“અરે ભટ્ટજી, શું વાત કરું તમને? આજે તો જોરદાર થયું.”
“શું? વાતમાં મોણ નાખ્યા વિના જે થયું એ કહી દો. એટલે તમનેય શાંતિ અને અમનેય શાંતિ.”
“અરે, હું મારા મોબાઇલનું બિલ ભરવા ગયેલો. બિલ ભરીને આવતો હતો ત્યાં જ ફોન રણક્યો એટલે મેં ગાડી જરા બાજુમાં લીધી અને ઊભી રાખી.”
“કાકા, ગાડી લાવ્યા? કહ્યુંય નહીં? અભિનંદન.”
“ભટ્ટજી, ગાડી એટલે સ્કૂટર. શું તમેય હમજ્યા મૂક્યાં વિના ઝૂડ ઝૂડ કરો છો!વચ્ચે ડબડબ કર્યા વિના વાત સાંભળો.” હા તો. હું ઊભો રહ્યો અને ફોન પર વાત કરતો હતો. લગભગ દસેક મિનિટમાં એટલા બધા લોકો આવતાજતા મને પગે લાગ્યા. પહેલાં તો મને એમ કે એ મારો વ્હેમ છે પણ મારી આજુબાજુ કોઈ ન હતુંએટલે મને ખાતરી થઈ ગઈ કે એ બધા મને જ પગે લાગતા હતા. નિયમિત યોગનાલીધે હું ઋષિમુનિ જેવો લાગું છું એટલે હશે. શું કહેવું તમારે?”
“એમ કે, તમે કઈ જગ્યાએ ઊભા રહેલા? આજુબાજુમાં કોઈ ન હતું. બરાબર પણ ક્યાંક ગલીખુંચીમાં મંદિર કે દેરી હશે. આવતાંજતાં માથું નમાવતા હશે અને તમે ભોળા એમ સમજી બેઠા કે એ તમને પગે લાગે છે.”
“ઓહ... જબરું થયું આ તો...”
“તો શું કાકા, ગેરસમજ થઈ તમને બરાબરની.”
આપણાને સમજણ પડે છે એનાથી મોટી ગેરસમજણ કોઈ નથી. બાળક જન્મે પછી માતા-પિતા એને સમજણ આવે એની રાહ જુએ છે. કેટલાંક માતા-પિતા બાળકની ગેરસમજણભરી હરકતોથી પરેશાન થવા કરતાં પોતે ગુસ્સે ન થવાની સમજણ કેળવે છે. એ જ બાળક મોટું થાય એટલે છોકરી હોય તો અનેક પુરુષો અને છોકરો હોય તો અનેક સ્ત્રીઓ એના પ્રેમમાં છે એવી મધુર ગેરસમજણ મનમાં જ પંપાળ્યા કરે છે તો કોઈ વાર પ્રગટ પણ કરી દે છે અને એમ જીવવાની મઝા લૂંટે છે તો બીજી બાજુ માતા-પિતાને પણ દીકરો/દીકરી કૉલેજમાં “ભણવા” જાય છે એવી ગેરસમજ પોષીને ખુશ થયા કરે છે. તો વળી પરણ્યા પછી રોજ સવારે પત્ની ગરમ-ગરમ ચ્હા બનાવીને વ્હાલથી માથે હાથ ફેરવીને ઉઠાડીને ટહુકો કરશે કે “ઉઠો, ચા બની ગઈ છે આદુ-ફૂદીનાવાળી” એવી ગેરસમજમાં મહિનાઓ વીત્યે જાતે જ ચ્હા મૂકીને પત્નીને ઊઠાડતા થઈ જાય એવા પતિ પરમેશ્વરોય છે.
