— શિલ્પા દેસાઈ
જેમ જેમ સોસાયટીમાં સમાચાર પ્રસરતા ગયા એમ એમ બધાં વારાફરતી ભટ્ટજીના ઘર તરફ જવા લાગ્યાં. નાની અમથી સોસાયટીમાં કોઈ પણ ખબર પવન કરતાંય પહેલા પહોંચી જાય. ધીમે ધીમે બધાંય ઘરોમાંથી એકાદ-બે જણ ભટ્ટજીને ઘરે પહોંચી ગયાં. ઘરમાં સોપો પડેલો હતો અને ભટ્ટજી એક સોફા પર ગાલ પર હાથ દબાવીને બધાંને આંખથી આવકારો આપતા હતા. કરુણામાસીની ડૉલી વહુ અને દીકરી નિકી બધાંને પાણી આપવા રસોડામાં આવજા કરતાં હતાં. ધીમે રહીને ચીનુકાકાએ ભટ્ટજીને પૂછ્યું :“કેમ કરતાં થયું? કાલે બપોરે તો આપણે મળ્યા ત્યારે તો કશુંય કહ્યું નહીં તમે?“ભટ્ટજીએ ધીમે રહીને ગાલ પરથી હાથ ખસેડ્યો ને બોલ્યા : સવાર સુધી તો બધું ઑલરાઇટ જ હતું. ચ્હાય પીધી ને પછી એકદમ જ દુઃખાવો ઉપડ્યો. કશું બોલાય નહીં. જેમ-તેમ કરુણામાસીને ખબર આપ્યા. મારાથી વાત નહીં થાય. હવે.. માસી તમે જ કહો...” ને વાતનો દોર કરુણામાસીએ લઈ લીધો. “ભટ્ટજી તો જોયા હોય તો આપણને એમ થાય કે હાય હાય... આ ભટ્ટજી? તરત જ બીજું કંઈ તો સૂઝ્યું નહીં એટલે ઘરમાંથી એક પેઇનકિલરની ટીકડી ગળાવી દીધી ને એક લવિંગ આપ્યું. એને એમણે જે દાંત દુઃખતો હતો એ દાંત પાસે દબાવી રાખ્યું ને ધીમે ધીમે ચાવતા રહ્યા. હવે પેઇનકિલરની અસર કહો કે લવિંગની પણ કલાકેકમાં જરા સારું થયું. એટલામાં એમણે કહ્યું એ ડેન્ટિસ્ટને એમના મોબાઇલમાંથી નંબર લઈને મારી ડૉલીએ ફોન કરીને ઍપોઇન્ટમેન્ટ લઈ લીધી. રૂમમાં નીરવ શાંતિ હતી એટલે પંખાનો અવાજેય ચોખ્ખો સંભળાતો હતો. કરુણામાસીએ પાણી પીધું અને વળી કોમેન્ટરી ચાલુ કરી. “હં તો, ડૉલીએ ટાઇમ લઈ રાખેલો અને બપોરે મેં ભટ્ટજીને શીરો બનાઇ આલેલો, બિચારાએ પરાણે ખાધેલો. શું કે જરી ટેકો રહે. બીજું તો કંઈ ખવાય એમ હતું નહીં. બપોરે ડૉક્ટરે બે વાગ્યે ટાઇમ આપેલો તે મારી નિક્કી એમને ગાડીમાં લઈ ગઈ. આપણે કામ ના આઇએ તો કોણ આવે? હેં, ચીનુકાકા... શું કો છો?” ચીનુકાકાએ દસશેરીયું હલાવી મૂક્યું અને બીજા પ્રશ્નનો ઘા કર્યો :“ પણ કહ્યું શું ડૉક્ટરે?” હવે જવાબ આપવાનો નિક્કીનો વારો હતો. એટલે એ બોલી :“આજે તો કંઈ નથી કર્યું કાકા. એક્સ-રે પાડ્યો ને જરાતરા ક્લીનઅપ કર્યું. ભટ્ટજીને દાંતમાં સ્વેલીંગ છે તો આજે બીજું કશું નહીં થાય જે કરશે એ કાલે, ટાઇમ આપ્યો છે. કાલે જ થશે. જમીને જવાનું છે. મમ્મી, કાલે શીરો થોડો વધારે બનાવજે. મહાદેવ ભેગાં પોઠિયા પૂજાઈ જાય. ભટ્ટજીની સાથે સાથે અમેય ખઈશું. હેં ને ડૉલીભાભી?”
