Thursday, July 7, 2016

“ત્યારે લખીશું શું?”

મુંબઈ સમાચાર, ૨૮/૦૪/૨૦૧૬ "મરક મરક" લાડકી section ..



— શિલ્પા દેસાઈ
ચાલો, આપણે પણ ક્યાંકથી લેખ લખવાનું આમંત્રણ આવ્યું ખરું. આટલા મોટા જનસમુદાયમાંથી લેખક શોધવો અતિ કપરું કાર્ય હોય છે. પણ આ “કાલનું વર્તમાન”વાળા ખરા હીરાપારખું નીકળ્યાં. કુશળ ઝવેરી જ હીરા પારખી શકે. એની વે, અમેય એક લિસ્ટ બનાવી દીધું. “લખવા માટેની સામગ્રી.”

1 નંગ સરસ રાઇટિંગ પેડ. — “ગાલા”નું ચાલે. કમ્પ્યૂટર પર લખવાથી જે પેલી અહાહાહા ફીલિંગ આવવી જોઈએ એ આવતી નથી એટલે અમે કમ્પ્યૂટર પર લખતાં જ નથી.

6 નંગ બૉલપેન. —રૂ. 30 વાળી, 6નું આખું બૉક્સ જ લેવું

1 સારામાંનું રાઇટિંગ બોર્ડ.

1 ફોલ્ડર (એ-3 સાઇઝનું)

12 મોટાં કવર (લાંબાં અથવા એ-4 સાઇઝનાં)

ટપાલ ટિકિટ — ઇ-મેઇલનાં જમાનામાં ભલે ટપાલનું ચલણ ઓછું થયું હોય પણ અમને વિક્રમ સારાભાઈ વાળી વાત હજુય અક્ષરશઃ યાદ છે. પત્ર આવે તો કેવો આનંદ થાય એય યાદ છે. એટલે અમે ટપાલ થકી જ અમારો લેખ મોકલીશું.

1 ગ્લુસ્ટિક — કવર ચોંટાડવા. સેલોટેપનાં ઠેકાણાં નહીં.

બસ અત્યારે તો તાત્કાલિક આટલી વસ્તુઓ લઈ આવીએ એટલે બીજા જ કલાકથી આપણું કામ ચાલુ.

હવે આ બધું લઈ આવીશું ત્યારે એમાં તો ફાઇનલ ડ્રાફ્ટ જ લખીશું પણ અમે પરફેક્ટ પ્લાનિંગમાં માનીએ છીએ એટલે રફવર્ક વિના તો બિલકુલ આગળ વધીએ જ નહીં. રફવર્કમાં તો કોઈ બી કાગળ અને પેન ચાલે. શરત એટલી કે કાગળ કોરો અને પેનથી લખાતું હોવું જોઈએ. એટલે અમે પસંદગી ઉતારી ડાયરી પર. જુદી જુદી ડાયરીઓનાં થપ્પામાંથી 2014ના વર્ષની ડાયરી કાઢી. એકદમ લીસ્સાં પાનાં. હવે આમાં રફવર્ક કરીશું તો થોડા સમયમાં તો વપરાઈ જ જવાની અને છેવટે અમારે એ પસ્તીમાં આપી દેવાની? આવા વિચારથી 2014ની ડાયરીમાં લખવાનો આઇડિયા પડતો મૂક્યો ને બીજી બધી ડાયરીઓનાં પાનાં ઊથલાવવાં માંડ્યાં. બધી ડાયરીઓમાં જે સૌથી ઓછાં લીસ્સાં અને ચમકતાં પાનાં વાળી ડાયરી હતી એ પસંદ કરી અને ક્યાંકથી પેન શોધીને સાવ કોરી ડાયરીમાં સ્વસ્તિક ચીતર્યો અને શ્રી ગણેશાય નમઃ લખ્યું અને લખવાનો શુભારંભ કર્યો. પણ હવે જ મૂળ પ્રશ્ન ઉદ્ભવ્યો કે શેના વિશે લખવું એ તો કંઈ વિચાર્યું જ નથી. વળી પાછાં થોડાં જૂનાં છાપાં લાવીને બાજુમાં મૂક્યાં ને એમાં આવતાં જુદા જુદા વિભાગો પર નજર દોડાવવા માંડી. આ કવાયત થોડી વાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે અહીં ઉતાવળે આંબા નહીં પાકે. મહેનત કરવી જ પડશે. એટલે પેલી સ્વસ્તિક ચીતરેલી ડાયરી ને પેન બંધ કર્યાં અને છાપાંમાંથી વિભાગ વાર કટિંગ કરવા માંડ્યું. લગભગ બે કલાકની આકરી મહેનત પછી વિભાગ વાર કટિંગ ગોઠવ્યાં. સૌથી પહેલાં ગંભીર લેખ ઊંચક્યાં. બેચાર ઊથલાવીય જોયાં અને વિચારપ્રક્રિયા શરૂ કરી અમને આમેય કોઈ ગંભીર ગણતું નથી. તો અમારા ગંભીર લેખની ગંભીરતા કેટલાં ગણશે એવો યક્ષપ્રશ્ન ઉદ્ભવ્યો. જેનો જવાબ અમને ક્યાંય મળ્યો નહીં. એટલે ગંભીર લેખવાળી કટિંગની થપ્પી બાજુ પર મૂકી. હવે વારો આવ્યો ગુલાબી રંગનાં પાનાંવાળા વ્યાપારી લેખોનો.

