"મરક મરક" મુંબઈ સમાચાર,૨૧/૦૪/૨૦૧૬ ગુરુવાર "લાડકી" section
— શિલ્પા દેસાઈ
ટ્રીંઇઇઇ... કર્કશ ડૉરબેલના અવાજથી આખી સોસાયટીનાં બારણાં જરા અર્ધખુલા થઈ ગયાં.
“કા. ક. ભટ્ટ અહીં રહે છે?” ભટ્ટજીએ બારણું ખોલતા જ પ્રશ્ન ફેંકાયો, “હાજી... અમે જ છીએ. શું હતું બોલો.”
“કુરિયર છે. અહીં સાઇન કરો.”
ભટ્ટજીએ સાઇન કરી એટલે કુરિયરબૉય એક કવર આપીને રવાના થયો. ઘરનું બારણું બંધ કરતા કરતાં ભટ્ટજી કવરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. “જોરદાર આમંત્રણકાર્ડ છે.” કાવ્યસંગ્રહના વિમોચનનું આટલું મોઘું કાર્ડ તો આજે જ વાંચવા મળ્યું. વિચારતાં વિચારતાં ભટ્ટજીએ કાર્ડ ખોલ્યું. લગ્નની કંકોત્રી જેવું એકદમ ચમકદમકવાળું અને સુગંધીદાર કાર્ડ ખૂલતાં જ આખું ઘર મઘમઘી ઊઠ્યું. કાર્ડમાં નિમંત્રક તરીકે કોઈ અજાણ્યું નામ વાંચ્યું. અને પ્રસંગ હતો “કલેજું કાગડો બની ઘોંઘાટ કરે...” નામનાં કાવ્યસંગ્રહનો લોકાર્પણનો. મુખ્ય મહેમાન, અન્ય મહેમાન, સંચાલક, પરિચય વિધિ, અર્પણ સમારોહ વગેરે વગેરે વિધિઓથી આખું કાર્ડ ભરચક હતું અને નિમંત્રક તરીકે કવિનાં આખા કુટુંબના એકેએક સભ્યોનાં નામ લખ્યાં હોય એમ કાર્યક્રમની વિગત કરતાં એ લિસ્ટ મોટું હતું. દરેક નામ પછી કૌંસમાં જે-તે વ્યક્તિનું સગપણ લખેલું હતું. નીચે પાછો ટહુકોય હતો. કે “અમાલા તાતાનાં પ્લથમ તાવ્યસંગ્રહનાં વિમોચનમાં જલુલજલુલથી પધારશો.”
ભટ્ટજીને વિસ્મય થયું અને આનંદ પણ. વિસ્મય એટલા માટે કે એમણે ક્યાંય કોઈ દિવસ આ કવિનો ઉલ્લેખ ફેસબુક વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયામાં જોયો હોય એવું યાદ ન હતું અને આનંદ એટલા માટે કે “કવિઓની આર્થિક સ્થિતિમાં ખાસ્સો એવો સુધારો આવ્યો હોવો જોઈએ.” વળી, નીચે આમંત્રણ કરતાં થોડા મોટા અને ઘાટ્ટા અક્ષરે “કાર્યક્રમ પછી સાથે ભોજન લઈશું” વાળી ઉક્તિ ખાસ ધ્યાન ખેંચતી હતી.
ખેર, વિમોચનના દિવસે બરાબર સાડા પાંચે ભટ્ટજી ઘટનાસ્થળ પર હાજર થઈ ગયા. મોટા શહેરના સારા અને મોંઘા કહેવાય એવા હૉલમાં પ્રવેશતાં જ ભટ્ટજીની આંખો પાણીપૂરીથી મોટી થઈ ગઈ. આખો હૉલ એકદમ ચિલ્ડ એસી, પરફ્યુમથી તરબતર મહેંકતી, સ્ટેજ પર સરસ મજાનાં અસલીનકલી સફેદ ફૂલોનો શણગાર... એક ખૂણામાં પુસ્તકનાં ટાઇટલ પેજનું મોટું બ્લોઅપ સ્ડેન્ડી પર લગાડેલું હતું ને એના પર એક કાળામેશ કાગડાનું કટઆઉટ બેસાડેલું હતું. જે એકદમ સાચૂકલું લાગતું હતું.એક વડીલે કાગડાને ઉડાડી જોવાનો પ્રયત્નય કરી જોયો અને ભોંઠપ છુપાવવા હૉલમાંથી ફોન પર વાત કરવાનો ડોળ કરતાં કરતાં બહાર નીકળી ગયા.