ડૉલીએ મીઠું મરકીને હા કહી. વળી, રમેશભાઈ બોલ્યા : પણ, આજે તો કંઈ કર્યું નથી તોય ભટ્ટજી કેમ ગાલ પર હાથ દબાવીને બેઠા છે? પાછો દુઃખાવો શરૂ થયો કે શું?” ભટ્ટજીએ ગાયથીય વધુ દયામણા થઈને હા કહી. થોડું થોડું દુઃખવાનું શરૂ થયું છે. પણ અસહ્ય ન હોય તો કોઈ પેઇનકિલર લેવાની ડૉક્ટરે ના કહી છે. રાત્રે લઈ લઈશ બહુ એવું લાગશે તો.” દાંત દુખે તો કેવી વીતે એ તો દાંત દુખે એ જ જાણે. ચીનુકાકાએ પોતાનું ચોકઠું સરખું મોઢામાં સેટ કર્યું અને પોતાના દાંતના અનુભવો વહેંચવાની શરૂઆત કરી. એકવાર એટલે કે જ્યારે મારા પોતાના દાંત હતા ત્યારે મને દાંતમાં અર્ધી રાત્રે દુઃખાવો ઉપડેલો. તલનું તેલ મોંમાં ભરી રાખ્યું. થોડી વાર... પછી ના મજા આઈ એટલે એનો કોગળો કરી નાંખ્યો અને તમારા કાકીએ લવિંગ આપ્યાં તે બધાંય મોંમાં દબાવી રાખ્યાં. પણ લવિંગ સવાર સુધી મૂકી રાખ્યાં તે જીભ આઈ ગઈ બરોબરની. અગિયાર તો જેમ-તેમ વગાડ્યા બીજા દિવસે ને બંદા ઉપડ્યાં દાંતનાં ડૉક્ટર પાસે... ડૉક્ટરને ત્યાં ભયંકર ભીડ. ને ભટ્ટજી તમને કહું? તમારો દુઃખાવો તો કંઈ નથી મારા એ દુઃખાવા આગળ. મારી હાલત પર પેલી રિસેપ્શનિસ્ટ અને બીજા દર્દીઓને જરા દયા આવી હશે. તે એમનાં મનમાં રામ વસ્યા અને મને પહેલો જવા દીધો. અંદર ફૂલ એ.સી. ચાલે તોય આપણને પરસેવો પરસેવો થઈ ગયેલો. આ કાકાને ત્રણ નંબર પર બેસાડીને એક્સ-રે લઈ લો. જે પ્રાથમિક તપાસ કરવાની હોય એ કરી લો. ત્યાં સુધીમાં હું એક નંબર ને પતાવી દઉં. એવી સૂચના આપીને ડૉક્ટર તો એમનાં કામે લાગી ગયાં ને આ બાજુ મને ત્રણ નંબરની ચૅર પર બેસાડીને માથે પેલી લાઇટ આવે ને એ ચાલુ કરી ને મને મોઢું ખોલાવ્યું. એક તો આપણે તમાકુ ચાવવાની ટેવ તે મોઢુંય મારું બેટું સરખું ખૂલે નહીં ને પેલો આસિસ્ટન્ટ ડૉક્ટર હજી વધારે મોઢું ખોલોની વારે વારે રેકર્ડ વગાડે... તે હું એમ પૂછું અલ્યા