“લાયસન છે?”
— શિલ્પા દેસાઈ
“ભટ્ટજી, ચાલો મંદિરે આવવું છે? ગુરુવાર છે તો સાંઇબાબાના મંદિરે જતા આવીએ જરા.” હસમુખકાકાએ અમને પૂછ્યું. ચાલો, આવું કહીને અમે સ્કૂટરની ચાવી લીધી અને ઘરમાં બારી-બારણાં બંધ કરીને ઘરને તાળું માર્યુ. નીચે આવીને જોયું તો હસમુખકાકા ઉર્ફે હસુકાકા એમના નવા નક્કોર બાઇકને આડું પાડીને કંઈ ગડમથલ કરતાં હતાં. અમને જોઈને કાકા હસ્યા અને બોલ્યા : “પહેલાં બજાજ હતું ને. એને આમ જ આડુંઊભું કરવામાં એ ફસ્ક્લાસ ચાલુ થઈ જતું, આમાં હારું નહીં થતું.” આટલું બોલીને કાકાએ ફરીથી બાઇક વાંકુચૂંકું કરી જોયું અને પછી સ્ટાર્ટ કરવા કીક મારી. ભરરરર... કરતું ચાલુ થઈ ગયું. બાઇક એટલે કાકાએ બૂમ પાડી ‘જસુઉઉઉ... હેંડ લી... આ ચાલુ થઈ ગયું છે.’ અમેય સ્કૂટરની ચાવી ઝુલાવતાં ઝુલાવતાં સ્કૂટર ભણી પ્રયાણ કર્યું. સ્કૂટર લઈને કાકા ઊભેલા ત્યાં આવ્યાં. કાકા બાઇક પર સવાર થઈને બાઇકને પગે લાગ્યા અને પ્રાર્થના કરતા હોય એમ લાગ્યું. આ એમનો રોજનો ક્રમ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો. અમે સ્કૂટર કાકાની બાઇક પાસે લાવીને ઊભું રાખ્યું અને રાહ જોવા લાગ્યાં. એટલામાં જસુકાકી હાથમાં નાનુંઅમથું ડોલચું (જેને એ ડોલકુ કહેતાં) ફીટોફીટ પકડીને આવતાં દેખાયાં. બાઇક પાસે આવીને જસુકાકી બોલ્યા : “લો આ ડોલકુ, ગવંડર પર લટકાઈ દો. “કાકાએ ડોલચું લઈને ગવંડર એટલે બાઇકનાં હૅન્ડલબાર પર લટકાવી દીધું. જસુકાકી ઓછી હાઇટના લીધે એક નાનો ઠેકડો લઈને બાઇક પર ગોઠવાયાં. “હેંડો ચલાઇ દો....” કાકાએ હેલ્મેટની વિન્ડો બરાબર સરકાવી અને બાઇક ચલાવવા માંડ્યું “કહું છું, લાયસન છે ને? બ્રેક સરખી વાગે છે? પાડસો નહીં ને રસ્તે? એં, ડોલકુ ખીચોખીચ ભરેલું છે, જો જો હોં સોટ બ્રેક ના મારતા ભઇસાબ. કહું છું સંભળાતું નથી? જવાબેય નહીં આલતા. “અમે સાથે સાથે જ બાઇક અને સ્કૂટર ચલાવતાં હતાં. અમેય માથે હેલ્મેટ પહેરેલી હતી. બે વાહન વચ્ચે અંતર હોવા છતાં જસુકાકીનો માઇક ગળી ગયેલો અવાજ ચોખ્ખો સાંભળી શકતાં હતાં એટલે હસુકાકાને નહીં સંભળાતું હોય એવી શક્યતાઓ જ ન હતી તેમ છતાંય હસુકાકાએ હેલ્મેટ કાઢી અને પેટ્રોલના ટાંકા પર મૂકી અને જવાબ આપ્યો. “તોબા તારાથી તો સતત પ્રશ્નો જ પૂછ્યાં કરે છે.” ને એટલામાં જ ક્યાંકથી ટ્રાફિક પોલીસ સીટી મારતો ફૂટી નીકળ્યો. કાકાની બાઇક સાઇડ પર લેવડાવી. હસુકાકા જસુકાકી પર તાડૂકી રહ્યા. જસુકાકી જરા ઓઝપાઈ ગયાં. ટ્રાફિક પોલીસે કાકા પાસે લાઇસન્સ માંગ્યું, “એક મિનિટ સાહેબ,” ને પછી કાકાએ કાકી સામે જોઈને ત્રાડ પાડી : જસુ... સાંભળ... લાયસન છે મારા પાકીટમાં જ. ને એનીય બે ઝેરોક્સ છે. બ્રેક હાઇક્લાસ વાગે છે. આજ સુધી ક્યારેય પાડી નાંખી છે તને રસ્તે તેં બકબક કરતી હતી. હેં? તારી પળોજણમાં જ આપણે સોટબ્રેક મરાઈ ને આ ડોલકા ફોલકા મારી ગાડીમાં નહીં ભરાવવાનાં હવેથી કહી દીધું. પોલીસ અને જસુકાકી બેય આ બ્રેથલેસ જવાબમારાથી ડઘાઈ ગયેલાં. જરાવાર પછી ટ્રાફિક પોલીસને કળ વળી ને એ બોલ્યો : “આતી ફેરી જવા દઉં છું પણ હવેથી હેલ્મેટ પહેરજો કાકા. તમારી જ સેફટી માટે હોય છે આ બધા રૂલ્સો.” કાકાએ ધૂધવાતા ધૂંધવાતા હેલ્મેટ પહેરીને મૂંડી હલાવી મૂકી ને બાઇક ચાલુ કર્યું. મુખ્ય રસ્તા પર આવ્યાં. અમે એટલી વારમાં તો કાકા અમે સાથે સ્કૂટર પર કે એમની સાથે કાકી બાઇક પર બેઠાં છે એવું ભૂલી ગયાં અને જાત સાથે વાત કરવા માંડ્યા. બાઇક પર કાકી અને બાઇકની સાથોસાથ અમારા સ્કૂટર પર અમે અમારા સગ્ગા કાને “રનિંગ કોમેન્ટ્રી”નો ખરો અર્થ જાણ્યો. “સૌથી પહેલાં તો કાચાં લાયસનો કઢાવો. એના માટે આખો દા’ડો લાઇનમાં ઊભા રહો. નંબર આવે ત્યાં જ વિન્ડો પર ફૉમ ખલાસ થઈ જાય, રિસેસનો ટાઇમ થઈ જાય. કાઉન્ટર પર બેઠેલો હોય એને ત્યારે જ બાથરૂમ જવું હોય, અથવા તો જરૂરી ફોન આઇ જાય. આ બધાં વિઘ્નો પાર પડે પછી આપડા હાથમાં ફૉમ આવે. મહિના હુધી રાહો જોવાની પછી પાક્કું લાયસન. એમાં જાત-જાતની પરીક્ષાઓ આલવાની. બધી ટ્રાફિક સાઇન્સો આપડે મોઢે કરી જવાની. અલા ભઈ બધીય ખબર છે. આ તમારાવાળા “બમ્પ છે” એવું પાટિયું બમ્પની પાસે લગાડે છે એ જો ને! એ વાંચવા જઈએ ત્યાં સુધીમાં તો બમ્પ પરથી કૂદીય જઈએ. નીકળી પડ્યા છે. પણ, પાછા અંગ્રેજીમાં આઠડો પડાવે. અંગ્રેજી ના આવડતું હોય એને ય લાયસન લેવા આવે ત્યારે આઠડાનું અંગ્રેજી તો આવડવા જ માંડે...” કાકાની આ નોનસ્ટોપ કોમેન્ટ્રીમાં અમે ય એક મોટો બમ્પ કુદાવ્યો અને બેલેન્સ હચમચી ગયું. એમાં ને એમાં અમારી ATQ (All Time Questionnaire)માંથી ધડાધડ પ્રશ્નો ઊભરાવા માંડ્યા. ટુ વ્હીલર હોય તો અંગ્રેજી આઠડો પાડવાનો અને ફૉર વ્હીલર હોય તો ઝાડ ફરતે ને બે ઝાડની વચ્ચે ગાડી લઈ જવાની ને વળી પાછી રિવર્સમાં લો, બ્રેક મારો ને કંઈ કેટલુંય. એક તો બાજુમાં જ ઇન્સ્પેક્ટર બેઠા હોય. અડધી ફડ તો એની જ બીક લાગતી હોય. લાયસન્સ લેવા આયા હોય તો ય અકસ્માત કર્યો હોય અને આ ભાઈ આપણને જેલભેગાં કરતાં હોય એવી લાગણી અનુભવાતી હોય એમાં એ જુદા જુદા ઑર્ડર છોડે. માંડ માંડ એ વિધિ પતે. પછી યે જો એનો મિજાજ ઠેકાણે હોય તો આપણાને લાયસન્સ મળે નહીં તો ના ય મળે. જેવો એનો મિજાજ અને આપણા નસીબ! હવે તો લાયસન્સમાં ફોટાય ત્યાં જ પડાવવાનાં હોય છે. ફેસબુક પર આપણે મૂક્યો હોય એનાથી સાવ વિપરીત જ ફોટા આવે. “ચાલ્યા ગયેલ છે” એવા કેપ્શન નીચે છાપામાં આપી દેવાય એવો ફોટો આવે. ખબર નહીં શું કરે છે એ લોકો એક ફોટો પાડવામાં? આપણાને આપણા માટે પ્રેમ ઘટી જાય એવો ઘટિયા ફોટો પાડે. એ લાયસન્સના ફોટોગ્રાફરો માટે ખાસ ટ્રેનિંગ ક્લાસ ચાલુ કરવા જેવા છે. સેલ્ફી ફોટોગ્રાફ માટે તો આવા કોર્સ ચાલુ થયા જ છે...” આ ATQ હજી ચાલુ જ હતું ત્યાં તો અમે બીજો બમ્પ કુદાવ્યો અને વાસ્તવિક જગતમાં પરત ફર્યાં. આજુબાજુ નજર કરીએ તો હસુકાકા હજીય એમના તાનમાં જ સ્વગતોક્તિ ફટકાર્યે જતા હતા. તે જસુકાકી એમના સ્વભાવથી વિરુદ્ધ સાવ મૂંગામંતર થઈને કાકાને ખભે સ્ટૅન્ડ હોય અને થેલો લટકાવ્યો હોય એમ હાથ ટેકવીને આજુબાજુ ડાફોળિયાં મારતાં હતાં. વળી અમારા વિચારોને વેગ મળ્યો. “મા-બાપો ય ખરા છે હોં. નાનાં નાનાં છોકરાંના હાથમાં વાહન આપી દેતા જીવેય કેમ ચાલતો હશે? એવા તે શું કામમાં હોતા હશે કે છોકરાંઓને લેવામૂકવાની વ્યવસ્થાય ન થઈ શકે? કાયમ મજબૂરી હોય? અપત્ય-પ્રેમ હોય તો બધાનેય હોય. છોકરાં માંગે એટલે વાહન આપીને છોકરાંનાં પોતાનાં તો ખરાં જ પણ બીજાના જીવોય શું કામ જોખમમાં મૂકતાં હશે? સરકારે લાયસન્સ આપતી વખતે જ બધા પાસે સોગંદનામું કરાવવું જોઈએ કે આથી હું અહીં સહી કરનાર ફલાણા ફલાણા પ્રતિજ્ઞા લઉં છું કે મારા બાળકને જ્યાં સુધી એ 18 વર્ષનું ન થાય અને ટ્રાફિક સેન્સ ન આવે ત્યાં સુધી વાહન આપીશ નહીં. જો તેમ કરવામાં નિષ્ફળ જાઉં તો સરકારશ્રીને મારું લાયસન્સ અને વાહન જપ્ત કરવાનો અબાધિત અધિકાર છે.” ટેણિયાં મેણીયાંઓને જલદી જલદી મોટા થઈને શું કરવું છે, ખબર નહીં અલા મોટી ઉંમર થશે એટલે આવશે જ ને તમારા હાથમાં વાહન. ખમી જાવને બાપલા? આમેય નાના રહેવામાં જ અનેરી મજા છે. પણ સાલી એ વાત મોટા થઈ જઈએ પછી સમજાય છે.
હજીય આ વિચાર મણકા ફરતાં જ રહેત પણ અમારું ગંતવ્યસ્થાન આવી ગયું અને અમે સ્કૂટર ધીરું પાડ્યું. ટ્રાફિકના નિયમો યાદ રાખીને સાઇડ-ઇન્ડીકેટર પણ ચાલુ કર્યું. અમે સ્કૂટર ધીમે ધીમે બાજુ પર લાવ્યાં, હસુકાકા આણિમંડળીએ પણ બાઇક બાજુ પર લીધું. એમનો પુણ્યપ્રકોપ હજી કન્ટિન્યુઅસ મોડમાં જ હતો. અમે બંનેએ વાહન સ્ટૅન્ડ પર પાર્ક કર્યાં.
કાકી ઠેકડો મારીને ડોલકુ જોવા ઝડપથી આગળ આવ્યાં. હસુકાકાએ હેલ્મેટ ઉતારીને હૅન્ડલબાર પર લટકાવી અને અમારી સામે જોયું : “ઓ હો ભટ્ટજી... તમે? મંદિરે આવ્યાં છો?” અમે નિઃશબ્દ. એટલામાં જ ક્યાંકથી પોલીસ આવી ચડ્યો અને સ્કૂટર પર ડંડો પછાડ્યો ને બોલ્યા : “લાવો 50 રૂ.” અમે ભાનમાં આવ્યાં અને પૂછ્યું : “શેના?” જવાબમાં પોલીસે “No Parking”નું પાટિયું વંચાવ્યું. અમે ફરીથી નિઃશબ્દ અને 50 રૂ. આપ્યાં ને પાવતી લીધી.
ખોંખારો :
બાઇકચાલક શાંતિલાલને મોબાઇલ પર વાત કરતાં જોઈને ટ્રાફિક પોલીસે પકડ્યા. ઊભા રાખીને લાયસન્સ માગ્યું. પણ, શાંતિલાલ વાત કરતા જ રહ્યા. પોલીસે બેત્રણ વાર હાથ પછાડ્યો એટલે હોલ્ડ કરીને કહ્યું, “ગુનો તો પૂરો થવા દો. ચાલુ ખૂનની ક્રિયાએ કોઈ દિવસ પકડ્યા છે કોઈને? ગુનો પૂરો થાય પછી જ લાઇસન્સ બતાડીસ!!”
http://bombaysamachar.com/epaper/e10-12-2015/LADKI-THU-10-12-2015-Page-4.pdf
No comments:
Post a Comment