Sunday, December 20, 2015

“લાયસન છે?” મુંબઈ સમાચાર- ગુરુવાર ૧૦/૧૨/૧૫ લાડકી section



“લાયસન છે?” 

— શિલ્પા દેસાઈ

“ભટ્ટજી, ચાલો મંદિરે આવવું છે? ગુરુવાર છે તો સાંઇબાબાના મંદિરે જતા આવીએ જરા.” હસમુખકાકાએ અમને પૂછ્યું. ચાલો, આવું કહીને અમે સ્કૂટરની ચાવી લીધી અને ઘરમાં બારી-બારણાં બંધ કરીને ઘરને તાળું માર્યુ. નીચે આવીને જોયું તો હસમુખકાકા ઉર્ફે હસુકાકા એમના નવા નક્કોર બાઇકને આડું પાડીને કંઈ ગડમથલ કરતાં હતાં. અમને જોઈને કાકા હસ્યા અને બોલ્યા : “પહેલાં બજાજ હતું ને. એને આમ જ આડુંઊભું કરવામાં એ ફસ્ક્લાસ ચાલુ થઈ જતું, આમાં હારું નહીં થતું.” આટલું બોલીને કાકાએ ફરીથી બાઇક વાંકુચૂંકું કરી જોયું અને પછી સ્ટાર્ટ કરવા કીક મારી. ભરરરર... કરતું ચાલુ થઈ ગયું. બાઇક એટલે કાકાએ બૂમ પાડી ‘જસુઉઉઉ... હેંડ લી... આ ચાલુ થઈ ગયું છે.’ અમેય સ્કૂટરની ચાવી ઝુલાવતાં ઝુલાવતાં સ્કૂટર ભણી પ્રયાણ કર્યું. સ્કૂટર લઈને કાકા ઊભેલા ત્યાં આવ્યાં. કાકા બાઇક પર સવાર થઈને બાઇકને પગે લાગ્યા અને પ્રાર્થના કરતા હોય એમ લાગ્યું. આ એમનો રોજનો ક્રમ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો. અમે સ્કૂટર કાકાની બાઇક પાસે લાવીને ઊભું રાખ્યું અને રાહ જોવા લાગ્યાં. એટલામાં જસુકાકી હાથમાં નાનુંઅમથું ડોલચું (જેને એ ડોલકુ કહેતાં) ફીટોફીટ પકડીને આવતાં દેખાયાં. બાઇક પાસે આવીને જસુકાકી બોલ્યા : “લો આ ડોલકુ, ગવંડર પર લટકાઈ દો. “કાકાએ ડોલચું લઈને ગવંડર એટલે બાઇકનાં હૅન્ડલબાર પર લટકાવી દીધું. જસુકાકી ઓછી હાઇટના લીધે એક નાનો ઠેકડો લઈને બાઇક પર ગોઠવાયાં. “હેંડો ચલાઇ દો....” કાકાએ હેલ્મેટની વિન્ડો બરાબર સરકાવી અને બાઇક ચલાવવા માંડ્યું “કહું છું, લાયસન છે ને? બ્રેક સરખી વાગે છે? પાડસો નહીં ને રસ્તે? એં, ડોલકુ ખીચોખીચ ભરેલું છે, જો જો હોં સોટ બ્રેક ના મારતા ભઇસાબ. કહું છું સંભળાતું નથી? જવાબેય નહીં આલતા. “અમે સાથે સાથે જ બાઇક અને સ્કૂટર ચલાવતાં હતાં. અમેય માથે હેલ્મેટ પહેરેલી હતી. બે વાહન વચ્ચે અંતર હોવા છતાં જસુકાકીનો માઇક ગળી ગયેલો અવાજ ચોખ્ખો સાંભળી શકતાં હતાં એટલે હસુકાકાને નહીં સંભળાતું હોય એવી શક્યતાઓ જ ન હતી તેમ છતાંય હસુકાકાએ હેલ્મેટ કાઢી અને પેટ્રોલના ટાંકા પર મૂકી અને જવાબ આપ્યો. “તોબા તારાથી તો સતત પ્રશ્નો જ પૂછ્યાં કરે છે.” ને એટલામાં જ ક્યાંકથી ટ્રાફિક પોલીસ સીટી મારતો ફૂટી નીકળ્યો. કાકાની બાઇક સાઇડ પર લેવડાવી. હસુકાકા જસુકાકી પર તાડૂકી રહ્યા. જસુકાકી જરા ઓઝપાઈ ગયાં. ટ્રાફિક પોલીસે કાકા પાસે લાઇસન્સ માંગ્યું, “એક મિનિટ સાહેબ,” ને પછી કાકાએ કાકી સામે જોઈને ત્રાડ પાડી : જસુ... સાંભળ... લાયસન છે મારા પાકીટમાં જ. ને એનીય બે ઝેરોક્સ છે. બ્રેક હાઇક્લાસ વાગે છે. આજ સુધી ક્યારેય પાડી નાંખી છે તને રસ્તે તેં બકબક કરતી હતી. હેં? તારી પળોજણમાં જ આપણે સોટબ્રેક મરાઈ ને આ ડોલકા ફોલકા મારી ગાડીમાં નહીં ભરાવવાનાં હવેથી કહી દીધું. પોલીસ અને જસુકાકી બેય આ બ્રેથલેસ જવાબમારાથી ડઘાઈ ગયેલાં. જરાવાર પછી ટ્રાફિક પોલીસને કળ વળી ને એ બોલ્યો : “આતી ફેરી  જવા દઉં છું પણ હવેથી હેલ્મેટ પહેરજો કાકા. તમારી જ સેફટી માટે હોય છે આ બધા રૂલ્સો.” કાકાએ ધૂધવાતા ધૂંધવાતા હેલ્મેટ પહેરીને મૂંડી હલાવી મૂકી ને બાઇક ચાલુ કર્યું. મુખ્ય રસ્તા પર આવ્યાં. અમે એટલી વારમાં તો કાકા અમે સાથે સ્કૂટર પર કે એમની સાથે કાકી બાઇક પર બેઠાં છે એવું ભૂલી ગયાં અને જાત સાથે વાત કરવા માંડ્યા. બાઇક પર કાકી અને બાઇકની સાથોસાથ અમારા સ્કૂટર પર અમે અમારા સગ્ગા કાને “રનિંગ કોમેન્ટ્રી”નો ખરો અર્થ જાણ્યો. “સૌથી પહેલાં તો કાચાં લાયસનો કઢાવો. એના માટે આખો દા’ડો લાઇનમાં ઊભા રહો. નંબર આવે ત્યાં જ વિન્ડો પર ફૉમ ખલાસ થઈ જાય, રિસેસનો ટાઇમ  થઈ જાય. કાઉન્ટર પર બેઠેલો હોય એને ત્યારે જ બાથરૂમ જવું હોય, અથવા તો જરૂરી ફોન આઇ જાય. આ બધાં વિઘ્નો પાર પડે પછી આપડા હાથમાં ફૉમ આવે. મહિના હુધી રાહો જોવાની પછી પાક્કું લાયસન. એમાં જાત-જાતની પરીક્ષાઓ આલવાની. બધી ટ્રાફિક સાઇન્સો આપડે મોઢે કરી જવાની. અલા ભઈ બધીય ખબર છે. આ તમારાવાળા “બમ્પ છે” એવું પાટિયું બમ્પની પાસે લગાડે છે એ જો ને! એ વાંચવા જઈએ ત્યાં સુધીમાં તો બમ્પ પરથી કૂદીય જઈએ. નીકળી પડ્યા છે. પણ, પાછા અંગ્રેજીમાં આઠડો પડાવે. અંગ્રેજી ના આવડતું હોય એને ય લાયસન લેવા આવે ત્યારે આઠડાનું અંગ્રેજી તો આવડવા જ માંડે...” કાકાની આ નોનસ્ટોપ કોમેન્ટ્રીમાં અમે ય એક મોટો બમ્પ કુદાવ્યો અને બેલેન્સ હચમચી ગયું. એમાં ને એમાં અમારી ATQ (All Time Questionnaire)માંથી ધડાધડ પ્રશ્નો ઊભરાવા માંડ્યા. ટુ વ્હીલર હોય તો અંગ્રેજી આઠડો પાડવાનો અને ફૉર વ્હીલર હોય તો ઝાડ ફરતે ને બે ઝાડની વચ્ચે ગાડી લઈ જવાની ને વળી પાછી રિવર્સમાં લો, બ્રેક મારો ને કંઈ કેટલુંય. એક તો બાજુમાં જ ઇન્સ્પેક્ટર બેઠા હોય. અડધી ફડ તો એની જ બીક લાગતી હોય. લાયસન્સ લેવા આયા હોય તો ય અકસ્માત કર્યો હોય અને આ ભાઈ આપણને જેલભેગાં કરતાં હોય એવી લાગણી અનુભવાતી હોય એમાં એ જુદા જુદા ઑર્ડર છોડે. માંડ માંડ એ વિધિ પતે. પછી યે જો એનો મિજાજ ઠેકાણે હોય તો આપણાને લાયસન્સ મળે નહીં તો ના ય મળે. જેવો એનો મિજાજ અને આપણા નસીબ! હવે તો લાયસન્સમાં ફોટાય ત્યાં જ પડાવવાનાં હોય છે. ફેસબુક પર આપણે મૂક્યો હોય એનાથી સાવ વિપરીત જ ફોટા આવે.  “ચાલ્યા ગયેલ છે” એવા કેપ્શન નીચે છાપામાં આપી દેવાય એવો ફોટો આવે. ખબર નહીં શું કરે છે એ લોકો એક ફોટો પાડવામાં? આપણાને આપણા માટે પ્રેમ ઘટી જાય એવો ઘટિયા ફોટો પાડે. એ લાયસન્સના ફોટોગ્રાફરો માટે ખાસ ટ્રેનિંગ ક્લાસ ચાલુ કરવા જેવા છે. સેલ્ફી ફોટોગ્રાફ માટે તો આવા કોર્સ ચાલુ થયા જ છે...” આ ATQ હજી ચાલુ જ હતું ત્યાં તો અમે બીજો બમ્પ કુદાવ્યો અને વાસ્તવિક જગતમાં પરત ફર્યાં. આજુબાજુ નજર કરીએ તો હસુકાકા હજીય એમના તાનમાં જ સ્વગતોક્તિ ફટકાર્યે જતા હતા. તે જસુકાકી એમના સ્વભાવથી વિરુદ્ધ સાવ મૂંગામંતર થઈને કાકાને ખભે સ્ટૅન્ડ હોય અને થેલો લટકાવ્યો હોય એમ હાથ ટેકવીને આજુબાજુ ડાફોળિયાં મારતાં હતાં. વળી અમારા વિચારોને વેગ મળ્યો. “મા-બાપો ય ખરા છે હોં. નાનાં નાનાં છોકરાંના હાથમાં વાહન આપી દેતા જીવેય કેમ ચાલતો હશે? એવા તે શું કામમાં હોતા હશે કે છોકરાંઓને લેવામૂકવાની વ્યવસ્થાય ન થઈ શકે? કાયમ મજબૂરી હોય? અપત્ય-પ્રેમ હોય તો બધાનેય હોય. છોકરાં માંગે એટલે વાહન આપીને છોકરાંનાં પોતાનાં તો ખરાં જ પણ બીજાના જીવોય શું કામ જોખમમાં મૂકતાં હશે? સરકારે લાયસન્સ આપતી વખતે જ બધા પાસે સોગંદનામું કરાવવું જોઈએ કે આથી હું અહીં સહી કરનાર ફલાણા ફલાણા પ્રતિજ્ઞા લઉં છું કે મારા બાળકને જ્યાં સુધી એ 18 વર્ષનું ન થાય અને ટ્રાફિક સેન્સ ન આવે ત્યાં સુધી વાહન આપીશ નહીં. જો તેમ કરવામાં નિષ્ફળ જાઉં તો સરકારશ્રીને મારું લાયસન્સ અને વાહન જપ્ત કરવાનો અબાધિત અધિકાર છે.” ટેણિયાં મેણીયાંઓને જલદી જલદી મોટા થઈને શું કરવું છે, ખબર નહીં અલા મોટી ઉંમર થશે એટલે આવશે જ ને તમારા હાથમાં વાહન. ખમી જાવને બાપલા? આમેય નાના રહેવામાં જ અનેરી મજા છે. પણ સાલી એ વાત મોટા થઈ જઈએ પછી સમજાય છે.
