કશો તહેવાર ન આવતો હોય ને રવિવાર પણ હજુ માંડ પસાર થયો હોય , કોઈ અગ્રણીનું મોડી સાંજે અવસાન થાય અને સાવ અચાનક જ ઑફિસમાં રજાની જાહેરાત થાય તો અનહદ આનંદ થાય . થાય કે નહીં? અમે ય આમ જ અણધારી આવી મળેલી રજાનો અખબાર વાંચતા વાંચતા ચ્હા અને મસાલા પુરી સાથે લુત્ફ ઉઠાવી રહ્યા હતા. એટલામાં ઝાંપો ખખડ્યો. આ ઝાંપાનો ય પાછો વટ્ટ છે,હોં. અમારો પુશ્તૈની ઝાંપો છે. અમારા દાદા ગામડેથી શહેરમાં વસવાટાર્થે આવ્યા ત્યારે ઘરવખરીના ટેમ્પામાં ભેગો આ ઝાંપો ય લેતા આવેલા. દાદા એમને સમજણ આવી ત્યાર પહેલાંના આ ભવ્ય વારસાની વાત કહેતા. ગામમાં એ સમયે મેડીબંધ કહેવાય એવું એમનું જ ઘર હતું એટલે સ્વાભાવિક જ ઘર વિષે જાણવાની સૌને ઉત્કંઠા રહેતી. અેમાં ય કમળ, બતક , મોર જેવી આકૃતિઓ ધરાવતો ઝાંપો અમારા પરદાદા કશેકથી ઊંચી કિંમતે ખાસ ખરીદી લાવેલા એટલે આજુબાજુના ગામમાં ય આ ઘર દુનિયાની પહેલી હાથવગી અજાયબી હતી. ત્યારનું લોક પણ એમ કહેતું કે :" બાબા આદમે ય આ ઝાંપાના દર્શન કર્યા હોય તો નવાઈ નહીં." ઝાંપો એટલો તો પ્રખ્યાત હતો કે "ઝાંપાવાળું ઘર" નાનું છોકરું ય ઓળખતું. પછી તો શહેરમાં વસવાટના પરિણામે ત્રણ ચાર ઘર બદલાયા પણ આ ઐતિહાસિક ઝાંપાનું સ્થાન બીજો એકે ય ઝાંપો નથી લઈ શક્યો. સારુ છે કે ઝાંપાને ઝાંપો ન કહેતા માનથી "ઝાંપાશ્રી" કહેવાની અમને ફરજ પાડવમાં આવી નહતી. આ દુર્લભ અને વફાદાર ઝાંપો અમારા તેલના કુલ વપરાશ કરતા વધુ તેલ પી જવા છતાં ય મહેમાન આવ્યાની વધામણી ભુલ્યા વિના આપે જ આપે છે. . વધામણી પરંપરા ચાલુ રાખતા ઝાંપાએ આજે ય કોઈ આવ્યાનો પોકાર પાડ્યો. અમે છાપાંની ગડી વાળતા ઊભા થયા અને જોયું તો ગાંધીભાઈ. બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સના માર્કેટિંગ મેનેજર હોય એવા પ્રખર ચાહક ગાંધીભાઈ અમારા શાળામિત્ર. શાળાકીય પરીક્ષાઓ માંડ માંડ પસાર કરેલી. ગાંધીભાઈ ભલે ભણવામાં ઢ પણ શાળા હોય કે સોસાયટી, કોઈને મદદરુપ થવાનું આવે તો ગાંધીભાઈને જ યાદ કરે. શાળાના શિક્ષકો ય મા વિનાના આ છોકરા પરત્વે પરીક્ષા સમયે જરા કુણા રહેતા અને ભલું થજો કાપલીઉદ્યોગનું કે નાની મોટી બધી પરીક્ષાઓમાં એમની