મુંબઈસમાચાર ૧૬/૦૬/૧૬ ,ગુરુવાર "મરક મરક" લાડકી વિભાગ ,
પિત્ઝા -પાસ્તા -બર્ગર ને સેન્ડવીચનાં આ ફાસ્ટફૂડ યુગમાં રસોઈ કરવાની કળા જરા કોરાણે મુકાતી ચાલી છે જાણે! ગોળ ચોરસ લંબગોળ એવી બીબાંઢાળ વાનગીઓ ખાઈને જુવાન થતી જેન નેક્સ્ટ( Gen next )હવે પરણે એ પહેલાં સાસરાનાં રસોડે જઈને લોટના કે મસાલાના ડબ્બા ક્યાં મુકાય છે એ જોવાને બદલે માઈક્રોવેવ અવન કે ટોસ્ટરની જગ્યા જોવા લાગી છે એવા આ ચટાકેદર સમયમાં "રસોડાંની રાણી" શોધે જડે ખરી ? ચીઝ ને પનીરના આધિપત્યવાળા માહૌલમાં ભરેલાં રીંગણ કે રસાવાળા બટાકા કોઈ પ્રસંગ સિવાય પણ પોતાનાં ઘરે ખાવા મળતાં હોય એવાં લોકો ખરેખર ભાગ્યશાળી કહેવાય . અનાવિલ કુટુંબોમાં તો છોકરી જોવા જાય ત્યારે છોકરી પાસે પાપડ શેકાવાતો.ને એ પરથી એની રસોઈકળા વિશે અંદાજ બાંધીને છોકરો પરણાવવો કે નહીં એ નક્કી થતું . હવે સમય બદલાવાની સાથે સમાજ પણ બદલાયો છે . આમ જોવા જાવ તો રસોઈ કે રસોડંુ સ્ત્રીઓના ક્ષેત્ર તરીકે પંકાયેલા છે પણ ભારતમાં અત્યારે નંબર વન રસોઈયો હોય તો એ સંજીવ કપુર છે . સ્વ. તરલા દલાલે રસોઈને લગતાં અનેક પુસ્તકો બહાર પાડીને કેટલીય માતાઓ અને કોડભરી કન્યાઓનાં છાનાં આશીર્વાદ મેળવ્યાં હશે. માસ્ટર શેફ નામનાં રસોઈને લગતા વિદેશી ટીવી રિયાલીટી શોથી પ્રેરાઈને હવે અહીં પણ આવા શો થાય છે જેમાં બહેનો કરતાં ભાઈઓની સંખ્યા વધતી જતી દેખાય છે.મીન્સ પુરુષો સ્ત્રી સમોવડાં થવાના ધીમાં પણ મક્કમ પ્રયત્નો કરી રહ્યાં છે .
વિચારોનાં આવાં ગૂંચળાં ઉકેલતા ઉકેલતા અમે સોસાયટીના કોમન પ્લોટમાં આસપાસની દુનિયાથી બેખબર ટહેલી રહ્યા હતા. રોજ બપોરે ટીવી પર લગભગ બધી ચેનલ પર જુદાં જુદાં નામે રસોઈ શો આવે છે એ યાદ આવતા અમે જરાક મરકી રહ્યા. એવામાં સામેથી રોનક સાયકલ પર આવતો દેખાયો. આ એની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા જ સાયકલ ચલાવતો
લાગે છે બાકી મારો બેટો એમ તો કોઈનું સાંભળે એવો છે નહીં..
"શું ભટ્ટજી.. કેમ એકલા એકલા હસો છો? એકલું કોણ હસે ખબર છે ને? એ સોરી સોરી." કહીને રોનક એકદમ મોટ્ટેથી હસ્યો. મનમાં તો એવી દાઝ ચડી ને રોન્કા પર.. પરાણે હસતું મોં રાખીને અમે કહચું : કંઈક યાદ આવ્યું એટલે.તું કહે.કેમનું છે? ઓલ ગુડ?
