મુંબઈ સમાચાર- ગુરુવાર,૨૮/૦૧/૨૦૧૬, લાડકી સેક્શન, "મરક મરક "
http://bombaysamachar.com/epaper/e28-1-2016/LADKI-THU-28-01-2016-Page-4.pdf
— શિલ્પા દેસાઈ
એકવાર એક ઓશોભક્ત ઓશોને મળ્યો અને કહ્યું મારે ધ્યાનમાં બેસવું છે પણ, જેવો ધ્યાનમાં બેસું એવું જ મને બધું યાદ આવે છે. હું કશું ભૂલી શક્યો નથી.’ અને ઓશોએ એને એક ઝેનકથાનું પડીકું પકડાવતા કહ્યું : “જો સાંભળ, તારાથી ધ્યાન થશે. માત્ર એટલું જ યાદ રાખવાનું કે તું જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે તારા મગજમાં વાંદરો ન આવે.” ને પેલો ખુશી ખુશી વિદાય થયો. ઘરે જઈ ધ્યાનમાં બેઠો... ને એને ધ્યાનમાં વાંદરા જ આવવા લાગ્યા. જેને એણે ભૂલવાનાં હતાં. એને જ એ ભૂલી શકતો ન હતો. એટલે વાત જાણે એમ છે કે ભૂલવું પણ એક કળા છે કે યોગનો ભાગ હશે!
ભૂલી જનારા લોકો ઘણાં કિસ્સાઓમાં ચોક્કસ હોય છે. જેમ કે જે લોકોને રોજ પીવાની ટેવ હોય એ લોકો ચોક્કસ સમયે ભૂલ્યા વગર ટેબલ પર હાજર જ હોય છે ને પીધા પછી એ લોકો “ભાન” ભૂલી જતાં હોય છે. જેમ “ફટાક બહેરા” હોય છે એમ “ફટાક ભૂલકણાં” પણ હોય છે. એમને જેટલું યાદ રાખવું હોય એટલું જ રાખે. કોઈની પાસેથી ઉધાર પૈસા લીધા પછી એ વાયદા પ્રમાણે આપવાનું ભૂલી જાય છે. તો કોઈ વળી મોબાઇલનું બિલ ભરવાનું ભૂલી જાય. ને પછી જ્યારે સર્વિસ બંધ થઈ જાય ત્યારે અથવા બંધ થઈ જવાના રિમાઇન્ડર આવે સર્વિસ પ્રોવાઇડર તરફથી કે તરત જ દોડે. બિલકુલ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એમ જ. કોઈ બૅન્કમાં ચેક જમા કરાવવાનું ભૂલી જાય તો કોઈ વળી છોકરાઓની સ્કૂલમાં ફી ભરવાનું ભૂલી જાય.
થોડા દિવસ પહેલાં એક મેળાવડામાં જવાનું બન્યું. એક ભાઈએ આવીને “ભટ્ટજી, કેમ છો?” પૂછ્યું. અમે સાવ નિશ્ચલ ભાવે એમની તરફ તાકી રહ્યાં. ભાઈએ છેલ્લે ક્યાં મળ્યાં હતાં, કેવી રીતે ઓળખાણ છે એનાં પૂર્વાપર સંબંધની યાદ આપી ત્યારે માંડ યાદ આવ્યું કે ઓહો! આ તો ફેસબુકવાળા. યાદશક્તિનું એવું છે કે કોઈવાર બહુ જૂનું વર્ષોનાં વર્ષો યાદ રહે તો કોઈ વાર સાવ નજીકનાં જ ભૂતકાળનુંય મગજમાંથી કદી બન્યું જ ન હોય એમ ભૂંસાઈ જાય છે. “ભૂલી જ ગયો/ગઈ” વાળું વાક્ય અત્યંત વરદાનરૂપ હોય છે. ઘણી વાર કોઈએ કશું સોંપ્યું હોય અને ન થઈ શક્યું હોય તો આ “ભૂલી ગઈ/ગયો” વાળી ઉક્તિ ઢાલ સાબિત થાય છે. જેમ પ્રેમને કોઈ ઉંમર નડતી નથી એમ ભૂલકણાપણાંનેય ઉંમરનો કોઈ બાધ નડતો નથી. ગમે તે ઉંમરે ભૂલી જઈ શકાય છે. ભૂલી જવું એ સામાન્ય ઘટના છે. દરેક સામાન્ય કે અસામાન્ય વ્યક્તિનાં જીવનમાં ક્યારેક તો બની જ હોય છે. એકવાર એક જ્ઞાતિના વાર્ષિક સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હતું. નાનાંમોટાં બાળકો સરસ મજાનાં તૈયાર થઈને એક હરોળમાં ગોઠવાઈ ગયા હતા. વારાફરતી બધાંના નામ બોલાયાં ને બાળકો સ્ટેજ પર આવીને ઇનામ, સર્ટિફિકેટ લઈને ફોટો પડાવવા ઊભાં રહ્યાં. અચાનક જ આયોજકે જાહેરાત કરી કે બાળકો, તમારાં સર્ટિફિકેટ અહીં જ મૂકીને જજો. તમને પછીથી ટપાલમાં મોકલી આપવામાં આવશે. કારણ કે સર્ટિફિકેટ પર આપણા જ્ઞાતિનાં પ્રમુખશ્રીના હસ્તાક્ષર કરાવવાનાં રહી ગયા છે. બાળકો એ સર્ટિફિકેટ પાછાં આપ્યાં અને પ્રેક્ષકગણમાં થોડો ગણગણાટ થઈને ઠરી ગયો.
