શિયાળો ઠંડા ઠંડા – Cool-Cool
— શિલ્પા દેસાઈ
કાશીકાચી ઉર્ફે કાશીકાકીએ ચાની ચૂસકી મારતાં મારતાં છાપાની ગડી ખોલી ને અચાનક જ એમની ચૂસકી ભરવાની ઝડપમાં વધારો થઈ ગયો. ધોબી ઇસ્ત્રી કર્યા પછી સાડીની છેલ્લી ગડીને ડાબા હાથથી ઘસી ઘસીને Final Fold મારે એમ એમણે છાપું વાળીને ફાઇનલ ફોલ્ડ કર્યું. ફટાફટ ઘડિયાળમાં જોઈને રાડ પાડી: એ ચકલા, ઢબલી ઊઠોઓઓઓ... બંને છોકરાં સફાળા બેઠાં થઈ ગયાં ને “શું થયુંઉઉઉ...”ની સામી રાડ પાડી. કાશીકાચીએ ઉત્તર આપ્યો, “જલદી પેટીપલંગ ખોલો આળસુડાઓ. એમાંથી રજાઈ ને ગોદડાં, સ્વેટર બહાર કાઢો ને તડકે તપાવવા નાંખી આવો. કાસ્મીરમાં બરફ પડ્યો છે ભયંકર એવું છાપામાં આયું છે આજે.” ચકલો ને ઢબલી હસી પડ્યાં. ઢબલી કહે : “અલી મમ્મી, એ તો કાશ્મીરમાં પડ્યો છે. અહીં આવતાં તો હજુ વાર થસે અને એ ય તે બરફ તો નહીં જ. સુ યાર તું પાછળ પડી જાય છે.” કાશીકાચીએ ચકલાને પલંગમાંથી ખેંચી કાઢ્યો. “અલી એ મમલીઈઈઈ...” ચકલો બૂમાબૂમ કરી રહ્યો. પણ એમ કાશીકાચી માને તો કાશીકાચી શેના? આ ઠંડી કંઈ અંબાજીનો પગ પાળા સંઘ છે તે તમે કહો એ દિવસે અહીં આવસે? ઊઠ હેડ, આ પેટી ખોલ ને બધું કાઢવા માંડ, બંને છોકરાં ઊઠ્યાં અને પેટીપલંગમાંથી બધુ કાઢવા માંડ્યા. કાશીકાચીએ ફટાફટ બે જાડી રજાઈઓ ખેંચી કાઢી અને ઢબલીનાં હાથમાં પકડાવી. “લે, તારા બાપા પરોઢિયાનાં સપનાં જ જોતા હસે હજીય એમને ઓઢાડી આય. ગામથી વધારે એમને જ ટાઢ વાય છે તે.” ઢબુએ બેડરૂમ ભણી ગતિ કરી ત્યાં જ રૂમમાંથી ચુનીકાકા—કાશીકાચીનાં હસબન્ડ બગાસાં ખાતાં ખાતાં બહાર આવ્યા. ને ઢબુએ ત્યાં જ એમના હાથમાં પેટી, રજાઈઓ પકડાવી દીધી. “પપ્પા... લો, આ રાખો. મમ્મીએ તમને ગિફ્ટ આપી. “કહીને તાળી આપવા માટે ચકલા તરફ હાથ લંબાવ્યો.” આ તારી મમ્મીને ગામથી પહેલો શિયાળો આઈ ગયો એમ ને?” ચુનીકાકા ઉવાચ.
આવી... કાશીકાચીઓ ઘેર ઘેર હોતી હશે. હેં ને? “છાપામાં આવતાં સમાચારોની અસર કેટલી?” જો એવો સર્વે કરવાનો આવે તો આવા હવામાનના સમાચાર છાપ્યા પછી કરવો જોઈએ. ઇન્ટરનેટ અને ગૂગલનાં આ આધુનિક જમાનામાં છાપાની અસરકારકતા આવા સમાચારોથી ખબર પડે.