આજે આ લખવાનું આવ્યું તો ખબર પડી કે બિઝનેસમાં ચણા, જીરું, ખાંડ, ચા વગેરે વગેરે બધીયે કોમોડિટીમાં સર્કિટ આવે. અત્યાર સુધી અમને બે જ સર્કિટની ખબર હતી. એક તો ઇલે. ઉપકરણોમાં આવે એ અને બીજી મુન્નાભાઈની ફિલ્મોમાં આવે છે તે. શૅરબજારમાં ધીમા ને મક્કમ સુધારા તો તેલમાં ઉછાળા આવી બધી ભાષા અમારે માટે કાળા અક્ષર જેવી લાગી એટલે બિઝનેસ પણ પડતો મૂક્યો. હવે કવિતાવાળી થપ્પી આવી. કવિતાઓ વાંચીને અમને થયું કે અલંકાર ન આવડવા એ પણ કાવ્યનો પ્રકાર જ છે. એક વાર જાણીતા કવિ સ્વ. શ્રી સુરેશ દલાલને એમની કોઈ પ્રશંસકે સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે જરા વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુ. દ. એ લાક્ષણિક શૈલીમાં કહેલું : “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટસ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે ને પછી તો છેલ્લા શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી કવિતા બને એવી સમજ પડી... અને આવું સાદું સીધું આપણે લખી જ કેવી રીતે શકાય. વિચારીને કવિતાય બાજુ પર હડસેલી.

હવે રસોઈને લગતાં કટિંગ્સ હતાં. એક અછડતી નજર ફેરવતાં જ ખ્યાલ આવી ગયો કે આમાં કશું મૌલિક નથી. આપણે જો આઇટમ બનાવવાની હોય એનું પ્રમાણ-માપ બરાબર લખ્યું હોય એટલે ભયો ભયો. વારંવાર જુદાં જુદાં મસાલાની પેસ્ટ, સાંતળવું, વઘારવું, ક્રશ કરવું જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરો એટલે વાનગી તૈયાર. આમાં અમને જરા રસ પડ્યો. કારણ કે અખતરા અમારી નસેનસમાં વહે છે. એક વાર એક મિત્રને ખાંડ વિનાની કૉફી પિવડાવેલી. મિત્ર બિચારા કૉફીનાં છેલ્લા ઘૂંટડા સુધી “અબ આયેગી... કબ આયેગી” સમજીને કપ હલાવતાં રહેલા કે ખાંડ રહી ગઈ હોય તો ઓગળી જાય. વાનગીઓ બનાવવામાં પણ ખાનારના જોખમે અમે જે-તે વાનગી બનાવી જ દઈએ છીએ. અમુક કારણોસર એક વડીલે તો અમારા માટે સાર્વત્રિક સ્ટેટમેન્ટ બી આપેલું છે : કંઈ પણ બાફવાનું હોય તો આમને આપો. વર્લ્ડ બેસ્ટ બાફી આપશે. એટલે મનોમન એ વડીલને યાદ કરીને રસોડાના મરીમસાલા યાદ છે કે નહીં એ વિચારી લીધું. અમને લગભગ બધા મરીમસાલાનાં નામ ખબર છે એ વિચારીને ફીલ ગુડ થયું. મમત્વથી રસોઈવાળા કટિંગ્સને એક બાજુ પર રાખ્યાં. આ વિચારી શકાય એવો વિષય છે. ઝાઝું કંઈ ઉકાળવાનું નથી અને કોઈ આપણાને ચેલેન્જ પણ ન કરી શકે એવો.

