http://bombaysamachar.com/epaper/e07-1-2016/LADKI-THU-07-01-2016-Page-4.pdf
મુંબઈ સમાચાર- લાડકી section ..ગુરુવાર ,૭ જાન્યુઆરી,૨૦૧૬
— શિલ્પા દેસાઈ
“ડાબા હાથે ચમચીથી જળ લઈ જમણા હાથની હથેળીમાં જળ રેડો અને બોલો “આથી હું સંકલ્પ કરું છું .... ને જળ આ મૂર્તિ પર ચઢાવી દો. હવે તમારે સંકલ્પ કરવાનો છે યજમાન... બે હાથ જોડીને ઈશ્વર આગળ માથું નમાવીને બોલો કે નવા વર્ષમાં રોજ સવારે સાઇકલ ચલાઇશ ને સાંજે ઓછામાં ઓછું 3 કિમી ચાલીસ.” “મહારાજ એક મિનિટ…. મારે ક્યાં વજન ઉતારવાની જરૂર છે? હું તો વજન વધે એની દવાઓ લઉં છું. બ્રાન્ડેડ કંપનીઓમાં તો મારા માપનાં કપડાંય નથી મળતા એટલે એટલિસ્ટ એ કંપનીઓનાં કપડાં પહેરી શકાય એટલાં માટે હું મથી રહ્યો છું ને તમે મારી પાસે આ શું સંકલ્પ લેવડાવો છો!”
“અલ્યા ભ’ઈ મારા, એવું નથી. હાથ જોડ્યા પછી સંકલ્પ દરેકે પોતપોતાનો લેવાનો હોય. હું તો મારો સંકલ્પ બોલતો તો કારણ, આ સિઝનમાં મુહૂર્ત બહુ હતાં અને એટલે મારે કૅલરી સારી એવી જમા થઈ ગઈ છે. પરિણામે અબોટિયાની ગાંઠ છૂટી ના જાય એ બીકે એમાં સૅફ્ટીપિન ભરાવું છું. આમ તો મારી પાસે હવે ઇલાસ્ટિકવાળું જ રેડીમેડ ધોતિયું છે પણ આજે એ મળ્યું નહીં તે આ પહેરવું પડ્યું છે. આ મારી ફાંદ દેખાય છે ને? પાટલે બેસીને હું પૂજા કરાવું ત્યારે જો કંકુ-હળદર-ચોખા-કપૂરની થાળી જો ફાંદ તળે સંતાઈ જાય તો મને દેખાતી ય નથી. એ શોધવામાં મારાથી શ્લોકો ય સ્કીપ થઈ જાય છે. ઘણીવાર એટલે આ થાળી ય હવે મારી બાજુમાં મૂકું છું જેથી તરત નજરે ચડે. ખ્યાલ આયો? અને... હું એમ પૂછું કે તમારા સંકલ્પ હું કેવી રીતે લેવડાવી શકું યજમાન? તમારા મગજમાં શું ધખારા છે જેના લીધે તમારા પર પોતાનો જ કંટ્રોલ નથી એ ધખારા મૂકવાનો સંકલ્પ કરી નાંખો આંખ મીંચીને. જમણી હથેળીમાં ફરીથી જળ લો અને લઈ લો સંકલ્પ. ને હા, સંકલ્પ ભાવથી લેવાનો... શ્રદ્ધા પૂરેપૂરી રાખવાની અને મનને મક્કમ બનાવવાનું. ને યજમાને જળ ભગવાનને ચઢાવીને કંઈક હોઠ ફફડાવ્યા અને સંકલ્પ લીધાનો સંતોષ લીધો.
“સંકલ્પ”ને અંગ્રેજીમાં Resolution કહે છે. કેટલાય મિત્રો એકબીજાને નવા વરસની શરૂઆતમાં પોતપોતાના સંકલ્પો વિશે પૂછતા હોય છે. આમ જુઓ તો સંકલ્પ એ છીંક ખાવા જેવી ઘટના છે. તેનાથી તમારા તનાવો થોડાં દૂર થાય છે. થોડા વધુ આધ્યાત્મિક થઈએ તો એમ કહેવાય કે સંકલ્પ એ માત્ર છીંક ખાવા જેવી ઘટના નથી પણ અનુભૂતિ છે. નિરંકુશ મનુષ્યનું જીવન શિસ્તમય હોય છે. આ શિસ્ત પરાણે ઠોકી બેસાડેલી નહીં પણ આંતરિક સ્વયં ઉદ્ભવેલી હોય છે. એ જ રીતે સંકલ્પ એ લોકોને જ લેવા પડે છે જે લોકો જાણેઅજાણે કોઈ પણ કિસ્સાઓમાં ક્રિસની બહાર જઈને રમ્યાં હોય ને પછી એમને અહેસાસ થાય કે સાલુ આ બરાબર નથી. ફરીથી આવું ન થાય માટે સંકલ્પ લેવો પડશે. સંકલ્પ લેવો અત્યંત સરળ છે પણ એ નિભાવવો એટલો જ કઠિન. જે વસ્તુ તમે છોડવા કે પામવા માગતા હોવ એના માટે તમે સંકલ્પ લેતા તો લઈ લો પણ એની પાછળના તમારા ધખારાનું શું? સંકલ્પનું લગ્ન જેવું છે. લેતા લઈ લો પણ પછી એ નિભાવવા માટે ઘણી બાંધછોડ કરવી પડે.
