Sunday, December 20, 2015

"Suffer-જન તો તેને રે કહીએ...”..26/12/15 mumbai samachar

"Suffer-જન તો તેને રે કહીએ...”

— દેસાઈ શિલ્પા
“હુરરર...હટ્ટટ....હુરરરરર... સુહાના સફર ઔર યે મૌસમ હંસીઈ... હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીંઈઈ...” યાદ આયોને દિલીપકુમાર?ઓલિમ્પિક્સમાં ગોળાફેંકમાં જીત્યા પછી ખેલાડી હવામાં મૅડલ ગોળ ગોળ ફેરવીને જે રીતે ખુશી વ્યક્ત કરે એવી જ ખુશી દિ. કુ. જી.એ ફિલ્મ “મધુમતી”નાં આ ગીતમાં વ્યક્ત કરેલી. આ ગીત અમે જ્યારે જોઈએ અથવા સાંભળીએ ત્યારે થાય કે ગમે એટલી સુહાની મોસમ હોય ને ગમે એટલો ફૉર લૅન હાઇ-વે હોય તોય આવી રીતે આપણાથી બીજું ક્યાં ગવાય છે? વાત મૂળ તો સુહાના સફરની છે. આખું વર્ષ નોકરી-ધંધામાં ગમે એટલું “Suffer” કર્યું હોય પણ હવે આ સિઝન શરૂ થઈ છે “સફર” કરવાની. દિવાળી આવતાં જ બધાં “સફરજનો” નીકળી પડે છે. પણ ખરેખર સફરનો લૂત્ફ ઉઠાવે છે ખરા?
ફરવા જવું એ ‘પેશન — Passion” હોવું જોઈએ કે “Fashion —ફેશન?” ટ્રાવેલ કંપનીવાળાઓએ “સફરજનોની નાડ (છાલ) બરાબર પારખી છે ને એટલે જ ઠેરઠેર તમે દુનિયાનું કોઈ પણ સ્થળ ફરવા જવા માટે નક્કી કરો પણ એનું અંતર તમારા ઘરથી હોય માત્ર “ ‘0’ — Zero” કિ.મી. ટ્રાવેલ એજન્સીવાળા એમની ઑફિસમાં તમારું સ્વાગત વૅલકમ ડ્રિંકથી કરતા થઈ ગયા છે જે ઍરહોસ્ટેસથીય રૂપાળું સ્માઇલ આ ટ્રાવેલ એજન્ટોની કંપનીનો સ્ટાફ તમને આપે છે. જેમ ડૉક્ટર પાસે જાવ તો એ બધા જ જરૂરી-બિનજરૂરી ટેસ્ટ કરાવી લે એમ જ આ ટ્રાવેલિયાઓ પણ બધા ટેસ્ટ ત્યાં જ કરી લે છે. આ વખતે અમને બી એમ થયું કે દરવખતે ફરવા જઈએ ત્યારે જાતે લમણાં લઈએ છીએ એનાં કરતાં બધું ટ્રાવેલ એજન્ટને જ સોંપીએ. આવો શુભ નિર્ધાર કરીને અમે નજીકની એક ટ્રાવેલ ઑફિસમાં ઘૂસ્યાં. પૅરિસનાં ઍફિલ ટાવરથી લઈને નડિયાદનાં સંતરામ મંદિર સુધીનાં ફોટા ચારે બાજુ ટીંગાડેલા હતા. જોકે, પછી ખબર પડી કે ટ્રાવેલ એજન્ટશ્રી નડિયાદનાહતા અને સંતરામ મંદિરમાં અખૂટ આસ્થા ધરાવતા હોવાથી એ ફોટો પણ ત્યાં હતો. બાકી નડિયાદ જવા માટે કંઈ કોઈ થોડું અહીં પૂછવા આવે? વીમા એજન્ટ મેડિક્લેઇમ ઉતરાવવાની સમજણ આપે એમાં અને ટ્રાવેલ એજન્ટ જુદાં જુદાં સ્થળોની માહિતી-સમજણ આપે. એમાં ઝાઝો ફેર હોતો નથી. ખેર, અમને એક