Thursday, July 7, 2016

જડમૂળથી રોગ કાઢવો છે?

મુંબઈ સમાચાર, ૧૨/૦૫/૨૦૧૬ ગુરુવાર "મરક મરક" લાડકી section ..


— શિલ્પા દેસાઈ

સવાર સવારમાં સોસાયટીમાં બૂમાબૂમ થઈ ગઈ “જલદી બધા અહીં આવો. ડાહ્યાકાકાને જુઓ શું થયું છે?" જ્યારે જાહેરમાં જોરથી બોલાતું વાક્ય સમજાય નહીં ત્યારે શ્રેષ્ઠ ઉપાય અવાજની દિશામાં હડી કાઢવાનો હોય છે. આખી સોસાયટી ઘડીનાં છઠ્ઠાભાગમાં ડાહ્યાકાકાના ઘરે ભેગી થઈ ગઈ. અમે થોડા મોડા પડ્યાં. અમુક જણ તો હાથમાં ચાનો કપ લઈને જ દોડી આવેલાં, એટલે ઘરની બહાર સબડકા મારતા ઊભા હતા. અમે “એક્સ્યુઝ મી” કહીને અંદર ગયા. ડ્રૉઇંગ રૂમમાં ભારતીય શૈલીની બેઠક પર ડાહ્યાકાકા પલાંઠી વાળીને બેઠેલા હતા અને ‘હેડકીઓ’ ખાઈ રહ્યા હતા. જમનાકાકી વિસ્ફારિત નેત્રે અને ચિંતાતુર ચહેરે ડાહ્યાકાકાને સતત બરડે હાથ ફેરવી રહ્યા હતા. ડાહ્યાકાકાના ચહેરા પર કયો ભાવ છે એ જાણવા જેટલો ‘પોઝ’ પણ એમની હેડકીઓ જ ખાઈ જતી હતી. સોસાયટીમાં જ રહેતા કનુ યોગી ઉર્ફે “યોગીકાકા” સામે ખુરશીમાં બેસીને 360-361 એવી ગણતરી કરતા હતા. એટલે કોઈએ ટપાર્યા. "ઓ યોગીકાકા, આ ડાહ્યાકાકા કપાલભારતી નથી કરતા આ કોઈ યોગાસન એમને ચોંટી ગયું લાગે છે તે એની જાતે જ આ થાય છે એટલે તમે ગણતરી કરવાનું માંડીવાળો. અને એ હેડકી બંધ કરવાનો ઉપાય વિચારો! " જેમ જેમ સમય જતો ગયો એમ એમ સહુનો ગભરાટ પણ જરા જરા વધતો ગયો. દરેક જણ આંખના ઇશારામાં એકબીજાને “હવે શું? પૂછતાં હતા અને કોઈની પાસે એનો ઉત્તર નહતો. એટલામાં સોસાયટીના આયુર્વેદાચાર્ય કહેવાતા હીરાબા નાનકડી ડીશમાં કશું લઈને આવ્યાં અને બેત્રણ પ્રયત્ન પછી ડાહ્યાકાકાના મોઢામાં એ ડીશમાંથી કશું ચપટી ભરીને ખવડાવી દેવામાં સફળ થયાં ને વળતી જ ક્ષણે જાણે જાદુ થયો જાણે! કાકાની હેડકી બંધ... હેડકી કદાચ ફરી આવવા માંડશે. અથવા હેડકી બંધ થયાનો ભ્રમ માત્ર છે. એવા હાવભાવ સાથે કાકા અધ્ધર જીવે ચકળવકળ જોઈ રહ્યા. થોડી વાર પછી એમને ખાતરી થઈ કે હેડકી ખરેખર ગઈ. પરસેવે રેબઝેબ ડાહ્યાકાકાએ પલાંઠી છોડી બાજુમાં ઊભેલાં એક સેવાભાવીએ અણવર વરરાજાને પરસેવો લૂછી આપે એમ કાકાને પરસેવો લૂછ્યો ને એમને ‘રિલેક્સ...રિલેક્સ...’ બોલતાં બોલતાં પકડી રાખ્યાં. હવે બધાનું ધ્યાન ડાહ્યાકાકા પરથી ખસીને હીરાબા પેલી જાદુઈ ડીશમાં શું લાવેલાં તે પર ગયું. કોઈ કંઈ પૂછે એ પહેલાં જ હીરાબાએ સાડીનો છેડો માથા પર સરખો ગોઠવ્યો અને કહ્યું : જોયું? આને કહેવાય આયુર્વેદનો કમાલ... મોરનાં પીંછાની રાખની ચપટી મોઢામાં મૂકી કે હેડકી બંધ થઈ ગઈ! બધાનાં મોઢા અને આંખો આશ્ચર્યચિહ્નમાં પહોળા થઈ ગયા ત્યાં ઊભેલાંમાંથી લગભગ પચાસ ટકાએ તો હીરાબાએ આપેલી આ સચોટ માહિતી પછી ઍલોપથી છોડીને આયુર્વેદ ભણી વળવાનાં વિચારોય કરવા લાગ્યા. અમે પણ આ બધી પ્રેરણાદાયી વાતો અને વાતાવરણથી પ્રેરાઈને ભલે ઉપરછલો તો ઉપરછલો પણ ડિગ્રીનાં કોઈ મોહ વિનાય આયુર્વેદનો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું. વારે વારે બધા “લોહી ઉકાળા” એવો શબ્દપ્રયોગ કરે ત્યારે એમ થાય કે આ “લોહીઉકાળા” આયુર્વેદની દવા હશે!! કારણ ઉકાળા તો આયુર્વેદનો પાયો કહેવાય. આવી બધી ગડમથલો કે કેમિકલ લોચા એ બધું મગજમાં ઊથલપાથલ મચાવવા લાગ્યું અને અમે એને વિધિનો સંકેત ગણીને આયુર્વેદના ખોળે માથું મૂકવાનો દૃઢ નિર્ધાર કર્યો. આ નિર્ધારના પ્રથમ ચરણ તરીકે અમે બધું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. જેમકે પહેલાં સોસાયટીમાં મોર આવી ચડે તો બધા એને ખલેલ ન પહોંચાડે એમ સંતાઈ જાત અને ક્યારે એ કલા કરશે એની રાહ જોતાં એના બદલે હવે ધારો કે મોર આવે તો એ જાય પછી એણે ક્યાંય પીંછુ મૂક્યું છે કે નહીં એ શોધ્યા કરતાં. આયુર્વેદનો કેવડો મોટો પ્રતાપ! આયુર્વેદ જિંદગી જીવવાની તરાહ જ બદલી નાખે છે એ અમને સ્વાનુભાવે સમજાયું.
આયુર્વેદ અપનાવવાનાં બીજાં ચરણમાં અમે સંશોધનો શરૂ કર્યાં. નાડી જોઈને શરીરમાં શું રોગ છે એવું નિદાન કરી આપનારા નાડી વૈદ્યોને શોધી કાઢવા અમે કેટલાંયને કામે લગાડ્યા. તો ખબર પડી કે હવે આવા “નાડી વૈદો” કરતાં અનાડી વૈદો (નાડી જોયા વગર નિદાન કરતાં) અને બેત્રણ મોટી મોટી માત્ર આયુર્વેદિક દવાઓની જ દુકાન છે. આવું બધું અમને જાણવા મળ્યું સમસમીવટી, અવિપત્તિકર ચૂર્ણ, રસાયણચૂર્ણ, હિમજ, હરડે, મહારાસનાદિ ક્વાથ વગેરે વગેરે નામો સાંભળીને ઍલોપથી તરફ યૂટર્ન મારી જવાનું નક્કી કરી લીધેલું પણ પછી મન મક્કમ કરીને અમે “ચરકસંહિતા” અને “આર્યભિષેક” નામના આયુર્વેદના બે મહાગ્રંથો પણ મંગાવી લીધા. એને કેમ મહાગ્રંથ કહેવાય છે એનો ઉત્તર