નાવડી પાર કરાવી દીધી. પણ ગમે તે કારણોસર ગાંધીભાઈનું ઘર વસી ન શક્યું જેનો એમને ખાસ રંજ પણ ન હતો. નાનપણમાં એમને ક્યાંકથી મગજમાં ઠસી ગયેલું કે બુધ્ધિશાળીઓ કોફી પીવે. ત્યારથી એમને કોફીની લત લાગી ગયેલી. ડ્રેસીંગ સેન્સ મુકવાનું ભગવાન ભુલી ગયો હશે તે કોઈ પણ કપડાં પહેરીને નીકળી પડે ને ખભે કધોણો થઈ ગયેલો બગલથેલો તો કદાચ પાસપોર્ટના ફોર્મમાં ઉલ્લેખી શકાય એવી આઈડેન્ટિટી. એટલું ખરું કે કપડાં મેલાંઘેલાં કદી ન હોય. ઘરમાં હવે એમના સિવાય કોઈ ન હતું . નાનોભાઈ અને એનો પરિવાર ગાંધીભાઈને એમની સાથે અમેરિકા લઈ જવા રીતસરનો કરગર્યો પણ ગાંધીભાઈ જેનું નામ. " મલક મુકીને ક્યાંય નોં જવાય"ની જિદ આગળ બધા હારી ગયા. ક્યાંય સારી કોફી ન મળે ત્યારે કોઈવાર ઘરવાળીની કમી મહેસુસ થતી ખરી. પણ થોડીવાર પુરતી જ . પછી રામ એ ના એ . કોફીની એમની ચાહતે એમને એમના મોટાભાગના મિત્રોમાં -ખાસ કરીને મિત્રપત્નીઓમાં જરા અળખામણા બનાવી દીધેલા. જેવા એ કોઈના પણ ઘરે જાય કે તરત જ ભાભીના નામનો ટહુકો કરે ને ગજબના હક્કદાવે કોફી મુકાવડાવે. કોઈવાર ભાભી ગુસ્સે થાય તો ખાંડ નાખવાની ભુલી જાય ( જાણી જોઈને જ સ્તો ) પણ ગાંધીભાઈ એવા સરળ કે રસોડે જઈને જાતે ખાંડ લઈને કોફીમાં નાંખી લે. એવા મહાન આ મિત્ર નામે ગાંધીભાઈ " આવું કે ?'ની બુમ પાડતા ઝાંપો ખોલીને છેક નજીક આવી ગયા.
"હા, હા.. કેમ નહીં? અને બાય ધ વે , આ પ્રશ્ન સામાન્ય રીતે માણસ બહાર ઊભા રહીને પૂછે.."
" હા, પણ હું ક્યાં સામાન્ય છું?"
માણસ તો છો ને ? એવો પ્રશ્ન અમે મહાપરાણે ગળી ગયા.આજે અમને માત્ર અમારી સાથે જ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હતો ને આ જણસ ટપકી એટલે અમે સહેજ ધૂંધવાયેલા હતા. પણ "ઓલ ઈઝ વેલ ..ઓલ ઈઝ વેલ" જાતે જાતે જ મનમાં બોલીને પાછી સ્વસ્થતા ધારણ કરી લીધી.
"કોફી બનાવો ભઈબંધ."
"મારે તો ચ્હા પીવાઈ ગઈ ક્યારની.. "
"હા એટલે જ.. ક્યારની પીધી ને? અમારી સાથે ફરી પીવો.. કે મોટા માણસ? ના પીવો અમારી સાથે તો.. હા ભાઈ હા.. "
હજુ ય આ વક્રોક્તિઓની લીટી લાંબી થઈ હોત પણ અમે સમો વરતીને રસોડે પહોંચી ગયા અને કમને કોફો બનાવી લાવ્યા.
