોઈ ટુચકાઓ કહે ને કોઈ ઉપદેશ કથાઓથી લેખ ભરી દે. સરવાળે તો શબ્દકોશમાં આવતાં દરેક ભારે ભારે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવી દે. એમાંય આપણે શું કરવાનું એમ વિચારીને આ વિષય પર લખવાનું ખાસ મુનાસિબ ન લાગ્યું. તો સાંપ્રત પ્રવાહોમાં રાજકારણ વધુ આવે જે અમને ફાવે નહીં એટલે હવે લખીશું શું એ યક્ષપ્રશ્ન તો આટલી પળોજણ પછીય યથાસ્થાને જ હતો.

એટલામાં જ જોરમાં કોઈ બારણાં ખખડાવતું હોય એમ લાગ્યું અને અમે ઊંઘમાંથી સફાળા જાગી ગયાં.

ખોંખારો : લખતાં લહિયો થવાય.


વિમોચન વેળાએ...

"મરક મરક" મુંબઈ સમાચાર,૨૧/૦૪/૨૦૧૬ ગુરુવાર "લાડકી" section 

 

— શિલ્પા દેસાઈ

ટ્રીંઇઇઇ... કર્કશ ડૉરબેલના અવાજથી આખી સોસાયટીનાં બારણાં જરા અર્ધખુલા થઈ ગયાં.
“કા. ક. ભટ્ટ અહીં રહે છે?” ભટ્ટજીએ બારણું ખોલતા જ પ્રશ્ન ફેંકાયો, “હાજી... અમે જ છીએ. શું હતું બોલો.”
“કુરિયર છે. અહીં સાઇન કરો.”
ભટ્ટજીએ સાઇન કરી એટલે કુરિયરબૉય એક કવર આપીને રવાના થયો. ઘરનું બારણું બંધ કરતા કરતાં ભટ્ટજી કવરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. “જોરદાર આમંત્રણકાર્ડ છે.” કાવ્યસંગ્રહના વિમોચનનું આટલું મોઘું કાર્ડ તો આજે જ વાંચવા મળ્યું. વિચારતાં વિચારતાં ભટ્ટજીએ કાર્ડ ખોલ્યું. લગ્નની કંકોત્રી જેવું એકદમ ચમકદમકવાળું અને સુગંધીદાર કાર્ડ ખૂલતાં જ આખું ઘર મઘમઘી ઊઠ્યું. કાર્ડમાં નિમંત્રક તરીકે કોઈ અજાણ્યું નામ વાંચ્યું. અને પ્રસંગ હતો “કલેજું કાગડો બની ઘોંઘાટ કરે...” નામનાં કાવ્યસંગ્રહનો લોકાર્પણનો. મુખ્ય મહેમાન, અન્ય મહેમાન, સંચાલક, પરિચય વિધિ, અર્પણ સમારોહ વગેરે વગેરે વિધિઓથી આખું કાર્ડ ભરચક હતું અને નિમંત્રક તરીકે કવિનાં આખા કુટુંબના એકેએક સભ્યોનાં નામ લખ્યાં હોય એમ કાર્યક્રમની વિગત કરતાં એ લિસ્ટ મોટું હતું. દરેક નામ પછી કૌંસમાં જે-તે વ્યક્તિનું સગપણ લખેલું હતું. નીચે પાછો ટહુકોય હતો. કે “અમાલા તાતાનાં પ્લથમ તાવ્યસંગ્રહનાં વિમોચનમાં જલુલજલુલથી પધારશો.”
ભટ્ટજીને વિસ્મય થયું અને આનંદ પણ. વિસ્મય એટલા માટે કે એમણે ક્યાંય કોઈ દિવસ આ કવિનો ઉલ્લેખ ફેસબુક વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયામાં જોયો હોય એવું યાદ ન હતું અને આનંદ એટલા માટે કે “કવિઓની આર્થિક સ્થિતિમાં ખાસ્સો એવો સુધારો આવ્યો હોવો જોઈએ.” વળી, નીચે આમંત્રણ કરતાં થોડા મોટા અને ઘાટ્ટા અક્ષરે “કાર્યક્રમ પછી સાથે ભોજન લઈશું” વાળી ઉક્તિ ખાસ ધ્યાન ખેંચતી હતી.
