#MumbaiSamachar thursday- 21/01/16 Laadki section -મરક મરક
— શિલ્પા દેસાઈ
ડીંગ..ડોંગ... સવાર સવારમાં ડૉરબેલ સાંભળતા ચકુડિયો દોડીને બારણા પાસે ધસી ગયો ને દરવાજો ખોલતાં જ બોલ્યો ; “આવો, આવો કાકા...”
“પપ્પા ક્યાં?” હસુકાકાએ પૂછ્યું.
“એ તો નાહવા ગયા છે.” ચકલાએ જવાબ આપ્યો.
“પણ, મારે એમને નાહવા લઈ જવાના હતા ને?”
ચકલો હસ્યો ખી...ખી... ખી... જુઓ આ પપ્પા નીકળ્યા નાહીને... એમને નાહતા આવડે છે કાકા...”
એ ચકુડિયા... કાકાની ઉડાવે છે? તને ખબર છે ને કે હું ને તારા પપ્પા છેલ્લાં 12 વર્ષથી સાથે જ સ્વિમિંગમાં જઈએ છીએ. “અમારું ચાલે તો ત્રણસો પાંસઠે દિવસ સ્વિમિંગ કરીએ. પણ સ્વચ્છતા અભિયાન આપણેય માનીએ છીએ હોં.” તને સ્વિમિંગના ફાયદા ખબર છે? બેસ તારા પપ્પા તૈયાર થઈને આવે ત્યાં લગી. તને પાંચ મિનિટમાં સ્વિમિંગનું સિક્રેટ હમજઈ દઈસ.”
ચકલો “સિક્રેટ” શબ્દ સાંભળીને જરા લલચાયો અને મોબાઇલ પર ગેમ રમવાનું મુલતવી રાખીને હસુકાકાની સામે ગોઠવાયો. “જો સાંભળ, સ્વિમિંગ એક કળા છે. આઈ મીન આર્ટ... આ એકમાત્ર એવી કલા છે કે જે શારીરિક સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સ્વિમિંગથી બાળકના હાઇટબોડી મજબૂત બને છે. પાછું વજન ના વધે હોં. દરેકે દરેક ઉંમરની વ્યક્તિ માટે તંદુરસ્તી કાયમ રાખવા સ્વિમિંગ એક અદ્ભુત કસરત છે. એક ઝેન કથાય છે સ્વિમિંગ સાથે સંકળાયેલી બોલ ચકલા. એક સાધુ એના શિષ્યને લઈને નદી પાસે આવ્યા. નદીના સામે કાંઠે આશ્રમમાં પહોંચવાનું હતું. એક સ્ત્રી પણ ત્યાં ઊભેલી. પણ એને તરતા આવડતું ન હતું. વળી પાણીય ઊંડું હતું. એટલે ગુરુએ સ્ત્રીને પોતાની પીઠ પર બેસાડી નદી પાર કરાવી. શિષ્ય બધું જોઈ રહેલો. એણે આશ્રમ પર આવીને રહેવાયું નહીં એટલે ગુરુને પ્રશ્ન કર્યો કે આપણે સાધુ લોકો તો સ્ત્રીઓથી દૂર રહીએ ને તમે તો એને પીઠ પર બેસાડી નદી પાર કરાવી. ચકલા હવે ગુરુએ જે જવાબ આપ્યો એ હમજવા જેવો છે. ગુરુએ કહ્યું : “મેં તો એ સ્ત્રીને નદી પાર કરાવીને સામે કાંઠે ઉતારી દીધી પણ, તું તો એને ઠેઠ આશ્રમ સુધી લઈ આવ્યો. ચકલા ગુરુમાં આ ફિલસૂફી કેવી રીતે આઈ ખબર છે? જો પેલી સ્ત્રીને સ્વિમિંગ આવડતું હોત તો એ જાતે જ નદી પાર કરી ગઈ હોત અને જગતને આ મહાન ગૂઢ વાત સમજવા ન મળી હોત.”
ચકલો ત્રાટક કરતો હોય એમ હસુકાકાને તાકી રહેલો જરા વાર રહીને બોલ્યો : “કાકા, આપણુંય સ્વિમિંગનું ફૉર્મ લેતા આવજો. આપણેય સ્વિમિંગ શીખવું છે નહીં તો કોઈ દિવસ હુંય ઝેન કથાનું પાત્ર થઈ જઇસ.” બંને હસ્યા ને ચકલાના પપ્પા બાબુભાઈની એન્ટ્રી થઈ. એમણે કહ્યું, “હસુભાઈ, આજે મેળ નહીં પડે. અત્યારે મારે એક મિટિંગ છે. બપોરે ફ્રી થઈશ. એટલે હવે તરવાનું કાલે.”