બાજુવાળા હસુકાકા એમ તો એકદમ ચોક્કસ છે પણ કોણ જાણે કેમ એ કાકીની ટેરીટરીમાં આવે કે ગરબડ શરૂ. ચાવી, પાકીટ, રૂમાલ કે ફોન ભૂલી જ ગયાં હોય. કાકા ઑફિસ જતા હોય ત્યારે કાકી ઉંબરે બૂમ પાડે, “રૂમાલ, ચાવી પાકીટ લીધાં?” કાકા ત્રણમાંથી કંઈક તો ભૂલ્યાં જ હોય. જે દિવસે કાકી આવી બૂમ પાડવાનું ભૂલી જાય એ દિવસે કાકાએ અચૂક મોબાઇલ અથવા પાકીટ લેવા ઘેર આવવું જ પડે. એકવાર એવું થયું કે કાકીને કોઈ કારણોસર દવાખાને જવું પડ્યું. હસુકાકા એમની ઑફિસથી સીધા દવાખાને પહોંચ્યા. ત્યાંથી નીકળતી વખતે કાકી સ્કૂટર પાસે ઊભા રહ્યાં. કાકાએ એમને એમ કહ્યું કે હું સ્કૂટર વળાવી લઉં પછી તું બેસ નહીં તો આપણે બેય સ્કૂટર સહિત બેસી પડીશું.” કાકી હા ભણીને સહેજ દૂર ઊભાં રહ્યાં. કાકાએ સ્કૂટર વળાવીને ઊભા રહેવાને બદલે વાત કરતા કરતા કાકીને લીધા વિના સ્કૂટર ચલાવી મૂક્યું. કાકી બિચારા થોડીવાર રાહ જોઈને ઊભાં રહ્યાં. પછી દવાખાનાની બહાર બાંકડા પર બેસી ગયા. એટલામાં ડૉક્ટર બહાર આવ્યા ને કાકીને જોયાં. ને ઘડીકમાં જ વાત પામી ગયા. – છેવટે ડૉક્ટરનો કમ્પાઉન્ડર કાકીને એમના ઘેર મૂકી ગયો. તે દિવસથી કાકી કાકાને એમના ભૂલવાપણાં વિશે સંભળાવવાની એક પણ તક જતી કરતા નથી. સામાન્ય રીતે જાહેર વાહનવ્યવહારમાં નાની નાની વસ્તુઓ લોકો મૂકી આવતાં હોય છે. મુખ્યત્વે એમાં છત્રી, ફોનનાં ચાર્જર, નાની બ્રીફકેસ, પુસ્તકો, ચાવી, ટિફિન ભૂલી જવાતાં હોય છે. મુંબઈમાં એક વાર બેસ્ટની બસમાં હવાલદારની લાઠી સુધ્ધાં મળી આવી હતી. તો કોઈ વાર દૂધની કોથળીઓ, તેમની શીશીઓ, શાકભાજી, બિસ્કિટ વગેરે પણ જોવા મળી જાય છે.
યાદશક્તિમાં થોડો ઘટાડો થવાનું એક કારણ સ્માર્ટફોન પણ છે. સ્માર્ટફોન/ મોબાઇલ ફોન આવ્યા પહેલાં આપણામાંથી ઘણાં બધાને ઢગલો ફોન નંબર યાદ રાખવાની ટેવ હતી. મોબાઇલ ફોનની ફોનબુકની સગવડ અને અમુક જ અક્ષર ટાઇપ કરવાથી સ્ક્રીન પર આવી જતાં પરિણામોથી નંબરો યાદ રાખવાની ટેવ છૂટી ગઈ. મોટા ભાગનાં મોબાઇલ-વપરાશકર્તાઓને એમના મોબાઇલની ફોનબુકમાં સચવાયેલા નંબરોમાંથી માંડ દસ ટકા નંબર જ યાદ હશે. એમાંય હસુકાકાને તો પોતાનોય નંબર યાદ નથી. મોટા ભાગે એ સામેવાળાને જ કહે કે “તમારો નંબર આપો હું મિસ કોલ મારું છું. જે નંબર આવે એ મારો છે. સેવ કરી દેજો.”
