થોડાં દિવસ પહેલાં સંસદમાં સ્મૃિત ઈરાનીએ બહુ ધારદાર સ્પીચ આપી માણસને વાઇરલ થાય એમ હવે સ્પીચોય વાઇરલ થવા લાગી છે. રાજકારણનાં આટાપાટા જે હોય એ; આ સ્પીચ વિરોધ પક્ષનાં નેતાઓને વાઇરલ થઈ જાય એવી તો હતી જ એવું રાજકારણનાં ખેરખાંઓ પણ બહારખાને-અંદરખાને સ્વીકારી ચૂક્યાં છે. ઘણી સ્ત્રીઓએ ઘરમાં પોતાનાં પતિનેય કહ્યું હશે. “સાંભળીને સ્મૃિતની સ્પીચ? સાંભળી લેજો અને સમજીય લેજો. કે અમે સ્ત્રીઓ કેવું કેવું બોલી શકીએ છીએ.” કેટલાય પુરુષોમાં લઘુતાગ્રંથિ લાવી દે એવા આશ્ચર્યકારક અને આગઝરતાં ભાષણો ભૂતકાળમાં સ્ત્રીઓએ આપ્યાં જ છે. આ ટાણે ઇંદિરા ગાંધીને યાદ ન કરીએ તો ચાલે જ નહીં. એકવાર સંસદ સત્રમાં એક સાંસદે કોઈ ઉગ્ર બોલાચાલીમાં મોરારજી દેસાઈને “જૂઠ્ઠા” કહ્યું. તરત જ ઇંદિરા ગાંધી પાટલી પછાડીને ઊભા થયા અને કહી દીધું કે “નેતાજી, તમે મોરારજીને જૂઠ્ઠાં કહેશો તો સાચાં કોને કહેશો?” આફરીન. એ સમયનાં રાજકારણનું અને રાજકારણીનાં સ્તરનો ખ્યાલ આ એક વાક્યથી આવી શકે છે. તો બીજી તરફ થાળી-વેલણ વગાડતી સ્ત્રીઓ.. જુદા જુદા આંદોલનો સમયે થાળી-વેલણ લઈને શેરીઓમાં ઊતરી પડતી આજની બહેનો. આ ડ્રમ બૅન્ડવાળી બહેનો જો જરા સ્વસ્થ ચિત્તે વિચારે તો એમને ખ્યાલ આવશે કે જે થાળી પર એમણે ભવોભવની દાઝ કાઢીને ટીપ્યાં હોય એવાં થાળી-વેલણ. આંદોલનોની તો જે અસરો થવાની હોય તે થાય પણ થાળી પર વેલણ પ્રહારની અસર ચોક્કસ થાય છે અને થાળી ફરી ડાયનિંગ ટેબલ પર મૂકવા લાયક રહેતી નથી. થાળી એટલી બધી ગોબાવાળી થઈ જાય, કાનાવાળી થાળી ખાનાવાળી થાળીમાં તબદિલ થઈ જાય ને સરવાળે તપેલી ઢાંકવાનાં કામમાંય આવે કે કેમ એ પ્રશ્ન. દાઝ કાઢવાની આ પ્રથા આમ વાઇરલ થઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હકિકતમાં થાળી-વેલણની કથા એવી છે કે પતિને ગરામગરમ રોટલી-ભાખરી જમાડવાનાં અભરખાં ધરાવતી પત્નીને ડાઇનિંગ ટેબલ પર બેઠલો પતિ બૂમ પાડે કે “હજી કેટલી વાર છે?” ને જવાબમાં હોંશિલી પત્ની જવાબ આપવાને બદલે ભાખરી-રોટલી વણતાં વણતાં જ વચ્ચે થાળી પર એક-બે ટંકારવ કરીને જવાબ આપે તે પતિ સમજી જાય કે બસ હવે થાળી પીરસાવાની તૈયારી જ છે. જો કે આજે તો રોટલી ભાખરી ગરમામાંથી નીકળીને એ ખાસ્સો સમય ગરમ રહે એવા પાત્ર “કેસરોલ”માં ગોઠવાઈ ગઈ છે. એટલે પતિ કે કુટુંબીઓ જમવા બેસે ત્યારે “કેસરોલ”માં ભાખરી/રોટલી તૈયાર જ હોય. ખોલીને લઈ લેવા જેટલી જ વાર થાય. ને શરીર પર વધેલી ચરબી ઓછી કરવા કાને ભૂંગળા ભરાવીને બહાર બગીચામાં “walk” લેતી પત્નીને જોતાં જોતાં પતિએ જમી લેવાનું. આને કહેવાય વિકાસ! નવી નવી ટેક્નોલૉજીઓનો લાભ પુરુષોને મળ્યો છે એનાં કરતાં વધારે સ્ત્રીઓને મળ્યો છે. અથવા એમ કહો કે એ લોકોએ લઈ લીધો છે અને પુરુષોએ એ વિશાળ હૃદયે કે હૃદય પર પથ્થર રાખીને સ્વીકારી પણ લીધું છે.