નાની ચોરસ કોટડી જેને એ લોકો “હેલ્પ-ક્યુબ” કહેતા હતા એમાં બેસાડવામાં આવ્યા. તરત જ વૅલકમ ડ્રિંક પણ આવી ગયું. પાછળને પાછળ જ એક હીરો ટાઇપ હેન્ડસમ બૉય પ્રગટ થયો. અમે જાણે કે કોન બનેગા કરોડપતિની હૉટ સીટ પર હોઈએ અને એ પોતે બચ્ચનસાહેબ હોય એવી લાગણીથી અમારી સામે જોયું અને બેઠક પર ગોઠવાયો. ટેબલ પર સહેજ ખસેડખૂસડ કર્યું. ટેબલના ખૂણામાં કંઈ દેવી-દેવતાના ફોટા હશે એને પગે લાગ્યો. અમે ભાવવિભોર અને પ્રભાવિત પણ થયાં. આટલી વિધિપૂરી થતાં લગભગ દસેક મિનિટ થઈ. અમે એનું નિરીક્ષણ કરતાં રહ્યાં. “ફિલમમાં ચાલે એવો છે એટલિસ્ટ... ઍડ ફિલ્મમાં તો ચાલે જ.”
હવે એણે અમારી સામે જોયું અને હસ્યો.
“યસ મેમ, હાઉ મે આઈ હૅલ્પ યુ?”
“બહારગામ જવું છે.”
“કેટલાં જણાં છો?” આ પ્રશ્નથી અમે મુંઝાયા અને અમારી આજુબાજુ જોયું “હેં?” એકલી જ આવી છું તપાસ કરવા તો...”
એ હસી પડ્યો. “અરે, એમ નહીં. બહારગામ કેટલાં જણા જવા માગો છો?” પછી ઉત્તરની રાહ જોયા વિના ટેબલનું ખાનું ખેંચીને એણે એક કાગળ કાઢ્યો ને ટેબલ પર ચાદર પાથરતા હોઈએ એમ પાથર્યો. ગ્લોસી પેપરમાં જુદી જુદી જગ્યાઓમાં આકર્ષક ફોટોગ્રાફ્સ હતા અને થોડી થોડી વિગતો લખેલી હતી.
“તમે થોડાં મોડાં છો, મેમ...” અમે આશ્ચર્યથી ઘડિયાળ ભણી જોયું. હજી તો સવારના અગિયાર માંડ થયા છે ને આ હીરો એમ કહે છે કે તમે મોડાં છો? મીન્સ... ઑફિસ સવારમાં વહેલી જ ખૂલી જતી હશે? એવું વિચારવામાં અમે આ પ્રશ્નનો ઉત્તર પણ ખાઈ ગયાં. “યુ. સી., હવે તો દિવાળીની રજાઓ પછીનું જ બુકિંગ મળે તો મળે. એય નોટ સ્યોર હોં કે. દિવાળીનાં તો ઑલ પેકેજિસ પૅક થઈ ગયા છે.”
“અમારે દિવાળી પછી જ જવું છે મિત્ર. શું છે કે દિવાળીમાં તો બધે ભયંકર ભીડ હોય છે અને કોઈ વાર તો અહીંવાળા જ તંઈ પણ ભટકાય અને પાછાં આપણને પૂછે કે લો, તમે ય અહીં જ આયા છો? તે અમારાથી ના જવાય? કહો જોય? એની વેઝ, જગ્યાઓ બોલો જોય તમે.”
હીરો ફરજનાં ભાગરૂપે અમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો અને ફરીથી જરા હસ્યો અને અમને કેટલાં દિવસ ફરવા જવું છે એમ પૂછયું. અમે ચારપાંચ દિવસ કહ્યું એટલે એણે પેલી પાથરેલી ચાદર ગડી કરી દીધી અને ખાનામાંથી બીજી ચાદર કાઢી એમાંય રંગબેરંગી ફોટોગ્રાફસ અને માહિતી આકર્ષક રીતે સજાવેલા હતા.