પુસ્તકો ઘરે આવ્યાં એટલે એના કદ પરથી મળી ગયો. આયુર્વેદ વિશેનું વનલાઇનર બધાને ખબર છે “આયુર્વેદની કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં...” અમને પહેલું જ્ઞાન એ મળ્યું કે ઍલોપથીમાં પ્રિસ્ક્રીપ્શન હોય છે અને આયુર્વેદમાં “પ્રયોગો”ને, બીજું એ કે આયુર્વેદ કોઈ પણ રોગને જડમૂળથી મટાડે છે. અત્યાર સુધી જરા જેટલું માથું ચઢે તો અમે જે સફેદ ટીકડીઓ ટપ્પ લઈને ગળી લીધેલી તેનાં પર અમને ભયંકર ઘૃણા થઈ આવી. અને અમે આયુર્વેદનાં પુસ્તકો વાંચવાનો પ્રારંભ કર્યો, ત્યારે ખબર પડી કે આ તો સમુદ્ર છે. તમે જેમ જેમ ઊંડા ઊતરો એમ એમાં ફાકીઓ, ઉકાળા, જાતજાતના લેપ, પ્રવાહીઓ, વટીઓ વગેરે ઘણાં બધા ફાંટાઓ છે. વળી, કર્મ એ અહીં પણ ઘૂસ મારી છે “પંચકર્મ”!! પરેજી, નરણે કોઠે જેવા કેટલાય શબ્દો અમારી ડિક્શનરીમાં ઉમેરાયા. આ પુસ્તકોમાં રોગ થાય એનાં ઉપાય કરતાં પહેલાં એ ન થાય એના માટેની સાવધાનીઓય વર્ણવેલી છે બોલો, જેમ જેમ આ સમુદ્રમાં ઊંડા ઊતરવા લાગ્યા એમ એમ અમનેય આયુર્વેદ નિષ્ણાત હોવાનો વહેમ અમારા પંડમાં આવવા લાગ્યો હોય એમ અમે આનંદ અનુભવી રહ્યાં. અમારે હવે કોઈ પણ ભોગે આ ક્ષેત્રમાં જ આગળ વધવું એવો નિર્ધાર ડગલે ને પગલે મજબૂત થતો જતો હતો. એના માટે જે-તે ડિગ્રી હોવી જ જોઈએ એવી કશી જરૂર જણાઈ નહીં. ડાહ્યાકાકાની હેડકી મટાડનાર હીરાબાય ક્યાં ત્રણ ચોપડીથી આગળ ભણ્યાં છે? તોય આ વિષયમાં એ જે સલાહ આપે એ એકદમ અધિકૃત જ ગણાય. આયુર્વેદની પોથીઓ સમજીને વાંચીએ તો આપણેય પંડિત થઈ જ જવાના એવા ઇરાદા સાથે અમે ‘આર્યભિષક’ને પગે લાગ્યા અને ગ્રંથ ખોલ્યો. પહેલાં જ પાના પર વાંચ્યું કે આ ગ્રંથની આ 34મી આવૃત્તિ છે. સસ્તુ સાહિત્ય પ્રકાશને આ ગ્રંથ દ્વારા સમાજની બહુ અમૂલ્ય સેવા કરી છે.સદ્ ગત આયુર્વેદ માર્તંડ શાસ્ત્રી શંકર દાજી પહેએ લખેલાં મૂળ આ ગ્રંથમાં સૌ પહેલું જ ચિકિત્સા કરવાને કોણ અધિકારી છે એ માહિતી આપી દીધી છે. વળી જે દેશમાં જે મનુષ્ય જન્મ્યો હોય એ જ દેશની ઔષધિ એની ચિકિત્સા માટે ઉપયોગમાં લેવી!! આવા પ્રકારનું વાંચતા અમને જરા વિચાર આવ્યો કે બધા NRIઓ અહીંથી જે દવા-ફાકી વગેરે લઈ જાય છે એ ખરેખર એમને હવે ત્યાં કેટલું ઉપયોગી થતું હશે? વળતી જ પળે અમે નિવેદન વાંચવાનું બંધ કર્યું અને પુસ્તકમાં