Saturday, July 23, 2016

વરસાદ, દાળવડાં,મકાઈ.....

મુંબઈ સમાચાર,૨૧/૦૭/૨૦૧૬...લાડકી ..મરક મરક ..

ઓણ સાલ પણ વરુણ દેવતાએ રથયાત્રા પર મહેર કરી નથી.મીન્સ કે અષાઢી સુદ બીજે નીકળતી રથયાત્રા પર અમીછાંટણા થાય જ થાય એ આ વખતે પણ થયાં નથી. સહેજસાજ ભીંજાઈએ એટલાં જ છાંટા વરસાદ પડે એ "અમીછાંટણા" કહેવાય."છાંટોપાણી" એ પાછો  જુદો જ વિષય છે. દારુબંધીવાળા ગુજરાત રાજ્યમાં છાંટોપાણીની વ્યાખ્યા  જરા તરા પાણી વરસે કે બાટલીમાં તબદીલ થઈ જાય છે. છેલ્લાં થોડાં વરસોથી રથયાત્રાના બીજા દિવસે છાપાંઓને આ અમીછાંટણાવાળી હેડલાઈન બનાવવાનો મોકો મળતો નથી.હવે એવી રથયાત્રા ય ક્યાં હોય છે ?
વરસતા વરસાદમાં મકાઈ ખાવાનો મહિમા શું છે એ તો ભગવાન જાણે પણ મકાઈનું મહત્તમ વેચાણ ચાલુ વરસાદે જ થાય.સામાન્ય રીતે મોટી છત્રી નીચે તેલના ખાલી ડબ્બા પર મકાઈમાલિકે સ્થાન ગ્રહણ કર્યું હોય.સામે નાનકડી સગડી કે ઈંટ ગોઠવીને ચુલામાં કોલસો સળગાવીને એના પર તવો મુકેલો હોય ને તવા પર ફાઈનલ પ્રોડક્ટ 'મકાઈ" શેકાતી હોય. ચાર પાંચ નંગ શેકેલી મકાઈ ડેમોસ્ટ્રેશનાર્થાય મુકેલી હોય. ખરીદનારને બહુ ઉતાવળ હોય તો આ ડેમો પીસમાંથી જ ફરી ગરમ કરીને મીઠંુ મરચું વગેરે મસાલો ભભરાવીને આપી દે. વડોદરા તરફ જતાં રોડની ધાર પર  અમેરિકન મકાઈ ઢગલેમોંઢે વેચાતી દેખાય. અહીં મકાઈ બાફીને ખાવાનો રિવાજ છે. મોટા મોટા તપેલામાં પાણી ઉકળતું જ હોય.આ વેચાણકેન્દ્રોની પાછળ ખાડા ખાબોચિયામાં ભરાયેલા વરસાદી કે વગર વરસાદી પાણી જોઈને એકવાર તો એવી શંકા જાય જ કે તપેલામાં જે પાણી ઉકળે છે એ આ સુલભ પાણી જ હશે. પણ પછી પાણી ઉકળે એટલે પીવાલાયક થઈ જ જાય એવી માન્યતાની જીત થાય અને લોકો આ મકાઈ ખાવા લાઈન લગાવે.  મકાઈ" ખાધો" કહેવું કે " ખાધી " એ વિશે મતમતાંતર ખરાં પણ સ્વાદના મામલે બધાં એકમત.
વરસાદમાં દાળવડાંને અનેરું મહત્વ મળ્યું છે.  શ્રી કૃષ્ણે "વડાંમાં હું દાળવડા છું " એવું કદાચ આધારભૂત સૂત્રોને જણાવ્યુ નહીં  હોય અથવા દાળવડા ખાવાની ઉતાવળમાં જણાવવાનું રહી ગયું હશે એટલે એ વિશે ક્યાંય નોંધ કે ઉલ્લેખ વાંચવા મળતો નથી. ગલીએ ગલીએ દાળવડાંની લારી કે ખુમચા ચોમાસાની ઋતુ પુરતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.ને ભાગ્યે જ કોઈ નસીબનો નબળો હશે કે એણે વાસી દાળવડા વેચવા પડે.મુળભુત રીતે લીલાશ પડતા પણ તળાય એટલે રંગ બદલીને જરા લાલાશ પડતાં દાળવડાંની પ્લેટમાં દાળવડા સાથે તળેલું લીલું મરચું અને ગુલાબી ઝાંયવાળી સમારેલી ડુંગળી અજબ રંગછટા ઊભી કરે છે અને પ્લેટધારકને દાળવડા ખાવા લલચાવે છે. ડુંગળીએ જ્યારે અસહ્ય ભાવવધારાને લીધે બધાને રડાવેલાં ત્યારે કેટલાંક સાહસિકોએ ડુંગળીની અવેજીમાં સમારેલી કોબીજ મુકી જોઈ હતી જેથી રંગ વૈવિધ્ય જળવાઈ રહે.સદ્નસીબે ડુંગળીના ભાવ ઓછાં થયાં અને આ અખતરાનો અકાળ અંત આવ્યો.