સંકલ્પની શરૂઆત તો રામાયણ-મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા છે. સિરિયલો પ્રમાણે જોઈએ તો એમાં બધા રાજા-મહારાજાઓ રોજેરોજ કંઈ ને કંઈ યજ્ઞમાં સંકલ્પ લીધા કરતા હતા. એ સમય કુદાવીને વર્તમાન સમયમાં આવીએ તો મહાત્મા ગાંધીએય હાથમાં મીઠું ઊંચકીને સંકલ્પ કરેલો અને ઇતિહાસ ફેરવી નાંખેલો. સંકલ્પ લઈને પાળી બતાવવાનું એ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. દાળશાકમાં મીઠું નાંખતા પહેલાં બાપુને સહેજ યાદ કરી જોજો.
સંકલ્પ લેવાની જરૂર મોટા ભાગે બહુ બોલ બોલ કરતાં લોકોને વધારે હોય છે. આ પ્રજાતિ જ્યાં-ત્યાં બાફવામાં એક્સપર્ટ સાબિત થતી હોય છે. બફાટ કર્યા પછી અફસોસ કરી અને રડારોળ કરે... કદાચ આ બહુ બોલવા પર લગામ ખેંચવા માટે જ મૌન મંદિર, વિપશ્યના વગેરેનો જન્મ થયો હોવો જોઈએ.
સંકલ્પ લેવાના ફાયદા શું? આ પ્રશ્ન સંકલ્પને વળગી રહેવા માટે અંબુજા સિમેન્ટ જેવી ઠસોઠસ મજબૂતી પૂરી પાડે છે તો નબળા મનના મનુષ્યો માટે આ જ પ્રશ્ન સંકલ્પનો મારક પુરવાર થાય છે.
“ભટ્ટજી સંકલ્પ લેવાના કે નવા વર્ષમાં? જો જો પાછા, સંકલ્પ હોટલની વાત કરું છું એમ માનીને બાફતા નહીં. તમારો ભોજનપ્રેમ જગત વિખ્યાત છે એટલે તમે આવું બાફો એવી શક્યતાઓ ભારોભાર છે.”
“હા કાકા, આ વખતે તો અમે એક નહીં અનેક સંકલ્પો લેવાનો સંકલ્પ કરેલો છે. આખું લિસ્ટ જ ટાઇપ કરાવડાવી દીધું છે અને એની ઝેરોક્ષ કોપીઓ કઢાવી લીધી છે. ઘરમાં, તમારા જેવા શુભચિંતકોને એક એક લિસ્ટ આપી દઈશું જેથી અમે જો લિસ્ટની બહાર જરાક બી જઈએ તો અમને આજુબાજુમાંથી કોઈ ટપારીને પાછા સ્વસ્થાને લાવી શકે.” ગામ આખામાં વજન ઉતારવાના ક્લાસીસોનાં મોટાં મોટાં પાટિયાં લટકે છે ને એમાં કેટલાય લોકો જોડાય પણ છે. આથી અમે પણ નક્કી કર્યું છે કે વજન ઉતારવું. સાલુ ક્યાંય મગજમાં ચરબી ચડી હોય એ ઉતારવાનાં ક્લાસ નથી! આ કટાક્ષથી કાકા પર અસર પડી કે નહીં તે જોવા અમે સહેજ અટક્યાં. કાકા ધ્યાનથી સાંભળતા હોય એમ લાગતા અમે આગળ ચલાવ્યું. “ખાવાની વાત પરથી યાદ આવ્યું કે થાળી-વેલણનો ઉપયોગ અમે જમવા-વણવા માટે જ કરીશું.” કાકા અમને અટકાવતા બોલ્યા : “ભટ્ટજી તમને બીડી, સિગારેટ, દારૂ, ચા, કૉફી કે એવાતેવા કોઈ વ્યસન ખરાં? “હે ભગવાન આ કાકાને માફ કરી દેજો એમને ખબર નથી કે એ કોને આ પ્રશ્ન પૂછી રહ્યા છે.” પણ પ્રગટપણે ઉત્તર આપ્યો : “ના કાકા... બીડી, સિગરેટ, દારૂ જેવાં વ્યસનોનાં અમે હજી સુધી શિકાર નથી અને ચા પીવી અમારી ગમતી પ્રવૃત્તિ છે. અમારા માટે યજ્ઞ સમાન છે. ને યજ્ઞ કરવો તો સારી બાબત કહેવાય. વ્યસન નહીં. માટે અમે આ ચા-યજ્ઞ જારી રાખીશું. હવે વચ્ચે ટોક્યા વિના લિસ્ટ પૂરું કરવા દો. અમે આગળ લખ્યું છે કે દિયા ઔર બાતી, સીઆઈડી, સાથિયા વગેરે વગેરે જેવી સિરિયલો જોઈશું નહીં અને ધારો કે બાય મિસ્ટેક એ જોવામાં આવી જશે તો એક આખ્ખો દિવસ મૌન પાળીશું. વાત કરીશું તો લખી લખીને. એમ કરવામાં એક સૂક્ષ્મ ફાયદો એ થશે કે અમારા અક્ષર સુધરશે.”
