Monday, February 22, 2016

મુંબઈ સમાચાર-૧૮/૦૨/૨૦૧૬ લાડકી section "મરક મરક" વાટકી વ્યવહાર


— શિલ્પા દેસાઈ

“ઢબુ.... એ ઢબુડી.... સાંભળ તો બેટા, જરા બાજુમાં જસુબાનાં ઘરેથી થોડું મેળવણ લઈ આવ તો... કાલે ઢોકળાં બનાવવાનાં છે પણ હું મુઈ દૂધ મેળવવાનું ભૂલી ગઈને દહીં બધુ વાપરી નાખ્યું છે, જો તો મારી દીકરી...”
ઢબુ દોડતીકને જસુમાસીને ત્યાંથી બે ચમચી મેળવણ લઈ આવી ને બીજા દિવસે પાછી ઢબુડીની મમ્મી ઢબુને જસુમાસીને ત્યાં મોકલે : “જા તો બેટા, આ ઢોકળાંની પહેલી થાળી જસુમાસીને ત્યાં આપી આવ”ને એમ ગઈકાલે જસુમાસીને ત્યાંથી લાવેલી બે ચમચી મેળવણનું ઢોકળા થકી સાટુ વળી જાય. સાદા શબ્દોમાં આ થયો વાટકી વ્યવહાર. હજુય આ “વાટકી વ્યવહાર” નામ વપરાશમાં છે ખરું પણ “વાટકી” વ્યવહાર વાટકી ઠેકીને થાળી ને તપેલી સુધીં પહોંચી ગયો છે.
અમારી ગોકુલધામ જેવી સોસાયટીમાં હજુ સંયુક્ત કુટુંબપ્રથા સચવાઈ રહી છે. સવારની પહોરમાં પાણી બાબતે પાણીપત યુદ્ધમાં ઉતરનારા સાંજે એકબીજાનાં ઘરમાં ચા-નાસ્તા કરતાં નજરે પડે. કમમાસી મૂળ સુરતી હોવાથી સિઝનમાં એકવાર તો ઊંધિયું બને જ બને. ને સોસાયટીમાં બધાંય પોતપોતાની તપેલી લઈને લાઇનમાં આવી જાય. દરેકને પાછી ચોઈસ હોય એ પ્રમાણે મસમોટાં તપેલાંઓમાંથી ઊંધિયું કાઢીને આપવાની કમમાસીને ભયંકર ચીડ ચડે. “પછી અમે હું ખાહું એમ કેહમ? તપેલામાંનો તેલ ને મસાલો તો ની ચાલે.” આવા બિનઅસરકારક સંવાદોની વચ્ચે ઉંધિયાનાં તપેલામાંથી ઊંધિયું ઉલેચાતું રહે. ખાય સોસાયટીવાળા અને ઓડકાર કમમાસીને આવે જેવો પ્રેમ. કોઈ વળી તપેલી કમમાસીને ત્યાંથી જ લઈ જાય અને બીજા દિવસે ખાલી તપેલી આપવાને બદલે છેવટે વાટકી ખાંડ ભરીને પાછી વાળે. હવેની વિભક્ત કુટુંબની સોસાયટીમાં આવા દૃશ્યો દુર્લભ થતાં જાય છે. એક-બે-ત્રણ વાર કશું મોકલ્યું હોય અને દરેક વખતે વાસણ ખાલી જ પાછું આવ્યું હોય તો ચોથી વખતથી વાટકી-તપેલી વ્યવહાર બંધ કરવામાં આવે. અંગત સંબંધોમાં BreaK-up થાય એમ હવે વાટકી વ્યવહારમાંય બ્રેક-અપ થવા માંડ્યાં છે. જ્યાં જૂઓ ત્યાં વાટકી વ્યવહાર અપ્રત્યક્ષ રીતે વર્તાય જ છે. રાજકારણમાં એને કટકી કહે તો ક્રિકેટમાં સટ્ટો. ટુંકમાં નામરૂપ જૂજ્વાં, અંતે તો... થોડાં વર્ષો પહેલાં એક રાજકારણીની દીકરીનાં અપહરણનાં બદલામાં પાંચ આતંકવાદીઓને અને વિમાની અપહરણ કેસમાં ત્રણ આતંકવાદીઓને છોડવાનો વ્યવહાર થયેલો. આ બંને વાટકી વ્યવહાર જેવા સોદા ભારતને હજીય ભારે પડી રહ્યાં છે!
 
આવા વાટકી વહેવારો થકી જ સમાજ ઉજળો હતો. સેંકડો વર્ષો પહેલા ‘નાણાં’ જેવા વજનદાર માધ્યમની શોધ થવાને વાર હતી ત્યારે સમાજમાં વિનિમય પદ્ધતિ અમલમાં હતી. લોકો એકબીજા પાસેથી વસ્તુના બદલામાં નાણાંને બદલે અન્ય કોઈ વસ્તુ કે એ જ વસ્તુ સામે આપતા અને વ્યવહાર ત્યાં જ પૂરો થઇ જતો. સમજોને, હું તમારી પાસેથી કશુક ખરીદું-સામે તે જ વખતે તમને એ વસ્તુ કે સર્વિસના મુલ્ય જેટલી વસ્તુ કે સર્વિસ આપી કે વાત પૂરી. તમે તમારા રસ્તે ને હું મારા.  આજના જેવી હપ્તા પદ્ધતિને પણ ચલણી થવાને સમય હતો. ધીમે ધીમે મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો અને રીતિરિવાજોમાં ધીમા પણ મક્કમ ફેરફારો આવ્યા. નાણાંની શોધ થઈ અને બાર્ટર સિસ્ટમ કહેતા વિનિમય પદ્ધતિ લગભગ વિસારે પડી પણ ૧૯૮૪ના 14મી મેએ ડેંટીસ્ટ પિતા અને સાઈકિયાટ્રિસ્ટ માતાને ત્યાં જન્મેલા માર્ક ઝુકરબર્ગે એકવીસમી સદીના પહેલા દાયકામાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ગજુ કાઢ્યું અને હાલમાં ટંકશાળ સમી ફેસબુક નામની સોશિયલ સાઇટની ભાગીદારીમાં સ્થાપના કરી અને આજુબાજુમાં કોણ રહે છે એ ખબર ન હોય પણ જોજનો દુર મિત્ર કહેતા સંપર્ક બનાવવાનું એક માધ્યમ મળ્યું.
જુના સમયમાં બધા ઓટલે બેસીને કે પાનના ગલ્લે ભેગા થઈને ટોળટપ્પા કરતા એવી રીતે આ ફેસબુક જેવી સોશિયલ સાઇટના લીધે નેટ-ટપ્પાનો ઉદ્ભવ થયો. ધીરે ધીરે સોશિયલ નેટવર્કિંગ વળગણ બની ગયું. લોકો પોસ્ટ/સ્ટેટ્સ મુકે-એમના સંપર્કમાં રહેનારા લોકો કોમેન્ટ આપે, લાઇક આપે ...કઈ પોસ્ટને કેટલી લાઇક, કોમેન્ટ મળે એના પર વ્યક્તિની લોકપ્રિયતા મપાવા લાગી ને ધીમા તાપે દૂધ ઉકળતું હોય ને ઉભરો આવે એમ ધીરે ધીરે ફેસ્બુકીયાઓમાં કોમેન્ટ- લાઇક કરાવવાનો ઉભરો આવવા માંડ્યો. લોકો એકબીજા પાસે અપેક્ષા રાખવા માંડ્યા. ‘મેં તમારા ફલાણા સ્ટેટ્સમાં લાઇક કર્યું ને તમે મારી પોસ્ટ વાંચતા પણ નથી. વાંચો અને લાઇક કરો ચાલો ‘...અને જાણે વાટકી વ્યવહારે નવો અવતાર ધર્યો. લુપ્ત થવાના આરે આવેલા વાટકી વ્યવહારને પુ. ઝુકરબર્ગે નવજીવન બક્ષ્યું. વાટકી વ્યવહારની પ્રથાએ એટલું તો જોર પકડ્યું કે અહો રૂપમ અહો ધ્વનિ કરી એકબીજાના થાબડભાણા ન કરો તો ભલભલા બેસ્ટીઝ જાની દુશ્મન બની બેસે. છેલ્લે ક્યારે કોને લાઇક કે કોમેન્ટ કરેલી એનુંય આવા વાટકીવીરો