છત્રી અને રેઈનકોટ એ બે એવી વસ્તુ છે કે જેનો ઉપાડ ખરેખર સીઝનલ જ હોય.બાકી ઘણી દુકાનોમાં "સીઝનલ" પાટિયું ય બારેમાસ ઝુલતું હોય અને ત્યાં વેચાતી વસ્તુઓ ય ! છત્રીનાં બજારમાં વર્ષો સુધી છત્રીનો રંગ કાળો જ હોય એવી માન્યતા રહી પણ હવે અનેક રંગરુપવાળી છત્રીઓ બજારમાં ઉપલબ્ધ છે. જો કે ગમ્મે એટલાં રંગવાળી હશે તો ય ," છત્રી કાગડો થઈ ગઈ" માં કોઈ દિવસ બદલાવ નહીં આવે. છત્રી છત્રી તરીકે જ ઓળખાય છે એ એની વિશેષતા છે. ભાઈઓ માટે " જેન્ટસ છત્રી"- કદમાં થોડી મોટી અને બહેનો માટે કદમાં જરા નાની" લેડીઝ છત્રી ". રેઈનકોટમાં આવો કોઈ જેન્ડર બાયઝ નથી. કોઈ પણ રેઈનકોટ ગમે તે વ્યક્તિ પહેરી શકે. પણ તેમ છતાં ય બહેનો માટેનાં રેઈનકોટમાં પસંદગી વધુ વિશાળ છે.
રક્ષાબંધન  જેવો  મજબૂત તહેવાર ચોમાસા દરમ્યાન આવતો હોવાથી કપડાંનાં મોટાંભાગનાં સેલ આ સમયે જોવા મળે. તો ભેજયુક્ત વાતાવરણને લીધે ધોયેલાં કપડાં સુકવવાની તકલીફ અને ચિંતા બહેનોની માનસિક્તાનો લાભ  સૌથી વધુ વોશિંગ મશીનવાળા લે છે. કપડાં સાચવતા સાચવતા રસ્તે ચાલવું લગભગ અશક્ય બની જાય એવા સમયે ધોયેલાં કપડાં સુકવી આપતાં આ મશીનો આશીર્વાદ સમાન ખરાં. અમદાવાદમાં તો ભુવાઓ એટલા બધા પડે કે હવે અમુક જગ્યાએ ભુવો ન પડે તો લોકો અસુખ મહેસુસ કરે! ( ભુવો એટલે રસ્તા પર પડતો ઊંડો ખાડો,ઘણીવાર આખી બસે ભુવા-સમાધિ લીધાનાં ય દાખલા છે.)  
ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું હોય ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત ઋજુ હ્રદયધારકો હોય છે અને એમની કાવ્યાત્મક સર્જનાત્મક્તામાં નિફ્ટી કરતા ય વધુ ઝડપથી ઉછાળો આવે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.વરસાદમાં બહુ જ ટુંકા સમય માટે અવતરતા પાંખવાળા મંકોડા/ ફુદ્દાં ની માફક જ આ પ્રજાતિની સર્જક્તા પણ વરસાદ પુરતી ,મોટાભાગે વરસાદ બંધ થાય એ પહેલાં વિલાઈ જતી હોય છે.  આ પ્રજાતિના સભ્યો ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ સાઈટ પર અત્યંત સક્રિય હોય છે.ને ખાસ કરીને કાવ્ય પ્રકાર પર જ જુલમ કરતી જોવા મળે છે. આવી બળજબરીના લીધે રિયલ કવિઓને ઘોર અન્યાય થાય છે જે આ ફુદ્દાં-કવિઓ જાણતા હોવા છતાં સસ્તી પ્રસિધ્ધિ માટે નજરઅંદાજ કરે છે .
પ્રેમલા પ્રેમલીઓ માટે ચોમાસું શ્રેષ્ઠ ઋતુ છે . ફિલ્મોમાં ખાસ વરસાદનાં દ્રશ્યો ફિલ્માવીને વકરો વધારવાના કિમીયો કરવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે વરસાદી પ્રણય દ્રશ્ય જે ફિલ્મમાં હોય એ હીટ જ જાય એવી અંધશ્રધ્ધાને લીધે જરુરી હોય કે ન હોય,વરસાદની ઋતુ હોય કે ન હોય ફિલ્મમાં એવું દ્રશ્ય ઘુસાડવામાં આવતું.કૃત્રિમ વરસાદ માટે શાવરનો ઉપયોગ રાજ કપુરથી વધારે કોઈએ નહીં કર્યો હોય. વરસાદી પ્રણય દ્રશ્યોમાં મોટાંભાગે ગીતોની મદદ લેવાઈ છે એ કારણ કદાચ પેલાં ફુદ્દાં-કવિઓને પ્રેરણારુપ લાગતું હો ય તો નવાઈ નહીં.  મહાન  કોમેડિયન ચાર્લી ચેપ્લિને એકવાર કહેલું કે "આઈ ઓલવેઝ લાઈક વોકિંગ ઈન ધ રેઈન , સો નો વન કેન સી મી ક્રાઈંગ."
 
ખોંખારો: વરસાદ આવે ત્યારે...
અરેન્જ્ડ  મેરેજવાળા ભજિયાં બનાવડાવે ને લવ મેરેજ વાળા લોન્ગ ડ્રાઈવ પર જાય.
( વોટ્સપ પર વાઈરલ  )