વાત માત્ર ઘરથી જ અટકતી નથી સમાજમાં સરકારી ઑફિસ, કોર્પોરેટ ઑફિસ, પ્રાઇવેટ, પબ્લિક ગમ્મે તે સ્થળ હોય, પટાવાળાથી લઈને માલિક સુધીનાને એવી જ ગેરસમજણ હોય કે સંસ્થા એમનાં થકી જ ચાલે છે. “શકટનો ભાર જ્યમ શ્વાન તાણે” વાળા શ્વાનની જેમ ગેરસમજણ ધરાવતા લોકોનો Attitude કહેતાં ટણીનો પારોય ઊંચો હોય છે. એક વાર અમારે બૅન્કમાં લોકરમાં જવાનો પ્રસંગ પડ્યો. ઘણા સમયથી લોકરમાં જવાની જરૂર પડેલી નહીં. એમાં ને એમાં લોકરનું ભાડું ભરવાનું રહી ગયેલું. બૅન્કમાંથી રિમાઇન્ડર્સ આવ્યા હશે પણ કોઈ કારણોસર ધ્યાનમાં નહીં આવેલા. અમે તો બૅન્કમાં પહોંચ્ અને સંબંધિત અધિકારી પાસે જઈને ઊભા રહ્યાં. અધિકારી સેલફોન પર વ્યસ્ત હતા. થોડી વાર પછી અમે એમને યાદ અપાવ્યું કે અમારેય કામ છે. ભાઈઓ ડોકું હલાવ્યું અને હાથથી એક મિનિટ એમ ઇશારો કર્યો. અમે વધુ ધીરજવાન બનીને એમની ટેલિફોનિક સંવાદનાં સાક્ષી બની રહ્યાં. વળી થોડી વાર પછી અમે અમારી હાજરીનું યાદ દેવડાવ્યું. મ્હોં પર અત્યંત કંટાળાના ભાવ સાથે ભાઈએ ફોન મૂક્યો અને બોલ્યા : “વડીલ, હું કંઈ ટોળટપ્પા ન હતો કરતો. કામની જ વાતો થતી હતી.” “અલા ભ’ઈ અમે અમારા સગ્ગા કાને સાંભળી તારી વાતો કે તું લગ્નમાં કયા કપડાં પહેરવાનો છે, કલરથીમ શું છે? વગેરે વગેરે... એને તું કામની વાત કહે છે?” “તમને નો હમજાય વડીલ” કહીને એમણે અમારી લોકરની વિગતો માંગી. બધું ચેક કર્યા પછી એમણે અમને લોકર ઓપરેટ કરવાની ના કહી, “જ્યાં સુધી તમારું બાકી ભાડું નહીં ભરો ત્યાં સુધી નહીં થાય.” કેટલીય માથાકૂટ પછી અમારી ગેરસમજણ દૂર થઈ કે જ્યાં સુધી એના કમ્પ્યૂટરમાં ભાડું ભરાયાની અપડેટ નહીં થાય ત્યાં સુધી રિઝર્વ બૅન્કના ગવર્નર આવી જશે તોય લોકર નહીં ખૂલે.” અમે એમ સમજેલાં કે પેલા ભાઈને ફોન પર વાત ન કરવા દીધી એટલે એ અમને લોકર વાપરવા નહીં દઈને દાઝ કાઢે છે. બીજા દિવસે આવીને અમે ભાડું ભર્યું ને અને પેલા અધિકારીએ અમને કહ્યું, “થઈ ગયું ને કામ તમારું વડીલ? અમે કહીએ એ પ્રમાણે કરો તો થઈ જ જાય. બૅન્કમાં અમે છીએ. તમે નહીં સમજ્યાં? અમે સમજીને ડોકું હલાવી મૂક્યું અને એમ અમારા લોકર પ્રકરણનો અંત આવ્યો.
જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ વાત કરે કે “મને એમ કે અથવા મને એમ લાગ્યું કે...” ત્યારે હંમેશાં એની ગેરસમજને લીધે એ ખોટો જ પડ્યો હોય એવું બને. ખાસ કરીને ટ્રાફિકજામમાં ફસાયા હોઈએ ત્યારે આપણે ટ્રાફિકથી બચવા જે-જે તરકીબો અપનાવીએ એ ખોટી પડે તો સાથેવાળાને ઠપકો ખાવો જ પડે.” મેં તો કહેલું જ કે આ ટાઇમે અહીંથી ન જવાય. હવે જો આ મારી વાત ન માનવાનું પરિણામ... “આપણે લગ્નમાં સમયસર પહોંચી નહીં રહીએ.” આમાં લગ્નમાં સમયસર પહોંચી નહીં રહેવાય એ મુખ્ય દુઃખ ન હોય પણ જમવામાં રહી તો નહીં જઈએ ને! એવો વિચાર મુખ્ય હોય છે. ઘણી વાર સહિષ્ણુતાના અભાવને લીધે નાની નાની ગેરસમજના લીધે હર્યાભર્યા પરિવાર છૂટા પડી ગયાના દાખલાય આપણે જાણીએ જ છીએ. કોઈ વાર જે થઈ ગયું એ માત્ર ગેરસમજણ હતી એવી સમજણ આવે ત્યારે અત્યંત મોડું થઈ ગયું હોય છે.
ગાંધીજી વિશે જેટલી ગેરસમજ સમજણ તરીકે પ્રવર્તમાન છે એટલી કદાચ કોઈના માટે નહીં હોય. બાપુ માટે એમના પોતાના પુત્રથી માંડીને પોતાના જ દેશબાંધવોએ ગેરસમજ કરીને અન્યાય જ કર્યો છે. બાપુ જીવતા હતાં ત્યારે દેશમાં પથરાયેલી ગેરસમજો દૂર કરવા જ્યાં જાય ત્યાં ઉપવાસ પર ઊતરવું પડતું. સદ્ભાગ્યે એમનું આ ઉપવાસ શસ્ત્ર ગેરસમજ દૂર કરવા કારગત નીવડતું. આજે નેતાઓ ઉપવાસ કરે ત્યારે ગેરસમજને બદલે કંઈક ગરબડ હોવાની સમજને વધારે બળ મળે છે.