હૉલમાં ઘણાંખરાં આમંત્રિતો આવી ગયેલાં હતાં ને ટેણિયામેણિયાય દોડાદોડી કરતાં હતાં. જે પેલી આમંત્રણકાર્ડમાંની નામાવલિમાંના જ હશે એમ સહેજેય અનુમાન થઈ શકે. ભટ્ટજીએ કાવ્યસંગ્રહનાં વિમોચનનો પ્રસંગ હતો એટલે પ્રસંગને અનુરૂપ ગઝલો-ચૂડીદારને મોદી જેકેટ ચડાવેલાં હતાં. ખભે કાયમી સંગાથી એવી શોલ્ડર બૅગ તો ખરી જ. હૉલમાંય આજે બધા આવાં જ પહેરવેશમાં જોવા મળશે એવી એમની ધારણા ધરમૂળથી ખોટી પડી. એના બદલે પેઇજ-3ની પાર્ટીમાં મહાલતા હોય એવો માહોલ હતો. કાવ્યરસિકાઓ ડિઝાઇનર વેર્સ તો કાવ્યરસિકો સૂટેડ-બૂટેડ ફરતાં દીઠાં, અગાઉના કાવ્યસમારોહના અનુભવથી આ અનુભવ તદ્દન વેગળો જ હતો. એટલે ભટ્ટજી જરા ડઘાઈ ગયા અને એક ખૂણામાં સ્ટેજ બરાબર દેખાય એવી રીતે બેસી ગયા અને ચારેબાજુ ચકળવકળ જોતા રહ્યા. નિર્ધારિત સમયે મહેમાનો અને વક્તાઓય પધારી ગયા. સંચાલકશ્રીએ સમારંભનું સંચાલન સંભાળી લીધું અને એમની વાક્ધારામાં મોટા ભાગના રસિકજનો તરબોળ થઈ રહ્યા. ભટ્ટજી જરા મૂંઝાયા કે ખરેખર પ્રસંગ કોનો છે એટલે એમણે હળવેથી બૅગમાંથી કાર્ડ કાઢ્યું અને ફરીથી વાંચ્યું. પોતે વાંચ્યું છે એ બરાબર જ છે એ ખાતરી થયા પછી પાછું ભટ્ટજીએ ધ્યાન સ્ટેજ પર પરોવ્યું. સંચાલકશ્રીને ખ્યાલ આવ્યો હોય કે ગમે તે કારણ હોય પણ હવે એમણે વક્તાઓનો ટૂંકો પરિચય આપવા માંડ્યો અને આયોજકો એમનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છથી ફટાફટ સ્વાગત કરવા માંડ્યા. મૂળ કાર્યક્રમ દોઢ કલાકનો હતો. એમાં રોકડી 20 મિનિટ તો સંચાલક પોતે જ માઇકસ્થ રહ્યા. વક્તાઓનો વારો આવતાં બધા વક્તાઓ જરા વધારે વ્યવસ્થિત થઈ ગયા. આપણે ત્યાં રિવાજ છે કે સંચાલકો જ્યારે વક્તાને બોલવા માટે આમંત્રણ આપે ત્યારે “હવે ફલાણાભાઈ પુસ્તક અને લેખક/કવિ વિશે બે શબ્દો કહેશે.” હવે બે શબ્દમાં કોઈ પણ વ્યક્તિ થૅન્ક યુ સિવાય બીજું શું કહી શકે. પણ દરેકને કદાચ ઘરમાં કંઈ પણ બોલવાનો મોકો નહીં મળતો હોય એ બીજું ગમે તે કારણ હોય, માઇક હાથમાં આવે કે એ માઇક હમ નહીં છોડેંગેના મૂડમાં શ્રોતાઓ કંટાળી જાય એ હદ સુધી બોલી નાંખતા હોય છે. ગુજરાતના એક અગ્રગણ્ય રાજકારણી આવી જ રીતે એક વાર કોઈ સમારંભમાં વક્તવ્ય આપી