“તમારી કોઈ પર્સનલ ચૉઈસ છે કે એક્ઝેટ. તમારે કઈ જગ્યાએ જવું છે?” અમે હેં? પૂછીએ એ પહેલાં જ એણે કહ્યું, “આઈ મીન, દરિયાકિનારે, પર્વત, જંગલ વગેરે વગેરે... તંઈ જઈને ખાલી પડ્યા જ રહેવાનું હોય તો એવાંય સ્થળોનીય આપણી એજન્સી પાસે વ્યવસ્થા છે જ.”
અમે ફરી વિચારમાં પડ્યાં. સાલું આવું તો ક્યારેય વિચાર્યું જ નથી. હીરોની ગાડી હવે રમરમાટ સ્પીડમાં દોડતી હતી. અમને પૂછેલાં પ્રશ્નોના ઉત્તરનીય રાહ જોયા વિના એ નૉનસ્ટોપ બોલ્યે જ જતો હતો. વચ્ચે...વચ્ચે પેલી ચાદર પર કંઈ કુંડાળાઓય કરતો રહેતો હતો. અમે થોડુંક ધ્યાનથી બેધ્યાનપણે સાંભળતા હતા.”
“તમારી સાથે ચિલ્ડ્રન્સ કેટલાં છે?” ભાષાનો આવો ભયંકર ઉપયોગ અમે સાંભળીને વ્યાકરણદોષ સુધારવાના મિજાજમાં આવ્યાં પણ એની વાણી તો અવિરત ચાલુ જ હતી એટલે “ચિલ્ડ્રન્સ” તો ક્યારનાંય આગળ જતાં રહ્યાં. યુ. સી., તો હું તમને એ પ્રમાણે પેકેજિસ સજેસ્ટ કરી શકું. ઘણીવાર ચિલ્ડ્રન્સોના લીધે સારી ડિલ્સ મળી જતી હોય છે.” અમે એક બાળક અંગે માહિતી આપી એટલે એણે કુંડાળું કર્યું અને એમાં લખ્યું ‘1 ચિલ્ડ્રન.’ અમે વળી વ્યાકરણદોષ નિવારવા આતુર થઈ ઊઠ્યાં, પણ હીરો બીજા કુંડાળા તરફ ગતિ કરી ગયેલો.
“વેજ કે નૉનવેજ? યુ. સી, હવે બધા સી-ફૂડને વેજ ફૂજ જ ગણે છે.”
“ના હોં, જો જો ભંઈ... પક્કા વેજ હોં... ને રસપૂરી ને પાતરાં ને એવું બધું. ફોરેન ટીપમાં જ ઑફર કરો કે અહીં પણ ખરું એવું બધું?” હીરો એ અમારો પ્રશ્ન તો સાંભળ્યો જ નહીં... અને કુંડાળા પર ચોકડી મારી અને બીજું કુંડાળુ અર્થાત્ પ્રશ્ન ઝીંક્યો.
“અમે અમુક સ્થળોએ ક્લાયન્ટને ફૂલ્લી ઈક્વિપ્ડ અપાર્ટમેન્ટ જ એકોમૉડેશન માટે આપીએ છીએ. યુસી, એમાં બધું જ હોય. ફ્રીજ, એસી, વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન વગેરે... સગડીવાળો ગૅસ ન હોય બસ. બધું તમારે માઇક્રોવેવમાં જ રાંધવાનું. ઇવન માઇક્રોવેવનાં વાસણો ને થાળી વાટકાય ખરા અપાર્ટમેન્ટમાં. જો તમને માઇક્રોવેવ ઓવન ઓપરેટ કરતાં આવડતું હોય તો તમારે માટે કામનું, બાકી તો એ સ્થળ નકામાં.”
