મુંબઈ સમાચાર,૦૪/૦૮/૨૦૧૬ ગુરુવાર ,"મરક મરક " ," લાડકી" પૂર્તિ ..
- દેસાઈ શિલ્પા
યે દોસ્તીઈઈઈ..હમ નહીં તોડેંગેએએ...અહાહા,શું દોસ્તી હતી જય-વીરુની ! આજે આવી દોસ્તી બહુ જોવા નથી મળતી. તે એમ તો એવી બુલેટ બી નથી મળતી કે જેનું સાઈડકાર છુટું પડે ને કામ પતે એટલે પાછું જોડાઈ જાય. હજી ય વધારે ફ્લેશબેકમાં જઈએ તો કૃષ્ણ-સુદામાવાળા કેસમાં તાંદુલની પોટલી લઈને આવેલા સુદામાના તાંદુલ શ્રીકૃષ્ણે કેવા ટેસથી ખાધા હશે?કેવું લેવલ હશે દોસ્તીનું?હવે માણસ દોસ્તી માત્ર માણસ સાથે જ નહીં પણ આખેઆખી બેંક સાથે કરે છે.ને પછી માણસ બેંકનું દોસ્તીદાવે કરી નાંખીને રાતોરાત પરદેશગમન કરી જાય. બેંક પહેલાં દોસ્તીદાવે અને પછી શરમની મારી માણસ વિરુધ્ધ ખાસ કંઈ ઉકાળી ય ન શકે.દોસ્તી કરવી હવે ખતરોં કે ખેલાડી જેવું ડેન્જરસ થઇ ગયું છે. એટલે માણસ જુની જુની ,સાવ બાળપણની દોસ્તી તરફ વળ્યો છે. અને અહીં એન્ટ્રી પડે છે સ્કુલ કોલેજના મિત્રોના રિ-યુનિયનોની. ઈન્સ્ટન્ટ યુગમાં નવી દોસ્તી કરીને 'પણ તેં કોફી કેમ મંગાઈ?" જેવાં કારણોસર ઈન્સ્ટન્ટ બ્રેકઅપ કરવું પડે એના કરતાં સ્કુલમાં ઈરેઝર કે પેન્સિલ અને કોલેજમાં એક પડીકી માવો ઉધાર આપતાં હતાં એ જ ભાઈબંધ બેનપણી શું ખોટાં? કમ સે કમ બંને એટલું તો જાણતાં જ હોય કે એમાં સ્વાર્થ સહેજ પણ નહીં હોય!એટલે ચાલો રિ-યુનિયનમાં.ત્યારે ખબર પડે કે ૨૫ વર્ષ પહેલાં જેને આખી સ્કુલ "પાપડી " તખલ્લુસથી જ ઓળખતી હતી એ "પાપડી" અદોદળી અને જે " બકરી" નામથી જાણીતી હતી એને "ચરબીસમુદ્ર" કહેવું પડે એ પરિસ્થિતિ છે .લોકકલાકાર ભીખુદાન ગઢવીએ સરસ વાત કરી છે કે મિત્રો કેવા હોવા એ આપણા હાથની વાત છે. મિત્ર ખરાબ નીકળે તો એ આપણી પોતાની ભુલ છે પણ કોઈ સગું વાંકુ ચાલે તો એ વારસાઈ મિલકત સમજીને સ્વીકારી લેવું પડે.મિત્રની પસંદગી કરી શકાય , સગાં વહાલાની નહીં.
સોસાયટીમાં સહુનો લાડકવાયો રોનક બાઈક પર દાખલ જ થયો ને સામા ચીનુકાકા મળ્યા એટલે રોન્કાએ શિષ્ટાચારમાં બાઈક ઊભું રાખીને ખબરઅંતર પુછ્યા.જવાબ આપવાને બદલે ચીનુકાકા રોનકનાં જમણાં હાથે બાંધેલાં રંગબેરંગી પટ્ટાઓ સામે જોઈ રહ્યાં ને પ્રતિપ્રશ્ન કર્યો."અલ્યા ?? આટલી બધી રાખડીઓ? લાંબો થઈ જવાનો વહેવાર હાચવતા હાચવતા..રક્ષાબંધન વહેલી છે આતીફેરી? રોનક બોલ્યો : " ના ના કાકા, આ તો ફ્રેન્ડશીપ બેલ્ટ છે.રાખડી નથી.તમને ના ખબર પડે આ બધું. "
"તારો ચીનુકાકો ભોટ છે એમ કહેવું છે તારું? અમને એટલું તો ખબર પડે છે હોં. ફ્રેન્સીપ તો અમારી વખતે હતી. એ ય ને એકબીજા વિસે બધ્ધી ખબર હોય. કોણ કોનું સુ સગુ થાય એ ય ખબર હોય.પણ અમારી ભઈબંધીને આજે ય આવા પટ્ટા ફટ્ટાની જરુર નથી . તમારે તો સહેજ વાંકુ પડે એટલે બ્રેકઅપ થઈ જાય.અમે તો કેટલાં મનામણા પટામણા કરતા.કારણકે ભઈબંધ હોય એટલે આપણી બધી વાત જાણતો હોય.એમાં સાંકાબાપાની પોળમાં રહેતી સરુડી પર આપણે મરતા હોઈએ એ ય આઈ જાય.એટલે જો દોસ્તી તુટે ને પેલો દાઝનો માર્યો સરુડીવાળું ક્યાંક વટાણા વેરી દે તો પેલીને કેવું નીચાજોણું થાય? હવે તો રાજકારણમાં ય ઘડી ઘડીમાં કિટ્ટા બુચ્ચા થઈ જાય છે.થોડાં દિવસ પહેલાં સામે જોવાના સંબંધ ન હોય ને એ જ વેવાઈ બની જાય.સ્ટેજ પર સાથે બેસવું પડે તો ય એકબીજાંની સામે ય ના જોવે ને એક દિવસ એકદમ ઘરે જઈને પગે લાગે ને મિઠાઈ ખવરાવતા હોય એકબીજાને એવા ફોટા વાઈરલ થઈ જાય. દુશ્મન-દોસ્ત- દુશ્મન..પાછાં દોસ્ત..જબરું બધું..ને પાછાં એને નામ આપે "ગઠબંધન" કંઈ સમજ જ ના પડે.મને તો લાગે છે કે દોસ્તી શબ્દનાં જેટલાં અર્થ જોડણીકોશમાં ઘાટ્ટાં છે એટલાં જીવનમાં નથી.તારું સુ કહેવું છે એ વિસે?" દોસ્તી પર ભાષણની લાંબી ઈનિંગ રમીને કાકાએ રોનકને પુછ્યું.
