Thursday, August 18, 2016

દિવસો ફરાળનાં જાય છે..



સાડા છ બાય સાડા ત્રણના માપના કાથીના ખાટલામાં વસરામબાપુ ચત્તાપાટ પથરાયેલા પડેલાં.ડાબે જમણે બે દીકરા સુરેશ ને રમેશ જાપાનીઝ પંખાથી એમના સુધી હવા પહોંચાડતા હતાં. ત્રીજો દીકરો મહેશ આમતેમ દોડદોડીમાં લાગેલો હતો.ત્રણેવ વહુઓ બાપુની બિલકુલ સામે પોતે ઘૂમટો તાણેલો પણ પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ બરણીઓ લઈને ખડે પગે હાજર હતી. બરણીઓમાં અંજીર આલુ કાજુ બદામ જેવો સુકો મેવો દેખાતો હતો. ઘરની બહાર જુદાં જુદાં ફળ લઈને એક લારીવાળો તૈનાત હતો. કારણ ...ખાવાનાં ભયંકર શોખીન વસરામબાપુ ઉપવાસ પર હતા. રોડ પર સામાન્યથી થોડો ઊંચા  બમ્પ જેવું   એમનું પેટ ઉપવાસનાં પ્રતાપે થોડું ઉતરેલું  દેખાતું હતું..આ વખતે વટ્ટના માર્યા બાપુએ "શ્રાવણ"ને ઉપવાસ કરીને દેખાડી દેવાનો પડકાર ફેંકેલો. આજે બરાબર પંદર દિવસથી બાપુ ઉપવાસી હતા.એમની ટેકથી માહિતગાર ગામમાં મળવા આવનાર લોકોની અવરજવર ચાલુ રહેતી ને મહેમાનોની આવભગતમાં વહુઓ બિચારી વગર ઉપવાસે ઉપવાસી જેવી થઈ ગયેલી ને બાપુના ઘરવાળા શોભનાબા બાપુના ઉપવાસ નિર્ણય પાછળ ખુદને જવાબદાર ગણીને શિયાવિયા ફરતા હતા.
                                                                                     +

રોજ સવારે બાપુ ત્રણ કે ચાર અંજીરવાળું કઢેલું દુધ પીતા. ઉપવાસ પર હોવાથી જેટલું પ્રવાહી લેશો એટલું પાચનમાં તકલીફ ઓછી પડશે એવી કોઈની અનુભવવાણીના લીધે દિવસમાં ત્રણ વાર એ દુધ લેતાં. પણ આટલી જિંદગીમાં બાપુએ કોઇ દિવસ  ઉપવાસની સામું ય જોયેલું નહીં ને હવે એકદમ આમ ઉપવાસ પર ઉતરી પડવાથી એમનું પેટ પણ બઘવાઈ જેવું ગયેલું .ઉપવાસ દરમ્યાન અકારણ શ્રમ લેવાથી શરીરને કષ્ટ પડે એવી માન્યતા પણ બાપુના મનમાં ઘર કરી ગયેલી એટલે બાપુ દુધ પી ને ઘડીક આરામ કરતાં .કોઈવાર આ શ્વાનઊંઘમાંથી બાપુ ઝબકી જાય તો એમના મન  પર પેટનો કાબુ વધી જતો જણાતો અને એમના લંબાયેલાં હાથમાં ત્રણમાંની એકાદ વહુ સુકો મેવો મુકી દેતી ને  વળી એકાદ ગ્લાસ મિક્સ ફ્રુટ જ્યુસ પીને બાપુ ફરી નિદ્રામય થવાનો પ્રયત્ન આદરતા.બપોર થતા રાજગરાની ભાખરી ,મોરૈયો કે શિંગોડાના લોટનો શીરો ખાતા જેથી અશક્તિ ન આવી જાય. ફરી આરામ કરીને બાપુ જાગે એટલે દુધનો કેસરબદામવાળો રજવાડી મસાલો નાંખેલુ દુધ પીતા.મળવા આવનારની અવરજવર ઓછી થાય એટલે બાપુ સાંજે સાદી ખીચડી કઢી આરોગતા. ખોંખારાઓ ખાઈને એક કડપ ઊભો કરનારા બાપુ આજે રોડના ડિવાઈડર પર બેઠેલી જિદ્દી ગાયની જેમ ખાટલામાં પડી રહેલાં ને ગાયથી ય વધુ ગરીબડા લાગતા હતા. એક ટાઈમ તો ખવાય. એટલું ય બાપુએ આજ સુધી ક્યાં કર્યું હતું?
ક્યા આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ કરતી પેલી નખરાળી કેમેરામેનની ફોજ લઈને બાથરુમમાં ધસી આવી એ સાથે જ  મોબાઇલનો કુકડા એલાર્મ રણકી ઉઠ્યો ને અમે  સફાળા જાગી ગયા. આજે ઉપવાસ કરવાનું નક્કી કરેલું એટલે ખાસ  મીઠા વિનાની ટુથપેસ્ટથી બ્રશ કર્યું સ્નાનાદિ કાર્યક્રમો પતાવ્યા. નાસ્તો તો કંઈ કરવાનો નહોતો એટલે એક કપ  ચ્હા વધારે પીધી. છાપાં ખોલ્યા અને એમાં શ્રાવણ મહિનામાં ઉપવાસનું મહત્વ વાંચતા વાંચતા વિચારોના ચક્રવ્યુહમાં ક્યારે જતા રહ્યા એ સરત જ ન રહી.
"ઉપવાસ" આપણે ત્યાં  જેટલાં લોકપ્રિય અને હાથવગાં છે એટલાં કદાચ બીજે ક્યાંય નથી. ગાંધીજીએ " ઉપવાસ" કરીને  જગતને અણુબોમ્બ કરતાં ય ખતરનાક હોવા છતાં ય હાનિકારક નહીં એવાં અહિંસક હથિયારની ભેટ આપી.થોડાં વરસો પર અન્ના હજારેએ ઉપવાસ કરીને ભારતીય જનતામાં આશાની લહેર જગાવેલી જે સોડાના ઉભરા જેવી સાબિત થયેલી. તો વડાપ્રધાનના "સદ્ભાવના ઉપવાસ "પણ સારો એવો સમય ચર્ચામાં રહેલા. 