રજીસ્ટર રાખતા હોય તો નવાઈ નહિ. ભટ્ટજીના કમનસીબે એમનેય  આવા કટ્ટર વાટકીવીરો ભટકાઈ ગયેલા. એક વાટકીવીરને એવી આદત કે સવારના પહોરમાં જાતજાતનું ને ભાતભાતનું લખી નાખે ને ફેસબુક પર પોસ્ટ કરે ને પછી બરાબર ધ્યાન રાખે કે કોણ આવ્યું ને લાઈક/કોમેન્ટ કરી. જેવી કોઈની હાજરી વર્તાઈ કે એ મહાશય પણ જઈને એમની પોસ્ટ પર હાજરી પુરાવી આવે. ટિપિકલ બાર્ટર સિસ્ટમ. આંખ કે બદલે આંખ જેવું જ કંઈક. લાઇકના બદલામાં લાઇક ને કોમેન્ટના બદલામાં કોમેન્ટ. નિર્ભેળ વાટકી વ્યવહાર. જો કોઈ ઘણા દિવસે પોસ્ટમાં જોવા મળ્યું હોય તો મીઠી મધુર ટકોર પણ કરે કે બહુ વખતે આજે તો દર્શન આપ્યા.  આવી વર્તણૂક પાછળની શુદ્ધને શુભભાવના એક જ કે કોઈને એમના થકી ખોટું ન લાગવું જોઈએ બસ. 
બીજા કિસ્સામાં ભટ્ટજી રોજની જેમ તે દિવસે સાંજે ચાલવા નીકળેલા, રસ્તામાં એક જુના મિત્ર મળ્યા. ભટ્ટજી તો લાપસી લાપસી થતા ચાલ્યા મિત્ર તરફ. પણ આ શું? મિત્ર તો રસ્તો ચાતરી ગયા. ભટ્ટજીએતો તરત જ મોબાઈલ કાઢ્યો અને ફોન ઘુમાવ્યો તો સાહેબે ફોન કાપી નાખ્યો. ત્રણ ચાર વાર એમ થયું. ખલાસ.. ભટ્ટજીનો ઈગો હર્ટ થયો. હર્ટેલા ઇગા સાથે એમણે ફોન પાછો ખભે ભરાવેલી તોબરીમાં સરકાવ્યો. દસ-પંદર દિવસ પછી વાયા વાયા સમાચાર મળ્યાં કે એ મિત્રની ફેસબુકની કોઈ પોસ્ટ પર ભટ્ટજીએ લાઇક કે કોમેન્ટ નહોતી કરી એટલે ભટ્ટજી તોછડા, અભિમાની, મેનરલેસ, કાયમ ઇન્સલ્ટ જ કરનારા પ્રાણીઓના લીસ્ટમાં સ્થાન પામી ચુક્યા હતા અને મિત્રની ગુડબુકમાંથી ચુપચાપ તડીપાર થઈ ગયેલા. તો અન્ય એક મહાનુભાવ તો એમની પોસ્ટનો TRP વધારવા કોઈ કોમેન્ટ મુકે કે તરત જ એમનો વ્યક્તિગત આભાર માની લે. પુ. ઝુકરબર્ગે ફેસબુક જેવી સોશિયલ સાઈટ શરુ કરીને લોકોમાં વાટકી વ્યવહારની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે એ માટે નોબેલ પ્રાઈઝ કમિટી તરફથી એમને ભાઈચારાની ભાવના વધારવા માટેનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવું જોઈએ.
 
ખોંખારો: 
આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી પ્રિય ઝુકરબર્ગ ટ્વીટર અને ફેસબુક પર અમને follow નહીં કરે ત્યાં સુધી અમે પણ એમને follow નહીં કરીએ. 
 
 
 
 http://bombaysamachar.com/epaper/e18-2-2016/LADKI-THU-18-02-2016-Page-4.pdf

No comments:

Post a Comment