ખેર, વિમોચનના દિવસે બરાબર સાડા પાંચે ભટ્ટજી ઘટનાસ્થળ પર હાજર થઈ ગયા. મોટા શહેરના સારા અને મોંઘા કહેવાય એવા હૉલમાં પ્રવેશતાં જ ભટ્ટજીની આંખો પાણીપૂરીથી મોટી થઈ ગઈ. આખો હૉલ એકદમ ચિલ્ડ એસી, પરફ્યુમથી તરબતર મહેંકતી, સ્ટેજ પર સરસ મજાનાં અસલીનકલી સફેદ ફૂલોનો શણગાર... એક ખૂણામાં પુસ્તકનાં ટાઇટલ પેજનું મોટું બ્લોઅપ સ્ડેન્ડી પર લગાડેલું હતું ને એના પર એક કાળામેશ કાગડાનું કટઆઉટ બેસાડેલું હતું. જે એકદમ સાચૂકલું લાગતું હતું.એક વડીલે કાગડાને ઉડાડી જોવાનો પ્રયત્નય કરી જોયો અને ભોંઠપ છુપાવવા હૉલમાંથી ફોન પર વાત કરવાનો ડોળ કરતાં કરતાં બહાર નીકળી ગયા.
હૉલમાં ઘણાંખરાં આમંત્રિતો આવી ગયેલાં હતાં ને ટેણિયામેણિયાય દોડાદોડી કરતાં હતાં. જે પેલી આમંત્રણકાર્ડમાંની નામાવલિમાંના જ હશે એમ સહેજેય અનુમાન થઈ શકે. ભટ્ટજીએ કાવ્યસંગ્રહનાં વિમોચનનો પ્રસંગ હતો એટલે પ્રસંગને અનુરૂપ ગઝલો-ચૂડીદારને મોદી જેકેટ ચડાવેલાં હતાં. ખભે કાયમી સંગાથી એવી શોલ્ડર બૅગ તો ખરી જ. હૉલમાંય આજે બધા આવાં જ પહેરવેશમાં જોવા મળશે એવી એમની ધારણા ધરમૂળથી ખોટી પડી. એના બદલે પેઇજ-3ની પાર્ટીમાં મહાલતા હોય એવો માહોલ હતો. કાવ્યરસિકાઓ ડિઝાઇનર વેર્સ તો કાવ્યરસિકો સૂટેડ-બૂટેડ ફરતાં દીઠાં, અગાઉના કાવ્યસમારોહના અનુભવથી આ અનુભવ તદ્દન વેગળો જ હતો. એટલે ભટ્ટજી જરા ડઘાઈ ગયા અને એક ખૂણામાં સ્ટેજ બરાબર દેખાય એવી રીતે બેસી ગયા અને ચારેબાજુ ચકળવકળ જોતા રહ્યા. નિર્ધારિત સમયે મહેમાનો અને વક્તાઓય પધારી ગયા. સંચાલકશ્રીએ સમારંભનું સંચાલન સંભાળી લીધું અને એમની વાક્ધારામાં મોટા ભાગના રસિકજનો તરબોળ થઈ રહ્યા. ભટ્ટજી જરા મૂંઝાયા કે ખરેખર પ્રસંગ કોનો છે એટલે એમણે હળવેથી બૅગમાંથી કાર્ડ કાઢ્યું અને ફરીથી વાંચ્યું. પોતે વાંચ્યું છે એ બરાબર જ છે એ ખાતરી થયા પછી પાછું ભટ્ટજીએ ધ્યાન સ્ટેજ પર પરોવ્યું. સંચાલકશ્રીને ખ્યાલ આવ્યો હોય કે ગમે તે કારણ હોય પણ હવે એમણે વક્તાઓનો ટૂંકો પરિચય આપવા માંડ્યો અને આયોજકો એમનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છથી ફટાફટ સ્વાગત કરવા માંડ્યા. મૂળ કાર્યક્રમ દોઢ કલાકનો હતો. એમાં રોકડી 20 મિનિટ તો સંચાલક પોતે જ માઇકસ્થ રહ્યા. વક્તાઓનો વારો આવતાં બધા વક્તાઓ જરા વધારે વ્યવસ્થિત થઈ ગયા. આપણે ત્યાં રિવાજ છે કે સંચાલકો જ્યારે