મોબાઇલમાં ફોનબુકમાં સરખા નામથી ગોટાળાય થઈ જાય ને કોઈ વાર ધોલધપાટનોય વારો આવી જાય. એક મિત્ર નામે મિલન. મિલનના મિત્રનું નામ અશોક હતું અને બલિહારી એવી કે મિલનના પિતાનું નામ અશોકભાઈ. મિત્રએ અશોક 1 અને અશોક 2 નામથી નંબર સ્ટોર કરેલા, થયું એવું કે એકવાર અમારા મિત્ર મિલનનાં પિતા “અશોકભાઈ”એ મિલનને ફોન જોડ્યો. સ્ક્રીન પર “અશોક-1” નામ વાંચ્યું પણ મિલન ભૂલી ગયો કે એ નંબર પિતાશ્રીનો છે. એને એમ યાદ રહ્યું કે આ નંબર મિત્ર અશોકનો છે. ફોન ઊંચક્યો ને સામે છેડેથી આજે સાંજે શું કરવાનું છે? એવો પ્રશ્ન અશોકભાઈએ પૂછ્યો. મિલન કામની ધૂનમાં હતો તેણે જવાબ આપ્યો, બે યાર અશ્કા મગજનું દહીં થઈ ગયું છે. તું આપણી પેલી બાટલી મંગાઈ રાખ આવું છું. સી. યુ. મોડેથી નીકળું છું. ઘરે જવા હમણાં જ.” એમ કહીને મિલને ફોન મૂક્યો અને ઘરભણી પ્રયાણ કર્યું. ઘરે પહોંચ્યા પછી અશોકભાઈએ મિલનને “સી. યુ.” કર્યું બરાબરનું. ને ભાઈ મિલને તાત્કાલિક મોબાઇલમાં અશોક-1નાં બદલે “ડેડી” લખી નાંખ્યું.
એવું કહેવાય છે કે આપણે આપણા મગજનો માત્ર 10 ટકા જ ઉપયોગ કરીએ છીએ. એમાંય મોટા ભાગે તો બિનજરૂરી બાબતો જ યાદ રાખીએ છીએ. જાતજાતનાં સંશોધનો પછી સાબિત થયું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની યાદશક્તિ વધારે સતેજ હોય છે. એટલે જ અલ્ઝાઇમર્સના કિસ્સા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આ અલ્ઝાઇમર્સ વારસાગત રોગ છે. અમારા એક સંબંધીને આ રોગ છે. એ ખિસ્સામાં પોતાનાં નામસરનામાવાળી ચિઠ્ઠી લઈને જ નીકળે. “બ્લેક” ફિલ્મમાં અમિતાભ બચ્ચનને આવી બિમારી થયેલી અદ્ભુત દર્શાવી છે.
આપણા દેશમાં સામૂહિક ભૂલકણાપણાનો રોગ સર્વવ્યાપી છે. કોઈ પણ ઘટના-દુર્ઘટના ઘટે કે તરત જ એના વિરોધમાં મીણબત્તી, વાવટા લઈને ઊતરી પડવાનું ને મીણબત્તી પૂરી થાય એટલે આપણે શેનો વિરોધ કરતા હતા એય ભૂલી જઈને પાછાં રૂટિનમાં પરોવાઈ જઈએ છીએ.
રાજકારણ અને ફિલ્મ જગત બે એવાં ક્ષેત્રો છે કે જ્યાં ભલભલા માંધાતા મોટાં મોટાં ઝઘડા ભૂલી જઈને એક થઈ જાય છે. ગઈકાલે એકબીજા પર કેવા દોષારોપણ કર્યાં હતાં. એ અચાનક જ બાષ્પીભવન થઈ જાય અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેવા માંડે. આવા સગવડિયા ભૂલકણાપણાંનો કોઈ ઇલાજ કશેય નથી.
ખોંખારો : ભૂલી જવું અને માફી આપી શકવાને ગાઢ સંબંધ છે. તમે ભૂલી જાવ તો જ કોઈને સરળતાથી માફ કરી શકો.
No comments:
Post a Comment