રહ્યા હતા તો શ્રોતાગણમાંથી અચાનક જ તાળીઓ પડવા માંડેલી. સમારંભની ગરિમા જાળવવા અને મુખ્ય તો ટામેટાં કે ઈંડાંની વ્યવસ્થા આયોજકોએ કરી ન હોવાથી શ્રોતાઓએ અધવચ્ચે આ તાલી બજાવ કાર્યક્રમ સ્વયંભૂ કરેલો અને પરિણામે રાજકારણીજીએ વક્તવ્ય પૂરું કર્યા વિના જ બેસી જવું પડેલું. એટલામાં તાળીઓનો ગડગડાટ થયો ને ભટ્ટજી વિચારવિશ્વમાંથી વાસ્તવિક વિશ્વમાં આવી ગયા. અરે, એક વક્તાએ વક્તવ્ય આપી પણ દીધું! આવા આશ્ચર્ય સાથે ભટ્ટજીએ હવે કાર્યક્રમ પર બરાબર ધ્યાન આપવા માંડ્યું. પરીક્ષા એક વાર શરૂ થાય કે પછી ફટાફટ બધાં પેપર્સ પૂરાં થવા માંડે એમ અહીં પણ વક્તાઓ બોલવાનું શરૂ કરે અને ફટાફટ બોલીને બેસતાં ગયાં. જોવાની ખૂબી એ હતી કે નવોદિત કવિ વિશે એકેય વક્તાને કશી ખબર હતી નહીં એટલે દરેકને કવિનો બાયોડેટા આપવામાં આવેલો. એમાં જ બધાએ વેરીએશન વાળી વાનગીઓ બનાવીને શ્રોતાઓના કાને પિરસવાની હતી. એટલામાં હૉલના મુખ્ય દરવાજે જોર જોરથી કોઈએ બહારથી હાથ પછાડ્યાં. ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે શ્રોતાઓ નાસી ન જાય એટલા માટે હૉલમાં બધાં બારણાં બંધ કરી દેવામાં આવેલાં. પહેલી રૉ પાસે ઊભેલાં એક મજબૂત ભાઈએ અવાજનાં ઉદ્ગમસ્થાન સમો દરવાજો ખોલ્યો તો સામે બે જણ હાથમાં પુસ્તકોનાં બે મોટાં બંડલ લઈને ઊભેલાં. એક જણ પાસેનાં બંડલમાં ઉપર પાંચ-છ પુસ્તકો ગિફ્ટ પૅક કરેલાં હતાં. જેવા એ બે જણને જોયા કે પહેલી લાઇનમાં છેક છેલ્લે પેલી તરફ બેઠેલા એક બહેને લાગલી જ દોટ મૂકી “અરે... કેટલી વાર કરી? અમે તો બધાં ટેન્શનમાં આવી ગયેલાં કે પુસ્તકો આવી રહેશે કે નહીં?“આઈ ગયાને બેન. લો ગણી લો બંડલ એટલે અમે છૂટાં. ને તમેય છૂટા.” પેલાં બહેને બધું બરાબર જ છે કહીને બંડલમાંથી પેલાં ગિફ્ટ પૅક કરેલાં પુસ્તક તારવીને ઉપર સ્ટેજ પર સંચાલકને આપી આવ્યાં. સંચાલકે દરેક વક્તાની આગળ એક એક પુસ્તક મૂકી દીધું. પછી છેલ્લે બે વક્તા પુસ્તક વિનાના રહ્યા. એટલે એ ખસિયાણું હસતાં ઊભા રહ્યા. હવે કાર્યક્રમનો નિર્ધારિત સમય પૂરો થવાની 30 મિનિટની જ વાર હતી. એટલે આયોજકો સંચાલકને ઇશારામાં એમનાં બોલવા પર કાતર ફેરવવાની નિશાનીઓ કરી રહ્યા હતા. રિસેપ્શનમાં