હજીય આ વિચાર મણકા ફરતાં જ રહેત પણ અમારું ગંતવ્યસ્થાન આવી ગયું અને અમે સ્કૂટર ધીરું પાડ્યું. ટ્રાફિકના નિયમો યાદ રાખીને સાઇડ-ઇન્ડીકેટર પણ ચાલુ કર્યું. અમે સ્કૂટર ધીમે ધીમે બાજુ પર લાવ્યાં, હસુકાકા આણિમંડળીએ પણ બાઇક બાજુ પર લીધું. એમનો પુણ્યપ્રકોપ હજી કન્ટિન્યુઅસ મોડમાં જ હતો. અમે બંનેએ વાહન સ્ટૅન્ડ પર પાર્ક કર્યાં.
કાકી ઠેકડો મારીને ડોલકુ જોવા ઝડપથી આગળ આવ્યાં. હસુકાકાએ હેલ્મેટ ઉતારીને હૅન્ડલબાર પર લટકાવી અને અમારી સામે જોયું : “ઓ હો ભટ્ટજી... તમે? મંદિરે આવ્યાં છો?” અમે નિઃશબ્દ. એટલામાં જ ક્યાંકથી પોલીસ આવી ચડ્યો અને સ્કૂટર પર ડંડો પછાડ્યો ને બોલ્યા : “લાવો 50 રૂ.” અમે ભાનમાં આવ્યાં અને પૂછ્યું : “શેના?” જવાબમાં પોલીસે “No Parking”નું પાટિયું વંચાવ્યું. અમે ફરીથી નિઃશબ્દ અને 50 રૂ. આપ્યાં ને પાવતી લીધી.

ખોંખારો :
બાઇકચાલક શાંતિલાલને મોબાઇલ પર વાત કરતાં જોઈને ટ્રાફિક પોલીસે પકડ્યા. ઊભા રાખીને લાયસન્સ માગ્યું. પણ, શાંતિલાલ વાત કરતા જ રહ્યા. પોલીસે બેત્રણ વાર હાથ પછાડ્યો એટલે હોલ્ડ કરીને કહ્યું, “ગુનો તો પૂરો થવા દો. ચાલુ ખૂનની ક્રિયાએ કોઈ દિવસ પકડ્યા છે કોઈને? ગુનો પૂરો થાય પછી જ લાઇસન્સ બતાડીસ!!”

http://bombaysamachar.com/epaper/e10-12-2015/LADKI-THU-10-12-2015-Page-4.pdf

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool..મુંબઈ સમાચાર- 03/12/2015 THURSDAY -Laadki section

 

શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool
— શિલ્પા દેસાઈ
કાશીકાચી ઉર્ફે કાશીકાકીએ ચાની ચૂસકી મારતાં મારતાં છાપાની ગડી ખોલી ને અચાનક જ એમની ચૂસકી ભરવાની ઝડપમાં વધારો થઈ ગયો. ધોબી ઇસ્ત્રી કર્યા પછી સાડીની છેલ્લી ગડીને ડાબા હાથથી ઘસી ઘસીને Final Fold મારે એમ એમણે છાપું વાળીને ફાઇનલ ફોલ્ડ કર્યું. ફટાફટ ઘડિયાળમાં જોઈને રાડ પાડી: એ ચકલા, ઢબલી ઊઠોઓઓઓ... બંને છોકરાં સફાળા બેઠાં થઈ ગયાં ને “શું થયુંઉઉઉ...”ની સામી રાડ પાડી. કાશીકાચીએ ઉત્તર આપ્યો, “જલદી પેટીપલંગ ખોલો આળસુડાઓ. એમાંથી રજાઈ ને ગોદડાં, સ્વેટર બહાર કાઢો ને તડકે તપાવવા નાંખી આવો. કાસ્મીરમાં બરફ પડ્યો છે ભયંકર એવું છાપામાં આયું છે આજે.” ચકલો ને ઢબલી હસી પડ્યાં. ઢબલી કહે : “અલી મમ્મી, એ તો કાશ્મીરમાં પડ્યો છે. અહીં આવતાં તો હજુ વાર થસે અને એ ય તે બરફ તો નહીં જ. સુ યાર તું પાછળ પડી જાય છે.” કાશીકાચીએ ચકલાને પલંગમાંથી ખેંચી કાઢ્યો. “અલી એ મમલીઈઈઈ...” ચકલો બૂમાબૂમ કરી રહ્યો. પણ એમ કાશીકાચી માને તો કાશીકાચી શેના? આ ઠંડી કંઈ અંબાજીનો પગ પાળા સંઘ છે તે તમે કહો એ દિવસે અહીં આવસે? ઊઠ હેડ, આ પેટી ખોલ ને બધું કાઢવા માંડ, બંને છોકરાં ઊઠ્યાં અને પેટીપલંગમાંથી બધુ કાઢવા માંડ્યા. કાશીકાચીએ ફટાફટ બે જાડી રજાઈઓ ખેંચી કાઢી અને ઢબલીનાં હાથમાં પકડાવી. “લે, તારા બાપા પરોઢિયાનાં સપનાં જ જોતા હસે હજીય એમને ઓઢાડી આય. ગામથી વધારે એમને જ ટાઢ વાય છે તે.” ઢબુએ બેડરૂમ ભણી ગતિ કરી ત્યાં જ રૂમમાંથી ચુનીકાકા—કાશીકાચીનાં હસબન્ડ બગાસાં ખાતાં ખાતાં બહાર આવ્યા. ને ઢબુએ ત્યાં જ એમના હાથમાં પેટી, રજાઈઓ પકડાવી દીધી. “પપ્પા... લો, આ રાખો. મમ્મીએ તમને ગિફ્ટ આપી. “કહીને તાળી આપવા માટે ચકલા તરફ હાથ લંબાવ્યો.” આ તારી મમ્મીને ગામથી પહેલો શિયાળો આઈ ગયો એમ ને?” ચુનીકાકા ઉવાચ.
