Sunday, January 31, 2016

“જમણ-રમણભમણ!-17/12/15

http://bombaysamachar.com/epaper/e17-12-2015/LADKI-THU-17-12-2015-Page-4.pdf

મુંબઈ સમાચાર- ૧૭/૧૨/૧૫ ,ગુરુવાર ,"લાડકી" section

 

— શિલ્પા દેસાઈ

“ચલો દાળ, દાળ… દાળ… દાળ રજા માગે… બોલો દાળ… દાળ...” ને પંગતમાં બેઠેલા મહેમાનો એકસાથે પડિયા આગળ ધરે. દાળ પીરસનારો સર્વ પ્રત્યે સમભાવ દાખવીને પડિયામાં થોડી થોડી દાળ રેડી આપે. છેલ્લા છેલ્લા સબડકાઓ બોલે ને પંગતનો જમણવાર પૂરો થાય. દાળભાત, પૂરી, બટાકાનું રસાવાળું શાક, તેલિયું ઊંધિયું, વાલની દાળ, મોહનથાળનાં ચકતાં અને ડિસ્કો પાપડ-પાપડી. લગ્નપ્રસંગ હોય એ સ્થળથી જરા દૂર જમીન પર લાંબા પટ્ટા પાથરેલા હોય એના પર બિરાજમાન થવાનું. ફટાફટ પડિયા-પતરાળાં મુકાય. ‘એ ભ’ઈ બીજી પતરાળીય આપો. કેટલી ખરાબ પતરાળી છે આ. એની નીચે બીજી મૂકી દઈશ એટલે ચાલશે.” આવુંય સાંભળવા મળી જતું. આવી રીતે બે પતરાળી લેવાવાળા “હુસિયાર” કહેવાય. બધી જ આઇટમોમાં તેલનું પ્રમાણ અતિ. અર્થાત્ કોલેસ્ટ્રૉલનું પ્રમાણ અપ્રમાણ. મોહનથાળનાં ચકતાં પર રીતસર ઘીનો થર. મુખ્ય રસોઈયો પંગત ગોઠવાય એના પર ચાંપતી નજર રાખે. જેવી બધી જગ્યાઓ ભરાઈ જાય કે એ અંદર જઈને બૂમ પાડે “ચાલુ કરો.” ને હુડુડુડુ... કરતાંક પૂરી, શાક-દાળના કમંડળવાળા દોટ મૂકે. પૂરીવાળો પાંચ પાંચ પૂરીના થપ્પા પતરાળીમાં ઠાલવતો જાય. શાક-દાળમાં પહેલી જ પંગત હોય એટલે જરા છૂટથી પીરસાય. ગામડાગામમાં લોકોનો ખોરાક પણ વ્યવસ્થિત હોય એટલે પિરસનારાઓનીય કસોટી થાય. એક પંગત લગભગ કલાકે પૂરી થાય. છેલ્લે પવાલામાં પાણી કે છાશ પીને જોરથી ઓડકાર ખાઈને બે હાથના ટેકે ઊભા થઈને બે મિનિટ મૌન પાળવા ઊભા હોય એમ ઊભા રહે પછી જ ડગલું માંડવા સક્ષમ બને. આવા પંગત જમણવારમાં જરા વધારે જ ખવાઈ જાય એ જમીને ઊભા થયા પછી જ ખબર પડે! બધી પંગતો પડી જાય પછી છેલ્લે બંને કુટુંબનાં પચાસેક જણા જમવાનાં બાકી હોય એ જમવા બેસે. બંને પક્ષનાં વેવાઈઓ સામસામે મોહનથાળનાં ચકતાં ખવડાવે એ આખી ઘટના “લીમ્કા બુક ઑફ રેકૉર્ડઝ”માં સ્થાન પામે એટલી મૌલિક અને ભવ્ય હોય છે. વેવાઈઓ એકબીજાનાં મોઢાં સુધી મોહનથાળનાં ચકતાં લઈ જાય અને પછી ફોટોગ્રાફર સામે જોઈને અટકી જાય. ફોટો પડે પછી જ ચકતુ મોઢાંમાં ઠૂંસવાનું.. વારાફરતી બધા એકબીજા પર જૂની દાઝો કાઢતા હોય એમ એકબીજાનાં મોંમાં મીઠાઈ ઠૂંસે. આવા જમણવારો હવે “અમારા જમાનામાં તો...”