મોટા ભાગનાને પોતે જે નથી એ હોવાની બહુ મોટી ગેરસમજણ હોય છે વળી આ ગેરસમજણને પંપાળનારાઓ નોય તોટો નથી હોતો. સોશ્યલ મિડિયા પર આ બંને પ્રકારનાં મનુષ્યો અચૂક મળી જાય. ને કોઈ એમનાં ઇગોને હર્ટ કરે તો લાગીય બહુ આવે. એક ભાઈને ફેસબુક પર જાતજાતનું ને ભાતભાતનું લખવાની ટેવ. એમનાથી પરિચિત ન હોવાને લીધે અથવા તો પોતાના અજ્ઞાનના લીધે એમનાથી અંજાઈ જનારાઓનો ઢગલો એમના ફ્રૅન્ડલિસ્ટમાં એક વાર એમણે કોઈ લેખકના લેખનો નાનકડો અંશ પોતાના નામે ઠપકાર્યો. એમના કમનસીબે અને અન્યોના સદ્નસીબે એક સજ્જ વાચકે મૂળલેખકનો આખો લેખ જ ચિપકાવ્યો. ધીમે ધીમે ભાઈના બધાઉઠાંતરી કિસ્સા બહાર આવવા માંડ્યા. લોકોની ગેરસમજણ દૂર થઈ ગઈ છે એ જોઈને ભાઈએ ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું. એ જ રીતે મોટા મોટા સાધુ મહાત્માઓ અંગેની લોકોમાં ગેરસમજ દૂર થઈ જાય. પછી લોકો તેને પૂજવાનું બંધ કરી દે છે અને સામેનાં ગુસ્સાથી બચવા અંતર્ધ્યાન થઈ જાય છે.
ફિલ્મ “હમ આપકે હૈ કૌન”માં આવી જ એક ગેરસમજના લીધે આખી ફિલ્મ સુપરહીટ થઈ ગયેલી. હીરોઇનની બહેનનાં અકસ્માતે મૃત્યુ પછી લગ્નની વાત આવતાં આનંદિત થાય છે કે મનના માણીગર સાથે લગ્ન થશે. હકીકતમાં લગ્નની વાત બહેનના વિધુર પતિ અર્થાત્ હીરોઇનનાં બનેવી સાથે લગ્નની વાત થતી હોય છે. મોડી મોડી આ ગેરસમજ ઉકેલવામાં ફિલ્મમાં કૂતરું મદદરૂપ સાબિત થાય છે અને ફિલ્મનો સુખાંત આવે છે. વાસ્તવિક જીવનમાં કોઈ કૂતરું ગેરસમજ દૂર કરવા કામ લાગતું નથી.
પ્રાણીઓમાંય ગેરસમજ થતી હોય છે વચ્ચે એક રાજકારણીનાં પત્નીને એમનું પાળેલું કૂતરું કરડ્યુંના સમાચાર હતા. નરી ગેરસમજ જ હશે. વળી કૂતરાને કોને કરડાય એવી સમજ ન હોવાથી એ આ બહેનને કરડ્યું હશે એમ બને.
સો વાતની એક વાત એ કે બહુ બધી ગેરસમજણોનો સરવાળો એટલે સમજણ. સમજણ સાથે સલાહોને સીધો સંબંધ છે. કોહલીને કયા ક્રમે રમાડવો એ સમજણ ધોનીને આપનારા દેશના દરેક ચારરસ્તે, પાનના ગલ્લે કે કીટલીઓ પર મળી આવે તો દેશ કે સરકાર કેવી રીતે ચલાવવી એ વિશે મોદીને સમજણ આપવા માટે કેટલાંય તત્પર હોય છે જ. વળી આઝાદી કાળમાં નેહરુના બદલે સરદારને વડા પ્રધાન બનાવ્યા હોત તો દેશનો નકશો જુદો હોત એવો અભિપ્રાય ઉછાળીને એમનું ચાલે તો ગાંધીજીને એ ખમીસ પહેરતા હોત તો ખમીસના કોલરેથી પકડીને કહી દે કે બાપુ તમને આટલી સાદી વાત પણ સમજ ન પડી?
ગેરસમજણ થતી અટકાવવા માટે ધીરજ નામનો ગુણ અતિઆવશ્યક છે. જગતમાં મોટા ભાગનાં યુદ્ધો ધીરજના અભાવે અને એના લીધે થયેલી ગેરસમજણથી જ થયાં છે. જો રાવણે વનવાસમાં સીતાને હરી લેવાને બદલે એ રામની પત્ની છે આજે નહીં તો કાલે એમનો વનવાસ પૂરો થવાનો જ છે એવી સમજણ કેળવી જરા ધીરજ રાખીને વિચાર્યું હોત તો યુદ્ધ ન થયું હોત. એ નાની અમથી ગેરસમજણથી આખા રાવણ કુળનો નાશ ન થયો હોત !
ખોંખારો : એકની સમજણ અન્ય માટે ગેરસમજણ જ હોય છે.
No comments:
Post a Comment