"એંહ કાકા, આ બધું ક્યાં આવ્યું પણ ફ્રેન્ડશીપ ડેમાં? હું તો તમને જોઈને સહેજ કેમ છો પુછવા ઊભો રહ્યો તો તમે તો મારી જ વાટ લગાઈ દીધી. આપડે તો બેલ્ટ બાંધી બંધાવીને વટ્ટ મારવાનો કે જોઈ લો. આપણા આટલા બધા દોસ્તારો છે. ને કાકા ખાસ વાત એ છે કે આમાંના મોટાભાગનાં ફરી બેલ્ટ બાંધવાના કે કેમ એ ય પ્રશ્ન છે . પણ શું છે કે કાકા,અમારી પેઢી move on થવામાં believe કરે છે .ફાવે ત્યાં સુધી સાથે હરવા ફરવાનું, નહીં તો જેશ્રીકૃષ્ણ. એમ કબાટો ખોલવા બેસીએ તો પાર જ ના આવે. આ તો ફાસ્ટ જમાનો છે કાકા. "
"તે જો એવુ જ છે તો કેમ તમે લોકો આ રિ-યુનિયનો કે શું કહો છો એ કરો છો? એ ય કબાટ જ છે ને? "
આ પ્રશ્નથી રોનકના ચહેરાની રોનક જરા ઓછી થઈ ગઈ.કંઈ જવાબ ન સુઝવાથી એણે કાકાને જેશ્રીકૃષ્ણ કહીને બાઈક ચલાવી મુકી.કાકા આજે એકદમ રમી નાંખવાના મિજાજમાં હતાં એટલે બાકી રહેલું ભાષણ પુરું કરવા એ જઈ પહોંચ્યા ભટ્ટજીને ઘેર. ભટ્ટજી કોઈની સાથે ફોન પર વાત કરતા જાય ને મલકાતા જાય. વચ્ચે વચ્ચે વળી "હા હા, યાદ છે ને.. કેમ નહીં? નાટકો કરતા એ તો બહુ યાદગાર દિવસો હતાં.ને પેલા મણિબેન યાદ છે? ફ્રાઈંગ પેનમાં તળાઈને આવી હોય એટલું લથબથ તેલ નાંખતી..તે ય પાછું સુગંધવાળું..બાપ રે..અડધું તો મને એ તેલની સુગંધથી જ એલર્જી હતી એટલે ડિસ્ટન્સ રાખેલું..ક્યાં છે એ મણિબેન? ને પેલો બચ્ચન? એ ક્યાં છે હમણાં? ઓકે સ્યોર મળીએ છીએ ફ્રેન્ડશીપ ડે એ આ વખતે . પાક્કું.બાય." વાત પુરી કરીને ભટ્ટજીએ કાકા આગળ વધામણી ખાધી." કાકા,આ રવિવારે અમારાં કોલેજફ્રેન્ડ્સનું રિ-યુનિયન છે.બધા છુટાંછવાયાં તો મળતાં હોઈએ કોઈવાર પણ આ વખતે અમે પાંત્રીસ જણા ભેગાં થવાનાં છીએ. ઈન્ટ્રેસ્ટીંગ ને?"
કાકાએ હા કહી ને એમના ફોનમાં જુના મિત્રોની યાદી બનાવવા માંડી. રિ-યુનિયન માટે સ્તો .
ખોંખારો :
તનુ: સોશિયલ સાઈટમાં આપણે ૫૦૦૦ મિત્રો છે.તારે કેટલાં છે?
મનુ : મારે ૪૯૯૮ કોન્ટેક્ટસ છે ને બે મિત્ર છે .
Photo : Desai Shilpa