કહેવાય છે કે શિયાળામાં એકબે ડિગ્રીની ચઢઉતર પણ લોકોનાં શરીરના તાપમાન પર બહુ અસર કરતી હોય છે. પણ શિયાળો સિઝન એકદમ મઝાની. એમાં ના નહીં. શિયાળાની અસરો મુખ્યત્વે ખોરાક અને કપડાં પર પડે છે. કેટલાંક લોકોની અમુક પ્રકારની વર્તણૂક પણ શિયાળો હળવોફૂલ બનાવી દે છે. જેમ કે, અમારા એક પડોશી છે. હસમુખકાકા. આ હસમુખકાકા વર્ષોથી ઠંડી વધારે છે કે ઓછી એ માપવા વહેલી સવારમાં ઘરની બહાર નીકળે તે જોરથી શ્વાસ બહાર કાઢે. જો ધુમાડો જેવું દેખાય તો અતિશય ઠંડી અને જો કશું ન દેખાય એવું તો સામાન્ય ઠંડી. શિયાળા દરમિયાન હસમુખકાકાની આ ફેવરિટ એક્ટિવિટી છે. કોઈ વાર એમને જો ઠંડીની માત્રા અંગે મૂંઝવણ થાય તો બેચાર વાર શ્વાસ લઈને બહાર કાઢે ને જોનારને એમ લાગે કે એ કપાલભારતી કે એવો કોઈ યોગ અજમાવી રહ્યા છે. તો જશોદાકાકી વળી દૂધ માટે જે થેલી મૂકે એમાં ઉનની ન પહેરાય એવી બંડી ય મૂકે કે જેથી સવારે દૂધવાળો જે દૂધની જે થેલીઓ મૂકે એ ઠંડીને લીધે બરફ ન થઈ જાય!! તો વળી કોઈ પણ સિઝનને સિરીયસલી ન લેનારા કનુકાકા એ જે દિવસે નેપાળી સ્વેટર બજાર જુએ એ જ દિવસે શિયાળો બરાબર બેઠો છે એમ જાહેરાત કરે. ભલે પછી એ દિવસ નવેમ્બરમાં હોય કે ડિસેમ્બરમાં. ગયા વર્ષે એમનો શિયાળો બહુ મોડો બેઠો. કારણ કે નેપાળી સ્વેટર બજાર કાયમ જ્યાં ભરાય છે તે સ્થળ બદલાઈ ગયેલું. એટલે સોસાયટીની એક જનરલ મિટિંગમાં એ સદરો અને લેંઘામાં પ્રગટ થયા ત્યારે બધાએ પૂછયું : “કાકા, ઠંડી નથી લાગતી? તો એમણે ફિલસૂફની અદામાં જવાબ આપેલો : “ઠંડી તો માનસિક અવસ્થા છે.” સોસાયટીની ટપુસેનાએ એમને નેપાળી સ્વેટર બજારનાં બદલાયેલાં સ્થળની માહિતી આપી એ સાથે જ એમની માનસિક અવસ્થા અને સ્વસ્થતા બંને બદલાઈ ગયા અને એમણે ઠંડી ભયંકર વધી ગઈ છે તેની વિધિવત્ જાહેરાત પણ એ જ મિટિંગમાં કરી દીધી.
શિયાળો આવે એટલે શાકમાર્કેટમાં વિવિધ રંગનાં શાકભાજી દેખાય. પબ્લિક પાર્કમાં તંદુરસ્તીવાંચ્છુઓની સંખ્યામાં વધારો જોવા મળે. પાર્કના વૉક-વે કે વૉક-ટ્રેક પર જાત જાતનાં વૂલન કપડાં પહેરેલાં વીરલા વીરલીઓ આમતેમ લયબદ્ધ-શિસ્તબદ્ધ ચાલતાં-દોડતાં દેખાય. તો લોન પર કોઈ ઠેકાણે યોગાસન કરનારાય નજરે ચડે તો વળી કાકા-માજીઓના એક અલગ જ મિજાજ દેખાય. ઘણાં ઉંમરલાયકોથી ઠંડી સહન ન થતી હોવાથી એમનાં રૂટિનમાં થોડું પરિવર્તન પણ આવી જાય. બગીચામાં આવવાનો સમય બદલાય અથવા તો આવવાનું જ બંધ થઈ જાય. પાર્કની બહાર જાત જાતનાં સૂપ, કરિયાતા, જ્યૂસ, નાસ્તાવાળાઓનો રીતસર રાફડો ફાટે ને આ લારીવાળાઓ એકબીજાની હરીફાઈમાં જરાય અસહિષ્ણુ થયા વિના સંપીને ઊભા રહે. દરેક જણ સારું જ કમાય. સાંધા જકડાઈ જવા, શરદી-ખાંસી થવા એ શિયાળાના માનીતા રોગો છે, એટલે એને નાથવા માટે જાત જાતનાં ઘરગથ્થુ ઉપાયો, શિયાળામાં ખાવ તો ગરમ ન પડે એવાં વસાણા-શિયાળુપાકની વાનગીઓની રીતથી વર્તમાનપત્રોથી માંડીને સોશિયલ નેટવર્ક ઊભરાતાં રહે. જે-તે ફળફળાદિ, શાકભાજીના ગુણ વર્ણવતા ફરફરિયાં જ્યાં ત્યાં ઊડાઊડ કરતાં દેખાય.