“પણ, ભટ્ટજી તમે તો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહો છે. તમને મોબાઇલનું વ્યસન છે. મોબાઇલમાં તો ટાઇપ કરવાનું હોય. એમાં અક્ષર કેવી રીતે સુધરશે?”
“તમને નહીં સમજાય રહેવા દો. મોબાઇલ આજની તાતી જરૂરિયાત છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ વ્યસન ન કહેવાય. હવે, પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ. અમારો હવેનો સંકલ્પ છે કે જો ભારત T-20માં વર્લ્ડ કપ જીતશે તો અમે એ દિવસે મગની દાળનો શીરો બનાવીને ખાઈશું. અમને સ્વીટ જરીક પણ ભાવતું નથી પણ દેશ માટે એટલું તો કરી શકાય ને? દેશ માટે થઈને અમે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત ખાદી જ ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે તો કહીએ છીએ કે દરેક ભારતીયએ આ સંકલ્પ લેવો જ જોઈએ. ખાદીના વસ્ત્રો માત્ર નેતા-અભિનેતાનો જ ઇજારો છે એવું થોડું છે? આખરે દેશપ્રેમ જેવી ભાવના જેવું તો કંઈ હોવું જોઈએ ને દરેકને?”
આટલું બોલીને અમે શ્રોતાગણનો પ્રતિભાવ નિહાળવા સામે જોયું તો શ્રોતાગણ અંતર્ધ્યાન થઈ ગયેલો દીસ્યો. પણ ડગલું ભર્યું કે ન હઠવું ન હઠવું..... નો હઠાગ્રહ યાદ રાખીને અમે અમારું લિસ્ટ વાંચન ચાલુ રાખ્યું. “વિમાનમાં બેસતા પહેલાં એમાં ઉંદર છે કે નહીં તેની જાત-તપાસ કરીશું અને જો હશે તો તરત જ જીવદયા કેન્દ્ર પર જાણ કરીશું. જો હવામાં અધ્ધર ગયા પછી મૂષક-અસ્તિત્વનો અણસાર આવશે તો કમરપટ્ટો ફીટોફીટ બાંધીને અમે અમારી જગ્યા પર મૌન બેસી રહીશું. વળી કોઈ પણ પ્રકારના રાજકારણમાં રસ નહીં લઈએ. કારણ કે રમતગમતમાં અમે નાનપણથી જ “ઢ” છીએ. સમયપાલન અમારી કમજોરી છે. કોઈને સોંપેલું કાર્ય જો એ સમય પર પૂર્ણ નહીં કરે તો ફરીથી એ વ્યક્તિને એ સમયસર કરી શકે એવું જ કાર્ય સોંપીશું.”
આ યાદી અમે હજી આગળ લંબાવી શક્યા હોત પણ સમય અને યોગ્ય શ્રોતાગણના અભાવે અમે મૌન રહેવું ઉચિત માન્યું.
ખોંખારો : “તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી.”
— સરદાર વલ્લભભાઈ પટેલ.
નવું વરસ શરૂ થયું એટલે અમે તો અમારા સંકલ્પોનું લિસ્ટ બનાવીને રસોડામાં ફ્રીજ પર ચોંટાડીય દીધું. એટલુંય કેટલાં કરે છે?
No comments:
Post a Comment