હવે વારો આવ્યો હોમ ડેકોર/ફૅશન/ગૃહસ્થીને લગતાં કટિંગ્સનો. આમાંય કંઈ ખાસ કરવાનું લાગ્યું નહીં. ઘરને વ્યવસ્થિત જુદી જુદી રીતે ગોઠવવું, ફૂલદાનીમાં ફૂલો ગોઠવવા ને ઘર-રસોડું વગેરે ચોખ્ખાં રાખવાનાં એમાં કંઈ મોટી ધાડ નથી મારવાની એમ લાગતાં આ વિષય પર હાથ અજમાવવામાં મન જરા પાછું પડ્યું. ફૅશનમાં તો આપણને જે ગમે એ જ ફૅશન કહેવાય. અમને શોભે એવાં વસ્ત્રો અને રંગો પર અમે અખતરા કરવા હરગિજ તૈયાર નથી. એટલે ફૅશનને બાજુ પર મૂકી. હમણાં તો અપૂરતાં કાપડને લીધે ટૂંકાં ટૂંકાં કપડાં સિવડાવવાની હોડ લાગી છે. અને બધા “હમણાં તો આવી જ ફૅશન છે” કરીને કોઈ પણ કપડું કોઈ પણ રીતે ટાંકાટેભાં લઈને ઠઠાડી દેતાં અચકાતાં નથી. ના, આપણે જે કામ ન ગમતું હોય એ નહીં કરવાનું એમાં કોઈ બાંધછોડ નહીં.

આરોગ્યને લગતાં લેખો જોઈને અમને જરા લો બી.પી. જેવું લાગ્યું. નરણાં કોઠે આ ફાકી ગળો ને નરણાં કોઠે પેલી ફાકી ઉકાળેલાં પાણીમાં પી જાવ. લીંબુ-મધ પીઓ ને બાપ રે... આટલું બધું જો એક જ જણે કરવાનું હોય તો પહેલી વારમાં જ જે ફાકી ગળી એ પછી નરણો કોઠો કેવી રીતે કહેવાય? આવો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે જાહેર જનતાના લાભાર્થે અમે આયુર્વેદના લેખોમાં ખેડાણ માંડી વાળ્યું. (તેમ છતાંય આયુર્વેદને અમે દાઢમાં તો રાખ્યું જ છે.) એટલામાં બાળઉછેર અને કિશોર સંતાનોની સમસ્યાવાળા લેખો નજરે ચડ્યાં. મોટા ભાગનાં મનોચિકિત્સકો પોતાના સંતાનોની મનોદશા સમજી શકતાં નથી. પરોપદેશે પાંડિત્યમ્ જેવા આ ક્ષેત્રમાંય ચાંચ નહીં ડૂબે એવી ખાતરી હોવાથી આ વિષયોની પણ બાદબાકી થઈ ગઈ. નાની નાની વાર્તાઓ જોઈને વાર્તા વિશ્વ પર હાથ અજમાવી જોવાનું સુઝ્યું. થોડી વાર્તાઓ વાંચી પછી બક્ષીબાબુ યાદ આવ્યા. કોઈ વાર્તા માટે એમના પર કેસ થયેલો અને એમણે બીચારાએ કેવાં હડદોલા ખાવા પડેલાં એ વાંચ્યાનું સ્મરણ પણ તાજું થયું. કોર્ટ કચેરીના માનસિક કે આર્થિક હડદોલાં આપણાથી ખમાય નહી એ તો ખરું જ પણ નાહકનું કોઇને મનદુ:ખ થાય એ જરાય માફીપાત્ર નથી એટલે એય કેન્સલ રાખ્યું. હવે કટિંગ્સમાં ગણ્યાંગાંઠ્યા લેખો દેખાતા હતા. જરા નિરાશ થઈને અમે એક લેખ ખેંચ્યો. ચિંતન-મનનનો લેખ હતો... ઓહો... આવા લેખોનો તો અત્યારે રાફડો ફાટ્યો છે. જે કંઈ ન સૂઝે એ આવી રીતે મોટીવેશનલ ગુરુ થઈને થોડાં લેખો ઠપકારી દે. વાત લગભગ તો બધામાં એકની એક જ હોય. કહેવાની શૈલી જરા જુદી હોય. કોઈ ટુચકાઓ કહે ને કોઈ ઉપદેશ કથાઓથી લેખ ભરી દે. સરવાળે તો શબ્દકોશમાં આવતાં દરેક ભારે ભારે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવી દે. એમાંય આપણે શું કરવાનું એમ વિચારીને આ વિષય પર લખવાનું ખાસ મુનાસિબ ન લાગ્યું. તો સાંપ્રત પ્રવાહોમાં રાજકારણ વધુ આવે જે અમને ફાવે નહીં એટલે હવે લખીશું શું એ યક્ષપ્રશ્ન તો આટલી પળોજણ પછીય યથાસ્થાને જ હતો.

એટલામાં જ જોરમાં કોઈ બારણાં ખખડાવતું હોય એમ લાગ્યું અને અમે ઊંઘમાંથી સફાળા જાગી ગયાં.

ખોંખારો : લખતાં લહિયો થવાય.


No comments:

Post a Comment