આવી... કાશીકાચીઓ ઘેર ઘેર હોતી હશે. હેં ને? “છાપામાં આવતાં સમાચારોની અસર કેટલી?” જો એવો સર્વે કરવાનો આવે તો આવા હવામાનના સમાચાર છાપ્યા પછી કરવો જોઈએ. ઇન્ટરનેટ અને ગૂગલનાં આ આધુનિક જમાનામાં છાપાની અસરકારકતા આવા સમાચારોથી ખબર પડે.
કહેવાય છે કે શિયાળામાં એકબે ડિગ્રીની ચઢઉતર પણ લોકોનાં શરીરના તાપમાન પર બહુ અસર કરતી હોય છે. પણ શિયાળો સિઝન એકદમ મઝાની. એમાં ના નહીં. શિયાળાની અસરો મુખ્યત્વે ખોરાક અને કપડાં પર પડે છે. કેટલાંક લોકોની અમુક પ્રકારની વર્તણૂક પણ શિયાળો હળવોફૂલ બનાવી દે છે. જેમ કે, અમારા એક પડોશી છે. હસમુખકાકા. આ હસમુખકાકા વર્ષોથી ઠંડી વધારે છે કે ઓછી એ માપવા વહેલી સવારમાં ઘરની બહાર નીકળે તે જોરથી શ્વાસ બહાર કાઢે. જો ધુમાડો જેવું દેખાય તો અતિશય ઠંડી અને જો કશું ન દેખાય એવું તો સામાન્ય ઠંડી. શિયાળા દરમિયાન હસમુખકાકાની આ ફેવરિટ એક્ટિવિટી છે. કોઈ વાર એમને જો ઠંડીની માત્રા અંગે મૂંઝવણ થાય તો બેચાર વાર શ્વાસ લઈને બહાર કાઢે ને જોનારને એમ લાગે કે એ કપાલભારતી કે એવો કોઈ યોગ અજમાવી રહ્યા છે. તો જશોદાકાકી વળી દૂધ માટે જે થેલી મૂકે એમાં ઉનની ન પહેરાય એવી બંડી ય મૂકે કે જેથી સવારે દૂધવાળો જે દૂધની જે થેલીઓ મૂકે એ ઠંડીને લીધે બરફ ન થઈ જાય!! તો વળી કોઈ પણ સિઝનને સિરીયસલી ન લેનારા કનુકાકા એ જે દિવસે નેપાળી સ્વેટર બજાર જુએ એ જ દિવસે શિયાળો બરાબર બેઠો છે એમ જાહેરાત કરે. ભલે પછી એ દિવસ નવેમ્બરમાં હોય કે ડિસેમ્બરમાં. ગયા વર્ષે એમનો શિયાળો બહુ મોડો બેઠો. કારણ કે નેપાળી સ્વેટર બજાર કાયમ જ્યાં ભરાય છે તે સ્થળ બદલાઈ ગયેલું. એટલે સોસાયટીની એક જનરલ મિટિંગમાં એ સદરો અને લેંઘામાં પ્રગટ થયા ત્યારે બધાએ પૂછયું : “કાકા, ઠંડી નથી લાગતી? તો એમણે ફિલસૂફની અદામાં જવાબ આપેલો : “ઠંડી તો માનસિક અવસ્થા છે.” સોસાયટીની ટપુસેનાએ એમને નેપાળી સ્વેટર બજારનાં બદલાયેલાં સ્થળની માહિતી આપી એ સાથે જ એમની માનસિક અવસ્થા અને સ્વસ્થતા બંને બદલાઈ ગયા અને એમણે ઠંડી ભયંકર વધી ગઈ છે તેની  વિધિવત્ જાહેરાત પણ એ જ મિટિંગમાં કરી દીધી.