સ્ત્રીઓને દુષ્ટાત્મા ચિતરવાનું કામ જેટલું એકતાકપૂર અને અન્ય ટીવી સિરિયલ્સે કર્યું છે એટલું તો બીજા બધાએ ભેગાં થઈનેય નહીં કર્યું હોય! રોજ સાંજે 7થી 11 દરમિયાન પ્રસારિત થતી વિવિધ ચેનલો કરતાય વધુ ઝડપે ગળા નીચે ઊતરી જશે. જોરદાર કાંજી પાયેલી કડક કે બનારસી રોલાં ને ભારેખમ દાગીનાવાળી ચરબીથી ફાટફાટ થતી મહિલાઓ કે પેન્સિલનેય કૉમ્પલેક્સ લાવે તેવી પાતળી કે કુપોષણથી પીડાતી છોકરીઓને જાતજાતનાં કાવાદાવા કરતાં જોઈએ તો દરેક સ્ત્રી આવી જ ગણતરીબાજ કે કાવાદાવાવાળી હશે એમ માનવા પ્રેરાઈએ. હકીકતમાં ટીવીની સ્વીચ બંધ કરીએ એટલે આ કાવાદાવાય એમાં જ પૂરાઈ જાય છે. ગાંધીજી સાથે ડૉક્ટર તરીકે ડૉ. સુશીલા નૈય્યર કે દેશનાં પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલા ય આ દેશનાં જ રતન છે.
આવાં કંઈ કેટલાંય મુદ્દાઓ વિચારતાં વિચારતાં ભટ્ટજી કમ્પાઉન્ડમાં ટહેલી રહ્યા હતા. એટલામાં હસુકાકા પ્રગટ થયાં.
“શું ભટ્ટજી? કેમ છો?”
“બસ જુઓ કાકા... ચાલુ છું...”
“હા તે એ તો દેખાય છે મનેય. હું એમ પૂછતો હતો કે શું લાગે છે?”
“શેનું?”
“શેનું તે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એનું.”
“એ દિવસે મારે એક જગ્યાએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સ્પીચ આપવાની છે તે વિશે જરા મનોમંથન ચાલી રહ્યું હતું.”
“અચ્છા. ભાષણ આપવાનાં છો એમ? એમાં કહેજો કે સ્ત્રી એટલે દેવી. એની પૂજા કરવાની હોય. એને માથે બેસાડવાની હોય. નહીં કે એને હડધૂત કરવાની કે એની સાથે ખરાબ વર્તણૂક કરવાની. ખરી હિંમત શરીરનું પ્રદર્શન કરવામાં નહીં પણ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં છે.”
“કાકા.... ભાષણમાં ચાલો એવા છો.”
“બસ, બસ ભટ્ટજી... ચણાનાં ઝાડ પર ના ચઢાવો. જેએસકે.”
“હા કાકા, TTYL”
“એટલે શું ભટ્ટજી?”
“ટોક ટુ યુ લેટર”
“વાહ, ભટ્ટજી... નવું લાયા હોં.. બાકી..”