ની ટેગલાઇનમાં વર્ણવી શકાય. એમ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. આવા જમણવારો જોવાનીય એક મઝા હતી. હવે લગ્નોમાંય “ગ્લોબલ વૉર્મિંગ”ની અસર વર્તાય છે. ગમે તે સિઝનમાં લગ્નો થાય. કમુરતામાંય શ્રેષ્ઠ લગ્ન મુહૂર્ત નીકળી રહ્યાં છે. દરિયાપાર તો એમ પણ કોઈ મુરત-કમુરતા નડતાં ન હતાં. જમણવારો આધુનિકથી અતિઆધુનિક બની ગયા છે અને મોટા ભાગે હવે લગ્નો ઇવેન્ટ-મૅનેજમેન્ટવાળાની જવાબદારી બની ગયાં છે. વરપક્ષ-કન્યાપક્ષ કરતાં વધારે જવાબદારી આ “અપક્ષ” જેવા ઇવેન્ટ-મૅનેજમેન્ટની હોય છે. લાઇવ બેસૂરા સંગીતથી માંડીને લાઇવ ઢોકળા સુધીની સઘળી જવાબદારી આ અપક્ષનાં માથે હોય છે. એકસરખા યુનિફૉર્મમાં સજ્જ અને મહેમાનોની સરભરા કરતાં, ચટરપટર અંગ્રેજી બોલતાં આસિસ્ટન્ટની ટીમ લગ્નોમાં જુદા જ પ્રકારનો મોભો બક્ષે. કોઈ વાર દેખાદેખીથી તો કોઈ વાર સ્ટેટ્સ સિમ્બોલ તરીકે લગ્નોની જવાબદારી આ અપક્ષ જેવા ઇવેન્ટ મૅનેજમેન્ટને સોંપી દેવાય છે. જૂના જમાનામાં ભાંગેલા દિલની ધડકન એવો “પિયાનો” હવેનાં લગ્નોમાં જમણવાર સાથે મનોરંજન પીરસે છે. જમતાં-જમતાં “લાઇવ” પિયાનો સાંભળીને ત્રણચાર વાટકી બાસુદી કે રસ ઝાપટી જનારા ભોજનપ્રેમીઓની સંખ્યા સારી એવી હોય છે. તો વળી કેટલાક આ પિયાનો સૂરમાં છે કે બેસૂરો એની વ્યર્થ ચર્ચા કરવામાં જમવાનુંય વિસારે પાડી દે એવા વીરલાઓય મળી જ રહે. હવેનાં લગ્નસમારંભો ઘરઆંગણેથી કે ન્યાતની વાડીઓમાંથી બહાર નીકળીને પાર્ટીપ્લૉટોમાં ગોઠવાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટોમાં સરસ મઝાનાં ડેકોરેશન વચ્ચે જમણવારો ચાલે. પ્લોટના એક ખૂણામાં લાઇનસર જુદા જુદાં કાઉન્ટર ગોઠવેલાં હોય અને કાઉન્ટરની સામી બાજુએ અપક્ષનાં યુનિફૉર્મવાળા, વેલમેનર્ડ કાઉન્ટર બોયઝ, કાઉન્ટર ગર્લ્સ ઊભાં હોય. ભોજનની સાથે એકસરખું જ સ્મિત પિરસતાં આ ટીમ મેમ્બરો જૂના લોકોને એમના જમાનાનાં લગ્નનાં જમણવારો યાદ કરાવી દે ખરા! એ સમયે પિરસણિયા મોટા ભાગે કુટુંબનાં જ ભાઈ-ભાંડરડા, આડોશીપાડોશી હોય અને મોટાભાગે પંગતમાં જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમતા પણ ખરાં. વચ્ચે વળી પાછો ટેબલખુરશીનો યુગ પણ થોડો સમય ઝળહળી રહ્યો. ધોળા બગલાની પાંખ જેવા ટેબલ-ક્લૉથ, સ્ટીલનાં થાળીવાટકાએ એમનાં સમયમાં બરાબર રાજ કર્યું. તો જમણવારની મિષ્ટાન્ન-પકવાનમાં આમૂલ પરિવર્તન આવ્યું. પૂરીની ઇનિંગ્ઝ પૂરી થઈ હોય એમ જાતજાતનાં પરોઠા, રોટલીઓ ટેબલ પર દેખાવા માંડ્યાં. થાળીવાટકાનાં ખખડાટ પણ થોડા ઓછા થયા અને સુવર્ણયુગ શરૂ થયો બૂફેનો. ઊભા ઊભા જમવાની