વક્તાને બોલવા માટે આમંત્રણ આપે ત્યારે “હવે ફલાણાભાઈ પુસ્તક અને લેખક/કવિ વિશે બે શબ્દો કહેશે.” હવે બે શબ્દમાં કોઈ પણ વ્યક્તિ થૅન્ક યુ સિવાય બીજું શું કહી શકે. પણ દરેકને કદાચ ઘરમાં કંઈ પણ બોલવાનો મોકો નહીં મળતો હોય એ બીજું ગમે તે કારણ હોય, માઇક હાથમાં આવે કે એ માઇક હમ નહીં છોડેંગેના મૂડમાં શ્રોતાઓ કંટાળી જાય એ હદ સુધી બોલી નાંખતા હોય છે. ગુજરાતના એક અગ્રગણ્ય રાજકારણી આવી જ રીતે એક વાર કોઈ સમારંભમાં વક્તવ્ય આપી રહ્યા હતા તો શ્રોતાગણમાંથી અચાનક જ તાળીઓ પડવા માંડેલી. સમારંભની ગરિમા જાળવવા અને મુખ્ય તો ટામેટાં કે ઈંડાંની વ્યવસ્થા આયોજકોએ કરી ન હોવાથી શ્રોતાઓએ અધવચ્ચે આ તાલી બજાવ કાર્યક્રમ સ્વયંભૂ કરેલો અને પરિણામે રાજકારણીજીએ વક્તવ્ય પૂરું કર્યા વિના જ બેસી જવું પડેલું. એટલામાં તાળીઓનો ગડગડાટ થયો ને ભટ્ટજી વિચારવિશ્વમાંથી વાસ્તવિક વિશ્વમાં આવી ગયા. અરે, એક વક્તાએ વક્તવ્ય આપી પણ દીધું! આવા આશ્ચર્ય સાથે ભટ્ટજીએ હવે કાર્યક્રમ પર બરાબર ધ્યાન આપવા માંડ્યું. પરીક્ષા એક વાર શરૂ થાય કે પછી ફટાફટ બધાં પેપર્સ પૂરાં થવા માંડે એમ અહીં પણ વક્તાઓ બોલવાનું શરૂ કરે અને ફટાફટ બોલીને બેસતાં ગયાં. જોવાની ખૂબી એ હતી કે નવોદિત કવિ વિશે એકેય વક્તાને કશી ખબર હતી નહીં એટલે દરેકને કવિનો બાયોડેટા આપવામાં આવેલો. એમાં જ બધાએ વેરીએશન વાળી વાનગીઓ બનાવીને શ્રોતાઓના કાને પિરસવાની હતી. એટલામાં હૉલના મુખ્ય દરવાજે જોર જોરથી કોઈએ બહારથી હાથ પછાડ્યાં. ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે શ્રોતાઓ નાસી ન જાય એટલા માટે હૉલમાં બધાં બારણાં બંધ કરી દેવામાં આવેલાં. પહેલી રૉ પાસે ઊભેલાં એક મજબૂત ભાઈએ અવાજનાં ઉદ્ગમસ્થાન સમો દરવાજો ખોલ્યો તો સામે બે જણ હાથમાં પુસ્તકોનાં બે મોટાં બંડલ લઈને ઊભેલાં. એક જણ પાસેનાં બંડલમાં ઉપર પાંચ-છ પુસ્તકો ગિફ્ટ પૅક કરેલાં હતાં. જેવા એ બે જણને જોયા કે પહેલી લાઇનમાં છેક છેલ્લે પેલી તરફ બેઠેલા એક બહેને લાગલી જ દોટ મૂકી “અરે... કેટલી વાર કરી? અમે તો બધાં ટેન્શનમાં આવી ગયેલાં કે પુસ્તકો આવી રહેશે કે નહીં?