શિયાળો આવે એટલે શાકમાર્કેટમાં વિવિધ રંગનાં શાકભાજી દેખાય. પબ્લિક પાર્કમાં તંદુરસ્તીવાંચ્છુઓની સંખ્યામાં વધારો જોવા મળે. પાર્કના વૉક-વે કે વૉક-ટ્રેક પર જાત જાતનાં વૂલન કપડાં પહેરેલાં વીરલા વીરલીઓ આમતેમ લયબદ્ધ-શિસ્તબદ્ધ ચાલતાં-દોડતાં દેખાય. તો લોન પર કોઈ ઠેકાણે યોગાસન કરનારાય નજરે ચડે તો વળી કાકા-માજીઓના એક અલગ જ મિજાજ દેખાય. ઘણાં ઉંમરલાયકોથી ઠંડી સહન ન થતી હોવાથી એમનાં રૂટિનમાં થોડું પરિવર્તન પણ આવી જાય. બગીચામાં આવવાનો સમય બદલાય અથવા તો આવવાનું જ બંધ થઈ જાય. પાર્કની બહાર જાત જાતનાં સૂપ, કરિયાતા, જ્યૂસ, નાસ્તાવાળાઓનો રીતસર રાફડો ફાટે ને આ લારીવાળાઓ એકબીજાની હરીફાઈમાં જરાય અસહિષ્ણુ થયા વિના સંપીને ઊભા રહે. દરેક જણ સારું જ કમાય. સાંધા જકડાઈ જવા, શરદી-ખાંસી થવા એ શિયાળાના માનીતા રોગો છે, એટલે એને નાથવા માટે જાત જાતનાં ઘરગથ્થુ ઉપાયો, શિયાળામાં ખાવ તો ગરમ ન પડે એવાં વસાણા-શિયાળુપાકની વાનગીઓની રીતથી વર્તમાનપત્રોથી માંડીને સોશિયલ નેટવર્ક ઊભરાતાં રહે. જે-તે ફળફળાદિ, શાકભાજીના ગુણ વર્ણવતા ફરફરિયાં જ્યાં ત્યાં ઊડાઊડ કરતાં દેખાય.
સરકાર માન્ય “નીરા કેન્દ્ર” એ શિયાળાની અદ્ભુત ભેટ છે. તમને સરકાર માન્ય હોય કે ન હોય પણ નીરો તો અહીં જ પીવો પડે. વળી નીરો ડ્યૂઅલ પર્સનાલિટી ધરાવતું એકમાત્ર સરકાર માન્ય પીણું છે. સવારે નવેક વાગ્યા સુધી એ એકદમ ગુણકારી પીણું ગણાય છે. પછી ધીમે ધીમે એનામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવા લાગે છે અને એ છેવટે “તાડી” નામના સરકાર-અમાન્ય પીણામાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો નીરો એ વહેલી સવારે નરણા કોઠે પીવાનું પીણું છે. પણ જો નવ પછી પીઓ અને સ્કૂટર પર જતાં પવન લાગે અને તમે જો તાનમાં આવી જાવ તો ચોક્કસ માનજો કે તમે નીરો નહીં પણ તાડી પી ગયા છો! એવા આ ચમત્કારિક પીણાને પૅકિંગમાં ઘરે (કે બીજે કશેય) લઈ જવાની મનાઈ છે. પણ કેટલાંક ઉત્સાહીજનો ઘરમાં વડીલોને માટે લઈ જવાનું છે એમ જૂઠું બોલીને કોથળીમાં ભરીને લઈ જાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો નીરો દૂરથી દેશી દારૂની પોટલી જેવો દેખાતો હોવાથી નીરો માટે લાઈનમાં ઊભેલાં કે લાઈનની બહાર ઊભેલાં જુદી નજરે જુએ છે. કાયમ ઊંધું જ વિચારતા લોકોની જગતમાં ખોટ નથી એટલે મોટા ભાગના લોકો મનમાં એમ જ વિચારે કે સાલો ઘેર જઈને નીરો બપોરે “તાડી” બને પછી જ ઢીંચશે. વળી, નીરોનું મુખ્ય વિતરણ નશાબંધી મંડળ દ્વારા થતું હોય છે!!! આ તો થઈ શિયાળાના અમૃત “નીરો”ની વાત. શિયાળામાં બીજો ક્રેઝ હોય તો એ “કચરિયું” ખાવાનો. તલમાંથી બનાવાતું કચરિયું એશિયન એટલે કે કાળાતલનું—અને અમેરિકન એટલે કે સફેદ તલનું. એમ બે પ્રકારનું મળે. જૂના સમયમાં ઘાણીમાં તલ નાંખીને બળદિયા ગોળ ગોળ ફરે. તેલ નીકળ્યા પછી જે બચે એમાં ગોળ-સૂંઠ વગેરે ઉમેરીને ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય એવું કહેવાતું. મૂળ તો આ ગામડાની “સ્વીટ” છે. પણ, હવે શહેરોમાં ય નાના-નાના કરિયાણાવાળાની દુકાનોમાંય કાળું-ધોળું કચરિયું રંગીન ખોખાઓમાં મળતું થઈ ગયું છે. શહેરમાં રસ્તાના ડિવાઇડર પર સૂનમૂન ઊભેલાં સાંઢિયા જોઈને એમ થાય કે આખો શિયાળો ગોળ ગોળ ફરીને બિચારો એટલો તો સૂન મારી ગયો છે કે એ ચક્કર ઉતારવા જ આમ ડિવાઇડર પર સ્થિર ઊભો હશે!! અમે તો દૃઢપણે એમ પણ માનીએ છીએ કે શહેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બળદોની સંખ્યા વધવાનું મૂળ કારણ આ “કચરિયું” જ છે. અમુક લોકો ભાર દઈને બોલવાના શોખીન હોય છે એ લોકો કચરિયાને “લો આ કચ્ચરિયું ચાખો” એમ કહીને નાની ડિશમાં આપણને કચરિયું ધરે ત્યારે આપણો કચ્ચરઘાણ નીકળી જશે એવી લાગણી થાય. શિયાળાની સાથે સાથે લગ્નસરા પણ શરૂ થઈ જાય. શિયાળામાં ભૂખ ઊઘડે... ઘણાને પારકા જમણવારોમાં ભૂખ ઊઘડે. એક સાથે પાંચસોસાતસો જણની ભૂખ ઊઘડે તો યજમાનનાં રસોડે યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાય તો જ નવાઈ. દાળ-શાકમાં પાણીનો પુરવઠો વધતો દેખાય તો જાણવું કે લોકોની ભૂખે ભયંકર ઉઘાડ કાઢ્યો છે.