“પણ, પપ્પા. બપોરે સમય હોય તો બપોરે જઈ આવજો ને... દિવસ શું કામ પાડવાનો? મારું ફૉર્મ બપોરે લેતા આવજો.”
“હા પણ ચકલા... બપોરે સ્વિમિંગમાં ના જવાય. લેડિઝ ટાઇમ હોય. જેન્સ નૉટ એલાઉડ.”
“પણ કોઈ જેન્સને બપોરે જ ફાવે એમ હોય તો?”
“તારા જેવા હોય ને એવા બપોરવાળાઓએ નદીમાં પાણી હોય તો કિનારે બેસીને છબ છબ કરી લેવાનું. વાર્તા પૂરી; ને હવે મારો પારો છટકે એ પહેલાં ભાગ અહીંથી... ને ચકલાએ રૂમની બહાર ચાલતી પકડી.
શરીરને સાજુંસમુ રાખવાનાં અનેક નુસખાંઓમાં શિરમોર છે. “સ્વિમિંગ.” સ્વિમિંગ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જો તમને સ્વિમિંગ આવડતું હોય તો એમાં “સ્ટાઇલો” મારવાની અઢળક તકો રહેલી છે. “બેકસ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ, વાટરફ્લાય. અંડરવૉટર વગેરે વગેરે. ઘણા અનુભવીઓ બેકસ્ટ્રોક એટલે કે પાણી પર ચત્તાપાટ પડીને તરવાનું પસંદ કરે છે. આકાશદર્શન કરતાં કરતાં તરવામાં એક તકલીફ એવી થાય કે દિશાભાન ઓછું રહે અને આજુબાજુનાં તરવૈયાઓ સાથે અથડાઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે. કોઈ વાર ઈજાગ્રસ્ત બી થઈ જવાય. તો અન્ય બેક સ્ટ્રોકવીરની અડફેટમાં આવી જવાય ત્યારે હેડ-ટુ-હેડ ઢીસુમ થઈ જવાય. બેક સ્ટ્રોક સ્ટાઇલનો એક ફાયદો એવો છે કે આકાશ દર્શન કરતાં કરતાં તરવાથી તમારી દૂરની નજર સુધરે છે. આવડા મોટાં આકાશમાં આપણે જોવા સિવાય કશું ઉકાળવાનું હોતું નથી માટે એકાગ્રતાય વધે છે. એકાગ્રતા વધવાથી મન પર કાબૂ વધે છે અને મન આડુંઅવળું ભટકતું અટકે છે.
“અંડર વૉટર સ્વિમિંગ” નામનો પ્રકાર સોટા એટલે કે રોફ મારવા બહુ ઉપયોગી સાબિત થાય છે. ‘શાન’ નામની હિંદી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશીકપૂર સ્વિમિંગ પૂલમાં અંડરવૉટર સ્વિમિંગ કર્યા પછી કોક ભળતી જ જગ્યાએ ગટરનું ઢાંકણું ખોલીને નીકળે છે. ડેન્માર્કના ‘સ્ટિંગ સીવરીનસેન નામના તરવૈયાનાં નામે સળંગ 22 મિનિટ જેટલું “અન્ડરવૉટર” તરવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે. ઘણી વાર તરવૈયો લાંબા સમય સુધી “અંડરવૉટર” રહે તો બહાર ઊભા રહીને જોતાં હોય એને એમ જ થાય કે આ ગયો ત્યાં તો એ સામા છેડેથી ફિલ્મોમાં જેમ એકદમ જ દેવીદેવતાઓ પ્રગટે છે એમ પ્રગટે. એ વખતે એનો ચહેરો જોયો હોય તો કોઈએ ગળચી દબાવી હોય અને માંડ માંડ છૂટ્યો હોય એવો જ લાગે. કોઈ પણ રમત સમૂહમાં રમવાથી એ રમવાની મજા અનેકગણી વધી જાય. આપણે ત્યાં લગ્ન પછી વરવધૂને કંકુવાળા પાણી ભરેલી કથરોટમાં રૂપિયો રમાડવાની પ્રથા છે. આવી જ રમત સ્વિમિંગ પુલમાં રૂપિયો કે ચાવી કે અન્ય વસ્તુ નાંખીને અંડરવૉટર જઈને એ શોધવાની રમાય છે. ફરક માત્ર એટલો પેલી કથરોટમાં માત્ર વરવધૂ જ રૂપિયો શોધવાની રમત રમે. કથરોટમાં માત્ર હાથ જ ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે સ્વિમિંગપુલમાં આખેઆખા પાણીની મંઈ ગરકી જવું પડે છે અને એના માટે વરવધૂ જ હોવાં જોઈએ એવા કોઈ નિયમો નથી હોતા.