“આઈ ગયાને બેન. લો ગણી લો બંડલ એટલે અમે છૂટાં. ને તમેય છૂટા.” પેલાં બહેને બધું બરાબર જ છે કહીને બંડલમાંથી પેલાં ગિફ્ટ પૅક કરેલાં પુસ્તક તારવીને ઉપર સ્ટેજ પર સંચાલકને આપી આવ્યાં. સંચાલકે દરેક વક્તાની આગળ એક એક પુસ્તક મૂકી દીધું. પછી છેલ્લે બે વક્તા પુસ્તક વિનાના રહ્યા. એટલે એ ખસિયાણું હસતાં ઊભા રહ્યા. હવે કાર્યક્રમનો નિર્ધારિત સમય પૂરો થવાની 30 મિનિટની જ વાર હતી. એટલે આયોજકો સંચાલકને ઇશારામાં એમનાં બોલવા પર કાતર ફેરવવાની નિશાનીઓ કરી રહ્યા હતા. રિસેપ્શનમાં જેમ વરકન્યા તૈયાર થઈને સ્થળ પર મોડાં પહોંચેને  જરા વાર બધું અસ્તવ્યસ્ત થઈ જાય એમ જ અહીં પણ પુસ્તકો મોડા આવવાને લીધે અચાનક જ સરળતાથી વહેતી ભાષણગંગામાં વિક્ષેપ આવ્યો અને એમાંય પોતાનાં બોલવા પર કાતર ફેરવવાની આયોજકોની સૂચનાથી સંચાલકને ખોટું લાગ્યું. એટલે હવે એમણે રજૂઆતમાં સહેજ વેઠ વાળવા માંડી. જે ઉમળકો એમણે કાર્યક્રમની શરૂઆતમાં બતાવેલો એ મોળો પડી ગયો. મુખ્ય મહેમાને અને બીજા વક્તાઓએ સમૂહમાં પુસ્તક વિમોચન કર્યું અને સૌએ કવિને અભિનંદન આપ્યા. હવે બાકી રહેલા વક્તાઓમાંથી એક જણને બોલવાનું આવતાં એમણે મને આ પુસ્તકની આ રચના અત્યંત પ્રિય છે, કહીને ત્રણચાર રચનાઓ જ વાંચવા માંડી. ભટ્ટજીની પાછળ બેઠેલામાંથી કોઈએ બૂમ પાડી કે “બધી કવિતાઓ ન વાંચશો. અમારોય વિચાર કરજો.” ને પેલા વક્તા આ સાંભળીને આભાર માનીને પાછા મૂળ સ્થાને બિરાજ્યા. હવે પેલા પાછળવાળા ભાઈ ધીમેથી બોલ્યા, “આ બધી કવિતાઓ વાંચે તો આપણે જમવાનું રહી જાય, ક્યાં આપણી બુક કરાવેલી રિટર્ન ટિકિટ જવા દેવી પડે. નુકસાન કોણ સહન કરે?” ને આ સાંભળીને આજુબાજુવાળાઓને જરા ગમ્મત પડી ગઈ. છેલ્લે આભારવિધિમાં કવિના ઘેરથી એક સભ્યએ હૉલના કેરટેકરથી લઈને ત્યાં હાજર-ગેરહાજર દરેકનો વ્યક્તિગત આભાર માન્યો. ને બધાએ જમીને જ જવાનું છે એવો પ્રેમભર્યો અનુરોધ પણ કર્યો. ને માત્ર વહેવાર સાચવવા આવેલા પોણાભાગનાં ઓડિયન્સે બમણા જોરથી તાળીઓથી કાવ્યસંગ્રહ અને કવિને વધાવી લીધા.
જુદાં જુદાં મીડિયામાંથી કવરેજ કરવા આવેલા જુવાનિયાઓને જોઈને ભટ્ટજીને સાહિત્યના ભવિષ્ય વિશે ચિંતા જરા ઓછી થઈ. બધી ધમાચકડીમાં કવિ પોતાનો વારો આવ્યો ત્યારે આ બધાં કાવ્યો લખવાની પ્રેરણા કે શરૂઆત વિશે કહેવાનું જ ભૂલી ગયેલા તે યાદ આવતાં એમણે સામે જે મળે એમને એમનો કવિતા પ્રેમ-પ્રવાસ વર્ણવવા માંડ્યો. ભટ્ટજી હવે સતર્ક થઈ ગયા અને કવિ એમના સુધી પહોંચે એ પહેલાં ભોજનસ્થળ પર પહોંચી ગયા.

ખોંખારો : પુસ્તક વિમોચનમાં એકત્ર થતી ભીડમાં લેખનશૈલી કે લેખન ઉપરાંત ત્રણ કારણો, મુખ્ય હોય છે. લેખક/કવિની (1) લોકપ્રિયતા (2) હોદ્દો/પદ અને (3) સમારંભ પછી અલ્પાહાર/ ભોજનની વ્યવસ્થા.