આપણે ત્યાં ઠંડીનો પારો દિવસેય ગગડેલો રહે એવા માંડ આઠદસ દિવસ જ હોય. એ સિવાય શિયાળો અત્યંત ખુશનુમા હોય છે. સવારમાં ચ્હા પીતાં પીતાં ભૂતકાળમાં સરી જવાની મઝા અલગ જ આવે, તો ઠંડીને લીધે રાત્રે મોડે સુધી રખડતાં નિશાચરોની રખડપટ્ટી પર શિયાળા પૂરતી બ્રેક વાગે છે અને એમના કુટુંબને પણ સાથે સમય ગુજારવાનો લહાવો મળે છે. તો ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલાં લોકોને ધાબળા ઓઢાડીને પુણ્ય કમાતા કર્ણોનીય ખોટ નથી.

ખોંખારો : શિયાળા દરમિયાન પ્રયત્નપૂર્વક મેળવેલી તંદુરસ્તી આખું વરસ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ...

"Suffer-જન તો તેને રે કહીએ...”..26/12/15 mumbai samachar

"Suffer-જન તો તેને રે કહીએ...”

— દેસાઈ શિલ્પા
“હુરરર...હટ્ટટ....હુરરરરર... સુહાના સફર ઔર યે મૌસમ હંસીઈ... હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીંઈઈ...” યાદ આયોને દિલીપકુમાર?ઓલિમ્પિક્સમાં ગોળાફેંકમાં જીત્યા પછી ખેલાડી હવામાં મૅડલ ગોળ ગોળ ફેરવીને જે રીતે ખુશી વ્યક્ત કરે એવી જ ખુશી દિ. કુ. જી.એ ફિલ્મ “મધુમતી”નાં આ ગીતમાં વ્યક્ત કરેલી. આ ગીત અમે જ્યારે જોઈએ અથવા સાંભળીએ ત્યારે થાય કે ગમે એટલી સુહાની મોસમ હોય ને ગમે એટલો ફૉર લૅન હાઇ-વે હોય તોય આવી રીતે આપણાથી બીજું ક્યાં ગવાય છે? વાત મૂળ તો સુહાના સફરની છે. આખું વર્ષ નોકરી-ધંધામાં ગમે એટલું “Suffer” કર્યું હોય પણ હવે આ સિઝન શરૂ થઈ છે “સફર” કરવાની. દિવાળી આવતાં જ બધાં “સફરજનો” નીકળી પડે છે. પણ ખરેખર સફરનો લૂત્ફ ઉઠાવે છે ખરા?
ફરવા જવું એ ‘પેશન — Passion” હોવું જોઈએ કે “Fashion —ફેશન?” ટ્રાવેલ કંપનીવાળાઓએ “સફરજનોની નાડ (છાલ) બરાબર પારખી છે ને એટલે જ ઠેરઠેર તમે દુનિયાનું કોઈ પણ સ્થળ ફરવા જવા માટે નક્કી કરો પણ એનું અંતર તમારા ઘરથી હોય માત્ર “ ‘0’ — Zero” કિ.મી. ટ્રાવેલ એજન્સીવાળા એમની ઑફિસમાં તમારું સ્વાગત વૅલકમ ડ્રિંકથી કરતા થઈ ગયા છે જે ઍરહોસ્ટેસથીય રૂપાળું સ્માઇલ આ ટ્રાવેલ એજન્ટોની કંપનીનો સ્ટાફ તમને આપે છે. જેમ ડૉક્ટર પાસે જાવ તો એ બધા જ જરૂરી-બિનજરૂરી ટેસ્ટ કરાવી લે એમ જ આ ટ્રાવેલિયાઓ પણ બધા ટેસ્ટ ત્યાં જ કરી લે છે. આ વખતે અમને બી એમ થયું કે દરવખતે ફરવા જઈએ ત્યારે જાતે લમણાં લઈએ છીએ એનાં કરતાં બધું ટ્રાવેલ એજન્ટને જ સોંપીએ. આવો શુભ નિર્ધાર કરીને અમે નજીકની એક ટ્રાવેલ ઑફિસમાં ઘૂસ્યાં. પૅરિસનાં ઍફિલ ટાવરથી લઈને નડિયાદનાં સંતરામ મંદિર સુધીનાં ફોટા ચારે બાજુ ટીંગાડેલા હતા. જોકે, પછી ખબર પડી કે ટ્રાવેલ એજન્ટશ્રી નડિયાદનાહતા અને સંતરામ મંદિરમાં અખૂટ આસ્થા ધરાવતા હોવાથી એ ફોટો પણ ત્યાં હતો. બાકી નડિયાદ જવા માટે કંઈ કોઈ થોડું અહીં પૂછવા આવે? વીમા એજન્ટ મેડિક્લેઇમ ઉતરાવવાની સમજણ આપે એમાં અને ટ્રાવેલ એજન્ટ જુદાં જુદાં સ્થળોની માહિતી-સમજણ આપે. એમાં ઝાઝો ફેર હોતો નથી. ખેર, અમને એક નાની ચોરસ કોટડી જેને એ લોકો “હેલ્પ-ક્યુબ” કહેતા હતા એમાં બેસાડવામાં આવ્યા. તરત જ વૅલકમ ડ્રિંક પણ આવી ગયું. પાછળને પાછળ જ એક હીરો ટાઇપ હેન્ડસમ બૉય પ્રગટ થયો. અમે જાણે કે કોન બનેગા કરોડપતિની હૉટ સીટ પર હોઈએ અને એ પોતે બચ્ચનસાહેબ હોય એવી લાગણીથી અમારી સામે જોયું અને બેઠક પર ગોઠવાયો. ટેબલ પર સહેજ ખસેડખૂસડ કર્યું. ટેબલના ખૂણામાં કંઈ દેવી-દેવતાના ફોટા હશે એને પગે લાગ્યો. અમે ભાવવિભોર અને પ્રભાવિત પણ થયાં. આટલી વિધિપૂરી થતાં લગભગ દસેક મિનિટ થઈ. અમે એનું નિરીક્ષણ કરતાં રહ્યાં. “ફિલમમાં ચાલે એવો છે એટલિસ્ટ... ઍડ ફિલ્મમાં તો ચાલે જ.”