તને અંદર બ્રહ્માંડ દેખાવાનું છે? કે પછી આખો અંદર બેસીને ટ્રીટમેન્ટ કરવાનો છે? એવી તો દાઝો ચઢેલીને એ 6 ફૂટિયા પર તો.. મોઢુ ખોલાવીને અંદર પાવલી જેવડો સ્ટૅન્ડ વાળો અરીસો મૂક્યો ને માંડ્યોં બધા દાંત દબાવવા. થોડી વાર થઈ મને કહે કાકા આ બાજુમાં ગ્લાસમાં પાણી છે ગાર્ગલ કરી લો. હવે આ ગાર્ગલ એટલે શું તે મને હમજ પડે નહીં એટલે હું એની સામે જોઈ રહ્યો. એટલે ડૉક્ટરે ફરી કહ્યું, કોગળા...કોગળા... તે મેં કોગળા કર્યા. વળી મોંઢું લૂછીને ખુરશીમાં ગોઠવાયો ને પેલાએ તો ફરી મોઢું ખોલાવીને અંદર કંઈક ઇંજેક્શન જેવી પિચકારીઓથી દાંત પર કશુંક રેડવા માંડ્યું. પછી મેં તો આંખો ફીટોફીટ મીંચી દીધી. એટલામાં પેલાએ મોંઢામાં કંઈ મિક્સર જેવા અવાજવાળું મશીન ચાલુ કર્યું. ચૂંઉંઉંઉં.. માથું ભમી ગયેલું ભટ્ટજી... તમારાથી તો સહન નહીં જ થાય. જરા વાર આ ચૂંઉંઉંઉં... ચાલ્યું તે પછી એકદમ જ બધો અવાજ બંધ થઈ ગયો. તો હાઈશ... ને એમ વિચારીને આંખો ખોલી તો પેલો મારી સામે મરકતો ઊભેલો . હવે સાહેબ જોઈ લે એટલે તમને નેકસ્ટ સીટિંગનો ટાઇમ આપી દઈએ. “મેં તો મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ગાવા માંડી. મુખ્ય ડૉક્ટરે આવીને જોયું ને માથું ધુણાવ્યું બધાં દાંત ગયેલા છે લાંબો સમય ચાલશે ટ્રીટમેન્ટ. પરમદિવસથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ. રેગ્યુલર આવશો તો જલદી પાર આવશે. જેશ્રીક્રષ્ણ.” આટલું એકશ્વાસે બોલીને એમણે મને રવાના કર્યો. પણ ભટ્ટજી, ટ્રીટમેન્ટ પછી આપણને કોઈ તકલીફ નથી. બધું હવે સરસ છે. હવે ચોકઠુંય બરાબર ફાવી ગયું છે.. હું શું કહું છું ભટ્ટજી તમેય બધાં દાંત પડાવી જ નાંખો.” આટલું બોલીને ચીનુકાકાએ ઑડિયન્સ પર નજર ફેરવી. હવે જ એમને ખ્યાલ આવ્યો કે એક એક કરતાં બધાંય સરકી ગયેલાં રૂમમાંથી અને શ્રોતા માત્ર ભટ્ટજી જ રહ્યા હતા.