"યે હુઈ ના બાત.." બોલતા ગાંધીભાઈએ એમના પેલા જિગરજાન થેલામાંથી પતંજલિના બિસ્કીટનું પેકેટ કાઢીને અમને ધર્યું: " લગાવો ગુરુ" કહીને પોતે કપ મોંઢે માંડ્યો. અર્જુનની સ્થિતપ્રજ્ઞતાને ય ટક્કર આપે અેવા સ્થિતપ્રજ્ઞ ભાવે અમે આખા દ્રશ્યને સાક્ષીભાવે નિહાળી રહ્યા. પ્રગટપણે ન બોલી શકાય એવા વાક્યો મનમાં બોલીને અમારી હતાશા ખંખેરવાનો મિથ્યા પ્રયાસ જારી રાખ્યો. ક્યારે કોફી પુરી થાય ને એ ક્યારે જાયની વિચારધારામાં અમે વધુ ને વધુ કંટાળવા લાગ્યા. કંટાળો અમારા પર એ હદ સુધી હાવી થઈ ગયો કે અમે " સંન્યાસ જ લઈ લેવો જોઇએ" જેવું કંઈક મોટેથી બોલી પડ્યા. અમારો જ અવાજ સાંભળીને અમે બંને ચોંકી ગયા. અમને થયું કે ખલાસ ! ગાંધીભાઈને ચોક્કસ ખરાબ લાગવાનું.. પણ ...ગાંધીભાઈ એમ સમજ્યા કે સંસારથી કંટાળીને અમે સંન્યાસ લેવાની વાત કરી રહ્યા છીએ. એટલે એ તો માંડ્યા સંસારના સાર વિષે સમજાવવા. અમારા ક્ષોભને એમણે શરણાગતિ માની લીધી અને જુદા જુદા સાધુસંત,પંથના સંન્યસ્ત ,સંન્યાસીઓની અપરંપાર લીલા વિષે માહિતી ય વગર માંગ્યે પીરસ્યા પછી પ્રવચનનું અંતિમ સત્ય ઉચ્ચાર્યુંં કે સંસાર છોડી દેવાથી અમારે કોફી પણ છોડી દેવી પડશે. કોફીના ગુણ અંગે જાણવાની ક્ષમતા અમે ગુમાવી ચુક્યા હોવાથી હાથ જોડ્યા. તો એ ભોલેનાથ એમ સમજ્યા કે સંન્યાસ લેવાની વાત કરી માટે અમે એમની માફી માંગી રહ્યા છીએ. મોટું મન રાખીને એમણે અમને માફી બક્ષી. "કોઈ વાતે ચિંતા ન કરશો . હું છું ને ?" એમને શું ખબર કે એ છે એની જ અમને ચિંતા છે ! છેવટે એ ઉઠ્યા. " અડધી રાતે ય જરુર પડે તો એક મિસકોલ મારી દેજો. એકલા મુંઝાશો નહીં. સંસાર છે, ચાલ્યા કરે.. " જેવા મોટાભાગે શિષ્ટાચાર માટે જ વપરાતા વાક્યો એમણે ખરા દિલથી કહ્યાં અને વિદાય લીધી. જતાં જતાં ઝાંપો અટકાવતા ગયા ને વળી ઝાંપાએ પોતાની હાજરી પુરાવી.
ક્રોંખારો : જો વ્યક્તિ સવારની પહોરમાં કોઈના ઘરે જઈ પડે અને કલાકો સુધી ઉઠવાનું નામ ન લે તો જાણવું કે ક્યાં તો એ ઘરનાથી ત્રાસ્યા છે અથવા ઘરના એનાથી.
કાક્ભટ્ટ ના વરણને મજ્જા મજ્જા કરાવી દીધી હો! ગાંધી ભાઈ ના શબ્દો અને એના પ્રતિભાવ રૂપે કાક્ભટ્ટ ના વર્ણનો, સરસ મજે મજા.
ReplyDeleteતમારા ગાંધીભાઈ કરતાં અમારા ગાંધીભાઈ વધુ પ્રેમાળ છે. આમ જ ખાબકે અને પછી 'બે તણ' દિ' રોકાયા પછી જ વિદાય લે છે. પોતાની ઓળખની નિશાની સમા બગલથેલામાં લેંઘા કફનીની જોડ લઈને જ શિકારે નીકળે છે! ટુવાલ (હા, ન્હાય છે રોજ!) અમારો માંગે છે. આ તો એટલે કીધું કે તમને એકલાં પડી ગયાં હો એવું ન લાગે. 😀
ReplyDelete