હવે એણે અમારી સામે જોયું અને હસ્યો.
“યસ મેમ, હાઉ મે આઈ હૅલ્પ યુ?”
“બહારગામ જવું છે.”
“કેટલાં જણાં છો?” આ પ્રશ્નથી અમે મુંઝાયા અને અમારી આજુબાજુ જોયું “હેં?” એકલી જ આવી છું તપાસ કરવા તો...”
એ હસી પડ્યો. “અરે, એમ નહીં. બહારગામ કેટલાં જણા જવા માગો છો?” પછી ઉત્તરની રાહ જોયા વિના ટેબલનું ખાનું ખેંચીને એણે એક કાગળ કાઢ્યો ને ટેબલ પર ચાદર પાથરતા હોઈએ એમ પાથર્યો. ગ્લોસી પેપરમાં જુદી જુદી જગ્યાઓમાં આકર્ષક ફોટોગ્રાફ્સ હતા અને થોડી થોડી વિગતો લખેલી હતી.
“તમે થોડાં મોડાં છો, મેમ...” અમે આશ્ચર્યથી ઘડિયાળ ભણી જોયું. હજી તો સવારના અગિયાર માંડ થયા છે ને આ હીરો એમ કહે છે કે તમે મોડાં છો? મીન્સ... ઑફિસ સવારમાં વહેલી જ ખૂલી જતી હશે? એવું વિચારવામાં અમે આ પ્રશ્નનો ઉત્તર પણ ખાઈ ગયાં. “યુ. સી., હવે તો દિવાળીની રજાઓ પછીનું જ બુકિંગ મળે તો મળે. એય નોટ સ્યોર હોં કે. દિવાળીનાં તો ઑલ પેકેજિસ પૅક થઈ ગયા છે.”
“અમારે દિવાળી પછી જ જવું છે મિત્ર. શું છે કે દિવાળીમાં તો બધે ભયંકર ભીડ હોય છે અને કોઈ વાર તો અહીંવાળા જ તંઈ પણ ભટકાય અને પાછાં આપણને પૂછે કે લો, તમે ય અહીં જ આયા છો? તે અમારાથી ના જવાય? કહો જોય? એની વેઝ, જગ્યાઓ બોલો જોય તમે.”
હીરો ફરજનાં ભાગરૂપે અમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો અને ફરીથી જરા હસ્યો અને અમને કેટલાં દિવસ ફરવા જવું છે એમ પૂછયું. અમે ચારપાંચ દિવસ કહ્યું એટલે એણે પેલી પાથરેલી ચાદર ગડી કરી દીધી અને ખાનામાંથી બીજી ચાદર કાઢી એમાંય રંગબેરંગી ફોટોગ્રાફસ અને માહિતી આકર્ષક રીતે સજાવેલા હતા.
“તમારી કોઈ પર્સનલ ચૉઈસ છે કે એક્ઝેટ. તમારે કઈ જગ્યાએ જવું છે?” અમે હેં? પૂછીએ એ પહેલાં જ એણે કહ્યું, “આઈ મીન, દરિયાકિનારે, પર્વત, જંગલ વગેરે વગેરે... તંઈ જઈને ખાલી પડ્યા જ રહેવાનું હોય તો એવાંય સ્થળોનીય આપણી એજન્સી પાસે વ્યવસ્થા છે જ.”
અમે ફરી વિચારમાં પડ્યાં. સાલું આવું તો ક્યારેય વિચાર્યું જ નથી. હીરોની ગાડી હવે રમરમાટ સ્પીડમાં દોડતી હતી. અમને પૂછેલાં પ્રશ્નોના ઉત્તરનીય રાહ જોયા વિના એ નૉનસ્ટોપ બોલ્યે જ જતો હતો. વચ્ચે...વચ્ચે પેલી ચાદર પર કંઈ કુંડાળાઓય કરતો રહેતો હતો. અમે થોડુંક ધ્યાનથી બેધ્યાનપણે સાંભળતા હતા.”
“તમારી સાથે ચિલ્ડ્રન્સ કેટલાં છે?” ભાષાનો આવો ભયંકર ઉપયોગ અમે સાંભળીને વ્યાકરણદોષ સુધારવાના મિજાજમાં આવ્યાં પણ એની વાણી તો અવિરત ચાલુ જ હતી એટલે “ચિલ્ડ્રન્સ” તો ક્યારનાંય આગળ જતાં રહ્યાં. યુ. સી., તો હું તમને એ પ્રમાણે પેકેજિસ સજેસ્ટ કરી શકું. ઘણીવાર ચિલ્ડ્રન્સોના લીધે સારી ડિલ્સ મળી જતી હોય છે.” અમે એક બાળક અંગે માહિતી આપી એટલે એણે કુંડાળું કર્યું અને એમાં લખ્યું ‘1 ચિલ્ડ્રન.’ અમે વળી વ્યાકરણદોષ નિવારવા આતુર થઈ ઊઠ્યાં, પણ હીરો બીજા કુંડાળા તરફ ગતિ કરી ગયેલો.