કાકા ગયા અને ભટ્ટજી પાછાં વિચારવા લાગ્યાં. પ્રતિમા બેદીએ એના જમાનામાં જૂહુનાં દરિયાકિનારે દિગંબર અવસ્થામાં દોડવાની હિંમત કરેલી એવી પબ્લિસિટી સ્ટંટની હિંમતો કરતી સ્ત્રીઓની સંખ્યામાં આજે ઘણો વધારો થયો છે. પુરુષોની મોનોપોલી હોય એવા અનેક ક્ષેત્રોમાં આજે સ્ત્રીઓ વટથી પ્રવેશી ચૂકી છે અને સફળ પણ થાય છે. હમણાંનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો નવો અધ્યાય શરૂ થયો છે. સ્ટૅન્ડઅપ કૉમેડીમાં ધીરે ધીરે અદિતી, પ્રીતિ દાસ, જેવી હિંમતવાન છોકરીઓએ ગજુ કાઢવા માંડ્યું છે. આ પ્રકારનાં કૉમેડી શૉમાં અશ્લિલતા ગમે એટલો પ્રયત્ન કરો તોય આવી જ જાય છે. પત્ની કે સ્ત્રીઓને સૉફ્ટ ટાર્ગેટ માનીને અઢળક મજાકો થઈ હશે, થતી રહી છે અને થતી આવશે એવા આ સમયમાં સ્ત્રીઓ પોતે જ આ ક્ષેત્રમાં આવીને કરારો જવાબ આપે એ અત્યંત જરૂરી છે. ગાંધીજીએય સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર લાવવાની હિમાયત કરી છે. હવે તો ભારતીય કાયદોય દીકરીને પૈતૃક મિલકતમાં સમાન હક્ક આપે છે. દહેજ પ્રજાનો વિરોધ કરતી એક દીકરીએ પરણવા આવેલાં મુરતિયાને લીલા તોરણે પાછો કાઢ્યો હતો. પરદેશોમાં નારી સ્વાતંત્ર્ય વિશે જરા જુદા ખ્યાલો છે. ત્યાં સ્ત્રીઓ એકલી ફરવા નીકળી પડે કે એકલી જ કુંવારી રહે તો કોઈ કંઈ પૂછતું નથી. જાપાનમાં એક છોકરીને એકલાં જ રહેવું હતું એટલે મૅડમ ઇન્ડોનેશિયા પાસે કોઈ સાવ નિર્જન ટાપુ પર પહોંચી ગયા. અથડાતાંકુટાતાં ત્યાં પહોંચી તો ગયા પણ પછી આ વધારે પડતું થઈ ગયું એવી સમજણ આવતાં બહેનને 19 દિવસ લાગ્યાં. 19 દિવસ પછી બહેન વતન પરત થયાં. છાપામાં આટલાં જ સમાચાર છે. પણ એની વિગતે તપાસ કરી તો જાણવા મળ્યું કે બહેન સેલ્ફી ફોટા પાડવાની સવલત છીનવાઈ જવાથી ડિપ્રેશનમાં આવી જાય એમ લાગતું હોવાથી 19મા દિવસે જ પરત આવી ગયેલાં. સ્ત્રીઓ પાસે જે આંસુ અને જીભ એ બે એવા વિનાશી હથિયાર છે કે જગતનું કોઈ વિજ્ઞાન એની નકલ નહીં કરી શકે. પણ “દ્રૌપદીએ જો જીભ પર અને સીતાએ આંસુ પર સંયમ રાખ્યો હોત તો જગત મહાભારત સાથે રામાયણ નામનાં મહાકાવ્યોથી વંચિત રહી ગયું હોત.” ભટ્ટજી આવા આવા વિચારોમાં ટહેલતાં હતાં એટલામાં વળી હસુકાકાની એન્ટ્રી પડી.
“ભટ્ટજી... તમે પેલી વાત વાંચી?”
“ફોડ પાડો કાકા. આ “પેલી, પેલો, પેલું એવાં જબરજસ્ત શબ્દો છે કે બધે એપ્લાય થઈ શકે.”
“અરે પેલી કંબોડિયાની રાજકુમારી માટે 28 લાખ રૂપિયામાં એક શૌચાલય બનાવ્યું તે વાળી વાત કહું છું.”
“હા, અને પ્રિન્સેસે એ શૌચાલયની તસ્વીરો જ લીધી. ઉપયોગ ન કર્યો. બોલો છે ને દાદાગીરી? હવે એ શૌચાલય ટુરિસ્ટ પ્લેસ કહેવાશે.”
“ઓહો ભટ્ટજી... આ તો મને ખબર જ નહતી.”
એટલામાં ભટ્ટજીનો સેલફોન રણક્યો થોડીવાર વાત કરી પછી ભટ્ટજી ઉવાચ : “કાકા, મારું પેલું ભાષણ આપવા જવાનું હતું ને એ કેન્સલ થયું. કારણ કે હવે સંસ્થાને કોઈ સાસ-બહુ સિરિયલની એકટ્રેસ મળી ગઈ છે. એટલે એ ભાષણ આપશે.”
“હત્તારીની... કંઈ નહીં. તમે આપણા ગોકુળધામમાં ભાષણ આપજો. અમે સાંભળીશું.”
ભટ્ટજી ખસિયાણું હસીને ચાલતાં થયાં.
ખોંખારો : વર્ષો પહેલાં સ્ત્રીઓ નાટક- એટલે કે ફિલ્મોમાં કામ નહતી કરતી એટલે પુરુષોએ જ સ્ત્રી વેશ ભજવવા પડતાં. આજે સ્ત્રીઓની સફળતાથી ઇર્ષાથી કે દાઝથી બળી મરીને પુરુષોએ કૉમેડી કરવા માટે સ્ત્રીપાત્રનો સહારો લેવો પડે છે. આને કહેવાય વિકાસ....!
Happy world women’s day.
http://bombaysamachar.com/epaper/e03-3-2016/LADKI-THU-03-03-2016-Page-4.pdf
No comments:
Post a Comment