મુંબઈ સમાચાર, લાડકી section ..૦૫/૦૫/૨૦૧૬ ગુરુવાર, "મરક મરક" ..
— શિલ્પા દેસાઈ
તે દિવસે સવારથી જ અમારાં મન મસ્તિષ્કમાં “કાળજા કેરો કટકો મારો...” લોકગીત ઘુમરાયાં કરતું હતું. ગીત ભલે કવિ ‘દાદે’ કન્યાવિદાયને અનુલક્ષીને લખ્યું હોય પણ અમારો સંદર્ભ જુદો હતો. 15-15 વર્ષ સુધી જેણે એકધારો ટાઢતડકો-વરસાદ જોયા વિના અમને ટાણે-કટાણે સાથ આપ્યો એને અમારે આજે વિદાય આપવાની હતી. મન અત્યંત ભારે હતું. કોઈ કામમાં ચિત્ત લાગે નહીં. થોડી થોડી વારે ‘એને’ મન ભરીને નિહાળી લેવાની વૃત્તિ કાબૂમાં રહેતી ન હતી. 15 વર્ષ પહેલાં જો કોઈએ અમને કહ્યું હોત તો કે અમને આટલી બધી મોહમાયા થઈ જશે તો અમે એને ગાંડીમાં જ ખપાવી દીધાં હોત!
અમારી મનઃસ્થિતિ આમ તો છેલ્લા અઠવાડિયાથી આવી જ ડામાડોળ હતી. ઘડીકમાં મન ના પાડે કે છો ને રહે... બે ભેગું ત્રીજું... વળી, પાછું બીજું મન ટપારે આ જમાનામાં ત્રણ ત્રણ પોષાય કેવી રીતે? કેટલો બધો ખર્ચ આવે? જેમ જેમ વરસ વીતતાં જાય એમ ખર્ચા વધતાં જાય. થોડી આંસુની કશ્મકશ પછી અમે ફાઇનલ ડિસીઝન લઈ જ લીધું. ના રખાય. ને એમ અમે મક્કમ મન કરી લીધું. એ જ દિવસે એને જોવા આવ્યા હતા. એમની વાતચીત પરથી તો અમને એમ થઈ જ ગયું છે કે એમને કંઈ વાંધો નથી ને બધી રીતે પસંદ છે. જેટલી વાર મોબાઇલમાં મેસેજ આવે કે ફોન આવે એટલી વાર અમને ફાળ પડે કે એ હા. આવ્યો પેલી પાર્ટીનો જ ફોન/ મેસેજ. ને છેક સાંજે પાર્ટીએ ફોન કરી કહ્યું કે અમને રસ છે. એટલે એ એક વાર ફરી મળીને બધી ચોખવટ કરી લેવા માગે છે. અમે થોડા આનંદ અને વધુ દુઃખ સાથે બીજા દિવસે સવારે સાડા દસે આવવાનું જણાવ્યું. આખી રાત અમને ઊંઘ ન આવી. વારે વારે મનમાં એમ જ થાય કે જે રીતે અમે એને આટલાં વરસો આટલી લાગણીથી સાચવણી કરી એ રીતે આ લોકો કરશે તો ખરા ને? અમને અચાનક જ અમારાં રૂલ્સ યાદ આવ્યા અને અમે ઊભા થઈને કબાટમાંથી 15 વર્ષ પહેલાની ફાઈલ કાઢી. વ્યવસ્થિત ફાઇલિંગ કરવાની સુટેવ અમને આજે આ રીતે કામ લાગશે એ અમે ફાઇલિંગ કરતી વખતે ક્યાં વિચાર્યું હતું? થોડાં પાનાં ફેરવ્યાં પછી કેસરી હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલાં મુદ્દાવાળો એક કાગળ દેખાયો અને અમે અમારા જ પ્રશંસક બની ગયાં. સાચવીને એ હાઇલાઇટ કરેલો કાગળ બહાર કાઢ્યો અને વાંચવાનો શરૂ કર્યો :
સ્કૂટર સાચવવાની ટીપ્સ :
એક : તમારું નવું સ્કૂટર રોજ નવા સફેદ કપડાથી લૂછો જેથી તમારું સ્કૂટર કેટલી હદ સુધી સ્વચ્છ છે તેનો ખ્યાલ આવે.
બે : રોજ સ્કૂટર સ્ટાર્ટ કરતાં પહેલાં સ્કૂટરને પગે લાગી એની સાથે સંવાદ સાધો. આથી સ્કૂટરને પોતાની મહત્તાનું ભાન રહે.
ત્રણ : તમારું નવું સ્કૂટર પાર્ક કરો ત્યારે આજુબાજુમાં પ્રમાણમાં નવાં વાહનો હોય તે ધ્યાન રાખો, જૂના વાહનધારકો અન્ય વાહનને ઘા પડે તેની બહુ દરકાર રાખતા નથી.