ઉપવાસ અને સાદગીને દિયા ઔર બાતી જેવો સંબંધ છે. ઉપવાસ શબ્દ સાંભળતા કે વાંચતા જ એક આધ્યાત્મિક વાતાવરણ રચાઈ જાય.  વાતાવરણમાં ઉપવાસમાં ખવાય એવી વેરાઈટીઓ યુગો પહેલાં ન હોવાથી ઉપવાસમાં ફરજિયાત ફળાહાર જ કરવો પડતો . ને ત્યારે  વન - જંગલોની ય તંગી ન હતી એટલે ફળો ય  મળી રહેતા . "ફરાળ" શબ્દનાં મુળિયાં આ "ફળાહાર"માં છે . મહાભારત કે રામાયણમાં ક્યાંય એવુો ઉલ્લેખ નથી કે "અને પછી પાંડવોએ મોરૈયો ને રાજગરાની ભાખરી આરોગી." કે " સીતાજીએ રામને શિંગોડાનો લોટનો શીરો ધર્યો." રામે કે અર્જુને ફરાળી લોટ કે સારાં બફવડાં ક્યાં મળે છે એ શોધવાની ઉપાધિ ન હોવાથી પુજા પાઠ કરવામાં સમય પસાર કરવો પડતો. એટલાં અંશે એ લોકો સુખી ખરાં .
અાહાર એવા વિચાર ઉક્તિ અનુસાર ઉપવાસ કરવાથી શારીરિક અને આંતરિક એમ બંને પ્રકારની શુધ્ધિ થાય એવી માન્યતા હવે લાંબો વખત ટકી શકે એમ નથી. રણછોડજીના એક મંદિરમાં રહેતા ભક્તોને જો ઉપવાસ હોય તો ભગવાનને એક ટંક ફરાળનો થાળ પીરસાય ને બીજા ટંકમાં ફરજિયાત તળેલી પાપડી ધરાવી દેવાતી.ભગવાન તો ભાવનો ભુખ્યો છે એને આવી બધી પરવા ન હોય ! ઉપવાસ હોય તો ય  જીભનાં ચટાકા ઓછાં ન કરી શક્તા આસ્થાળુઓ માટે ફરાળી પીત્ઝા,ફરાળી ઢોંસા ,ફરાળી ચેવડો ,બિસ્કીટ વગેરે બજારમાં અાવવા માંડ્યા છે. અમારા એક મિત્ર દર વરસે  શ્રાવણ મહિનો આવતા જ  રંગેચંગે ઉપવાસ શરુ કરે.. બે ત્રણ દિવસ તો હોંશમાં ને હોંશમાં ફળ પર જ  ઉપવાસ ખેંચી કાઢે. પછી ધીરે ધીરે એક ટાઇમ ફરાળ તો થાય એમ જાતે જ આશ્વાસન લઈને ફરાળી ખાવાનું ચાલુ કરે. ને ચોથા કે પાંચમા દિવસથી ફરાળને બદલે રોજિંદા ખોરાક પર જાતે જ ટ્રાન્સફર લઇ લે ને જાહેર એવું કરે કે એમને ઘરમાં કોઈ ઉપવાસ કરવા નથી દેતું.ઉપવાસ કરવામાં જેટલો માનસિક સંયમ જોઈએ એટલો બીજા કશામાં નહીં જોઈતો હોય. જાતજાતના પ્રલોભનો હોવા છતાં ભુખ્યા રહેવા કરતા લોઢાના ચણા ચાવી જવા ય સહેલું હશે. જેમ આદમ અને ઈવને પેલું ફળ ખાવાની ઈશ્વરે મનાઈ કરી હોવા છતાં એમને એ ખાધું એમ જ ઉપવાસમાં ખોરાક પર પ્રતિબંધ મુકાતા ખાવાની ઈચ્છા બળવત્તર બની જાય છે. એવું ન થાય એટલા માટે ઉપવાસીએ ભોજન સમારંભો, હોટલો ,જરુર જણાય તો ઘરનો ય ભોજન સમયે ત્યાગ કરવો હિતાવહ છે. 

ખોંખારો: ઉપવાસ કરીને ઉતારેલું વજન ઉપવાસ પુરા થતાં જ વ્યાજ સહિત જુના સરનામે પાછું આવી જાય છે. 

+ image borrowed from google .

(મુંબઈ સમાચાર- લાડકી-"મરકમરક"૧૮/૦૮/૨૦૧૬)