સ્વિમિંગ કર્યા પછી ભયંકર ભૂખ લાગે છે એટલે જ દરેક સ્વિમિંગ પુલ/સ્નાનાગારની બહાર ભજિયા-ગાંઠિયા, ચાની લારીઓ ધમધોકાર ચાલતી હોય છે. જેટલી કૅલરી સ્વિમિંગ કરીને બળી હોય એટલી કે એનાથી વધુ કૅલરી આ બધું ગ્રહણ કરીને ફરીથી ભેગી કરી લેનારા તરવૈયાઓનીય ખોટ નથી. એટલે જ સ્વિમિંગ પુલમાં રંગબેરંગી કોશ્ચ્યુમ પહેરેલાં ફાંદાળા, અદોદળા તરવૈયાઓ જોવા મળે જ મળે.
હમણાં છાપામાં એક સમાચાર હતા કે એક સિંહણ તરતી તરતી કશેક પહોંચી ગઈ. એ પછી એને મજા પડી હોય કે બીક લાગી હોય પણ એણે ઊછળી ઊછળીને તરવાનું ચાલુ રાખ્યું. કેટલાંક જીવદાયપ્રેમીઓને આ સિંહણની દયા આવી અને એમણે જંગલખાતાને જાણ કરી અને સરવાળે સિંહણ ઘરભેગી થઈ. હમણાં હમણાંથી સિંહો દરિયાકિનારેય જોવા મળે છે એવું એક સર્વે કહે છે. એટલે સિંહોમાંય તરવાના ધખારા હોય કે પછી તંદુરસ્તી અંગે જાગૃતિ આવી હોય એમ બને.
તરવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે એક વાર શીખો તો પછી જિંદગીભર ભુલાતું નથી. કોઈ ભાષા શીખ્યા હોય અને જો પ્રેક્ટિસ ના કરો તો ભૂલી જવાય પણ સ્વિમિંગ કદી ભૂલાતું નથી. કદાચ અકસ્માતે કોઈ અજાણ્યા પાણીમાં પડી જાવ અથવા કોઈ પાડી નાંખે તો તમે તરત જ ડૂબી જાવ એવું કદી ન બને...
કાશીમાં અનેક લોકોનાં ઘરે બાથરૂમ જ નથી. કેટલાંય એવા લોકો છે જે ત્રણસોને પાંસઠ દિવસ ગંગા નદીમાં જ ડૂબકી લગાવીને નાહઈ લેતા હશે. ગામડામાં તળાવ કે નદીમાં ધુબાકા મારતાં છોકરાંઓને જોઈને એવી રીતે ધુબાકા મારવાની લગભગ દરેકને ઇચ્છા થઈ જ આવે. આમેય, જિંદગીમાં ક્યારેય પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે અને કોઈ ઉપાય ન બચે તો ભગવાનને પ્રાર્થના કરવાથી કોઈ વાર તરી જવાય છે. આમ, તરણકલા અને આધ્યાત્મિકતાને પણ સંબંધ છે ને શરીર ભીનું ન થવા છતાં તમે તરી જાવ છો. જીવનમાં સહુએ એક વાર તરણકલા તો શીખી જ લેવી જોઈએ એવું અમારું દૃઢપણે માનવું છે, “ક્યા પતા કૌન ધક્કા દે દે પાની મેં...”
ખોંખારો : શાંત પાણીમાં ઊંધા સૂઈને પલાંઠીવાળીને માત્ર શ્વોસોશ્વાસ નિયમિત રાખવાથી સ્થિર રહી શકાય છે. પણ શાંત પાણી હંમેશાં ઊંડાં હોય છે ને પલાંઠી છોડવામાં જો નિષ્ફળતા મળે તો જળસમાધિ થઈ જાય એવાય ચાન્સીસ ખરા. એટલે આપણે યોગ જ કરવા હોય તો બગીચામાં કરવા. સ્વિમિંગ પુલમાં તો નહીં જ....
No comments:
Post a Comment