અમે ના કહી. એ અચરજથી અમારી સામે તાકી રહ્યો. “અલ્યા ભંઈ માઇક્રોવેવ ચલાવતાં તો આવડે છે પણ ત્યાં જઈનેય જો અમારે જ રસોઈની માથાકૂટ કરવાની હોય તો એ તો અહીં પણ કરીએ જ છીએ ને હેં?” હીરો અમારી વાત સાથે સંમત થયો અને યે કુંડાળા પર પણ ચોકડી મારી. હવે મુખ્ય પ્રશ્ન આવ્યો, તમે બજેટ કેટલું રાખ્યું છે બાય ધ વે? યુ સી, એ પ્રમાણે તમને પેકેજ દેખાડું.”
અમે બજેટ જણાવ્યું એટલે એણે વળી નવું કાગળ કાઢ્યું ને કુંડાળાય નવેસરથી કરવા માંડ્યાં. “તમે અમારા ગ્રૂપ પેકેજમાં જોડાવા માંગશો કે તમારું ફૅમિલી જ એકલું હોય એવા પેકેજમાં?”
યુ સી... ગ્રૂપ પેકેજમાં તમને ડીલ થોડી સારી મળશે. ટ્રાન્સપૉર્ટનો ખર્ચો એકલાએ નહીં ઉઠાવવાનો આવે જે તમે એ બચેલી રાશિ ખરીદીમાં યુઝ કરી શકશો. ને બીજો ફાયદો એય થશે કે તમે નવા મિત્રો બનાવી શકશો. જે તમને ભવિષ્યમાં સાથે જવા કામ લાગશે. આ લૉજિક અમને સમજાયું નહીં. પણ પ્રશ્ન શું પૂછવો એ ન સમજાવાથી અમે ચૂપ રહીને કુંડાળાની રાહ જોઈ.. સદ્નસીબે હીરો પાસે બધા કુંડાળા ખલાસ થઈ ગયેલાં એટલે એણે અમને 1 કરોડનો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તમારે અત્યારે જ બધું નક્કી કરીને જવું છે કે ફરીથી મુલાકાત લેશો? યુ સી., અમારી એજન્સી હવે એક સપ્તાહ ચાલુ રહેશે પછી દિવાળીને લીધે પાંચમ સુધી બધું બંધ છે.
“તે હેં, તમે ટૂર પર જાવ તો અહીંના પેકેજમાં જાવ કે બીજે કંઈથી પેકેજમાં જાવ?” અમારી આ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાને બદલે ઉત્તરમાં હીરોમાત્ર જરાથી થોડું વધારે મલકાયો, મારા બેટા એ મગનું નામ મરી તો ન જ પાડ્યું. બઉ સ્માર્ટ. અમે એનો આભાર માન્યો અને ઊભા થયા. એણે અમને, “થૅંક્યુ મેમ... પ્લીઝડ ટુ મીટ યુ ..ડુ વિઝિટ અસ અગેઇન...” જેવા શિષ્ટાચારનાં વાક્યો ઝીંક્યાં અને એજન્સીની પ્રવાસ વિગતોનું એક કેટલોગ અમને પકડાવ્યું. રજાની મજાની સફરના ઘોડા દોડાવતાં અમે ઘર ભણી સફર આદરી અને મનોમન નક્કીય કર્યું કે હવે જવું તો મંગળ જ એટલે કે મંગળ ગ્રહ પર જ જવું.. ત્યાંય હવે જનજીવન છે. અમેય જરા રેકી કરતાં આવીએ તો ટ્રાવેલ-રિસર્ચનો આનંદ લઈ શકાય ને?
ખોંખારો : બહારગામ જઈનેય જો તાજગી અનુભવવાને બદલે મુશ્કેલીઓનો જ વિચાર કરતાં હોય એ લોકો ખરા અર્થમાં “Suffer-જન” છે.

http://bombaysamachar.com/epaper/e26-11-2015/LADKI-THU-26-11-2015-Page-4.pdf

No comments:

Post a Comment