પાનાં ફેરવવા માંડ્યાં. અચાનક જ વાઘ કરડે તો શું ચિકિત્સા કરવી? એવું વાંચ્યું અને અમે આશ્ચર્ય પામ્યાં. વળી વિચાર આવ્યો વાઘ કરડે તો એની દવા પુસ્તકમાં છે એનો અર્થ એ કે અગાઉનાં સૈકાઓમાં વાઘ આપણાંને ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ભટકાઈ જતાં હશે? કે જંગલમાં આપણે ફરવા ગયા હોઈએ ત્યારે જ કરડી જતાં હશે? જે રીતે વાઘ હવે જૂજ જ બચ્યાં છે એ જોતાં અત્યારે તો વાઘ કરડે એય સદ્ ભાગ્ય ગણાય. વળી આ વિચારને હડસેલો મારીને અમે પાનાં ફેરવ્યાં. મેદસ્વીપણાના ઇલાજ અંગે થોડું વાંચ્યું અને આપણાં કવિ અને વૈદ્ય લાભશંકર ઠાકર ઉર્ફે લા. ઠા. યાદ આવી ગયાં. લા. ઠા. ને ત્યાં જનાર મેદસ્વી દર્દીને લા. ઠા. પહેલાં જ મગનાં પ્રયોગો પર ઉતારી દે. વીસ દિવસ મગ જ ખાવ. 21માં દિવસે પાછા આવજો. તમારી ફાંદ ઓછી થઈ હશે તો જ હું તમારી દવા કરીશ નહીં તો રામ રામ. વીસ દિવસ મગની પરેજીથી દર્દીનાં ફાંદનાં ઘેરાવામાં અચૂક ઘટાડો થઈ જાય. જો દર્દીએ સંયમ ન જાળવ્યો હોય તો એ પરીઘમાં ફેર ન પડે. એટલે લા. ઠા. ને ખ્યાલ આવી જાય કે ભાઈ/બહેન પરેજી કે સંયમ રાખી શકે એમ નથી. તો આગળ એ દવા શું કરી શકશે! હવે આવા વૈદ્યોય કેટલા? જે દર્દીને રોકડું જ કહી દે અથવા દર્દી જતો કરે! ગ્રંથ વાંચતા વાંચતા અમે વિચારચક્રવ્યૂહમાં ફસાઈ ગયાં. કેરળમાં સૌથી વધારે આયુર્વેદનાં સેન્ટરો છે. દરેક હોટેલોમાંય નાનું એવું આયુર્વેદ કાઉન્ટર તો ખરું જ.  ત્યાંના જુદાં જુદાં સેન્ટર્સ પર પંચકર્મ, શિરોધારા વગેરે માટે ફોરનર્સ વધારે દેખાય છે. અમે જુસ્સાથી દક્ષિણ ભારતનાં આયુર્વેદ સેન્ટરમાં જઈ સ્વાનુભવ લેવાનું નક્કી કર્યું. વિપુલ પ્રમાણમાં હરિયાળી પથરાયેલી હોવાથી કદાચ અહીં બધી ઔષધિઓ મળી રહેતી હશે અથવા બધી ઔષધિઓને આ પ્રદેશનું હવામાન અનુકૂળ આવતું હશે એટલે કે જે હોય તે આપણે આ વિદ્યામાં પારંગત થવું છે એમ વિચારીને બંને ગ્રંથને વ્યવસ્થિત ઠેકાણે મૂક્યાં એવુંય બને કે થોડું થોડું વાંચ્યા કરવાથી પણ આપણે કોઈને નિર્દોષ સલાહ આપી શકીએ તોય ઘણું! આજે એટલુંય કેટલાં કરે છે?

ખોંખારો : છેવટે કંઈ નહીં થાય તો જેમણે જગતને આયુર્વેદની મહામૂલી ભેટ આપી એવા ભગવાન ધન્વંતરિને દર ધનતેરસે પ્રણામ તો કરીશું જ...!!!

No comments:

Post a Comment