સરકાર માન્ય “નીરા કેન્દ્ર” એ શિયાળાની અદ્ભુત ભેટ છે. તમને સરકાર માન્ય હોય કે ન હોય પણ નીરો તો અહીં જ પીવો પડે. વળી નીરો ડ્યૂઅલ પર્સનાલિટી ધરાવતું એકમાત્ર સરકાર માન્ય પીણું છે. સવારે નવેક વાગ્યા સુધી એ એકદમ ગુણકારી પીણું ગણાય છે. પછી ધીમે ધીમે એનામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવા લાગે છે અને એ છેવટે “તાડી” નામના સરકાર-અમાન્ય પીણામાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો નીરો એ વહેલી સવારે નરણા કોઠે પીવાનું પીણું છે. પણ જો નવ પછી પીઓ અને સ્કૂટર પર જતાં પવન લાગે અને તમે જો તાનમાં આવી જાવ તો ચોક્કસ માનજો કે તમે નીરો નહીં પણ તાડી પી ગયા છો! એવા આ ચમત્કારિક પીણાને પૅકિંગમાં ઘરે (કે બીજે કશેય) લઈ જવાની મનાઈ છે. પણ કેટલાંક ઉત્સાહીજનો ઘરમાં વડીલોને માટે લઈ જવાનું છે એમ જૂઠું બોલીને કોથળીમાં ભરીને લઈ જાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો નીરો દૂરથી દેશી દારૂની પોટલી જેવો દેખાતો હોવાથી નીરો માટે લાઈનમાં ઊભેલાં કે લાઈનની બહાર ઊભેલાં જુદી નજરે જુએ છે. કાયમ ઊંધું જ વિચારતા લોકોની જગતમાં ખોટ નથી એટલે મોટા ભાગના લોકો મનમાં એમ જ વિચારે કે સાલો ઘેર જઈને નીરો બપોરે “તાડી” બને પછી જ ઢીંચશે. વળી, નીરોનું મુખ્ય વિતરણ નશાબંધી મંડળ દ્વારા થતું હોય છે!!! આ તો થઈ શિયાળાના અમૃત “નીરો”ની વાત. શિયાળામાં બીજો ક્રેઝ હોય તો એ “કચરિયું” ખાવાનો. તલમાંથી બનાવાતું કચરિયું એશિયન એટલે કે કાળાતલનું—અને અમેરિકન એટલે કે સફેદ તલનું. એમ બે પ્રકારનું મળે. જૂના સમયમાં ઘાણીમાં તલ નાંખીને બળદિયા ગોળ ગોળ ફરે. તેલ નીકળ્યા પછી જે બચે એમાં ગોળ-સૂંઠ વગેરે ઉમેરીને ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય એવું કહેવાતું. મૂળ તો આ ગામડાની “સ્વીટ” છે. પણ, હવે શહેરોમાં ય નાના-નાના કરિયાણાવાળાની દુકાનોમાંય કાળું-ધોળું કચરિયું રંગીન ખોખાઓમાં મળતું થઈ ગયું છે. શહેરમાં રસ્તાના ડિવાઇડર પર સૂનમૂન ઊભેલાં સાંઢિયા જોઈને એમ થાય કે આખો શિયાળો ગોળ ગોળ ફરીને બિચારો એટલો તો સૂન મારી ગયો છે કે એ ચક્કર ઉતારવા જ આમ ડિવાઇડર પર સ્થિર ઊભો હશે!! અમે તો દૃઢપણે એમ પણ માનીએ છીએ કે શહેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બળદોની સંખ્યા વધવાનું મૂળ કારણ આ “કચરિયું” જ છે. અમુક લોકો ભાર દઈને બોલવાના શોખીન હોય છે એ લોકો કચરિયાને “લો આ કચ્ચરિયું ચાખો” એમ કહીને નાની ડિશમાં આપણને કચરિયું ધરે ત્યારે આપણો કચ્ચરઘાણ નીકળી જશે એવી લાગણી થાય. શિયાળાની સાથે સાથે લગ્નસરા પણ શરૂ થઈ જાય. શિયાળામાં ભૂખ ઊઘડે... ઘણાને પારકા જમણવારોમાં ભૂખ ઊઘડે. એક સાથે પાંચસોસાતસો જણની ભૂખ ઊઘડે તો યજમાનનાં રસોડે યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાય તો જ નવાઈ. દાળ-શાકમાં પાણીનો પુરવઠો વધતો દેખાય તો જાણવું કે લોકોની ભૂખે ભયંકર ઉઘાડ કાઢ્યો છે.
આપણે ત્યાં ઠંડીનો પારો દિવસેય ગગડેલો રહે એવા માંડ આઠદસ દિવસ જ હોય. એ સિવાય શિયાળો અત્યંત ખુશનુમા હોય છે. સવારમાં ચ્હા પીતાં પીતાં ભૂતકાળમાં સરી જવાની મઝા અલગ જ આવે, તો ઠંડીને લીધે રાત્રે મોડે સુધી રખડતાં નિશાચરોની રખડપટ્ટી પર શિયાળા પૂરતી બ્રેક વાગે છે અને એમના કુટુંબને પણ સાથે સમય ગુજારવાનો લહાવો મળે છે. તો ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલાં લોકોને ધાબળા ઓઢાડીને પુણ્ય કમાતા કર્ણોનીય ખોટ નથી.
ખોંખારો : શિયાળા દરમિયાન પ્રયત્નપૂર્વક મેળવેલી તંદુરસ્તી આખું વરસ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ...
No comments:
Post a Comment