ચાર : તમારું સ્કૂટર વૃક્ષ નીચે ન હોય તેની કાળજી રાખો. અબુધ ને ભોળા વૃક્શ્નીવાસીઓ ને ખબર નથી કે તમારું સ્કૂટર નવું છે. એ તો એને એબ્સકટ પેઈન્ટિંગ માટેનું આદર્શ સ્થળ સમજી બેસશે.
પાંચ : તમારું સ્કૂટર તમારી નજર સમક્ષ રહે એ રીતે પાર્ક કરવું જેથી કોઈ અટકચાળો થતાં પહેલાં જ તમે એ અટકાવી શકો .
છ : તમારું સ્કૂટર તમારી સોસાયટીમાં મૂકો ત્યારે એના પર ઓઢો મીન્સ ..કવર જૂનું જ રાખવું જેથી કોઈ વધુ જરૂરિયાતમંદ ને એ ચોરવાની ઇચ્છા ન થાય.
સાત : તમારું સ્કૂટર સોસાયટીમાં ઉદારમતવાદી યુવાનયુવતીઓ માટે બાંકડો ન બને તે ખાસ જુઓ. ..જેથી બીજા દિવસે સવારે તમારા સ્કૂટરનો બ્રેક કે ગિયરમાં અવરોધ ન આવે.
આઠ : તમારા સ્કૂટરને શેરીના રખડતાં કુતરાઓનું ભૂદાન પ્રવૃત્તિ કેન્દ્ર ન બનવા દો.
નવ : આટલી બધી કાળજી રાખવી ને ઉપાધીઓ વહોરવી એના કરતાં સ્કૂટર જ ન ખરીદો. શો રૂમમાં એ સારું જ દેખાશે. આપણે ૧૧ નંબરની બસ, વિનોબા ટ્રાવેલ્સને લાભ આપવો.
અસ્તુ.
આ કાગળ પાર્ટીને આપવાનો મનસૂબો કર્યો અને સવારમાં ઝેરોક્સવાળાને ત્યાં જઈ ઝેરોક્સ કરાવી લીધી જેથી અમારી પાસે પણ નકલ રહે. કહેલા સમયે પાર્ટી આવી અને સવારના શુભમુહૂર્તમાં અમે અમારા કાળજાનાં કટકા જેવા સ્કૂટરની ચાવી સહિત પેલું સ્કૂટર સાચવવાની ટિપ્સનો ઝેરોક્ષ કરેલો કાગળ પણ આપ્યો. પાર્ટીએ ‘શું છે આ?’ જેવા વિસ્મયભાવ સાથે ચાવી અને કાગળ લીધાં અને અમારો આભાર માન્યો. અમે આખરી વાર સ્કૂટરને મનભરીને જોઈ લીધું. જુદાં જુદાં ઍંગલથી આપણું સ્કૂટર આવું રૂપાળું અને વફાદાર હોવા છતાં એને નજરો સમક્ષથી દૂર મોકલવું પડશેના વિચારથી અમે ભાવવિભોર સવારથી હતા જ પણ ખરી વિદાયટાણે અમે લગભગ ભાંગી પડવાની અણી પર હતાં. પાર્ટીએ અમારા ઘરમાં જઈને અમને પાણી લાવી આપ્યું. અમે સ્વસ્થ થયાં અને પાર્ટીનો આભાર માન્યો. સાથે સ્કૂટરની યોગ્ય જાળવણી માટે જરૂરી સૂચનાઓય આપી અને દર બીજા દિવસે પેલો રુલ્સવાળો કાગળ જોઈ જવા અને એ પ્રમાણે અમલ કરવા વિનંતીયે કરી.
અમારા 15 વર્ષના સાથીને ભારે હૈયે વિદાય આપ્યા પછી અમે હવે અમારા માટે નવા વાહનની સગવડ અંગે વિચારવાનું શરૂ કર્યું. ચાર-પાંચ (ખરા અર્થમાં) હિતેચ્છુઓની સલાહ લીધી. ગૂગલ પર સર્ચ કર્યું. છેવટે નજીકના શોરૂમ પર પગ મૂક્યો. જતાંવેંત જ અમને વેલકમડ્રિંક આપવામાં આવ્યું. જે અમે સ્વીકારતાં પહેલાં જ કહી દીધું કે સ્કૂટર અહીંથી લઈએ જ એવું કંઈ જરૂરી નથી. ને પ્રત્યુત્તરમાં રિસેપ્શનિસ્ટ બહેન મીઠું મલકાયાં. "કંઈ વાંધો નહીં. કસ્ટમર ઇઝ કિંગ. તમને ન અનુકૂળ ન લાગે તો તમે અમારે ત્યાંથી જ ગાડી છોડાવવા બંધાયેલાં નથી." ગાડી સાંભળીને અમે લગભગ ઊભા થઈ ગયા.” ‘ગાડીઈઈ... ? ? ?’ અરે અમારે તો ટુ-વ્હીલર લેવું છે સ્કૂટર... સ્કૂટર... ગાડી ખરીદવાની મારું ખિસ્સું ના કહે છે હજુ.