જેમ વરકન્યા તૈયાર થઈને સ્થળ પર મોડાં પહોંચેને જરા વાર બધું અસ્તવ્યસ્ત થઈ જાય એમ જ અહીં પણ પુસ્તકો મોડા આવવાને લીધે અચાનક જ સરળતાથી વહેતી ભાષણગંગામાં વિક્ષેપ આવ્યો અને એમાંય પોતાનાં બોલવા પર કાતર ફેરવવાની આયોજકોની સૂચનાથી સંચાલકને ખોટું લાગ્યું. એટલે હવે એમણે રજૂઆતમાં સહેજ વેઠ વાળવા માંડી. જે ઉમળકો એમણે કાર્યક્રમની શરૂઆતમાં બતાવેલો એ મોળો પડી ગયો. મુખ્ય મહેમાને અને બીજા વક્તાઓએ સમૂહમાં પુસ્તક વિમોચન કર્યું અને સૌએ કવિને અભિનંદન આપ્યા. હવે બાકી રહેલા વક્તાઓમાંથી એક જણને બોલવાનું આવતાં એમણે મને આ પુસ્તકની આ રચના અત્યંત પ્રિય છે, કહીને ત્રણચાર રચનાઓ જ વાંચવા માંડી. ભટ્ટજીની પાછળ બેઠેલામાંથી કોઈએ બૂમ પાડી કે “બધી કવિતાઓ ન વાંચશો. અમારોય વિચાર કરજો.” ને પેલા વક્તા આ સાંભળીને આભાર માનીને પાછા મૂળ સ્થાને બિરાજ્યા. હવે પેલા પાછળવાળા ભાઈ ધીમેથી બોલ્યા, “આ બધી કવિતાઓ વાંચે તો આપણે જમવાનું રહી જાય, ક્યાં આપણી બુક કરાવેલી રિટર્ન ટિકિટ જવા દેવી પડે. નુકસાન કોણ સહન કરે?” ને આ સાંભળીને આજુબાજુવાળાઓને જરા ગમ્મત પડી ગઈ. છેલ્લે આભારવિધિમાં કવિના ઘેરથી એક સભ્યએ હૉલના કેરટેકરથી લઈને ત્યાં હાજર-ગેરહાજર દરેકનો વ્યક્તિગત આભાર માન્યો. ને બધાએ જમીને જ જવાનું છે એવો પ્રેમભર્યો અનુરોધ પણ કર્યો. ને માત્ર વહેવાર સાચવવા આવેલા પોણાભાગનાં ઓડિયન્સે બમણા જોરથી તાળીઓથી કાવ્યસંગ્રહ અને કવિને વધાવી લીધા.
જુદાં જુદાં મીડિયામાંથી કવરેજ કરવા આવેલા જુવાનિયાઓને જોઈને ભટ્ટજીને સાહિત્યના ભવિષ્ય વિશે ચિંતા જરા ઓછી થઈ. બધી ધમાચકડીમાં કવિ પોતાનો વારો આવ્યો ત્યારે આ બધાં કાવ્યો લખવાની પ્રેરણા કે શરૂઆત વિશે કહેવાનું જ ભૂલી ગયેલા તે યાદ આવતાં એમણે સામે જે મળે એમને એમનો કવિતા પ્રેમ-પ્રવાસ વર્ણવવા માંડ્યો. ભટ્ટજી હવે સતર્ક થઈ ગયા અને કવિ એમના સુધી પહોંચે એ પહેલાં ભોજનસ્થળ પર પહોંચી ગયા.
ખોંખારો : પુસ્તક વિમોચનમાં એકત્ર થતી ભીડમાં લેખનશૈલી કે લેખન ઉપરાંત ત્રણ કારણો, મુખ્ય હોય છે. લેખક/કવિની (1) લોકપ્રિયતા (2) હોદ્દો/પદ અને (3) સમારંભ પછી અલ્પાહાર/ ભોજનની વ્યવસ્થા.
No comments:
Post a Comment