ભટ્ટજીને તો સાંભળ્યા સિવાય છૂટકો ન હતો. એટલે એ બિચારા ક્યાં જાય? એટલામાં નિક્કી આવીને ભટ્ટજીને ઢીલી ખીચડી ને દહીં આપી ગઈ. જતાં જતાં બીજા દિવસની 11 વાગ્યાની દાંતની ઍપોઈન્ટમેન્ટનું યાદ કરાવતી ગઈ. ભટ્ટજી આભારવશ નિક્કી અને ખીચડી સામે જોઈ રહ્યાં. ને ચીનુકાકા સામે હાથ જોડ્યા. બીજા દિવસે ભટ્ટજીને દાંતના દુઃખાવામાં ખાસ્સી રાહત હતી. પણ ટાઇમ લીધેલો અને દાંતમાં સડો વધુ પડતો ન થઈ જાય એટલેય જઈ આવવું જરૂરી હતું. નિત્યકર્મથી પરવારીને તૈયાર થઈને બેઠા ત્યાં વળી ડૉલી શીરો લઈને આવી પહોંચી. થોડો શીરો ખાઈને ભટ્ટજી દવાખાને પહોંચ્યા. નસીબજોગે ક્લિનિક પર બીજા કોઈ પેશન્ટ ન હોવાથી ભટ્ટજીનો તરત જ નંબર આવી ગયો. પ્રાથમિક પૂછપરછ ને તપાસ પછી ડૉક્ટરે ફટાફટ આસિસ્ટન્ટને સૂચનાઓ આપી દીધી. ને એ પ્રમાણે પેલા આસિસ્ટન્ટ બધી સામગ્રીઓ ભટ્ટજીની ખુરશી પાસેનાં ટેબલ પર મૂકવા માંડી. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેમાં જાતજાતનાં પ્લાયર, રૂનાં પૂમડાં, ઇંજેક્શન ને ચીપિયા, હાથમોજાં સહિત મૂકાઈ ગયાં. એટલામાં એક હેલ્પર જાતજાતની ટોપકાંવાળી ખીલીઓ ટ્રેમાં લઈ આવ્યો. ભટ્ટજીની આંખોમાં ડોકાતાં આશ્ચર્ય અને પ્રશ્નાર્થને કળી જઈને ડૉક્ટરે વગર પૂછ્યે જણાવી જ દીધું :આને “ફાઇલ” કહેવાય આ સ્પેચ્યુલા છ, આ ટીસ્યુ પ્લાયર છે. આ બૉટલમાં તમારાં દાંતમાં ઇંજેક્શન આપવાનું છે એ લિક્વિડ છે. ઇંજેક્શન આપ્યા પછી તમે કંઈ ન બોલશો. નહીં તો એની આજુબાજુમાં બધું બહેરું થઈ ગયું હોય અને દાંતમાં ચવાઈ જશે તો તમને ખ્યાલ પણ નહીં આવે.
ભટ્ટજી ગભરાયા. “એક મિનિટ.” આ બૅગમાં મારો સેલફોન છે એમાં બેથી આઠ નંબર પર સ્પીડ ડાયલ સેટ કરેલું છે. મને કંઈ થઈ જાય તો બધા નંબર પર જાણ કરી દેજો. આ એ.સી.નું કુલિંગ ફાસ્ટ કરો. મને લો બી.પી. થયું લાગે છે. તમારા આ ઇંજેક્શનમાં થોડું લીંબુ નીચોવી આપો તો મને ચક્કર નહીં આવે... મારે દાંત અખરોટ તોડી શકું એવા મજબૂત નહીં હોય તોય ચાલશે પણ કામ બરાબર થવું જોઈએ.” એટલામાં ડૉક્ટર આવ્યા. કંઈ પણ પ્રતિભાવ આપ્યા વિના એમણે ભટ્ટજીને દાંતમાં ઇંજેક્શન લગાવ્યું. થોડીવાર દાંતમાં કંઈક ગડમથલ કરી. પંદરવીસ મિનિટ પછી “ચાલો , આજનું પૂરું હવે આવતાં અઠવાડિયે.” કહીને એમણે હાથ ધોઈ નાખ્યાં. ફાઈનલ સીટીંગમાં રુટ કેનાલની પ્રોસીજર કરીને ડોકટરે ભટ્ટજીને દાંતમાં ગોલ્ડન કેપ ફીટ કરી અને બોલ્યા “ પરફેક્ટ “. એટલું સાંભળતા જ એમના આસી.ડોકટરે ભટ્ટજીના હાથમાં બિલ પકડાવ્યું. ત્યારે ભટ્ટજીથી ફરીથી ગાલ પર હાથ મુકાઈ ગયો . દાંત કે દાઢ દુઃખે તો જ ગાલ પર હાથ મુકાય એવું કોણે કહ્યું ?
ખોંખારો : જેણે દાંત આપ્યા છે એ દુઃખાવોય આપશે.
http://bombaysamachar.com/epaper/e14-4-2016/LADKI-THU-14-04-2016-Page-4.pdf
No comments:
Post a Comment