"હા. પણ એક કામ છે . તમને કહેવામાં વાંધો નહીં"
"ઓહ્હો.. બોલ.. "
"સ્વીટીને રસોઈ શીખવી છે. બેઝિક તો એને આવડે છે પણ એ સિવાય ..તમને એ ઓળખે છે ને અમારે ત્યાં કેવું ભાવે છે એ આપણાં ફેમિલીના વાટકીવહેવારને લીધે તમને ખબર છે. તમે થોડું ગાઈડન્સ આપો તો જરા ઈઝી પડે ,યુ નો.." "અમને આ પ્રસ્તાવ સાંભળીને કરંટ લાગ્યો. તત્પુરતી તો હા એ હા કરીને અમે એને પંદર દિવસ પછી આવવા કહ્યંું. આભાર માનીને એણે મોબાઇલનાં ભુંગળા કાને લટકાવ્યાં ને સાયકલ મારી મુકી.અમે ય ઘરભણી પ્રયાણ કર્યું. આ રસોઈ શીખવવાવાળા પ્રસ્તાવે અમને અમારા રસોઈના અખતરાઓ યાદ કરાવી દીધાં. એ વખતે તો કંઈ આવું ટીવી પર કે ઓનલાઈન- ફોનલાઈન
હતુ નહીં એટલે ઘરમાં જે બને એમાંથી જ , ક્યારેક પાસપડોશમાંથી તો કોઈવાર છાપાંમાં આવે એ વાનગીની રેસિપીઓ અથવા તો કોઈ એકાદ જણ પાસે હોય રેસિપીબુક.. એના પરથી આવડે એટલે ભયો ભયો. .અમે મન મક્કમ કરીને રસોડામાં પગ મુકેલો. એમ તો ગયા જ હોય બધા ય રસોડામાં પણ અમે રસોઈ અર્થે પહેલીવાર જતા હતા. પહેલીવાર રસોઈ કરીએ છીએ કંઈક ગળ્યું બનાવીએ એવી એષણાથી "કેક" પર પસંદગી ઉતારેલી. એક ઓળખીતા આંટી પાસેથી કેકની રીત લખી રાખેલી . કાગળિયામાં વાંચી વાંચીને અમે બધી સામગ્રી ભેગી કરી.રસોઈ જેવા સાવ નવાં જ ક્ષેત્રમાં ખેડાણ કરતા હોવાથી અમને બીજાં બધાં કરતા બમણો સમય લાગ્યો .કદાચને કેક બરાબર ન બને તો બધું બગડે..એવું વિચારીને અમે અગમચેતી વાપરીને બધી સામગ્રી લખેલાં માપ કરતાં અરધી જ લીધેલી. ભગવાનનું નામ લઈને અમે કેક અવનમાં મુકી.બઝર વાગ્યું એટલે અમે કેક બહાર કાઢી ને ડાઈનીંગ ટેબલ પર મુકી. થોડીવાર રહીને અમે એમાં તવેથો ખોસી જોયો. અમારાં આઘાત વચ્ચે તવેથો વાંકો વળી ગયો. અમે સમજી જ ન શક્યાં કે બધું માપ બરાબર હતું તો આમ કેમ થયું ?એટલામાં એક બિલાડી આવી. અમારી હાજરી ગણકાર્યા વિના એણે ટેબલ પર રહેલી કેકમાં મોંઢું નાંખ્યું પણ કેક પણ જિદ્દી નીકળી. બિલાડીને જરા પણ મચક ન આપી. ઓઝપાયેલી બિલાડી એનાં સમાજમાં અમારી કેક વિષે કંઇ નહીં બોલે પણ ફરીથી એ અમારી કેક પર નજર નહીં બગાડે એ નક્કી. ખાસ્સીવાર પછી અમને ટ્યુબલાઈટ થઈ કે સામગ્રી અરધા માપે કરી પણ એનો બેકિંગ સમય તો લખ્યા મુજબનો જ રાખેલો. હવે આવું ઓછું થાય છે અમારે પણ થાય છે ખરું.પણ રોનકને ના કેવી રીતે કહેવાય? થઈ પડશે વિચારીને અમે વિચારયાત્રા આગળ ધપાવી.
એક તો અમને આ રસોઈશાસ્ત્રમાં ત્રણ શબ્દો કદી સમજાયા નથી. "આશરે , સ્વાદાનુસાર અને પ્રમાણસર" .કોઈ વાનગીમાં આશરે મસાલા નાંખીએ તો એ પ્રમાણસર અને સ્વાદાનુસાર હોય? ભલભલા રસોઈવિશેષજ્ઞો ટીવી શોમાં આવીને ગમ્મે તે કહે પણ એમને ય આ ત્રણ શબ્દોનો પાકો અર્થ ખબર નહીં હોય.અમે બધું પેલી ચિબાવલી એન્કર ગુજરાતી કમ ઈંગલીશ જ્યાદા ભાષામાં લિસ્ટ બોલે એ પ્રમાણે મુખ્ય શાકભાજી કે ઈન્ગ્રેડિયન્ટ્સ તેલ રાઈ હળદર મરચું ભેગું કરીને રાખીએ પણ જેવા રસોઈનિષ્ણાત "સ્વાદાનુસાર" બોલે કે બધું વ્યર્થ. ને હાથ સીધો એગ્ઝોસ્ટ ફેનની સ્વીચ પર. એપ્રનથી પરસેવો લુછતા લુછતા "જય ભોલે" બોલીને મસાલો કરી દેવાનો. આ છે અમારા રસોઈના પ્રયોગો. હવે તમે જ કહો, આવું અમે રોનકને કેવી રીતે કહી શકીએ?
ખોંખારો :રસોઈમાં રસ હોય તો એ કલા છે ને રસ ન હોય તો કડાકુટ .
No comments:
Post a Comment