આ પદ્ધતિ ‘ગીધ-ભોજન’ તરીકેય ઓળખાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટમાં યોજાતા જમણવારોને ધ્યાનમાં રાખીને વિખ્યાત કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમૂજ કરેલી : “ઢોંસાનું કાઉન્ટર ક્યાં છે?” એક મહેમાને બીજાને પૂછયું. બીજાએ જવાબ આપ્યો : “આ પેલું પાણીપુરી વાળુ કાઉન્ટર છે ને ત્યાંથી ડાબી બાજુ ચાઇનીઝ છે અને જમણી બાજુ મેક્સિકન છે. એ પૂરું થાય એટલે તરત જ ઢોંસાનું કાઉન્ટર છે.” આ બૂફેપ્રથાથી ખરેખર ભોજનવીરો થોડા નિરાશ થયા. બેસીને આરામથી તૈયાર ભાણે જમવાની જે જાહોજલાલી હતી એનું આ પ્રથાએ ગળું ઘોંટ્યું અને ઉપરથી જાતે પીરસીને જમવાનો વારો આવ્યો. જમણવારોમાં વાનગીઓનાં નામ ગણવામાંય આંગળીના વેઢા વધી પડતાં એને બદલે ભારતીય ઉપરાંત — મેક્સિકન, થાઈ, શ્રીલંકન વગેરે કોન્ટિનેન્ટલ ફૂડ પીરસાવા માંડ્યાં જેનાથી મોટા ભાગનાં નામ પણ જમી રહીએ ત્યાં સુધીમાં ભુલાઈ જાય.
યુનિફૉર્મવાળા પેલા અપક્ષના સભ્યો હાથમાં જાત જાતનાં સ્ટાર્ટર, સૂપ, જ્યૂસની ટ્રે લઈને ચોતરફ ફર્યા કરે. જેને જે ખાવું હોય એ ખાય. કોઈને વળી સ્ટાર્ટર ભાવી જાય તો એના પર જ મારો ચલાવે. તો કોઈ વૃદ્ધજનને પનીર ટીકા સળી કહેતાં ટૂથપીકમાં ભરાવીને કેવી રીતે ખાવું એનો ડેમો કોઈ ટેણિયો આપતો હોય એવુંય જોવા મળે તો.
ભારતીય વાનગીઓ તો ઘેર ખાઈએ જ છીએ તે અથવા તો દેશી ગણાઈ જવાની બીકે વિદેશી ભોજનનાં કાઉન્ટર પર જરા વધારે ભીડ જોવા મળે. જે રીતે ભોજનનાં કાઉન્ટર અને વપરાયેલી થાળીઓનાં કાઉન્ટર વચ્ચે અંતર હોય છે એ જોતાં એમ લાગે કે થાળી મૂકીને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે કે શું? તોય, આ આધુનિક જમણવારોમાં એકેય આઇટમ મનભરીને ધરાઈને ખવાય નહીં અને તેમ છતાંય જમી પરવારીએ ત્યારે વધારે પડતું ખાઈ લીધાની અનુભૂતિ ચોક્કસ થાય. 100-150 વાનગીઓ ધરાવતા જમણવારમાં કેટલીય આઇટમ તો ચાખી પણ ન શક્યાનો રંજ પણ સારા ભોજનપ્રેમીને પજવે. જમી લીધા પછીય તમને મુખવાસમાં પાન બનાવીને શેરો-શાયરી લલકારતાં ખાસ તાલીમ પામેલાં પાનવાળાઓ પાન મોંમાં મૂકી આપે અને તમને એટલિસ્ટ જમણવાર પૂરતાં રાજા-મહારાજા જેવી ફિલિંગ આવે જ આવે.

ખોંખારો : બૂફે જમણવારમાં ગમ્મે એટલાં ફેરફાર આવે, હાથ ધોવા તો ચોક્કસ જમનારે જ જવું પડશે. કારણ કે પંગતમાં બેસીને જમણવારમાં હાથ થાળીમાં ધોઈ શકાય છે પણ એક હાથે પ્લેટ પકડીને બીજો હાથ પ્લેટમાં કેવી રીતે ધોવો એની હજી કોઈ રીત શોધાઈ નથી.

No comments:

Post a Comment