“વેજ કે નૉનવેજ? યુ. સી, હવે બધા સી-ફૂડને વેજ ફૂજ જ ગણે છે.”
“ના હોં, જો જો ભંઈ... પક્કા વેજ હોં... ને રસપૂરી ને પાતરાં ને એવું બધું. ફોરેન ટીપમાં જ ઑફર કરો કે અહીં પણ ખરું એવું બધું?” હીરો એ અમારો પ્રશ્ન તો સાંભળ્યો જ નહીં... અને કુંડાળા પર ચોકડી મારી અને બીજું કુંડાળુ અર્થાત્ પ્રશ્ન ઝીંક્યો.
“અમે અમુક સ્થળોએ ક્લાયન્ટને ફૂલ્લી ઈક્વિપ્ડ અપાર્ટમેન્ટ જ એકોમૉડેશન માટે આપીએ છીએ. યુસી, એમાં બધું જ હોય. ફ્રીજ, એસી, વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન વગેરે... સગડીવાળો ગૅસ ન હોય બસ. બધું તમારે માઇક્રોવેવમાં જ રાંધવાનું. ઇવન માઇક્રોવેવનાં વાસણો ને થાળી વાટકાય ખરા અપાર્ટમેન્ટમાં. જો તમને માઇક્રોવેવ ઓવન ઓપરેટ કરતાં આવડતું હોય તો તમારે માટે કામનું, બાકી તો એ સ્થળ નકામાં.”
અમે ના કહી. એ અચરજથી અમારી સામે તાકી રહ્યો. “અલ્યા ભંઈ માઇક્રોવેવ ચલાવતાં તો આવડે છે પણ ત્યાં જઈનેય જો અમારે જ રસોઈની માથાકૂટ કરવાની હોય તો એ તો અહીં પણ કરીએ જ છીએ ને હેં?” હીરો અમારી વાત સાથે સંમત થયો અને યે કુંડાળા પર પણ ચોકડી મારી. હવે મુખ્ય પ્રશ્ન આવ્યો, તમે બજેટ કેટલું રાખ્યું છે બાય ધ વે? યુ સી, એ પ્રમાણે તમને પેકેજ દેખાડું.”
અમે બજેટ જણાવ્યું એટલે એણે વળી નવું કાગળ કાઢ્યું ને કુંડાળાય નવેસરથી કરવા માંડ્યાં. “તમે અમારા ગ્રૂપ પેકેજમાં જોડાવા માંગશો કે તમારું ફૅમિલી જ એકલું હોય એવા પેકેજમાં?”
યુ સી... ગ્રૂપ પેકેજમાં તમને ડીલ થોડી સારી મળશે. ટ્રાન્સપૉર્ટનો ખર્ચો એકલાએ નહીં ઉઠાવવાનો આવે જે તમે એ બચેલી રાશિ ખરીદીમાં યુઝ કરી શકશો. ને બીજો ફાયદો એય થશે કે તમે નવા મિત્રો બનાવી શકશો. જે તમને ભવિષ્યમાં સાથે જવા કામ લાગશે. આ લૉજિક અમને સમજાયું નહીં. પણ પ્રશ્ન શું પૂછવો એ ન સમજાવાથી અમે ચૂપ રહીને કુંડાળાની રાહ જોઈ.. સદ્નસીબે હીરો પાસે બધા કુંડાળા ખલાસ થઈ ગયેલાં એટલે એણે અમને 1 કરોડનો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તમારે અત્યારે જ બધું નક્કી કરીને જવું છે કે ફરીથી મુલાકાત લેશો? યુ સી., અમારી એજન્સી હવે એક સપ્તાહ ચાલુ રહેશે પછી દિવાળીને લીધે પાંચમ સુધી બધું બંધ છે.
“તે હેં, તમે ટૂર પર જાવ તો અહીંના પેકેજમાં જાવ કે બીજે કંઈથી પેકેજમાં જાવ?” અમારી આ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાને બદલે ઉત્તરમાં હીરોમાત્ર જરાથી થોડું વધારે મલકાયો, મારા બેટા એ મગનું નામ મરી તો ન જ પાડ્યું. બઉ સ્માર્ટ. અમે એનો આભાર માન્યો અને ઊભા થયા. એણે અમને, “થૅંક્યુ મેમ... પ્લીઝડ ટુ મીટ યુ ..ડુ વિઝિટ અસ અગેઇન...” જેવા શિષ્ટાચારનાં વાક્યો ઝીંક્યાં અને એજન્સીની પ્રવાસ વિગતોનું એક કેટલોગ અમને પકડાવ્યું. રજાની મજાની સફરના ઘોડા દોડાવતાં અમે ઘર ભણી સફર આદરી અને મનોમન નક્કીય કર્યું કે હવે જવું તો મંગળ જ એટલે કે મંગળ ગ્રહ પર જ જવું.. ત્યાંય હવે જનજીવન છે. અમેય જરા રેકી કરતાં આવીએ તો ટ્રાવેલ-રિસર્ચનો આનંદ લઈ શકાય ને?
ખોંખારો : બહારગામ જઈનેય જો તાજગી અનુભવવાને બદલે મુશ્કેલીઓનો જ વિચાર કરતાં હોય એ લોકો ખરા અર્થમાં “Suffer-જન” છે.

http://bombaysamachar.com/epaper/e26-11-2015/LADKI-THU-26-11-2015-Page-4.pdf