“અરે... ગાડી એટલે સ્કૂટર જ... અમારી ટુવ્હીલરની જ એજન્સી છે. Any ways, આ રહ્યાં બધાં ટુ-વ્હીલરના બ્રોશર્સ. આપે અમુક ટુ-વ્હીલર જ લેવું એવું નક્કી કરી રાખ્યું હોય તો આપણે એનાં જ ફીચર્સ જ જોઈએ. બાકી તો અમે તમને અહીં બધું સમજાવવા તૈયાર છીએ.’ આટલું સાંભળતાં જ અમારા વિચારચક્ર ગતિમાન થયાં અને અમને વિચાર આવ્યો કે “બધું સમજાવવા કે બાટલીમાં ઉતારવા તૈયાર છો?” અમને વિચારમાં પડેલાં જોઈને પેલાં મીઠું મલકતા બહેને ટેબલ પર પેનથી ઠકઠક અવાજ કરીને અમારું ધ્યાનભંગ કર્યું. અમે પાછાં શોરૂમમાં આવી ગયાં ને પેલાં બહેન શું કહે છે તેમાં ધ્યાન આપ્યું. ઇગ્નીશન,સાઇડ ઇન્ડિકેટર્સ, લાઇટ, પેટ્રોલ ટેન્ક વગેરે પ્રાથમિક સમજ આપ્યાં પછી અમને એમણે કંઈ પ્રશ્ન હોય તો પૂછવા કહ્યું. એટલે અમે પૂછ્યું : "આમાં બ્રેક આવે ને? "અમારા આ મુગ્ધ જ્ઞાન પર પેલાં બહેને માંડ હસવું રોક્યું અને હા કહી કે એ તો બધાં ટુ-વ્હીલરમાં આવે જ... પણ એમને ખબર ન હતી કે અમે અમારું પ્રથમ ટુ-વ્હીલર ચલાવતાં હતાં તેમાં બ્રેક છે એવી અમને ખાસ્સાં એવા સમય પછી ખબર પડેલી. ત્યાં સુધી અમે રોડ પર પગ ઘસડીને જ વાહન ઊભું રાખતા સારા એવા ટેવાઈ ગયેલાં. એ વાહન હતું ત્યારે અમારે ચંપલ-જોડાંનોય હોવો જોઈએ એનાથી વધુ ખર્ચો કરેલો. વળી, અમને બીજો પ્રશ્ન થયો કે કારમાં ઍરબૅગ આવે છે એવી આ સ્કૂટરમાંય આવે કે કેમ? ને જવાબમાં બહેને કહ્યું કે અકસ્માતના કિસ્સામાં તમારા હાથપગ જ જમીન પર મૂકી દેવાનાં એટલે આમાં અલગથી ઍરબૅગની જરૂર નથી. અમારા મનનું જરા સમાધાન થયું અને અમે સ્કૂટર પર મહોર મારી. કલર બાબતે થોડી માથાકૂટ પછી એમણે ‘કસ્ટમર ઇઝ કિંગ’ કહીને અમારી પસંદગી મંજૂર રાખી. ‘ફૉર્મ અને પૈસાની વિધિઓ પૂરી થઈ એટલે પેલી હસમુખીએ “સ્કૂટર તૈયાર થયે તમને ફોન કરીશું આવીને લઈ જજો.” કહ્યું અને અમે આભાર માનીને બહાર નીકળ્યાં. વળી પાછો ત્યાંથી ફોન આવતાં અમે હરખમાં શોરૂમ પર પહોંચ્યાં. ને ચાવી અને અભિનંદન સ્વીકારીને સ્કૂટર મળ્યાની સહી કરી અને મલકાતાં મલકાતાં બહાર નીકળ્યાં. બહાર પટાવાળાએ સ્કૂટર સાફ જ હતું તોય ફરીથી એના રૂમાલથી સાફ કર્યું અને કહ્યું, “મુહૂર્ત કરાવજો” અને અમે ભોળપણમાં હા કહી કે "મુહૂર્ત વિના તો અમે કોઈ કામ કરતાં જ નથી. "અમારા આ અજ્ઞાન પર વારી જઈને પટાવાળાએ પણ અમને જ્ઞાન આપ્યું અને અમે એમને દક્ષિણા આપીને સ્કૂટર ચાલુ કર્યું. પણ હજીય મનમાં તો અમારું જૂનું સાથીદાર અવ્વલ સ્થાન પર જ હતું.
ખોંખારો : કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રૂપે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો....
કવિ “દાદ”
No comments:
Post a Comment